ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/હાથી, સસલાં અને ચંદ્ર


વણકર અને ભાગ્યદેવતા

હાથી, સસલાં અને ચંદ્ર

‘કોઈ એક વનમાં ચતુર્દન્ત નામનો યૂથપતિ ગજરાજ વસતો હતો. ત્યાં એક વાર ઘણાં વર્ષ સુધી મોટી અનાવૃષ્ટિ થઈ. તેને કારણે તળાવ, ધરા, તળાવડીઓ અને સરોવરોનાં પાણી સુકાઈ ગયાં, એટલે તે સર્વ હાથીઓએ એ ગજરાજને કહ્યું, ‘દેવ! બચ્ચાં તરસથી વ્યાકુળ થઈને મરણતોલ થયાં છે, અને કેટલાંક તો મરણ પણ પામ્યાં છે. માટે કોઈ જળાશય શોધી કાઢો કે જ્યાં જળપાન કરીને તેઓ સ્વસ્થ થાય.’ પછી ઘણી વાર સુધી વિચાર કરીને તેણે કહ્યું, ‘એક એકાન્ત પ્રદેશની વચમાં પાતાળગંગાનાં પાણીથી સર્વ કાળ પૂર્ણ એવો એક ધરો છે. માટે તમે ત્યાં ચાલો.’ એ પ્રમાણે પાંચ રાત્રિ સુધી ચાલ્યા પછી તેઓ તે ધરા પાસે પહોંચ્યા. તે પાણીમાં સ્વેચ્છાપૂર્વક સ્નાન કર્યા પછી સૂર્યાસ્ત વેળાએ તેઓ બહાર નીકળ્યા. તે ધરાની આસપાસ સુકોમળ ભૂમિ ઉપર સસલાંનાં અસંખ્ય દર આવેલાં હતાં. આમતેમ ભમતા તે સર્વે હાથીઓએ તે દર ભાંગી નાખ્યાં, ઘણાં સસલાંના પગ, માથું અને ગરદન ભાંગી ગયાં, કેટલાંક મરણ પામ્યાં, તથા કેટલાંક મરણતોલ થઈ ગયાં.

પછી હાથીઓનું એ યૂથ ચાલ્કહ્યું ગયું, એટલે જેમનાં દર હાથીઓના પગ વડે ભાંગી ગયાં હતાં એવાં, ઉદ્વેગપૂર્ણ, જે પૈકી કેટલાંકના પગ ભાંગી ગયાં હતાં, કેટલાંકનાં શરીર જર્જરિત થઈ ગયાં હતાં, કેટલાંક લોહીલુહાણ થયાં હતાં, તથા જે પૈકી કેટલાંકનાં બચ્ચાં મરણ પામ્યાં હતાં અને જેમની આંખો અશ્રુથી ભરાઈ ગઈ હતી એવાં તે સસલાં એકત્ર થઈને પરસ્પર વિચાર કરવા લાગ્યાં, ‘અહો! આપણે નાશ પામ્યાં! આ હાથીનું યૂથ નિત્ય આવશે, કારણ કે બીજે ક્યાંય પાણી નથી, માટે સર્વનો નાશ થઈ જશે. કહ્યું છે કે

હાથી સ્પર્શ કરતાં પણ નાશ કરે છે, સર્પ સૂંઘતાં પણ નાશ કરે છે, રાજા હસતાં પણ નાશ કરે છે, અને દુર્જન માન આપતાં પણ નાશ કરે છે.

માટે આનો કોઈ ઉપાય વિચારો.’ એટલે તેમાંનો એક સસલો બોલ્યો, ‘દેશત્યાગ કરીને ચાલ્યા જાઓ; બીજું શું? મનુ અને વ્યાસે પણ કહ્યું છે કે

કુળને માટે એકનો ત્યાગ કરવો, ગામને માટે કુળનો ત્યાગ કરવો, દેશને માટે ગામનો ત્યાગ કરવો, પોતાના માટે પૃથ્વીનો ત્યાગ કરવો.

મનુ કહે છે કે

ક્ષેમકારી, નિત્ય ધાન્ય આપનારી અને પશુઓની વૃદ્ધિ કરનારી ભૂમિનો પણ રાજાએ, પોતાના રક્ષણને માટે, કંઈ પણ વિચાર કર્યા વિના ત્યાગ કરવો. આપત્તિને માટે ધનની રક્ષા કરવી, ધન વડે સ્ત્રીઓની રક્ષા કરવી, તથા ધનથી અને સ્ત્રીઓથી સતત પોતાની રક્ષા કરવી.’

પછી બીજાં સસલાં બોલ્યાં, ‘અરે! પિતા અને પિતામહોના સ્થાનનો એકાએક ત્યાગ થઈ શકે નહિ. માટે હાથીઓને કોઈ એવો ભય દર્શાવો, કે જેથી તેઓ દૈવયોગે કોઈ રીતે અહીં આવે નહિ, કહ્યું છે કે

વિષ વિનાના સર્પે પણ મોટી ફેણ કરવી જોઈએ; ઝેર હોય કે નહિ, પણ ફેણનો આડંબર ભયંકર લાગે છે.’

એટલે વળી બીજાં બોલ્યાં, ‘જો એમ હોય તો તેમને ડરાવવા માટે એક મોટો ઉપાય છે, જેથી તેઓ અહીં આવશે નહિ. પણ ભય પમાડવાનો તે ઉપાય ચતુર દૂતથી થઈ શકે એમ છે. આપણો સ્વામી વિજયદત્ત નામે રાજા ચંદ્રના બિંબમાં રહે છે; માટે કોઈ મિથ્યા દૂતને યૂથપતિ પાસે મોકલીને કહો કે, ‘ચન્દ્ર આ ધરામાં આવવાની તને મનાઈ કરે છે, કેમ કે મારો (ચંદ્રનો) પરિવાર તેની આસપાસ વસે છે.’ એમ કહેવામાં આવતાં, શ્રદ્ધા રાખવા લાયક વચનોને કારણે કદાચ તે પાછો વળી જશે.’ એટલે બીજાં બોલ્યાં, ‘જો એમ હોય તો, લંબકર્ણ નામે સસલો છે, તે વચનોની રચનામાં ચતુર તથા દૂતના કાર્યને જાણનારો છે. તેને ત્યાં મોકલો. કહ્યું છે કે

સ્વરૂપવાન, નિઃસ્પૃહ, વાક્ચાતુર્યવાન, વિવિધ શાસ્ત્રોમાં વિચક્ષણ અને બીજાનું ચિત્ત જાણનાર મનુષ્યને રાજાના દૂત તરીકે ઇષ્ટ ગણવામાં આવે છે.

વળી

મૂર્ખ, લોભી અને વિશેષે કરી મિથ્યા વચનો બોલનારને જે દૂત તરીકે મોકલે છે તેનું કાર્ય સિદ્ધ થતું નથી.

માટે આ સંકટમાંથી મુક્ત થવા ઇચ્છતા હો તો એવા દૂતને શોધી કાઢો.’ પછી બીજાઓએ કહ્યું, ‘અહો! એ યોગ્ય છે. આપણા જીવિત માટે બીજો કોઈ ઉપાય નથી. એ પ્રમાણે જ કરો.’

પછી લંબકર્ણને હાથીઓના યૂથના અધિપતિ પાસે મોકલવા માટે નક્કી કરવામાં આવ્યો અને તે ગયો. એમ કર્યા પછી લંબકર્ણે પણ હાથીના આવવાના માર્ગ ઉપર જઈ, તે પહોંચી શકે નહિ એવા સ્થાન ઉપર ચડી તે હાથીને કહ્યું, ‘અરે! અરે! દુષ્ટ હાથી! આ પ્રમાણે નિ:શંકપણે લીલા કરતો તું આ ચંદ્રહદમાં શા માટે આવે છે? તારે અહીં આવવું નહિ; પાછો વળ.’ તે સાંભળીને વિસ્મય પામેલા મનવાળો હાથી બોલ્યો, ‘અરે! તું કોણ છે?’ તે બોલ્યો, ‘હું વિજયદત્ત નામે સસલો છું અને ચંદ્રના બિંબમાં વસું છું. અત્યારે ભગવાન ચંદ્રમાએ, તેમનું વચન શ્રદ્ધા રાખવા લાયક હોઈ, મને તારી પાસે મોકલ્યો છે.’ તે સાંભળીને એ હાથી બોલ્યો, ‘હે સસલા! ભગવાન ચંદ્રમાનો સંદેશ કહે, જેથી હું સત્વર તે કરું.’ તે બોલ્યો, ‘તેં ગઈ કાલે યૂથની સાથે અહીં આવીને ઘણાં સસલાંનો નાશ કર્યો છે. તો તું શું એ જાણતો નથી કે આ મારો પરિવાર છે? માટે જો તારે જીવવાનું પ્રયોજન હોય તો કોઈ પણ કારણસર તારે આ ધરામાં આવવું નહિ, એવો તેમનો સંદેશ છે.’ હાથી બોલ્યો, ‘તારા સ્વામી ભગવાન ચંદ્ર ક્યાં છે?’ તે બોલ્યો, ‘તારા યૂથે મારી નાખેલાં અને મરતાં બાકી રહેલાં સસલાંના આશ્વાસન માટે અત્યારે તેઓ એ ઘરમાં આવીને રહેલા છે; અને મને તારી પાસે મોકલ્યો છે.’ હાથી બોલ્યો, ‘જો એમ હોય તો મને તે સ્વામીનું દર્શન કરાવ, જેથી તેમને પ્રણામ કરીને અમે અન્યત્ર જઈએ.’ સસલો બોલ્યો, ‘અરે! તું મારી સાથે એકલો આવ, એટલે દર્શન કરાવું.’ એમ કર્યા પછી રાત્રિના સમયે સસલાએ તે હાથીને ધરાના કિનારે લઈ જઈને જળમાં રહેલું ચંદ્રનું બિંબ બતાવ્યું અને કહ્યું, ‘અરે! આ અમારા સ્વામી જળની અંદર સમાધિમાં રહેલા છે. માટે તેમને શાંતિથી પ્રણામ કરીને ચાલ્યો જા. નહિ તો સમાધિનો ભંગ થતાં તેઓ ફરી વાર ભારે કોપ કરશે.’ એટલે હાથી પણ મનમાં ભય પામીને તેને પ્રણામ કરીને પાછો જવા માટે નીકળ્યો. અને સસલાં તે દિવસથી માંડીને પરિવાર સહિત પોતપોતાનાં સ્થાનોએ સુખપૂર્વક રહેવા લાગ્યાં.

તેથી હું કહું છું કે —- મોટાનું નામ લેવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે; ચંદ્રનું નામ લેવાથી સસલાં સુખપૂર્વક વસે છે.

તેમ જ

નીચ ન્યાયાધીશ પાસે જઈને ન્યાય કરાવવાને તત્પર થયેલા સસલો અને કપિંજલ બન્ને પૂર્વે નાશ પામ્યા હતા.’

તે પક્ષીઓ બોલ્યાં, ‘એ કેવી રીતે?’ તે કાગડો કહેવા લાગ્યો —