બીડેલાં દ્વાર/1. દુનિયાની સલાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
1. દુનિયાની સલાહ


તાજ્જુબીનાં દ્વાર ઊઘડી ગયાં હતાં. હરેક વસ્તુને નવી ઝલક મળી હતી. પણ એ ક્ષણે એને ભાન રહ્યું નહિ. પોતાની ઊર્મિઓનો વિચાર કરવાનો વખત રહ્યો નહોતો. કલાકાર અત્યારે માનવીની અંદર સમાઈ ગયો હતો. એની નાનકડી ઓરડીમાંથી પણ પાર્થિવતા ઓસરી ગઈ હતી. પોતાની આ પરમ ઊર્મિ જેની પાસે ઠાલવી શકાય એવા કોઈક સોબતીની એને તે ટાણે જરૂર હતી. પણ એકલ જીવનના એ વિહારીની નજીક મકાનની શેઠાણી સિવાય બીજું કોઈ પાત્ર નહોતું. આજે તો એ જડસી સુ મિથ્યાભિમાની ‘શોષક’ માલિકણ પણ અજિતની નજરમાં માનવી બની રહી હતી; કેમકે બાળકના જન્મના સમાચાર એ બાઈને મહાન કોઈ વધામણી સમા લાગ્યા હતા.

“જુઓ, કવિ!” ચાલીનાં શેઠાણી હરખ કરીને કહેવા લાગ્યાં : “બરાબર સાચવજો હો! રાંડું નરસું-બરસું કોકના ભૂખલ્યા છોકરા હારે તમારું સારું છોકરું બદલાવી ન લ્યે, માડી! ને વહુને હમણાં કાંઈ ગરમ કબજા જેવું કરાવી લેજો; નીકર લ્યો, હું મારું સ્વેટર આપું?” એમ કહેતી કહેતી ઘરમાં દોડી જઈને શેઠાણી પાછી આવી ત્યારે એના હાથમાં જે સ્વેટર હતું તે જોતાં જ અજિતે દાંત કાઢ્યા, ને કહ્યું : “આ સ્વેટર તો પ્રભા ઘેર આવશે ત્યારે અમે બેય જણાં એક સાથે પહેરશું, બહેન!” શેઠાણીને તે વખતે પહેલી વાર સમજાયું કે પોતાના શરીરનું પુદ્ગલ ને પ્રભાની દેહપાંખડી, બે વચ્ચે કેટલું અંતર છે. બપોર થયા ત્યાં શેઠાણીએ ગાડી બહાર કઢાવી, બનીઠનીને પોતે બહાર નીકળ્યાં. સાથે ભાડૂતોની બે-ત્રણ સ્ત્રીઓ હતી. આવીને કહ્યું : “કાં કવિ, હાલો લ્યો, અમને ઇસ્પિતાલ બતાવો. અમારે કવિ-કવિયાણીના લાડા કુંવરને ઝટ જોવો છે.” વેવલી, મિથ્યાભિમાની ને તુમાખી શેઠાણીની એ નૂતન માનવતાનું દર્શન કરનારો અજિત માનવતાનો વધુ ને વધુ નમ્ર પૂજક બન્યો. કુદરતના એ ચમત્કારની પલેપલ વિકસતી પાંદડીઓના દીદાર કરવા અજિત રોજ રોજ ઇસ્પિતાલમાં જવા લાગ્યો. ત્યાં એણે ગઈ કાલ સુધીના ‘નાસ્તિ’ને પોતાના સ્વાધીન અસ્તિત્વનો કટ્ટર દાવો રજૂ કરતું દીઠું, એના રુદનની ચીસમાં પણ ‘હું સત્ય છું; હું જીવન છું!’નું સ્તોત્ર ગુંજતું હતું : એની નિદ્રિત મુખમુદ્રા પણ જાણે કે પોતાનું અસ્તિત્વ ન સ્વીકારનાર બ્રહ્મજ્ઞાનીની મશ્કરીનું મરકલડું ધારણ કરી રહી હતી. એના મંદ મંદ હાંફતા નાનકડા શરીરમાંથી મૃદુ મીઠી એક સોડમ ઊઠતી હતી. ઊંઘીને જાગતું જાગતું એ જોસભેર આંખો ખોલીને માતાનાં સ્તનની શોધમાં જ્યારે હોઠ મમળાવતું હતું ત્યારે અજિત એને જોઈ રહેતો. ટૂંકા વળેલા એના ટાંટિયા અને હવામાં અવિરત બાચકા ભરતા એના લાલ હાથ જોઈને અજિત કુદરતના કારખાનાનાં રહસ્યોની શોધમાં જાણે જુગજુગાન્તરને તળિયે નજર નાખતો હતો. આજીજી કરતો કે એકવાર એને મારા હાથમાં આપો. નર્સ કહેતી કે “નહિ, તમને એને તેડતાં ન આવડે. એનું માથું ખડી જાય.” “કૃપા કરીને આપો.” “જોજો હો. ડાબો હાથ બરાબર એના માથા પાછળ રાખજો.” એમ કહીને, કુદરતના કારખાનાના બિનવાકેફ આ ‘પુરુષ’ને અરધી હસતી ને અરધી દુભાતી નર્સ હાથમાં બાળક દેતી. એને તેડવામાં જે ચાલાકી ને કળા વાપરવી પડી, નર્સ પાસેથી જે અણઆવડતના ટોણા સાંભળવા પડ્યા, બાળકના શરીર પર જે ઓછા-વધતા દાબ દેવાના પાઠ ભણવા પડ્યા, તે પરથી અજિતને એક જ વિચાર આવ્યો : ‘જીવન શું ખરેખર આટલી બધી આવડતથી આવડા મોટા જતનથી હાથ રાખવાનો ગંભીર મામલો છે!’ પ્રભા તો પોતાના બાલોશિયા પર માથું ઢાળીને પડી પડી આ બધા મામલા પ્રત્યે મંદ મંદ હસતી રહી. પ્રભાના ગાલના ખાડા પાછા ઝડપથી ભરાવા લાગ્યા. લાલી સિંચાવા લાગી, તે તો અજિતને મન સૌથી મોટું કૌતુક હતું. બે જ દિવસ પૂર્વેની પોતાની કટ્ટર બંડખોર વૃત્તિ અને પોતાની વેદનાના પછાડા યાદ કરી અજિત અંતરમાં લજ્જિત બન્યો. પોતે જોયું કે પ્રભાની આ પ્રસવપીડા એ બીજી તમામ પીડાઓ જેવી નહોતી. આ પીડા તો રચનાત્મક હતી, જીવનક્રિયાના એક અંશરૂપ હતી. આ તો એક સંગ્રામ હતો, જેમાં ઝઝૂમીને પ્રભાએ વિજયનો મુગટ પહેર્યો હતો. વિજયના રાજરથમાં અત્યારે એ વિરાજમાન હતી. અદીઠ આશાઓ અને આનંદોની મેદની જાણે એનાં યશોગાન લલકારતી હતી. તે પછી અજિતે દીઠો ધાવણનો ચમત્કાર. બાળકના હોઠ હાલતા હતા, હાથની નાની હથેળીઓ અવિરતપણે સ્તનો શોધતી હતી. બીજી બાજુ સકલ રહસ્યોની જ્ઞાતા પ્રકૃતિએ પણ બરાબર એ જ અદલ પળે ધાવણના કુંભ ખુલ્લા મૂક્યા. પહાડોની સામસામી બાજુએથી ‘ટનલ’ ખોદતા ઇજનેરો એક તસુની પણ ગલતી વગર બરાબર મધ્યબિન્દુએ મિલન સાધે, એમાં જે વિસ્મય રહેલું છે, તેને જ મળતું વિસ્મય કુદરતની આ કરામતમાં અજિતની નજરે પડ્યું. બાળકને માટે જરૂર હોય તેના કરતાં અતિઘણેરું એ કનકવરણું દૂધ પથારી પર જાણે કે ઘડા ને ઘડા ભરીને ઠલવાતું હતું. બાળકની જનેતા પ્રભા અજિતને અઢળક જીવનસમૃદ્ધિની અધિષ્ઠાત્રી ભાસી. એટલા અઢળક ધાવણનો વધારાનો ભાગ કાચની શીશીમાં ખેંચી લેવો પડતો. ઓરડો આખો કોઈક દુગ્ધાલય (ડેરી) સમી સોડમ દેતો હતો. પ્રભા ઘેર આવે તે વખતે એને ચીડવવા માટેની આ હાંસી અજિતે અત્યારે તો પોતાના હૈયામાં જ સંઘરી રાખી. અત્યારે તો જીવનમંદિરના ગર્ભાગારમાં ચકિત અને ચૂપચાપ ઊભેલા અજિતની જીભે મશ્કરીનો શબ્દ આવી ન શક્યો. તર્ક અને વિચારનો, બુદ્ધિ અને દલીલનો સૂર આ દેવાલયના પ્રભાવ નીચે દબાઈ ગયો. ને એણે જોયું કે માતૃત્વની ઊર્મિઓએ પ્રભા ઉપર પૂર્ણ શાસન જમાવી દીધું હતું. પ્રભાનો વિરોધસ્વર ચૂપ બન્યો હતો. પણ જીવનના આ વિમલ દેવાલયની બહાર પાછી દુનિયાદારી તો દરવાન જેવી ટાંપીને જ બેઠી હતી. સૂર્યકિરણોનો થોડી ઘડી દેખાડ કરીને વાદળાં ફરી પાછાં બિડાઈ ગયાં. છઠે-સાતમે દિવસે પ્રભાની પથારી પર દાક્તરનું બિલ આવીને પડ્યું. અજિત તો કહેતો હતો કે દાક્તરે થોડો વખત ખમવાની હા પાડી છે; દાક્તર શું બીજી કામગીરી વચ્ચે આ વાત ભૂલી ગયા હશે! દાક્તર આવ્યા ત્યારે પ્રભાએ પૂછ્યું. દાક્તરે એવું કશું પોતે કહ્યું હોવાનું યાદ નથી એમ જવાબ દીધો. પ્રભાના ગાલ સફેદ પૂણી સરીખા થઈ ગયા. એણે અજિતને આ વાત કમ્પતા હોઠે કહી. બિલ આવ્યું ત્યારથી એને પોતાના ખાવામાં પણ કુસ્વાદ લાગ્યો. એ ભોજન-થાળી પર પોતાને કશો જ હક્ક નથી એવા વિચારે આત્મતિરસ્કારની લાગણી આવી. સાતમે દિવસે તો એણે અજિતને કહ્યું : “મને હવે અહીંથી લઈ જાઓ. હવે કશો વાંધો નથી. મારા શરીરમાં સંપૂર્ણ શક્તિ આવી ગઈ છે.” ખરી વાત તો બિલને વિશેષ ન ચડવા દેવાની જ હતી. બાળકની માતા બનેલી પ્રભા પોતાનાં પિયરિયાંના નવેસર મનમનામણાનું પાત્ર બની ગઈ. માતાએ એને પોતાના ઘરમાં લીધી. અજિત તો સાસરાના ઘરના દાદર પર ન ચડતાં નીચેથી જ પાછો વળ્યો. કોઈએ એને વધુ આગ્રહ પણ ન કર્યો. એ જઈને પોતાની ઓરડીમાં સમાયો. એની મગરૂબીએ એને પ્રભાને મળવા પણ ન આવવા દીધો. પણ પ્રભાનું દિલ તો એ સ્થિતિમાં અજિત તરફ વધુ ને વધુ વેગથી ધસવા લાગ્યું. અજિત માટેનો આ વલવલાટ દુર્દમ્ય બન્યો. કાચા વાસામાં તો પથારી છોડીને એ વારંવાર બાળકને લઈ અજિતની ઓરડીએ જવા લાગી. દાદર ચડી ચડીને એણે દેહમાં કાયમનું દર્દ નોતર્યું. એ દુઃખાવો એનો જીવનસંગાથી બન્યો. બાળકને બિછાનામાં સૂતું મૂકીને એ પતિની સાથે ઘરની મુસીબતોના પ્રશ્નોની ચર્ચા કલાકો સુધી કરી કરીને મગજના જ્ઞાનતંતુઓ નબળા પાડતી. આખરે એક દિવસ એ કાયમ માટે ઓરડીમાં પાછી આવી. છોકરાને માટે ઝબલાંની લંબાઈ-ટૂંકાઈ, ત્રાંસિયાના લાંબા-ટૂંકા ટુકડા, ઘોડિયાનાં ખોયાં વગેરે ઝીણી ઝીણી વિગતોમાં અજિતને પણ ઊતરવું પડ્યું. સુવાનું પાણી ને જવનું પાણી ચિંતાનો વિષય બન્યાં. બાળકને એ ગમે તેટલું રુએ તોપણ ચોક્કસ ત્રણ-ત્રણ કલાકે ધવરાવવાના પાઠ એને દાક્તર પઢાવવા લાગ્યા. એક દાક્તર-મિત્રે તો બાળકને ધવરાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિના લેખવાળું એક ‘દળદાર તબીબી વાર્ષિક’ એને મોકલ્યું. બાળક ધાવી લે તે પછી તરત ખભે તેડીને એને ‘શાબાશ બચ્ચા શાબાશ!’ કહેતે કહેતે પીઠ પર ધીરો થબડાટ કરવો, કે જેથી બાળકને ઓડકાર આવે; ને ઓડકાર આવે તો જ એના પેટમાં ધાવતાં ધાવતાં ગએલી હવા બહાર નીકળી જાય — વગેરે વગેરે વિગતોમાં કવિને ભારી રસ પડ્યો; કેમકે પોતે હવે તો ‘ગૃહકવિ’ બન્યો હતો. પોતાના અખબારની ઑફિસમાં જઈને અજિતે તંત્રીમંડળ પાસે વાત મૂકી : “જુઓને, હું તમને ‘બાળકોને ધવરાવવાની રીત’ એવા એક પુસ્તક પર ફક્કડ અવલોકન લખી આપવા માગું છું. તમે એ છાપો, હજારો સ્ત્રીઓ આપણું છાપું વાંચવાની માગ ઉઠાવશે”, વગેરે. આ સાંભળીને આખા તંત્રીમંડળે હસાહસ મચાવી દીધી. “હસો મા, મિત્રો.” અજિતે મશ્કરીખોરોને સંભળાવ્યું : “આપ સાહેબો પણ એક વાર તો ધાવણાં બાળકો જ હતાં; અને બાળકોના પેટના પાટા, બાળોતિયાં ને ત્રાંસિયાં વગેરેમાં પણ જીવનની કલા પડી છે. જીવનનાં અનેક રહસ્યો શીખવા જેવાં છે.” પણ જીવનકલાના રહસ્યગામી બનવાની તમન્ના ખુદ તંત્રીને જ નહોતી, એટલે ચારેક અવલોકન-કટારોના બે રૂપિયા રળી લેવાનો આ સુનેરી નુકતો અજિતે પાણીમાં જ નાખી દીધો. ઓરડીના માસિક ભાડાની જોગવાઈ કરવા માટે બીજા નુકતા કર્યા વગર છૂટકો નહોતો. છોકરાં ધવરાવવાની વાતમાં ન લલચાનાર તંત્રીને બીજો કયો વિષય ગમશે તેની શોધમાં એણે વાચનાલયમાં બેસી કલાકો સુધી ‘નવા વિચારો’નું આરાધન કર્યું, તંત્રીની કચેરીમાં વારંવાર જઈ જઈ હવે તો એ ‘લપ’ જેવો કડવો બન્યો. પ્રભાને એકલી મૂકી મૂકી એણે ઓરડીમાં પુરાઈ રહેવું આદર્યું. અરધી રાત સુધી ભેજું ખોતરી ખોતરીને કાંઈક લોકરંજક, કાંઈક વાચકોને ગલીપચી કરાવે તેવું ખેંચવાનો યત્ન કરે; એમાંથી થાકે એટલે થાક્યોપાક્યો બહાર ચાંદનીમાં લટાર મારે, મગજનો કચરો સાફ કરે, એના પોતાના આત્માને દ્વારે તલસતી ઊભેલી ઉન્નત કલ્પનાઓને આદર આપે. પછી પાછો જઈને પરોઢ સુધી એ પોતાની સાચેસાચી વહાલસોયી કલ્પનાની કારીગરી કરતો બેસે. ને એ સ્વતંત્ર સ્વયંપ્રેરિત કલ્પનાઓનું કાવ્ય લઈ પોતે જ્યારે એક કવિતાપ્રેમી તંત્રીની પાસે ઊભો રહ્યો ત્યારે તંત્રીના હૃદય-તાર ઝણઝણી ઊઠ્યા. પણ જ્યારે ખરીદવાની વાત આવી ત્યારે તંત્રીનું હાસ્ય નિસ્તેજ બન્યું. એણે કહ્યું : “અખબારને માટે આ કાવ્ય અતિ લાંબું કહેવાય, ને પુસ્તક માટે અતિ ટૂંકું. વળી, તમને તો ખબર છે કે કવિતાની ચોપડીઓ વેચાતી જ નથી.” ‘ફિકર નહિ, મારી પ્રભાએ તો કવિતા પર આફરીન પુકારેલ છે! હું પરાજય નહિ સ્વીકારી લઉં’, એમ વિચારીને એણે એ કવિતા વિવેચકોમાં ફેરવવાને માટે રવાના કરી. મતલબ કે પોતાની સ્ટેમ્પ-ભક્ષક હસ્તપ્રતોમાં આ એકનો વધારો થયો. લેખકના પેટને ભોગે એ કવિતાની હસ્તપ્રત દુનિયાની સફરે નીકળી. પ્રભાને માથે આ વિપત્તિ બેવડી હતી. કંગાલિયત સાથે નામોશીનાંયે બહેનપણાં હતાં. જેનો ધણી રળતો નથી એ નારી સૌનાં મેણાંનો ભોગ બને છે. ‘આનો ધણી કમાતો નથી’ એ વાક્ય મલકના મોંમાંથી વગરગુને ખેંચાતું એક ખંજર છે. ‘કાંક ધંધો ગોતી લ્યો; ઠેકાણે પડી જાઓ,’ એ ટોણો અજિતની છાતીમાં એ જ્યાં જઈ ઊભો રહે ત્યાં વાગતો હતો. કામ ઢૂંઢતાં ઢૂંઢતાં એના કૉલેજકાળના એક મિત્ર પ્રોફેસરનો ટેકો મળી ગયો. ‘સમકાલીન જીવનચરિત્રો’ નામનો એક ગ્રંથ તૈયાર થતો હતો. સમકાલીનોએ પોતાની જ કલમે કરેલી આત્મસ્તુતિઓમાંથી તેમનાં જીવનચરિત્રો તારવવાનાં હતાં! માસિકો ને વાર્ષિકોનાં થોથાં ખભે લાદીને અજિત ઓરડી પર આવ્યો. એ પ્રત્યેક સમકાલીન મહાપુરુષના ચરિત્રની તારવણી કરતે કરતે અજિતને મન થતું હતું કે આ મહાપુરુષોનાં આંતર-ચરિત્રોને તો એક છૂરી લઈને જ કલેજામાંથી બહાર કાઢવાં જોઈએ. ‘સત્યનો શોધક’ નામની એની જૂની હસ્તપ્રત જગત ઘૂમવા ગયે આજ મહિનાઓ થયા હતા. એના છેલ્લા નિરીક્ષક એક માતબર સાહિત્ય-સંપાદક હતા. એણે આ કૃતિની તારીફના થોકબંધ કાગળો અજિત પર લખ્યા હતા. અજિત આશાભર્યો રાહ જોતો હતો. એક દિવસ એ સંપાદકનો કાગળ આવ્યો : તમારી કૃતિ વિષે આપણે છેલ્લી વાર વાતો કરવી છે. અમુક રેસ્ટોરાંમાં આજે સાંજે આપણે સાથે જમશું. આવી પહોંચજો. રેસ્ટોરાંનું નામ જ ગરીબ લોકોનાં હૈયાં બેસારી દે તેવું હતું. એ નામાંકિત ભોજનગૃહમાં દાખલ થવાને લાયક કપડાં ક્યાંથી લાવવાં? ધોબીની ધોયેલ એકેય જોડ નહોતી. કાચી સુવાવડે ઊઠેલી પ્રભાએ ઝટ ઝટ કપડાં ધોઈ નાખ્યાં; ને બે કલાક ગડી કરીને પુસ્તકોના ઢગલા નીચે દબાવી રાખ્યાં. સાંજે એ પોશાક પહેરીને તાજમહાલ રેસ્ટોરાંનાં પગથિયાં ચડી રહેલો અજિત ત્યાંના દરવાનો, પિરસણિયાઓ અને પટાવાળાઓની પણ શંકિત આંખોનું નિશાન બન્યો. ચોમેર સોડા-લેમન અને બરફના કડાકા થતા હતા, હરેક માણસ ત્યાં ગુસપુસ બોલીને જાણે કોઈ વ્યાપક કાવતરાની કલ્પના કરાવતો હતો. પિરસણિયાઓ કાળાં ને ધોળાં પ્રેતોની પેઠે ઝબક ઝબક દોટાદોટ કરતા હતા. પછી તો લિજ્જતથી પીણું પીતે પીતે તંત્રીજીએ મધુર અવાજે કવિ મહાશયના ભાવિ જીવન-લક્ષ્ય પર વાતો છેડી. આડીઅવળી સીડીઓ પર થઈને તંત્રીજી મુદ્દાના વિષય પર ઊતરી પડ્યા : જુઓને ભાઈ, દુનિયા શું માગે છે તેનો વિચાર તો કરવો જ રહેશે. દુનિયાનું તો અનાદિ કાળથી અસ્તિત્વ છે, એકદમ એને પલટાવી નહિ શકાય. જે લેખકને પોતાના જ એકલાના આધાર પર જીવવું છે, તેને માટે દુનિયાના ગમા-અણગમાનો વિવેક કરવો કાંઈ મુશ્કેલ નથી. આ પ્રવચનનું તારતમ્ય અજિત સમજી ગયો. પોતાની કૃતિને વિશે સ્નાનના સમાચાર સંભળાવવાની પૂર્વભૂમિકા લેખે જ આ ભોજન ગોઠવ્યું લાગે છે બાપડાએ! “જુઓ કવિ,” એણે ચલાવ્યું : “હું પણ એક વખત તમારા જેવો — અરે તમારા કરતાંય વધુ — કંગાલ હતો. સાવ કાચી ઉંમરે ગામડાંમાંથી અહીં આવેલો, પણ મારામાં ‘ટેઇસ્ટ’ અને ‘ટેલન્ટ’ હતાં. મને સારા-માઠાનો નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ હતી, એટલે હું આજ ત્રીસ વર્ષથી આપણા પ્રાંતના એક અગ્રણી અખબારનો તંત્રી છું. તમે જોયું ને કે જગતમાં સત્તા વગરનું બધું જ નકામું છે. ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. પેલા એક ગૃહસ્થે મારે ખભે હાથ મૂક્યો તે કોણ છે, જાણો છો? શહેરના માતબર પ્રકાશક છે. પેલા મોટા વ્યાપારપતિ છે. એ પણ મને જોઈ ધ્રૂજે છે : મારી ખુશામત કરે છે. એનું નામ સત્તાનો ચમત્કાર! એ ચમત્કારના તમે પણ જલદી ભક્ત બની જાઓ. દુનિયા તમને નમસ્કાર કરતી આવશે.’ મનને માંડ માંડ કાબૂમાં રાખીને અજિત પોતાની હસ્તપ્રત પાછી લઈ તંત્રીને ‘હા જી’, ‘આપ સાચું જ કહો છો’, ‘બરાબર છે’ વગેરે વિનય-વાક્યો કહેતે કહેતે બહાર નીકળી પડ્યો : અને બહાર એણે દુનિયા દીઠી : ગાડીઓ ને મોટરોની અનંત લાગતી કતારો : ગાડીઓની અંદર લસલસતી, અથવા તો જરજવાહીરે જાજ્વલ્યમાન દુકાનોમાં હેન્ડકેસ ઝુલાવતી ઝુલાવતી દાખલ થતી લક્ષ્મીવંત લલનાઓ : આ જ એ જાહેર જનતા — આ જ એ દુનિયા, જેનાં મનોરંજન કરવા કવિએ ને લેખકે પોતાના આત્માના સ્વપ્નમાંથી સરજાવેલી કૃતિ આણવાની છે, ને જેના એક હાસ્યમાં કે બગાસામાં કવિના પ્રારબ્ધ-લેખની કાળી-રાતી શાહી ભરેલી છે. જેમના ભપકામાં કરોડો પરાજિત જનોનાં આંસુઓ ને હાહાકારોનો અર્ક નિચોવાયો છે, જેમનાં ઝવેરાતો ને મોતીઓ માનવજાતિનાં હૈયાંમાંથી ટપકેલાં રુધિર-ટીપાં છે : આ પોતે જ એ દુનિયા, જેની રુચિનું સાહિત્યકારે રંજન કરવાનું છે! આવેશીલા કવિએ આખી રાત આ વેદના ને અપમાનનાં વિષબિન્દુઓ પોતાની કોઈક નવી કૃતિમાં ટપકાવવાના મનસૂબા ઘડ્યા ને ભાંગ્યા : એવી કાતિલ કવિતા લખું કે જગત જેના સપાટા જમાના સુધી ન ભૂલી શકે!