ફેરો/શરીફા વીજળીવાળા

સમગ્ર કૃતિ પ્રતીકાત્મક

— શરીફા વીજળીવાળા

આગળ રજૂ કરેલી યાદીઓમાંની એક જ નવલકથા એવી છે જ્યાં લેખકે વિધાનોરૂપે સીધું જ ચિંતન પ્રગટ નથી કર્યું. રાધેશ્યામ શર્માની ‘ફેરો’ એક જ એવી નવલકથા છે જ્યાં સમગ્ર કૃતિ પ્રતીકાત્મક મૂલ્ય ધારણ કરી શકી હોય. અહીં ‘હોવા’નો કંટાળો વ્યક્ત થયો છે. જિંદગીના ‘વન્સમોર’થી કંટાળેલ, જિંદગીનો અર્થ ગુમાવી બેઠેલ આ નાયક સર્જક છે પણ શબ્દ પરથી શ્રદ્ધા ગુમાવી બેઠો છે. તેની સર્જકતા પણ તેના અસ્તિત્વ જેવી જ વંધ્ય છે. નથી. તો એ પોતાના સર્જનને, પરિવેશને નવું રૂપ બક્ષી શકતો. તેની સર્જકતાએ તેને આગવો ચહેરો નથી બક્ષ્યો. ભૈ તેનું સર્જન છે પણ તેને વાચા નથી. ભૈના લીધે જ નાયક જીવતો હતો. તેના ખોવાઈ જવા સાથે જ એ કહી ઊઠે છે : ‘ચાલો એક કથા પૂરી કરી!’ જિંદગી જો ‘વન્સમોર’ જ હોય તો એની એક કથા તો પતી. ‘હોવા’ની વ્યર્થતા, રૂંધામણ, ગુંગળામણ, સ્થિતિજડતા જ તેની નિયતિ છે. કોઈ આ નિયતિમાંથી ઉગારે એવી આશા નથી. કદાચ પ્રેમ આ નિયતિમાંથી ઉગારી લે. પણ નાયકને માટે તો એ આશા પણ ઠગારી છે. કારણ તેના દાંપત્યજીવનમાં જાતીયતા સિવાય કશાને અવકાશ નથી. ‘ફેરો’ને પ્રતીકાત્મક બનાવવાના લેખકે મરણિયા પ્રયાસ કર્યા છે એટલે ઘણું બધું અહીં કૃતક લાગશે. એન્ટિરોમેન્ટિક બનવાના ધખારામાં વણજોતા ઉલ્લેખો થયા છે જેની પૂર્વસૂરિઓએ નોંધ લીધી જ છે. પણ એ બધું હોવા છતાં રાધેશ્યામ શર્મા, ‘હોવા’ની વ્યર્થતા, કંટાળો કૃતિમાંથી જ પ્રગટાવી શક્યા છે. એકાદ અપવાદને બાદ કરતાં વાચાળ બન્યા વગર તેમણે કૃતિને જ બોલવા દીધી છે.