બીડેલાં દ્વાર/કડી નવમી

કડી નવમી


અનુભવીઓના આ તમામ જૂજવા અનુભવોનાં પોટલાં લાવી લાવીને પ્રભાએ પતિની સામે ધરી દીધાં. છેલ્લો નિર્ણય લેવાને માટે હવે એક જ મહિનાની અવધ રહી હતી. બન્નેએ બાગમાં ફરતાં ફરતાં મસલત કરી.

પ્રભાનો બોલ તો એકનો એક જ હતો : “તમને હૈયે બેસે તેમ કરીએ. હું સમજું છું, કે હું તમારા પર અત્યારે ખરેખરી ભારરૂપ થઈ પડી છું, ને હવે તો વધુ બોજો નાખવાથી તમને આ દરિયાને તળિયે બેસારવા જેવુંજ થાય. મને ઘણુંય મન થઈ જાય છે, કે હું મારો દેહ પાડીને પણ તમને ચિંતામાંથી છૂટા કરું. માટે તમે જ છેલ્લો વિચાર કરી નાખો. મારી કશી જ ફિકર ન રાખશો.” “પણ તને કેમ લાગે છે? એમ શું નથી થતું, કે તારો અભ્યાસકાળ નષ્ટ થાય છે?” “એ તો લાગે જ છે.” પ્રભા ટૂંકો ઉત્તર દઈને ચૂપ રહી. દરમિયાન બાગમાં ફરતાં એક-બે અકસ્માતો બન્યા, ને એ અકસ્માતે જ આખરી ફેંસલો લખી નાખ્યો. પોતાની આખી જ પ્રેમયાત્રાને પંથે અજિતનો ભાગ્યલેખ અકસ્માતો જ લખતા આવ્યા હતા. આંખે પાટા બાંધીને ફરતું દૈવ જ એનો હાથ પકડી એને ખેંચતું ગયું હતું. આબુનાં શિખરો પર એને કાવ્યગ્રંથ લખવા મોકલનાર દૈવ : ત્યાં પ્રભાનું ઓળખાણ કરાવી પ્રભા પાસે કાવ્યનું વાચન કરવા પ્રેરનાર પણ દૈવ : પેટની બાદીને કારણે દાક્તરકાકા કને લઈ જનાર પણ દૈવ! અને દાક્તરકાકાએ પોતાના ઉંબરમાંથી એને પાછો કાઢતાં કાઢતાં જે પ્રશ્ન પૂછ્યો કે ‘કેમ, પ્રભા તો બચ્ચાંમાં પડી ગઈ હશે!’ એ પ્રશ્નનું પ્રેરનાર પણ ગાંડું દૈવ : પછી બે વર્ષોથી સૂઈ રહેલા એના યૌવનને જાગ્રત કરી તે રાત્રીએ એક નવા માનવાત્માને માટે જગત પર પ્રવેશવાનાં દ્વાર ઉઘડાવી નાખનાર પણ દૈવ : એ જ દૈવે અત્યારે એને બાગમાં ફેરવતાં ફેરવતાં એક કેવો યોગ ઊભો કરી દીધો! થાકેલી પ્રભાને બગીચાના એક બાંકડા પર બેસારીને પોતે આ પ્રશ્નની ગડમથલમાં નિમગ્ન બની ટહેલતો હતો. તેવામાં એક ધોળાં વસ્ત્રોવાળી આયા ત્યાં એક બાબાગાડી હંકારતી આવી ચડી. બાંકડાની ખાલી જગ્યા દેખીને, કે પછી પ્રભાનું નમણું મોં નિહાળીને આયાએ ગાડી ત્યાં જ થંભાવી અને એ જ બાંકડા પર બેઠક લીધી. બાબાગાડીમાં બેઠેલા એક આઠ-દસ મહિનાના ભૂલકાએ ડોક ઊંચી કરીને પ્રભા સામે જોયું. પ્રભાનું મોં મલક્યું. એ મલકાટનું પ્રતિબિમ્બ બાળકની મુખ-આરસીમાં પણ ચમકી રહ્યું. પ્રભાએ સિસકારા કર્યા : જવાબમાં બાળક ખડખડાટ હસ્યું. પ્રભાએ એને ગળે હાથ પંપાળ્યો. બાળકે પ્રભાની આંગળી ઝાલી. ત્યાં તો અજિત ચક્કર મારીને આવી પહોંચ્યો. એણે આ અજાણ્યાં વચ્ચેની મૈત્રી નજરે નિહાળી; છતાં પોતે કશો ખાસ રસ ન બતાવ્યો. “કેવું સરસ પારેવડું છે!” પ્રભાએ અજિત સામે હસીને ઉચ્ચાર્યું. અજિત પ્રભાની સામે કંઈક રમૂજભર્યા ભાવે તાકી રહ્યો. વળતી ક્ષણે જ એણે પોતાના મનોભાવ છુપાવી દીધા અને પોતાને રસ પડ્યો હોય તેવો દેખાવ કર્યો. “કેવું રૂપાળું! નથી હેં, નથી રૂપાળું! જુઓ તો એનો ઘાટીલો ચહેરો!” પ્રભાએ ભાર દઈને કહ્યું. અજિત શો ઉત્તર આપે? બાળકના હોઠ સીદીના જેવા ધીંગા હતા. માથું બેડોળ હતું. ભૂરિયા ભૂંડા વાળ હતા ને ચૂંચી આંખો હતી. હબસી, ચીના ને ગોરા, ત્રણેયનાં રૂપના કોઈ વર્ણસંકર સમી એ સિકલ પ્રભાને શી રીતે ‘ઘાટીલી’ ને ‘નમણી’ લાગી? કઈ આંખે પ્રભા જોઈ રહી હતી? છતાં તત્કાળ અજિતે હાજરજવાબી વાપરી : “ખરે જ પ્રભા, ફક્કડ છોકરું છે.” દસ જ મિનિટ પરનાં તમામ દુઃખસંતાપ ફગાવી દઈને પ્રભા આ એક બદસિકલ ભૂલકાની સાથે રમતો રમવા લાગી પડી : અને બાળકને ધવરાવવા, નવરાવવા, સુવરાવવા વગેરે બાબતો વિશે એ આયાની સાથે ભાંગીતૂટી મરાઠી તેમ જ ગુજરાતી અને હિંદીની ભેળસેળ કરીને વાતો પૂછવા લાગી પડી. જાણે એ વિષયમાં પોતે પારંગત બનવા મથતી હતી. પ્રભા કોઈ જ્યોતિષશાસ્ત્રીની કને જ્યોતિષ-વિદ્યાની વાતો કરતી હોત, તો પણ અજિતને આટલું વિસ્મય ન થયું હોત. પંદર મિનિટો પહેલાંની ઘડી સુધી બાળકની ઉત્પત્તિને કો કાળી આફત સમજીને ઘૃણા ઠાલવનાર સ્ત્રી શું આ-ની આ પ્રભા જ હતી? બાળક જણવા કરતાં તો ગર્ભહત્યા બલ્કે જલસમાધિ કે ઝેરનું પડીકું લેવાની તત્પરતા બતાવનાર પ્રભા સાચી પ્રભા હતી કે આ પોતિયાં-બાળોતિયાં અને ધાવણના પાઠ પાકા કરી રહેલી પ્રભા સાચી હતી? બાળક જાણે અજિતની સામે તાકીને બોલી રહ્યું હતું : ‘કાં ભાઈશ્રી, બરાબર ચાટ પડ્યા ને?’ અજિત અને પ્રભા ઊઠીને ચાલતાં થયાં. જતાં જતાં પ્રભાએ પેલા ભૂલકાને એક બચી લીધી, બે-ત્રણ વાર પછવાડે નજર નાખી. સ્ટેશનમાંથી ઊપડતી હમેશની સેંકડો ટ્રેઇનો પર વિદાય દેવા આવનારા હજારો લોકોમાંથી કોઈએ એટલા લાગણીપૂર્વક રૂમાલો નહિ ફરકાવ્યા હોય.