ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સસલા અને ચકલાનો ન્યાય કરનારા બિલાડો
‘પૂર્વે કોઈ એક વૃક્ષમાં હું રહેતો હતો. તેની નીચે આવેલી બખોલમાં કપિંજલ નામે ચકલો રહેતો હતો. દરરોજ સૂર્યાસ્ત વેળાએ પાછા આવતાં અમારો બંનેનો સમય અનેક સુભાષિતોની ગોષ્ઠિમાં તથા દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિઓનાં પ્રાચીન ચરિત્રોનું કીર્તન કરતાં તેમ જ પર્યટનમાં અનેક કુતૂહલોની વાતો કહેવામાં પરમ સુખ અનુભવતાં વીતતો હતો. હવે, એક વાર તે કપિંજલ બીજાં ચકલાંની સાથે ચારો ચરવા માટે પાકેલી શાળવાળા બીજા દેશમાં ગયો. પછી જ્યારે રાત્રિનો સમય થવા છતાં તે આવ્યો નહિ ત્યારે મનમાં ઉદ્વેગ પામીને, તેના વિયોગથી દુઃખી થઈને હું વિચાર કરવા લાગ્યો, ‘અહો! આજે કપિંજલ કેમ ન આવ્યો? શું કોઈએ તેને પાશમાં બાંધ્યો હશે? કે પછી કોઈએ તેનો વધ કર્યો હશે? જો તે સર્વથા કુશળ હોય તો મારા વિના રહે નહિ.’ મને આમ વિચાર કરતાં ઘણા દિવસ વીતી ગયા.
પછી એક વાર સૂર્યાસ્ત વેળાએ શીઘ્રગ નામે સસલો આવીને તે બખોલમાં પ્રવેશ્યો. મેં પણ કપિંજલની આશા છોડી દીધી હોવાથી તેને અટકાવ્યો નહિ. પછી એક દિવસે શાળના ભક્ષણથી પુષ્ટ થયેલા શરીરવાળો કપિંજલ પોતાના માળાનું સ્મરણ કરીને ફરી પાછો ત્યાં આવ્યો. અથવા આ ખરું કહ્યું છે કે
દેહધારીઓને દરિદ્રાવસ્થામાં પણ પોતાના દેશમાં, પોતાના નગરમાં અને પોતાના ઘરમાં જેવું સુખ મળે છે તેવું સુખ સ્વર્ગમાં પણ મળતું નથી.
પછી બખોલમાં રહેલા સસલાને જોઈને તે તિરસ્કારપૂર્વક બોલ્યો, ‘અરે! આ તો મારું ઘર છે. માટે તું જલદી બહાર નીકળ.’ સસલો બોલ્યો, ‘આ ઘર તારું નથી, પણ મારું છે. માટે શા માટે કઠોર વચનો બોલે છે? કહ્યું છે કે
વાવ, કૂવો, તળાવ, દેવાલય અને વૃક્ષોનો એક વાર ત્યાગ કરી દીધા પછી તેના ઉપર સ્વામિત્વ કરી શકાતું નથી.
તેમ જ
ઘર વગેરેનો દસ વર્ષ સુધી જેણે કોઈની સમક્ષ ભોગવટો કર્યો હોય તેનો એ ભોગવટો એ વિષયમાં (માલિકીહક નક્કી કરવાની બાબતમાં) પ્રમાણભૂત ગણાય છે; સાક્ષી અને લેખપત્ર પ્રમાણભૂત ગણાતા નથી. આ ન્યાય મનુષ્યોને માટે મુનિઓએ કહ્યો છે; પશુઓ અને પક્ષીઓની બાબતમાં જ્યાં સુધી તેમનાં બચ્ચાં રહેતાં હોય ત્યાં સુધી એ સ્થાન ઉપર તેમનું સ્વામિત્વ ગણાય છે.
માટે આ મારું ઘર છે, તારું નથી.’ કપિંજલ બોલ્યો, ‘અરે! જો તું ધર્મશાસ્ત્રને પ્રમાણભૂત ગણતો હોય તો મારી સાથે આવ, જેથી આપણે કોઈ ધર્મશાસ્ત્રજ્ઞને પૂછી જોઈએ. તે આ બખોલ જેને આપે તેણે લેવી.’ તેઓએ આ પ્રમાણે નક્કી કર્યું એટલે મેં પણ વિચાર્યું, ‘આ વિષયમાં શું થશે? મારે પણ આ ન્યાય જોવો જોઈએ.’ પછી હું પણ કૌતુકથી તેમની પાછળ નીકળ્યો.
એ સમયે તીક્ષ્ણદંષ્ટ્ર નામે જંગલી બિલાડો તેમનો વિવાદ સાંભળીને માર્ગમાં આવેલી નદીના કિનારા ઉપર પહોંચી જઈને, હાથમાં દર્ભ લઈ, એક આંખ મીંચી દઈ, હાથ ઊંચા કરી, પગના ફણા ઉપર ઊભો રહી, સૂર્યાભિમુખ થઈ આ પ્રમાણે ધર્મોપદેશ કરવા લાગ્યો, ‘અહો! આ સંસાર અસાર છે, જીવન ક્ષણભંગુર છે, પ્રિયજનોનો સમાગમ સ્વપ્ન સમાન છે. અને કુટુંબીજનોનો પરિવાર ઇન્દ્રજાળ સમાન છે. માટે ધર્મ વિના બીજો કોઈ આધાર નથી. કહ્યું છે કે
જેના દિવસો ધર્મકાર્ય વિના આવે છે અને જાય છે તે, લુહારની ધમણની જેમ, શ્વાસ લેતો હોવા છતાં જીવતો નથી. કૂતરાની પૂંછડી જેમ ગુહ્ય ભાગને ઢાંકતી નથી અને ડાંસ તથા મચ્છરનું પણ નિવારણ કરતી નથી તેમ ધર્મ વિનાનું પાંડિત્ય પણ પાપ દૂર કરવાને અસમર્થ હોઈ નિરર્થક છે.
વળી
જેઓ ધર્મને મૂલ તત્ત્વ માનતા નથી તેઓ ધાન્યોમાં પુલાક (તુચ્છ ધાન્ય) જેવા, પાંખવાળાં પ્રાણીઓમાં કૂતિકા — ઝીણી મધમાખ જેવા અને મર્ત્યોમાં મચ્છર જેવા (અધમ) છે. પુષ્પ અને ફળ એ વૃક્ષનુંશ્રેય છે, ઘીને દહીંનું શ્રેય કહેલું છે, તેલ એ ખોળનું શ્રેય છે, ધર્મ એ મનુષ્યત્વનું શ્રેય છે. ધર્મહીન પુરુષોને પશુઓની જેમ કેવળ મળમૂત્ર કરવા માટે, આહાર માટે ને બીજાઓની સેવા માટે સર્જ્યા છે. નીતિશાસ્ત્રના પંડિત સર્વ કાર્યો સ્થિરતાપૂર્વક કરવાનું પ્રશંસાપાત્ર ગણે છે, પણ ધર્મકાર્યોમાં અનેક વિઘ્નો આવતાં હોવાથી તે ત્વરિત ગતિથી કરવાનું કહે છે. હે મનુષ્યો! હું તમને સંક્ષેપમાં ધર્મ કહું છું, વિસ્તાર કરવાથી શું? પરોપકારથી પુણ્ય થાય છે અને બીજાને પીડા કરવાથી પાપ થાય છે. તમે ધર્મનું સર્વસ્વ સાંભળો અને સાંભળીને હૃદયમાં ધારણ કરો: જે વસ્તુઓ પોતાને પ્રતિકૂળ હોય તે પારકાની બાબતમાં પણ આચરવી નહિ.’
પછી તેનો આ ધર્મોપદેશ સાંભળીને સસલો બોલ્યો, ‘હે કપિંજલ! આ ધર્મવાદી તપસ્વી નદીકિનારે બેઠેલા છે, માટે તેમને જઈને પૂછીએ.’ કપિંજલે કહ્યું, ‘ખરેખર, સ્વભાવથી જ તે આપણો શત્રુ છે, માટે દૂર ઊભા રહીને પૂછીએ, કદાચ તેના વ્રતમાં ભંગ થાય.’ પછી દૂર ઊભા રહીને તે બન્ને બોલ્યા, ‘હે ધર્મોપદેશક તપસ્વી! અમો બન્ને વચ્ચે વિવાદ થયો છે. માટે ધર્મશાસ્ત્રાનુસાર અમને નિર્ણય આપો. અમારામાંથી જે હીનવાદી હોય — જેનું કહેવું ખોટું હોય તેનું તમારે ભક્ષણ કરવું.’ તે બોલ્યો, ‘હે ભદ્રો! એમ ન બોલો. નરકના માર્ગરૂપ હિંસાકાર્યથી હું વિરક્ત થયો છું. અહિંસા જ ધર્મનો માર્ગ છે. કહ્યું છે કે
સત્પુરુષોએ અહિંસાને ધર્મનું મૂળ કહી છે, તેથી જૂ, માકણ, ડાંસ આદિની પણ હિંસા કરવી નહિ. જે નિર્દય મનુષ્ય હિંસક પ્રાણીઓની પણ હિંસા કરે છે તે ઘોર નરકમાં પડે છે, તો પછી જે શુભ પ્રાણીઓની હિંસા કરે છે તેની બાબતમાં કહેવું જ શું?
વળી પેલા જે યાજ્ઞિકો પણ યજ્ઞકર્મમાં પશુઓની હિંસા કરે છે તેઓ મૂર્ખ છે. તેઓ શ્રુતિના પરમાર્થને જાણતા નથી. શ્રુતિમાં કહ્યું છે કે, ‘અજ વડે યજ્ઞ કરવો.’ ‘અજનો અર્થ પશુવિશેષ — બકરો નથી, પણ સાત વર્ષની ડાંગરને ‘અજ’ કહેવામાં આવે છે. કહ્યું છે કે
વૃક્ષોને કાપીને, પશુઓને મારીને તથા રુધિરનો કાદવ કરીને જો સ્વર્ગમાં જઈ શકાતું હોય તો પછી નરકમાં કોણ જતું હશે?
માટે હું તમારું ભક્ષણ કરીશ નહિ, પણ જયપરાજયનો નિર્ણય કરીશ. પરન્તુ હું વૃદ્ધ હોવાને કારણે દૂરથી બરાબર સાંભળી શકતો નથી. એમ જાણીને તમે મારી પાસે આવીને તમારો વિવાદ કહો, જેથી સાચી હકીકત જાણીને વિવાદનો નિર્ણય હું આપું. એટલે પરલોકમાં મારી દુર્ગતિ ન થાય. કહ્કહ્યું છે કે
જે પુરુષ માનથી, લોભથી, ક્રોધથી અથવા ભયથી ખોટો ન્યાય કરે છે તે નરકમાં જાય છે.
તેમ જ
અશ્વની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર એક પ્રાણીની હિંસા કરે છે (અર્થાત્ તેને એક પ્રાણીની હિંસાનું પાપ લાગે છે), ગાયની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર દસ પ્રાણીઓની હિંસા કરે છે, કન્યાની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર સો પ્રાણીઓની હિંસા કરે છે, અને પુરુષની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર હજાર પ્રાણીઓની હિંસા કરે છે. સભાની મધ્યમાં બેસીને જે સ્ફુટ વચન બોલતો નથી તેનો દૂરથી જ ત્યાગ કરવો. અથવા તેણે જલદીથી ન્યાયી નિર્ણય આપવો જોઈએ.
માટે તમે વિશ્વાસ રાખીને તમારો વાદ મારા કાનમાં નિવેદન કરો.’ વધારે શું કહું? એ નીચ બિલાડાએ તે બન્ને બુદ્ધિહીનોને એટલા વિશ્વાસમાં લીધા કે તેઓ તેના ખોળામાં બેસી ગયા. પછી તેણે એકીસાથે એકને પગથી અને બીજાને દાંતરૂપી કરવતથી પકડી પાડ્યો. પછી તેઓ મરણ પામ્યા, એટલે તેમને ખાઈ ગયો.
તેથી હું કહું છું કે — નીચ ન્યાયાધીશ પાસે જઈને ન્યાય કરાવવાને તત્પર થયેલા સસલો અને કપિંજલ બન્ને પૂર્વે નાશ પામ્યા હતા.
માટે રાત્રિ-અંધ એવા તમે પણ આ દિવસ-અંધ ઘુવડને રાજા બનાવીને સસલા અને કપિંજલને માર્ગે જશો. આમ સમજીને જે યોગ્ય લાગે તે કરો.’
પછી તેનું એ વચન સાંભળીને, ‘એણે ઠીક કહ્યું’ એમ કહીને, ‘આપણે રાજા નક્કી કરવા માટે ફરી વાર એકત્ર થઈશું.’ એમ બોલતાં પક્ષીઓ પોતપોતાની ઇચ્છા પ્રમાણે ચાલ્યાં ગયાં. રાજ્યાભિષેક માટે કૃકાલિકાની સાથે ભદ્રાસન ઉપર બેઠેલો એક માત્ર દિવસ-અંધ ઘુવડ બાકી રહ્યો. પછી તેણે કહ્યું,‘અહીં કોણ છે? અરે! હજી પણ કેમ મારો અભિષેક કરવામાં આવતો નથી?’ એટલે કૃકાલિકાએ કહ્યું, ‘ભદ્ર! કાગડાએ તમારા અભિષેકમાં વિઘ્ન કર્યું છે. તે પક્ષીઓ મનફાવતી દિશામાં ચાલ્યાં ગયાં છે; માત્ર એક આ કાગડો જ કોઈ કારણથી બેસી રહ્યો છે, માટે તમે ઊભા થાઓ, એટલે તમને તમારા નિવાસસ્થાને પહોંચાડું.’ તે સાંભળીને ઘુવડ વિષાદપૂર્વક બોલ્યો, ‘હે દુરાત્મા! મેં તારા ઉપર શો અપકાર કર્યો છે, જેથી તેં મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન કર્યું? માટે આજથી આપણું વંશપરંપરાનું વેર થયું છે. કહ્યું છે કે
બાણથી વીંધાયેલું અને પરશુથી કપાયેલું વન ફરી ઊગે છે, પણ હલકાં વચન બોલવાથી થયેલો વાણીનો ભયંકર ઘા રુઝાતો નથી.’
એમ કહીને કૃકાલિકાની સાથે તે પોતાના નિવાસસ્થાને ગયો. પછી ભયથી વ્યાકુળ થયેલો કાગડો વિચાર કરવા લાગ્યો, ‘અહો! અકારણે વેર કરતો એવો હું આ શું બોલ્યો?…’ એમ કહીને કાગડો પણ પોતાના સ્થાને ગયો.