પરકમ્મા/જૂસો મનરો

જૂસો મનરો

રાણાભાઈ પાસેથી મળેલ છેલ્લું ટાંચણ આપીને એમના મૃત આત્માને સલામ દઉં છું — ગુરગટના જમાદાર ઉમર આમદ ભેગો જૂસો મનરો નોકરીમાં હતો. જમાદારે હુકમ કર્યો કે ગુરગટના આયર ભીમાં કાળાની દીકરા-વહુને તેડવા ગાડું મોટે આસોટે જાય છે તેની સાથે જાવ. વહુને તેડીને ગાડું સોનારડીને પાદર આવ્યું. મૂળુ માણેક (વાઘેર બહારવટિયો) તે વખતે જખ્મી થઈને સોનારડીના ગરાસીઆને ઘેર રહેલ, પાસે પૈસા ન મળે. એટલે ખરચી મેળવવા માટે વાઘેરોએ ઓડા બાંધ્યા હતા. ગાડું નીકળ્યું. પૂછ્યું, ‘ક્યાનું ગાડું?’ ‘ગુરગટનું’ ‘ક્યાં ગયું’તું?’ ‘આસોટે.’ ‘કોણ છે સાથે?’ ‘જુસો મનરો.’ એટલે મૂળુ માણેકે ગાડું લૂંટવાની ના પાડી. પણ વીધો માણેક ન માન્યો. ઘણું મૂળુ માણેકે કહ્યું છતાં ખરચીને અભાવે છેવટે ગાઠા પાછળ ચાલ્યા. માથે ધાબળા ઓઢીને બાવાઓ સાથે ભળી ગયા. ગુરુગઢ નજીક હતું. આયરે ગાડું છોડ્યું. જુસો મનરો દેવતા સળગાવી ચલમ ભરે છે. આહિરની દીકરા-વહુનાં બધાં ઘરાણાં પોતાના હમાચામાં છે. એમાં મૂળુ માણેકે જુસાની બંદુક ખેંચી લીધી. ટપોટપ કૂચલીઉં ઉપાડી, અને બંદૂકું ભરી. જુસો મનરો કહે, ‘બંદુક શું કામ? તરવારે આવી જાવ.’ એક હાથે છરી લઈ, બીજે હાથે હમાચો વીંટી, જુસો કુદ્યો. છરીથી ત્રણને માર્યા. ગાડામાંથી વહુ કૂદી, સાસરાને કહે ‘પીટ્યા! જોછ શું?’ જુસાની તરવાર વહુએ ખેંચી અને વહુ કૂદી. સસરો કહે ‘અરે દીકરી! મને તરવાર દે.’ કે ‘ના બાપ તને ન હોય!’ બાઈ મંડી, બે જણને માર્યા. મૂળુ માણેક પોતાના જણને કહે ‘હવે બસ.’ લાશો ઉપાડીને ચાલ્યા ગયા.