દલપત પઢિયારની કવિતા/હું

હું

હું
મારા પોતાના જ ભંગાર નીચે
દટાઈ ગયો છું!
ચારે બાજુથી બધું પુરાઈ ગયું છે!
નીકળવાની જગ્યા જ રહી નથી.
આંખો અવાવરું થઈ ગઈ છે
અને કટાઈ ગઈ છે નજર!
ક્યાંયથી એરિયું પડે એમ નથી!
હાથપગ પડ્યા છે :
રદબાતલ, કાઢી નાખેલી ઍંગલો જેવા!
ત્વચા થઈ ગઈ છે બહેરીઠૂંઠ!
હથેળીઓમાં પાણી પડે છે તે
જાણે ટીચીટીચીને ચપ્પટ કરી દીધેલા
પતરા ઉપર પડતું હોય એવું લાગે છે!
મારું નાક, કાન બધું
દંતકથા જેવું બની ગયું છે!
વાણી માટી ખાઈને ઊંઘી ગઈ છે!
મારા નામનાં પાટિયાં ચરી ચરીને
ઊધઈ મોટી થઈ ગઈ છે!
અને શ્વાસ ખવાઈ ગયા છે!
મારા જ ઘર વિશે
મારો આવરોજાવરો બંધ થઈ ગયો છે!
મને હવા અડતી નથી,
મને પાણી અડતું નથી,
મારા ચહેરા વિશે હું શંકામાં છું!
મ્હોરાંના થપ્પેથપ્પા ઉપરા-છાપરી પડ્યા છે,
હું મારા જ મ્હોરાના ટીંબામાં ફેરવાઈ ગયો છું અને
મોહે-જો-ડેરોની બીજી વસાહત જેવો
વાસી દીધેલો પડ્યો છું.
હું
મારો આખો વાસ ખસેડવા માંગું છું
પરંતુ હું સહેજ હલું
તો રહ્યોસહ્યો કાટમાળ પણ
ધસી પડે એમ છે
વેરવિખેર ઠીંકરામાં
કાલે
વળી પાછો તમારે મને ભેગો કરવો પડશે....!