ફેરો/૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪

સાઠ વટાવી ગયેલી આ વૃદ્ધા – શિરાઓનાં સાપોલિયાં હું જોેઈ શકતો નથી. તેમના ચશ્માંનો ડાબી બાજુનો કાચ આડી તરાડને સમાવી ફ્રેમમાં માંડ બેઠો હતો – આ દેવ ગોખલો ક્યારે ખાલી કરે તે કહેવાય નહીં. થીગડાવાળા સાલ્લામાંથી દેખાઈ જતો ફાટેલો ચણિયો, તણખલા શા કેશ, પાછી ઊતરેલી કૂઈની પેઠે ઊંડું ગયેલું આંખોનું તેજ, ભમર તો જાણે છે જ નહીં... શું કરવા જીવતાં હશે? હું થોડુંક કકડે કકડે સાંભળુંં છે. ‘નવ વર્ષની હતી ને રાંડી, નાગર છીએ. મોટા શહેરમાં બે રૂપિયા ખર્ચી આ જમણો હાથ વાથી રહી ગયો છે તે મલમ લગાડાવા પંદર પંદર દહાડે જઉં છું. આ હાથ કામ ન કરે તો રાંધી શું ખવડાવું?’ ‘કોઈને ત્યાં મા, રસોઈ કરો છો?’ મેં પૂછ્યું. ‘હોવે, પેટની પૂજા કરવા રસોઈ કરું છું. અને સવારસાંજ મહાદેવના મંદિરમાં દેવપૂજા કરું છું... બળ્યું રંધાય નહીં તો, પણ આ જમણો હાથ ઊંચો થતો અટકી જાય તો મહાદેવનું ચંદન કેમ ઘસું? અર્ચન કંઈ ડાબે હાથે થોડી થાય? ડાબો તો અશુધ કહેવાય.. મારે બાળ-વિધવાને શું?’ માજીને ઉધરસ ચઢી. ભૈના ખભે એક હાથ મૂકી, બીજા હાથને મોં સામે ધરી થોડી વાર ખાંસીને – સગા જેઠે જુવાનીમાં ઇજ્જત લીધી. ઓધાન રહ્યું. વગે પણ એણે કરાવ્યું. દસકે એ પાછો થયો અને પરગામના આ મહાદેવમાં પડી રહું છું... ગીતની ધ્રુવપંક્તિ હોય તેમ ‘બાળવિધવાને શું? શંકરનું હાટકેશ્વરનું ભજન કરું છું. કાઢ્યાં એટલાં કાઢવાં નથી.’ ગળફો બારી બહાર થૂંકી વળી પાછાં બોલ્યાં, ‘માનશો? મારા પરણ્યાનો ચહેરોય મને યાદ નથી. પંદરની થઈ ત્યાં સુધી ઝાંખોપાંખો દેખાતો, ‘લ્યો, બહુ વાતો કરી. ચા પાઓ છો?’ ‘માજી, ચા પીવા બધી વાત બનાવી?’ લોનના ઝભ્ભામાંનો કાળો વેપારી બોલ્યો. કોઈ ન જુએ તેમ ડોસીના હાથમાં મેં રૂપિયાની નોટ સરકાવી દીધી. તે તેણે કબજામાં – સ્ત્રીઓ કાયમ મૂકે છે ત્યાં તેમ – મૂકી, પણ એ તો અંદરથી સરીને બહાર સાલ્લા પર આવી પડી. હું ભોંઠો પડ્યો. અને જાળવીને થેલીમાંની તમાકુની ડબ્બીમાં મૂકતાં ડોસી બોલ્યાં ‘પાપી હોય તે ચા માટે વાત બનાવે. દખ સાંભળીને દૂર કરવું ન હોય એટલે કહેશે નાટક કરે છે.’ બારી બારોઈ, ‘જુએ પીટ્યા રાંડવા એમની માનાં નાટક’ એમ બબડ્યાં. પછી મારી સામું જોઈ, ‘દાનેશ્વરી હોય એ તો જમણો આપે તે ડાબોય ન જાણે એમ દઈ દે. જોેઈ જોખીને આપે તો વેપારી કહેવાય.’ વેપારી કહે, ‘ડોશી’ ત્યાં સ્ટેશન આવ્યું —‘મારી ચા પીશો?’ ‘પાઓ તો ના નહીં પાડીએ.’ પણ એટલામાં ચાવાળો જ નહોતો. ‘અમારા જેવું જ અદ્દલ આ મા બોલ્યાં. મિલના ઝાંપે અમે વૉચમેનો બેઠા હોઈએ અને કોક ગરજઉ નીકળે ને પૂછે કે ‘ચા પીશો?’ અમે તરત કહી દઈએ, ‘પાઓ તો ના નહીં પાડીએ.’ ખોળામાં પડેલી બનાતની કાળી ટોપી પર એક ફૂદું ચોટ્યું હતું તેને ઉપાડી લઈ હાથમાં રમાડતા ખાખી કપડાંવાળો બોલ્યો. ફૂદાને પછી હથેળીની વચ્ચે લાવી એણે ઊંચે ઉડાડવા ફૂંક મારી બિસ્તરાવાળી બાઈ તરફ, પણ વાયરાને ઝોલે ફૂદું ડોશીના ખોળામાં પડ્યું... એ તો ક્યાં ભાળવાનાં? ભૈએ ફૂદું ઉપાડી મારા હાથમાં મૂક્યું... અને કંઈક કરું એ પૂર્વે તો ઊડીને એની મેળે બિસ્તરાવાળી બાઈના અંબોડામાં જઈ બેઠું. જરૂર આ બાઈ સાથે કોઈક ભવ... દૂધિયા કાચની પાછળ ઊભલાનો કાળો પડછાયો દેખાય છે. ચહેરો પરખાતો નથી કે કોનો છે? ‘કોનો હશે આ ચહેરો?’ ફરી અંદર મોટેથી બોલ્યો તે બહારે સંભળાઈ તો નહીં ગયું હોય? મોઢાને મોંફાડ ઉપરાંતની અનેક તડો હોય છે, બીજો પંખો જે બંધ હતો તે એકદમ ચાલુ થઈ ગયો; પણ કોઈકે સંડાસ ખુલ્લું મૂક્યું હશે તે પારાવાર દુર્ગંધ ડબ્બામાં ઊડી. ક્યાં ગયું ફૂદું... ગયા ભવનું સંતાન... ભૈ દાંતથી નખ કરડતો હતો અને જીભે ચોંટેલા નખની કરચ મારી પત્નીની દિશામાં ‘થૂં’ કરી ઉડાડતો હતો. બારી બહાર જોતાં મને આભાસ થયો – સામે તારના થાંભલા તદ્દન અણસરખી ગતિએ પસાર થતા હતા.