નીરખ ને/હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે

From Ekatra Wiki
Revision as of 01:03, 11 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હાસ્ય ને કરુણ એકબીજાનાં વિરોધી નથી, એક જ સિક્કાની એ જુદી જુદી બાજુઓ છે. બંને એકબીજાનાં પૂરક માત્ર નથી, બંને સહયોગી છે ને એકસાથે જ વસે છે. ભોક્તાને ભાવસંક્રાન્તિ દ્વારા અપૂર્વ આનંદનો અનુભવ કરાવવાનું - આનંદ આપવાનું કલા માત્રનું ધ્યેય છે. આનંદનું તત્ત્વ બધામાં રહેલું છે. જુગુપ્સા પ્રેરે, ભય ઉપજાવે, કષ્ટ ને સંતાપ કરે એવાં દૃશ્યો કે પ્રસંગોમાં પણ ગૂઢ રીતે આનંદજનક તત્ત્વ રહેલું હોય છે. કલાકાર એ સર્વને સંસ્કાર આપી, એનાં આનંદવિરોધી તત્ત્વોનો પરિહાર કરી, કેવળ આનંદજનક તત્ત્વને માણી શકાય એ રીતે તેની રચના કરે છે. સ્થૂળ દૃષ્ટિએ જ દૃશ્યો જુગુપ્સાપ્રેરક કે ચીતરી ચઢે એવાં હોય છે, તેનાં સમર્થ સાહિત્યકાર દ્વારા કરાએલાં વર્ણન આનંદજનક હોય છે. આથી દૃશ્ય જગતમાં હેય લાગતી વસ્તુઓ કલાની સૃષ્ટિમાં અત્યંત આકર્ષક રૂપ ધરીને આવી શકે છે.

જ્યોતીન્દ્ર દવે



હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે

તા. ૧૦-૯-૮૦ને દિને એક શ્રેષ્ઠ હાસ્યકાર, ઉચ્ચ કોટિના વિદ્વાન અને એક ઉત્તમ સજ્જને ગુજરાતી જગતમાંથી અંતિમ વિદાય લીધી. જે દિવસે જ્યોતીન્દ્રભાઈ દવે ગુજરાતી તખ્તા ઉપર એમનું હાસ્ય લઈ આવ્યા એ ગુજરાતને માટે એક અવર્ણનીય, અણકલ્પ્યો. અત્યંત ચોંકાવનારો, લોકોને તંદ્રામાંથી જગાડનારો એક શુભ અવસર બની રહ્યો. પછી તો એ અવસરોની પરંપરા ચાલુ રહી અને વર્ષો સુધી શ્રી જ્યોતીન્દ્ર દવેએ હાસ્ય-સમ્રાટ તરીકે એકહથ્થુ એકચક્રી રાજ્ય કર્યું. એમની નિર્દંશ, સૂક્ષ્મ, આયાસરહિત, નિસર્ગદત્ત હાસ્યવૃત્તિએ એક અદ્ભુત લીલા સર્જી લોકોને અભિભૂત કર્યા. આજે તો સુવિદિત છે કે એ માત્ર હાસ્યકાર નહોતા – કદાચ એથી પણ મોટા એ વિદ્વાન હતા. એમની વિદ્વત્તા અને એમની હાસ્યવૃત્તિને નોખાં પાડી કયું વધારે ઇચ્છનીય એ વાદ કૃતક છે. એમના વ્યક્તિત્વનાં જ એ બે પાસાં હતાં, કહો કે બન્ને એકબીજાને કારણે સજીવ હતા. એમની દેખીતી નિર્હેતુક હાસ્યલીલા પાછળ કોઈક ચોક્કસ દૃષ્ટિબિંદુ, વિશાળ વૈચારિક ભૂમિકા કાર્યરત હતી એ જોઈ શકાય એમ છે. એ કહેતા કે માનવજીવનમાં રહેલી અસંગતિ અને ક્ષુદ્રતાને હસી કાઢી શકાય તો જીવનને અસહ્ય બનતું અટકાવી શકાય. વિશ્વની વિરાટ યોજનામાં આપણે જેનો સંતાપ કરતા હોઈએ છીએ એનું કંઈ મહત્ત્વ હોતું નથી. એમણે એમના ‘હાસ્યરસ’ ઉપરના નિબંધમાં વર્તન, વાણી અને વિચારમાં રહેલી અસંગતિમાંથી નિષ્પન્ન થતા હાસ્યની છણાવટ કરી છે. વર્તન દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય મજાકમશ્કરી, ટોળટીખળ, ભવાઈવેડા, વિદૂષકાદિની ચેષ્ટાઓમાં જોવાય છે. વાણી દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય કેવળ શબ્દમૂલક હોય છે. પણ જ્યારે વિનોદરસ બુદ્ધિના તલને સ્પર્શે છે ત્યારે એ ઊંચામાં ઊંચી કક્ષાએ પહોંચે છે. એમના દૃષ્ટિબિંદુને તાદૃશ કરતું અવતરણ જોઈએ : “ઊંચા પ્રકારનો વિનોદ માનવસ્વભાવ ને બુદ્ધિનું સૂક્ષ્મ સ્વરૂપ પકડે છે અને એમાં રહેલી અસંગતિઓના નિરૂપણ દ્વારા, ક્વચિત અવળવાણી દ્વારા, તો ક્વચિત્ત કટાક્ષકથન મારફત રસનિષ્પત્તિ સાધે છે. આ પ્રકારનો વિનોદરસ પરલક્ષી મટી આત્મલક્ષી બને છે. બહારની દુનિયાને જોવાને બદલે એ અંદરની દુનિયાને નિહાળે છે. લેખક જાણે કહે છે : ‘બહારની દુનિયામાં હસવા જેવું છે. તેનામાં, તમારામાં ને મારામાં, આપણા બધામાં હસવા સરખું ઘણું છે. આવા હસવાયોગ્ય જીવનમાં આ પ્રક્ષોભ શો, આટલી અધીરાઈ શાને, આવડી અક્ષમા શા માટે, આ અનુદારતા, આ અહંતા, આ પામરતા એ શા કાજે? આ વિરાટ વિશ્વની યોજનામાં કેટલી બધી તુચ્છ એ વસ્તુઓ લાગે છે!” મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે જ્યોતીન્દ્રભાઈએ આપેલા ‘રસસિદ્ધાંત’ ઉપરનાં વ્યાખ્યાનો ત્રૈમાસિકમાં લેવાની નેમ સાથે એમનો સંપર્ક સાધ્યો તો નિર્લેપતાપૂર્વક એમણે ઉત્તર વાળ્યો કે એમનાં એ વ્યાખ્યાનો લખેલાં નથી! જ્યોતીન્દ્રભાઈને જેમ પ્રસિદ્ધિ કે નામની ખાસ ખેવના નહોતી એમ એ સંઘર્ષથી પણ દૂર જ રહ્યા હતા. આપણા સાહિત્યનો તરુણ યુવાવર્ગ આજે વિદ્રોહની ગંભીર, ક્યારેક ઇરાદાપૂર્વકની બરછટ ભાષા વાપરે છે – જો કે ક્યારેક શંકા જાય કે એની સામે વિદ્રોહ કરે છે – પણ એની સાથે એમની પાસે રમૂજ અને વ્યંગનાં આયુધો હોય તો ધાર્યું નિશાન વધુ અસરકારક રીતે તાકી શકાય અને બિનજરૂરી કડવાશ અને issuesનું ધૂંધળાપણું પણ કદાચ નિવારી શકાય.

[ઑગસ્ટ, ૧૯૮૦