ભારતીયકથાવિશ્વ−૪/ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા/કુવલયચંદ્રના જન્મની કથા

From Ekatra Wiki
Revision as of 06:32, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કુવલયચંદ્રના જન્મની કથા

મધ્યદેશમાં વિનીતા નામની નગરી, ત્યાં ઘણા લોકોને કારણે સમુદ્ર જેવા ધ્વનિ સંભળાય છે. ઊંચા ઊંચાં ભવનોને કારણે સૂર્યના અશ્વની ગતિ રોકાઈ ગઈ છે. સમુદ્ર જેવી ગંભીર, મહારત્નોથી સમૃદ્ધ, સ્વર્ગ જેવી રમ્ય, ચારે બાજુ સેતુબંધ જેવા કિલ્લાવાળી આ નગરીમાં દૃઢવર્મ નામનો રાજા. પોતાની સ્ત્રીઓમાં સંતોષી પણ કીર્તિમાં નહીં, ગુણોની બાબતમાં લોભી પણ ધનમાં નહીં; કળા સારી રીતે શીખેલો પણ કપટકળા ન જાણે. આ રાજાની પ્રિયંગુશ્યાના નામે રાણીએ દેવાંગનાઓના રૂપને પણ હસી કાઢ્યું છે. ઇન્દ્ર-ઇન્દ્રાણીની જેમ બંને સુખી.

એક દિવસ સભામંડપમાં તે રાણી સાથે બેઠો હતો ત્યારે એક પ્રતિહારીએ આવીને ભીલ સેનાપતિના પુત્ર સુષેણના આગમનની વાત કરી. તે રાજાના કહેવાથી માલવ દેશને જીતવા ગયો હતો. રાજાએ તેને અંદર બોલાવ્યો અને તેનું સન્માન કર્યું. પછી માલવ દેશની વાત પૂછી એટલે સુષેણે ત્યાં જઈને રાજાની સેનાએ જે રીતે યુદ્ધ કર્યું હતું તેની વાત કરી. એ યુદ્ધમાં શત્રુ રાજાનું છત્ર નમી ગયું, તેની ધજા પડી ગઈ, રથ ભાંગી ગયા અને તેનું સૈન્ય ભાગી ગયું. પછી નગરમાં રાજાની સેનાએ લૂંટફાટ ચલાવી. રાજાના પાંચ વર્ષના પુત્રને પણ કબજે કર્યો.

પછી સુષેણે તે બાળકને સભાખંડમાં હાજર કર્યો. રાજાએ સ્નેહપૂર્વક તે બાળકને પોતાના ખોળામાં બેસાડ્યો. થોડી વારે તે બાળકુમાર રુદન કરવા લાગ્યો. રાજારાણી પણ તેને જોઈને ગળગળા થઈ ગયા. રાજાએ બાળકનાં આંસુ લૂછી તેને આશ્વાસન આપ્યું અને મંત્રીઓને તેના રુદનનું કારણ પૂછ્યું તો જાતજાતના ઉત્તર મળ્યા. છેવટે રાજાએ બાળકને જ પૂછ્યું તો ઉત્તર મળ્યો, ‘જુઓ, દૈવની ગતિ કેવી છે. વાસુદેવ અને ઇન્દ્ર સરખા મારા પિતા અને આજે હું શત્રુના ખોળામાં બેઠો છું.’

બાળકના નિખાલસ, નિર્ભય, બુદ્ધિપૂર્ણ ઉત્તરથી રાજા પ્રસન્ન થઈ ગયો. તેણે બાળકને કહ્યું, ‘હું તમારો શત્રુ છું એ વાત ભૂલી જજે. ભૂતકાળની એ વાત હતી. હવે તો તું જાણે મારો પુત્ર છે.’ પછી બાળકને હાર, પાન આપ્યાં અને મંત્રીઓને રાજાએ કહ્યું કે ‘એને પિતાના ઘરની યાદ ન આવે એ રીતે રાખજો.’

એક વખત રાજા બહારના સભામંડપમાં બેઠો હતો ત્યારે ત્યાં બીજા રાજાઓ પણ બેઠા હતા. ત્યાં ઉજ્જ્વળ વસ્ત્ર પહેરેલી સુમંગલા દાસીએ રાજાના કાનમાં કશું કહ્યું એટલે થોડી વાર બેસીને રાણી પાસે ગયો.

રાજા વિચાર કરવા લાગ્યો કે આજે રાણીએ અલંકાર ઉતારી દીધા છે, ભોજન કર્કહ્યું નથી, અત્યંત ચિંતાતુર છે તો દેવીની આ હાલત કેમ થઈ. મારો પ્રેમ ઓછો નથી થયો, ગોત્રની કોઈએ નિંદા કરી નથી, નોકરચાકર તરફથી કોઈ અવિનય થયો નથી, શોકનો કોઈ સંતાપ નથી, સાસુ તો જીવતાં જ નથી એટલે એવો પણ કોઈ પ્રશ્ન નથી. રાજાએ કોપભવનમાં જઈને જોયું તો કરમાઈ ગયેલી અવસ્થામાં તે હતી. રાજાએ એને ઘણી બધી રીતે પૂછ્યું, શા માટે આટલો બધો કોપ કર્યો છે. ત્યારે રાણીએ કહ્યું, ‘મને પુત્ર નથી એનું બહુ દુઃખ છે.’

રાજાએ તેને સમજાવી કે એ તો ભાગ્યની વાત છે.

રાણીએ રાજાને દેવની આરાધના કરીને પુત્ર માગવા કહ્યું.

પછી રાજાએ કુલદેવતાની આરાધના કરવાનો નિર્ણય કર્યો. ઇન્દ્રની આરાધના કરીને પણ પુત્રપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનું વચન રાણીને આપ્યું એટલે રાણી આનંદ પામી.

મંત્રીઓએ પણ પુત્રમહિમા સમજાવી કુલદેવીની આરાધના કરવા કહ્યું, અને રાજા દેવીની સ્તુતિ કરવા લાગ્યો, છેવટે કમળપૂજા કરવાની તૈયારી બતાવી. ત્યારે મસ્તક કાપી નાખવા તૈયાર થયેલા રાજાના હાથને કોઈએ અટકાવ્યો, જોયું તો તેજસ્વી લક્ષ્મી દેવી હતાં. દેવીએ પ્રસન્ન થઈને રૂપે કામદેવ, દાનધર્મે કુબેર, યુદ્ધે ઇન્દ્ર જેવા પુત્રનું વરદાન આપ્યું. બધાને ભેટસોગાદથી ખુશ કરી મંત્રીઓને દેવીના વરદાનની વાત કરી.

પછી રાણીએ સ્વપ્નમાં ચંદ્રને જોયો, ભમરાઓની કુવલયમાળાએ ચંદ્રને આલિંગન કર્યું તે જોયું. રાણીએ પોતાના સ્વપ્નની વાર્તા રાજાને કહી એટલે રાજાએ કહ્યું, ‘દેવીએ તને પુત્રનું વરદાન આપ્યું છે એટલે એ પુત્ર તારા ઉદરમાં આવ્યો.

રાજાએ મંત્રીઓને રાણીના સ્વપ્નની વાત કરી અને મંત્રીઓએ સ્વપ્નના ફળની વાત કરી. રાણી પણ દિવસે દિવસે વધુ સુંદર દેખાવા લાગી. તે બધા આશ્રિતોને વિપુલ દાન કરવા લાગી.

રાજપુત્રના જન્મ વખતે અંત:પુરની સ્ત્રીઓ જાતજાતની વાતો ઉત્સાહપૂર્વક કરવા લાગી અને એક સ્ત્રીએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તે સ્ત્રીને પહેરેલાં આભૂષણો આપી દીધાં. પછી તો ત્યાં ઉત્સવ ઉત્સવ થઈ ગયો. રાજમંદિરની શોભા અનેકગણી વધી ગઈ. નગરજનો પણ આનંદમાં આવી ગયાં.

જ્યોતિષીઓએ બાળકના જન્માક્ષર બનાવીને તે ચક્રવર્તી જેવો થશે એમ જણાવ્યું અને રાજાએ જ્યોતિષીઓને રાશિઓ વિશે માહિતી પૂછી એટલે તેમણે બારે બાર રાશિઓની માહિતી આપી.

કુમારના નામકરણ અંગે રાજાએ કહ્યું, ‘દેવીને કુવલયમાલા અને ચંદ્ર બંને દેખાયાં છે એટલે તેનું નામ કુવલયચંદ્ર પાડીએ. દેવીએ આ પુત્ર જલદીથી અપાવ્યો છે એટલે તેનું બીજું નામ શ્રીદત્ત રાખીએ.’

એમ કરતાં કરતાં જ્યારે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે તેને વિદ્યાગુરુ પાસે લઈ ગયા અને સકળ વિદ્યામાં નિષ્ણાત થઈ તે પિતૃગૃહે જવા નીકળ્યો. આચાર્યે કુમારે શીખેલી બધી બોતેર કળાઓની માહિતી આપી. જે તે કળાનું શિક્ષણ કુમાર તરત જ ગ્રહી લેતો હતો, તે નિષ્ણાત બનતો હતો. તે દાક્ષિણ્ય શીખ્યો, દાનધર્મ શીખ્યો, શત્રુને પણ અપ્રિય, કોપીલું વચન ન કહેવાનું શીખ્યો.

મોટા થયેલા કુમારને એક અશ્વ આપવામાં આવ્યો. રાજાએ કુમારને ઘોડાઓ વિશે જાણકારી પૂછી તો કુમારે લક્ષણો કહી બતાવ્યાં. પછી સૈન્યની સાથે કુમાર અશ્વારૂઢ થઈને નીકળ્યો. નગરની સ્ત્રીઓ કુમારને જોવા અટારીઓમાં ઊભી રહી. જાતજાતની ચેષ્ટાઓ કરતી એ સ્ત્રીઓ કુમારને જોઈ જ રહી. અને કુમાર કોના જેવો દેખાય છે તેની જાતજાતની વાતો કરતી રહી. કુમારનાં રૂપ, વિલાસ, યૌવનથી પ્રભાવિત થયેલી કેટલીક સ્ત્રીઓ વાજિંત્રો વગાડવા લાગી, કેટલીક વાતો કરવા લાગી, એ બધી સ્ત્રીઓનો સમૂહ મદનમોહનવાળો બની ગયો.

કુમારનો અશ્વ જોતજોતાંમાં આગળ દોડવા લાગ્યો અને આકાશ તરફ ઊડવા લાગ્યો. નગરજનો તે જોઈને ઘોેંઘાટ કરવા લાગ્યા. પર્વતો કોડિયો જેવા દેખાયા, નગરો ગામડાં જેવાં, માણસો કીડીઓ જેવા, સરોવરો અરીસા જેવા દેખાયા, મહાનદીઓ વાસુકિની કાંચળીઓ જેવી દેખાઈ.

કુવલયચંદ્ર હવે વિચારે ચઢ્યો, આ અશ્વ આકાશમાં ઊડ્યો કેવી રીતે? દેવ હોવો જોઈએ. હું એને ઘાયલ કરી જોઉં. જો તે અશ્વ જ હશે તો ધરતી પર પડશે અને જો કોઈ બીજો હશે તો પોતાનું રૂપ પ્રગટ કરશે. એમ વિચારીને છરી પડે ઘોડાના પેટમાં ઘા કર્યા એટલે તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું અને આકાશમાંથી નીચે પડવા માંડ્યો, એમ કરતાં ધરતી પર પડીને તેણે પોતાના જીવનનો ત્યાગ કર્યો. હવે આ જોઈ કુમારને વિચાર આવ્યો કે જો આ અશ્વ જ હોય તો આકાશમાં ઊડ્યો કેવી રીતે? અને જો અશ્વ ન હોય તો છરીના ઘાથી એ મરણ કેવી રીતે પામ્યો?

તે વખતે કોઈના શબ્દો કાને પડ્યા, ‘અરે કુમાર કુવલયચંદ્ર, સાંભળ. હજુ તારે દક્ષિણ દિશામાં જવાનું છે અને ક્યારેય ન જોયું હોય એવું દૃશ્ય જોવાનું છે.’ એ સાંભળી આશ્ચર્ય પામતો કુમાર દક્ષિણ દિશામાં ચાલવા માંડ્યો. ત્યાં અનેક પર્વત, વૃક્ષો, લતાવાળી અટવી જોઈ. જાતજાતની ઘટનાઓ જોઈ, જાતજાતના અવાજો સાંભળ્યા. જંગલી લોકોનાં બાળકો જોયાં, અનેક વૃક્ષો જોયાં, અનેક પ્રાણીઓ, અનેક નદીઓ જોયાં. ત્યાં તેણે આશ્ચર્ય વચ્ચે પરસ્પર વેરવાળાં પ્રાણીઓ સાથે સાથે જોયાં.

તેણે એક વડ નીચે તેજસ્વી, ધર્મપરાયણ, શાંત મુનિને જોયા. મુનિ પાસે એક શાંત સિંહને પણ જોયો. મુનિએ કુમારને આવકાર આપ્યો; અને પછી ઉપદેશ આપ્યો; ઘોડાએ કરેલા કુમારના અપહરણ પાછળનું રહસ્ય પણ કહ્યું.

સુવર્ણમય, રત્નોથી શોભતો, પૃથ્વીના કુંડળ જેવો દમિલાણ નામનો દેશ અને તેમાં કિલ્લો ધરાવતી કંચી નામની નગરી. એ નગરીની અગ્નિ દિશામાં ત્રણ ગાઉ દૂર એક વિસ્તાર. વિંધ્યાટવી જેવો, મહાદેવના મંદિર જેવો, મલયપર્વત જેવો, સેંકડો વૃક્ષો ધરાવતો એ વિસ્તાર હતો.

ધનધાન્ય, શાંતિવાળો, ઉદ્યાનો ધરાવતા, સેંકડો ગોકુળવાળા એ વિસ્તારમાં જન્મથી દરિદ્ર, કજિયા કંકાસ કરનારો સુશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેનો મોટો પુત્ર ભદ્રશર્મા બાળપણથી જ ચંડ. તેની ચપલ, પ્રકૃતિ જોઈને બાળકોએ તેનું બીજું નામ ચંડસોમ પાડ્યંુુ હતું. તેના માતાપિતાએ યોગ્ય ગુણ, કુલ, શીલ, માન, વૈભવ, વિદ્યાવાળી બ્રાહ્મણબાલિકા સાથે વિવાહ કર્યા. પછી તેના માતાપિતા દરિદ્રતાથી કંટાળી કુટુંબનો ભાર તેમના પર નાખી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા.

ધીમે ધીમે ચંડસોમ યુવાન થયો, તેની પત્ની નંદિનીને ખોરાકપાણી, કપડાંલત્તાં પૂરતાં ન હોવા છતાં, વિવિધ વિલાસો માણવા ન મળવા છતાં યૌવનની સાથે સાથે તેનું લાવણ્ય પણ શોભી ઊઠ્યું. તે જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં બધા તેની સામે જોયા જ કરતા. આવી કુલશીલવાળી પત્નીની ચંડસોમને બહુ ઈર્ષ્યા થતી હતી. એમ કરતાં કરતાં શરદ ઋતુ આવી પહોેંચી. ચંદ્રની ચાંદની વડે સરોવરો શોભી ઊઠ્યાં, ડાંગરની લણણી થઈ ગઈ હતી, દરિદ્ર ખેડૂતો ઘેર અનાજ આવવાની આશાથી સંતુષ્ટ થયા. આખી પૃથ્વી હરખઘેલી બની ગઈ.

આવી ધરતીને જોઈને ભવાઈ કરનારા, મુષ્ટીયુદ્ધ કરનારા, ચારણો ગામડે ગામડે ફરવા લાગ્યા. તે ગામમાં નટ લોકોની એક ટોળી આવી ચઢી. ત્યાં હરદત્ત નામના ગામના મુખીએ નાટકનું આયોજન કરીને આખા ગામને નિમંત્રણ આપ્યું. ગામડામાં તો દિવસે ખેતર ખેડવાનું હોય, બળદ જોડવાના હોય, ગાયભેંસ ચરાવવાનાં હોય, એટલે દિવસે તો લોકોને સમય ન મળે એમ માનીને નાટક રાતના પહેલા પહોરે બતાવવાનું નક્કી કર્યું. તે વખતે દિવસનો કોલાહલ શાંત થઈ ગયો હતો, ગાયભેેેંસોને ખીલે બાંધી દીધાં હતાં. વાછરડાં, બાળકો સૂઈ ગયા હતાં. લોકો ઘરકામમાંથી નવરા થઈ ગયા હતા. ઢોલ, નગારા અને ગીતના અવાજ સાંભળીને ગામલોકો જોવા નીકળ્યાં. કેટલાક લોકોએ હાથમાં દીવા લીધા, કોઈએ હાથમાં માંચડો લીધો, કોઈએ જોડા પહેર્યા, કોઈના હાથમાં ડાંગ હતી.

આ ચંડસોમ પોતાની પત્નીની રક્ષા કરતો વિચારવા લાગ્યો, ‘હું જો નાટક જોવા જઉં તો મારી પત્નીને કોણ સાચવે? એટલે જોવા નથી જવું, એને સાથે લઈને પણ ન જવાય, કારણ કે નાટક જોવા આવેલા બધા યુવાનોની નજર તેના પર પડે. મારો ભાઈ પણ નટ જોવા ગયો છે એટલે હવે હું મારી બહેન શ્રીસોમાને સોેંપીને હું જઉં.’ એટલે ચંડસોમ નાટક જોવા ગયો. શ્રીસોમાએ નંદિનીને કહ્યું, ‘કોઈ ચતુર નટ આવ્યો છે તો નાટક જોવા કેમ ના જઈએ?’

નંદિનીએ કહ્યું, ‘અરે શ્રીસોમા, તું તારા ભાઈનો સ્વભાવ જાણતી નથી એટલે આમ બોલે છે, હું હજુ મારા જીવનથી કંટાળી ગઈ નથી, તને જેમ ઠીક લાગે તેમ કર.’ આમ કહીને તે મૂંગી થઈ ગઈ. શ્રીસોમા નાટક જોવા ગઈ.

હવે ચંડસોમ જ્યાં નાટક જોવા બેઠો હતો ત્યાં એક યુવાન દંપતી વાતો કરતાં હતાં. યુવાને કહ્યું કે ‘સુંદરી, તું સ્વપ્નમાં દેખાય છે, મારા હૈયામાં તારો વાસ છે, ચારે દિશાઓમાં તું દેખાય છે. મારા મનોરથ પ્રમાણે મેં તને આજે પ્રત્યક્ષ જોઈ, તારા સૌભાગ્યગુણથી મારો કામાગ્નિ વધ્યો છે તો તું મને તારા સમાગમનો લાભ આપ.’

પાસે બેઠેલા ચંડસોમે આ વાતો સાંભળી એટલામાં પેલી યુવતીએ કહ્યું કે ‘હું માનું છું કે તું ચતુર છે ત્યાગી છે, પ્રિય બોલનાર છે સશક્ત છે પણ મારો પતિ ચંડ છે.’

આ ચંડ શબ્દ સાંભળી ચંડસોમને શંકા થઈ. તેણે માન્યું કે આ મારી દુષ્ટ પત્ની છે મને અહીં આવેલો જાણીને તે કોઈની સાથે શી વાત કરે છે તે સાંભળું.

પેલો યુવાન બોલ્યો, ‘હે સુંદરી, તારો પતિ ચંડ હોય કે શાંત હોય, ઇન્દ્ર હોય કે યમ હોય, આજે તારે મને મળવું જ પડશે. નહીંતર મારું મૃત્યુ નક્કી છે.’

એ સાંભળી યુવતીએ કહ્યું, ‘જો તારો આવો જ નિર્ધાર હોય તો સાંભળ. મારો પતિ અહીં ક્યાંક બેસીને નાટક જુએ છે, હું ઘેર જઉં છું. ત્યાં તારે મારી પાછળ પાછળ આવવું.’ આ વાત ચંડસોમે સાંભળી અને તે મનોમન બોલ્યો, તે બોલી કે મારો પતિ ચંડ છે. વળી તેણે એમ પણ કહ્યું કે તે અહીં જ ક્યાંક બેસીને નાટક જોઈ રહ્યો છે. તેણે મને જોયો જ નથી. અહીં હવે મારે શું કરવું? તે આમ વિચારતો હતો ત્યાં નટીએ ગીત ગાયું, ‘પ્રિયા સાથે બીજો કોઈ કેલિ કરે તો તે તેને મારી નાખે.’

આ ગીત સાંભળીને ચંડસોમના કપાળે કરચલીઓ પડી, ભવાં ચડી ગયાં. રોષથી તેના હોઠ ફફડવા માંડ્યા. તે વિચારવા લાગ્યો, ‘આ દુરાચારીઓ જશે ક્યાં. હું તેમનાં માથાં વાઢી નાખીશ.’ એમ વિચારીને હાથમાં શસ્ત્ર લઈને ઊભો થયો. તેનું હૃદય ધમપછાડા કરતું હતું. ઘર પાસે આવીને તે ભીંતના પાછલા ભાગમાં હથિયારનો ઘા કરવા ઊભો થઈ ગયો. આ બાજુ નાટક પૂરું થયું એટલે ચંડસોમના ભાઈબહેનને ઘરની ખડકીમાંથી અંદર પ્રવેશતાં ચંડસોમે જોયાં. જોતાંની સાથે લોક પરલોકનો વિચાર કર્યા વગર, ઉત્તમ જીવનની પરવા કર્યા વગર, ક્રોધમાં આંધળો થઈને તેણે ભાઈબહેનને હણી નાંખ્યાં. ‘નક્કી આ જ પેલો યુવાન અને આ જ મારી પત્ની. હવે તમારું મસ્તક છેદું.’ એમ કહીને હથિયાર ઉગામી દોડ્યો તેટલામાં ચંડસોમની પત્ની નંદિની જાગી ગઈ. ગભરાઈને તે બોલી ઊઠી,‘અરે દુરાચારી, આ શું કર્કહ્યું? તમારા ભાઈબહેનને મારી નાખ્યાં?’ હવે ભાઈબહેનને ઓળખીને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો.’

‘અરે નિરપરાધી પ્રિયા માટે ખોટા ખોટા વિચારો કર્યા. ગુસ્સામાં આવીને મેં આ શું કરી નાખ્કહ્યું? માતાપિતાએ મને સોેંપેલી નાની બહેન- અરે ભાઈ થઈને મેં કેવો અનર્થ કર્યો? ‘હું મરી ગયો.’ એમ બોલતો તે મૂચ્છિર્ત થઈને ધરતી પર પડી ગયો. નંદિની પણ રડવા લાગી, ‘અરે મારા દિયર, અરે મારી નણંદ, તું ક્યાં ગઈ. હે દેવ, હવે મને છોડી, તેં મને પાપ આપ્યું.’

ચંડસોમ મૂર્ચ્છામાંથી જાગ્યો એટલે વિચાર કરવા લાગ્યો, ‘હે મારી બહેન, હે મારા ભાઈ, મેં સાનભાન ગુમાવીને તમને બંનેને મારી નાખ્યા. તમને ઊંચકી ઊંચકીને ફરતો હતો. આ બહેન પિતાની એકેએક વાત માનતી હતી. તેઓ જ્યારે તીર્થયાત્રા કરવા ગયા ત્યારે મને સોેંપી હતી. મને માતાએ કહ્યું હતું, મારા જીવથીય વધુ વહાલા આ પુત્રની તું સારી રીતે સંભાળ રાખજે. આ બંનેના વિવાહની હું ગોઠવણ કરી રહ્યો હતો અને હવે? નાના ભાઈના લગ્ન વખતે રંગેલા વસ્ત્રની કસબી પાઘડી પહેરીને હું હર્ષથી નૃત્ય કરીશ એવું વિચારતો હતો અને ત્યાં આ શું થઈ ગયું! વિચાર્યું શું અને થયું શું? હું સમુદ્રમાં પડું, પહાડ પરથી ખીણમાં ગબડી પડું, અગ્નિમાં પ્રવેશું તો પણ મારી શુદ્ધિ નથી. ભાઈ બહેનનો હું હત્યારો-હવે સવારના પહોરમાં કયા ખેડૂતને મારું મેં બતાવીશ?’ આમ વિલાપ કરતો હતો ત્યાં તારા અસ્ત થવા લાગ્યા, સૂરજ ઊગ્યો. કમળવનનો પ્રિય બંધુ, ચક્રવાકીના હૈયામાં હર્ષ પ્રગટાવનાર સૂર્ય ઉદય પામ્યો ત્યાં ચંડસોમ થોડો સ્વસ્થ થયો એટલે લોકોએ તેને કહ્યું, ‘હવે મરનાર તો મરી ગયાં. તું શોક ત્યજી દે.’ તો પણ ભારે પસ્તાવો કરી, અગ્નિમાં પ્રવેશવાનો નિશ્ચય કરી બેઠેલો તે ગામબહાર જઈ સ્મશાનભૂમિમાં પ્રવેશ્યો. લાકડાની ચિતા તૈયાર કરી. તલ, ઘી, કપાસ, કુસુંભ પુષ્પોનો ઢગલો કરી ચિતામાં આગ ચાંપી અને તે અગ્નિમાં પ્રવેશવા દોડ્યો. એટલામાં ‘અરે રોકો, રોકો.’ એમ લોકોની બૂમ સાંભળી શક્તિશાળી યુવકોએ તેને ઝાલી રાખ્યો. ચંડસોમે તેમને કહ્યું, ‘અરે ભાઈઓ, હવે મારા જેવા પાપીએ શા માટે જીવવું જોઈએ? ધર્મ-અર્થ-કામ રહિત, પંડિતોએ નિંદા કરેલા, નિર્ગુણ પુરુષો જીવતા છતાં મરેલા જેવા છે. ભાઈબહેનનો હત્યારો- હું હવે આત્માહીન થયો છું. તો જીવવાનું શું પ્રયોજન?’

મનુ, વ્યાસ, વાલ્મીકિ, માર્કંર્ંડ, ભારત, પુરાણ, ગીતા, વૃત્ત વગેરેના પિતા-પિતામહની પરંપરાથી ચાલ્યા આવતા વેરવિખેર ખંડોને એકત્રિત કરનાર ગોકુળ, હળ, ખેતર વડે ગુજરાન ચલાવનારા ગ્રામપંડિતોએ કહ્યું, ‘આનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોમાં જણાવ્યું છે તો તે પ્રમાણે આચરણ કરીને પાપરહિત થા.’

ચંડસોમે કહ્યું, ‘જો એવું હોય તો મને પ્રાયશ્ચિત્ત બતાવો.’

બધાએ જાતજાતનાં પ્રાયશ્ચિત બતાવ્યાં.

પણ સ્થૂળ રીતે તીર્થાટન કરવાથી શું?

પણ વાસ્તવમાં બાહ્ય જળ વડે કશી શુદ્ધિ થતી નથી. કુંભારની સ્ત્રીને પ્રસૂતિ હોય અને લુહારની સ્ત્રી ઘી પીએ તેથી શું? શરીરનો મેલ તીર્થજળ દૂર કરે પણ પાપમળ કેવી રીતે શુદ્ધ થાય? જો અંગસ્પર્શથી પાપ દૂર થતું હોય તો પાણીમાં રહેતાં મત્સ્ય, કાચબા, માછીમારો અનંત સ્વર્ગમાં સૌથી પહેલાં જવા જોઈએ. જો માત્ર ચિંતન કરવાથી પાપ દૂર થતું હોય તો છેક દક્ષિણમાં રહેતા લોકો અહીં શા માટે આવે? જળ પવિત્ર કરે પણ સાથે વિશેષ પ્રકારની બુદ્ધિ હોવી જોઈએ.

…એટલું જ નહીં, મરેલાના અવશેષો-હાડકાં ગંગાજળમાં નખાય છે. એમ માનીને કે તેથી મરનારને પુણ્ય મળશે. આવી સમજને શું કહેવું? અજાણ્યા, મુગ્ધ લોકોને મંદ બુદ્ધિના લોકો ભરમાવે છે.’

પછી ચંડસોમ વૈરાગ્ય સેવવા લાગ્યો. ગુરુએ તેને દીક્ષા આપી.