ફેરો/દીપક મહેતા

મારી, તમારી સૌની ગૂંગળામણની કથા

— દીપક મહેતા

રાધેશ્યામની ‘ફેરો’ હાથમાં લેતો તમે ઘણું ખરું ભર્મમાં પડશો. ચોપડી ચત્તી પકડી છે એમ માનીને ખોલશો અને જણાશે કે તમારા હાથમાં ચોપડી ઊંધી પકડાઈ છે. જીવનના ફેરામાં કોણ ભ્રમમાં નથી પડ્યું? કદાચ ફેરો પોતે જ એક ભ્રમ હશે. કોને ખબર! અનુભવ થાય છે કેવળ ચારે તરફની ભીંસનો, અસહાયતાનો, ગૂંગળામણનો. ‘ફેરો’નું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે : ‘સાંકળ તરફ ઊંચો થતો મારો જમણો હાથ ગૂંગળાવા લાગ્યો. આખી કથા એક રીતે જોતાં નાયક ગૂંગળામણની જ કથા છે. કથાની શરૂઆતમાં નાયકે પોતાના કંટાળાની વાત પણ કરી છે, ફેરો ચાલ્યા કરે છે, કંટાળો આવે છે, ગૂંગળામણ થાય છે, પણ ફેરાને અટકાવી શકાતો નથી, એ તો ચાલ્યા જ કરે છે, અને આ દશા કોઈ એકલદોકલ નાયકની છે એવું નથી; મારી, તમારી, આપણા સૌની છે. શરૂઆતમાં જ નાયક કહે છેઃ ‘‘હું મને નાયક તરીકે અનિવાર્યપણે પાઠ ભજવતો કોઈને લાગું પણ એ ભ્રમ છે. મારા સ્થાને મારા જેવા કોઈને ય કલ્પી સ્થળકાળમાં આગળ કે પાછળ ગતિ કરી શકાય.’’ ગૂંગળામણનું સૌથી મોટું કારણ તો કદાચ એ છે કે ફેરાના આ નાટકમાં પોતાને નાયકપદે જોઈ શકાય એવું આગવું વ્યક્તિત્વ જ ‘હું’માં બચવા પામ્યું નથી. છાપાંની હજારો નક્લ જેવાં માનવી જ બધે જોવા મળે છે. વ્યક્તિનો પોતીકો ચહેરો જ ભૂંસાઈ ગયો છે. આ facelesnessને કારણે નામ-રૂપનો કશો અર્થ જ રહેતો નથી અને એટલે જ ‘ફેરો’નાં પાત્રોનાં તો નહીં જ પણ સ્ટેશન વગેરે સ્થળોનાં નામ પણ લેખકે ક્યાંય આપ્યાં જ નથી. એક માત્ર નાનકડા બાળકમાં થોડું ઘણું વ્યક્તિત્વ બચ્યું છે તે વિધેયાત્મક નહીં પણ નકારાત્મક છે. તે બોલી નથી શકતો એટલી જ તેની આગવી વૈયક્તિકતા છે. અને તેથી તેને ‘ભૈ’ એવી સંજ્ઞા મળી છે. પણ ફેરો પૂરો થાય એ પહેલાં તો એ ‘ભૈ’ પણ ખોવાઈ જાય છે. નાયક બલ્કે અનાયક અને તેની પત્ની જેના સંદર્ભમાં પોતાના જીવનને જેમતેમ ગોઠવી શકતાં હતાં તે મૂંગો છોકરો પણ ચાલ્યો જાય છે, અને છતાં ફેરો અટકવાનો નથી. આખી કથા નનામા નાયકના આત્મકથાનક રૂપે આલેખાઈ છે. કથા દરમિયાન તે જુદી જુદી ઘટનાઓમાંથી પસાર થાય છે, જુદી જુદી વ્યક્તિઓને મળે છે પણ નાયકને કોઈ પણ ઘટના કે વ્યક્તિનો ભાગ્યે જ સ્પર્શ થાય છે. છોકરો ખોવાઈ જાય છે ત્યારે પણ તે તો કહે છેઃ ‘‘ચાલો એક કથા પૂરી કરી.’’ નાયક પોતે અત્યંત સંવેદનશીલ સ્વભાવનો હોવા છતાં આખી કૃતિ દરમ્યાન તે કેવળ સાક્ષીભાવે, ઉદાસીન દૃષ્ટારૂપે વિચરતો જાય છે. અલબત્ત, ઘટનાઓ અને પાત્રો પ્રત્યેના પોતાના પ્રતિભાવો તે સતત વ્યક્ત કરતો રહે છે. આત્મકથનરૂપે લખાતી નવલકથાઓમાં એક મુશ્કેલી એ નડે છે કે લેખક પ્રમુખ પાત્રમાં પોતાની જાતને project કરવાની લાલચ ઘણી વાર રોકી શકતો નથી. અને તેથી પ્રમુખ પાત્રનું વ્યક્તિત્વ દ્વિવિધ થઈ જાય છે. આ મુશ્કેલીમાંથી બચવા ઘણા લેખકો આત્મકથન કરતા પ્રમુખ પાત્રને કલાકાર, ચિંતક કે લેખક કલ્પવાનું અને એ રીતે Second self દ્વારા કથા રજૂ કરવાનું પસંદ કરે છે. રાધેશ્યામે પણ ફેરોમાં આ રીત પસંદ કરી છે. ‘ફેરો’નો ‘હું’ નવલકથાકાર છે એટલે બીજી કોઈ રીતે અસ્વાભાવિક લાગત તેવી કેટલીક વાતો તેને મોઢે કહેવડાવવાનું રાધેશ્યામ માટે શક્ય બન્યું છે. કથાની શરૂઆતમાં (પૃ. ૨) કળિની કનડગતમાંથી પૃથ્વીરૂપી ગાયને બચાવનાર પરીક્ષિતનો ઉલ્લેખ આવે છે. આજે પણ પૃથ્વી પીડાય છે, ખુદ તડકો જ શૂદ્ર બનીને તેને પીડી રહ્યો છે. એને બચાવનાર પરીક્ષિત ક્યાં છે? ‘‘પરીક્ષિત ઘોરતો હશે, કાં પેપર વાંચતો હશે.’’ આજે એ પરીક્ષિત પણ પૃથ્વી પ્રત્યે ઉદાસીન છે એટલું જ નહીં તે પોતાના સ્વાર્થમાં મશગૂલ છે. કથાના અંતભાગમાં ખ્યાલ આવે છે કે ‘પરીક્ષિતે આ જિલ્લામાં જ લોખંડનું ‘લેટ’નું મોટું કારખાનું નાખ્યું છે.’’ (પૃ. ૫૫) ભાગવતના સમયમાં તો કોઈક પરીક્ષિત આવીને ઉદ્ધાર કરી જશે એવીય આશા રાખી શકાતી. હવે તો એ પણ શક્ય નથી. આખી કૃતિમાં લેખકની ભાષા કંઈક ઊંચી-સાહિત્યિક સ્તરની - રહી છે. (પ્રમુખ પાત્ર પોતે નવલકથાકાર છે તેથી એ અસ્વાભાવિક નથી લાગતી) અને ક્યાંય તે નિરર્થક ‘કવેતાઈ’ બની જતી નથી. લેખક વર્ષમાં વચમાં લીલયા ભાષાના કેટલાક આકર્ષક બુટ્ટા ઉઠાવતા જાય છે, જેમ કે ‘કાળા વાળમાં ધોળા વાળની જેમ ‘પ્રેમ’ અને ‘વાત્સલ્ય’ એકમેકમાં ભળી જતાં હશે, નહીં?’ (પૃ. ૭) ‘ફાટકના ઝાંપાની બહાર પરાણે વશ કરી રાખેલા પશુઓ જેવાં વાહનો કોણ જાણે કેટલા કાળથી ઝાંપો ખૂલવાની પ્રતીક્ષા કરતાં તપે છે.’ (પૃ. ૨૪) ‘‘બિસ્તરાવાળી બાઈની આંખ, શુષ્ક શેરડીમાં ગોઠવાઈ ગયેલી ઈયળ જોઈ છે?’’ ‘‘રાત્રે ટ્રેઈનની ધીમી વ્હીસલ રાની પશુના ભક્ષભોજન પછીના ઓડકાર સમી સંભળાતી હતી.’’ (પૃ. ૫૩) કથામાં ક્યાંક ક્યાંક લેખકે પરીકથાની શૈલીનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કર્યો છે. (પૃ.૧૫, ૧૭, ૧૮ વગેરે) ‘આંસુ અને ચાંદરણું’નાં કેટલાંક કાવ્યોમાં રાધેશ્યામની કવિ તરીકેની આગવી મુદ્રાનો પ્રથમ સુભગ પરિચય થાય છે. આ લેખક ભવિષ્યમાં જ્યારે જ્યારે તેમની સાથે કથાસૃષ્ટિના ફેરા ફરવાનું આપણને આમંત્રણ આપશે ત્યારે આપણે તે સહર્ષ સ્વીકારી લેશું.