ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ

From Ekatra Wiki
Revision as of 15:34, 6 December 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પદ્મપુરાણ | }} {{Poem2Open}} === અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની કથા ===...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ્મપુરાણ

અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની કથા

મિથિલાના રાજા જનક એક વાર યજ્ઞ માટે ભૂમિ સમતલ કરી રહ્યા હતા ત્યારે તેમને ધરતીમાંથી એક સુંદર કન્યા મળી. રાજાએ પ્રસન્ન થઈને તેનું નામ સીતા પાડ્કહ્યું. તે મોટી થઈને સખીઓ સાથે ઉદ્યાનમાં રમતી હતી ત્યારે તેણે પોપટની એક જોડી જોઈ. બંને પક્ષી એક ઊંચી જગાએ બેસીને વાતો કરતાં હતાં, ‘પૃથ્વી ઉપર રામ નામના એક સુંદર રાજા થશે. તેમની પત્ની સીતા નામથી વિખ્યાત થશે. રામ બહુ બુદ્ધિશાળી અને બળવાન હશે. સીતા સાથે હજારો વર્ષ રાજ કરશે. રામ અને જાનકીને ધન્ય છે.’ શુકયુગલને આવી વાત કરતાં સાંભળી સીતાને વિચાર આવ્યો, ‘આ બંનેને પકડીને મારા જીવનની બીજી વાતો પણ પૂછું.’ તેણે સખીઓને કહ્યું, ‘આ પક્ષીઓ સુંદર છે, તમે ચુપચાપ જઈને તેમને પકડી લાવો.’ સખીઓ શુકસારિકાને પકડી લાવી. સીતાએ કહ્યું, ‘તમે બહુ સુંદર છો. ગભરાતા નહીં, તમે કોણ છો, ક્યાંથી આવો છો? રામ અને સીતા કોણ? તમને આની જાણ થઈ કેવી રીતે? સત્વરે કહો જોઈએ. મારાથી તમારે જરાય બીવાનું નહીં.’ સીતાએ આમ પૂછ્યું એટલે બંને પક્ષી બોલ્યાં, ‘વાલ્મીકિ નામના એક મહર્ષિ છે. તેમણે રામાયણ નામનો મહાગ્રંથ રચ્યો છે. તેઓ દરરોજ રામાયણનું પઠન કરે છે, વારંવાર સાંભળવાને કારણે અમને બધું યાદ રહી ગયું છે. રામજાનકીની વાતો જાણી, સીતા સાથે શું થશે તે પણ જાણ્યું. મહર્ષિ ઋષ્યશૃંગે દશરથ રાજા પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો એટલે ભગવાન વિષ્ણુ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન રૂપે જન્મ્યા. દેવાંગનાઓ તેમની કથા કહેશે. વિશ્વામિત્ર ઋષિ રામલક્ષ્મણને લઈને મિથિલા આવશે. ત્યાં બીજા રાજાઓ જે ધનુષ્યભંગ નથી કરી શક્યા તે ધનુષ્યભંગ રામ કરશે અને સીતા સાથે તેમનું લગ્ન થશે. હવે આ બધી વાતો તમે સાંભળી, અમને જવા દો.’ સીતાએ ફરી રામ અને સીતા વિશે પ્રશ્નો પૂછ્યા એટલે સારિકાને ખ્યાલ આવી ગયો કે આ સીતા છે. તેમને ઓળખીને તે સીતાને પગે પડી ગઈ. રામની દેહશોભાનું સુંદર વર્ણન કર્યું, ‘પણ તમે છો કોણ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં સીતાએ પોતાનો પરિચય આપ્યો. ‘મારા મનને મોહ પમાડનારા રામ મને પરણે નહીં ત્યાં સુધી હું તમને નહીં જવા દઉં. તમારી વાતોથી મને બહુ મોહ થયો છે. તમે અહીં નિરાંતે રહો, મધુર વાનગીઓ આરોગો.’ સારિકા બોલી, ‘સાધ્વી, અમે વનપક્ષી છીએ, વૃક્ષો પર રહી બધે ફરીએ છીએ. તમારા ઘરમાં અમને સુખ નહીં મળે. વળી, હું સગર્ભા છું. મારા સ્થળે જઈ બચ્ચાંને જનમ આપીને પછી અમે અહીં આવીશું.’ તો પણ સીતાએ તેમને જવા ન દીધાં. શુકે કહ્યું, ‘સીતે, મારી પત્નીને છોડી દો. આ સગર્ભા મારા મનમાં વસેલી છે. આ બચ્ચાંને જનમ આપશે ત્યારે હું તેમને લઈને આવીશ.’ જાનકીએ ના જ પાડી. શુકને જવા કહ્યું, પણ સારિકાને તો નહીં જ. આ સાંભળી શુક દુઃખી થઈ ગયો, ‘બધા મૂગા રહેવાની સલાહ આપે છે તે સાચું. જો અમે વાતો ન કરી હોત તો? હું મારી પત્ની વિના જીવી નહીં શકું.’ તો પણ સીતા ન માની એટલે સારિકાએ શાપ આપ્યો, ‘તું જેવી રીતે મને સગર્ભાને મારા પતિથી જુદી પાડે છે તેવી રીતે તું જ્યારે સગર્ભા હોઈશ ત્યારે તારે પણ વિરહ ભોગવવાનો થશે.’ આમ કહી તે મૃત્યુ પામી. શુકે કહ્યું, ‘હું અયોધ્યામાં જનમ લઈશ અને મારી વાતથી દુઃખી થઈને તારે પતિવિયોગ વેઠવો પડશે.’ આમ સીતાનું અપમાન કરવાને કારણે શુક ધોબી તરીકે જન્મ્યો અને તેના કહેવાથી સીતાને વનમાં જવું પડ્યું. (પાતાળખંડ)

માર્કણ્ડેય મુનિની કથા

મુનિ મૃકુણ્ડુ નિ:સંતાન હોવાથી તેમણે પુત્રેચ્છા માટે પત્ની સાથે શંકર ભગવાનને તપ કરી પ્રસન્ન કર્યા. ભગવાને જ્યારે તેમને વર માગવા કહ્યું ત્યારે તેમણે પુત્ર માગ્યો. ભગવાને તેમને બે વિકલ્પ આપ્યા: દીર્ઘાયુષ્ય ધરાવતો ગુણહીન પુત્ર કે અલ્પાયુષ ધરાવતો ગુણવાન પુત્ર. ઋષિએ ગુણવાન પુત્ર માગ્યો. ભગવાન તથાસ્તુ કહી અંતર્ધાન થયા. ઋષિ પત્નીને લઈને ઘેર આવ્યા. થોડા દિવસે ઋષિપત્ની સગર્ભા થઈ અને સમયાંતરે તેમને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો. એક દિવસ બાળક જ્યારે ઘરના આંગણામાં હરતોફરતો હતો ત્યારે એક સિદ્ધ જ્ઞાની ત્યાં આવી ચઢ્યા. તેમણે પાંચ વરસના બાળકને ધ્યાનથી જોયો. પછી પિતાએ પુત્રના આયુષ્ય વિશે પૂછ્યું ત્યારે ઉત્તર મળ્યો, ‘તેના આયુષ્યમાં હવે માત્ર છ મહિના બાકી છે. તમે શોક ન કરતા.’ આ સાંભળીને તેના પિતાએ પુત્રના ઉપનયન સંસ્કાર કર્યા અને પછી પુત્રને કહ્યું, ‘હવે તને જે જે મુનિ દેખાય તેમને તું પ્રણામ કરજે.’ પુત્ર પિતાની વાત માનીને બધાને પ્રણામ કરવા લાગ્યો. આમ કરતાં કરતાં હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા. તેમના આશ્રમમાં સપ્તષિર્ઓ પધાર્યા, બાળકે બધાને પ્રણામ કર્યાં એટલે તેમણે તેને ચિરંજીવ રહેવાનો આશીર્વાદ આપ્યો. પછી તેમણે બાળકના આયુષ્યનો વિચાર કર્યો ત્યારે તેમને બાળકના આયુષ્યમાં હવે માત્ર પાંચ જ દિવસ બાકી છે એ સમજાયું. તેઓ ભયભીત થઈને બાળકને બ્રહ્મા પાસે લઈ ગયા. પ્રજાપતિએ પણ બાળકને ચિરંજીવ થજે એવો આશીર્વાદ આપ્યો. આ સાંભળીને સપ્તષિર્ઓ પ્રસન્ન થયા. બ્રહ્માએ તેમને તેમના આગમનનું કારણ પૂછ્યું. ઋષિઓએ કહ્યું, ‘આ બાળક મૃકુણ્ડુ મુનિનો પુત્ર છે. તેનું આયુષ્ય પૂરું થયું છે. બધાને પ્રણામ કરવાની તેને આદત પડી ગઈ હતી. એક દિવસ અમે ત્યાં જઈ ચઢ્યા એટલે તેણે અમને પ્રણામ કર્યાં અને અમે તેને ચિરંજીવ થવાનો આશીર્વાદ આપ્યો. ભગવાન, તમે પણ એવો જ આશીર્વાદ આપ્યો. હવે આપણે જૂઠા કેવી રીતે પડીએ?’ બ્રહ્માએ તેને પોતાના જેટલું આયુષ્ય આપ્યું. પછી બાળકે પૃથ્વી પર જઈને પોતાના પિતાને બધી વાત કરી. તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. (સૃષ્ટિખંડ)

અગસ્ત્ય કથા

દેવતાઓએ ભયાનક અસુરો સાથે યુદ્ધ કર્યું એટલે એ બધા ભયભીત થઈને ઊંડા સાગરમાં છુપાઈ ગયા. ત્યાં એકત્રિત થઈને ત્રણે લોકનો વિનાશ કેવી રીતે કરવો તેનો અંદર અંદર વિચાર કરવા લાગ્યા. જેઓ ઊંડું વિચારી શકતા હતા તેમણે ઘણા ઉપાયો બતાવ્યા, જાત જાતની યુક્તિઓ બતાવી. છેવટે તે બધાએ આવું નક્કી કર્યું: તપસ્યાને કારણે ત્રણે લોક ટક્યા છે, એટલે બહુ જલદી તેનો વિનાશ કરવો જોઈએ. પૃથ્વી ઉપર જે કોઈ તપસ્વી હોય, ધર્મજ્ઞ હોય કે વિદ્વાન હોય તે બધાને મારી નાખવા જોઈએ. તેઓ નાશ પામશે તો સંપૂર્ણ જગત આપોઆપ નાશ પામશે. તે સૌની બુદ્ધિ બહેર મારી ગઈ હતી, એટલે સંસારનો વિનાશ કરવાનો નિર્ધાર કરીને તેઓ રાજી રાજી થઈ ગયા. સમુદ્ર રૂપી દુર્ગનો આશ્રય લઈ તેમણે ત્રણે લોકનો નાશ કરવા માંડ્યો. તેઓ રાતે ક્રોધે ભરાઈને બહાર નીકળતા અને પવિત્ર આશ્રમોમાં, મંદિરોમાં જે કોઈ મુનિ મળે તેમને મારી ખાઈ જતા. તે દુષ્ટો વસિષ્ઠના આશ્રમમાં જઈ ૮૦૦૮ બ્રાહ્મણોને મારીને ખાઈ ગયા. તે વનમાં જેટલા તપસ્વી હતા તે બધાને મૃત્યુલોકમાં મોકલી દીધા. મહર્ષિ ચ્યવનના આશ્રમમાં ઘણા બ્રાહ્મણો હતા, કંદમૂળનો આહાર કરતા એ બધાને દાનવોએ ત્યાં જઈને મારી નાખ્યા. આમ રાતે તેઓ ઋષિમુનિઓને મારી નાખતા અને દિવસે સમુદ્રમાં સંતાઈ જતા. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈને વાયુભક્ષણ અને જલપાન કરીને સંયમથી રહેનારા વીસ બ્રહ્મચારીઓની હત્યા તે દાનવોએ કરી. આમ ઘણા દિવસો સુધી તેઓ ઋષિમુનિઓને મારતા રહ્યા પણ મનુષ્યોને આ હત્યારાઓની ભાળ ન મળી. રાક્ષસોથી ભયભીત થઈને જગત આખું ઉત્સાહ ગુમાવી બેઠું. સ્વાધ્યાય બંધ થઈ ગયા, યજ્ઞ ઉત્સવ બંધ પડ્યા. માનવીઓની વસતી દિવસે દિવસે ઓછી થવા લાગી. એટલે તેઓ ડરી જઈને આત્મરક્ષણ માટે દસે દિશાઓમાં ભાગવા લાગ્યા, કેટલાક ગુફાઓમાં સંતાઈ ગયા, કેટલાક ઝરણાકાંઠે જતા રહ્યા, કેટલાકે ભય પામીને આત્મહત્યા કરી લીધી. આમ યજ્ઞ-ઉત્સવો બંધ પડ્યા અને એને કારણે જગત આખું વિનાશ પામવા લાગ્યું. ત્યારે ઇન્દ્ર સમેત બધા દેવો દુઃખી થઈને શ્રીનારાયણ પાસે ગયા અને તેમણે સ્તુતિ કરવા માંડી. તેમની સ્તુતિ સાંભળીને વિષ્ણુ ભગવાને કહ્યું, ‘દેવતાઓ, પ્રજાના વિનાશનું કારણ જાણું છું. તમને એ પણ કહું. કાલકેય નામનો દાનવસમુદાય બહુ નિષ્ઠુર છે. તેમણે ભેગા મળીને સમગ્ર જગતને દુઃખી કરવાની શરૂઆત કરી છે. ઇન્દ્રે વૃત્રાસુરને મારી નાખ્યો એટલે પોતાનો જીવ બચાવવા તેઓ સમુદ્રમાં પેસી ગયા છે. અનેક ભયાનક પ્રાણીઓથી ભરેલા સમુદ્રમાં સંતાઈને રાતે મુનિઓને મારી ખાય છે. જ્યાં સુધી તેઓ સમુદ્રમાં સંતાયેલા રહેશે ત્યાં સુધી તેમનો વિનાશ નહીં થાય. એટલે સમુદ્રને સૂકવી નાખવાનો ઉપાય વિચારો.’ વિષ્ણુ ભગવાનની વાત સાંભળી દેવતાઓ બ્રહ્મા પાસે ગયા, ત્યાંથી મહર્ષિ અગસ્ત્યના આશ્રમે ગયા. મિત્રાવરુણના મહાન તેજસ્વી પુત્ર અગસ્ત્ય ત્યાં હતા. કેટલાય મહર્ષિઓ તેમની સેવામાં હતા. તેઓ જરાય પ્રમાદી ન હતા. તેઓ તપસ્યાના પુંજ જેવા હતા. ઋષિઓ મહર્ષિ અગસ્ત્યનાં અલૌકિક કર્મોની ચર્ચા કરતાં કરતાં તેમની સ્તુતિ કરતા હતા: ‘ભૂતકાળમાં રાજા નહુષ જ્યારે લોકોને દુઃખી કરી રહ્યા હતા ત્યારે સંસારનું હિત કરવા ઇન્દ્રના સંહાિસન પરથી તમે તેમને દૂર કર્યા હતા. આમ લોકોનું કષ્ટ નિવારીને જગતને માટે આશ્રયદાતા બન્યા.’ સૂર્ય દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા હતા. એક દિવસ સૂર્યને જોઈને વિન્ધ્યાચલે કહ્યું, ‘જેવી રીતે તમે મેરુ પર્વતની પરિક્રમા કરો છો તેવી રીતે મારી પરિક્રમા પણ કરો.’ આ સાંભળીને સૂર્યે વિન્ધ્યાચળને કહ્યું, ‘હું મારી ઇચ્છાથી મેરુની પ્રદક્ષિણા કરતો નથી. જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તે નિયતિએ મારો માર્ગ નિશ્ચિત કર્યો છે.’ આ સાંભળીને વિન્ધ્યાચળ ક્રોધે ભરાયો. સૂર્ય અને ચંદ્રનો માર્ગ રોકવા તે ખૂબ જ ઊંચો થયો. ઇન્દ્ર અને બીજા દેવોએ વિન્ધ્યાચળને ઊંચો વધતો અટકાવવા પ્રયત્નો કર્યા, પણ કોઈની વાત તેણે ન માની. ત્યારે તેઓ અગસ્ત્ય ઋષિ પાસે ગયા, ‘મુનિશ્રેષ્ઠ, શૈલરાજ વિન્ધ્યાચળ ક્રોધે ભરાઈને સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોનો માર્ગ રોકી રહ્યો છે, એનું નિવારણ કોઈ કરી શકતું નથી.’ દેવતાઓની વાત સાંભળીને અગસ્ત્ય મુનિ વિન્ધ્યાચળ પાસે ગયા અને આદરપૂર્વક બોલ્યા, ‘પર્વતોત્તમ, હું દક્ષિણ દિશામાં જવા તારી પાસે માર્ગ માગું છું. હું પાછો ન આવું ત્યાં સુધી તું નીચા રહીને મારી રાહ જોજે.’ વિન્ધ્યાચળે તેમની વાત માની. મહર્ષિ દક્ષિણ દિશાએથી હજુ પાછા આવ્યા નથી. એટલે વિન્ધ્યાચળ ઊંચો વધી શકતો નથી. હવે કાલકેય દાનવોનો નાશ કરવાની ઇચ્છાથી દેવતાઓ અગસ્ત્ય ઋષિ પાસે ગયા. તેમના આગમનનું કારણ પૂછ્યું. દેવતાઓએ તેમને કહ્યું, ‘ઋષિવર્ય, અમે તમારી પાસેથી એક વરદાન લેવા આવ્યા છીએ. તમે કૃપા કરીને સમુદ્રપાન કરો. તમે આવું કરશો એટલે કાલકેય દાનવોને તથા તેમનાં સ્વજનોને અમે મારી નાખીશું.’ મહર્ષિએ તેમની વાતનો સ્વીકાર કર્યો. તેઓ દેવતાઓ અને ઋષિમુનિઓને લઈ સમુદ્રકાંઠે ગયા. તેમનું આવું અસામાન્ય કર્મ જોવાને માટે ઘણા બધા માનવીઓ, નાગ, ગંધર્વો, યક્ષ, કિન્નર ત્યાં ગયા. મહર્ષિ સમુદ્રકાંઠે ગયા. પોતાનાં ઊંચાં ઊંચાં મોજાં વડે સમુદ્ર ભીષણ નૃત્ય કરતો હોય એવું લાગ્યું. મહર્ષિની સાથે બધા દેવ, ગંધર્વ, નાગ, ઋષિમુનિઓ પણ પહોંચ્યા, ત્યારે ઋષિએ કહ્યું, ‘દેવતાઓ, બધા લોકોનું હિત કરવા હું આ મહાસાગર પી જઈશ. હવે તમારે જે કરવું હોય તે જલદી કરજો.’ એમ કહી તેઓ બધાના દેખતાં સમુદ્ર પી ગયા. ઇન્દ્ર અને બીજા દેવોને આશ્ચર્ય થયું. તેમણે ઋષિની સ્તુતિ કરતા કહ્યું, ‘ભગવન્, તમે અમારા રક્ષક છો, લોકને નવો જન્મ આપશો. તમારી કૃપાથી દેવતાઓ સહિત આ જગતનો નાશ થઈ નહીં શકે.’ આમ બધા દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મુખ્ય ગંધર્વો હર્ષનાદ કરી રહ્યા હતા. ઋષિ ઉપર પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમણે આખા સમુદ્રને પૂરેપૂરો સૂકવી નાખ્યો. જ્યારે સમુદ્રમાં એક પણ ટીપું પાણી ન રહ્યું ત્યારે દેવતાઓ હરખાઈને હાથમાં દિવ્ય આયુધ લઈને દાનવોને મારવા લાગ્યા. મહાબળવાન દેવતાઓ સામે દાનવો હારવા લાગ્યા. તેમ છતાં તે ભીમકાય રાક્ષસો થોડી વાર તો લડતા રહ્યા. પરંતુ તેઓ પવિત્ર ઋષિમુનિઓના તપથી નિર્બળ થઈ રહ્યા હતા. એટલે બહુ શક્તિ હોવા છતાં દેવતાઓના હાથે તેઓ મૃત્યુ પામ્યા. એટલે દેવલોકોએ ઋષિની સ્તુતિ કરી, ‘તમારી કૃપા વડે સંસારના લોકો સુખી થયા. કાલકેય દાનવો ક્રૂર અને મહાશક્તિશાળી હતા. તમારી શક્તિ વડે તેઓ બધા મૃત્યુ પામ્યા. હવે જે પાણી તમે પી ગયા છો તે બધું પાછું ઠાલવી દો.’ તેમની વાત સાંભળી અગસ્ત્ય ઋષિએ કહ્યું, ‘એ જળ તો હું પચાવી ગયો, સમુદ્રને ફરી છલોછલ કરવા તમે બીજો કોઈ ઉપાય કરો.’ તેમની વાત સાંભળી દેવતાઓ નવાઈ પામ્યા. તેઓ દુઃખી પણ થયા. સમુદ્રને ભરવા હવે શું કરી શકાય તેનો વિચાર કરતાં કરતાં તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમને પ્રણામ કરીને સમુદ્રને ફરી છલકાવાનો ઉપાય પૂછ્યો. બ્રહ્માએ તેમને કહ્યું, ‘દેવલોકો, તમે અત્યારે તમારા લોકમાં પાછા જાઓ. ઘણા સમય પછી ભગીરથ પોતાના સ્વજનોનો ઉદ્ધાર કરવા ગંગાને ધરતી પર લાવશે, ત્યારે તેના પાણીથી સમુદ્ર ભરાઈ જશે.’ આમ કહી બ્રહ્માએ બધાને વિદાય કયા.

પ્રભંજન અને નંદા ગાયની કથા

દૂર દૂરના ભૂતકાળની આ વાર્તા. પ્રભંજન નામે એક રાજા. એનાં પરાક્રમોની તો વાત જ ન થાય. એક દિવસ તે શિકારે નીકળી પડ્યો એક વનમાં. કોઈ ઝાડીમાં રાજાએ એક હરણી જોઈ. તીખું તમતમતું બાણ ચલાવીને રાજાએ તો તેને વીંધી નાખી. ઘવાયેલી હરણીએ આજુબાજુ નજર કરી. જોયું તો સામે જ ધનુષબાણ લઈને રાજા ઊભો હતો. હરણીએ કહ્યું, ‘અરે મૂઢ, આ શું કર્યું? હું તો નિરાંતે મારા બચ્ચાને દૂધ પીવડાવતી હતી. આવી હાલતમાં તેં મને વીંધી નાખી! મારો અપરાધ કયો? તારી બુદ્ધિ મેલી છે, હું તને શાપ આપું છું. તું કાચું માંસ ખાનારો વાઘ થઈ જજે.’ આ સાંભળીને રાજાના તો હોશકોશ ઊડી ગયા. ‘મને શી ખબર કે તું તારા બચ્ચાને દૂધ પીવડાવી રહી છે. જે થયું તે અજાણતાં થયું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કર. હુું વાઘમાંથી મનુષ્ય ક્યારે બનીશ? શાપનો અંત ક્યારે આવશે?’ રાજાની વાત સાંભળીને હરણી બોલી, ‘હે રાજન્, આજથી સો વર્ષ પછી નંદા નામની એક ગાય આવશે. તેની સાથે વાતચીત કરીશ એટલે શાપનો અંત આવશે.’ શાપ એટલે શાપ. રાજા તો થઈ ગયો વાઘ. ભયંકર દેખાવ, જોઈને જ બીક લાગે. તે પશુઓને, માણસોને મારીને રહેવા લાગ્યો. પણ પોતાની નિંદા કર્યા કરે. ‘હું ક્યારે માનવી થઈશ, હવે કોઈ દિવસ પાપ નહીં કરું. વાઘ છું એટલે હિંસા કરવી તો પડે છે, કોઈ પુણ્ય મળતું નથી. અરે, આ કપરાં સો વરસ ક્યારે વીતશે?’ અને એમ વરસો ઉપર વરસો વીતવા લાગ્યાં. એ ઘટનાને સો વર્ષ વીત્યાં અને એક દિવસ ગાયોનું મોટું ધણ આવી ચઢ્યું. વનમાં તો ઘાસચારો જોઈએ તેટલો, પાણી જોઈએ તેટલું. પછી જોઈએ શું? ગાયો માટે ગોવાળોએ એક વાડો ઊભો કરી દીધો. તેમણે પોતાને માટે ઘર પણ બાંધી દીધાં. આખું વન ગાયોના હંભારવથી ગાજી ઊઠ્યું. બળવાન ગોવાળો ચારે બાજુથી ગાયોની રખેવાળી કરતા હતા. હવે એ ધણમાં એક હૃષ્ટપુષ્ટ ગાય હતી, ભારે સંતોષી, નામ તેનું નંદા. ધણમાં તે આગળ પડતી, જરાય બીક વિના બધી ગાયોની આગળ આગળ ચર્યા કરે. એક દિવસ બધી ગાયોથી તે વિખૂટી પડી ગઈ અને જઈ ચઢી પેલા વાઘ પાસે. વાઘ તો તેને જોતાંવેંત બોલ્યો, ‘ઊભી રહે, ઊભી રહે. હવે જઈશ ક્યાં? સામે ચાલીને જ તું મારી સામે આવી ગઈ.’ સાંભળીને ગાયનાં તો રૂવાં ઊભાં થઈ ગયાં. તેને પોતાનો ચાંદા જેવો રૂપાળો વાછરડો યાદ આવ્યો. ગાય બહુ વિલાપ કરતી હતી એટલે વાઘ બોલ્યો, ‘સંસારમાં સહુ સહુનાં કરમ ભોગવે છે. તું સામે ચાલીને મારી પાસે આવી ને! હવે તારું મોત નજીક છે. પણ હા, કહે તો ખરી કે તું રડી કેમ?’ વાઘની વાત સાંભળી નંદા બોલી, ‘પ્રણામ વાઘભાઈ, મારા બધા અપરાધ માફ કરો. તમારી પાસે જે આવે તે વળી જીવતું રહે ખરું? હું મારા માટે ચંતાિ કરતી નથી. મૃત્યુ તો એકને એક દિવસે આવવાનું, પણ મેં હમણાં જ એક વાછરડાને જનમ આપ્યો છે. પહેલવારકો છે એટલે બહુ વહાલો છે. તે હજુ મારા દૂધ પર જ જીવે છે, ઘાસને તો તે સૂંઘતો પણ નથી. અત્યારે તે વાડામાં છે. તેને હવે ભૂખ લાગી હશે, મારી રાહ જોતો હશે. એટલે હું દુઃખી છું. હું નહીં હોઉં તો તે જીવશે કેવી રીતે? મારે તેને દૂધ પીવડાવવાનું બાકી છે. દૂધ પીવડાવતાં પીવડાવતાં તેનું માથું ચાટીશ. થોડી વાતો કરીશ. પછી મારી સખીઓને તેની સંભાળ રાખવા કહીશ. પછી તમારી પાસે આવીશ. એટલે મને ખાઈ જજો.’ નંદાની વાત સાંભળીને વાઘે કહ્યું, ‘હવે તારે એની સાથે શી લેવાદેવા?’ ગાય બોલી, ‘અરે એ મારો પહેલવારકો છે, ત્યાં મારી સખીઓ પણ છે, ગાયોની સંભાળ રાખનારા ગોવાળ પણ છે, મને જનમ આપનારી મારી મા પણ છે. બધાંની વિદાય લઈને આવીશ. સોગંદ ખાઉં છું. મને જવા દો, ન આવું તો બ્રાહ્મણની હત્યા, માતાપિતાની હત્યા કરનારને જે પાપ લાગે તે મને લાગે; ગૌશાળામાં વિઘ્નો ઊભાં કરનારને, સૂતેલા પ્રાણીની હત્યા કરનારને જે પાપ લાગે તે મને લાગે; જે એક વાર કન્યાનું દાન કરીને બીજાને આપી દે તેને જે પાપ લાગે તે મને લાગે; સાવ સૂકલકડી બળદો પર જે ભારે બોજ લાદે તેને જે પાપ લાગે તે મને લાગે; જે કથા સમયે વિઘ્નો ઊભાં કરે, જેને ઘેર આવેલો મિત્ર નિરાશ થઈને પાછો જાય તેને જે પાપ લાગે તે મને લાગે. આવાં ભયાનક પાપની બીકે પણ હું સાચેસાચ પાછી આવીશ.’ નંદાએ આટલા બધા સોગંદ ખાધા એટલે વાઘને તેના પર ભરોસો બેઠો. તે બોલ્યો, ‘ગાય, તારા સોગંદ પરથી મને વિશ્વાસ તો આવ્યો છે, પણ તને કેટલાક સમજાવશે. સ્ત્રીઓની સાથે મજાકમશ્કરીમાં, લગ્નમાં, ગાયોને બચાવવામાં, જીવ પર જ્યારે આફત આવે ત્યારે લીધેલા સોગંદ ન પાળીએ તો પાપ ન લાગે. પણ તું એમની વાત ન માનતી. આ સંસારમાં કેટલાય મૂરખ લોકો પોતાને પંડિત માને છે. ખોટી ખોટી દલીલો કરીને બીજાઓને મોહમાં નાખે છે. મેં કેવા સોગંદ ખાઈને વાઘને છેતરી પાડ્યો એવો વિચાર તને ન આવવો જોઈએ. તેં જ મને ધર્મનો માર્ગ દેખાડ્યો છે, હવે તને જે યોગ્ય લાગે તે કર.’ વાઘની વાત સાંભળી નંદા બોલી, ‘તમારી વાત પૂરેપૂરી સાચી. તમને તો કોણ છેતરી શકે? જે બીજાને છેતરવા માગે તે પહેલાં તો પોતાની જાતને છેતરે છે.’ વાઘ બોલ્યો, ‘ગાય, હવે તું જા. તારા પુત્રને મળ. તેને દૂધ પીવડાવ, તેનું મસ્તક ચાટ. માતાપિતા, સ્વજનો, સખીઓ, બાંધવોને મળીને સત્યપાલન કરવા વહેલી આવજે.’ પોતાના વાછરડાને ચાહનારી ગાય પૂરેપૂરી સત્યવાદી. વાઘની આજ્ઞા લઈને તે વાડાની દિશામાં ચાલવા લાગી. આંખોમાંથી શ્રાવણભાદરવો વહેતા હતા. સાવ ગરીબ બનીને તે ધ્રૂજતી હતી. કેટલો બધો શોક તેના હૈયાને દઝાડતો હતો. નદીકિનારે જ તેમનો વાડો. તરત જ વાછરડાનો અવાજ સંભળાયો. તે તરત જ દોડી ગઈ. તેની આંખોમાં આંસુ રોક્યાં રોકાતાં ન હતાં. માને આવી જોઈને વાછરડાને વહેમ પડ્યો. તે બોલ્યો, ‘આજે તને થયું છે શું? તું આનંદમાં કેમ નથી? તારી શાંતિ ક્યાંય દેખાતી નથી. તું ડરેલી ડરેલી કેમ લાગે છે?’ નંદાએ કહ્યું, ‘દીકરા, અત્યારે તું પેટ ભરીને ધાવી લે. હવે પછી આપણે મળી નહીં શકીએ. આજે તું મારું દૂધ પીશ, પણ કાલે? હું પાછી જઉં છું. સોગંદ ખાધા છે. ભૂખે પીડાતા એક વાઘને મારે જીવન અર્પી દેવાનું છે.’ વાછરડો બોલી પડ્યો, ‘મા, તું જ્યાં જવા માગે છે ત્યાં હું પણ આવીશ. તારી સાથે સાથે હું પણ મરી જઈશ. તું નહીં હોય તો આમેય મરી જવાનો છું. જો વાઘ તને અને મને મારે તો કેટલું સારું! મા વિના જીવવાનો અર્થ કયો? માના જેવો આશ્રય કોણ આપે? એના જેવો પ્રેમ કોણ આપે? માના જેવું સુખ આ લોકમાં કે પરલોકમાં ક્યાંય નથી. બ્રહ્માએ કહેલો ધર્મ આ જ છે. જે પુત્ર તેનું પાલન કરે તેની ઉત્તમ ગતિ થાય.’ નંદા એ સાંભળી ગળગળી થઈને બોલી, ‘દીકરા, મારું મૃત્યુ તો નિશ્ચિત છે. તું મારી પાછળ પાછળ ન આવ. એક મૃત્યુ પામે તો બીજાએ મરી જવાનું ન હોય. તારા માટે તારી માતાનો આ અંતિમ સંદેશ. મારી વાત માનીને અહીં જ રહે. વનમાં હરતાફરતા સાવધ રહેજે. બેકાળજીથી મૃત્યુ થાય છે. બહુ ઓતાડી જગાએ ઊગેલું ઘાસ ચરવા ન જઈશ. લોભને કારણે બધાનું મૃત્યુ થાય છે. લોભવશ થઈને જ લોકો સમુદ્રમાં પડતું નાખે છે, વનમાં દૂર દૂર જઈ પહોંચે છે. વિદ્વાન માનવી પણ લોભાઈને ભયંકર પાપ આદરે છે. લોભ, આળસ અને ગમે તેના પર વિશ્વાસ: આ ત્રણ કારણે જગતનો નાશ થાય છે, એટલે આ ત્રણેથી દૂર રહેજે. શિકારીઓથી, ચોરોથી સાવધ રહીને શરીરને સાચવજે. નહોરવાળાં પ્રાણીઓનો, નદીઓનો, શંગિડાંવાળાં પશુઓનો, શસ્ત્રધારીઓનો, સ્ત્રીઓનો, દૂતોનો ક્યારેય વિશ્વાસ ન કરવો. એક્કેય વાર જેના પર વિશ્વાસ મૂક્યો ન હોય તેમના પર કદી વિશ્વાસ ન મૂકવો. જેના પર બહુ વિશ્વાસ મૂક્યો હોય તેના પર તો કદીય વિશ્વાસ ન મૂકવો. બીકણ બાળકનો પણ વિશ્વાસ નહીં કરવો — બાળકને તો ડરાવી, ધમકાવી, ફોસલાવી તેની પાસેથી ગુપ્ત વાતો કઢાવી શકાય. બધે ઠેકાણે સાચવીસાચવીને ચાલવું, સૂંઘીસૂંઘીને ચાલવું, ગાયો ગંધ વડે સારીખરાબ વસ્તુઓ પારખી શકે છે ને! ઘોર જંગલમાં એકલા એકલા ભટકવું નહીં. ધર્મ પાળતા રહેવું. મારા મૃત્યુથી તું ગભરાતો નહીં. એક ને એક દિવસે તો બધાએ મરવાનું જ છે. જેવી રીતે કોઈ મુસાફર ઝાડની છાયામાં બેસીને થોડી વારે ચાલતો થાય છે તેવી રીતે આપણા બધાનું આવનજાવન. તું શોક ત્યજીને મારી વાતો પર ધ્યાન આપજે.’ આટલું કહી નંદા પુત્રનું મસ્તક સૂંઘીને તે ચાટવા લાગી. આંસુભરી આંખે પુત્રને જોયા કર્યો, તેણે નિસાસો નાખ્યો. પછી પોતાની માતા, સખીઓ પાસે જઈને બોલી, ‘મા, હું બીજી ગાયોથી વિખૂટી પડીને આગળ ચરવા નીકળી પડી, ત્યાં એટલામાં એક વાઘ આવી ચડ્યો. મેં એને સોગંદ ખાઈને પાછા આવવાનું વચન આપ્યું છે. પછી તેણે મારા પર વિશ્વાસ મૂકીને મને અહીં આવવા દીધી. હું પુત્રને અને તમને બધાંને મળવા આવી ચઢી છું. હવે પાછી જઈશ. મારા ખરાબ સ્વભાવને કારણે તમારા વાંકમાં આવી હોઉં તો ભૂલી જજો. તમે બધાં બહુ સારા સ્વભાવનાં છો, બધું આપવાની શક્તિ તમારામાં છે. મારા પુત્રને સાચવજો. હું તમને સોંપીને જઉં છું. તમારો જ પુત્ર ગણજો. હવે તમારી ક્ષમા માગું છું. હું સત્ય પાળીશ. વાઘ પાસે પાછી જઈશ. મારે કારણે સખીઓએ દુઃખી ન થવું.’ નંદાની વાત સાંભળીને તેની માતાને અને સખીઓને બહુ દુઃખ થયું. તેઓ બોલી, ‘બહુ નવાઈની વાત. વાઘને વચન આપ્યું એટલે સત્યવાદિની નંદા તું ફરીથી એ ભયાનક સ્થળે જવા માગે છે. શત્રુની સાથે છળ કરીને પોતાના પર આવેલા ભયને ટાળવો જોઈએ. જે કોઈ રીતે જીવ બચતો હોય તે બચાવી લેવો જોઈએ. નંદા, તારે ત્યાં નહીં જવું જોઈએ. નાનકડો દીકરો એક બાજુ અને સત્ય બીજી બાજુ. ત્યાં જવામાં ધર્મ નથી. ઋષિઓ કહી ગયા છે: જીવ જોખમમાં હોય ત્યારે સોગંદપૂર્વક જીવ બચાવવામાં કંઈ પાપ નથી. અસત્ય બોલવાથી જીવ બચી જતો હોય તો અસત્ય પણ સત્ય અને સત્ય અસત્ય.’ નંદાએ કહ્યું, ‘બહેનો, બીજાઓના પ્રાણ બચાવવા હું અસત્ય બોલી શકું પણ મારા માટે, મારા પ્રાણ બચાવવા હું અસત્ય ન જ બોલી શકું. જીવ એકલો જ માતાના ઉદરમાં આવે છે, અને એકલો જ મૃત્યુ પામે છે. ભરણપોષણ પોતે એકલો જ કરે છે, એકલો જ સુખદુઃખ ભોગવે છે. હું હંમેશાં સત્ય બોલીશ. સત્ય વડે જ સંસાર ચાલે છે. સત્યમાં જ ધર્મ છે. સત્યને કારણે જ સમુદ્ર માઝા મૂકતો નથી. બલિ રાજા સાથે છળકપટ થયું હતું છતાં ભગવાન વિષ્ણુને આખી પૃથ્વી સોંપી દઈ વચન પાળવા પાતાળ ચાલ્યા ગયા. ગિરિરાજ વિન્ધ્યાચળ પોતાનાં સો શિખર સાથે ઊંચો ને ઊંચો વધ્યે જતો હતો પણ અગસ્ત્ય ઋષિને વચન આપ્યું એટલે તે સૂઈ જ રહ્યો. સ્વર્ગ, મોક્ષ, અને ધર્મ — આ બધા ધર્મને કારણે ટક્યા છે. જે વચન પાળતો નથી તે બધાનો લોપ કરે છે. સત્ય તો અગાધ જળથી ભરેલું તીર્થ છે, અહીં સ્નાન કરીને બધા પાપમાંથી મુક્તિ મેળવે છે. એક પલ્લામાં હજાર અશ્વમેધ યજ્ઞ અને બીજા પલ્લામાં સત્ય હોય તો સત્યનું પલ્લું જ નમે. સત્ય બોલવામાં કોઈ ક્લેશ નથી. સાધુ પુરુષોની પરીક્ષા સત્યથી થાય છે. સજ્જનોની એ જ સંપત્તિ. બધા આશ્રયોમાં સત્યનો આશ્રય શ્રેષ્ઠ. હા, તે અઘરો માર્ગ છે, પણ તેનું પાલન કરવું પોતાના હાથમાં છે. જો સત્ય પાળવાથી મલેચ્છ પણ સ્વર્ગે જતો હોય તો સત્યનો ત્યાગ કેવી રીતે થાય? સખીઓએ આ સાંભળીને કહ્યું, ‘નંદા, તને તો દેવદાનવોએ પણ પ્રણામ કરવા જેવા છે. તું તારા જીવના ભોગે પણ સત્ય જાળવવા માગે છે. તું ધર્મપાલનમાં અડગ છે. આ સત્યના પ્રભાવ વડે ત્રણે લોકમાં કશું દુર્લભ નથી. તારા ત્યાગથી અમે એટલું સમજીએ છીએ કે તારે તારા પુત્રથી અલગ થવું નહીં પડે. જે સ્ત્રીનું મન કલ્યાણના માર્ગે છે તેના પર ક્યારેય આફત આવતી નથી.’ પછી નંદા ગોપીઓને મળી, બધી ગાયોની પરકમ્મા કરી, દેવતાઓ, વૃક્ષોની વિદાય લીધી. તેણે પૃથ્વી, વરુણ, અગ્નિ, વાયુ, ચંદ્રમા, દસે દિક્પાલ, વનવૃક્ષો, આકાશના ગ્રહનક્ષત્ર — બધાંને વારંવાર પ્રણામ કરીને કહ્યું, ‘આ વનમાં વસતા સિદ્ધો, વનદેવતાઓ, મારો પુત્ર વનમાં ચરવા જાય તો તેની રક્ષા કરજો.’ પછી તે તીક્ષ્ણ દાંતવાળા, ભયાનક દેખાતા વાઘ પાસે જઈ પહોંચી. તેના પહોંચવાની સાથે જ તેનો વાછરડો પણ પૂંછડું ઊંચું કરીને માતા અને વાઘ આગળ ઊભો રહી ગયો. પુત્રને અને કાળ જેવા વાઘને જોઈને ગાયે કહ્યું, ‘વનરાજ, સત્યનું પાલન કરતી હું તમારી પાસે આવી ગઈ છું. હવે મારા માંસ વડે તમારું પેટ ભરો.’ વાઘે કહ્યું, ‘તું તો ભારે સત્યવાદી નીકળી. સત્યનો આશ્રય લેનારનું કદી અમંગલ થતું નથી. તારા સોગંદથી મને બહુ નવાઈ લાગી હતી. તું એક વાર ઘેર જઈને પાછી આવે કેવી રીતે? તારી પરીક્ષા કરવા જ મેં તને જવા દીધી હતી. નહીંતર મારી પાસે એક વાર આવી ગયા પછી પાછી જાય જ કેવી રીતે? હું તારામાં રહેલા સત્યને શોધી રહ્યો હતો. તે મને મળી ગયું. આ સત્યના પ્રભાવથી જ મેં તને જવા દીધી હતી. આજથી તું મારી બહેન અને આ મારો ભાણો. તારા આચરણ વડે મારા જેવા પાપીને ભાન કરાવ્યું છે કે સત્ય પર જ બધા લોક ટક્યા છે. જ્યાં તું રહે છે તે વન, લતાઓ ધન્ય છે. જે તારું દૂધ પીએ છે તે ધન્ય છે. તેમના પુણ્યનું ફળ તેમને મળ્યું છે. ગાયોમાં આવું સત્ય છે તે જોઈને હવે મને મારા જીવન પર અરુચિ થઈ છે. આ પાપમાંથી મુક્ત થવાય એવું કંઈક કરીશ. અત્યાર સુધી મેં હજારો પ્રાણીઓના જીવ લીધા છે. હું મોટો પાપી છું, દુરાચારી છું, નિર્દય છું, હત્યારો છું. બહેન, હવે આ પાપમાંથી મુક્ત થવા મારે કેવું તપ કરવું જોઈએ તે તું મને ટૂંકમાં કહે. નિરાંતે સાંભળવાનો સમય નથી.’ ‘વિદ્વાનો સતયુગમાં તપની પૂજા કરે છે. ત્રેતાયુગમાં જ્ઞાન અને કર્મની પૂજા કરે છે પણ કળિયુગમાં એક માત્ર દાન શ્રેષ્ઠ ગણાય છે. દાન એટલે બધાં પ્રાણીઓનું રક્ષણ. બધાંને અભયદાન. આનાથી મોટું કોઈ દાન નથી, એના જેવું કોઈ તપ નથી. જેવી રીતે હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ જાય છે તેવી રીતે અહિંસામાં બધા ધર્મ. યોગ રૂપી વૃક્ષની છાયા ત્રણે તાપનો નાશ કરનારી, ધર્મ અને જ્ઞાન તે વૃક્ષનાં ફૂલ. જેઓ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક — આમ ત્રણે પ્રકારનાં દુઃખ ભોગવે છે તે આ યોગવૃક્ષની છાયાનો આશ્રય લે છે. એનાથી તેમને ઉત્તમ શાંતિ મળે છે. પછી બીજાં કોઈ દુઃખ તેમને નડે કેવી રીતે? કલ્યાણનો આ જ માર્ગ છે. તમે પણ આ બધું નથી જાણતા? મને પૂછવા ખાતર જ પૂછો છો.’ વાઘે કહ્યું, ‘પહેલાં હું એક રાજા હતો. એક હરણીના શાપથી હું વાઘ બન્યો. ત્યારથી સતત પ્રાણીઓની હત્યા કરતો રહ્યો, બધું ભૂલી ગયો. અત્યારે તારા કારણે, તારા ઉપદેશને કારણે એ બધું યાદ આવી ગયું. તું પણ આ સત્યના પ્રભાવથી પરમ ગતિ પામીશ.. હવે એક વાતનો ઉત્તર આપ. કલ્યાણી, તારું નામ શું છે?’ એટલે ગાયે કહ્યું, ‘મારા જૂથના નાયકનું નામ નંદ છે એટલે તેણે મારું નામ પાડ્યું નંદા.’ નંદાનું નામ સાંભળતાં વેંત પ્રભંજન રાજા શાપમુક્ત થઈ ગયા. તે ફરી રૂપવાન અને બળવાન બની ગયા. તે વેળા સત્યવાદી નંદાનું દર્શન કરવા ધર્મરાજ આવ્યા, ‘નંદા, હું ધર્મ છું. તારા સત્યથી ખેંચાઈને અહીં આવ્યો છું. મારી પાસે કોઈ વરદાન માગ.’ નંદાએ કહ્યું, ‘હું પુત્ર સહિત ઉત્તમ પદ પામું અને આ સરસ્વતી નદી મારા નામથી ઓળખાય. તમે વરદાન માગવા કહ્યું એટલે આ વરદાન મેં માગ્યું.’ દેવી નંદા તરત જ સત્યવાદીઓના ઉત્તમ લોકમાં ગઈ. રાજાએ પોતાનું રાજ્ય મેળવ્યું. નંદા સરસ્વતીના કિનારેથી સ્વર્ગે ગઈ એટલે વિદ્વાનોએ તેનું નામ નંદા પાડ્યું. (સૃષ્ટિખંડ) વામન અને બાષ્કલિ એક વાર ભગવાન વામન ઇન્દ્રની સાથે બાષ્કલિને ઘેર ગયા. દૂરથી જ રાજાની નગરી જોઈ. બધા પ્રકારનાં રત્નોવાળા ગગનચુંબી મહેલો, નગરના સુંદર માર્ગ. બાષ્કલિના નગરમાં ન હોય એવું કોઈ પુષ્પ નહીં, એવી કોઈ વિદ્યા નહીં, એવું કોઈ શિલ્પ નહીં, એવી કોઈ કળા નહીં. ત્યાં રહીને દાનવરાજ ત્રિલોકનું પાલન કરતા હતા. રાજા ધર્મજ્ઞ, કૃતજ્ઞ, સત્યવાદી અને જિતેન્દ્રિય. બધાં પ્રાણીઓ ખૂબ સરળતાથી તેમને મળી શકતાં હતાં. ન્યાય-અન્યાયનો વિવેક સારી રીતે કરી શકતા હતા. બ્રાહ્મણોના તે ભક્ત હતા. શરણાગતોના રક્ષણહાર હતા, અનાથો પર દયા વરસાવનાર હતા. રાજનીતિના બધા ગુણ તે જાણતા હતા. તેના રાજ્યમાં કોઈ દુઃખી ન મળે. ઇન્દ્રને નગરીમાં આવેલા જોઈ સેવકોએ રાજાને કહ્યું, ‘અરે અરે, આજે તો ઇન્દ્ર એક બટુક બ્રાહ્મણને લઈને આવ્યા છે ને કંઈ! બોલો, બોલો, તેમની શી સેવા કરીએ?’ દાનવોને રાજાએ કહ્યું, ‘ઇન્દ્રને અહીં લઈ આવો.’ પછી દાનવરાજ ઇન્દ્રને મળવા એકલા રાજમહેલની બહાર નીકળ્યા. ઇન્દ્ર અને વામન પણ ત્યાં સામે મળ્યા. બાષ્કલિ બોલ્યા, ‘આજે મારા જેવો ભાગ્યશાળી કોણ? અહીં ઇન્દ્ર યાચક થઈને આવ્યા છે. ઘેર આવેલા ઇન્દ્રને મારી સ્ત્રી, મારો પુત્ર, મારો મહેલ, મારા પ્રાણ પણ આપી દઉં.’ બંનેનું પૂજન કરીને દાનવરાજે કહ્યું, ‘આજે તમને અહીં આવેલા જોઈ મારો જનમ સફળ થયો. બોલો, તમારી શી સેવા કરી શકું? અહીં સુધી કેમ આવવું પડ્યું?’ ઇન્દ્રે કહ્યું, ‘દાનવરાજ, બધા દાનવોમાં તમે સર્વશ્રેષ્ઠ. કોઈ યાચક ખાલી હાથે અહીંથી ગયો નથી, તમારા જેવો કોઈ દાતા નહીં, સૂર્ય જેવા તેજસ્વી, સાગર જેવા ગંભીર, પૃથ્વી જેવા ક્ષમાશીલ. આ બ્રાહ્મણ કશ્યપગોત્રી છે. તેમણે મારી પાસે ત્રણ પગલાં ભૂમિ માગી. પણ મારું રાજ્ય તો તમે છિનવી લીધું છે. હું તો સાવ નિરાધાર અને ગરીબ. એમને ભૂમિ આપું કેવી રીતે? એટલે હું તમારી પાસે આવ્યો છું. યાચક હું નથી, આ છે. તમને યોગ્ય લાગે તો આ બ્રાહ્મણને ત્રણ ડગલાં ભૂમિ આપો.’ બાષ્કલિએ ઇન્દ્રને કહ્યું, ‘તમે ભલે આવ્યા, પણ બધાના આશ્રય તો તમે છો. ત્રિભુવનનો ભાર તમને સોંપીને બ્રહ્મા નિરાંત અનુભવે છે. વિષ્ણુ ઘણાં યુદ્ધોથી થાકીને ક્ષીરસાગર પર સૂતા છે. એવી જ રીતે શંકર ભગવાન કૈલાસમાં. મારાથી બળવાન દાનવોને તમે ક્યાં નથી હરાવ્યા? વૃત્રાસુર અને નમુચિનો વધ તમે કર્યો. વિષ્ણુએ હિરણ્યકશિપુનો વધ કર્યો. તમે જ્યારે વજ્ર લઈને આવો છો ત્યારે બધા દાનવો તમને જોઈને જ ભાગી જાય છે. તમારી આગળ હું તો શું છું? તમે કહો તો મારો જીવ આપી દઉં. મારી બધી સંપત્તિ આ બ્રાહ્મણને આપી દો. ભવિષ્યમાં લોકો કહેશે કે ભૂતકાળમાં રાજા બાષ્કલિએ ઘેર આવેલા ઇન્દ્રને ત્રિલોકનું આખું રાજ્ય આપી દીધું હતું. પણ મને બહુ સંકોચ થાય છે. આ બ્રાહ્મણ માટે માત્ર ત્રણ જ ડગલાં ભૂમિ?’ આ સાંભળી રાજાના પુરોહિત શુક્રાચાર્યે કહ્યું, ‘રાજન્, તમને યોગ્યઅયોગ્યનો કશો ખ્યાલ નથી. કોઈને ક્યારે શું આપવું જોઈએ એ તમે જાણતા નથી. તમારે મંત્રીઓને પૂછીને બધાં કાર્ય કરવાં જોઈએ. તમે ત્રિલોકનું રાજ્ય તો મેળવી લીધું. હવે તમે મુશ્કેલીમાં મુકાશો. આ વામન વામન નથી, એ વિષ્ણુ છે. તમે કશું ન આપતા. તે તો માયાવી છે, માખીના પગ જેટલી ભૂમિ પણ નહીં આપવી જોઈએ. મારું માનો, નહીંતર સર્વનાશ થશે.’ ગુરુની વાત સાંભળીને બાષ્કલિએ કહ્યું, ‘ધર્મ પાળવા મેં તેમને વચન આપ્યું છે. જો આ વિષ્ણુ છે અને મારી પાસે દાન માગશે તો મારા જેવો પુણ્યશાળી કોણ? તમે જ મને ઉપદેશ આપેલો કે શત્રુ આવીને કશું માગે તો પણ આપવું. જે દાન આપવું સરળ હોય તે તો બધા આપે.’ આ સાંભળી ગુરુ ઝાંખા થઈ ગયા. દાનવરાજે કહ્યું, ‘તમે માગો તો આખી પૃથ્વી આપી દઉં પણ આમને માત્ર ત્રણ ડગલાં જ ભૂમિ આપતાં મને સંકોચ થાય છે.’ ઇન્દ્રે કહ્યું, ‘તમારી વાત સાચી. પણ આ બ્રાહ્મણને તો ત્રણ જ ડગલાં જ જોઈએ છે.’ એટલે પછી બાષ્કલિએ હાથમાં પાણી લઈ ત્રણ ડગલાં ભૂમિ આપી દીધી. દાન સંપન્ન થયું એટલે ભગવાને વામનરૂપ ત્યજી દીધું. ભગવાને પહેલો પગ સૂર્યલોકમાં મૂક્યો, બીજો પગ ધ્રુવલોકમાં અને ત્રીજો પગ બ્રહ્માંડમાં. તેમના અંગુઠાના જોરથી બ્રહ્માંડ ફાટ્યું અને ઘણું પાણી વહ્યું. એને બધા વૈષ્ણવી ગંગા કહે છે. ભગવાને પૂછ્યું, ‘હવે પગ ક્યાં મૂકું?’ બાષ્કલિએ કહ્યું, ‘ભગવાન, હવે મારામાં તો નવી પૃથ્વી સર્જવાની શક્તિ ક્યાં છે?’ ભગવાને કહ્યું, ‘દાનવરાજ, બોલો, તમારી શી ઇચ્છા પાર પાડું?’ બાષ્કલિએ કહ્યું, ‘ભગવાન, મારે તમારી ભક્તિ જોઈએ. તમારા હાથે મારું મૃત્યુ થાય.’ એટલે ભગવાને કહ્યું, ‘તમે એક કલ્પ પ્રતીક્ષા કરો. હું વરાહ રૂપ ધારણ કરીને રસાતલમાં પ્રવેશી તમારો વધ કરીશ.’ એટલે દાનવરાજ ત્યાંથી જતા રહ્યા. ઇન્દ્ર અને ભગવાન પણ અંતર્ધાન થઈ ગયા. (સૃષ્ટિખંડ)

પવિત્ર સુકલાની કથા

ગંગાકિનારે સુંદર લાગતી કાશી નગરીમાં કૃકલ નામના વૈશ્યની પત્ની સુકલા પરમ સાધ્વી, ઉત્તમ વ્રતધારિણી, સત્યવાદિની, સુંદર અને પતિવ્રતા હતી. તેને ગુણવાન પુત્રો હતા. તેનો પતિ પણ ઉત્તમ વક્તા, ધર્મજ્ઞ હતો અને તેણે તીર્થયાત્રા વિશે સાંભળીને પોતાનું કલ્યાણ કરવા તેણે તીર્થાટન કરવાનો નિર્ધાર કર્યો અને તેને સારો સંગાથ પણ મળ્યો. તેની પત્નીએ સાથે જવાનો આગ્રહ રાખ્યો પણ કોમળ પત્નીને બહુ દુઃખ પડશે એમ માનીને તે પત્નીને કશું કહ્યા વિના નીકળી પડ્યો. સવારે સુકલાએ પોતાના પતિને ન જોયો એટલે તે કલ્પાંત કરવા લાગી. તેણે પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી મારા પતિ પાછા ન આવે ત્યાં સુધી હું સાદડી પર સૂઈ જઈશ; ઘીતેલદૂધપાન વગેરે નહીં ખાઉં, અને એકટાણું કરીશ અથવા ઉપવાસ કરીશ. આમ તે મેલીઘેલી રહેવા લાગી, તેની કાયા શ્યામ પડી ગઈ, દિવસરાત રડ્યા કરતી અને તેને રાતે ઊંઘ ન આવતી. તેની આવી હાલત જોઈને સખીઓએ તેને પૂછ્યું ત્યારે તેણે પોતાના પતિવિરહની વાત કરી, ‘મને મૂકીને તે તીર્થયાત્રા કરવા જતા રહ્યા છે.’ સખીઓએ તેને ધીરજ બંધાવી અને નિરાંતે મોજમજાથી જીવવા સમજાવી. માણસ મરી જાય ત્યારે કોણ ફળ ભોગવે છે અને કોણ જોવા આવે છે? પણ સુકલાએ એ બધી વાતોને વેદવિરુદ્ધ ગણી કાઢી. પતિનો મહિમા સારી રીતે સમજાવ્યો. પતિ વિના યજ્ઞનું ફળ પણ ન મળે. પતિ સંતુષ્ટ હોય તો બધા દેવ પણ પ્રસન્ન. પતિ ન હોય તો શૃંગાર પણ ન થાય. આ વિશે એક પ્રાચીન કથા છે તે સાંભળો.

અયોધ્યામાં મનુપુત્ર ઇક્ષ્વાકુ નામના રાજા અને સદાચારી સુદેવા તેમની પત્ની. બંને યજ્ઞયાગાદિ કરતા. એક દિવસ રાજા રાણીને લઈને શિકારે નીકળ્યા. ઘણાં બધાં પ્રાણીઓનો શિકાર કર્યો. ત્યાં તેમની પાસેથી એક વિશાળ સૂવર પત્ની અને પરિવાર સાથે નીકળ્યો. તેણે રાજાને જોઈને સ્વજનોને કહ્યું, ‘રાજા શિકારે નીકળી બાણ વરસાવે છે. તે પુણ્યશાળી રાજાને જો હું હરાવીશ તો મને અક્ષય કીર્તિ મળશે અને હું મૃત્યુ પામીશ તો મને વિષ્ણુલોક મળશે. પૂર્વજન્મનાં પાપને કારણે મને આ સૂવરનો અવતાર મળ્યો છે તો રાજાનાં બાણથી હું મારાં પાપ ધોઈ નાખીશ. હવે તું આ પરિવારને લઈને કંદરામાં જતી રહે.’ તેની પત્નીએ આમ કરવાની ના પાડી. ‘તમારા તેજથી જ અમે બધાં નિરાંતે જીવીએ છીએ. પતિ વિના અલંકારમંડિત પત્ની પણ શું કરે? તમારા વિના આ પરિવાર ન શોભે. તમારી સાથે હું નરકમાં પણ રહીશ. આપણે બધા પર્વતની ગુફામાં જતા રહીએ. શા માટે મરી જવું? કયો લાભ?’ એટલે સૂવરે તેને વીર લોકોનો ધર્મ સમજાવ્યો. ભયભીત થઈને જે યુદ્ધ ન કરે તે હજાર યુગ સુધી કુંભીપાક નરકમાં રહે. આ રાજા જો મારી સાથે યુદ્ધ કરવા આવ્યા હોય તો મારે એ પડકાર ઝીલી લેવો જોઈએ. તે અતિથિ રૂપે આવ્યા છે અને અતિથિ એટલે વિષ્ણુ. મારે તેમનો સત્કાર યુદ્ધ વડે જ કરવો પડે.’ આ સાંભળી તેની પત્નીએ પણ ત્યાં જ રહીને યુદ્ધ જોવાની ઇચ્છા કરી. પછી તેણે બાળકોને બોલાવી બધી વાત કરી, ‘તમારા પિતા છે ત્યાં સુધી તમે દૂરના પર્વતની ગુફામાં જતા રહો. રાજા બહુ બળવાન છે, બધાને મારી નાખશે.’ પણ માતાપિતાને આપત્તિમાં મૂકીને જતા રહેનાર પુત્રો પાપી છે એવું માનતા પુત્રોએ ના પાડી અને બધા બળવાન અને તેજસ્વી પુત્રો ત્યાં ઊભા રહ્યા. આ બાજુ બહુ મોટો મોરચો લઈને રાજા શિકારે નીકળ્યા અને જ્યાં સૂવરપરિવાર હતો ત્યાં બધા જઈ પહોંચ્યા. મહારાજે વીર સૈનિકોને સૂવરોનો શિકાર કરવાની આજ્ઞા આપી. તરત જ તે સૈનિકો હાકોટા કરતા ત્યાં પહોંચી ગયા અને તીક્ષ્ણ બાણ વડે સૂવરોને વીંધવા લાગ્યા. આ જોઈ સૂવરોનો નેતા પરિવાર સાથે શિકારીઓ પર તૂટી પડ્યો અને તેણે ઘણા શિકારીઓને ભોંયભેગા કરી નાખ્યા, એવી જ રીતે શિકારીઓએ પણ ઘણાં સૂવરોને મારી નાખ્યા, આમ બંને પક્ષે ભારે ખુવારી થઈ. છેવટે બળવાન સૂવર પત્ની અને પાંચસાત પુત્રપૌત્ર સાથે અડીખમ ટકી રહ્યો. ત્યારે તેની પત્નીએ કહ્યું, ‘આપણે આ સંતાનોને લઈને ક્યાંક જતા રહીએ.’ પણ તેણે કહ્યું, ‘બે સિંહની વચ્ચે ઊભા રહીને સૂવર પાણી પી શકે છે પણ બે સૂવરોની વચ્ચે ઊભા રહીને સિંહ પાણી પી શકતો નથી. જો હું ભાગી જઉં તો સૂવર જાતિમાં રહેલા ઉત્તમ બળનો મેં નાશ કર્યો કહેવાય, મારી જાતિની આબરૂ જતી રહે. સામી છાતીએ લડનારની પાછલી પેઢીઓ પણ તરી જાય છે. એને ગંગાસ્નાનનું પુણ્ય મળે છે, એટલે હું નથી જવાનો, હા, તારે જવું હોય તો તું સંતાનોને લઈને જતી રહે.’ પણ પતિના સ્નેહપાશમાં બંધાયેલી પત્નીએ જવાની ના પાડી અને પુત્રો સાથે ત્યાં જ રહી જીવ આપી દેવાની તૈયારી બતાવી. રાજાએ જોયું કે વાદળ અને વીજળીની જેમ આ પતિપત્ની સાથે ગરજી મને યુદ્ધ માટે લલકારે છે. પોતાની બળવાન સેનાનો વિનાશ જોઈને રાજાને બહુ ક્રોધ આવ્યો. ધનુષબાણ લઈને તે આગળ વધ્યા અને એ જ રીતે તે સૂવર પણ આગળ ધસ્યો. રાજાના બાણથી ઘવાઈને સૂવર ઊંચે ઊછળી ઘોડા પર બેઠેલા રાજાને ઓળંગી ગયો અને પોતાની દાઢ વડે ઘોડાને ઘાયલ કર્યો, પણ આખરે તે ભૂમિ પર ઢળી પડ્યો. હવે રાજા એક નાના રથ પર સવાર થયા. સૂવર ભારે ગર્જના કરતો હતો એટલે રાજાએ તેના પર ગદા ઝીંકી, છેવટે મરીને વિષ્ણુલોકમાં ગયો. દેવતાઓએ તેના પર પુષ્પવર્ષા કરી. હવે બધા શિકારીઓ સંતાનોથી વીંટળાયેલી સૂવરી પાસે ગયા, આ ભયાનક યુદ્ધમાં કુટુંબ સમેત પતિને મૃત્યુ પામેલો જોઈ તે દુઃખી થઈ અને તે બોલી, ‘હું ઊભી છું ત્યાં સુધીમાં તમે જતા રહો.’ પણ સૌથી મોટા પુત્રે માને સંકટમાં મૂકીને જતા રહેવાની ના પાડી, વળી નાનાં સંતાનોને લઈને જતા રહેવા કહ્યું. સૂવરીએ ના પાડી, છેવટે તેમણે નાનાં સંતાનોને વિકટ માર્ગે રવાના કર્યાં. ત્યાં આવેલા શિકારીઓનો રસ્તો રોકીને માદીકરો ઊભા રહ્યા. શિકારીઓએ તેમના પર શસ્ત્ર ચલાવ્યાં. પણ સૂવરોએ તેમને કચડી નાખ્યા, તેમનાં શબનો ઢગલો થઈ ગયો. સૂવરને યુદ્ધ કરતો જોઈ રાજાએ અર્ધ ચંદ્રાકાર બાણ વડે સૂવરને વીંધી નાખ્યો. એટલે પુત્રશોકથી સૂવરી તેના શબ પર ચડી બેઠી. પછી સ્વસ્થ થઈને તેણે હુમલો કર્યો અને કેટલાયને મોતને ઘાટ ઉતાર્યા, કેટલાય નાસી ગયા, સૂવરી પોતાના દાંત વડે વિરાટ સેનાને ભગાડવા લાગી. આ જોઈ કાશીનરેશની પુત્રી સુદેવાએ રાજાને કહ્યું, ‘આણે આપણી સેનાનો વિનાશ કર્યો છે અને છતાં તમે એનો વધ કેમ કરતા નથી?’ રાજાએ કહ્યું, ‘આ સ્ત્રી છે, એને મારવાથી પાપ લાગે એટલે નથી હું મારતો કે કોઈને મારવા કહેતો.’ પણ આ દરમિયાન એક શિકારીએ સૂવરીએ કરેલો સંહાર જોયો એટલે એક તીક્ષ્ણ બાણ મારીને તેને વીંધી નાખી. મરતાં મરતાં તેણે પણ કૂદીને તે શિકારીને ભોંયભેગો કરી દીધો. પડતાં પડતાં તેણે તલવારનો ઘા કર્યો. તે ધરતી પર ઢળી પડી અને માંડ માંડ શ્વાસ લેતી હતી. તેને જોઈને રાણી સુદેવાને દયા આવી,પાસે જઈ ઠંડા પાણીનો છંટકાવ કર્યો, હવે તે ભાનમાં આવી અને રાણીને મનુષ્યવાણીમાં કહેવા લાગી, ‘દેવી, તમે જે અભિષેક કર્યો તે બદલ તમારું કલ્યાણ થશે. તમારાં દર્શન અને સ્પર્શથી મારાં બધાં પાપ ધોવાઈ ગયાં.’ પશુના મોઢે આ સંસ્કૃત વાણી સાંભળીને રાણીને બહુ નવાઈ લાગી અને તેણે રાજાને આ વાત કરી. પછી રાણીએ તેનો અને તેના પતિનો પૂર્વજન્મ પૂછ્યો. સૂવરીએ તેના પતિની વાત કરી. ‘મારા પતિ રંગવિદ્યાધર આગલા જનમમાં સંગીતજ્ઞ ગંધર્વ હતા. એક વખત મેરુ પર્વત પર તપોરત પુલસ્ત્ય મુનિ પાસે ગયા અને ગાવા લાગ્યા. તેમનું સંગીત સાંભળી મુનિ વિચલિત થયા અને તેમણે તેને બીજે ક્યાંક જઈને ગાવા કહ્યું, નહીંતર પોતે ત્યાંથી જતા રહેશે. પણ મારા પતિએ તેમનો તિરસ્કાર કર્યો અને બીજે જવાની ના પાડી. છેવટે મુનિ બીજે જતા રહ્યા. થોડા સમય પછી તે ગંધર્વને મુનિ ક્યાં છે તે જાણવાનું મન થયું. એટલે જાણકારી મેળવીને વરાહનું રૂપ લઈ મુનિ જ્યાં હતા ત્યાં ગયા અને બ્રાહ્મણનો તિરસ્કાર કરવા લાગ્યા, ત્યાં કુદરતી હાજતો પણ કરી, પણ મુનિ કશું બોલ્યા નહીં. મારા પતિની ઉદ્ધતાઈ વધતી જ ગઈ, તે ગાતા, હસતા, ચીસ પાડતા. હવે મુનિને સમજ પડી કે આ એ જ ગંધર્વ છે એટલે ક્રોધે ભરાઈ તેમણે શાપ આપ્યો, ‘અરે પાપી, તું સૂવરનું રૂપ લઈ મને હેરાન કરે છે તો હવે તું સૂવર જ થજે. દેવી આ વાત મેં મારા પતિની કહી, હવે મારી વાત સાંભળો. કલંગિપ્રદેશના શ્રીપુર નગરમાં વસુદત્ત નામના સત્યવાદી, વેદપાઠી, ગુણવાન, સુખી બ્રાહ્મણને ત્યાં સુદેવા નામે પુત્રી. સંસારમાં મારા રૂપની તોલે કોઈ આવે નહીં, રૂપ અને યૌવનને કારણે હું છકી ગઈ. મારી માએ મારા પિતાને મારા વિવાહ માટે કહ્યું, એટલે જે મારે ત્યાં ઘરજમાઈ થઈને રહેવા તૈયાર થાય તેની જ સાથે એનું લગ્ન કરું એવો મારા પિતાનો આગ્રહ. પછી એક દિવસ વિદ્યાવાન અને વેદજ્ઞ બ્રાહ્મણ અમારે ત્યાં આવ્યો, તેણે પોતાનું નામ શિવશર્મા બતાવી બધો પરિચય આપ્યો, તેનાં માતાપિતા ન હતાં. મારું લગ્ન તેની સાથે થયું. અભિમાની એવી મેં કદી પતિસેવા કરી ન હતી. વ્યભિચારિણી સ્ત્રીઓના સંગદોષે મારામાં પણ એ દોષ પેઠા. મને મારાં સ્વજનોની પરવા ન હતી, બધાં દુઃખી થયાં, મારાથી કંટાળીને મારા પતિ ઘર છોડીને જતા રહ્યા. દુઃખી મારા પિતાને જોઈને મારી માતાએ સંતાનોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ તેના વિશે વિગતે વાત કરી. પિતાના લાડકોડે જ પુત્રીને બગાડી. લગ્ન પછી માબાપે પુત્રીને પોતાને ઘેર ન રાખતાં સાસરે જ મોકલવી જોઈએ. પછી એક કથા કહી. મથુરા નગરીના ઉગ્રસેન રાજાએ સત્યકેતુ રાજાની પુત્રી પદ્માવતી સાથે લગ્ન કર્યું. રાજા તો પત્ની પાછળ ઘેલા થઈ ગયા. તેને જીવથીય વહાલી ગણતા હતા. થોડા સમય પછી પદ્માવતીના માતાપિતાને તેની યાદ આવી એટલે પુત્રીને પિયર મોકલવા રાજાને વિનંતી કરી. ઉગ્રસેને પત્નીને મોકલી અને તે આનંદિત થઈને સખીઓ સાથે હરવાફરવા લાગી. ફરી તે નાની કન્યા જ બની ગઈ. એક દિવસ તે સખીઓ સાથે સુંદર પર્વત પર ફરવા ગઈ. રમણીય વનમાં એક સુંદર સરોવર જોઈ સખીઓ સાથે જળક્રીડા કરવા તેમાં ઊતરી. તે વખતે કુબેરના એક સેવક ગોભિલે દિવ્ય વિમાનમાંથી સ્નાન કરતી પદ્માવતીને જોઈ, તેણે દિવ્ય જ્ઞાન વડે જાણી લીધું કે તે કોણ છે, પણ તે પતિવ્રતા હોવાને કારણે સુરક્ષિત હતી, એટલે તેણે ઉગ્રસેનનું રૂપ લીધું. અને પર્વતશિખરે બેસીને તાલ, લય અને ઉત્તમ સ્વરવાળું મોહક ગીત ગાવા લાગ્યો. આ ગીત પદ્માવતીએ પણ સાંભળ્યું. કોણ ગાય છે તે જોવા સખીઓ સાથે ગઈ, જોયું તો ઉગ્રસેન જેવું જ કોઈ લાગ્યું. પણ આટલે દૂર કેવી રીતે તે આવ્યા હશે? તેણે પદ્માવતીને બોલાવી અને વિરહ નથી વેઠાતો એમ કહી તે એકાંત સ્થળે લઈ ગયો અને પોતાની વાસના સંતોષી. મહારાજ ઉગ્રસેનના ગુપ્તાંગમાં જે નિશાની હતી તે પદ્માવતીએ ન જોઈ. શંકાશીલ બનેલી તે વસ્ત્ર પહેરીને, ક્રોધે ભરાઈને તે બોલી, ‘કોણ છે તું? તું દાનવ જેવો છે, તેં મારા પતિનું રૂપ લઈને મારા શરીરને દૂષિત કર્યું છે. હવે તને હું શાપ આપીશ.’ પણ ગોભિલે તો તેનો તિરસ્કાર કર્યો અને તે પતિવ્રતા નથી એવો આક્ષેપ કર્યો. ‘તું પિયર આવી જ કેમ? મેં તારા ઉદરમાં બીજ નાખ્યું છે, ત્રણે લોકને ત્રાસ આપે એવા પુત્રને તું જન્મ આપીશ.’ એમ કહીને તે દાનવ ત્યાંથી જતો રહ્યો. તેના ગયા પછી પદ્માવતી દુઃખી થઈને રડવા લાગી, તેનું રુદન સાંભળીને દોડી આવેલી સખીઓને તેણે બધી વાત કરી. સખીઓ તેને પિતાને ત્યાં લઈ ગઈ. માતાપિતા બહુ દુઃખી થયાં અને પુત્રીને તેમણે મથુરા મોકલી દીધી. ઉગ્રસેન તો પદ્માવતીને જોઈને આનંદમાં આવી ગયા. તેનો ગર્ભ મોટો થવા લાગ્યો, તેનું રહસ્ય તો પદ્માવતી જ જાણતી હતી. દસ વર્ષે બાળકનો જન્મ થયો અને તે બળવાન કંસ. પાછળથી શ્રીકૃષ્ણે તેનો વધ કર્યો. આ કથા કહીને માતાએ કહ્યું, પિતાના ઘરમાં રહેતી કન્યા બગડી જાય છે. મારી માતાના કહેવાથી મારા પિતાએ મને ત્યજી દીધી અને મને જ્યાં જવું હોય ત્યાં જવા કહ્યું. હું નીકળી પડી, મને ક્યાંય સુખ મળતું ન હતું. લોકો મને જોતાંવેંત મારો તિરસ્કાર કરતાં હતાં. હું રખડતી રખડતી ગુજરાતના પ્રભાસ પાટણમાં જઈ પહોંચી, હું ભૂખીતરસી હતી, શકોરું લઈને ભીખ માગતી હતી. હું રોગિષ્ઠ બની. એમ ફરતાં ફરતાં હું એક વેદમંત્રોના પઠનવાળા નિવાસમાં જઈ પહોંચી, આ મારા પતિ શિવશર્માનું જ ઘર હતું, ત્યાં જઈને મેં ભિક્ષા માગી. મંગલા નામની તેમની સાક્ષાત લક્ષ્મી જેવી પત્નીને મારા પતિએ મને ભોજન આપવા કહ્યું. તેણે મને મિષ્ટાન્ન આપ્યું. હું મારા પતિને ઓળખી ગઈ, પછી મારા પતિએ મંગલાને મારો સાચો પરિચય આપ્યો. મારા આટલા બધા સમ્માનથી મને બહુ પસ્તાવો થયો અને એમ કરતાં કરતાં મારું હૃદય ફાટી ગયું અને મારો જીવ જતો રહ્યો. પછી તો મને યમદૂતો મને યમરાજ પાસે લઈ ગયા અને તેમણે મને ભારે શિક્ષા કરી, અનેક નરકોમાં ગઈ, અનેક યોનિઓમાં મેં જન્મ લીધો અને છેવટે હું સૂવરી થઈ. તમારા હાથમાં તો અનેક તીર્થોનો વાસ છે, તમારા કારણે મારાં બધાં પાપ ધોવાઈ ગયાં, મને પૂર્વજન્મનું જ્ઞાન થયું. તમારા જેવી પતિવ્રતા બીજી નથી. તમે જો મારું કલ્યાણ કરવા માગતા હો તો મને તમારી એક દિવસની પતિસેવાનું પુણ્ય આપો. તમે જ મારા માતાપિતાગુરુ. મારા જેવી પાપીનો ઉદ્ધાર કરો.’

સૂવરીની આ વાત સાંભળી સુદેવાએ રાજા સામે જોઈને પૂછ્યું, ‘મહારાજ, આ સૂવરી શું કહે છે?’

રાજાએ તેનો ઉદ્ધાર કરવા કહ્યું, એટલે રાણી સુદેવાએ કહ્યું, ‘દેવી, હું તમને મારું એક વરસનું પુણ્ય આપું છું.’ સુદેવાના બોલવા સાથે જ સૂવરીનો દેહ દિવ્ય થયો અને તે વિમાનમાં બેસી અંતરીક્ષમાં જવા માંડી. જતી વખતે તેણે રાણીને માથું નમાવી પ્રણામ કર્યાં અને બોલી, ‘તમારી કૃપાથી હું વૈકુંઠમાં જઈ રહી છું.’

આ દૃષ્ટાંત આપીને સુકલાએ સખીઓને નારીધર્મનો મહિમા સમજાવ્યો. એ સખીઓને પણ આ સાંભળીને આનંદ થયો.

સુકલાના સતીત્વનો પ્રભાવ ઇન્દ્રે પણ જાણ્યો. પછી તે મનોમન બોલ્યા, ‘આના સતીત્વને હું ખતમ કરીશ.’ પછી તેમણે કામદેવને યાદ કર્યા અને તે દેવ રતિ સાથે આવી ગયા. ઇન્દ્રે તેમને સુકલાની વાત કહી અને તેને ભોળવવા કહ્યું. કામદેવ તો મોટા મોટા મુનિવરોને પરાજિત કર્યાનું અભિમાન ધરાવતા હતા, તેમને મન આ સાવ સામાન્ય નારી કશા લેખામાં ન હતી. તેમણે તો સુકલાનું સતીત્વ નષ્ટ કરવાનો નિર્ધાર કરી લીધો. પછી તો દેવરાજ સુકલાને ત્યાં પહોંચીને પોતાનું પ્રદર્શન કરવા લાગ્યા. પણ સુકલા તો કોઈની સામે જોતી ન હતી. ઇન્દ્રે પોતાની દૂતી મોકલી. સુકલાએ પોતાનો પરિચય આપ્યો અને પતિના તીર્થાટનની વાત કરી. એટલે દૂતીએ પત્નીને મૂકીને જનારા પતિની નિંદા કરી. પતિવિરહમાં કાંચન જેવી કાયા શા માટે વેડફી નાખવી? જુવાની હોય ત્યાં સુધી જ ભોગ ભોગવવાના હોય. અહીં એક સુંદર પુરુષ છે અને તે તારી બધી ઇચ્છા પૂરી કરશે.’ આ સાંભળી સુકલા બોલી, ‘આ શરીર તો મળમૂત્રનો ભંડાર છે. પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. સ્ત્રીપુરુષ મળે એટલે તેમને ક્ષણિક સુખ મળે, પણ પછી? તું તારા સ્થાને જતી રહે, હું મારી રીતે જ જીવવાની.’ દૂતીએ ઇન્દ્ર પાસે જઈને બધી વાત કરી. સુકલાની વાણી ધર્મયુક્ત હતી, મનોમન ઇન્દ્ર તેની પ્રશંસા કરવા લાગ્યા. પછી કામદેવ સાથે સુકલાને જોવા જવાની વાત કરી. કામદેવને પોતાના બળ પર અભિમાન હતું. તેમણે તો સુકલાના સતીત્વનો નાશ કરીશ એમ ભારપૂર્વક કહ્યું. ઇન્દ્રે તેને કહ્યું, ‘હું જાણું છું કે તું આ પતિવ્રતાને પરાજિત કરી શકવાનો નથી. તે વિવિધ પુણ્ય કરે છે. છતાં તારાં બળ, પરાક્રમ, તેજ હું જોઈશ.’ એમ કહી ઇન્દ્ર તેની સાથે ગયા, દૂતી, રતિ પણ હતાં. સુકલા ઘેર બેઠી બેઠી પતિનું ધ્યાન ધરતી હતી. ઇન્દ્ર અસામાન્ય તેજ અને સૌંદર્ય સાથે પ્રગટ્યા. પણ સુકલાએ તેમનું કશું સમ્માન ન કર્યું, તે જરાય મોહ ન પામી. તેના તેજમાં સત્ય હતું, તે ઘરમાં જતી રહી. ઇન્દ્રે કામદેવને સુકલાના સતીત્વની વાત કરી અને કહ્યું, ‘આના સતીત્વનો નાશ કરવાથી આપણે અપાર દુઃખ ભોગવીશું. ભૂતકાળમાં મને વ્યભિચાર માટે ગૌતમ ઋષિએ શાપ આપ્યો હતો. અગ્નિજ્વાળાનો સ્પર્શ કોણ કરશે? ગળામાં વજનદાર પથરો બાંધીને કોણ સમુદ્રમાં ડૂબકી મારશે?’ આ સાંભળી કામદેવે કહ્યું, ‘હું તો તમારા કહેવાથી અહીં આવ્યો હતો, હવે તમે પૌરુષહીનતા અને કાયરતાની વાત કરો છો. ભૂતકાળમાં મેં જેમને પરાજિત કર્યા છે તે મારી મજાક ઉડાવશે. મને બીકણ ગણશે અને એક સ્ત્રીથી હારી ગયો એમ કહેશે. એટલે હું તો એ સતીનાં તેજ, બળને ફૂંકી મારીશ. તમે ડરો છો કેમ?’ ઇન્દ્રને આમ સમજાવી કામદેવે પોતાની સખી ક્રીડાને માયા સર્જીને સુકલા પાસે જવા કહ્યું. પ્રીતિને પણ મદદરૂપ થવા કહ્યું. પછી તે ઇન્દ્ર સાથે નીકળ્યો. ઇન્દ્ર અને કામદેવ જ્યારે નીકળ્યા ત્યારે સત્યે ધર્મને કહ્યું, ‘કામદેવ જે કરી રહ્યો છે તેના પર જરા દૃષ્ટિપાત કરો. મેં તમારા, મારા પુણ્ય માટે જે સ્થાન ઊભું કર્યું છે તેને કામદેવ નષ્ટ કરવા માગે છે. સદાચારી પતિ, પતિવ્રતા સ્ત્રી અને તપસ્વી બ્રાહ્મણ — આ ત્રણ આપણાં નિવાસસ્થાન છે. શ્રદ્ધા, પુણ્ય, પ્રેમ, પ્રજ્ઞા, નિર્લોભ, ક્ષમા અહીં છે. કામ આજે બધું ભસ્મ કરવા બેઠો છે. ઇન્દ્ર ફરી આજે કામદેવની સાથે ધર્મચારિણી સુકલાનું સતીત્વ નષ્ટ કરવા માગે છે.’ ધર્મે કહ્યું, ‘હું કામનું તેજ ઓછું કરી નાખીશ. મેં એક ઉપાય શોધી કાઢ્યો છે, એથી કામ ભાગી જશે. આ મહાપ્રજ્ઞા પંખિણીનું રૂપ લઈ સુકલાને ઘેર જઈ તેના પતિના આગમનના સમાચાર આપે.’ ધર્મે પ્રજ્ઞાને મોકલી એટલે તેણે સુકલાને ઘેર જઈ આ શુભ સમાચાર સંભળાવ્યા. સુકલાએ તેને ધૂપ-ગંધથી આવકારી, પછી જ્ઞાની બ્રાહ્મણને બોલાવી આ શુકનનો અર્થ પૂછ્યો ત્યારે તેણે સાત દિવસમાં સુકલાના પતિનું આગમન થશે એમ કહ્યું. હવે કામદેવે મોકલેલી ક્રીડા સતીનું રૂપ લઈ પતિવ્રતાને ઘેર ગઈ. સુકલાએ તેને આવકારી. તેણે પોતાની માયાવી મોહકારક વાણીમાં કહ્યું, ‘દેવી, મારા પુણ્યશાળી, ધીર, ગુણવાન પતિ મને મૂકીને ક્યાંક ચાલ્યા ગયા છે. એ મારા પૂર્વજન્મના કર્મનું ફળ. શાસ્ત્રો પ્રમાણે તો પત્ની માટે પતિ જ સર્વસ્વ.’ પતિવ્રતા સુકલાએ ક્રીડાની વાતો સાંભળી. તેને ક્રીડાની વાતો સાચી લાગી. પછી એક દિવસ તેણે સુકલાને કહ્યું, ‘જો સામે સુંદર વન દેખાય છે, ત્યાં એક પાપનાશક તીર્થ છે, ચાલો ત્યાં જઈએ.’ આ સાંભળી સુકલા તેની સાથે જવા તૈયાર થઈ. વનમાં તો જાણે નંદનવનની શોભા ઊતરી આવી હતી. વસંતે સુકલાને મોહ પમાડવા ઉપવનની શોભા વધારી દીધી હતી. ક્રીડા સાથે ભમીભમીને અનેક દિવ્ય લીલા જોઈ. ઇન્દ્ર બધા ભોગવિલાસના સ્વામી હોવા છતાં કામક્રીડા માટે વ્યગ્ર હતા. તેમણે કામદેવને કહ્યું, ‘લે, આ સુકલા પણ આવી ગઈ છે, આ સતી પર પ્રહાર કર.’ કામદેવે તેમને પોતાનું દિવ્ય રૂપ પ્રગટ કરવા કહ્યું, ‘પછી હું એક એક કરીને મારાં પાંચ બાણ છોડું. મહાદેવે મારું રૂપ તો પહેલેથી છિનવી લીધું છે. હું અનંગ છું. હું જ્યારે કોઈ નારી પર બાણ છોડું છું ત્યારે પુરુષ શરીરનો આશ્રય લઉં છું. પુરુષ જ્યારે પહેલી વખત કોઈ સુંદરીને જુએ છે ત્યારે હું તેના શરીરમાં પ્રવેશીને તેને પ્રમત્ત બનાવી મૂકું છું. સ્મરણથી મારો જન્મ થાય છે.’ આમ કહી કામદેવ ઇન્દ્રના શરીરમાં પ્રવેશ્યો. સુકલાને ભ્રષ્ટ કરવા હાથમાં બાણ લઈ યોગ્ય અવસરની રાહ જોવા લાગ્યો. ક્રીડાની સાથે ગયેલી સુકલાએ સુંદર, દિવ્ય વન વિશે પૂછ્યું. ક્રીડા બોલી, ‘આ દિવ્ય વન કામદેવનું છું. તું નિરાંતે તે જો.’ દુષ્ટ કામદેવનો આ પ્રયાસ જોઈ સુકલાએ પુષ્પોની સુવાસ ન લીધી. કોઈ રસપાન ન કર્યું, વસંત લજ્જિત થયો. પ્રીતિને સાથે લાવેલી રતિ સુકલાને કહેવા લાગી, ‘ભદ્રા, તારું સ્વાગત. તું રતિપતિ સાથે રમણ કર.’ એટલે સુકલા બોલી, ‘જ્યાં મારા પતિ ત્યાં હું.’ બંને લજ્જિત થઈ. કામ પાસે જઈને તેમણે કહ્યું, ‘આ નારીને જીતવી અશક્ય છે.’ કામદેવે કહ્યું, ‘જ્યારે તે ઇન્દ્રના આ રૂપને જોશે ત્યારે હું એને ઘાયલ કરીશ.’ પછી દેવરાજ ઇન્દ્ર પરમ સુંદર રૂપ ધરીને રતિની પાછળ પાછળ ચાલ્યા. તેમની ચાલમાં વિલાસ હતો. સુકલા પાસે આવીને તે બોલ્યા, ‘મેં તારી આગળ દૂતી મોકલી હતી, પછી પ્રીતિ મોકલી, તું મારી પ્રાર્થના સ્વીકારતી કેમ નથી? હું તારી પાસે આવ્યો છું, તું મને સ્વીકાર.’ સુકલાએ કહ્યું, ‘મારા સ્વામીના પુત્રો મારી રક્ષા કરે છે. મને કશાનો ભય નથી. અનેક શૂરવીર પુરુષો મારી રક્ષા કરવા તૈયાર છે. મારી આંખો ખુલ્લી રાખી હું પતિમાં જ મગ્ન રહું છું. તમે કોણ છો? મૃત્યુની પરવા કર્યા વિના અહીં આવ્યા છો.’ ઇન્દ્રે કહ્યું, ‘તું તારા સ્વામીના જે પુત્રોની વાત કરે છે તેમને મારી સામે પ્રગટ કર.’ સુકલાએ કહ્યું, ‘ઇન્દ્રિયસંયમના ગુણ વડે ધર્મ મારી રક્ષા કરે છે. શાંતિ અને ક્ષમાની સાથે મહાબળવાન અને યશસ્વી સત્ય મારી સામે છે. ધર્મ મારો રક્ષક છે. તમે મને બળજબરીથી શા માટે મેળવવા માગો છો, દૂતી સાથે અહીં નિર્ભય બનીને આવી ગયા છો? સત્ય, ધર્મ, પુણ્ય, જ્ઞાન જેવા બળવાન પુત્રો મારા અને મારા પતિના મદદનીશો છે. હું નિત્ય સુરક્ષિત છું. શચીપતિ ઇન્દ્રમાં પણ મને પરાજિત કરવાની શક્તિ નથી. મહાપરાક્રમી કામદેવ આવે તો પણ મને પરવા નથી. સતીત્વનું કવચ મને સદા વીંટળાયેલું જ રહે છે. મારા પર એવા બાણની કોઈ અસર નહીં થાય. ધર્મ તમને મારી નાખશે. દૂર હટો અહીંથી. ના પાડવા છતાં અહીં ઊભા રહેશો તો બળીને ભસ્મ થઈ જશો. મારા પતિની ગેરહાજરીમાં જો મારા શરીર પર કુદૃષ્ટિ કરતા રહેશો તો જેવી રીતે અગ્નિ સૂકા કાષ્ઠને સળગાવી મૂકે છે તેવી રીતે હું તમને ભસ્મ કરી નાખીશ.’ સુકલાની આવી વાત સાંભળીને ડરી ગયેલા ઇન્દ્ર અને કામદેવ તથા બીજાં આવ્યાં હતાં તેવાં ચાલ્યાં ગયાં. પછી સુકલા પતિનું ધ્યાન ધરતી ધરતી પોતાને ઘેર આવી.

બધાં તીર્થોની યાત્રા પૂરી કરીને આવેલા કૃકલ સામે એક દિવ્ય પુરુષ તેમના પૂર્વજોને બાંધીને પ્રગટ થયો અને તેણે કહ્યું, ‘તારી તીર્થયાત્રા નિષ્ફળ ગઈ. તું અત્યંત ગુણવાન પત્નીને મૂકીને યાત્રા કરવા ગયો એટલે તે યાત્રાનો કશો અર્થ ન રહ્યો. જેને ત્યાં આવી પત્ની હોય ત્યાં નિત્ય દેવતા વસે છે. સત્ય અને પુણ્યવાળું ગૃહસ્થનું ઘર ઉત્તમ તીર્થ છે. સંસારસાગર પાર કરવા પત્ની જેવું કશું નથી. શ્રાદ્ધ કરતી વખતે તેં પત્નીને સાથે નથી રાખી એટલે તું ચોર કહેવાય. હવે તું ઘેર જઈને તેના હાથે શ્રાદ્ધ કર, તો જ તારી તીર્થયાત્રા સફળ થશે.’ (ભૂમિખંડ)

સુનીથાની કથા

પ્રાચીન કાળમાં મૃત્યુને ત્યાં એક સુનીથા નામની ભાગ્યશાળી કન્યાનો જન્મ થયો. પિતાનું જોઈજોઈને તે બધાં કામ કરતી અને રમતગમતમાં લીન રહેતી. એક દિવસ સુનીથા સખીઓ સાથે એક વનમાં ગઈ અને ત્યાં તેના કાને એક ગીત પડ્યું. પાસે જઈને જોયું તો સુશંખ નામનો ગંધર્વકુમાર તપ કરતો હતો. તે બહુ સુંદર હતો. બધાં અંગ સપ્રમાણ હતાં. તે દરરોજ ત્યાં જઈને તેને સતાવવા લાગી. તે દરરોજ તેના અપરાધો પર ધ્યાન આપતો ન હતો, તે માત્ર તેને ત્યાંથી જતા રહેવાનું કહેતો હતો. આવું સાંભળીને સુનીથા વધુ ગુસ્સે થતી અને તેને મારવા લાગતી. એક દિવસ તેનાથી રહેવાયું નહીં અને પછી સ્વસ્થ થઈને તેણે કહ્યું, ‘સજ્જનો માર ખાઈ લે છે, સામે કશું કરતા નથી, કોઈ ગાળો દે તો પણ ક્રોધ કરતા નથી.’ પછી તો તે જતો રહ્યો. સુનીથાએ પોતાના પિતાને આ બધી વાત કરી, અને ગંધર્વે જે કહ્યું હતું તે કહીને તેનો મર્મ પૂછ્યો. તેના પિતાએ કશો ઉત્તર ન આપ્યો. સુનીથા ફરી વનમાં ગઈ, અને જોયું તો સુશંખ તપોરત હતો. સુનીથાએ તેને કોરડા ફટકારવા માંડ્યા હવે તે પોતાનો ક્રોધ કાબૂમાં રાખી ન શક્યો. ‘સુનીથા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશીશ ત્યારે તારા પેટે એક દુષ્ટ પુત્રનો જન્મ થશે, તે દેવતાઓની અને બ્રાહ્મણોની નિંદા કરશે અને પાપી બનશે.’ આમ કહીને તે તો તપ કરવા બેસી ગયો. સુનીથાએ ઘેર આવીને પિતાને બધી વાત કરી. તેમણે પુત્રીને બહુ ઠપકો આપ્યો. એક સમયે મુનિ અત્રિના પુત્ર રાજા અંગે નંદનવનમાં જઈને ગંધર્વ, અપ્સરા અને કિન્નરોની સાથે દેવરાજ ઇન્દ્રનાં દર્શન કર્યાં. ઇન્દ્રનો વૈભવ જોઈને તેમને થયું, ‘મને ઇન્દ્ર જેવો પુત્ર ક્યારે મળશે?’ પછી ખિન્ન થઈને તેમણે પિતા અત્રિને વાત કરી. અત્રિએ કહ્યું, ‘તપ કરવાથી પ્રસન્ન થયેલા વિષ્ણુ બધું આપે છે. એટલે તું તેમની આરાધના કર.’ તેમની વાત સાંભળીને અંગ મેરુ પર્વત પર ચાલ્યા ગયા. કામક્રોધનો ત્યાગ કરીને ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. તે બધે જ વિષ્ણુનું દર્શન કરતા હતા. એમ કરતાં કરતાં સો વર્ષ વીતી ગયાં. દુર્બળ થઈ ગયા હોવા છતાં તેમનામાં તેજ હતું. પછી ભગવાન પ્રગટ થયા. ભગવાનની સ્તુતિ કરીને ઇન્દ્ર જેવો પુત્ર માગ્યો. ભગવાને વરદાન આપ્યું. આ બાજુ મૃત્યુએ સુનીથાને બહુ સમજાવી અને ભગવાનનું ધ્યાન ધરવા કહ્યું. તે પિતાને પ્રણામ કરીને વનમાં જતી રહી અને તપ કરવા માંડ્યું. એક દિવસ તેની સખીઓ ત્યાં આવી ચઢી અને ચંતાિ ત્યજીને સુખ માણવા સમજાવી. પછી તેણે પોતાની કથા કહી. સખીઓએ તેનાં બહુ વખાણ કર્યાં. ‘તને કેવી રીતે પતિ મળી શકે તે ઉપાય અમે જાણીએ છીએ એટલે હવે તું ચંતાિમુક્ત થઈ જા. પુરુષોને મોહ પમાડનારી વિદ્યા અમે તને આપીશું.’ આમ કહીને તેમણે સુનીથાને તે વિદ્યા આપી. ‘હવે તારે જેને મોહિત કરવો હોય તેને તું મોહિત કરી શકીશ.’ સુનીથાએ તે વિદ્યા સિદ્ધ કરી અને તે સખીઓ સાથે ભમવા માંડી. એક દિવસ તેણે ગંગાકિનારે એક તેજસ્વી બ્રાહ્મણને જોયો, સખી રંભાને પૂછવાથી જાણવા મળ્યું કે ‘તે મહાત્મા અત્રિના પુત્ર અંગ હતા. ઇન્દ્રનો વૈભવ જોઈને તેમને પણ એવો વૈભવ પામવાનું મન થયું અને એવો પુત્ર ભગવાન પાસે માગ્યો. ભગવાને તે વરદાન આપ્યું. હવે તે પવિત્ર કન્યાની શોધમાં છે. તેમને તારા જેવી જ સુંદર કન્યા જોઈએ છે. તું તેમની સાથે લગ્ન કર એટલે તને એવો પુત્ર મળશે.’ સુનીથાએ તેની વાત માની લીધી. ‘પેલી વિદ્યા વડે હું એને મોહમાં નાખીશ.’ રંભાએ તેને સહાય કરવાનું વચન આપ્યું. વિશાળ નેત્રવાળી સુનીથા યુવાન હતી, અસામાન્ય રૂપ હતું. તે ત્રણે લોકને મોહિત કરવા બેઠી. ઝૂલા પર બેસીને તે વીણાવાદન કરવા લાગી. તે સમયે અંગ મહર્ષિ પોતાની પવિત્ર ગુફામાં ધ્યાનમગ્ન હતા. ઉત્તમ સૂર, તાલવાળું સંગીત સાંભળીને તે મોહ પામ્યા. બહાર જઈને જોયું તો વીણાધારિણી કોઈ યુવતી ગાઈ રહી હતી. અંગ તેનાં રૂપ અને સંગીત પર વારી ગયા. મોહ પામીને તેમણે સુનીથા પાસે જઈને પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે, કોની પુત્રી છે? અહીં સખીઓ સાથે આવીને શું કરે છે? તને અહીં કોણે મોકલી છે?’ અંગની વાતનો તેણે કશો પ્રતિભાવ ન આપ્યો. તેણે રંભા સામે જોયું. રંભાએ સંકેત વડે સુનીથાને સમજાવી દીધું અને પછી તે પોતે જ બ્રાહ્મણ પાસે જઈને નમ્રતાથી બોલી, ‘આ મૃત્યુની કન્યા સુનીથા છે. તે પોતાના માટે ધર્માત્મા, તપસ્વી, જિતેન્દ્રિય, બુદ્ધિશાળી અને વેદજ્ઞ પતિની શોધમાં છે.’ આ સાંભળીને અપ્સરાઓમાં ઉત્તમ એવી રંભાને અંગે કહ્યું, ‘મેં ભગવાન શ્રીહરિની આરાધના કરી છે અને તેમણે મને પુત્રનું વરદાન આપ્યું છે. આ વરદાનને સફળ કરવા હું કોઈ પુણ્યશાળી કન્યાની શોધમાં છું, પણ મને એવી મંગલમય કન્યા મળી નથી. હવે જો આ કન્યા પણ પતિની શોધમાં હોય તો તે મને અપનાવે. તેને મેળવવા હું કોઈ અદેય વસ્તુ પણ આપી શકું છું. રંભાએ કહ્યું, ‘તમારે આ જ રીતે તેને મનગમતી વસ્તુ આપવી જોઈએ. તે સદા માટે તમારી ધર્મપત્ની થવાની એટલે તમારે કદી તેનો ત્યાગ નહીં કરવો. તેના ગુણદોષ પર ધ્યાન ન આપતા. તમે મને પ્રતીતિ કરાવો. સત્યની પ્રતીતિ કરાવતો તમારો હાથ તેના હાથમાં મૂકો.’ અંગે રંભાની વાત માનીને પોતાનો હાથ સુનીથાના હાથમાં મૂક્યો. આમ સત્યની પ્રતીતિ કરાવતો સંબંધ સ્વીકારી અંગે સુનીથાને ગાંધર્વવિવાહની રીતે સ્વીકારી. અંગના હાથમાં સુનીથાને સોંપી રંભાને બહુ આનંદ થયો. તે સખીની આજ્ઞા લઈને પોતાને ઘેર ગઈ, બીજી સખીઓ પણ પોતપોતાને ઘેર પ્રસન્ન થઈને ગઈ. બધાં ગયાં એટલે અંગ પત્ની સાથે વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી સુનીથાએ એક સર્વગુણસંપન્ન પુત્રને જન્મ આપ્યો. વેદ, ધનુર્વેદ ભણીને તે બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયો. અંગપુત્ર વેન સજ્જનોનો આચાર પાળીને ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો. વૈવસ્વત મન્વંતરના આગમનની સાથે પ્રજા રાજા વિના દુઃખી થવા લાગી ત્યારે બધાએ વેનમાં સુલક્ષણો જોઈને તેને રાજા બનાવ્યો, પછી બધા ઋષિઓ પોતપોતાના આશ્રમોમાં જતા રહ્યા. પ્રજા સુખી હતી, ધામિર્ક હતી. એક વખત રાજદરબારમાં કોઈ પુરુષ છદ્મવેશે આવ્યો. તેનું શરીર વિશાળ હતું, બગલમાં મોરપીંછનું ઝાડુ હતું, એક હાથમાં નારિયેળનું કમંડળ હતું. તે વેદવિરુદ્ધ વાણી બોલતો હતો. તેને જોઈ વેન રાજાએ પૂછ્યું, ‘તમે કોણ છો અને આવો વેશ કેમ?’ તેણે કહ્યું, ‘તમે જે રીતે ધર્મ અનુસાર રાજ્ય ચલાવો છો તે વ્યર્થ છે. હું જ્ઞાન છું, હું જ સત્ય છું, હું જ સનાતન ધર્મ છું. સત્ય અને ધર્મ મારી કાયા છે. જ્ઞાની યોગી મારા સ્વરૂપને પૂજે છે.’ રાજાએ જ્યારે તેના ધર્મ વિશે પૂછ્યું ત્યારે તે બોલ્યો, ‘મારું દર્શન જૈન છે. મારી દૃષ્ટિએ યજ્ઞ, વેદાભ્યાસ, સંધ્યાપૂજા, તપસ્યા, દાન, હવ્યકવ્ય, પિતૃતર્પણ, અતિથિસત્કાર, બલિ વગેરે નથી. દાનકર્મનો કશો અર્થ નથી. તીર્થમહિમા નથી. માતાપિતાને પણ પગે લાગવું ન જોઈએ. અને આમ રાજાને સમજાવીપટાવી પોતાના મતનો કરી દીધો અને વેનના મનમાં પાપબુદ્ધિ જાગી. (ભૂમિખંડ)
(આના અનુસંધાનમાં જુઓ હરિવંશની કથા)

નરોત્તમ બ્રાહ્મણની કથા

નરોત્તમ નામનો બ્રાહ્મણ માતાપિતાનો અનાદર કરીને તીર્થયાત્રા કરવા નીકળી પડ્યો. બધાં તીર્થોમાં તેનાં વસ્ત્ર આકાશમાં સુકાતાં હતાં. એને કારણે તે અહંકારી થઈ ગયો. મારા જેવો પુણ્યાત્મા, યશસ્વી બીજું કોઈ નથી એમ તે માનવા લાગ્યો. એક દિવસ તે આકાશમાં ઊંચે જોઈને આમ બોલી રહ્યો હતો ત્યારે એક બગલો તેના મોંમાં ચરક્યો. બ્રાહ્મણે ક્રોધે ભરાઈને શાપ આપ્યો એટલે તે બગલો ભસ્મ થઈ ગયો. તેની સાથે તેના મનમાં મોહ પ્રગટ્યો. એને કારણે હવે તેનાં વસ્ત્ર આકાશમાં અધ્ધર સુકાતાં બંધ થઈ ગયાં. એટલે તેને દુઃખ થયું. તે સમયે આકાશવાણીએ તેને કહ્યું, ‘બ્રાહ્મણ, તું મૂક ચાંડાલને ત્યાં જા, ત્યાં તને ધર્મજ્ઞાન થશે, તેની વાતોથી તારું કલ્યાણ થશે.’ આ સાંભળીને નરોત્તમ મૂક ચાંડાળને ત્યાં ગયો, અને જોયું તો તે ચાંડાળ માતાપિતાની સેવામાં રોકાયેલો હતો. શિયાળામાં તે માબાપને નહાવા પાણી ગરમ કરી આપતો, શરીરે તેલ ચોળી આપતો, તાપણી કરવા સગડી સળગાવતો, ભોજન પછી પાન ખવડાવતો, સરસ કપડાં પહેરાવતો, આ ઉપરાંત પણ ઘણું ઘણું કરતો; ઉનાળામાં વીંઝણો ઢોળતો, તેમની સેવા કર્યા પછી તે ભોજન કરતો. માતાપિતાને કોઈ વાતે દુઃખ ન થાય તેનું તે ધ્યાન રાખતો. આ પુણ્યકર્મને કારણે તેનું ઘર આકાશમાં અધ્ધર રહેતું હતુું. ઘરમાં શ્રીહરિ બ્રાહ્મણના વેશે ક્રીડા કરતા હતા. આ બધું જોઈને નરોત્તમને અચરજ થયું. તેણે મૂક ચાંડાળને પોતાની પાસે બોલાવ્યો. મૂક ચાંડાળે તેને કહ્યું, ‘અત્યારે હું માતાપિતાની સેવા કરી રહ્યો છું એટલે તમારી પાસે આવી શકતો નથી. પરવારીને હું આવીશ, ત્યાં સુધી તમે દરવાજે ઊભા રહો.’ આ સાંભળી નરોત્તમ તો રાતોપીળો થઈ ગયો અને બોલ્યો, ‘બ્રાહ્મણની સેવા સિવાય તમારે માટે કયું કાર્ય મહાન હોઈ શકે?’ ચાંડાળે કહ્યું, ‘તમે નિરર્થક ક્રોધ કરો છો. તમારો ક્રોધ બગલાને જ અસર કરી શકે. બીજા પર નહીં. તમે આકાશવાણી સાંભળીને મારા ઘરે આવ્યા છો, થોડી રાહ જુઓ, નહીંતર પતિવ્રતા સ્ત્રી પાસે જાઓ.’ એટલે ચાંડાળના ઘરમાં રહેતા બ્રાહ્મણવેશધારી વિષ્ણુભગવાને કહ્યું, ‘ચાલો, હું એ પતિવ્રતા સ્ત્રી પાસે જઉં છું.’ નરોત્તમ તેમની સાથે નીકળ્યો. તેણે રસ્તામાં ભગવાનને પૂછ્યું, ‘સ્ત્રીઓવાળા આ ચાંડાળના ઘરમાં તમે કેમ રહો છો?’ ભગવાને કહ્યું, ‘અત્યારે તમારું હૃદય શુદ્ધ નથી. પહેલાં આ પતિવ્રતાને મળો પછી જ તમને બધું સમજાશે.’ નરોત્તમે પૂછ્યું, ‘આ પતિવ્રતા કોણ છે? તેનું શાસ્ત્રજ્ઞાન કેટલું છે? હું તેને ઘેર શા માટે જઈ રહ્યો છું?’ ભગવાને ઉત્તર આપ્યો, ‘નદીઓમાં ગંગા, દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને સ્ત્રીઓમાં આ પતિવ્રતા શ્રેષ્ઠ છે. જે પ્રતિદિન પતિનું હિત જુએ છે તે પિતૃકુળની અને પતિકુળની સો સો પેઢીઓનો ઉદ્ધાર કરે છે.’ નરોત્તમે પતિવ્રતાના ધર્મ વિશે પૂછ્યું એટલે ભગવાને બહુ વિગતે એ વિશે કહ્યું. પછી ભગવાન અંતર્ધાન થઈ ગયા, તે જોઈને તેને અચરજ થયું. પતિવ્રતાને ઘેર જઈને તેણે પૂછ્યું, એટલે તે સ્ત્રી દરવાજે ઊભી રહી ગઈ, નરોત્તમે તેને કહ્યું, ‘દેવી, મારા હિતની થોડી વાત કરો.’ તે સ્ત્રીએ કહ્યું, ‘અત્યારે હું પતિસેવામાં રોકાયેલી છું, હું તમારું કાર્ય પછી કરીશ. અત્યારે મારું આતિથ્ય ગ્રહણ કરો.’ તે બોલ્યો, ‘અત્યારે મને ભૂખતરસ નથી, થાક પણ નથી. મારી સાથે વાત કરો, નહીંતર હું તમને શાપ આપીશ.’ આ સાંભળી પતિવ્રતા સ્ત્રી બોલી, ‘વિપ્રવર્ય, હું બગલો નથી. તમે ધર્મતુલાધાર પાસે જાઓ અને તેમની પાસેથી જ તમારા હિતની વાત જાણો.’ આમ કહીને તે તો ઘરમાં જતી રહી. હવે ત્યાં પણ નરોત્તમે ચાંડાળના ઘરની જેમ પેલા બ્રાહ્મણને ઊભેલા જોયા. તેને બહુ નવાઈ લાગી અને તે તેમની પાસે ગયો. ઘરમાં પતિવ્રતા અને બ્રાહ્મણ બંનેને જોયાં, તેમને જોઈને નરોત્તમે પૂછ્યું, ‘દૂર દૂર જે ઘટના બની હતી તે ચાંડાળે પણ કહી અને આ પતિવ્રતાએ પણ કહી. તેમને કેવી રીતે ખબર પડી, મને નવાઈ લાગે છે, આનાથી વધારે નવાઈની વાત બીજી શી હોઈ શકે?’ ભગવાને કહ્યું, ‘મહાત્માઓ પુણ્ય અને સદાચારને કારણે બધું જાણી લેતા હોય છે. અત્યારે તમને પતિવ્રતાએ શું કહ્યું?’ નરોત્તમે કહ્યું, ‘તે તો મને તુલાધાર પાસે જવા કહે છે.’ ભગવાન બોલ્યા, ‘ચાલો, હું તેને ત્યાં જઉં છું.’ એમ કહીને તે તો ચાલવા લાગ્યા. બ્રાહ્મણે પૂછ્યું, ‘તુલાધાર ક્યાં રહે છે?’ ભગવાને કહ્યું, ‘જ્યાં માણસોની ભીડ હોય છે અને જ્યાં જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ વેચાય છે ત્યાં તુલાધાર ક્રયવિક્રય કરે છે. તેણે કદી મન, વચન કે કર્મથી કોઈનું ખરાબ કર્યું નથી, દુષ્ટતા આચરી નથી, તે અસત્ય બોલ્યો નથી, બધા લોકોના હિતમાં તે કામ કરે છે. બધાં પ્રાણીઓ પ્રત્યે સમાન ભાવ રાખે છે, ધૂળ-પથ્થર-સોનાને સરખાં ગણે છે. લોકો જવ, મીઠું, તેલ, ઘી, અનાજ, અને બીજી વસ્તુઓ તેના બોલ પર જ ખરીદે-વેચે છે. મૃત્યુ સામે હોય તો પણ તે અસત્ય બોલતો નથી, એટલે જ બધા તેને ધર્મ-તુલાધાર કહે છે.’ ભગવાને આવું કહ્યું, પછી તેણે તુલાધારને જોયો. તે વિક્રયના સંદર્ભે વાત કરતો હતો. ઘણાં સ્ત્રીપુરુષો તેને ઘેરીને ઊભાં હતાં. નરોત્તમને જોઈને તે બોલ્યો, ‘હે બ્રાહ્મણ, કેમ આવવું થયું?’ તે બોલ્યો, ‘હું તમારી પાસેથી ધર્મ જાણવા આવ્યો છું.’ તુલાધારે કહ્યું, ‘આ લોકો મારી આજુબાજુ હશે ત્યાં સુધી હું નિશ્ચંતિ થઈ નહીં શકું. રાતના પહેલા પહોર સુધી આમ જ રહેવાનું. એટલે મારી વાત માનીને તમે ધર્મધારક પાસે જાઓ. બગલાના મૃત્યુથી થનાર દોષ અને આકાશમાં વસ્ત્ર સુકાતાં હતાં તેનું રહસ્ય તમને સમજાશે. ધર્મધારકનું નામ અદ્રોહક છે. તે સજ્જન પાસે જાઓ. તેમના ઉપદેશથી તમારે જે જાણવું છે તે જાણી શકાશે.’ આમ કહીને તે તો ક્રયવિક્રયમાં ડૂબી ગયો. નરોત્તમે પેલા બ્રાહ્મણને કહ્યું, ‘હવે તુલાધાર કહે છે તે પ્રમાણે હું અદ્રોહક પાસે જઈશ. પણ મને તેના ઘરની ખબર નથી.’ ભગવાને કહ્યું, ‘ચાલો, હું તેના ઘરે લઈ જઉં.’ રસ્તામાં નરોત્તમે ભગવાનને પૂછ્યું, ‘આ તુલાધાર દેવતાઓ, ઋષિઓ કે પિતૃઓનું તર્પણ તો કરતો નથી. પછી દૂર દૂર બનેલી ઘટના તે કેવી રીતે જાણે છે? મને બહુ નવાઈ લાગે છે. મને એનું કારણ કહો.’ ભગવાને કહ્યું, ‘ભાઈ, તેણે સત્ય અને સમતાથી ત્રણે લોક જીતી લીધા છે. એટલે દેવતા, ઋષિઓ અને પિતૃઓ સંતુષ્ટ રહે છે. આ જ કારણે તે ભૂતભવિષ્ય જાણે છે. સત્યથી મોટો કોઈ ધર્મ નથી અને અસત્યથી મોટું કોઈ પાપ નથી. જે પાપમુક્ત છે, જે સમભાવી છે, જે શત્રુ, મિત્ર અને તટસ્થ પ્રત્યે સમાન વ્યવહાર કરે છે તેનાં બધાં પાપ નાશ પામે છે.’ હવે નરોત્તમને અદ્રોહક વિશે જાણવાનું મન થયું એટલે તેણે એ વિશે પૂછ્યું ભગવાને કહ્યું, ‘પ્રાચીન કાળની વાત છે. એક રાજપુત્રની પત્ની ખૂબ જ સુંદર અને યુવાન હતી. કામદેવની પત્ની રતિ અને ઇન્દ્રની પત્ની શચી જેવી મનહર હતી. રાજકુમાર તેને બહુ ચાહતો હતો, તેનું નામ પણ સુંદરી હતું. એક દિવસ રાજકુમારને કોઈક કારણસર બહાર જવાનું થયું. એટલે તેણે મનમાં વિચાર્યું, ‘હું મારા પ્રાણથીય વહાલી પત્નીને ક્યાં મૂકીને જઉં તો તેના સતીત્વની રક્ષા થઈ શકે?’ આ વિશે તે બહુ વિચાર કરીને તે અદ્રોહકને ઘેર ગયો અને ત્યાં તેની પત્નીની સાચવણી કરવા કહ્યું. અદ્રોહકને તો નવાઈ લાગી. તેમણે કહ્યું, ‘હું નથી તમારો પિતા, નથી ભાઈ, નથી બાંધવ, તમારી પત્નીના પિયરનો સંબંધી પણ નથી, તો પછી તમે મારા ઘરમાં તેને કેમ મૂકી જવા માગો છો?’ રાજકુમારે કહ્યું, ‘આ સંસારમાં તમારા જેવો ધર્મજ્ઞ અને જિતેન્દ્રિય પુરુષ બીજો કોઈ નથી.’ આ સાંભળીને અદ્રોહક બોલ્યા, ‘ભાઈ, મને દોષ ન આપતા. આ ત્રિભુવનમોહિની પત્નીની રક્ષા કરવા કયો પુરુષ સમર્થ હોય?’ રાજપુત્રે કહ્યું, ‘એ બધી વાતોનો સારી રીતે વિચાર કરીને જ હું તમારે ઘેર આવ્યો છું. હવે હું જઉં છું.’ રાજપુત્રની વાત સાંભળીને તે બોલ્યા, ‘આ સુંદર નગરમાં કામી બહુ પુરુષો રહે છે. અહીં કોઈ સ્ત્રીના સતીત્વની રક્ષા થાય કેવી રીતે?’ ‘જે રીતે રક્ષા થાય તે રીતે કરજો, હવે હું તો જઉં છું.’ ‘હું આની સાથે ઉચિત અને હિતકારક વર્તાવ કરીશ. એ જ અવસ્થામાં તે સદા મારે ત્યાં રહી શકશે. બીજો કોઈ ઉપાય હોય તો મને કહો. તેણે મારી શય્યા પર મારી પત્નીની સાથે સૂવું પડશે, અને આમ છતાં તમે તેને તમારી પ્રિયા ગણવાના હો તો તે અહીં રહી શકે, નહીંતર તે અહીંથી બીજે ક્યાંક ચાલી જાય.’ આ સાંભળી રાજકુમારે થોડો વિચાર કર્યો અને પછી તે બોલ્યો, ‘તમારી વાત મને માન્ય છે,’ અને પોતાની પત્નીને કહ્યું, ‘તું તે જેમ કહે તેમ કરજે. તારા પર કોઈ કલંક નહીં આવે.’ એમ કહી તે તો રાજાની સૂચના પ્રમાણે જતો રહ્યો. પછી અદ્રોહકે જેમ કહ્યું હતું તેમ રાતે બંને સ્ત્રીઓની વચ્ચે સૂઈ રહેતા હતા. આમ છતાં સ્વકીયા અને પરકીયાના સંદર્ભે તે ધર્મવિરુદ્ધ વર્તતા ન હતા. પોતાની પત્નીના સ્પર્શથી જ તેને કામેચ્છા થતી હતી. રાજકુમારની પત્નીનાં સ્તનનો સ્પર્શ વારંવાર તેમની પીઠે થતો હતો, પણ બાળકને જેમ મા પ્રત્યે ભાવ થાય તેવો ભાવ તેમને થતો હતો. ધીમે ધીમે તેમની કામવાસના જ મરી ગઈ. આમ છ મહિના પછી રાજકુમાર અદ્રોહકના નગરમાં આવ્યો. તેણે લોકોને અદ્રોહક તથા પોતાની પત્ની વિશે પૂછપરછ કરી. બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે કહ્યું. કેટલાકે રાજકુમારની ગોઠવણને સારી બતાવી, કેટલાક નવયુવાન અચરજ પામ્યા હતા. ‘ભાઈ, તમે તમારી પત્ની તેને સોંપી દીધી અને હવે તે તો તેની સાથે સૂઈ જાય છે. સ્ત્રી અને પુરુષ આમ ભેગા રહે તો બંનેનાં મન સ્વસ્થ રહે કેવી રીતે?’ અદ્રોહકને આ બધી વાતની ખબર પડી ગઈ. પછી લોકનિંદાથી બચવાનો શુભ સંકલ્પ કર્યો, તેમણે પોતે લાકડાં ભેગાં કરીને ચિતા તૈયાર કરી અને તે પ્રગટી. તે જ વેળા રાજકુમાર અદ્રોહકને ઘેર આવ્યો અને તેણે પત્નીને અને અદ્રોહકને જોયાં. પત્નીનું મુખ પ્રસન્ન હતું પણ અદ્રોહક વિષાદયુક્ત હતા. બંનેની માનસિક સ્થિતિ જાણીને રાજકુમાર બોલ્યો, ‘ભાઈ, હું તમારો મિત્ર છું અને બહુ દિવસે પાછો આવ્યો છું. તમે મારી સાથે બોલતા કેમ નથી?’ અદ્રોહકે ઉત્તર આપ્યો, ‘મિત્ર, મેં તમારા માટે જે કર્યું તે લોકનિંદાથી ધોવાઈ ગયું. એટલે હવે હું અગ્નિપ્રવેશ કરીશ. બધા દેવતા અને મનુષ્યો આ જુએ.’ આમ કહી અદ્રોહક અગ્નિમાં પ્રવેશ્યા પણ અગ્નિ તેમનાં વસ્ત્ર, કેશ, શરીરને સ્પર્શી ન શક્યો. આકાશમાં ઊભેલા બધા દેવતાઓએ જયજયકાર કર્યો, ચારે બાજુથી પુષ્પવર્ષા થઈ. જે જે લોકોએ અદ્રોહક અને સુંદરી વિશે ગમે તેમ વાતો કરી હતી તેમના મોઢે કોઢ થઈ ગયો. દેવતાઓએ ત્યાં આવીને અદ્રોહકને આગમાંથી બહાર ખેંચી લીધો અને દિવ્ય પુષ્પોથી તેમનું પૂજન કર્યું. તેમની વાત જાણીને મુનિવરોને પણ બહુ નવાઈ લાગી. બધા મુનિઓએ અને જુદા જુદા વર્ણના લોકોએ તેમની પૂજા કરી. બધાએ તેમનું નામ સજ્જનાદ્રોહક કહ્યું. તેમના પગની ધૂળના સ્પર્શથી ધરતીમાં અનાજ વધારે પાકવા લાગ્યું. દેવતાઓએ રાજકુમારને કહ્યું, ‘તું તારી પત્નીનો સ્વીકાર કર. આ અદ્રોહક જેવો કોઈ માનવી સંસારમાં નથી. જગતમાં બધા માટે કામ પર વિજય મેળવવો બહુ કઠિન છે. કામ, લોભ અને ક્રોધને કારણે જ બધાં પ્રાણીઓને વારે વારે જનમવું પડે છે. અદ્રોહકે આ બધા પર વિજય મેળવી લીધો છે. તેના હૃદયમાં ભગવાન વાસુદેવ સદા વસે છે.’ આમ કહી બધા દેવતા વિમાનોમાં બેસી સ્વર્ગે ગયા, રાજકુમાર અને તેની પત્ની પોતાના મહેલમાં ગયા અને બીજાં બધાં પણ પોતપોતાને ઘેર ગયાં. પછી અદ્રોહકને દિવ્ય દૃષ્ટિ સાંપડી. નરોત્તમે તેમને ઘેર જઈને દર્શન કર્યાં અને પોતાના હિતની વાત પૂછી. અદ્રોહકે કહ્યું, ‘તમે પુરુષશ્રેષ્ઠ વૈષ્ણવને ત્યાં જાઓ. એમનું દર્શન કરવાથી તમારા મનોરથ સફળ થશે. બગલાના મૃત્યુનું રહસ્ય અને આકાશમાં સુકાતાં વસ્ત્રનો ભેદ પણ જાણશો. તે સિવાય પણ જે કંઈ જાણવું હશે તે જાણી શકશો.’ હવે નરોત્તમ ભગવાનની સાથે વૈષ્ણવને ત્યાં ગયો. ત્યાં પહોંચીને સામે એક તેજસ્વી પુરુષને જોયો. પછી નરોત્તમ બોલ્યો, ‘હું બહુ દૂરથી તમારી પાસે આવ્યો છું. તમને જોઈને હું આનંદમાં આવી ગયો છું. મારા માટે જે ઉચિત હોય તેનો ઉપદેશ આપો.’ વૈષ્ણવે કહ્યું, ‘ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન છે. મારા ઘરમાં ભગવાન વિષ્ણુ છે.’ આ સાંભળી તેણે કહ્યું, ‘ભગવાન ક્યાં છે? મને તેમનું દર્શન કરાવો.’ ‘આ સુંદર દેવાલયમાં પ્રવેશી ભગવાનનું દર્શન કરો, આમ કરવાથી જનમમરણના ચકરાવામાંથી તમે છૂટી જશો.’ પછી નરોત્તમે મંદિરમાં પ્રવેશ કરી ભગવાનનું દર્શન કર્યું અને ભગવાને તેને ઉપદેશ આપ્યો. (સૃષ્ટિખંડ)

કામોદાની કથા

કપંજિલ તેના પિતાને પોતાનો એક અનુભવ કહે છે: ‘ગિરિરાજ મેરુના શિખર પરથી હિમ અને દૂધ જેવો ગંગાપ્રવાહ બહુ વેગથી પૃથ્વી પર પડે છે. તે પ્રવાહ કૈલાસશિખર પર પહોંચીને ચારે બાજુ ફેલાઈ જાય છે. એના પ્રવાહને કારણે દસ યોજન લાંબુંપહોળું પવિત્ર અને શુદ્ધ જળથી ભરેલું એક સરોવર બન્યું છે. તેને ગંગાહૃદ કહે છે. તેની બરાબર સામે એક શિલા પર છૂટા કેશ રાખીને એક કન્યા બેઠી હતી. દિવ્ય રૂપ અને લક્ષણવાળી તે કન્યાએ દિવ્ય આભૂષણો પહેર્યાં હતાં. તે કોણ હતી? ગિરિરાજ કન્યા પાર્વતી કે ઇન્દ્ર-યમરાજની પત્ની હતી? તેનાં શીલ, રૂપ, ગુણ બીજી દિવ્યાંગનાઓમાં ન હતાં. ત્યાં બેઠેલી કન્યા બહુ દુઃખી હતી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. તેનાં અશ્રુ મોતીની જેમ ચમકતાં હતાં. તે અશ્રુ ગંગાના પ્રવાહમાં પડતાંવેંત કમળપુષ્પમાં ફેરવાઈ જતાં હતાં. પછી તે ગંગાના પ્રવાહમાં વહ્યે જતાં હતાં.’ ‘પિતાજી, મને કહો કે તે કન્યા કોણ હતી?’ આ સાંભળી, તેના પિતા કુંજલે કહ્યું, ‘સાંભળ, આ દેવતાઓએ કહેલી કથા છે. એક સમયે રાજા નહુષે યુદ્ધમાં પરાક્રમી હુંડ નામના રાક્ષસને મારી નાખ્યો. તેનો પુત્ર વિહુંડ પણ તપસ્વી અને વીર હતો. તેણે જ્યારે જાણ્યું કે નહુષે મારા પિતાનો અને સેનાનો વિનાશ કર્યો છે ત્યારે તેને બહુ ક્રોધ આવ્યો અને તે દેવતાઓનો વિનાશ કરવા તપ કરતો બેઠો. તપને કારણે તેના વધી રહેલ પુરુષાર્થની વાત દેવતાઓ જાણતા હતા, વળી યુદ્ધમાં વિહુંડની સામે ટકી રહેવું બહુ અઘરું હતું. તેના મનમાં ત્રિલોકનો નાશ કરવાનો વિચાર આવ્યો. તેણે નિર્ધાર કર્યો કે મનુષ્યોને અને દેવતાઓને મારી નાખી મારા પિતાનો બદલો લઉં. પછી તેણે અત્યાચાર ગુજારવા માંડ્યા. પ્રજાને પણ ત્રાસ આપ્યો. તેના તેજથી ત્રસ્ત થઈને દેવોએ વિષ્ણુ પાસે જઈને રક્ષા કરવા કહ્યું. ભગવાને દેવતાઓ માટે કંટક બની ગયેલા વિહુંડને મારવાનું વચન આપ્યું. દેવતાઓને આમ કહ્યા પછી ભગવાને માયાને પ્રેરી. આખા જગતને મોહ પમાડનારી વિષ્ણુમાયાએ રૂપ અને લાવણ્યથી ભરી ભરી તરુણીનું રૂપ લીધું. તે નંદનવનમાં જઈને તપ કરવા લાગી. તે જ વેળા વિહુંડ દેવતાઓનો વધ કરવા દિવ્ય માર્ગેથી ચાલ્યો. નંદનવનમાં પહોંચ્યો એટલે તેની દૃષ્ટિ તપોરત માયા પર પડી. તેને એ ખ્યાલ ન આવ્યો કે આ મારા જ વિનાશ માટે સર્જાઈ છે. આ સુંદરી કાલસ્વરૂપા છે એ વાત તે સમજી ન શક્યો. માયાની કાયા તપ્ત સુવર્ણ જેવી હતી, રૂપનો વૈભવ તો ભારોભાર હતો. તેને જોતાંવેંત તે મોહી પડ્યો. ‘ભદ્રે, તું કોણ છે? તારું શરીર અદ્ભુત છે. મારા મનને તેણે મથી નાખ્યું છે. તું મારી સાથે ક્રીડા કર, કામજનિત વેદનામાંથી મને ઉગાર. બદલામાં તારે જે જે જોઈએ તે બધું હું આપીશ.’ માયા બોલી, ‘જો તું મને ભોગવવા માગતો હોય તો સાત કરોડ કમળ વડે શંકર ભગવાનની પૂજા કર. તે ફૂલ કામોદમાંથી પ્રગટેલાં હોવાં જોઈએ. એ ફૂલોની માળા બનાવીને તું મારા ગળામાં પરોવે તો હું તારી પત્ની બનું.’ આ સાંભળી વિહુંડ તૈયાર થયો, ફૂલો લાવવાનું વચન આપ્યું અને પછી જેટલાં પવિત્ર અને સુંદર વન હતાં તેમાં તે ભમવા લાગ્યો. બહુ શોધ ચલાવી પણ ક્યાંય કામોદ નામનું વૃક્ષ ન જ મળ્યું. બધા તેને ના જ પાડતા હતા. એટલે એમ કરતાં કરતાં તે શુક્રાચાર્ય પાસે ગયો અને કામોદ વૃક્ષ વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ‘કામોદ નામનું કોઈ વૃક્ષ છે જ નહીં. કામોદા તો એક સ્ત્રીનું નામ છે. તે જ્યારે હસે છે ત્યારે સુવાસિત, સુંદર કામોદ ફૂલ પ્રગટે છે. પીળા રંગવાળાં આ ફૂલ બહુ સુવાસિત હોય છે. તેના એક ફૂલ વડે પણ જે શંકર ભગવાનની પૂજા કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. કામોદાનાં અશ્રુમાંથી સર્જાતાં ફૂલોમાં સુવાસ હોતી નથી, એટલે તેનો સ્પર્શ ન કરવો.’ આ સાંભળી વિહુંડે તે ક્યાં રહે છે તે પૂછ્યું. શુક્રાચાર્યે તેને કહ્યું, ગંગાદ્વાર પાસે કામોદ નામના નગરમાં તે દિવ્ય સમૃદ્ધિ ધરાવતી સ્ત્રી રહે છે. તે અલંકારોથી બહુ સોહે છે. તું ત્યાં જા અને તે યુવતીની પૂજા કર. કોઈ રીતે પણ તેને હસાવ.’ આમ કહીને ગુરુ ચૂપ થઈ ગયા અને મહાપરાક્રમી દાનવ પોતાનું કાર્ય સિદ્ધ કરવા તૈયાર થયો. કપંજિલે પૂછ્યું, ‘કામોદાના હાસ્યમાંથી પ્રગટતાં સુંદર ફૂલ લેવા દેવતાઓ આટલા બધા આતુર કેમ? એમનાથી થતી પૂજા વડે શંકર ભગવાન આવા સંતુષ્ટ કેમ થાય છે? કામોદા કોણ અને કોની પુત્રી?’ ભૂતકાળમાં દેવતાઓએ અને દાનવોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું. એમાંથી ચાર કન્યાઓ પ્રગટી. પછી અમૃતકળશ નીકળ્યો. આ કન્યાઓમાં એક લક્ષ્મી, બીજી વારુણી હતી, ત્રીજી કામોદા અને ચોથી જ્યેષ્ઠા. કામોદા અમૃતની લહેરમાંથી પ્રગટી હતી અને ભવિષ્યમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તે વૃક્ષમાં ફેરવાશે અને ભગવાનને આનંદ આપશે. વૃક્ષ રૂપે તેનું નામ તુલસી. જે તુલસીનું એક પાન પણ શ્રીકૃષ્ણને સમપિર્ત કરશે તેના પર ભગવાન પ્રસન્ન રહેશે અને જે જોઈતું હશે તે આપશે. આ ચારમાંથી એક કામોદા જ્યારે બહુ આનંદમાં આવીને હસે ત્યારે તેના મોંમાંથી સોનેરી રંગનાં સુંદર ફૂલ પ્રગટે છે, તે કદી કરમાતાં નથી. આ ફૂલોને એકઠાં કરીને જે બ્રહ્મા, વિષ્ણુ, શંકરની પૂજા કરે છે તેના પર બધા દેવ સંતુષ્ટ થાય છે, અને જ્યારે તે દુઃખી થઈને રડે છે ત્યારે તેનાં અશ્રુમાંથી પણ સુંદર અને સુવાસહીન ફૂલ ઝરે છે. આ ફૂલો વડે જે શંકરની પૂજા કરે તેને દુઃખ સાંપડે છે, જે એક પણ વાર આ ફૂલથી પૂજા કરે તેને દેવો સંતાપ આપે છે.

ભગવાન વિષ્ણુએ પાપી વિહુંડનાં પરાક્રમ અને દુ:સાહસ જોઈને તેની પાસે દેવર્ષિ નારદને મોકલ્યા. તે વેળા વિહુંડ કામોદા પાસે જઈ રહ્યો હતો. નારદે તેની પાસે જઈને તે ક્યાં જઈ રહ્યો હતો તે પૂછ્યું, ‘અત્યારે તમે બહુ ઉતાવળા અને વ્યગ્ર લાગો છો.’

વિહુંડે દેવષિર્ને પ્રણામ કરીને કહ્યું, ‘હું કામોદ પુષ્પ લેવા જઈ રહ્યો છું.’ આ સાંભળી નારદે તેને કહ્યું, ‘દૈત્ય, તું કદી કામોદ નામના નગરમાં ન જતો. ત્યાં ભગવાન વિષ્ણુ રહે છે. તું કેવી રીતે કામોદ પુષ્પ મેળવીશ તે તને કહું. તે પુષ્પ ગંગામાં ઝીલાશે અને વહેતાં વહેતાં તારી પાસે આવશે. તે સુંદર પુષ્પ તું પાણીમાંથી બહાર કાઢજે. આમ તેનો સંગ્રહ કરી તારો મનોરથ પૂરો કરજે.’ વિહુંડને આમ કહી નારદ કામોદ નગર તરફ ચાલ્યા. જતાં જતાં તેમણે એ દિવ્ય નગર જોયું. પછી નગરમાં રહેતી કામોદાને ઘેર ગયા. કામોદાએ મુનિને આસન આપીને બેસાડ્યા અને તેમનાં ખબરઅંતર પૂછ્યાં. પછી નારદ મુનિએ તેને પૂછ્યું, ‘ભગવાનના તેજમાંથી પ્રગટેલી દેવી, તને કોઈ કષ્ટ તો નથી ને?’ કામોદાએ કહ્યું, ‘તમારા જેવા મહાત્માઓ અને ભગવાન વિષ્ણુની કૃપાથી સુખી છું. મારો એક પ્રશ્ન છે. એક સમયે મેં એક ભયાનક સ્વપ્ન જોયું. કોઈએ મને કહ્યું કે ભગવાન સંસારમાં જન્મ લેશે. આવા સ્વપ્નનો કયો અર્થ? તમે પ્રખર જ્ઞાની છો તો મને કહો.’ નારદે તેને વિવિધ પ્રકારનાં સ્વપ્નની સમજ આપીને કહ્યું કે ભૃગુ ઋષિના શાપને કારણે ભગવાન સંસારમાં અવતાર લેવાના છે. આમ કહીને નારદ ત્યાંથી જતા રહ્યા. ભગવાનના દુઃખે દુઃખી થઈને કામોદા ગંગાકિનારે બેસીને વારે વારે રુદન કરવા લાગી. તેનાં અશ્રુ ગંગામાં પડતાં હતાં અને પાણીમાં પડતાંવેંત તે પુષ્પમાં ફેરવાઈ જતાં હતાં. વિહુંડ તો વિષ્ણુની માયાથી મોહિત હતો. તેણે પુષ્પ જોયાં, શુક્રાચાર્યે તેને કહ્યું હતું તો પણ તેને સમજ ન પડી કે આ દુઃખને કારણે પ્રગટેલાં પુષ્પ છે. તેને તો પુષ્પ જોઈને આનંદ થયો અને બધાં પુષ્પ પાણીમાંથી લઈ આવ્યો અને તે પુષ્પ વડે શંકર ભગવાનની પૂજા તે કરવા લાગ્યો. તેણે સાત કરોડ પુષ્પથી પૂજા કરી તે જોઈને પાર્વતીમાતા ક્રોધે ભરાયાં. તે બોલ્યાં, ‘આ દુર્બુદ્ધિ દાનવનું કુકર્મ તો જુઓ. તે શોકને કારણે પ્રગટેલાં પુષ્પ વડે તમારી પૂજા કરી રહ્યો છે. તેને દુઃખ જ મળશે, તે સુખનો અધિકારી નથી.’ શંકર ભગવાને કહ્યું, ‘તારી વાત સાચી. આ પાપીએ તો પહેલેથી સત્યને બાજુ પર મૂક્યું છે. આ પૂજાથી કોનું કલ્યાણ થવાનું છે? તે મૂરખ છે, એટલે તું તારા તેજ વડે તેનો વધ કર.’ પાર્વતીએ શંકર ભગવાનની વાત માની લીધી અને વિહુંડનો વધ કરવાનો ઉપાય વિચારવાં લાગ્યાં. તેમણે માયાવી બ્રાહ્મણનું રૂપ લઈને પારિજાતનાં પુષ્પો વડે શંકર ભગવાનની પૂજા કરવા લાગ્યાં. તે દાનવે આવીને તેમની પૂજાનો નાશ કરી નાખ્યો. પોતે શોકજનિત પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. તે વેળા તે દુષ્ટનાં નેત્રોમાંથી ટપકતાં અશ્રુ શિવલંગિ પર પડતાં હતાં. આ જોઈને દેવીએ બ્રાહ્મણરૂપે જ તે દાનવને પૂછ્યું, ‘તમે કોણ છો? શોકમગ્ન થઈને ભગવાનની પૂજા કરી રહ્યા છો? તમારાં આંસુ ભગવાનના મસ્તક પર પડે છે. તમે આમ કેમ કરો છો?’ વિહુંડ બોલ્યો, ‘થોડા દિવસ પહેલાં મેં એક સુંદરી જોઈ હતી, તે સર્વાંગસુંદર હતી, કામદેવનું નિવાસસ્થાન હતી. તેને જોઈને હું કામુક બની ગયો, મેં તેને સમાગમ માટે પ્રાર્થના કરી તો તેણે કહ્યું, કામોદનાં સાત કરોડ પુષ્પોથી ભગવાનની પૂજા કરો. તે સ્ત્રીને પામવા આ પૂજા કરી રહ્યો છું. ભગવાન તો મનોવાંછિત ફળ આપનારા છે.’ ‘અરે તારો ભાવ ક્યાં છે અને તારું જ્ઞાન ક્યાં છે? કામોદાનું રૂપ કેવું છે? તેં તેના હાસ્યથી પ્રગટતાં પુષ્પ ક્યાં પ્રાપ્ત કર્યાં છે?’ વિહુંડે કહ્યું, ‘હું ભાવ કે ધ્યાન કશું નથી જાણતો. ગંગામાં જે પુષ્પ વહીને આવે છે તે જ દરરોજ ભેગાં કરું છું. શુક્રાચાર્યે મને આ પુષ્પનો પરિચય આપ્યો હતો. તેમની આજ્ઞાથી જ આ પૂજા કરું છું.’ દેવીએ કહ્યું, ‘પાપી, આ પુષ્પ કામોદાના રુદનમાંથી પ્રગટેલાં છે. તું પાપી ભાવ લઈને પૂજા કરી રહ્યો છે, તેં બહુ મોટો અપરાધ કર્યો છે, એટલે હું તને શિક્ષા કરીશ.’ આ સાંભળી વિહુંડ બોલ્યો, ‘અરે દુષ્ટ, તું મારા કાર્યની નિંદા કરે છે? તને આ તલવારથી હમણાં જ મારી નાખું છું.’ એમ કહીને વિહુંડે બ્રાહ્મણને મારવા તલવાર ઉગામી અને તે જોઈને પાર્વતીમાતાએ હુંકાર કરીને તેને ધરાશાયી કરી દીધો. આ લોકવિનાશક દાનવના મૃત્યુથી જગત સ્વસ્થ થઈ ગયું. (ભૂમિખંડ)

સુબન્ધુકૃત વાસવદત્તા

પ્રાચીન કાળમાં ચિન્તામણિ નામના રાજા થઈ ગયા. તેમનો એક પુત્ર કન્દર્પકેતુ હતો. તેણે એક વેળા સ્વપ્નમાં કોઈ કન્યા જોઈ. તેને સારી રીતે જોયા પછી અચાનક તેની ઊંઘ ઊડી ગઈ, અને તે જાગી ગયો. પછી દ્વાર બંધ કરીને બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને દિવસ તો તેણે જેમ તેમ વીતાવ્યો, પછી રાત પણ માંડ માંડ વીતાવી. થોડી વારે તેનો પ્રિય મિત્ર મકરન્દ દ્વાર ખોલીને માંડ માંડ અંદર ગયો અને તેણે જોયું તો કન્દર્પકેતુ કામબાણથી પીડાતો હતો. તેણે મિત્રને કહ્યું, ‘મિત્ર, આ શું છે? તું કામવાસનામાં સરકી ગયો છે! તારું આવું વર્તન જોઈને સજ્જનો તર્કવિતર્ક કરી રહ્યા છે અને દુર્જન લોકો તારી નિંદા કરી રહ્યા છે. દુષ્ટોનું હૃદય તો નિંદારસમાં આનંદ લેતું હોય છે. આ દુર્જનોના મનને તો કોણ પામી શકે?’ મકરન્દની વાત સાંભળીને કન્દર્પકેતુ બોલ્યો, ‘મિત્ર, હું અત્યારે બહુ શોકગ્રસ્ત છું. કર્તવ્ય-અકર્તવ્યની કશી સૂઝ પડતી નથી. સ્મરણશક્તિ લુપ્ત થઈ ગઈ છે. એટલે અત્યારે આ વાત પડતી મૂક. તું તો બાળપણથી મારો સાથી રહ્યો છે તો ચાલ મારી સાથે.’ એમ કહીને બધાની નજરે પડ્યા વિના નગરની બહાર નીકળી પડ્યા. એમ ચાલતાં ચાલતાં તેઓ વિંધ્યાચળ પાસે આવી ગયા. મકરન્દે ફળફૂલ લાવીને મિત્રને ભોજન કરાવ્યું અને પછી પોતે પણ થોડું ઘણું ખાધું. પછી મકરન્દે પાંદડાની જે શય્યા કરી તેના પર સૂઈ ગયો. તેનું આખું શરીર સુસ્ત થઈ ગયું હતું. રાતના બીજા પ્રહરે જાંબુના વૃક્ષ પર અંદરઅંદર ઝઘડતા શુકસારિકાના અવાજ સાંભળીને કંદર્પકેતુએ મકરન્દને કહ્યું,‘મિત્ર, આ બેની વાતો સાંભળવી જોઈએ.’ તે વેળા પાંદડાની ઘટામાં બેઠેલી સારિકાએ ક્રોધે ભરાઈને શુકને કહ્યું, ‘અરે લુચ્ચા, તું બીજી કોઈ સારિકાને શોધવા ગયો હતો ને! નહીંતર તને આટલું મોડું કેવી રીતે થાય?’ આ સાંભળીને શુકે કહ્યું, ‘ક્રોધ ન કર. મેં એક અદ્ભુત કથા સાંભળી છે અને જોઈ પણ. એટલે જ મને મોડું થઈ ગયું.’ આ સાંભળીને સારિકાને બહુ જિજ્ઞાસા થઈ અને સારિકાએ વારંવાર પૂછ્યું એટલે તેણે કથા કહેવા માંડી. ‘કુસુમપુર નામનું એક અદ્ભુત નગર છે. એમાં શૃંગારશેખર નામનો રાજા. તેની રાણી અનંગવતી. તેની પુત્રી વાસવદત્તા. એવામાં વસંત ઋતુ આવી પહોેંચી. વાસવદત્તાની સખીઓ પાસેથી તેની ઇચ્છા જાણીને શૃંગારશેખર રાજાએ સ્વયંવર માટે આખી પૃથ્વીના રાજકુમારોને આમંત્ર્યા, પછી વાસવદત્તા પાલખીમાં બેઠી. વાસવદત્તાપ્રાપ્તિ માટે બધા રાજકુમારો પ્રતીક્ષા કરતા હતા. વાસવદત્તા ક્ષણવાર એક એકને જોઈ વિરક્તિ અનુભવી રહી હતી. એ વાસવદત્તાએ એ જ રાતે સ્વપ્નમાં એક યુવક જોયો. તે રાજા ચિન્તામણિનો પુત્ર છે અને એનું કન્દર્પકેતુ છે એ બધી વિગતો તેણે સ્વપ્નમાં સાંભળી હતી. તેને થયું, ‘પોતાનું હસ્તકૌશલ્ય એક જ સ્થળે જોવાની ઇચ્છાથી બ્રહ્માએ સમસ્ત સંસારનું સૌન્દર્ય એકત્રિત કરીને એ નવયુવાનનું સર્જન કર્યું હોવું જોઈએ.’ એને જોઈને વાસવદત્તા અન્યમનસ્ક થઈ ગઈ, તે કામજ્વર વેઠી શકી નહીં. તે કન્દર્પકેતુને આમતેમ જોયા જ કરતી હતી. પછી તેની પ્રિય સખીઓએ કન્દર્પકેતુનું મન જાણવા માટે તમાલિકાને મોકલી. તે પણ મારી સાથે સાથે જ નીકળી અને આ વૃક્ષની નીચે જ બેઠી છે. પછી મકરન્દે આનંદમાં આવી જઈને તમાલિકાને બોલાવીને બધી વાત કહી. તેણે પ્રણામ કરીને પત્ર આપ્યો, મકરન્દે એ પત્ર વાંચ્યો- કામિનીનું હૃદય પ્રિયતમના ભાવોને પ્રત્યક્ષ જોઈને પણ સ્થિર નથી થતું, તો પછી જેણે સ્વપ્નમાં ભાવ અનુભવ્યા હોય તે યુવતી એના પર કેવી રીતે વિશ્વાસ મૂકી શકે?’ આ સાંભળીને કન્દર્પકેતુએ પોતાને અમૃતસાગરમાં ડૂબેલો, અનેક પ્રકારના આનંદનો અનુભવ કરતો માની લીધો. તેણે તમાલિકાનો સત્કાર કર્યો અને વાસવદત્તા વિશે જાતજાતનું પૂછવા લાગ્યો. એ આખો દિવસ ત્યાં જ વીતાવીને તમાલિકા અને મકરન્દને લઈને કન્દર્પકેતુ ત્યાંથી નીકળી પડ્યો. પછી કાર્તિકેય જેવા પ્રભાવશાળી કન્દર્પકેતુએ નગરમાં પ્રવેશી વાસવદત્તાભવન જોયું. પછી તે સ્ત્રીઓની પ્રેમપૂર્ણ વાતો સાંભળતો મકરન્દની સાથે વાસવદત્તાભવનમાં પ્રવેશ્યો. વાસવદત્તાના અનુપમ સૌન્દર્ય જોઈને તે મૂચ્છિર્ત થઈ ગયો. તેની આવી દશા જોઈને વાસવદત્તા પણ મૂચ્છિર્ત થઈ ગઈ. પછી મકરન્દ અને સખીઓના ટેકાથી બંને સ્વસ્થ થઈને એક આસન પર બેઠા. વાસવદત્તાની પ્રાણથીય વહાલી સખી કલાવતીએ કન્દર્પકેતુને કહ્યું, ‘નિશ્ચંતિ બેસીને પ્રેમાલાપ કરવાનો આ અવસર નથી. એટલે હું ટૂંકમાં વાત કહું છું. આ વાસવદત્તાએ તમારા માટે જે યાતનાઓ વેઠી છે તે કેવી રીતે વર્ણવાય? જો આકાશ જેટલો કાગળ લઈએ, સમુદ્ર જેટલો ખડિયો લઈએ, બ્રહ્મા લેખક હોય અને સર્વરાજ વક્તા બને તો કદાચ હજાર યુગોમાં એનો થોડો ભાગ લખી શકાય. તમે તો રાજ્ય ત્યજી દીધું છે, વધુ તો શું કહું? તમે તમારી જાતને પણ સંકટમાં નાખી છે. અમારી આ રાજકન્યાને કાલે સવારે તેના પિતાએ વિદ્યાધર ચક્રવર્તી વિજયકેતુના પુત્ર પુષ્પકેતુને આપવાનો નિર્ણય આપખુદ બનીને કરી જ લીધો છે. અહીં વાસવદત્તાએ અમારી સાથે નિશ્ચય કર્યો હતો કે જો આજે તમાલિકા કન્દર્પકેતુને લઈને નહીં આવે તો તે અગ્નિપ્રવેશ કરશે. સદ્ભાગ્યે તમે આવી જ ગયા છો. હવે તો જે કંઈ કરવું હોય તે તમે વિચારી લો.’ આટલું કહીને તે ચૂપ થઈ ગઈ. કન્દર્પકેતુએ અત્યન્ત ભય પામીને, પ્રેમ અને આનન્દ રૂપી અમૃતસાગરમાં સ્નાન કરીને વાસવદત્તા સાથે ચર્ચા કરી, પછી સમાચાર જાણવા માટે મકરન્દને નગરમાં મોકલ્યો. પોતે મનોજવ નામના અશ્વ પર બેસીને વાસવદત્તાને લઈને નગરમાંથી નીકળી ગયો. પછી ચારેક યોજન ચાલીને તે સ્મશાનભૂમિમાં પહોંચ્યો. ત્યાં માનવમાંસ ખાવાની ઇચ્છાથી કંક નિર્ભયતાથી ફરતા હતા. ક્યાંક અર્ધી સળગેલી ચિતામાં અનેક ગંધથી આકર્ષાઈને પિશાચો, વેતાલોના અવાજ બીવડાવતા હતા. એ સ્મશાનભૂમિમાંથી નીકળી થોડી વારમાં ખૂબ જ યોજનો વટાવીને વિંધ્યાચળવિસ્તારમાં તેઓ પ્રવેશ્યા. પછી આખી રાતના ઉજાગરાને કારણે તથા ભોજન ન મળવાને કારણે શરીરને સુસ્ત કરીને કન્દર્પકેતુ પડ્યો હતો. કેટલાય યોજનો ચાલવાને કારણે તે ખૂબ જ થાકી ગયો હતો. વાસવદત્તાની સ્થિતિ પણ એવી જ હતી. એટલે તે બંને પુષ્પોની ગંધથી છવાયેલા તથા ભમરાઓના ગુંજનવાળા લતાગૃહમાં સૂઈ ગયા. તે વખતે તેમની બધી ઇન્દ્રિયો નરી શિથિલ થઈ ગઈ હતી એટલે સ્વાભાવિક રીતે જ તેમને ઊંઘ પણ આવી ગઈ. પછી સૂર્યભગવાન આકાશમાં ઊંચે પહોંચ્યા ત્યારે કન્દર્પકેતુની આંખ ઊઘડી ગઈ. ત્યાં આમતેમ નજર કરી પણ લતાગૃહમાં વાસવદત્તા ક્યાંય ન હતી. વૃક્ષો પર, જમીન પરના કૂવાઓમાં, સૂકાં પાંદડાંના ઢગલામાં, આકાશમાં, દસે દિશાઓમાં ક્યાંય ન જોઈ એટલે તે વિલાપ કરવા લાગ્યો. ‘અરે, વાસવદત્તા, મને દર્શન આપ. મજાક ન કર. તું ક્યાં સંતાઈ ગઈ છે? મેં તારા માટે જે યાતનાઓ વેઠી છે તેની તને જાણ છે. અરે મિત્ર મકરન્દ, દુર્ભાગ્યની રમત તો જો. પૂર્વજન્મમાં મેેં કયાં દુષ્કર્મ કર્યાં હશે? ભગવાન શું કરવા માગે છે? કાળની ગતિ પણ કેવી છે, ગ્રહોની દૃષ્ટિ કેવી દુઃખદ છે. ગુરુજનોના આશીર્વાદ ઊલટા થઈ ગયા છે…’ આમ અનેક રીતે વિલાપ કરતો તે ઇચ્છામૃત્યુની કલ્પના કરતો જંગલમાંથી નીકળ્યો. આસપાસની પ્રકૃતિ જોઈને કન્દર્પકેતુ વિચારવા લાગ્યો,‘ભાગ્યે અપકાર કરતાં કરતાં મારા પર ઉપકાર કર્યો છે. એટલે આ સામે સમુદ્ર દેખાય છે. હવે અહીં હું શરીરનું વિસર્જન કરીશ. સ્વસ્થ પુરુષે આત્મહત્યા નહીં કરવી જોઈએ તો પણ હું કરીશ.’ અને આમ કન્દર્પકેતુ સમુદ્રમાં ધીરે ધીરે આગળ વધવા લાગ્યા, ત્યાં જ આકાશવાણી સંભળાઈ. ‘કન્દર્પકેતુ, બહુ જલદી તને તારી પ્રિયતમા મળશે. એટલે આત્મહત્યાનો વિચાર માંડી વાળ.’ આ સાંભળીને તેણે એ વિચાર માંડી વાળ્યો. પ્રિયામિલનની આશા કરતો તે પ્રાણને ટકાવી રાખવા ભોજન કરવા તે કચ્છ પાસેના વનમાં ગયો. ત્યાં આમતેમ રખડીને ફળમૂળ ખાઈને તેણે ખાસ્સો સમય વીતાવી દીધો. થોડા સમયે વર્ષા ઋતુ આવી, કન્દર્પકેતુ આમતેમ ભમવા લાગ્યો, અને ત્યાં તેણે વાસવદત્તા જેવી દેખાતી પથ્થરની એક પ્રતિમા જોઈ, તેનો સ્પર્શ કર્યો. અડતાંવેંત તે પ્રતિમા જીવતીજાગતી વાસવદત્તામાં ફેરવાઈ ગઈ. કન્દર્પકેતુએ તેને ભેટીને પૂછ્યું, ‘પ્રિય વાસવદત્તા, આ બધું શું છે?’ તેણે દીર્ઘ નિશ્વાસ નાખીને ઉત્તર આપ્યો, ‘મારા જેવી અભાગણી માટે, પાપી માટે તમે રાજ્ય ત્યજીને સામાન્ય માનવીને જેમ આમતેમ ઘૂમીને દુઃખ ભોગવો છો, એ ન તો વાણીથી કહી શકાય, ન તો તેનો વિચાર કરી શકાય. તમે ભૂખેતરસે વ્યાકુળ થઈને સૂઈ ગયા હતા. હું વહેલી જાગી ગઈ અને તમારા માટે ફળફળાદિ લાવવાની ઇચ્છાથી થોડે જ દૂર ગઈ. પછી થોડી જ વાર વૃક્ષોમાં અને ઝાડીઓમાં સેનાનો પડાવ જોયો. મને વિચાર આવ્યો, મને બળજબરીથી લઈ જવા માટે પિતાની સેના આવી છે કે પછી આર્યપુત્રની સેના છે. તે જ વખતે ગુપ્તચર પાસેથી સમાચાર સાંભળીને એક કિરાતસેનાપતિ દૂરથી મારી સામે દોડતો આવ્યો. તે જ વખતે બીજો કિરાતસેનાપતિ પણ બધી વાત સાંભળીને મારી સામે દોડતો આવ્યો. એક જ માંસપિંડ માટે ઝઘડતા બે ગીધની જેમ તે બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેમની બાણવર્ષાથી સૂર્ય ઢંકાઈ ગયો. યુદ્ધભૂમિ ધૂળથી છવાઈ ગઈ, પછી નરકાસુરના ઘાતક નારાયણની જેમ કોઈએ મનુષ્યનું મસ્તક છેદી નાખ્યું, વેદવાક્ય અને દર્શનશાસ્ત્રોનો અનાદર કરનારા બૌદ્ધમતની જેમ કોઈના કાન, મેં, નેત્ર નષ્ટ થઈ ગયાં. પછી તો બંને સેનાનાં ધ્વજાપતાકા પડી ગયાં, અને બંનેનો વિનાશ થયો. પછી પુષ્પ લઈ આવેલા આશ્રમસ્વામી મુનિએ યોગદૃષ્ટિથી બધી ઘટના જાણી અને તે ક્રોધે ભરાયા. ‘તારા જ કારણે મારો આ આશ્રમ ઉજ્જડ થઈ ગયો છે. એટલે તું પથ્થરની પ્રતિમા થઈ જા.’ એવો શાપ મને આપ્યો. પછી આ શાપથી આ કન્યા બહુ દુઃખી થઈ રહી છે એમ જાણીને, મેં બહુ કોશિશ કરી એટલે કહ્યું ‘જા, આર્યપુત્ર તારો સ્પર્શ કરશે એટલે તું ફરી હતી તેવી ને તેવી થઈ જઈશ.’ પછી મકરન્દે પણ ત્યાં આવીને બધી વાત જાણી. કન્દર્પકેતુ તેને અને વાસવદત્તાને લઈને પોતાના નગરમાં ગયો અને ત્યાં સ્વર્ગમાં ન સાંપડે એવું સુખ ભોગવવા લાગ્યો અને ઘણો સમય વીતાવ્યો.

(ંમૂળમાં કથા આટલી જ છે, પણ સુબન્ધુએ વચ્ચે વચ્ચે વર્ણનો કરી કરીને કથાને વિસ્તારી છે. આનો આછો ખ્યાલ આવે એટલા માટે એક નમૂનો જોઈએ. સારિકાની જિજ્ઞાસા સંતોષવા શુક તેને એક કથા કહે છે.) ‘કુસુમપુર નામનું એક નગર છે. તેના પ્રાસાદ ઉત્તમ સુધા અમૃતથી ધવલ હતા; શાલભંજિકા નામની વિદ્યાધરીથી અલંકૃત, બૃહતકથાના દીર્ઘ ભેદો જેવા દેખાતા, સ્તંભો પર કોતરેલી પૂતળીઓથી સુશોભિત છે. મદમસ્ત હાથીઓના ઝુંડની જેમ અનેક ઓરડાઓથી સુશોભિત છે. સુગ્રીવની સેના જેવા ગવાક્ષોથી સુંદર દેખાય છે……’ આરંભે રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘આ રાજાના શાસનકાળમાં છલ, જાતિ, નિગ્રહનો પ્રયોગ વાદવિવાદમાં થતો હતો પણ છલપૂર્વક બીજી જાતિઓનો નિગ્રહ થતો ન હતો. નાસ્તિકતા ચાર્વાકોમાં હતી, પ્રજામાં નહીં. પરસ્પરના સંબંધોમાં રોમાંચ થતા પણ પ્રજામાં એવા કંટક રોમાંચ ન હતા. વીણાઓમાં વીણાદંડનો પ્રયોગ થતો હતો પણ પ્રજામાં કોઈની નિંદા થતી ન હતી.’ એક બીજા રાજાનું વર્ણન આમ થયું છે. ‘તે રાજા રાજનીતિમાં ચતુર હતો, સમુદ્ર સુધીની પૃથ્વીનો તે અધિપતિ હતો, તેના રાજ્યમાં પિતૃકાર્યમાં જ વૃષભને દોડાવતા હતા, પરંતુ રાજામાં એવું ન હતું. ચન્દ્રમા જ કન્યા અને તુલા રાશિ પર ગતિ કરતો હતો, પ્રજામાં કોઈ વ્યક્તિ તુલા પર ચઢતી ન હતી, કોઈ વ્યક્તિ કશો અપરાધ કરતી ન હતી.’