દલપત પઢિયારની કવિતા/ગોરંભો લઈ ગગન ઝળૂંભે!

From Ekatra Wiki
Revision as of 00:47, 1 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગોરંભો લઈ ગગન ઝળૂંભે!

ગોરંભો લઈ ગગન ઝળૂંભે એક પડે ના ફોરું,
તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું!

પલળેલી પહેલી માટીની મહેક પવન લઈ આવે,
ઝરમર ઝરમર ઝીલવું અમને બહાર કોઈ બોલાવે,
આઘે ઊભું કોણ નીતરતું, કોણ આવતું ઓરું?...

નાગણ જેવી સીમ વછૂટી ધસી આવતી ઘરમાં,
ભીંતે ભીંતે ભાર ચડ્યા હું ભરત ભરું ઉંબરમાં,
ચાસ પડ્યા તારા ચૌટામાં, હું અંધારામાં અહીં ઓરુું...

મચ્છ તાણીને તારે મારગ મેઘાડંબર આજે,
નદીએ નીર ચડ્યાં ને ચાંદો નેવાં ઢાંકી જાગે,
મોર ઊડ્યા તારી ડુંગરિયે, ટહુકા અહીં હું દોરું...

ઉગમણું ચડવું ને અમને ઊતરવું આથમણું,
રાત ઢળે નીંદરમાં ઊઘલે સજ્યુંં ધજ્યું એક સમણું,
તારે ગોખે દીવા બળે, હું વાટ અહીં સંકોરું...