પ્રતિપદા/૧. હરીશ મીનાશ્રુ

Revision as of 22:25, 10 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. હરીશ મીનાશ્રુ|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}} ધ્રિબાંગસુંદર એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. હરીશ મીનાશ્રુ

કાવ્યસંગ્રહોઃ

ધ્રિબાંગસુંદર એણી પેરે ડોલ્યા, સુનો ભાઈ સાધો, તાંબૂલ, તાંદુલ, પર્જન્યસૂક્ત, પદપ્રાંજલિ, શબદમાં જિનકું ખાસ ખબરાં પડી, પંખીપદારથ (અંગ્રેજી અનુવાદમાંઃ અ ટ્રી વીથ એ થાઉઝન્ડ વીગ્નસ) પ્રકાશ્યઃ નાચિકેતસૂત્ર, બનારસ ડાયરી.

પરિચય:

અભ્યાસે રસાયણશાસ્ત્રના અનુસ્નાતક, વ્યવસાયે બૅન્કર. એકાદ દશકો વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ. ભૂતકાળમાં બબ્બેવાર લાંબા સમય સુધી કવિતાલેખનથી પણ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ. આધુનિક અને અનુ-આધુનિક કવિતા વચ્ચેના સમર્થ સેતુરૂપ કવિ. કવિતાની શરતે સંતપરંપરાનો પાઠ નવી રીતે રચવા મથતા કવિ. વિશ્વકવિતાના ભાવક તથા અનુવાદક. વિચાર-સંવેદન-ભાવોર્મિ, અભિવ્યક્તિરીતિ, કાવ્યબાની તથા દર્શનઃ ચારેય બાબતે નિજી, નોખી ને નરવી મુદ્રા ધરાવતા, પ્રયોગશીલતાથી પ્રારંભીને પ્રશિષ્ટતામાં લાંગરતા વિલક્ષણ સર્જક. એમની કવિતા પુરાકથા, લોકકથા, દંતકથા અને વ્યાપક જીવનના અનેક સંદર્ભોને વ્યંજનાત્મક રીતે સાંકળતી સંદર્ભસંકુલ તત્ત્વબોધ સભર છે. કવિતાનાં મોટા ભાગનાં સ્વરૂપોમાં એકસરખી સહજતાથી વિહરતા કવિ. તત્સમથી તળ સુધીની ભાષાક્રીડા દ્વારા નવ્ય કાવ્યભાષા ઘડીને વિવિધ કાવ્યછટાઓ વડે કવિતાપદાર્થને કવિતાની ભૂમિકાએ રમતો મૂકવાની સહજ પ્રતિભા. અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં કવિતાના અનુવાદ થયા છે. કાવ્યપાઠ નિમિત્તે યુએસએ, કેનેડા અને યુકેના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. ‘માણસો’ શ્રેણીના ગણતરીના લલિત નિબંધોનું અને પ્રસંગોપાત્ત કળાભાવન અંગેનું લેખન કર્યું છે.


કાવ્યો:

૧. પદપ્રાંજલિ

સાધો, નહીં કજિયો નહીં કાજી
નહીં ઈતરાજી કોઈ વાતની, નહીં કોઈ વાતે રાજી

વણપડછાયે પુરુષ પધાર્યો
ધરી તેજના વાઘા
વણભૂખ્યો ભિક્ષાને ખાતર
વિધવિધ કરતો ત્રાગાં

અન્નકૂટ : એંઠાં બદરિફળ, મહાભોજ તે ભાજી

વણનકશાનું નગર અમારું
નહીં ઘરને દરવાજા
વણમસ્તકનો મુરશિદ બોલ્યો
જોગી, અંદર આ જા

પડ્યો બોલ ઝીલ્યો, વણજિહ્વા પૂરી ટાપસી : હાજી