બીડેલાં દ્વાર/કડી અઢારમી

કડી અઢારમી

પ્રસવને સહાય કરી રહેલ દાક્તરના પંજા હવે કોઈ કસાઈની જેમ લોહીમાં રંગાઈ ચૂક્યા હતા. હોઠ ભીંસીને દાક્તર પોતાના કાર્ય ઉપર ઝૂકી રહ્યા હતા. પાસે શિખાઉ નર્સ ઊભી હતી તેને દાક્તર વચમાં વચમાં પ્રત્યેક ક્રિયાની સમજ પાડ્યે જતા હતા.

દાક્તરના સમતાભરપૂર શિક્ષાબોલ અજિતની ઇંદ્રજાળને છેદતા હતા. “પણ… પણ દાક્તર સાહેબ!” અજિત ગભરાટભર્યા સ્વરે પૂછતો હતો : “આ બાળક શી રીતે બહાર નીકળશે? એ મરી નહિ જાય?” “મરે નહિ, યંગમેન!” દાક્તરે હસીને કહ્યું : “પોરિયું બરાબર જીવે છે. હું એના કલેજાના થડકારાય સાંભળું છું.” દરમિયાન પ્રભા બેહોશ પડી હતી. એનાં લમણાં પર નસો ઊપસી આવી હતી. અશ્વશાળાની અંદરથી નાસી છૂટેલા ઘોડાઓ જેવા એના દેહપછાડાને જોરદાર પંજા વડે દમતો દાક્તર કોઈ એરણ પર લોઢું ઘડતા પડછંદ કારીગર સમ ભાસતો હતો. વચ્ચે દાક્તરની સમતા પણ ડગમગી જતી ને દાક્તર નર્સને પ્રભાના લલાટ પર ભીનું પોતું મૂકવા સૂચના દેતા. પ્રભાને બેભાનીમાં ને બેભાનીમાં લવારા ઊપડ્યા હતા. તૂટક તૂટક પ્રેમબોલ કાઢતી એ જાણે કે અજિતને સાદ દેતી હતી. જો આ મૃત્યુ ન હોય તો શું હોય? — એવું વિચારતો અજિત આ વલે ન જોઈ શકાયાથી દૂર જઈ ભાંગી પડ્યો. ‘નહિ, નહિ!’ દિલ ખાલી કરીને એ ઊઠ્યો. ‘મારે તો મર્દ બનવું જ રહ્યું. મારા જેવા લાખોએ જે સહ્યું છે તે હું કેમ ન સહું?’ શરમિંદો બનીને એ પાછો ગયો. ને પ્રભા પુકાર નાખતી હતી : “મને બચાવો, કોઈ બચાવો!” દાક્તર પણ જાણે દમ ભીડી દઈને જંગ ખેલી રહ્યા હતા. “હવે નહિ! હવે બસ! હું મરી જાઉં છું.” પ્રભાએ ધા નાખી. “હવે એક વાર! બચ્ચા, હવે એક જ વાર જોર કરી નાખ.” દાક્તર એને ફોસલાવતા હતા. “હવે નહિ! હવે બસ!” “હવે એક જ વાર, બેટા, એક જ વાર.” એ બે અવાજ જ જાણે પૃથ્વીને ભરી રહ્યા હતા. એક અવાજમાં કાળ-ભુજંગનો ફૂંફાડો હલાહલ ફૂંકતો હતો; બીજા અવાજમાં અભયદાનની બંસરી બજતી હતી. “શાબાશ, બહેન! એક વાર. મારી બેટી કરું! હવે એક જ વાર, જો આ તારા પતિને ખાતર, એક જ વાર.” — ને પછી તો એક આખરી મરણિયો યુદ્ધ-ધસારો થતાં તો ગર્ભદ્વારની અંદરથી અનંત કોઈ જીવનસ્રોત ઊછળી આવ્યો. અજિતે ડઘાઈ જઈને ચીસ નાખી. જાણે જીવન-લીલા ખતમ થઈ ગઈ. જાણે કોઈ ભૂતાવળ જાગી. બીજી જ ક્ષણે દાક્તરે ‘વાહ વાહ!’ એવો આનંદોચ્ચાર કર્યો. રક્તબીજને એક પગ ઝાલી ઊંચું કર્યું. વાહ કુદરત! આ તો માનવી! લોહીટપકતો, ભયાનક અવર્ણનીય માનવ : જાણે કોઈ સ્વપ્ન-ભ્રમણામાં દીઠેલું ટીડડું! દાક્તરે એ માનવીના મોં પર તમાચો લગાવ્યો. મોંમાંથી પ્રથમ ફીણ નીકળ્યાં. પછી ‘ઉવાં! ઉવાં!’ એવો અવાજ નીકળ્યો. અજિતને આ અવાજ કોઈ પરલોકમાંથી ઊઠતો લાગ્યો. કોઈ નરકવાસી આત્માનો વિલાપસ્વર ભાસ્યો. સાંભળીને એ કંપી ઊઠ્યો. તમ્મરે ઘેરાયેલી આંખો ચોળીને જ્યારે અજિતે ઊંચે જોયું, ત્યારે મોટી નર્સ બાળકને હાથમાં લઈને પ્રભાની સામે ઊભી હતી, પ્રભાના વદન પર સ્મિત ફરકતું હતું. જખમની અંદર ઝબકોળાએલા લાલ લાલ હાથે દાક્તર પોતાના એકસુરીલા અવાજે નર્સને સૂચનાઓ આપતા હતા. અજિતે બાળક તરફ મીટ માંડી. એ દૈત્ય નહોતો, રાક્ષસ નહોતો, નારકી નહોતો, ટીડડુંય નહોતું. માનવી જ હતો. પોતાનું જ નાક, પોતાનું જ લલાટ, પોતાને જ મળતો ચહેરો : ટીખળીના યે ટીખળી કલાકાર વિશ્વકર્માએ દોરેલું જાણે અજિતભાઈનું કારટૂન! ને વાહ! એ જીવતું હતું, હલનચલન કરતું હતું, અંગ મરોડતું ને ઉછાળતું હતું હાથપગને વાળતું હતું, પાંપણોય પટપટાવતું હતું : મોં ઉઘાડ-બંધ કરતું હતું, શ્વાસ લેતું હતું, સુખદુઃખની લાગણી યે શું અનુભવતું હતું? અહોભાવમાં ડૂબેલા અજિતે બીતાં બીતાં કુતૂહલથી એ બાળને પોચી આંગળી અડકાડી. એ સ્પર્શે એની રગરગમાં ધ્રુજારીનો સંચાર કર્યો. એનો એકએક જ્ઞાનતંતુ જાણે ઝંકાર કરી બોલ્યો કે ‘આ મારું બાળક : મારું જીવતું-જાગતું બાળક : એક દિવસ એ પણ મારા જેવું માનવ બનશે, વિચારશે, ઇચ્છા કરશે, જગતના જંગો ખેલશે.’ “બાળક છે તો સાજુંતાજું ને?” એણે લજ્જાભરી ધીમાશથી નર્સને પૂછી લીધું. “અરે, ફાંકડો છોકરો છે આ તો.” એમ કહીને નર્સે દીવાસળી સળગાવી બાળકની આંખો સામે ધરી રાખી. એ પ્રકાશને નિહાળવા બાળકની આંખોએ દિશા બદલી. “જુઓ!” નર્સે અજિતને જણાવ્યું : “એ દેખે પણ છે.” આંખોથી જોઈ શકતો ને જીભેથી બોલતો આ બાળક — એમાં અજિતને કુદરતનું અદ્ભુત સર્જન ભાસ્યું. કુદરતની સર્વશ્રેષ્ઠ ચમત્કૃતિ, જીવનની તમામ અભેદ્યતાનો ઉકેલ, સકલ રહસ્યોનો પ્રસ્ફોટ આ બાળક! પ્રકૃતિની સમસ્ત છલનાઓનો શુભાશય, માનવીના દોહ્યલા આત્મભોગોનો પુનિત બદલો, અને અનંત યાતનાઓને ઓલવનાર ઔષધિ : દંપતીસ્નેહનો સુવર્ણમુગટ અને મૃત્યુ સામે જીવનના, જડ ઉપર ચૈતન્યના વિજયોત્સવનો દેહધારી પડકાર આ બાળક! પ્રભાની આંખો એ નર્સના હાથમાં ઝૂલતા બાળને નિહાળી નિહાળી જાણે એની અખૂટ લાલપનું રસપાન કરતી હતી. પ્રભાના મુખ પરનો એ ધીરોધીરો, જરી ફિક્કો, ગંભીર મલકાટ શાનો હતો? એક જીવાત્માને સરજાવવા સારુ દૈત્યો સામે ઝઝૂમી શકેલી જનેતાના ગર્વનો એ મલકાટ હતો. વિજયની એ વીરશ્રી ઝલકતી હતી. પરાજિત અસુર-યાતનાઓ જ જાણે એ નારાયણીને મસ્તકે મુગટ રોપી રહી હતી. જગત પર એક માનવનો જન્મ થયાની સુખ-વધાઈએ જનેતાને એની પા ઘડી પહેલાંની નરક-યાતનાઓ પણ વીસરાવી દીધી હતી. બિછાનાની નજીક ઘૂંટણભર નમીને અજિતે પ્રભાનો હાથ પોતાના હાથમાં લીધો; ને એના ગદ્ગદિત અંતઃકરણે છાનાંમાનાં આંસુ ઠાલવ્યાં. એ પુનિત આંસુમાં નહાએલાં નેત્રો લઈ ચોવીસ કલાકનો ક્ષુધાતુર અને લોથપોથ અજિત એક વિશ્રાંતિગૃહની ખુરસી પર બેઠો છે; ને આઠ વરસના પિરસણિયા ‘હોટેલ-બૉય’ સામે તાકી રહ્યો છે. “મારી પાસે આવીશ, ભાઈ?” મેલાઘેલા એ માનવયંત્રને અજિત પોતાની નજીક ખેંચે છે. ગભરાતો છોકરો પોતાના માથા ઉપર અજિતના પંજાનો સુકોમળ સ્પર્શ અનુભવે છે. છૂપો કોઈ મંત્ર ભણતો હોય તેમ અજિત બોલે છે : “તારે ય શું આવી જ એક જનેતા હતી? તને પ્રસવતા પણ શું એક સ્ત્રીને આવું જ રણ ખેડવું પડેલું? તુંયે શું ચમત્કારોનો પણ ચમત્કાર છે…” “એ સા…લા!” કરતો એક અવાજ ગાજ્યો, ને હોટેલબૉયના બરડા પર વિશ્રાંતિ-ગૃહના મૅનેજરનો મુક્કો ગાજ્યો. “સા… સવારના ચાર વાગ્યા સુધી ઘોંટ્યા કરછ, ને આંહીં પાછી ઘરાકો જોડે મોહબ્બત સૂઝે છે!” ચમત્કારોનાય ચમત્કાર એક માનવીની આ વલે જોતો કલાકાર અજિત થીજી રહ્યો. ‘બીડેલાં દ્વાર!’ એના અંતઃકરણના તળિયામાંથી એક પ્રાર્થના ઊઠી : ‘તમે ઊઘડો — પ્રત્યેક માનવીને તમારાં રહસ્યો દેખાડો. માનવી નથી જાણતો કે એ પોતે જ કોણ છે.’

