ભારતીયકથાવિશ્વ−૪/ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા/માનભટ્ટની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનભટ્ટની કથા


ભરત ભૂમિમાં પ્રખ્યાત એવો અવંતી દેશ છે. આ દેશમાં કસોટીના કાળા પથ્થરની પાળ કરીને બાંધ્યા ન હોય એવાં એક કે બે જ તળાવો હશે, જેનાં રસવાળાં, બહુ મોટાં પાકેલાં ફળ ન હોય એવા બે ત્રણ વૃક્ષો જ હશે, જ્યાં બહુ થોડી ડાંગર થતી ન હોય એવાં ત્રણ ચાર ગામ જ હશે; સુંદર વિલાસિની સ્ત્રીઓ એકઠી મળીને સંગીત સાથે ગીતો ગાતી ન હોય એવા ચાર પાંચ દેવકુલ હશે; મોરપીંછનું ઉજ્જ્વળ છત્ર કે ચામર ન હોય એવી પાંચ છ વિલાસિની સ્ત્રીઓ હશે. તથા રત્નોથી સમૃદ્ધ, દક્ષિણાવર્તી શંખોવાળા તથા નિર્મળ મોતીવાળા સમુદ્ર જેવો મલ્લવ દેશ છે.

તે મલ્લવ દેશમાં નિર્મળ આકાશ, શરદઋતુની ગગનલક્ષ્મી જેવી ઉજ્જયિની નગરી છે; અહીં યુવાન દંપતીઓ આભૂષણો પહેરતી નથી કારણ કે તેમને ભય છે કે અમારા સ્વાભાવિક લાવણ્યથી જન્મતી કાંતિથી ચંદ્ર કલંકિત થઈ જશે. આ નગરીમાં કામિનીઓ વિવિધ આસવ પીતી નથી સંભોગ વિલાસના રંગમાં પડી જવાના ભયથી; વિપરીત ક્રીડા કરનારી વિલાસિની સ્ત્રીઓ ઘૂઘરીવાળા કંદોરા પહેરતી નથી કારણ કે કામી વર્ગ સ્વભાવથી મધુર કંઠ ધરાવતી સ્ત્રીઓના કોપભર્યા શબ્દ સાંભળવા ઇચ્છતા હોય છે.

તે નગરીમાં ઊંચાં ઊંચાં ભવન નગર જેવા દેખાતાં હતાં. ત્યાં નગરીની ઈશાન દિશામાં એક યોજનના અંતરે અનેક ધનધાન્યથી સમૃદ્ધિવાળા હોવાથી ગર્વભર્યા ખેડૂતો છે, મહાનગરીના અનુકરણ રૂપ કૂપવૃન્દ નામનું ગામ છે. ત્યાં જૂના જમાનાના કોઈ રાજવંશમાં જન્મેલા પણ અત્યારે ભાગ્યહીન, સ્વજનસંપત્તિ વિનાનો એક ઠાકોર રહેતો હતો. તેને જીવથીય વહાલો એવો વીરભટ્ટ નામનો એક જ પુત્ર હતો. તે ઠાકોર પુત્રની સાથે ઉજ્જયિની નગરીના રાજાની સેવા કરતો હતો. આ ઠાકોરને રાજાએ કૂપવૃન્દ ગામ બક્ષિસ કર્યું. અનેક યુદ્ધોમાં ઘવાયેલો, જીર્ણ શરીરવાળો ઠાકોર હવે વીરભટ્ટને રાજાની સેવામાં સોેંપી તે ઘેર રહેવા લાગ્યો. રાજકુલમાં તેનો પુત્ર રહેવા લાગ્યો. તેને શક્તિભટ્ટ નામનો પુત્ર હતો તે સ્વભાવથી જડ, અભિમાની, ક્રોધી, ઉન્મત્ત, યૌવનગવિર્ત, રૂપના અભિમાનવાળો,

આવા સ્વભાવને કારણે લોકો તેને શક્તિભટ્ટ કહેવાને બદલે માનભટ્ટ કહેતા હતા. કોઈ દિવસે મહારાજની મંડળી પોતપોતાને સ્થાને બેઠી હતી. તે વેળા માનભટ્ટ ત્યાં આવી ચડ્યો. રાજાને નમન કરીને જોયું તો પોતાના આસન પર ભીલ્લરાજપુત્રને બેઠેલો જોયો. તેણે કહ્યું, ‘આ આસન મારું છે માટે ઊભો થઈ જા.’

પુલિંદ બોલ્યો, ‘મને ખબર ન હતી એટલે બેઠો. હવે નહીં બેસું.’

કોઈએ કહ્યું, ‘આનું આમ અપમાન કરાય છે.’

એટલે માનભટ્ટે વિચાર્યું; ‘આ પુલિંદે મારું અપમાન કર્યું, હું જીવતેજીવ આનો પરાભવ કેવી રીતે વેઠું?’ અને ત્યાં બીજો કશો વિચાર કર્યા વિના પુલિંદની છાતીમાં છરી હલાવી તેને મારી નાખ્યો અને બહાર દોડી ગયો.

માનભટ્ટ પોતાના ગામે જઈ ઘેર પિતાને કહ્યું, ‘મારાથી આમ બની ગયું છે. તમે કહો તે કરું. હવે હું જીવતો નહીં રહું.’

પિતાએ કહ્યું, ‘જે બનવાનું હતું તે બની ગકહ્યું. ઉતાવળે કાર્ય કરવા જવું તેને રોકવું નહીં અને પાછળથી પસ્તાવો કરવાનો અર્થ નથી.’

એટલે તેને વિદેશગમનની સલાહ આપી વાહન તૈયાર કરી તેમાં ઘણી સામગ્રી ભરી, પછી તેઓ નર્મદા કિનારાના કોઈ જંગલમાં જઈ પહોેંચ્યા. ત્યાં એના પિતાએ ના પાડી છતાં તે શત્રુસૈન્યે પડાવ નાખેલા ગામમાં ગયો. એટલામાં તો ભીલ રાજાનું સૈન્ય આવી પહોેંચ્યું. ‘આ એ જ ખૂની છે. તેણે આપણા નિરપરાધી સ્વામીને મારી નાખ્યા છે.’ એ સૈનિકો સાથે માનભટ્ટ તલવાર કાઢી લડવા લાગ્યો. લડતા લડતા તેને જે ઘા થયા તે સહન ન થયા ત્યારે તે ધરતી પર પડી ગયો. તેનો પરિવાર તેને તેના પિતા પાસે લઈ ગયા, અને પછી તેઓ નાસતાં નાસતાં કોઈ ગામના કિલ્લાનો આશ્રય લઈ રહેવા લાગ્યા. માનભટ્ટનો ઘા કેટલેક કાળે રુઝાઈ ગયો અને ત્યાં ઘણાં પુષ્પોથી શોભતી વસંત ઋતુ આવી ગઈ.

કેસૂડાંનું વન શોભવા લાગ્યું, કોકિલ ગાન શરૂ થયાં, પતિ સાથે આનંદ મનાવતી સ્ત્રીઓ છે, તો પરદેશ ગયેલા પતિઓનો વિરહ ભોગવતી સ્ત્રીઓ છે, બાળકો મોટે મોટેથી બૂમો પાડે છે, મંડળીઓ રાસ રમે છે, ચારે બાજુ મદનોત્સવ ઉજવાય છે. આવી વસંત ઋતુમાં યુવાનો વૃક્ષોની ડાળીએ બાંધેલા દોરડા પર હીંચકા ખાતા હતા. માનભટ્ટ પણ હીંચકા ખાવા લાગ્યો. પછી એક યુવાને પોતાના ગોત્રનાં જ ગીત ગાવા કહ્યું અને બધાએ તેની વાત સ્વીકારી, બધા એ પ્રકારે ગાવા લાગ્યા.

ત્યારે માનભટ્ટે પણ ગીત ગાયું, એ સાંભળીને કેટલીક તરુણીઓએ માન ભટ્ટની પત્નીની મશ્કરી કરી- તારા જેવીનો ત્યાગ કરી તે બીજી કોઈ સ્ત્રીને ગાઈ રહ્યો છે. આ સાંભળી માનભટ્ટની પત્ની દુઃખી થઈ. ‘અરે મારા પતિએ મારી સખીઓ આગળ મારું અપમાન કર્યું, મને હલકી પાડી. હવે જીવવાનું શું પ્રયોજન?’ એમ વિચારી ત્યાંથી તે જતી રહેવા માગતી હતી પણ નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નહીં. એટલામાં સૂર્યાસ્ત પછી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. આવા અંધકારમાં માનભટ્ટની પત્ની દુઃખી થઈને આત્મહત્યાનો વિચાર કરવા લાગી. અહીં તો ઘણા બધા છે, એટલે ઘેર જઈને મરી જઈશ.’ તેની સાસુએ પૂછ્યું, ‘તારો વર ક્યાં છે?’ ‘તે પાછળ આવે છે.’ શયનગૃહમાં આવીને ફાંસો તૈયાર કર્યો, ‘અરે લોકપાલો, મેં મારા પતિ સિવાય બીજા કોઈનો પણ વિચાર મારા મનમાં કર્યો નથી, અને આ સાહસ કરું છું.’ અને તેણે ફાંસો ખાઈ લીધો.

યુવતીઓના વૃંદમાં પત્નીને ન જોઈ એટલે માનભટ્ટ ઘેર આવ્યો, માતાએ તેની પત્ની વિશે પૂછ્યું, અને તેણે દીવાના તેજમાં લટકતી જોઈ, તરત જ છરી વડે ફાંસો કાપી નાખ્યો. પાણી છાંટ્યું, પવન નાખ્યો, શરીર પંપાળ્યું એટલે થોડો જીવ આવ્યો અને તે પ્રિયાને રીઝવવા લાગ્યો, ત્યારે તેની પત્નીએ કહ્યું, ‘અરે, નિર્લજ્જ, કમળપત્ર જેવી આંખો ધરાવતી, શ્યામાંગી જ્યાં વસતી હોય ત્યાં જા.’

‘આ શ્યામા ક્યાં છે? કોણ છે? તને આવી વાત કોણે કરી?’

‘હીંડોળા પર હીંચકા ખાતી વખતે તું જેનું ગીત ગાતો હતો તેને નથી જાણતો? એમ કહીને તેણે મૌન પાળ્યું. છેવટે તે માનભટ્ટે તેના પગે પડીને ક્ષમા કરવા કહ્યું, ‘આ માથું કોઈની આગળ નમ્યું નથી, તે તારી આગળ નમાવું છું, તું કહે તેના પગે પડું.’

‘અરે આટલું આટલું કરવા છતાં પણ તે રીઝતી નથી. એટલે તે ઘરની બહાર નીકળી ગયો. તેના પિતાએ પૂછ્યું, ‘હે પુત્ર, શું જવાબ ન મળ્યો?’

માનભટ્ટ જ્યારે બહાર નીકળ્યો ત્યારે તેની પ્રિયાએ મનોમન કહ્યું, ‘હું એટલી બધી કઠોર કે તે પગે પડ્યો છતાં મારી હઠ મેં મૂકી નહીં.’ એમ વિચારી તે પતિની પાછળ પાછળ નીકળી. સાસુએ પૂછ્યું, ‘તું ક્યાં જાય છે?’ ‘આ તમારો પુત્ર ગુસ્સે થઈને ક્યાંક જાય છે.’ અને તે ઉતાવળે દોડી. એટલે તેની પાછળ પાછળ સાસુ આવી. માનભટ્ટના પિતાએ જોયું કે આ આખું કુટુંબ ક્યાંક જાય છે. એટલે હું પણ જઉં. માનભટ્ટને તેની પ્રિયાએ જોઈ લીધો, બહુ વૃક્ષોવાળા એક કૂવે તે જઈ પહોેંચ્યો, પાછળ પોતાની પત્ની આવે છે તેનો ખ્યાલ તેને આવી ગયો. હવે તેને મારા પર કેટલો પ્રેમ છે તે જોઉં. એમ વિચારી એક શિલા ઊંચકીને કૂવામાં ફેંકી. પોતે તમાલવૃક્ષ પાછળ સંતાઈ ગયો. તેટલામાં તેની પત્ની ત્યાં આવી. કૂવામાં શિલા પડી તેનો અવાજ આવ્યો. કૂવામાં નજર કરી તો પાણી ઊછળતું હતું. વૃક્ષની પાછળ સંતાયેલો પતિ ન દેખાયો. તેણે માની લીધું કે મારો પતિ કૂવામાં પડ્યો છે. હવે શું કરવું? અને તેણે કૂવામાં પડતું મૂક્યું, તેને પડતી સાસુએ જોઈ, મારા પુત્રની પાછળ વહુ કૂવામાં પડી હશે. તેણે પણ કૂવામાં પડતું નાખ્યું. વૃદ્ધ વીરભટ્ટે આ જોયું, આ મારો પુત્ર, મારી પુત્રવધૂ, મારી પત્ની બધા જ કૂવામાં પડ્યાં, હવે શું કરું? અને તેણે પણ કૂવામાં પડતું નાખ્યું.

આ આખી ઘટના માનભટ્ટે જોઈ પણ માનને કારણે તેણે કોઈને અટકાવ્યા નહીં. લોકપરલોકનો વિચાર ન કર્યો, ધર્મ યાદ ન કર્યો અને પછી વિલાપ કરવા લાગ્યો.

અને છેવટે તીર્થે તીર્થે ભ્રમણ કરતો તે મથુરા પહોેંચ્યો. ત્યાં લોકો વારાણસીની વાત કરવા લાગ્યા. એટલે માનભટ્ટે ગંગાસંગમ જવાનો વિચાર કર્યો અને છેવટે દીક્ષા લીધી.