ફેરો/૧૩

૧૩

મારી પત્ની (એ) અને મારો છોકરો. જેને અમે ભૈ કહેતાં હતાં તે હોં, ભજિયાં પર પડ્યાં હતાં. મેં એકાદું ચાખવા લીધું, પણ મરચાનું આવ્યું તેથી થૂંકી દીધું. મારું ધ્યાન બિસ્તરા પર બેઠેલી બાઈ તરફ હતું. એનો દેહ એવો હતો કે આખું લાંબું પહોળું વૈભવશાળી ઘર એનામાં દેખાતું હતું. સુઘડ ડ્રોઇંગરૂમ, સુવાસિત કિચન, આરસનો બાથરૂમ, હવા-ઉજાસવાળો સ્ટેઈન્ડ ગ્લાસ વિન્ડોવાળો બેડરૂમ - મારી પેલી અલૌકિક (?) શક્તિથી જ તો...એક લેટ્રીન જ કલ્પી શકતો નહોતો. પેલાને ‘આવજો’ છેલ્લી વાર કહેવા એ બિસ્તરા પર ઝૂકેલી ત્યારે એના સુઘટ્ટ સ્તનની આરસ-ભીંસમુદ્રા મારા એક કળતા સ્કંધને વાગેલી. એ મોટા અવાજે બોલતી, એમાંથી પૌરુષનો રણકાર ઊઠતો – સાત કોઠાની વાવમાં ભૂલા પડી બૂડેલા વણજારા ગાયકનો સૂર... ભૈએ ટચલી આંગળી ઊંચી કરી સૂચન આપ્યું. ગિરદીમાં હું એને મહાપરાણે – માખીઓથી ઊભરાતા સંડાસમાં લઈ જઈ પાછો આવ્યો. એની ચડ્ડી પર છાંટા પડ્યા હતી. સામી સીટ પર મારી પત્ની પાસે એક પિત્તળની દાંડીનાં ચશ્માં પહેરેલી વૃદ્ધા, તેમની પાસે બનાતની ઊંચી દીવાલવાળી ટોપી, મૂછોના કરડા કાતરા અને ખાખી લૂગડાંવાળો પ્રૌઢ, તેની પાસે લોનનો ઝભ્ભો, ઇસ્ત્રીટાઈટ ધોળી ચાંચદાર ટોપી અને ધોતિયામાં ક્રુુદ્ધ ચહેરાવાળો કાળો પુરુષ અને પાટલીને છેક છેડે એક ખેડૂત...ખેડૂત તો બારી બહાર નિમિષમાં પસાર થતાં ખેતરો, તળાવ, કૂવા તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો – જાણે એ અંદર હતો જ નહીં! મને બિસ્તરાવાળી બાઈમાં રસ હતો. ‘પૅસેજ વે’માં ઊભલી એની બાને અંદર પોતાની પાસે આવવા દેવા ઉતારુઓને આજીજી કરતી હતી. પણ કોઈ કોનેય કહેતું હતું. મેંય કહી જોયું, પણ એક ચહેરો કાબરના ધ્વનિમાં બોલ્યો, ‘જંક્શન પર ગાડી થોભશે ત્યારે માજી અહીંથી એ તરફ આવવા દેવાશે.’ આ છોકરી કયા ગુપ્ત અધિકારની રૂએ આમ બોલી? એણે ભૈનું મોં રૂમાલથી લૂછી બિસ્તરા પર બેઠેલી બાઈને પૂછ્યું, ‘કયા ગામ જવું? આટલો મોટો બિસ્તરો?’ ‘બહેન, મારે...જવું છે. આ ગામથી મને મુખ્ય શિક્ષકે છૂટી કરી. વૅકેશનનો પગાર આપવો ન પડે એ માટે દસેક જણને છુટ્ટાં કર્યાં.’ હું મનમાં ‘છુટ્ટાં’ બબડ્યો. હું બરાબર આની જેમ ‘છુટ્ટાં’ શબ્દ કેમ ના બોલી શક્યો..? ‘છુટ્ટાં’, ‘છુટ્ટાં’, ‘છુટ્ટાં’... ‘આવું હવે બધે જ થવા માંડ્યું છે.’ હું પૂર્વવત્‌ વગર પૂછ્યે બોલ્યો, ‘પેલા ભાઈ, તમને મૂકવા આવ્યા હતા તે શિક્ષક જેવા લાગતા હતા.’ ‘એ તો અમારા...ભાઈ. હા, શિક્ષક છે. અમને કાઢ્યાં પણ એમને રાખ્યા છે.’ બાઈના હાથ પર એકેકી બંગડી, સોનાની હતી... કપાળે ચાંલ્લો નથી. વિધવા હશે? મેં એનેય જોડે લેતાં કહ્યું, ‘આ તો...બેન જેવાં લાગે છે, નહીં?’ ‘હા, એ આમના જેટલાં જ બોલકાં.’ મારી સમક્ષ વિધવા થઈ બીજી વાર પરણી એક છોકરાની માતા બનેલી બીજી શિક્ષિકા ઊપસી આવી. પત્નીએ ‘બોલકાં’ શબ્દ વાપર્યો કે બિસ્તરાવાળી બાઈ મૂક થઈ ગઈ. (આણે કદાચ સહેતુક તીર છોડ્યું.) બિસ્તરાવાળી બાઈની આંખ....શુષ્ક શેરડીમાં ગોઠવાઈ ગયેલી ઈયળ જોઈ છે? આને હું ઓળખું છું. ક્યાં જોઈ હશે? ક્યાંય મળ્યાં તો નથી. નામ પણ હમણાં જ જાણ્યું. નપાણિયા પ્રદેશમાં પાણી છે કે નહીં એ જેવા આપણે કાન જમીને નથી અડાડતા? જમીનમાં જળ કદી ખળભળતું સાંભળીએ છીએ, સ્ટેથોસ્કોપમાં હૃદયના ધબકારા ક્યાં નથી સંભળાતા? પરંતુ મૂળ વસ્તુ આઘેની ઝાડીની જેમ ધૂંધળી ને ધૂંધળી જ રહે છે. ગયા ભવમાં કદાચ અમે...એકદમ ટ્રેનમાં અંધારું ધબ થઈ ગયું. છોકરાં રડવા લાગ્યાં. ભૈનો અવાજ જુદો પાડવા મારી મથામણ હતી. અપેક્ષા પ્રમાણે ન સરોવર, ન સાવર, ન ગિરિમાળા કે ન લીલી હરિયાળી જાજમ – કશું યે ન દેખાયું. Something is amiss or out of place When mice...can wear human face. ડબ્બામાંના દરેકને એકેક જુદા લોખંડી કબાટમાં પૂરી દીધા. બે ક્ષણ ન થઈ ત્યાં તો પ્રત્યેક મૂષક મુક્ત થઈ પ્રકાશમાં પાછો આવી ગયો. ખાખી કપડાંવાળાના કાનની નજીક પહોંચી ચશ્માંવાળાં વૃદ્ધા કંઈક કહી રહ્યાં હતાં.