ફેરો/૬

Revision as of 10:06, 8 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬|}} {{Poem2Open}} સાત નંબરનું પ્લૅટફૉર્મ. પાટા વચ્ચે એન્જિનમાંથી પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

સાત નંબરનું પ્લૅટફૉર્મ. પાટા વચ્ચે એન્જિનમાંથી પડેલી રાખમાંથી વરાળો નીકળે છે. વરાળોનું ગરમ ધુમ્મસ જામે છે. વરાળમાં મને એક ધોળું ધોળું સુંદર વાછડું ઊભેલું ભળાય છે...એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આઠ, નવ – આ બધાં પ્લૅટફૉર્મ ઝાંખાં થતાં જાય છે. એન્જિનોની વ્હીસલો જ ખરી છે. બાકી બધું સ્વપ્નવત્‌. પ્લૅટફૉર્મ નંબર સાત - એક તરતો દ્વીપ. બીજાં બધાં પ્લૅટફૉર્મ થોડા વખતમાં ડૂબી તો નહીં જાય! સ્થિર થવા મેં મારા લાંબા પગ પહોળા કર્યા. ભૈ મારા પહોળા કરેલા પગની વચ્ચેથી – કૅમેરાની ઘોડી હોય તેમ નીચેથી – એક યુરોપિયનના ગ્રેહાઉન્ડને જોઈ રહ્યો હતો. ત્યાં એક ભારખાનાના એન્જિનની તીવ્ર વ્હીસલ વાગતાં જ મેં ભૈના કાને હાથ દઈ તુરંત લઈ લીધા. જરા છોભીલો પડ્યો. મેં ડબ્બી કાઢી છેલ્લી વાર છીંકણીનો એક સડાકો લઈ લીધો. મારા વાળનો રંગ પણ છીંકણી છે. મારી પત્નીએ પસંદ કરેલી સાડીનો રંગ તદ્દન છીંકણી નહીં તોય એને મળતો છે, કારણ કે સાડી સામે જોઈ રહેવાથી મને છીંક આવી! મને કશાનું ખાસ વ્યસન નહિ. ગાડીમાં તલપૂર જગા નહોતી. પણ અમારે જવાનું હતું ...સૂર્યમંદિર એક જીર્ણશીર્ણ ટેકરા ઉપર સદીઓથી બંને આંખો મીંચી દઈ હોલાની જેમ ખંડિયેર. પણ જો એ આંખો ખૂલે તો દીવા જ દીવા... છોકરો અવતર્યો, પણ સુખડી કરી નહોતી. હવે ભૈ બોલતો નથી. એ કહે છે ભૈને પગે લગાડી આવીએ. આગલી બાધાની સુખડી વહેંચી આવીએ અને બીજી બાધા રાખતા આવીએ... એખ્નેતોત! તેં કઈ બાધા રાખી હશે? તારું તો ખૂન થયું હતું ...લાઉડસ્પીકરમાં કોઈને કોઈ બોલાવતું હતું, એવી સૂચના વહેતી થઈ. સૂર્યમંદિરની રચનામાં કહેવાય છે કે પ્રકાશની આયોજના એના સ્થાપત્યમાં અનુસ્યૂત છે. એક કવિમિત્રે ત્યાંના શિલ્પની વાત કરતાં કહેલું કે આમ પગ વાળીને (તેમણે સાભિનય બે વાર બતાવેલું) એક મૂર્તિ કલાકારે એવી ઊભી કરી છે કે – પથ્થરના માધ્યમનો મીણની માફક ઉપયોગ કર્યો છે – પણ અત્યારે તાપ કેટલો છે...મીણ... ‘મીણની દીવાલો’ ...હાથ મૂકતાં જ લપસી જવાય છે. એકએક ડબ્બો જાણે અમારો તિરસ્કાર કરતો હતો. આ સ્ટીમર અજાણ્યા બંદરે અટૂલા મૂકીને ઊપડી જવાની કે શું? કાલીય નાગનો રમણીક દ્વીપ. દૂર ગાર્ડની સીટી ફરૂકી. એક ડબ્બામાંથી જાનના ઢોલનો અવાજ વહેતો હતો. માjgં માથું કાપીને ચગડોળમાં મૂકી દીધું ન હોય! માથે ચક્કર ચક્કર સીલિંગ ફૅન ફરતો હતો. પત્નીએ એક ડબ્બો પકડ્યો, સામાન અને ભૈને ચઢાવ્યો. મને કહે, તમે અહીં બારણા પાસે ઊભા રહો. હું અંદર જગા કરું છું.