ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત/મધુકૈટભની કથા


મધુકૈટભની કથા

પ્રાચીન કાળમાં ત્રણે લોકમાં જળપ્રલયને કારણે ચારે બાજુ પાણી જ પાણી હતું. ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા પર સૂઈ રહ્યા હતા. તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ બે દાનવ જન્મ્યા. સમુદ્રજળમાં રમતાં રમતાં તેઓ યુવાન થઈ ગયા. ત્યારે બંને ભાઈઓને વિચાર આવ્યા. ‘કારણ વિના કોઈ કાર્ય થતું નથી. આધાર વિના કશું ટકી શકતું નથી. તો આ અગાધ જળ શાના આધારે છે? કોણે તેનું સર્જન કર્યું? આપણે આ જળમાં કેવી રીતે આવ્યા? આપણે કેવી રીતે ઉત્પન્ન થયા? આપણને કોણે જન્મ આપ્યો? આપણને કશાની જાણ નથી.’ આ જાણવાના અનેક પ્રયત્ન કર્યા તો પણ તેઓ એ જાણી ન શક્યા. કૈટભ પોતાના ભાઈ મધુને કહેવા લાગ્યો, ‘આ જળમાં આપણને ટકાવનારી શક્તિ ભગવતી છે. તે શક્તિ વડે જ આ જળ છે, તેમને કારણે જ આપણી ઉત્પત્તિ થઈ છે.’

તેઓ જ્ઞાન પામવા માગતા હતા છતાં તેમને કશું સૂઝતું ન હતું. ત્યારે તેમણે આકાશમાં ગુંજતો એક મધુર અવાજ સાંભળ્યો. ત્યારે તેમણે માની લીધું કે આ કોઈ મંત્ર છે, તેની ઝાંખી તેમને થઈ ગઈ. એટલે મંત્રનું ધ્યાન ધરવા લાગ્યા. હજાર વર્ષ સુધી તેમણે મોટું તપ કર્યું, એટલે પરમ શક્તિએ તેમના પર પ્રસન્ન થઈને તેમને ઇચ્છા પ્રમાણે વરદાન માગવા કહ્યું.

આ સાંભળી તે દાનવોએ કહ્યું, ‘અમને ઇચ્છામૃત્યુનું વરદાન આપો.’

આકાશવાણી સંભળાઈ, ‘તમારી ઇચ્છાથી જ તમારું મૃત્યુ થશે. તમે દેવદાનવથી પરાજિત નહીં થઈ શકો.’

વરદાન મળવાને કારણે બંને દાનવો અભિમાની થઈ ગયા. સમુદ્રમાં જળચરો સાથે રમત કરવા લાગ્યા. પછી તેમણે પદ્માસન પર બેઠેલા બ્રહ્મા જોયા. તેમને જોઈને યુદ્ધ કરવાની ઇચ્છા થઈ, ‘અમારી સાથે યુદ્ધ કરો, નહીંતર જ્યાં જવું હોય ત્યાં જતા રહો. જો તમે બળવાન નથી તો આ આસન પર બેસવાનો તમને અધિકાર નથી.’ આ સાંભળીને બ્રહ્મા ચિંતાતુર થયા. હવે શું કરું? એમ વિચારી તે કોઈ નિર્ણય કરી શક્યા નહીં.

તેમને જોઈને બ્રહ્મા ઉપાયો વિચારવા લાગ્યા. શામ, દામ, દંડ,ભેદ વગેરેનો વિચાર કર્યો. બંને દાનવોનું બળ કેટલું છે તે બ્રહ્મા જાણતા ન હતા. ‘તેમને વિનંતી કરવા જઈશ તો મારી નબળાઈ છતી થઈ જશે, અને બેમાંથી એક મને મારી નાખશે. બંને વચ્ચે કુસંપ તો કેવી રીતે થાય? એટલે હવે શેષનાગ પર સૂતેલા વિષ્ણુને જ જગાડું.’ એમ વિચારી વિષ્ણુ ભગવાન પાસે તેઓ ગયા. અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, પણ વિષ્ણુ જાગ્યા નહીં એટલે તેમણે દેવીની સ્તુતિ કરવા માંડી.

થોડી વારે નિદ્રા દૂર થઈ અને તામસી દેવી પ્રગટ્યાં. ભગવાને જાગી જઈને પ્રજાપિતા બ્રહ્માને ત્યાં ઊભેલા જોયા એટલે તેમણે કહ્યું, ‘તમે કેમ અહીં ઊભા છો? તમે ગભરાયેલા કેમ લાગો છો?’

બ્રહ્માએ કહ્યું, ‘ભગવાન, તમારા કાનના મેલમાંથી આ મધુ અને કૈટભ ઉત્પન્ન થયા છે. તેઓ મહાબળવાન છે અને વિકરાળ છે. તેઓ મને મારી નાખવા આવ્યા છે. તેમને કારણે હું ગભરાઈ ગયો છું, મારું રક્ષણ કરો.’

વિષ્ણુ ભગવાન બોલ્યા, ‘તમે નિરાંતે બેસો. હું તેમનો નાશ કરીશ. તેમનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. તેઓ હમણાં મારી સાથે યુદ્ધ કરવા આવશે.’

વિષ્ણુ બ્રહ્મા સાથે વાતો કરતા હતા તે જ વખતે મધુ અને કૈટભ ત્યાં આવી ચઢ્યા. જળમાં કશા આધાર વિના તેઓ ઊભા હતા. છકી ગયેલા તે દૈત્યો બોલ્યા, ‘તું નાસી જઈને અહીં આવ્યો છે? શું તું બચી શકીશ? યુદ્ધ કર. આ જોતા રહેશે અને અમે તારો જીવ લઈશું. પછી સાપ પર બેસનારાને પણ મારીશું. જો લડવું ન હોય તો હું દાસ છું એમ બોલ.

આ સાંભળી વિષ્ણુ ભગવાન બોલ્યા, ‘તમે બંને મારી સાથે યુદ્ધ કરો. તમારું અભિમાન હું ઉતારીશ. તો આવો.’

આ સાંભળી બંને દાનવ ક્રોધે ભરાયા, તેઓ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધની શરૂઆત મધુએ કરી અને કૈટભ ત્યાં ઊભો જ રહ્યો. વિષ્ણુ અને મધુ યુદ્ધ કરવા લાગ્યા. મધુ થાક્યો એટલે કૈટભે યુદ્ધ કરવા માંડ્યું. આમ વારાફરતી બંને દાનવોનું યુદ્ધ ચાલ્યું. તે યુદ્ધ બ્રહ્મા અને ભગવતી જોતાં રહ્યાં. મધુ કૈટભને લડતાં લડતાં કોઈ થાક લાગ્યો નહીં પણ ભગવાન થાકી ગયા. ‘પાંચ હજાર વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું અને તો પણ આ દાનવો કેમ થાકતા નથી? મારાં બળ-પરાક્રમ ક્યાં ગયાં? આ દાનવો કઈ રીતે સ્વસ્થ રહે છે? એનું શું કારણ?’ વિષ્ણુને વિચાર કરતા જોઈ તે દાનવો કહેવા લાગ્યા, ‘હે વિષ્ણુ, તારામાં જો શક્તિ ન હોય તો મસ્તકે હાથ મૂકીને કહે કે હું તમારો દાસ છું. નહીંતર યુદ્ધ કર. તને મારીને આ ચતુર્મુખ બ્રહ્માને મારી નાખીશું.’

તે બંનેની વાત સાંભળીને ભગવાને શાંતિથી તેમને કહ્યું, ‘થાકેલા, ભયભીત, હથિયાર વિનાના, બાળક હોય તો તેમના પર પ્રહાર ન થાય. આ સનાતન ધર્મ છે. પાંચ હજાર વર્ષ સુધી મેં આ યુદ્ધ કર્યું છે. હું એકલો અને તમે બે. તમે વચ્ચે વચ્ચે આરામ કરો છો, તો હું પણ થોડો વિશ્રામ લઈને યુદ્ધ કરીશ. ત્યાં સુધી તમે રાહ જુઓ પછી હું ન્યાયપૂર્ણ યુદ્ધ લડીશ.’

દાનવો ત્યાંથી થોડે દૂર જઈને ઊભા. વિષ્ણુએ થોડો વિચાર કરીને ધ્યાન લગાવ્યું, તો તેમને ભગવતીનું વરદાન સમજાયું. તે વરદાનને કારણે તેમને થાક નથી લાગતો. મેં નિરર્થક તેમની સાથે આ ભયાનક યુદ્ધ કર્યું. તેઓ પોતાની ઇચ્છાથી મરવાના પણ નથી. તો પછી મારે શું કરવું? આમ વિચારી તેઓ ભગવતીને શરણે ગયા, અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિથી પ્રસન્ન થઈને દેવીએ કહ્યું, ‘તમે ફરી યુદ્ધ કરો. હું મારી વક્ર દૃષ્ટિથી તેમને મોહિત કરીશ. એટલે પછી તમે તેમને મારી નાખજો.

ભગવાન પાછા યુદ્ધભૂમિમાં ઊભા રહ્યા. તે દાનવો પણ ત્યાં આવ્યા, ‘ઊભા રહો, ઊભા રહો. તમને યુદ્ધ કરવાની ઇચ્છા તો છે જ. હારજીતમાં દૈવ બળવાન છે. મોટા મનવાળા માનવીએ હર્ષશોક ન કરવો. દૈવને કારણે નિર્બળ પણ જીતે, બળવાન પણ જીતે. તમે પહેલાં ઘણા દાનવોને જીત્યા છે તો હવે તમે હારો તોય શું?’

બંને દાનવો યુદ્ધ કરવા આવ્યા અને વિષ્ણુએ મુઠ્ઠીઓ મારવા માંડી. પરસ્પર ઘોર યુદ્ધ શરૂ થયું. વિષ્ણુએ ભગવતીની સામે જોયું. એટલે દેવી હસવા માંડ્યાં. કટાક્ષભર્યાં તેઓથી દૈત્યો ઘાયલ થયા. વિષ્ણુ પણ દેવીને જોતા રહ્યા. પછી તે બોલ્યા,‘તમારા યુદ્ધકૌશલથી હું પ્રસન્ન થયો છું. ભૂતકાળમાં અનેક દૈત્યો સાથે હું લડ્યો છું પણ તમારા જેવા વીર મને મળ્યા નથી. તો તમે વરદાન માગો.’

વિષ્ણુની વાત સાંભળતી વખતે તેમની દૃષ્ટિ ભગવતી સામે હતી જ. તેમણે વિષ્ણુ ભગવાનને કહ્યું, ‘અમે ભિખારી નથી. તમે અમને શું આપવાના હતા? અમે તમને વરદાન આપીશું. બોલો, શું આપીએ?’

વિષ્ણુએ કહ્યું, ‘તો તમે મારા હાથે મૃત્યુ પામો.’

આ સાંભળી બંને દૈત્ય મુંઝાઈ ગયા. પછી તેમણે ચારે બાજુ પાણી જોયું, ક્યાંય ધરતી ન હતી. એટલે તેઓ બોલ્યા, ‘તમે અમને વરદાન આપ્યું જ છે તો હવે જળ વિનાના પ્રદેશમાં તમે અમારો વધ કરો.’

એટલે ભગવાને ચક્રને યાદ કર્યું. તેમણે પોતાની સાથળો વિશાળ કરીને જળ પર નિર્જળ સ્થળ બતાવ્યું. ‘અહીં જળ નથી. તમારાં મસ્તક અહીં મૂકો. હું સત્યવાદી રહીશ, તમે પણ રહેજો.’ પછી બંને દૈત્યોએ પોતાના શરીરને વિસ્તાર્યું. ભગવાને પણ પોતાની સાથળો વિસ્તારી. ભગવાને પોતાની વિશાળ સાથળ પર બંનેનાં મસ્તક ચક્ર વડે કાપી નાંખ્યાં. તેમની ચરબી વડે આખો સમુદ્ર છવાઈ ગયો. ત્યારથી પૃથ્વીનું નામ મેદિની પ્રસિદ્ધ થયું. (૧,૫)