પુરાતન જ્યોત/૭


[]


રછીને જોરે જમીનો દબાવી દબાવી કાઠીઓ ઠરીઠામ બેસતા હતા. જમીન ખેડનારા ધીંગા ખેડૂતો મળી જવાથી કાઠીઓ નવરા પડ્યા હતા. રજપૂતોની નકલ કરવા લાગેલા કાઠીઓએ પોતાના ઘરમાં ઓઝલપરદા પેસાડ્યા. સૂરજના સ્વતંત્ર પૂજકો મટીને તેઓએ શિવ, વિષ્ણુ આદિ ઉજળિયાત જાતિઓના ઈષ્ટદેવોને સ્વીકારવામાં પોતાની ઈજ્જત માની હતી. ધર્માલયો દાનપુણ્યનાં ને સખાવતોનાં સ્થાન બની જાય છે ત્યારે એમાંથી મળતી પ્રતિષ્ઠાના પરદા પાછળ માનવી પોતાનાં હજારો પાપ છુપાવે છે. બગેશ્વર ગામના કાઠી જમીનદાર જેનું નામ આપણે જાણતા નથી, તેની દેશભક્તિ ઉપર ઉજળિયાત વસ્તી મુગ્ધ બની હતી. બગેશ્વરના શિવલિંગની સામે દરરોજ એક પગે ઊભા રહીને એ દશ માળા ફેરવતો હતો. મહાશિવરાત્રિની શિવયાત્રામાં, શિવની પાલખીની આગળ આળગોટિયાં ખાતો ખાતો આખી વાટ મજલ કરતો. ભિક્ષાની ટહેલ નાખતી અમરબાઈ કોઈ કોઈ વાર બગેશ્વર સુધી આવવા લાગી. પરબ-વાવડીના સ્થાનક ઉપર આશ્રિતોની ભીડ વધતી જતી હતી. સહુને પેટે ધાન પૂરવા માટે અમરબાઈનો ભિક્ષાપંથ લંબાયે જતો હતે. દત્તાત્રેયના ધૂણાથી બગેશ્વર દસ ગાઉ હતું. વગડા ખેડતી કેટલીક સ્ત્રીઓએ અને ગોવાળાએ એને ચેતાવેલાં કે, ‘માતાજી, ભલાં થઈને એ દિશામાં જતાં નહીં. ત્યાં સ્ત્રીનું રૂપ રોળાયા વિના રહેતું નથી. વળી ત્યાં જનોઈ વાળાઓનું અને કંઠીવાળાઓનું જોર છે.' 'મને, ધરમની ગવતરીને કોણ છેડવાનો છે? એવું સમજીને અમરબાઈ નિર્ભય ભમતી હતી. પણ બગેશ્વરના કાઠીઓ વિશે એણે બહુ બહુ વાત જાણી તે પછી એનું દિલ થરથરતું હતું. પણ દિલ તો ઘોડા જેવું છે. એક વાર જ્યાં ચમકીને એ અટકે છે, ત્યાં એ સદાય અટકે; માટે ડાહ્યો ચાબુક-સવાર પોતાના પ્રાણીની ચમક પહેલે જ ઝપાટે ભાંગી નાખે છે. અમરબાઈના આત્માએ પણ ચમકતા કલેજા ઉપર આગ્રહનો ચાબુક ફટકાવ્યો. એક દિવસની સાંજે બગેશ્વરની શેરીઓમાં ‘સત દેવીદાસ'નો સખુન ગુંજી ઊઠ્યો. તે વખતે સૂર્ય આકાશની સીમમાંથી થાકી લોથ થઈ ક્ષિતિજની નીચે જતો હતો. સજ્જનની વિદાય પછી પણ પાછળ રહી જતી સુવાસ જેવી સૂર્યપ્રભા હજુ પૃથ્વી ઉપર ભભકતી હતી. થોડા જીવતરમાંય ઘણી ઘણી રમત રમી જનારી સંધ્યા પણ હવે તો છેલ્લા શ્વાસ ભરતી હતી. તે વખતે બગેશ્વરનો પૂજારી બાવો દરબારની ડેલી તરફ ઝપાટાભેર ચાલ્યો. ને ત્યાં પહોંચી એણે લાલઘૂમ લેચનો ફાડી બગડેલી હિંદી વાણીમાં વરાળો કાઢી. કે, “કાઠી, તેરા સત્યાનાશ નિકલસે!” "શા માટે ગુરુજી?” "વો નકલી મીરાંબાઈને સારા ગાંવકો ધર્મભ્રષ્ટ કર દિયા. ઘર ઘર ભીખતી-ભીખતી વો અબ કહાં ચલી માલૂમ સે તૂંને?” “ક્યાં?" "ચમારવાડેમેં, વહાંસે વો મુડદાલ માંસકી ભીખ લેસે.” બગેશ્વરનો પૂજારી હજુ પૂરું બોલી નહોતો રહ્યો, કાઠી દરબારના મોં પરની રેખાઓ હજુ પૂરેપૂરી કરડાઈ ધારણ નહોતી કરી રહી, ત્યાં તો નજીકમાંથી અવાજ આવ્યો : 'સત દેવીદાસ!' "વોહી ડાકિની!” પૂજારીએ ચમકીને કાન માંડ્યા. શબ્દ ફરી ફરી વાર આવ્યો: ‘સત.... દેવીદાસ!' માઢ-મેડીની બારીમાંથી કાઠીરાજે ડોકિયું કર્યું. જોગણને આવતી દેખી. અંચળો નથી, ચીપિયો નથી, કાનમાં કડીઓ નથી, ડોકમાં કંંઠી નથી. માળા પણ નથી. ગેરુવા રંગમાં આછું રંગેલું એાઢણ સંસારીની અદબથી ધારણ કર્યું છે. ને માથા પર કાળા કોઈ વાસુકિનાં બચળાંને મળતાં વેંત વેંત ટૂંકાં લટૂરિયાં છે. પૂર્વે ત્યાં એક આણું વળીને પિયુઘેર જતી આહીરાણીનો ઘૂંટણે ઢળકતો ચોટલો હતો. પૂજારી કાઠીરાજના ચહેરાને નિહાળતો હતો. એ ચહેરાની રેખાઓએ પહાડી ઝરણાઓના પ્રવાહોની સુંવાળી રસાળી બંકાઈ ધારણ કરવા માંડી હતી. અમરબાઈ કાઠીરાજની ડેલીમાં ક્યારે પેઠી, અને રામરોટી માગીને પાછી ક્યારે બહાર નીકળી ગઈ તેનું ભાન કાઠીરાજને રહ્યું નહોતું. એ ભાન એને પૂજારીએ જ કરાવ્યું : "દેખ, તેરે ઘરમેં ભી ડાકણ જાઈ આવી.” "હેં! ગોલ...!” કાઠીની ગાળોમાં પ્રિય શબ્દ, લાડકવો શબ્દ, સદાય જીભને ટેરવે રમતો શબ્દ ‘ગોલકી' અથવા પુરુષવાચક ‘ગોલકીના' એવો હતો. એ શબ્દમાં રમૂજભર્યો તિરસ્કાર હતો. પણ એ શબ્દનો ઉચ્ચાર કાઠીરાજના હોઠ ઉપર અધૂરો રહી ગયો. એ હોઠની નજીકમાં જોગણના વદનની કલ્પના છબી રમતી હતી. જીવનમાં પહેલી વાર કાઠીરાજને એવું એક માનવી જડ્યું, કે જેના પ્રત્યેનો અપશબ્દ પોતાની જીભ ઊંચકી ન શકી. નીચે બેઠેલા ચોકીદારોને એણે હાક મારી : "કેમ એ બાવણને અંદરના વાસમાં જવા દીધી?” માણસોએ જવાબ આપે : “એણે અમારી રજા માગી નહીં. એને અમે રોકવાનું કહી જ ન શક્યા? અમારી જીભ કોણ જાણે શા કારણે તાળવામાં ચોંટી રહી.” "એટલે? ડાચાં ફાડીને બધા બસ એની સામે ટાંપી જ રહ્યા? તમારા માંહેલા એંશી વર્ષના બૂઢાઓનેય ત્યાં શું જોવા જેવું રહી ગયું’તું?” માનવી જેને ચમત્કારોમાં ખપાવે છે એ બાબતો મૂળ તો આવી જ સીધી ને સાદી હશે કે? આત્માનું બળ જ્યારે એકઠું થઈને દેહ ઉપર ઝળોળી ઊઠે છે ત્યારે વાઘવરુ જેવાં મનુષ્ય પણ શું એ વિભૂતિના પ્રભાવથી દબાઈ નથી જતાં? પહાડ-શા પડછંદ પુરુષ એકાદ દુબળા ને બદસૂરત દેહની પાસે અવાક બને છે, તેનું શું રહસ્ય હશે? શ્રીકૃષ્ણ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવવાની જરૂર જોઈ હશે, એવું માનવામાં જ નથી આવતું. અર્જુન તો ચમક્યો, ધ્રૂજ્યો, ને નમ્યો હશે એના સારથિના સાદા નાના માનવ-સ્વરૂપની સામે. કેમ કે એ માનવી, એ મુરલીધર, જીવનતત્ત્વોનો સુંદર મેળ મેળવી શક્યો હતે. લાંબા લાંબા દાંત અને એ દાંતની વચ્ચે ચગદાતો અનંત માનવસમૂહ, એવું કશું જ દેખાડી અર્જુન-શા મહાવીરને, પ્રજ્ઞ પુરુષને, સ્તબ્ધ કરી દેવાની જરૂર નહોતી. "પૂજારી! તમે પધારો. હું એ વાતની વેતરણ કરી નાખીશ.” "હા. નહીંતર તેરા નિકંદન નિકલ જાસે.” એવી દમદાટી દેતો પૂજારી પાછો ગયો. ને પૃથ્વી ઉપર પૂરેપૂરાં અંધારાં ઊતરી ચૂક્યાં.