નીરખ ને/સંશોધનના વિવિધ પ્રશ્નો અને પાસાં

From Ekatra Wiki
Revision as of 02:40, 11 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સાહિત્યિક સંશોધનને સંશોધન સાથે અને સંશોધનને વિજ્ઞાન સાથે સમ્બન્ધ છે. વિજ્ઞાનને તર્ક સાથે સમ્બન્ધ છે એ જાણીતું છે, અને તેથી સાહિત્ય જેવી કલાઓ – કે જે અ-તર્કથી પ્રાણવાન બનતી હોય છે – સાથેનો એનો દેખીતો વિરોધ પણ જાણીતો છે, પરંતુ ઓછું જાણીતું એ છે કે કલાનું વિજ્ઞાન અસંભવ નથી – એટલે કે તર્કનો આશરો લઈને સાહિત્યકલાનાં પરિણામોને વ્યવસ્થાબદ્ધ ભૂમિકાએ વર્ણવી બતાવવાનું અશક્ય નથી. એટલે કે વિજ્ઞાન અને કલાનો દેખીતો વિરોધ એક ભ્રમણા છે... સાહિત્યનું એક પરિણામ, અને પહેલું પરિણામ આનન્દાનુભવ છે, પણ એ આનન્દાનુભવ જ્ઞાનલબ્ધિમાં પણ પરિણમે છે એ જોતાં સાહિત્યનું બીજું પરિણામ જ્ઞાન પણ છે. કલામીમાંસા-ઍસ્થેટિક્સમાંથી પણ તર્કને કદી બાકાત રખાયો જાણ્યો નથી. સાહિત્યિક સંશોધન, આનન્દ અને જ્ઞાનનો મેળ પાડવાની પ્રવૃત્તિ છે, એક બૌદ્ધિક પ્રવૃત્તિ છે... તો સંશોધન એટલે શું? શોધી લાવવું, બીજાને નહોતું જડતું તે ખોળી કાઢવું એવો સ્થૂળ અર્થ અહીં ગેરહાજર નથી, પણ એટલો અને એવો જ એનો અર્થ નથી. કોઈ ભંડારમાંથી પોથી ખોળીને, એની અનેકોને માટે સમસ્યારૂપ એવી લિપિ વાંચીને, પાઠભેદની પંડિતાઈભરી પ્રચુરતા દર્શાવીને કશી વાચના તૈયાર કરી આપવી તે સંશોધન તો ખરું જ, પણ તેટલું અને તેવું જ સંશોધન નહિ. નહોતી જડતી તે વસ્તુ ખોળી લાવ્યા કે કાચી ધાતુમાંથી સંશોધીને પાકી ધાતુસ્વરૂપની વાચના તૈયાર કરી આપી તે તો સંશોધનનો એક પ્રકાર થયો. કશુંક હતું તે શોધ્યું-સંશોધ્યું એવો પ્રકાર. પણ કશું નહોતું, ને શોધ્યું તે સંશોધનનો બીજો પ્રકાર. કશું પ્રચ્છન્ન અને અમૂર્ત હતું તે શોધ્યું તે સંશોધનનો ત્રીજો પ્રકાર. કશું સંગીનપણે નિયસબદ્ધ હતું, સૂત્રિત હતું, તે નિયમ કે સૂત્ર શોધ્યું તે સંશોધનનો ચોથો પ્રકાર. આમ પહેલા પ્રકાર પછીના સંશોધનના બધા જ પ્રકારો એના સૂક્ષ્મ અર્થને સમજાવે છે, સંશોધનનો ત્યાં સૂક્ષ્મ અર્થ થતો હોય છે, કરવાનો હોય છે. સંશોધન આ રીતે તો એક જમ્પ છે, ફ્લાઈટ છે. કશાક પ્લેટફૉર્મ કે સ્પ્રિન્ગબોર્ડ પરથી થયેલું ઉડ્ડયન છે.

સુમન શાહ



સંશોધનનાં વિવિધ પ્રશ્નો અને પાસાં :
આપણાં પ્રતિષ્ઠિત ચિંતકોનાં મંતવ્યો

સંશોધન, સત્યશોધન, વિશૃંખલ હકીકતોમાંથી ભાત ઊપસી આવવી, રહસ્યદર્શન થવું અને એથી થતો ચિત્તાનંદ જેને ડૉ. રામમનોહર લોહિયા romance of mind કહે છે એ માનવીઓની અનેક વૃત્તિઓમાંની એક પ્રબળ વૃત્તિ છે. ગુજરાતીમાં સંશોધન ઉપર લખાયેલા કેટલાક લેખોના કેટલાક મહત્ત્વના અને રસપ્રદ મુદ્દાઓ નોંધવાનું અહીં તાત્પર્ય છે. ડૉ. સુરેશ જોષીએ ‘કિંચિત્’ (૧૯૬૦)માં ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ એ લેખમાં સાહિત્યના અભ્યાસમાં સંશોધનનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ વિશે થોડી નોંધ કરી છે. ડૉ. સુમન શાહે ‘ત્રૈમાસિક’ ઑક્ટો.-ડિસેમ્બર, ૧૯૭૯ના અંકમાં ‘સાહિત્યિક સંશોધન વિશે’ના સુદીર્ઘ લેખમાં આખા પ્રશ્નને એની સમગ્રતામાં ચર્ચ્યો છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ ‘સાહિત્યસંશોધન’ (‘શોધ અને સ્વાધ્યાય’, ૧૯૬૫)ના એમના લેખમાં પ્રાચીન કૃતિઓનાં અધ્યયન વિશે એક ખૂબ મહત્ત્વની વાત એ કહી છે કે જ્યાં સુધી આસ્વાદ ઉપરાંત ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાકીય દૃષ્ટિએ એ કૃતિઓનું સંશોધન ન થાય ત્યાં સુધી એ અધૂરું જ ગણાય, એમનો પૂરેપૂરો ઉપયોગ થયો ન ગણાય. ડૉ. સુરેશ જોષીએ એવો મુદ્દો ઉઠાવ્યો છે કે કોઈ કૃતિ કેવળ ભૂતકાળની છે એટલા માટે જ જો એ સાહિત્યિક ગુણવત્તાવાળી ન હોય કે તે યુગની સાહિત્યિક સૂઝ, રુચિ કે મહત્ત્વની પરંપરાના અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વની ન હોય તો એ પ્રકાશનને પાત્ર ઠરતી નથી. એમાંની તે સમયની ભાષાની ભૂમિકા, વ્યાકરણ, સામાજિક સ્થિતિ કે બીજી સાહિત્યેતર માહિતી મેળવી લેવી જોઈએ, પણ એના પ્રકાશનને અનિવાર્ય ન ગણવું જોઈએ. ડૉ. સુમન શાહે એમના લેખમાં સંશોધન એટલે શું, સાહિત્યિક સંશોધનનું સ્વરૂપ, સાહિત્યિક સંશોધનમાં કઈ તર્કપદ્ધતિનો વિનિયોગ વગેરેની વિગતે ચર્ચા કરી છે. સાહિત્યિક કૃતિના સંશોધનની લાક્ષણિકતા એ છે કે સંશોધક પ્રથમ તબક્કે તો એક ભોક્તા છે. કૃતિના આસ્વાદ-આનન્દ-અનુભવ પછી તેને કશી જ્ઞાનલબ્ધિ થાય. આ આનન્દાનુભવ અને જ્ઞાનલબ્ધિને બીજા માટે વ્યાખ્યાબદ્ધ કરવા માટે સંશોધકને વૈજ્ઞાનિક પદ્ધતિનો આશરો લેવો પડે. અનુભવમૂલક પ્રયોગ-empirical experiment અને તર્કપૂતશોધ-rational inquiry વડે જ વૈજ્ઞાનિક પદ્ધતિ સંપૂર્ણ બને. એ પછી એમણે સંશોધન અને વિવેચનની સરખામણી અત્યંત વિશદ રીતે કરી છે. સાહિત્યિક સંશોધન અને વિવેચન એકસરખાં અને પૂરક હોય છે. બન્નેમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો વિનિયોગ હોય છે. માત્ર વિવેચન અમર્યાદપણે સંશોધનથી મુખ્યત્વે મૂલ્યાંકનની દિશામાં ફંટાઈ જાય છે. એ મૂલ્યાંકન પાછળ કશોક અભિગમ, સ્થિર કરનારી ચોક્કસ ફિલસૂફી પડી હોય છે, અને એ મૂલ્યાંકન શાસ્ત્રબદ્ધ થયા પૂર્વે અને પછી પણ અનેકશઃ વૈયક્તિક હોય છે. ડૉ. ભાયાણીએ ફાર્બસ ગુજરાતી સભા શતાબ્દીની (૧૯૬૫) ઉજવણી પ્રસંગે ‘સંશોધન : તેનું પ્રયોજન, સ્વરૂપ અને પદ્ધતિ’ના એમના વ્યાખ્યાનમાં સંશોધન માટેની ત્રણ મહત્ત્વની પૂર્વશરતો તરફ ખાસ ધ્યાન દોર્યું છે : (૧) ભૂતકાળના અભ્યાસ માટે સાધનસામગ્રી અને પુરાવા છૂટકતૂટક, સંદિગ્ધ અને અપર્યાપ્ત હોય છે. અનેક સ્થળે આપણી પાસે સળંગ ચિત્ર સંયોજિત કરવા માટે કશો આધાર નથી હોતો, અથવા તો જે માહિતી હોય છે તેને કેવી રીતે ઘટાવવી, તેનું મૂલ્ય કેટલું અને કેવું ઠરાવવું તે માટે કશું દિશાસૂચન નથી હોતું. આવી પરિસ્થિતિમાં તટસ્થ ભાવે જે કંઈ સામગ્રી ઉપલબ્ધ હોય એ તપાસી એ અટકળ કામચલાઉ છે એવી કશા મમત વગરની સ્પષ્ટ સમજ હોવી આવશ્યક છે. (૨) બીજી આવશ્યકતા તે આપણે જે ક્ષેત્રમાં અને જે વિષયમાં કામ કરવું હોય તેમાં અત્યાર સુધી થયેલા કાર્યનો સાંગોપાંગ પરિચય આવશ્યક છે. પૂર્વકાર્ય પ્રત્યે અજ્ઞાન કે ઉપેક્ષા સેવાય છે એ દયાપાત્ર છે. એમાં જ્ઞાનનો દ્રોહ છે. (૩) સંશોધનની ત્રીજી આવશ્યકતા તે પોતાના વિષય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી સામગ્રીને વારંવાર જોતાં-તપાસતાં રહેવું જોઈએ.” ડૉ. ભોગીલાલ સાંડેસરાની ‘સંશોધનની કેડી’(૧૯૬૧)માંના ત્રણ લેખોમાંના કેટલાક મુદાઓ, ડૉ. દલસુખ માલવણિયાના ગુ.સા. પરિષદના ૨૮મા અધિવેશન (૧૯૭૬)માં સંશોધન વિભાગના પ્રમુખીય વ્યાખ્યાનમાંથી થોડુંક અને ડૉ. પ્રબોધ પંડિતે ગુ.સા. પરિષદના ૨૭મા (૧૯૭૪) અધિવેશનમાં સંશોધન વિભાગના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાંના કેટલાક વિભાવો તપાસતા મુદ્દાઓ જોઈશું. ડૉ. સાંડેસરાના મંતવ્ય પ્રમાણે ઐતિહાસિક અધ્યયન માટે ખર્ચાળ પ્રયોગશાળાઓની કે મોંઘા સાધનોની જરૂર ઘણુંખરું નથી. એની મુખ્ય જરૂરિયાત સમૃદ્ધ અને વ્યવસ્થિત પુસ્તકાલયોની છે. ઇતિહાસનાં બીજાં અનેકવિધ સાધનો હોવા છતાં એનું સૌથી વૈવિધ્યમય સાધન તો લિખિત પુસ્તકો – સાહિત્ય જ છે. અને તેથી આપણી પ્રાચીન કૃતિઓનું સંસ્કૃતિ તેમજ ભાષાની દૃષ્ટિએ અધ્યયન થવું જોઈએ. કવિ દલપતરામે ગુજરાતના પ્રથમ ઇતિહાસકાર ફાર્બસસાહેબ માટે ઐતિહાસિક રાસાઓ એકત્ર કરવા માંડ્યા ત્યારથી આ કાર્યના શ્રીગણેશ થયા. ડૉ. દલસુખ માલવણિયાએ એક ચેતવણી ઉચ્ચારી હતી કે “ગુજરાતમાં જે અનેક પ્રકારની જાતિઓ છે અને જે નાનાં રાજ્યો વિલીન થઈ ગયાં છે તેમના ઇતિહાસની સામગ્રીનો અત્યારે જો ઉપયોગ નહીં કરવામાં આવે તો તે સામગ્રી ઉપેક્ષિત થઈ વિલીન થઈ જશે. એમણે એ પણ ખેદ વ્યક્ત કર્યો હતો કે આપણી ભાષામાં વેદના વિદ્વદ્માન્ય અનુવાદો નથી થયા. વેદના નામે જે થઈ રહ્યું છે તે કથાવાર્તા છે. બીજી મહત્ત્વની એ વાતનો એમણે નિર્દેશ કર્યો હતો કે ગુજરાતમાં જે દાર્શનિક સાહિત્ય લખાયું છે તેમાં બૌદ્ધ અને જૈન દાર્શનિકોનો ફાળો બહુમૂલ્ય છે તે આપણને જો વિદેશી વિદ્વાન કહે તો સ્વીકારીએ પણ સ્વયં અભ્યાસ કરી તેનું મૂલ્યાંકન આપણે કરતાં નથી. ભારતીય દર્શનોનું નવનીત કોઈએ તારવ્યું હોય તો તે ગુજરાતના દાર્શનિકોએ તારવ્યું છે. ખેદની વાત તો એ છે કે આવી સંપત્તિ ગુજરાત પાસે પડી છે છતાં તે પ્રત્યે ગુજરાતના વિદ્વાનો ઉપેક્ષાભાવ સેવે છે. આ સંદર્ભમાં એમણે બે ગ્રંથોનો ઉલ્લેખ કર્યો : એક પાંચમી શતાબ્દીમાં થઈ ગયેલા મલ્લવાદીએ ‘નયચક્ર’ નામે ગ્રંથ લખ્યોદ્યાં તત્કાલીન ભારતીય દાર્શનિકોની વિવિધ ચર્ચાના ગુણદોષનું વિવરણ જોવા મળે છે અને બીજો આઠમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રે શાસ્ત્રવાર્તા-સમુચ્ચય લખી પુનઃ સમગ્ર ભારતીય દાર્શનિક ચર્ચાઓનું મૂલ્યાંકન કર્યું છે.” ડૉ. સાંડેસરાએ યુનિવર્સિટી-કક્ષાએ સંશોધન અંગે કેટલીક પ્રસંગોચિત વાત કરી છે. ‘યુનિવર્સિટીનાં બે મુખ્ય કર્તવ્યો છે : શિક્ષણ અને સંશોધન. આ બન્ને કાર્યો વચ્ચે કશો વિરોધ નથી, પણ બન્ને એકબીજાને ઉપકારક છે. કોઈ પણ વિષયનું ઉચ્ચ શિક્ષણ એને લગતા સંશોધનથી અલગ પડી શકે નહીં. અધ્યાપક પક્ષે સંશોધનકાર્ય એની જ્ઞાનની મર્યાદા વિસ્તારીને એને એક પ્રકારની તાજગી અર્પીને અભ્યાસવિષય પરત્વે સદા અભિમુખ રાખે છે અને વિદ્યાર્થીઓને પણ નાવીન્યનો લાભ મળે છે.” બીજો ખાસ તો એમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે “જ્ઞાન અને વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં મૂળભૂત અગત્યનું સંશોધન - Fundamental Research જેની તાત્કાલિક અગત્ય સ્પષ્ટ ન હોય, પણ માનવ-જ્ઞાનની સીમાઓ વિસ્તારવામાં જે ઉપયોગી થાય એ યુનિવર્સિટીઓની સૌથી મહત્ત્વની ફરજ છે કેમ કે એના પાયા ઉપર જ સમય જતાં અગત્યના વ્યવહારુ ઉપસિદ્ધાંતોનું મંડાણ થાય છે.” ડૉ. પ્રબોધ પંડિતે ભાષાક્ષેત્રે વિભાવોની સ્પષ્ટતા અંગે અતિ આવશ્યક પ્રશ્ન ઉઠાવ્યો હતો. એમણે માતૃભાષા, સેકન્ડ લેંગ્વેજ, એસોસિયેટ લેંગ્વેજ, લાયબ્રેરી લેંગ્વેજ અને લિંક લેંગ્વેજની સુંદર રીતે શાસ્ત્રીય સ્પષ્ટતા કરી છે. અહીં આપણે માત્ર એમણે સેકન્ડ લેંગ્વેજ વિશે આપેલી સમજણ જોઈશું. ડૉ. પંડિત ‘બીજી ભાષા’ના વિભાવની છણાવટ કરતાં કહે છે કે “આપણા દેશમાં અંગ્રેજી ભાષા પૂરક ભાષા છે, ફ્રેન્ચ કે જર્મન જેવી પરભાષા નથી. રાજકીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક કારણોએ અંગ્રેજી ભાષાનું આ દેશમાં વર્ચસ્વ સ્થપાયું. સરકારી વહીવટની, કોર્ટ અને કાયદાની ભાષા અંગ્રેજી બની. ઉપરાંત ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની ભાષા પણ અંગ્રેજી બની. માતૃભાષાનું સ્થાન માત્ર રોજ-બ-રોજ વ્યવહાર પૂરતું રહ્યું. માતૃભાષા સાથે જ્યારે કોઈ ભાષાનો પૂરક સંબંધ થાય ત્યારે તે ‘બીજી ભાષા’ ગણાય. પણ ફ્રેન્ચ કે જર્મન ભાષાઓનો માતૃભાષા સાથે પૂરક સંબંધ નથી, ઉપકારક સંબંધ છે.” ડૉ. પંડિતનો આ મુદ્દો આપણે થોડો આગળ ચલાવીએ. આપણા શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન એ ઘણો જટિલ પ્રશ્ન બની ગયો છે. બન્ને બાજુ આત્યંતિક વલણો લેવાય છે. એક પક્ષે અંગ્રેજી હટાવની વાતો થાય છે અને બીજે પક્ષે માબાપ બાળકને અંગ્રેજી બોલતું સાંભળીને ધન્ય બની જાય છે. ગમે તે કારણે અંગ્રેજીનું મહત્ત્વ અને આકર્ષણ નકારી શકાય એમ નથી. એની જ સાથે બાળક જે ભાષામાં બોલે એમાં શીખે નહીં એથી વધારે અસ્વાભાવિક બીજી કઈ પરિસ્થિતિ હોય? એ ઉપરાંત પણ એનાં બીજાં ખતરનાક પરિણામો હોય છે. પણ એમાં આપણે અહીં નહીં ઊતરીએ. આ મડાગાંઠને હલ કરવાનો સારામાં સારો ઉપાય એ છે કે બધી જ પ્રાદેશિક ભાષાઓવાળી શાળાઓમાં ઉત્તમમાં ઉત્તમ અંગ્રેજી શીખવાય અને બાળક એમાં સારું એવું કૌશલ પ્રાપ્ત કરે તો અંગ્રેજી માધ્યમવાળી શાળાઓનું આકર્ષણ ઘટશે – સારા પ્રમાણમાં ઘટશે. મુંબઈમાં તો એવી એક શાળાનો દાખલો છે. અંગ્રેજી માધ્યમને પણ હટાવી શકાય તો એ ઘણી મોટી સિદ્ધિ ગણાય. વિભાવો વિશે જ્યારે સ્પષ્ટતા ન હોય, માત્ર ધૂંધળો ખ્યાલ હોય ત્યારે કેવો મોટા આર્થિક વ્યય અને વ્યર્થ શ્રમ પરિણમે છે એ ડૉ. પંડિતે સદૃષ્ટાંત સમજાવ્યું છે. “ભાષાવિકાસનો પ્રશ્ન લો. લેખકો, પ્રકાશકો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્ય પરિષદો, રાજકીય પક્ષો ભાષાવિકાસના પ્રશ્નનો છૂટથી ઉપયોગ કરે છે. સરકાર પણ એ માટે વિશાળ ફંડ ફાજલ રાખે છે. ભાષાવિકાસને નામે અનેક જમાતો એ ફંડ મેળવવા તૂટી પડે છે. પણ આજના સંદર્ભમાં ભાષાવિકાસ એટલે શું? ગુજરાતી ભાષા વાપરનારી પ્રજા કેટલી છે? લગભગ અઢી કરોડની વસ્તી આ ભાષા દ્વારા પોતાનો રોજિંદો વ્યવહાર કરે છે. આ અઢી કરોડમાંથી લખતાં-વાંચતાં કેટલાંને આવડે છે? નિરક્ષર કેટલાં છે? લગભગ બે કરોડની વસ્તી નિરક્ષર છે. એમને માટે આ ભાષા લખવા-વાંચવાના ખપની નથી. ભાષાવિકાસનું પહેલું પગથિયું એ જ હોઈ શકે કે બે કરોડ નિરક્ષરો સાક્ષર થાય. એ આપણા ભાષાવિકાસની પહેલી અને સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ હોવી જોઈએ.” ‘ત્રૈમાસિક’ને સાહિત્યને લગતાં, ઇતિહાસને લગતાં, ભાષાને લગતાં, ગુજરાતી ચિત્રકળા, સ્થાપત્ય, શિલ્પને લગતા શાસ્ત્રીય સંશોધનલેખોમાં રસ છે. પણ આ ઉપરાંત ઉચ્ચસ્તરીય વિવેચનલેખો, આસ્વાદો, સમીક્ષાઓ, ચર્ચાઓ જેમનો પરોક્ષ રીતે સંશોધનમાં ફાળો હોય છે એમાં રસ ધરાવે છે. એ ઉપરાંત આધુનિક મન સાથે, ઉપરોક્ત વિષયોના જીવંત પ્રશ્નો સાથે સતત સન્ધાન ઇચ્છે છે.

[ફેબ્રુ., ૧૯૮૦