ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત/સુદ્યુમ્નની કથા


સુદ્યુમ્નની કથા

સુદ્યુમ્ન નામનો એક સત્યવાદી અને આત્મસંયમી રાજા એક વાર ઘોડા પર બેસી શિકાર કરવા નીકળ્યો. મંત્રીઓ સાથે નીકળેલા રાજા પાસે અને બીજાઓ પાસે ધનુષબાણ હતાં. અનેક પશુઓને મારીને રાજા એક વિચિત્ર વનમાં પ્રવેશ્યો. અશોક, બકુલ, તમાલ, ચંપક, આંબા, લીમડા, દાડમ, નાળિયેર, કેળથી સમૃદ્ધ એ વન હતું. જૂઈ, માલતી, મોગરા વગેરે પુષ્પોથી સુગંધિત હતું. હંસ, બતક હતા. વાંસનાં વૃક્ષોમાંથી સતત અવાજ આવતો હતો. ભમરા ગુંજન કરતા હતા. આ વન જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયો. પણ વનમાં પ્રવેશતાં વેંત તેઓ સ્ત્રી બની ગયાં, ઘોડા પણ ઘોડીઓમાં ફેરવાઈ ગયા. હવે રાજા તો મુંઝાઈ ગયો, રાજ કેવી રીતે કરવું એ મોટો પ્રશ્ન ઊભો થયો. હવે આ આખી ઘટનાનું કારણ જાણો.

એક વેળા શંકર ભગવાનનાં દર્શન કરવા સનકાદિ ઋષિઓ ત્યાં જઈ ચઢ્યા. ભગવતી વસ્ત્રહીન અવસ્થામાં પતિના ખોળામાં હતાં. ઋષિઓને જોઈને તેઓ શરમાઈ ગયાં અને તરત જ ઊભાં થઈને વસ્ત્રો પહેરી લીધાં. ઋષિઓ પણ તરત જ ત્યાંથી નારાયણના આશ્રમમાં જતા રહ્યા. શંકર ભગવાને પાર્વતીને કહ્યું, ‘તમે આટલાં બધાં શરમાઈ કેમ ગયાં? સાંભળો. આજથી કોઈ પણ પુુરુષ આ વનમાં પ્રવેશશે તે સ્ત્રી થઈ જશે.’

હવે સુદ્યુમ્નને આની કશી જાણ નહીં એટલે તે સ્ત્રી થઈ ગયો. અને તેનું નામ ઇલા પડ્યું. તે બીજી સ્ત્રીઓની સાથે આમતેમ ફરતી હતી ત્યારે બુધની નજર તેના પર પડી. બંને એકબીજાની ઇચ્છા કરવા લાગ્યા. પછી તેમની વચ્ચે સંબંધ બંધાયો અને ઇલાએ પુરૂરવા નામના પુત્રને જન્મ આપ્યો. પણ તે ચિંતાતુર તો રહેતી જ હતી. એટલે તેણે પોતાના કુલગુરુ વસિષ્ઠ ઋષિને યાદ કર્યા. ઋષિ ત્યાં આવી ચઢ્યા અને સુદ્યુમ્નની દશા જોઈને તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરવા માંડી. શંકર ભગવાને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું. ત્યારે વસિષ્ઠ મુનિએ સુદ્યુમ્નનું પુરુષત્વ માગ્યું. પોતે આપેલા શાપને મિથ્યા ન કરવા માગતા ભગવાને કહ્યું, ‘સુદ્યુમ્ન એક મહિનો પુરુષ રહેશે અને એક મહિનો સ્ત્રી રહેશે.’ આવું વરદાન મળ્યા પછી તે પોતાને ઘેર ગયો, અને રાજ્ય કરવા લાગ્યો. સ્ત્રી થયો હોય ત્યારે તે રાજા મહેલમાં રહેતો અને પુુરુષ બને ત્યારે રાજ્ય ચલાવતો.

પરંતુ એક કાળે પ્રજા અશાંત થઈ. કાળે કરીને તેનો પુત્ર યુવાન થયો એેટલે રાજાએ તેને ગાદી પર બેસાડ્યો અને પોતે વનમાં જતો રહ્યો. નારદ પાસેથી નવાક્ષર મંત્ર મેળવ્યો અને તેનો જાપ કરવા લાગ્યો. ભક્તવત્સલ દેવી તેના પર પ્રસન્ન થયાં અને રાજાએ તેમની ભક્તિભાવથી સ્તુતિ કરી, અને પછી પોતાને પુરુષ બનાવી દેવીને પ્રાર્થના કરી. ભગવતીએ તેની ઇચ્છા સ્વીકારી અને પછી રાજા પરમ ધામમાં પહોંચી ગયો.


(૧,૬)