દલપત પઢિયારની કવિતા/કૂવામાં પાણી ખારું આવ્યું છે!

કૂવામાં પાણી ખારું આવ્યું છે!

કૂવામાં પાણી ખારું આવ્યું છે,
આપણું જ ઓરેલું અંધારું આવ્યું છે!

કાઢ્યું છે નખ્ખોદ, નદીઓ, પહાડોનું,
શોધી આપો હોય જો સરનામું જંગલ ઝાડોનું!
માટી નહીં, માણસને ખોદો,
મેલું મન મજિયારું આવ્યું છે!

બધી વસંતો ફૂલોની દરખાસ્તો સાથે આવી છે,
આપણે તો વાદળ કાપી જળની છબી મઢાવી છે!
ઋતુઓમાં પણ રેત પૂરી છે,
રણ ક્યાં અણધાર્યું આવ્યું છે?

શું કરશો ખૂંટા મારીને, નળસરોવર નાનું ક્યાં છે?
છાલક વાગે સાઇબીરિયામાં, સારસનું મન છાનું ક્યાં છે?
સીમા સરહદ પારથી
સહિયારું આવ્યું છે!

આ છેડે શું પેલે છેડે, સૂરજ આવે જાય છે,
પાણી ને પરપોટા વચ્ચે પછીત મોટી થાય છે!
વધ વધ કરતી વાડનું નાકું જોઈ લો,
શ્વાસ વચ્ચેવચ્ચે ખોડીબારું આવ્યું છે!