નીતિન મહેતાનાં કાવ્યો/નદી

નદી

ચાલતાં ચાલતાં આ પુલ સુધી તો
હું આવ્યો છું
સામે જોઉં છું તો પીળી એક દીવાલ છે
તેના પર લાલ રંગનું એક ધાબું છે
મારા પગ પાસે ચમકતી રેતી
ઓઢી નદી સૂતી છે
ને મને તરસ લાગી છે
મારા ગળામાંથી ઘૂમરી ખાતાં
તમરાં સતત ઊડ્યા કરે છે
પીળી દીવાલ ક્યારે ખૂલશે
તેની રાહ જોઉં છું.
લાલ ધાબામાંથી એક પક્ષી ઊડે છે
ને સૂરજ પર જઈ બેસે છે
પુલ ધીમે ધીમે ઊંચકાય છે
રેતી ઊછળતી ઊછળતી
છાતી સુધી આવે છે
સૂરજને ચાંચમાં લઈ
પક્ષી ઊડે છે
મારી આંખ નદીના પાણીમાં
ઊંડી ઊતરી જાય છે
હું ત્રમત્રમાટથી દટાઈ જાઉં છું.