ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ

Revision as of 16:23, 6 December 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| બ્રહ્મવૈવર્તપુરાણ | }} {{Poem2Open}} === શ્રીકૃષ્ણથી સૃષ્ટિનો આરંભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બ્રહ્મવૈવર્તપુરાણ

શ્રીકૃષ્ણથી સૃષ્ટિનો આરંભ

ભગવાન કૃષ્ણે જોયું કે સંપૂર્ણ વિશ્વ શૂન્યમય છે. ક્યાંય કોઈ જીવજન્તુ નથી. ક્યાંય જળ નથી. સમગ્ર આકાશ વાયુ વિનાનું અને અન્ધકારમય છે. વૃક્ષ, પર્વત, સમુદ્ર ન હોવાને કારણે વિશ્વ વિકૃત છે. મૂર્તિ, ધાતુ, અનાજ, ઘાસ — વગેરેનો સંપૂર્ણ અભાવ છે. વિશ્વને આવું શૂન્યમય જોઈ બીજા કોઈ સહાયક વિના સ્વેચ્છાથી ભગવાને સૃષ્ટિરચનાનો આરંભ કર્યો. શ્રીકૃષ્ણના જમણા પડખામાંથી જગતના કારણરૂપ ત્રણ ગુણ પ્રગટ્યા. એ ગુણોમાંથી મહત્ તત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રા, રૂપ- રસ-ગન્ધ-સ્પર્શ અને શબ્દ પ્રગટયા પછી શ્રીકૃષ્ણમાંથી શ્યામ કાન્તિવાળા, નિત્ય યુવા, પીતાંબરધારી, વનમાલા પહેરેલા ભગવાન નારાયણ પ્રગટ્યા. તેમના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ હતાં. વક્ષ:સ્થળે કૌસ્તુભ મણિ હતો. તેમના મુખારવંદિ પર આછું સ્મિત હતું, રત્નમય આભૂષણોથી અલંકૃત હતા, શાર્ઙ્ગ ધનુષ હતું. શ્રીવત્સથી શોભતા વક્ષે લક્ષ્મીનો નિવાસ હતો. નારાયણે તેમની સામે ઊભા રહીને, બે હાથ જોડીને સ્તુતિ કરી. ત્યાર પછી શ્રીકૃષ્ણના ડાબા પડખામાંથી ભગવાન શિવ પ્રગટ્યા. તેમની કાન્તિ સ્ફટિકમણિ જેવી હતી, તેમનાં પાંચ મુખ હતાં અને તે દિગંબર હતા. પ્રત્યેક મુખમાં ત્રણ આંખો હતી, મસ્તકે ચંદ્રાકાર મુકુટ હતા. તેમણે શ્રીકૃષ્ણની વંદના કરી. પછી શ્રીકૃષ્ણની નાભિમાંથી બ્રહ્મા પ્રગટ્યા. શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને નારાયણ અને શિવની સાથે તે બેસી ગયા. ત્યાર પછી શ્રીકૃષ્ણના વક્ષ:સ્થળમાંથી ધર્મ નામે એક પુરુષ પ્રગટ્યો. તેણે પણ કૃષ્ણની સ્તુતિ કરી. ધર્મના ડાબા પડખામાંથી મૂર્તિ નામે એક રૂપવતી કન્યા પ્રગટી. પછી શ્રીકૃષ્ણના મુખમાંથી શુક્લવર્ણની વીણાધારિણી, પુસ્તક ધરાવતી એક કન્યા પ્રગટી. તે કવિઓની ઇષ્ટદેવી, વાણીની અધિષ્ઠાત્રી, શુદ્ધ સત્યસ્વરૂપા સરસ્વતી હતી. તેણે પણ શ્રીકૃષ્ણની સ્તુતિ કરી. પછી શ્રીકૃષ્ણના મનમાથી એક ગૌરવર્ણા દેવી પ્રગટી તે બધા જ ઐશ્વર્યોની અધિષ્ઠાત્રી હતી. તે મહાલક્ષ્મીએ કૃષ્ણની સ્તુતિ કરી. પછી શ્રીકૃષ્ણની બુદ્ધિમાંથી બધાની અધિષ્ઠાત્રી દેવી ઈશ્વરી પ્રકૃતિ પ્રગટી. એને દુર્ગા પણ કહેવામાં આવે છે. તેણે કૃષ્ણની સ્તુતિ કરી. ત્યાર પછી શ્રીકૃષ્ણના જિહ્વાગ્રમાંથી શ્વેત વસ્ત્રધારિણી સાવિત્રી પ્રગટી. પછી શ્રીકૃષ્ણના મનમાંથી એક પુરુષ પ્રગટ્યો, અને તે મન્મથ. કામદેવના ડાબા પડખામાંથી રતિ નામે ઓળખાતી શ્રેષ્ઠ કામિની પ્રગટી. કામપરવશ બનેલા બ્રહ્માનું વીર્ય અગ્નિ રૂપે પ્રગટ્યું. વિશાલ રૂપવાળા અગ્નિને જોઈ શ્રીકૃષ્ણે જલની રચના કરી. ત્યાં વરુણ નામે બીજો પુરુષ પ્રગટ્યો. અગ્નિના ડાબા અંગમાંથી સ્વાહા પ્રગટી. તેને વિદ્વાનો અગ્નિપત્ની કહે છે. વરુણના ડાબા અંગમાંથી પ્રગટેલી કન્યા વરુણાની તરીકે ઓળખાય છે. શ્રીકૃષ્ણના નિ:શ્વાસમાંથી પવન પ્રગટયો, તેના ડાબા અંગમાંથી વાયવી દેવી પ્રગટી. શ્રીકૃષ્ણનું વીર્ય પાણીમાં પડ્યું. હજાર વર્ષ પછી ઈંડા રૂપે પ્રગટ્યું. શ્રીકૃષ્ણના કાનમાંથીબે દૈત્ય પ્રગટ્યા, તેઓ બ્રહ્માની હત્યા કરવા તત્પર થયા, એટલે ભગવાન નારાયણે બંનેને સાથળ પર સૂવડાવીને ચક્ર વડે મારી નાખ્યા. બંનેના મેદમાંથી આખી પૃથ્વી પ્રગટી. એટલે તેનું મેદિની પડ્યું. તેની અધિષ્ઠાત્રી દેવી એટલે વસુન્ધરા. શ્રીકૃષ્ણના ડાબા અંગમાંથી અદ્ભુત સૌંદર્યવાળી રાધા પ્રગટી. તેના રોમમાંથી ગોપાંગનાઓ પ્રગટી. શ્રીકૃષ્ણના રોમમાંથી ગોપગણ પ્રગટ્યા. પછી તેમાંથી યૌવનવાળી ગાયો પ્રગટી. તેમાં એક બળવાન બલીવર્દ હતો, શ્રીકૃષ્ણે તે નંદી શિવને આપી દીધો. શ્રીકૃષ્ણના પગના નખમાંથી હંસ પ્રગટ્યા. એમાંના એક રાજહંસ બ્રહ્માને આપ્યો. શ્રીકૃષ્ણના ડાબા કાનમાંથી શ્વેત અશ્વો પ્રગટ્યા. એમાંથી એક અશ્વ ધર્મને આપ્યો. પછી તેમના જમણા કાનમાંથી મહા બળવાન સિંહો પ્રગટ્યા, તેમાંથી એક સિંહ દુર્ગાને આપ્યો. આ ઉપરાંત કૃષ્ણે યોગબળથી પાંચ રથ પ્રગટાવ્યા. એક રથ નારાયણને, એક રથ રાધિકાને અને બાકીના પોતાના માટે રાખ્યા. શ્રીકૃષ્ણના ગુહ્ય દેશમાંથી એક પિંગલ પુરુષ પ્રગટ્યો, તે કુબેર. તેના ડાબા અંગમાંથી પ્રગટેલી મનોરમા કુબેરની પત્ની બની. તે ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ, વેતાલ પ્રગટ્યા. તેમના મોંમાંથી પાર્ષદો પ્રગટ્યા. પગમાંથી બે હાથવાળા પાર્ષદ પ્રગટ્યા. જમણા નેત્રમાંથી ભયંકર ગણ પ્રગટ્યા. પછી ડાબા નેત્રમાંથી ભયંકર પુરુષ નામે ઈશાન પ્રગટ્યો. કૃષ્ણના નાકમાંથી ડાકણો, યોગિનીઓ, ક્ષેત્રપાલો પ્રગટ્યા. (બ્રહ્મખંડ)

પરશુરામ અને ગણપતિની કથા

એક વાર પરશુરામ ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા. અનેક પ્રકારનાં સુશોભનો ત્યાં હતાં. અંદર પ્રવેશવા માટેના દ્વારની ડાબી-જમણી બાજુએ કાર્તિકેય, ગણેશ અને વિશાળકાય વીરભદ્ર હતા. ત્યાં મુખ્ય મુખ્ય પાર્ષદો અને ક્ષેત્રપાલો પણ રત્નજડિત આભૂષણો પહેરીને બેઠા હતા. મહાપરાક્રમી પરશુરામ તે બધાની સાથે વાત કરવા માટે આગળ વધ્યા. તેમને અટકાવીને ગણેશે કહ્યું, ‘થોડી વાર માટે ઊભા રહો. અત્યારે મહાદેવ ઊંઘી ગયા છે. હું તેમની આજ્ઞા લઈને આવું છું, અને તમને સાથે લઈ જઈશ.’ ગણેશની વાત સાંભળીને બૃહસ્પતિ સમાન કુશળ વક્તા પરશુરામે કહ્યું, ‘મિત્ર, હું ઈશ્વરને વંદન કરવા અંત:પુરમાં જવા માગું છું. તેમને અને માતા પાર્વતીને પ્રણામ કરીને તરત પાછો આવતો રહીશ.’ અને ભગવાનનો મહિમા ગાયો. ગણેશે તેમને બહુ સમજાવ્યા — અત્યારે શંકર અને પાર્વતી અંત:પુરમાં છે, તમારે ત્યાં નહીં જવું જોઈએ. પણ પરશુરામ જિદે ભરાયા. ઘણી બધી રીતે તેઓ અંદર જવાની વિનંતી કરતા રહ્યા, જ્યારે પરશુરામે બળજબરી કરવા માંડી ત્યારે ગણેશે તેમને અટકાવ્યા. બંને વચ્ચે વાદવિવાદ શરૂ થયો, મારામારી પણ. છેવટે પરશુરામે ગણેશ ઉપર હુમલો કરવા પરશુ ઉપાડ્યું. ત્યારે કાર્તિકેયે વચ્ચે પડીને પરશુરામને સમજાવ્યા. પરશુરામે ગણેશને ધક્કો મારી ગબડાવી પાડ્યા. ફરી પરશુરામે શસ્ત્ર ઉગામ્યું. ત્યારે ગણેશે પોતાની સૂંઢ લાંબી કરીને પરશુરામને લપેટી લીધા, અને ઘુમાવવા માંડ્યા. જેવી રીતે નાનકડા સાપને ગરુડ ઉપાડી લે તેવી રીતે યોગબળથી ગણેશે પરશુરામને જડવત્ બનાવી દીધા, અને એક પછી એક બધા લોકમાં તેમને ફેરવ્યા, પછી તેમને સમુદ્રમાં ફંગોળી દીધા. જ્યારે સમુદ્રમાં તેઓ તરવા લાગ્યા ત્યારે ફરી ઊંચકીને તેમને વૈકુંઠ અને ગોલોક દેખાડ્યા. ત્યારે કૃષ્ણ આભૂષણો પહેરીને સિંહાસન પર બેઠા હતા, અને રાધા તેમને આલિંગીને બેઠાં હતાં. આમ ભગવાનનાં દર્શન કરાવીને ગણેશે પરશુરામને પાપમુક્ત કરી દીધા. થોડી વારે પરશુરામમાં ચેતના આવી અને તેઓ ધરતી પર ગબડી પડ્યા. ગણેશે તેમને જડ બનાવી દીધા હતા. તે અવસ્થા પણ દૂર થઈ. પછી તેમણે શ્રીકૃષ્ણ, શંકર પાસેથી સાંપડેલા કવચનું સ્મરણ કર્યું. અને પોતાનું અમોઘ પરશુ ગણેશ ઉપર ફંગોળ્યું, પિતાના તે અમોઘ શસ્ત્રને આવતું જોઈ ગણેશે પોતાના ડાબા દાંતથી પકડી લીધું. મહાદેવના તેજને કારણે તે પરશુએ ગણેશનો દાંત જડમૂળથી કાપી નાખ્યો, અને પાછું પરશુરામના હાથમાં તે પહોંચી ગયું. આ જોઈ કાર્તિકેય, વીરભદ્ર અને ક્ષેત્રપાલ વગેરેએ ચીસરાણ મચાવી. ગણેશનો લોહીથી લથબથ દાંત જમીન પર પડ્યો અને એને કારણે ધરતી ધ્રૂજી ઊઠી. કૈલાસવાસી બધાં પ્રાણીઓ ડરી ગયાં. તે વેળા શંકર ભગવાનની ઊંઘ ઊડી ગઈ અને પાર્વતીની સાથે બહાર આવ્યા. ગણેશ ઘવાઈને પડ્યા હતા, તેમનું મોં લોહીથી લથબથ હતું. તેમનો ક્રોધ શમી ગયો હતો. લજવાઈને ઊભા રહ્યા હતા. તેમને આવી રીતે ઊભેલા જોઈને પાર્વતીએ સ્કન્દને શું બન્યું તે વિશે પૂછ્યું એટલે સ્કન્દે બીતાં બીતાં બધી વાત કહી. આ સાંભળીને માતાને ક્રોધ ચડ્યો. તે રુદન કરવા લાગ્યાં અને ગણેશને છાતીએ વળગાડીને શંકરને કહેવા લાગ્યાં, ‘જગતમાં બધા મને શંકરની દાસી તરીકે ઓળખે છે. મારા પુત્ર ગણેશ અને તમારા શિષ્ય પરશુરામ — આ બંનેમાંથી દોષ કોનો છે તે તમે નક્કી કરો. વીરભદ્ર, કાર્તિકેય આખી ઘટનાના સાક્ષી છે.’ પછી પાર્વતી પરશુરામને કહેવા લાગ્યા, ‘તમે તો ગુરુએ આપેલું અમોઘ શસ્ત્ર ગુરુપુત્ર ઉપર અજમાવ્યું અને તેમનો દાંત તોડી નાખ્યો. હવે તેમનું મસ્તક છેદી નાખો. શંકર ભગવાનના વરદાનથી તો શિયાળ વાઘસિંહને પણ મારી શકે.’ ક્રોધે ભરાયેલાં પાર્વતી પરશુરામને મારવા તત્પર થયાં, ત્યારે પરશુરામે શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. અને દુર્ગાએ પોતાની સામે એક બ્રાહ્મણ બટુકને જોયો… તેને જોઈને શંકર ભગવાને વંદન કર્યાં, પાર્વતીએ પણ દંડવત્ પ્રણામ કર્યા. પછી શંકર ભગવાને તેમની સ્તુતિ કરી. શ્રીકૃષ્ણે કહ્યું, ‘હું કૃષ્ણભક્ત પરશુરામની રક્ષા કરવા અહીં આવી ચઢ્યો છું… ઘણી બધી રીતે ગુરુમહિમા સમજાવતાં કહ્યું. વેદથી ચઢિયાતું કોઈ શાસ્ત્ર નથી, શ્રીકૃષ્ણથી ચઢિયાતો કોઈ દેવ નથી, ગંગા જેવું કોઈ તીર્થ નથી, તુલસી જેવું બીજું કોઈ પુષ્પ નથી… તમારો પુત્ર હવે એકદન્ત કહેવાશે, તે વિઘ્નહર્તા છે.’ પરશુરામને પણ તેમણે અપરાધી કહ્યા અને ગણેશવંદના કરવા કહ્યું, પછી પરશુરામે ગણેશસ્તુતિ કરી. (ગણપતિખંડ ૪૧-૪૫)

સૂર્ય — અગ્નિના દર્પભંગની કથા

સૂર્ય તો એક વાર ઉદય પામીને અસ્ત થઈ જતા હતા. પરંતુ માલી અને સુમાલી નામના બે રાક્ષસોએ સૂર્યાસ્ત પછી પણ પૃથ્વીને એવી જ પ્રકાશિત રાખવાનો સંકલ્પ કર્યો. ભગવાન શંકરના વરદાનથી આ બંને દૈત્ય મદોન્મત્ત થઈ ગયા હતા. તેમના તેજથી રાત્રિ થતી ન હતી. આ જોઈ સૂર્ય ક્રોધે ભરાયા અને તેમણે પોતાના શૂળ વડે આ બંને દૈત્ય ઉપર પ્રહાર કર્યો, અને એને પરિણામે બંને રાક્ષસ મૂર્ચ્છા પામીને ધરતી પર ઢળી પડ્યા. ભક્તોનો વિનાશ જોઈને શંકર ત્યાં આવ્યા અને પોતાની કૃપા વડે બંનેને જીવનદાન આપ્યું. પછી બંને ભગવાનને વંદન કરીને પોતાના નિવાસે જતા રહ્યા, પણ શંકર ભગવાન ક્રોધે ભરાયા અને સૂર્યને મારવા દોડ્યા. સંહારક દેવ મારો વિનાશ કરવા આવે છે તે જોઈને સૂર્યદેવ દોડીને બ્રહ્મા પાસે પહોંચ્યા. રોષે ભરાયેલા શંકરે શૂળ ઉઠાવીને બ્રહ્મલોક ઉપર આક્રમણ કર્યું. એટલે બ્રહ્મા તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માએ સૂર્યની સોંપણી શંકરને કરી, શંકરે સૂર્યને આશીર્વાદ આપ્યા. એક વેળા અગ્નિદેવ સો તાડ જેટલી ઊંચી જ્વાળાઓ વડે ત્રણે લોકને ભસ્મ કરવા તૈયાર થયા. મહર્ષિ ભૃગુએ તેમને શાપ આપ્યો હતો એટલે તે ભોંઠપ અને ક્રોધ અનુભવતા હતા. પોતાને તેજસ્વી અને બીજાઓને તુચ્છ માનીને ત્રણે લોકને ભસ્મ કરવા તૈયાર થયા. એટલામાં વિષ્ણુ ભગવાન બાળક બનીને તેમની પાસે આવ્યા, સામે ઊભા રહીને અગ્નિની દાહક શક્તિ હરી લીધી. બાળકે કહ્યું, ‘ભગવન્, તમે કેમ ક્રોધે ભરાયા છો? શા માટે ત્રણે લોકને ભસ્મ કરવા તૈયાર થયા છો? ભૃગુ ઋષિએ તમને આપેલા શાપનું દમન કરો. એક વ્યક્તિના અપરાધને કારણે ત્રણે લોકને ભસ્મ કરવાનું અનુચિત ગણાય. બ્રહ્માએ આ વિશ્વનું સર્જન કર્યું, શ્રીહરિ તેનું પાલન કરે છે, શંકર તેના સંહારક છે. શંકર ભગવાન છે છતાં તમે જગતને ભસ્મ કરવા કેમ તત્પર છો? પહેલાં જગતનું પાલન કરનાર વિષ્ણુને જીતો, પછી આનો સંહાર કરો.’ આમ કહી બાળકે એક સુકાઈ ગયેલા ઠૂંઠાને હાથમાં લીધું અને તેને ભસ્મ કરવા અગ્નિને આપ્યું સુકાયેલું લાકડું જોઈ અગ્નિએ જીભ પ્રસારી. પોતાની જ્વાળાઓમાં બાળકને પણ લઈ લીધો, જાણે મેઘ ઘટાઓમાં ચન્દ્ર ઢંકાઈ ગયો. પણ તે વખતે ન સૂકું લાકડું સળગી શક્યું કે ન બાળકને જરાય ઇજા થઈ. આ જોઈ અગ્નિદેવ ભોંઠા પડી ગયા. અગ્નિનું અભિમાન ચૂર કરીને બાળક અંતર્ધાન થઈ ગયું, અગ્નિ પણ ભય પામીને પોતાના નિવાસે જતા રહ્યા. (શ્રીકૃષ્ણખંડ અધ્યાય ૪૮) ધન્વંતરીનો દર્પભંગ એક વેળા સમુદ્રમંથન વેળા પ્રગટેલા ધન્વંતરી પોતાના શિષ્યો સાથે કૈલાસ પર્વત તરફ જવા નીકળ્યા. રસ્તામાં જીભ લપલપાવતો તક્ષક ત્યાં હતો. ભયંકર વિષધારી સાપ અનેક નાગોથી ઘેરાયેલો હતો. તે ધન્વંતરીને ડસવા આગળ આવી રહ્યો હતો. આ જોઈ ધન્વંતરીનો શિષ્ય દંભી હસવા લાગ્યો. તેણે મંત્ર વડે તક્ષકને જડ બનાવી દીધો અને તેના માથા પરથી કિંમતી મણિ લઈ લીધો. એટલું જ નહીં, તક્ષકને હાથ વડે ભમાવીને દૂર ફેંકી દીધો. તક્ષક શબવત્ ત્યાં પડી રહ્યો. આ જોઈ સેવકોએ બધા સમાચાર વાસુકિને આપ્યા. આ સાંભળી વાસુકિ રાતાપીળા થઈ ગયા. તેમણે ભયંકર ઝેરીલા નાગ ત્યાં મોકલ્યા — દ્રોણ, કાલિય, કકોર્ટક, પુંડરીક અને ધનંજય. ધન્વંતરી જ્યાં બેઠા હતા ત્યાં બધા નાગ આવ્યા. આટલા બધા નાગને જોઈ ધન્વંતરીના શિષ્યો ડરી ગયા. બધા નાગોના ઉચ્છ્વાસથી મૃત:પ્રાય થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. ધન્વંતરીએ ગુરુનું સ્મરણ કરીને મંત્રોચ્ચાર કર્યો અને અમૃતવર્ષા કરીને બધા શિષ્યોને જીવતા કર્યા. પછી તેમણે મંત્રો વડે ભયંકર ઝેરીલા સાપસમૂહને જડવત્ બનાવી દીધો. — જાણે તેઓ મૃત્યુ પામ્યા ન હોય. નાગરાજને સમાચાર પહોંચાડવા પણ કોઈ રહ્યું નહીં. પણ નાગરાજ વાસુકિ તો સર્વજ્ઞ. તેમણે બધા નાગલોકોનું સંકટ જાણી લીધું. પછી પોતાની બહેન (મનસા) જરત્કારુને બોલાવી. ‘મનસા, તું જા અને નાગલોકોની રક્ષા કર. આમ કરવાથી ત્રણે લોકમાં તારી પૂજા થશે.’ વાસુકિની વાત સાંભળી મનસા હસી પડી અને બોલી, ‘નાગરાજ, મારી વાત સાંભળો. શુભ — અશુભ — જય — પરાજય તો નિયતિના હાથમાં છે પણ હું યોગ્ય કર્તવ્યનું પાલન કરીશ. સમરાંગણમાં રમતાં રમતાં શત્રુનો સંહાર કરીશ. જેને હું મારું તેની રક્ષા કોણ કરી શકે? મારા મોટા ભાઈ શેષે — ગુરુ ભગવાને મને જગદીશ્વર નારાયણનો અદ્ભુત મંત્ર આપ્યો છે. હું મારા ગળામાં ત્રૈલોક્ય મંગલ નામનું કવચ પહેરું છું, સંસારને ભસ્મ કરી ફરી તેનું સર્જન કરી શકું. મંત્રવિદ્યામાં હું ભગવાન શંકરની શિષ્યા છું. ભૂતકાળમાં ભગવાન શંકરે જ કૃપા કરીને મહાન જ્ઞાન આપ્યું હતું.’ આમ કહી મનસા શ્રીહરિ, શિવ અને શેષનાગને પ્રણામ કરી મનમાં હર્ષ અને ઉત્સાહ સાથે બીજા નાગોને ત્યાં જ મૂકીને નીકળી પડી. તે સમયે મનસા દેવીની આંખો રોષથી રાતીચોળ હતી. પ્રસન્નવદન ધન્વંતરી જ્યાં બેઠા હતા ત્યાં તે દેવી આવી ચઢી. તેમણે દૃષ્ટિમાત્રથી બધા સાપને જીવતા કરી દીધા અને પોતાની ઝેરીલી દૃૃષ્ટિથી શત્રુના શિષ્યોને નિશ્ચેષ્ટ બનાવી દીધા. ભગવાન ધન્વંતરી મંત્રવિદ્યામાં કુશળ હતા, તેમણે મંત્રો વડે શિષ્યોને જીવનદાન આપવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન થયા, ત્યારે મનસાદેવીએ ધન્વંતરી સામે જોઈને હસીને અહંકારયુક્ત વાણી કહી, ‘સિદ્ધ પુરુષ, કહો જોઈએ — તમે મન્ત્રનો અર્થ, મંત્રભેદ, મહાન ઔષધનું જ્ઞાન ધરાવો છો ને? ગરુડના શિષ્ય છો ને? હું અને ગરુડ બંને ભગવાન શંકરના શિષ્ય છીએ અને લાંબા સમય સુધી ગુરુ પાસેથી વિદ્યા મેળવી છે.’ આમ કહી મનસા સરોવરમાંથી એક કમળ લઈ આવી, તેને મંત્રીને ક્રોધપૂર્વક ધન્વંતરી ઉપર ફેંક્યું. પ્રજ્વલિત અગ્નિશિખા જેવા કમળને પોતાની પાસે આવતું જોઈને ધન્વંતરીએ નિ:શ્વાસ નાખીને તેને ભસ્મ કરી દીધું. એટલે મૂઠી ધૂળ મંત્રીને ફેંકી તો તેને પણ ભસ્મ કરી દીધી. પછી ગ્રીષ્મકાળના સૂર્ય જેવી પ્રકાશિત શક્તિ મંત્રીને ધન્વંતરી ઉપર ફેંકી, એ ભયાનક શક્તિને આવતાં જોઈ ધન્વંતરીએ ભગવાન વિષ્ણુએ આપેલા શૂલ વડે તેના ટુકડેટુકડા કરી નાખ્યા. આ જોઈને મનસા દેવી રાતીપીળી થઈ ગઈ. હવે તેણે કદી નિષ્ફળ ન જનાર ભયંકર નાગપાશ હાથમાં લીધો, તેમાં એક લાખ નાગ હતા, ભયાનક પાશ તેજસ્વી હતો. તે પાશ ધન્વંતરી ઉપર ફેંક્યો. નાગપાશ જોઈને ધન્વંતરી પ્રસન્ન થઈ ગયા. તરત જ ગરુડનું સ્મરણ કર્યું, એટલે પક્ષીરાજ ત્યાં આવી પહોંચ્યા, લાંબા સમયથી ભૂખ્યા ગરુડે બધા નાગલોકોને પોતાનું ભોજન બનાવી દીધા. આ નાગપાશને નિષ્ફળ જોઈ મનસાની આંખો રાતીચોળ થઈ ગઈ. ભૂતકાળમાં શંકર ભગવાને આપેલી ભસ્મ ફેંકી, પક્ષીરાજ ગરુડે ધન્વંતરીને પાછળ ધકેલીને પોતાની પાંખોના પવનથી એ ભસ્મને વિખેરી નાખી. આ જોઈને મનસા દેવી વધુ ક્રોધે ભરાઈ. ધન્વંતરીનો વધ કરવા માટે અમોઘ શૂલ હાથમાં લીધું. આ શૂલ પણ શંકર ભગવાને આપ્યું હતું. તેનું તેજ સેંકડો સૂર્ય જેવું હતું. તે શૂલ ત્રણે લોકમાં પ્રલયાગ્નિ જેવું તેજસ્વી હતું. તે વેળા ધન્વંતરીની રક્ષા માટે અને ગરુડના સમ્માન માટે બ્રહ્મા અને શિવ ત્યાં આવ્યા. આ બંને દેવને જોઈ મનસાએ તેમને પ્રણામ કર્યાં. તે વેળા પણ તેના હાથમાં શૂલ તો હતું જ. ધન્વંતરીએ અને ગરુડે પણ દેવોને વંદન કર્યા. બંને દેવોએ આ બંનેને આશીર્વાદ આપ્યા. પછી લોકહિત માટે મનસા દેવીની પૂજાના પ્રચાર માટે બ્રહ્માએ ધન્વંતરીને મધુર વાણીમાં કહ્યું, ‘બધાં જ શાસ્ત્રોના વિદ્વાન એવા ધન્વંતરી, મનસા દેવી સાથે તમારું યુદ્ધ જરાય યોગ્ય નથી. તેની તુલનામાં તમારી પાસે ક્ષમતા ઓછી છે. શિવે આપેલા આ શૂલ વડે તે ત્રણે લોકને ભસ્મ કરી શકશે. તમે એની ષોડશોપચાર વડે સ્તુતિ કરો. આસ્તિક મુનિએ આપેલા સ્તોત્ર વડે તેની પૂજા કરો. એનાથી સંતુષ્ટ થઈ મનસા દેવી તમને વરદાન આપશે.’ બ્રહ્માની આ વાતને શંકર ભગવાને પણ ટેકો આપ્યો. પછી ગરુડે પ્રેમથી તેમને સમજાવ્યા. બધાની વાત સાંભળીને ધન્વંતરીએ સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરી મનસા દેવીની વંદના કરી, દેવીએ પ્રસન્ન થઈને ધન્વંતરીને વરદાન આપ્યું. (શ્રીકૃષ્ણજન્મખંડ અધ્યાય ૫૧)

તુલસી કથા

એક સમયે તુલસી પ્રસન્ન ચિત્તે સૂઈ રહી હતી ત્યારે સ્વપ્નમાં સુંદર વસ્ત્ર પહેરેલો એક પુરુષ જોયો. નવયુવકના મોં પર સ્મિત હતું, આખા શરીરે ચંદનની અર્ચા હતી. ગળામાં સુંદર માળા હતી. તેના નેત્રભ્રમર તુલસીના મુખકમળનું પાન કરી રહ્યા હતા. આ સ્વપ્નમાંથી જાગીને તુલસી દુઃખી થઈ. તરુણી બનેલી તુલસી ત્યાં રહીને સમય વીતાવતી હતી. તે વેળા મહાન યોગી શંખચૂડનું આગમન બદરીવનમાં થયું. કોઈ મુનિની કૃપાથી શ્રીકૃષ્ણનો મનોહર મંત્ર તેને પ્રાપ્ત થયો હતો. સર્વમંગલમય કવચથી તેનું ગળું શોભી રહ્યું હતું. બ્રહ્માનું વરદાન હતું અને તેમની આજ્ઞાથી જ તે અહીં આવ્યો હતો. તેના પર તુલસીની નજર પડી. તેની કાન્તિ અતિ સુંદર શ્વેત ચંપા જેવી. તેનું મોં શરદ્પૂર્ણિમાના ચંદ્ર જેવું. તેનાં નેત્ર શરદ્ ઋતુના પ્રફુલ્લ કમળ જેવાં, તેના ગળામાં પારિજાતપુષ્પોનો હાર હતો. કસ્તુરી — કુંકુમયુક્ત સુવાસિત ચંદનની અર્ચા તેના શરીરે હતી. મનમોહક શંખચૂડ અમૂલ્ય રત્નોવાળા વિમાનમાં બેઠેલો હતો. શંખચૂડને જોઈને તુલસીએ વસ્ત્ર વડે પોતાનું મોં ઢાંકી દીધું. લજ્જાને કારણે તેનું મોં નીચે ઢળ્યું હતું. શરદ્પૂર્ણિમાનો ચંદ્ર તેના દિવ્ય મુખ આગળ તુચ્છ હતો. અમૂલ્ય રત્નોવાળા ઝાંઝર તેના પગની શોભા વધારતા હતા. ઉત્તમ મણિઓવાળો કંદોરો સુંદર ધ્વનિ કરતો કમરને શોભાવતો હતો. માલતીપુષ્પોની માળાવાળો કેશકલાપ તેના મસ્તકે શોભતો હતો. તેના કાનમાં અમૂલ્ય રત્નોવાળા મકરાકૃત કુંડળ હતાં. સર્વોત્તમ રત્નજડિત હાર તેના વક્ષ:સ્થળને દીપાવતો હતો. રત્નમય કંકણ, કેયૂર, શંખ, વીંટીઓ તે દેવીની શોભા વધારતા હતા. આવા સમૃદ્ધ શરીરથી શોભતી સુંદરી તુલસીને જોઈ શંખચૂડ તેની પાસે બેસીને બોલ્યો, ‘દેવી, તું કોણ છે? તારા પિતા કોણ? તું સંપૂર્ણ સ્ત્રીઓમાં ધન્યવાદ અને આદરપાત્ર છે. મંગલ પ્રદાન કરનારી હે કલ્યાણી, તું કોણ છે? સદા સમ્માનપાત્ર સુંદરી, તારો પરિચય આપવાની કૃપા કર.’ સુંદર નેત્રો ધરાવતી તુલસીએ શંખચૂડની વાત સાંભળીને મોં નીચે કરીને કહેવા માંડ્યું, ‘મારા પિતા ધર્મધ્વજ છે. તપ કરવાના આશયથી આ વનમાં છું. તમે કોણ છો? તમે અહીંથી જતા રહો. ઉચ્ચ કુળવાન, એકલી કન્યા સાથે એકાન્તમાં કોઈ કુલીન પુરુષ વાત કરતા નથી આવું મેં સાંભળ્યું છે. જેણે ધર્મશાસ્ત્ર વાંચ્યાં નથી, શ્રુતિનો અર્થ સાંભળ્યો નથી તે દુરાચારી પુરુષ જ કામી બનીને પરસ્ત્રીની ઇચ્છા કરે. સ્ત્રીની મધુર વાણીમાં કશો સાર નથી. તે નિત્ય અભિમાનગ્રસ્ત રહે છે. ખરેખર તો ઝેર ભરેલા ઘડા જેવી છે. તેનું મોં જોઈને તમને લાગે કે આ મુખ અમૃતમય છે, સંસાર રૂપી કારાગારમાં તેને જકડવા માટે સાંકળ જેવી છે. સ્ત્રીને ઇન્દ્રજાલસ્વરૂપા અને સ્વપ્ન સમાન મિથ્યા તરીકે ઓળખાવી છે. બહારથી તો તે અત્યંત સુંદર દેખાય પણ તેની અંદરના અંગ કુત્સિત છે. તેના શરીરમાં મળમૂત્ર ભરેલાં છે. રક્તરંજિત અને દોષવાળી તેની કાયા કદી પવિત્ર નથી રહેતી. સૃષ્ટિના રચનાકાળે બ્રહ્માએ આ માયાવી સ્ત્રીનું સર્જન કર્યું છે. મોક્ષના ઇચ્છુકો માટે તે વિષ છે. એટલે જ મુમુક્ષુ સ્ત્રીને જોવા પણ માગતા નથી.’ આમ કહીને તુલસી ચૂપ થઈ ગઈ. શંખચૂડ હસતાં હસતાં બોલ્યો, ‘દેવી, તમે જે કહ્યું તેમાં અસત્ય નથી પણ મારી સત્યાસત્યવાળી વાત સાંભળો. વિધાતાએ બે પ્રકારની સ્ત્રીઓ સર્જી. વાસ્તવસ્વરૂપા અને કૃત્યા સ્વરૂપા. બંને એક સરખી સુંદર પણ એક પ્રશસ્ત અને બીજી અપ્રશસ્ત. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી, રાધિકા — આ પાંચ સૃષ્ટિના મૂળ કારણ રૂપ છે. આ આદ્ય દેવીઓના પ્રાદુર્ભાવ માત્ર સૃષ્ટિસર્જન માટે. આના અંશમાંથી પ્રગટેલી ગંગા વગેરે દેવીઓ વાસ્તવ સ્વરૂપા. તે શ્રેષ્ઠ છે. આ યશ:સ્વરૂપા, સંપૂર્ણ મંગલોની જનની છે. શતરૂપા, દેવહૂતિ, સ્વધા, સ્વાહા, દક્ષિણા, છાયાવતી, રોહિણી, વરુણાની, શચી, કુબેરપત્ની, અદિતિ, દિતિ, લોપામુદ્રા, અનસૂયા, કોટિવી, તુલસી, અહલ્યા, અરુંધતી, મેના, તારા, મંદોદરી, દમયંતી, વેદવતી, ગંગા, મનસા, પુષ્ટિ, તુષ્ટિ, સ્મૃતિ, મેધા, કાલિકા વસુંધરા, ષષ્ઠી, મંગલચંડી, ધર્મપત્ની, મૂર્તિ, સ્વસ્તિ, શ્રદ્ધા, શાન્તિ, કાન્તિ, ક્ષમા, નિદ્રા, તન્દ્રા, ક્ષુધા, પિપાસા, સંધ્યા, રાત્રિ, દિવા, સંપત્તિ, ધૃતિ, કીર્તિ, ક્રિયા, શોભા, પ્રભા, શિવા — સ્ત્રી રૂપે પ્રગટેલી આ દેવીઓ પ્રત્યેક યુગમાં ઉત્તમ. સ્વર્ગની અપ્સરાઓ કૃત્યાસ્વરૂપા છે. અખિલ વિશ્વમાં તે પુંશ્ચલીરૂપે છે… કુલીન પુરુષો એકાંતમાં પરસ્ત્રીઓ સાથે બોલતા નથી, એ વાત બરાબર. પરંતુ હું અત્યારે બ્રહ્માની આજ્ઞાથી ત,ારી કાર્યસિદ્ધિ માટે આવ્યો છું. ગાંધર્વવિવાહ પ્રમાણે તમને હું સહધર્મિણી બનાવીશ. દેવતાઓમાં હાહાકાર મચાવનાર હું શંખચૂંડ છું. હું પૂર્વજન્મમાં શ્રીહરિ સાથે રહેનારો સુદામા નામનો ગોપ હતો, ભગવાનના આઠ પાર્ષદોમાં હું એક. દેવી રાધિકાના શાપે હું અત્યારે દાનવેન્દ્ર છું. તમે પણ પૂર્વજન્મમાં કૃષ્ણ પાસે રહેનારાં તુલસી હતાં. તમે પણ રાધિકાના શાપે પૃથ્વી પર અવતર્યાં છો.’ આમ કહીને શંખચૂંડ ચૂપ થઈ ગયો, તુલસી પ્રસન્ન થઈ ઊઠી, તેના મોં પર સ્મિત છવાયું અને તે બોલી, ‘આ પ્રકારના સદ્વિચારથી ભરેલા પુરુષ જગતમાં પ્રશંસાપાત્ર છે. સ્ત્રી આવા જ પતિને ઇચ્છતી હોય છે. અત્યારે હું તમારા શુભ વિચારોથી પરાજિત થઈ ગઈ. જે પુરુષને સ્ત્રી જીતી લે છે તે પુરુષ અપવિત્ર, તેવાની નિંદા દેવતા, પિતૃઓ અને બાંધવો કરે છે. માતાપિતા, ભાઈ પણ મનોમન તથા શબ્દ દ્વારા તેની નિંદા કરે છે. જેવી રીતે જન્મ અને મૃત્યુના સૂતકથી બ્રાહ્મણ દસ દિવસમાં, ક્ષત્રિય બાર દિવસોમાં, વૈશ્ય પંદર દિવસે અને શૂદ્રો એક મહિને પવિત્ર થાય છે તેવી રીતે ગાંધર્વ વિવાહસંબધી પતિપત્નીની સંતતિ સમય પ્રમાણે શુદ્ધ થાય છે. તેમાં વર્ણસંકર દોષ નથી આવતો. આ વાત શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. સ્ત્રીજિત મનુષ્યની શુદ્ધિ જીવનભર નથી થતી. ચિતા પર જ તેની મુક્તિ થાય છે. સ્ત્રીજિત મનુષ્યના પિતૃઓ તેના દ્વારા અપાયેલા પિંડ, તર્પણને સ્વેચ્છાએ સ્વીકારતા નથી. દેવતાઓ પણ તેણે ચઢાવેલાં પુષ્પ, જળ સ્વીકારતા નથી. જેના મનને સ્ત્રીએ હરી લીધું છે તે વ્યક્તિને જ્ઞાન, તપ, જપ, હોમ, પૂજન, વિદ્યા અથવા યશથી શો લાભ? મેં વિદ્યાનો પ્રભાવ જાણવા માટે જ તમારી પરીક્ષા કરી છે. કામિની સ્ત્રીનું મુખ્ય કર્તવ્ય છે કે કાન્તની પરીક્ષા કર્યા પછી જ તેનો પતિરૂપે સ્વીકાર કરવો… જે વ્યક્તિ કન્યાને ઉછેરીને લાચારીથી કે ધનલોભે કન્યાવિક્રય કરે છે તે કુંભીપાક નરકમાં જાય છે. તે પાપીને નરકમાં ભોજન રૂપે કન્યાનાં મળમૂત્ર પ્રાપ્ત થાય છે.’ એટલામાં ત્યાં બ્રહ્માએ આવીને કહ્યું, ‘અરે શંખચૂડ, તું આ દેવી સાથે શી વાત કરે છે? હવે ગાંધર્વવિવાહ પ્રમાણે તું તેનો પત્ની રૂપે સ્વીકાર કર, એ તારે માટે જરૂરી છે. પુરુષોમાં તું રત્ન અને સ્ત્રીઓમાં આ દેવી રત્ન.’ પછી બ્રહ્માએ તુલસીને કહ્યું, ‘અરે તું આવા ગુણવાન પતિની કેવી પરીક્ષા કરે છે? દેવ, દાનવ, અસુર — બધાને કચડી નાખવાની શક્તિ તેનામાં છે. જેવી રીતે નારાયણ પાસે લક્ષ્મી, શ્રીકૃષ્ણ પાસે રાધા, મારી પાસે સાવિત્રી, વરાહ પાસે પૃથ્વી, યજ્ઞ પાસે દક્ષિણા, અત્રિ પાસે અનસૂયા, નલ પાસે દમયંતી, ચંદ્ર પાસે રોહિણી, કામદેવ પાસે રતિ, કશ્યપ પાસે અદિતિ, વસિષ્ઠ પાસે અરુંધતી, ગૌતમ પાસે અહલ્યા, કર્દમ પાસે દેવહૂતિ, બૃહસ્પતિ પાસે તારા, મનુ પાસે શતરૂપા, અગ્નિ પાસે સ્વાહા, ઇન્દ્ર પાસે શચી, ગણેશ પાસે પુષ્ટિ, સ્કન્દ પાસે દેવસેના, ધર્મ પાસે મૂર્તિ પત્ની રૂપે શોભે છે તેવી રીતે તું આ શંખચૂડની સૌભાગ્યવતી પિયા બની જાઓ, શંખચૂડના મૃત્યુ પછી તું ફરી ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે જતી રહીશ અને પછી વૈકુંઠમાં ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને પામીશ.’ શંખચૂડ અને તુલસીને આ પ્રકારે આજ્ઞા-આશીર્વાદ આપીને બ્રહ્મા પોતાના સ્થાને ગયા. શંખચૂડે ગાંધર્વવિવાહ કરીને તુલસીને પોતાની પત્ની બનાવી લીધી. સ્વર્ગમાં દુંદુભિગાન થયું, આકાશમાંથી પુષ્પવર્ષા થઈ. પછી શંખચૂડ પોતાના મહેલમાં જઈ આનંદપૂર્વક તુલસી સાથે રહેવા લાગ્યો અને લાંબા સમય સુધી રાજ્ય કર્યું. દેવ, દાનવ, અસુર, ગંધર્વ, કિન્નર, રાક્ષસ — બધા જ તેના રાજ્યમાં શાંતિથી રહેતા હતા. અધિકાર છિનવાઈ જવાને કારણે દેવતાઓની સ્થિતિ યાચક જેવી થઈ ગઈ. તે બધા ઉદાસ થઈને બ્રહ્મલોકમાં ગયા, પોતાની સ્થિતિ વર્ણવી વિલાપ કરવા લાગ્યા. બ્રહ્મા બધાને લઈને શંકર પાસે ગયા અને ચંદ્રચૂડ શંકરને બધી વાત કહી. પછી બ્રહ્મા અને શંકર દેવતાઓને લઈને વૈકુંઠમાં ગયા. ત્યાંનાં વૈભવ — શોભા જોઈને બધા મુગ્ધ થઈ ગયા. શ્રીહરિ આગળ દેવતાઓએ પોતાનું દુઃખ વર્ણવ્યું. બ્રહ્માની વાત સાંભળીને ભગવાનને હસવું આવ્યું અને પછી તે બોલ્યા, ‘આ મહાતેજસ્વી શંખચૂડ પૂર્વજન્મમાં એક ગોપ હતો. તે મારો જ અંશ હતો. મારી ભક્તિ કરતો હતો. હવે તેની કથા સાંભળો. શંખચૂડ સુદામા નામે પ્રસિદ્ધ ગોપ હતો. રાધાના શાપે તે દાનવ રૂપે જન્મ્યો. રાધા તો કરુણાસાગર છે. શાપ આપતાં તો આપી દીધો. મને પ્રણામ કરીને સુદામા જ્યારે બહાર જવા લાગ્યો ત્યારે કૃપા કરતી રાધાએ તેને રોકી પાડ્યો. ‘સુદામા, ક્યાં જાય છે. ના જઈશ.’ મેં રાધાને સમજાવી અને કહ્યું, ‘બધા ધીરજ રાખો. આ સુદામા અડધી ક્ષણમાં શાપ ભોગવીને પાછો આવતો રહેશે. સુદામા, તું અહી આવતો રહેજે.’ એમ કહીને મેં કોઈક રીતે રાધાને શાંત કરી. ગોલોકની અર્ધી ક્ષણ એટલે ધરતી પર એક મન્વન્તરનો સમય.’ આમ બધી માયાઓનો જાણકાર, બળવાન શંખચૂડ સમય થશે એટલે ગોલોકમાં પાછો જશે. તમે મારું આ ત્રિશૂળ લઈને ધરતી પર જાઓ. શંકર આ ત્રિશૂળ વડે શંખચૂડનો વધ કરશે. દાનવ શંખચૂડ ગળામાં મારા જ મંગલદાયી કવચ ગળામાં પહેરી રાખે છે. એટલે તે વિશ્વવિજયી બન્યો છે. જ્યાં સુધી તેના ગળામાં એ કવચ છે ત્યાં સુધી કોઈ એને મારી નહીં શકે. હું બ્રાહ્મણવેશે તેની પાસે કવચ માગીશ, વળી જે ક્ષણે તેની પત્નીનું સતીત્વ નાશ પામશે તે સમયે એનું મૃત્યુ થશે. આ વરદાન તેને છે. એટલે તેની પત્નીના ઉદરમાં હું મારું વીર્ય સ્થાપીશ. (મારી નિત્યપ્રિયા તુલસી છે એટલે સર્વાત્મા એવા મને કોઈ દોષ નહીં લાગે), એટલે શંખચૂડ મૃત્યુ પામશે. પછી તે દાનવપત્ની પ્રાણત્યાગ કરીને ફરી મારી પ્રિય પત્ની બની જશે. આમ ભગવાને ત્રિશૂળ શંકરને સોંપી દીધું અને ત્રિશૂળ લઈને રુદ્ર તથા બ્રહ્મા બીજા દેવોને લઈને ધરતી પર જવા નીકળ્યા. બ્રહ્મા શંકરને કાર્યભાર સોંપીને પોતાના સ્થાને ગયા, દેવતાઓ પણ પોતપોતાના સ્થાને ગયા. ચંદ્રભાગા નદીના કાંઠે સુંદર વડ નીચે દેવતાઓનું કલ્યાણ કરવાનો વિચાર કરતા મહાદેવ બેઠા. ગંધર્વરાજ પુષ્પદંત શંકરનો ચાહક હતો. તેમણે તેને દૂત બનાવીને શંખચૂડ પાસે મોકલ્યો. તેમની આજ્ઞા માથે ચડાવી પુષ્પદંત તે જ વખતે શંખચૂડની નગરીએ જવા નીકળી પડ્યો. દાનવરાજની નગરી અમરાવતી કરતાંય ચઢિયાતી હતી. કુબેરભવન તો સાવ તુચ્છ હતું. તે નગરીની લંબાઈ દસ યોજન અને પહોળાઈ પાંચ યોજન હતી. સ્ફટિકમણિ જેવાં રત્નોથી મઢેલી દીવાલ હતી. સાત દુર્ગમ ખાઈઓ હતી. પ્રજ્વલિત અગ્નિ જેવા ચમકતા કરોડો રત્નો વડે તેનું નિર્માણ થયું હતું. તેમાં સેંકડો સુંદર માર્ગ હતા અને મણિમય વેદીઓ હતી. વ્યાપારકુશળ પુરુષોએ બનાવેલાં ભવન, ઊંચા મહેલ ચારે બાજુએ હતાં. તેમાં અમૂલ્ય વસ્તુઓ હતી. સિંદૂરવર્ણા મણિઓ દ્વારા બનાવેલા અસંખ્ય, દિવ્ય આશ્રમો એ નગરની શોભામાં વૃદ્ધિ કરતા હતા. આવા સુંદર નગરમાં પુષ્પદંતે શંખચૂડનો મહેલ જોયો. તે નગરની વચ્ચોવચ હતો. પૂર્ણચંદ્ર જેવા ગોળ વલય જેવું એ નગર હતું. પ્રજ્વલિત અગ્નિજ્વાળાઓની જેમ તેમાં ચારે બાજુ ખાઈ હતી. શત્રુઓને ત્યાં પ્રવેશ કરવો દુર્ગમ હતો. પણ હિતેચ્છુઓ ત્યાં સુગમતાથી પ્રવેશ કરી શકતા હતા. ખૂબ જ ઊંચા, આકાશચુંબી મણિમય ભીંતો ચારે બાજુ હતી. પ્રત્યેક દ્વારે દ્વારપાલ હતો. સર્વશ્રેષ્ઠ મણિ દ્વારા શોભતા લાખો મંદિર, ખૂબ જ સોપાનશ્રેણીઓ, રત્નજડિત થાંભલા હતા. એક દ્વાર જોયા પછી પુષ્પદંતે બીજું દ્વાર જોયું. ત્યાં ત્રિશૂળધારી એક પુરુષ હતો, તેના મોં પર હાસ્ય હતું. શરીરનો વર્ણ તાંબા જેવો હતો. ભયાનક દેખાતા તે દ્વારપાલની આજ્ઞા લઈને પુષ્પદંત બીજા દ્વારને ઓળંગીને આગળ વધ્યો. આવાં નવ દ્વાર ઓળંગીને તે અંદર ગયો, ત્યાં પરમ મનોહર શંખચૂડ સુવર્ણ આસન પર રાજાઓની વચ્ચે બેઠો હતો. તેના માથે સુવર્ણછત્ર ધરીને એક સેવક ઊભો હતો. એ છત્રનો દંડ રત્નમય હતો. રત્નનિર્મિત કૃત્રિમ પુષ્પ તેની શોભા વધારતાં હતાં. શ્વેત અને ચમકતા ચામર લઈને અનેક પાર્ષદ શંખચૂડની સેવામાં રોકાયેલા હતા. ઉત્તમ પોશાક અને રત્નમય અલંકારોથી તેની સુંદરતા વિશેષ વરતાતી હતી. તેના ગળામાં માળા હતી, શરીરે ચંદનની અર્ચા હતી, સુંદર, સુશોભિત અસંખ્ય પ્રસિદ્ધ દાનવોથી તે ઘેરાયેલો હતો, બીજા કેટલાક દાનવ હાથમાં શસ્ત્ર લઈને ઘૂમતા હતા. શંખચૂડનો આવો વૈભવ જોઈને પુષ્પદંત ચકિત થઈ ગયો. પછી શંકરનો યુદ્ધ વિષયક સંદેશ શંખચૂડને સંભળાવ્યો. ‘રાજેન્દ્ર, હું ભગવાન શંકરનો દૂત પુષ્પદંત છું. શંકર ભગવાને કહેલી વાતો હું તમને કહી રહ્યો છું, તે કૃપા કરી સાંભળો. તમે દેવતાઓનું રાજ્ય અને તેમના અધિકાર પાછા આપી દો. દેવતાઓ શ્રી હરિ પાસે ગયા હતા. ભગવાને પોતાનું ત્રિશૂળ મહાદેવને આપી તમારો વિનાશ કરવા કહ્યું છે. અત્યારે ત્રિનેત્રી શંકર ભગવાન ચંદ્રભાગા નદીકાંઠે વડ નીચે બેઠા છે. તમે કાં તો દેવતાઓનું રાજ્ય સોંપી દો અથવા ભગવાન શિવ સાથે યુદ્ધ કરો. મારે ભગવાન પાસે જઈને શું કહેવું તે પણ કહો.’ પુષ્પદંતની વાત સાંભળીને દાનવ શંખચૂડ હસી પડ્યો. ‘દૂત, આવતી કાલે સવારે હું કૂચ કરીશ, તમે જાઓ.’ પુષ્પદંતે વડ નીચે બેઠેલા શંકર પાસે જઈને શંખચૂડે કહેલી વાત સંભળાવી સાથે તેની પાસે જે સૈન્ય હતું તેનો પરિચય આપ્યો. એટલામાં યોજના પ્રમાણે કાર્તિકેય શંકર ભગવાન પાસે આવ્યા. બીજા અનેક દેવો પણ આવ્યા. ઉપરાંત અનેક દેવીઓને લઈને ભગવતી ભદ્રકાળી પણ આવી. તે દેવી અત્યંત કિંમતી રત્નોવાળા વિમાનમાં બેઠી હતી. તેમના શરીરે લાલ વસ્ત્ર હતું. ગળામાં લાલ પુષ્પોનો હાર હતો. બધાં જ અંગે લાલ ચંદનની અર્ચા હતી. અભય સ્વરૂપિણી ભદ્રકાળી નૃત્ય, હાસ્ય, મધુર ગીત, ભક્તોને અભય, શત્રુઓને ભયભીત કરવા — તેમનો સહજ સ્વભાવ બની ગયો હતો. અનેક અસ્ત્રશસ્ત્ર લઈને ભગવતી ભદ્રકાળી કેટલીય યોગિનીઓને લઈને આવી ચઢ્યાં. ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ પણ આવી ચઢ્યા. આ બધાને સાથે રાખીને કાર્તિકેયે પિતા શંકરને પ્રણામ કર્યાં અને તેમની આજ્ઞા લઈને પાસે બેઠા. આ બાજુ દૂતના ગયા પછી શંખચૂડે અંત:પુરમાં જઈને પત્ની તુલસીને યુદ્ધવિષયક વાતો કહી. એ સાંભળતાંની સાથે જ તુલસીના હોઠ અને ગળું સુકાઈ ગયાં. તેનું હૃદય વિહ્વળ બની ગયું. તેણે મધુર શબ્દો વડે કહ્યું, ‘તમે મારા પ્રાણોના અધિષ્ઠાતા છો. તમે બેસો. મારા જીવનની રક્ષા કરો. હું મારી આંખે તમારું દર્શન કરી લઉં. મારા પ્રાણ ફફડી ઊઠ્યા છે. આજે રાતના અંતિમ પહોરે દુ:સ્વપ્ન જોયું છે.’ મહારાજ શંખચૂડ જ્ઞાની હતો. તુલસીની વાત સાંભળીને ભોજન કર્યું, જલ પીધું. પછી તુલસીને સત્ય, હિતકારક વાત કહી. કાળનો મહિમા, શ્રીકૃષ્ણની શ્રેષ્ઠતા સમજાવી. તને ભગવાન નારાયાણ પતિરૂપે મળશે જ, બદરિકાશ્રમમાં તેમને માટે જ તેં તપ કર્યું હતું. તપસ્યા અને બ્રહ્માના વરદાનથી હું તને પામી શક્યો. હું પણ આ દાનવશરીરનો ત્યાગ કરીને દિવ્યલોકમાં જઈશ, ત્યાં આપણે એકબીજાને મળીશું.’ આમ કહી શંખચૂડે તુલસીને સમજાવી, એટલામાં સાંજ પડી ગઈ. ફરી શંખચૂડે શ્રીકૃષ્ણ પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાન તુલસીને કહ્યું. તે પ્રસન્ન થઈ ઊઠી. બંને હાસ-વિલાસ કરીને સુખેથી નિદ્રાધીન થઈ ગયા. શંખચૂડ શ્રીકૃષ્ણનું ધ્યાન ધરતો ધરતો પુષ્પાચ્છાદિત શય્યામાંથી ઊભો થઈ ગયો. સ્વચ્છ જલથી સ્નાન કરીને તેણે વસ્ત્ર બદલ્યાં. નિત્યકર્તવ્ય પૂરાં કર્યા. દહીં, ઘી, મધ વગેરે માંગલિક પદાર્થો જોયા. હંમેશની જેમ ભક્તિભાવથી બ્રાહ્મણોને ઉત્તમ અલંકાર, મણિ, રત્ન, સુવર્ણ, વસ્ત્રોનું દાન કર્યું. યાત્રા મંગલમયી થાય તે માટે કિંમતી રત્ન, મોતી, મણિ અને હીરા ગુરુદેવ બ્રાહ્મણને અર્પ્યાં. પોતાના કલ્યાણ માટે શ્રેષ્ઠ હાથીઘોડા, સર્વોત્તમ ધન દરિદ્ર બ્રાહ્મણોને છૂટે હાથે વહેંચ્યા. બ્રાહ્મણોને સેંકડો નગર,ગામ શખંચૂડે આપ્યા. પોતાના પુત્રને દાનવોનો રાજા બનાવીને તેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું. પોતે કવચ પહેરી, હાથમાં ધનુષબાણ લીધાં. બધા સૈનિકોને એકઠા કર્યા. ત્રણ લાખ ઘોડા, પાંચ લાખ હાથી ત્યાં હતા. દસ હજાર રથ, ત્રણ ત્રણ કરોડ ધનુર્ધારી, ઢાલતલવારધારી, ત્રિશૂળધારી વીર તેની સેનામાં જોડાયા. અને સેનામાં શ્રેષ્ઠ આમ અપરિમિત સેના તૈયાર કરી. યુદ્ધકળામાં નિષ્ણાત એક વીરને સેનાપતિ પદે નીમ્યો. શંખચૂડે એ સેનાપતિને અગણિત અક્ષૌહિણી સેના સોંપી. એ સેનાપતિ ત્રીસ અક્ષૌહિણી સેના સામે પોતાની સેનાને બચાવી શકે એવો હતો. મનોમન કૃષ્ણનું સ્મરણ કરતો રાજા બહાર નીકળ્યો અને રત્નજડિત વિમાનમાં બેસી, ગુરુજનોને આગળ કરી ભગવાન શંકર પાસે જવા તેણે તૈયારી કરી. પુષ્પભદ્રા અર્થાત્ ચંદ્રભાગા નદીના તટ પર એક સુંદર અક્ષરવડ છે. ત્યાં એ સિદ્ધક્ષેત્રમાં સિદ્ધોના ઘણા આશ્રમો છે. આને કપિલમુનિની તપોભૂમિ પણ કહે છે. આ પશ્ચિમી સમુદ્રથી પૂર્વમાં અને મલય પર્વતની પશ્ચિમે, શ્રી શૈલ પર્વતની ઉત્તરે અને ગંધમાદનની દક્ષિણે છે. તેની પહોળાઈ પાંચ યોજન અને લંબાઈ પાંચસો યોજન છે. અહીંની નદીનું પાણી નિર્મળ સ્ફટિક મણિ જેવું છે, તે નદી બારમાસી છે તે હિમાલયમાંથી નીકળી છે અને થોડે આગળ શરાવતી નદીને મળી જાય છે. પછી પશ્ચિમ સમુદ્ર તરફ વહે છે. ત્યાં શંખચૂડે શંકર ભગવાનને જોયા. તે સમયે ભગવાન વડ નીચે યોગાસનમાં બેઠા હતા. તેમના હાથ અભય અને વર સૂચવતા હતા. તેમની કાયા શુદ્ધ સ્ફટિક મણિ જેવી હતી. હાથમાં ત્રિશૂળ હતું. શરીરે વ્યાઘ્રચર્મ હતું… વિમાનમાંથી ઊતરીને શંખચૂડે ભગવાનના દર્શન કર્યાં. મસ્તક નમાવી પ્રણામ કર્યાં. ભગવાનની એક બાજુ કાર્તિકેય અને બીજી બાજુ ભદ્રકાળી હતા. ત્રણેએ દાનવ રાજને આશીર્વાદ આપ્યા. પછી શંખચૂડ ભગવાન પાસે બેઠો. ભગવાને તેને કહ્યું, ‘રાજન્, બ્રહ્માએ આખી સૃષ્ટિ સર્જી. તેમના પુત્ર મરીચિ, મરીચિના પુત્ર કશ્યપ. પ્રજાપતિએ કશ્યપને પ્રસન્નતાપૂર્વક પોતાની તેર કન્યાઓ આપી. તેમાં એક દનુ. દનુના ચાલીસ પુત્રો, તે દાનવો. એક પરાક્રમી પુત્ર વિપ્રચિત્તિ. વિપ્રચિત્તિના પુત્ર દંભ. તેમણે શ્રીકૃષ્ણનો મંત્રજાપ કર્યો ત્યારે તેમને ત્યાં તું પુત્રરૂપે જન્મ્યો. પૂર્વજન્મમાં તું ભગવાન શ્રીકૃષ્ણનો ધર્માત્મા પાર્ષદ હતો. રાધિકાના શાપથી તું દાનવેશ્વર થયો છે. વૈષ્ણવો બ્રહ્માથી માંડીને સર્વને ભ્રમ માને છે. સાલોક્ય, સાષ્ટિ, સાયુજ્ય, સામીપ્ય — આ મુક્તિઓ પણ તેમને જોઈતી નથી. વૈષ્ણવ માટે અમરત્વ — બ્રહ્મત્વ મિથ્યા છે. તારે મન પણ દેવતાઓનું રાજ્ય મિથ્યા છે. એટલે તું દેવતાઓનું રાજ્ય પાછું સોંપી દે. ભાઈ — ભાઈમાં વિરોધ કેવો? તમે બધા કશ્યપના વંશજો છો.’ આ ઉપરાંત ઘણું ઘણું કહ્યું… દાનવરાજે એ સાંભળી ભગવાનની ઘણી પ્રશંસા કરી, અને પછી કહ્યું, ‘ભગવાન, તમે જે કહ્યું તે સત્ય છે. મારી વાત પણ સાંભળો. તમારી દૃષ્ટિએ જાતિદ્રોહ પાપ છે. તો બલિ રાજાનું બધું છિનવી તેને પાતાળમાં કેમ ધકેલી દીધો. મારું ઐશ્વર્ય મોં મારા પરાક્રમથી મેળવ્યું છે. દાનવસમાજને હવે કોઈ હટાવી શકે એમ નથી. જો ભાઈ — ભાઈ વચ્ચે દ્રોહ ન કરાય તો હિરણ્યાક્ષની હત્યા શા માટે કરી? શુંભ વગેરે અસુરોને શું કામ મારી નાખ્યા? સમુદ્રમંથન વખતે દેવોને જ અમૃત કેમ મળ્યું? દેવદાનવનો વિવાદ ચાલ્યા જ કરે છે. તમે વચ્ચે શું કામ પડ્યા. અમારી સાથે સ્પર્ધા તમારા માટે શરમની વાત છે, અને જો યુદ્ધમાં તમારી જો હાર થશે તો કેટલી બધી અપકીર્તિ તમારી થશે? શંખચૂડની વાત સાંભળીને ભગવાન ત્રિલોચન હસવા લાગ્યા. પછી તેમણે ઉત્તર આપ્યો, ‘રાજન્, તમે પણ બ્રહ્માના વંશજ છો. તમારી સાથે લડવામાં અમને લજ્જા શાની, અને હારવામાં અપકીર્તિ શાની? ભગવાને મધુકૈટભ સાથે, હિરણ્યાક્ષ સાથે ભગવાને યુદ્ધ કર્યું હતું. બીજી વાર હિરણ્યકશિપુ સાથે યુદ્ધ થયું. મેં પણ ત્રિપુરાસુર સાથે યુદ્ધ કર્યું. સર્વેશ્વરી નામે, પ્રકૃતિના નામે ઓળખાતી જગદંબાએ શુંભ સાથે યુદ્ધ કર્યું હતું. તું તો શ્રીકૃષ્ણનો પાર્ષદ છે, ભગવાનનો જ એક અંશ છે. જે જે દૈત્યો મૃત્યુ પામ્યા છે તેમાંથી કોઈ પણ તારા જેવો બળવાન ન હતો. પછી તારી સાથે યુદ્ધ કરવામાં મને લાજ શાની? દેવતાઓ ભગવાન શ્રીહરિના શરણે ગયા છે. એટલે તેમણે મને મોકલ્યો છે. તું દેવતાઓનું રાજ્ય પાછું સોંપી દે. મારા કહેવાનો હેતુ આટલો જ છે અથવા રાજીખુશીથી મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. વધુ શબ્દો વેડફવા શા માટે?’ આટલું કહીને ભગવાન શંકર ચૂપ થઈ ગયા, શંખચૂડ મંત્રીઓને લઈને ઊભો થઈ ગયો. શંકર ભગવાનને માથું નમાવી પ્રણામ કર્યાં અને મંત્રીઓની સાથે વિમાનમાં બેઠો. બંને પક્ષે યુદ્ધ શરૂ થયું. સ્કન્દની શક્તિથી દાનવો હેરાન થવા લાગ્યા. તેઓમાં હાહાકાર મચી ગયો. સ્વર્ગમાં દેવતાઓની દુંદુભિ વાગવા માંડી. આ ભયંકર યુદ્ધભૂમિમાં સ્કન્દ ઉપર પુષ્પવર્ષા થવા લાગી. સ્કન્દે અદ્ભુત અને ભયાનક યુદ્ધ કર્યું. તે પ્રકૃતિના તાંડવની જેમ દાનવો માટે વિનાશકારી સાબીત થઈ રહ્યો હતો. તેને જોઈને વિમાન પર બેઠેલા શંખચૂડે બાણવર્ષા આરંભી. વાદળમાં વરસાદની ધારા પડે એ રીતે તેના બાણ વરસતાં હતાં. ત્યાં ઘોર અંધારું છવાઈ ગયું. પછી આગ ભભૂકી ઊઠી. આ જોઈ નંદીશ્વર સમેત બધા દેવ ત્યાંથી ભાગી છૂટ્યા. માત્ર કાર્તિકેય જ ત્યાં અડીખમ રહ્યા. રાજા શંખચૂડ પર્વત, સાપ, શિલાઓ, વૃક્ષોની વર્ષા કરવા લાગ્યો. તેનો વેગ ભયંકર હતો. રાજાની બાણવર્ષાથી શંકરપુત્ર કાર્તિકેય ઢંકાઈ ગયા, જાણે સૂર્ય ઉપર સ્નિગ્ધ વાદળોનું આવરણ છવાઈ ગયું. શંખચૂડે સ્કન્દનું ભયંકર ધનુષ છેદી નાખ્યું. તેના દિવ્ય રથને ભાંગી નાખ્યો. રથના ઘોડાઓને પણ મારી નાખ્યા. તેના મોરને પણ દિવ્યાસ્ત્ર વડે ક્ષતવિક્ષત કરી નાખ્યો. પછી કાર્તિકેયના વક્ષ:સ્થળ પર સૂર્ય જેવી પ્રાણઘાતક શક્તિ વડે પ્રહાર કર્યો. એના આઘાતથી કાર્તિકેય ક્ષણવાર તો મૂર્ચ્છા પામ્યા, પણ તરત જ હોશમાં આવ્યા અને ભૂતકાળમાં વિષ્ણુ ભગવાને આપેલું ફરી દિવ્ય ધનુષ હાથમાં લીધું. પછી વિમાન પર બેસીને અસ્ત્રશસ્ત્ર વડે કાર્તિકેય ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. તેમણે પોતાના દિવ્યાસ્ત્ર વડે દાનવરાજે ફેંકેલા બધા પર્વત, શિલાઓ, સાપ અને વૃક્ષોને છેદી નાખ્યા. પર્જન્યઅસ્ત્ર વડે આગ ઓલવી નાખી, રમતવાતમાં શંખચૂડના મુકુટ, રથ, ધનુષ, કવચ, સારથિને છેદી નાખ્યા. પછી ઉલ્કા સમાન પ્રકાશિત શક્તિ દાનવરાજના વક્ષ:સ્થલમાં ફેંકી, તેના આઘાતથી રાજા મૂચ્છિર્ત થઈ ગયા. પછી તરત જ હોશમાં આવીને બીજા રથમાં બેઠા, બીજું ધનુષ હાથમાં લીધું. માયાવીએમાં શિરોમણિ ગણાતા શંખચૂડે યુદ્ધભૂમિમાં બાણોની જાળ પ્રગટાવી કાર્તિકેયને તેના વડે ઢાંકી દીધો. પછી સેંકડો સૂર્યની જેમ પ્રકાશિત એક અમોઘ શક્તિ હાથમાં લીધી. ભગવાન વિષ્ણુના તેજથી છવાયેલી તે શક્તિ પ્રલયાગ્નિની જ્વાળા જેવી હતી. દાનવરાજે ક્રોધે ભરાઈને તે શક્તિ કાર્તિકેય ઉપર ફગાવી. પ્રજ્વલિત અગ્નિજ્વાળાની જેમ તે કાર્તિકેય પર પછડાઈ. મહાબળવાન કાર્તિકેય એ શક્તિ વડે ઘવાયા અને મૂર્ચ્છા પામ્યા. પછી કાલી તેમને ઊંચકીને ભગવાન શિવ પાસે લઈ ગયાં. શિવે લીલામાત્રમાં જ્ઞાનબળ વડે તેમને ભાનમાં આણી લીધા અને અમાપ બળ આપ્યું. પ્રતાપી વીર કાર્તિકેય તરત જ ફરી ઊભા થઈ ગયા અને તે જ વખતે ભગવાન શંકરે પોતાની સેનાને અને દેવતાઓને યુદ્ધ માટે પાનો ચઢાવ્યો. દેવતાઓ સેનાની સાથે સાથે દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા. દેવરાજ ઇન્દ્ર વૃષપર્વા સાથે, સૂર્ય વિપ્રચિત્તિ સાથે, ચંદ્રમા દંભ સાથે ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. કાળ કાળેશ્વર સાથે, અગ્નિ દેવ ગોકર્ણ સાથે, કુબેર કાલકેય સાથે, વિશ્વકર્મા મયાસુર સાથે, મૃત્યુદેવ ભયંકર નામના દાનવ સાથે, યમ સંહાર સાથે, વરુણ કલવિંક સાથે, વાયુ ચંચલ સાથે, બુધ ઘૃતપૃષ્ઠ સાથે, શનૈશ્ચર રક્તાક્ષ સાથે, જયન્ત રત્નસાર સાથે, વસુગણ વર્ચોગણ સાથે, અશ્વિનીકુમાર દીપ્તિમાન સાથે, નલ કુબેર સાથે, ધર્મ ધનુર્વર સાથે, મંગલ મંડૂકાક્ષ સાથે, ઇશાન શોભાકર સાથે, મત્મથ પીઠર સાથે ઝૂઝવા લાગ્યા. ઉલ્કામુખ, ધૂમ્ર, ખડ્ગધ્વજ, કાંચીમુખ, પિંડ, નંદી, વિશ્વ, પલાશ સાથે આદિત્યો ઘોર યુદ્ધ કરવા લાગ્યા. અગિયાર મહારુદ્રગણ અગિયાર ભયંકર દાનવો સાથે લડવા લાગ્યા. નંદીશ્વર અને બીજા રુદ્રગણ દાનવોની સાથે લડવા લાગ્યા. તે યુદ્ધ પ્રલયકાલ જેવું લાગતું હતું. તે વેળા ભગવાન શંકર, કાલી, પુત્ર સાથે વડ નીચે હતા. બાકીનું સૈન્ય નિરંતર યુદ્ધમાં રોકાયેલું હતું. શંખચૂડ રત્નજડિત અલંકારો સમેત સિંહાસન પર બેઠો હતો. આ યુદ્ધમાં ભગવાન શિવના બધા સૈનિકો પરાજિત થઈ ગયા. બધા દેવતા ઘવાઈને ભયભીત થઈ ભાગી ગયા. આ જોઈ ભગવાન સ્કન્દ ક્રોધે ભરાયા. દેવતાઓને અભયદાન આપી પોતાના તેજ વડે આત્મીય ગણોનું બળ વધાર્યું. પોતે દાનવોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સમરભૂમિમાં દાનવોની સો અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો, કમલલોચના કાલી ક્રોધે ભરાઈ ખપ્પર ભરવા માંડ્યાં — તે એક સાથે સો સો દાનવોનું લોહી પી જતાં હતાં. લાખો હાથીઘોડા એક જ હાથ વડે ગળી જતાં હતાં. યુદ્ધભૂમિ પર હજારો કબંધ નૃત્ય કરતા હતા. સ્કન્દના બાણ વડે ઘવાયેલા બધા દાનવ ડરીને ભાગી ગયા. વૃષપર્વા, વિપ્રચિત્તિ, દંભ અને વિકંકન વારાફરતી સ્કન્દ સાથે યુદ્વ કરવા લાગ્યા. તે વેળા કાલીએ યુદ્ધભૂમિ પર પ્રવેશ કર્યો. ભગવાન શંકર કાર્તિકેયની રક્ષા કરવા લાગ્યા. નંદીશ્વર વગેરે કાલીની પાછળ પાછળ ગયા. બધા દેવતા, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર, રાજ્યભાંડ અને કરોડો મેઘ તેમની સાથે હતા. યુદ્ધભૂમિ પર આવીને કાલીએ સિંહનાદ કર્યો અને એનાથી દાનવો મૂર્ચ્છા પામ્યા. કાલીએ વારંવાર દૈત્યો માટે અમંગલસૂચક હાસ્ય કર્યું. આનંદથી તે મદ્ય પીને નૃત્ય કરવા લાગ્યાં. ઉગ્ર દંષ્ટ્રા, ઉગ્રચંડા અને કૌટ્ટરી પણ મધુપાન કરવા લાગ્યાં. યોગિનીઓ, ડાકિનીઓના ગણ, દેવગણ પણ આ કાર્યમાં સાથ આપવા લાગ્યાં. કાલીને જોઈ શંખચૂડ મેદાનમાં આવ્યો. દાનવો ડરી ગયા હતા. દાનવરાજે બધાને અભયદાન આપ્યું. કાલીએ પ્રલયાગ્નિની જ્વાળા સમાન અગ્નિવર્ષા કરવા માંડી. રાજા શંખચૂડે પર્જન્યાસ્ત્રથી એને ઓલવી નાખી. કાલીએ અદ્ભુત વારુણાસ્ત્ર ચલાવ્યું, દાનવરાજે ગાંધર્વાસ્ત્ર વડે એનો નાશ કર્યો. કાલીએ ત્યાર પછી અગ્નિજ્વાળા જેવું તેજસ્વી માહેશ્વરાસ્ત્ર ઉગામ્યું. રાજા શંખચૂડે વૈષ્ણવાસ્ત્ર વડે તેનો નાશ કર્યો, દેવીએ મંત્રોચ્ચાર કરીને નારાયણાસ્ત્ર ચલાવ્યું, ત્યારે તેને જોઈને શંખચૂડ રથમાંથી નીચે ઊતરી પડયો અને તે અસ્ત્રને પ્રણામ કર્યાં. તે પ્રલયાગ્નિની જ્વાળા જેવું શસ્ત્ર ઉપરથી ચાલી ગયું. કાલીએ પછી મંત્ર વડે બ્રહ્માસ્ત્ર ફેંક્યું, શંખચૂડે પણ બ્રહ્માસ્ત્ર ફેંકીને તેનું શમન કર્યું. પછી દેવીએ મંત્રો વડે દિવ્યાસ્ત્ર ચલાવ્યા. રાજાએ પોતાના દિવ્યાસ્ત્ર વડે બધાં અસ્ત્ર શાંત કરી દીધાં. પછી દેવીએ એક યોજન લાંબી ભયાનક શક્તિ ફંગોળી. પરંતુ દાનવરાજે પોતાનાં તીક્ષ્ણ અસ્ત્રો વડે તેના પણ ટુકડા કરી નાખ્યા. પછી દેવીએ મંત્ર ભણીને પાશુપતાસ્ત્ર હાથમાં લીધું, એ અસ્ત્રનો પ્રયોગ કરવા જતાં હતાં ત્યાં જ દેવીને ના પડતી આકાશવાણી થઈ, ‘આ રાજા એક મહાન પુરુષ છે, એનું મૃત્યુ પાશુપતાસ્ત્રથી નહીં થાય. જ્યાં સુધી તેના ગળામાં ભગવાન શ્રીહરિના મંત્રવાળું કવચ હશે ત્યાં સુધી અને જ્યાં સુધી તેની પતિવ્રતા સ્ત્રી પોતાના સતીત્વની રક્ષા કરતી રહેશે ત્યાં સુધી વૃદ્ધત્વ કે મૃત્યુની કોઈ અસર નહીં થાય. આ બ્રહ્માનું વરદાન છે.’ આકાશવાણી સાંભળીને ભગવતી કાલીએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. હવે તે ક્ષુધાપીડિત થઈને કરોડો દાનવોને રમતાં રમતાં ગળી જવા લાગી. ભયંકર વેશવાળી તે દેવી શંખચૂડને ખાઈ જવા ઝડપભેર તેની તરફ કૂદી દાનવરાજે પોતાના તેજસ્વી દિવ્યશસ્ત્રથી તેને રોકી દીધી. ભદ્રકાળી પોતાની સાથી યોગિનીઓની સાથે દાનવોનો વિનાશ કરવા લાગ્યાં. તેમણે દાનવરાજ શંખચૂડને પણ ઘાયલ કર્યો, પણ દાનવરાજને કોઈ નુકસાન થયું નહીં. પછી તે ભગવાન શંકર પાસે પહોંચી ગઈ અને યુદ્વ વિષયક બધી વાત તેમને કહી. દાનવોના વિનાશની વાત સાંભળી ભગવાન હસવા લાગ્યા. ભદ્રકાળીએ વળી કહ્યું, ‘હજુ પણ યુદ્ધભૂમિ પર એક લાખ દાનવો છે. મારા મોંમાંથી જે બચી ગયા તે છે. હું દાનવરાજ પર પાશુપતાસ્ત્ર ફેંકવા તૈયાર થઈ ત્યારે આકાશવાણી થઈ કે આ દાનવને તમે મારી નહીં શકો. પછી મહાન જ્ઞાની, બળવાન, પરાક્રમી દાનવરાજે મારા ઉપર અસ્ત્રપ્રહાર કરવાનું બંધ કર્યું. મારાં ફેંકેલાં બાણના તે ટુકડા કરી નાખતો હતો.’ શંકર ભગવાન ઘટનાઓનો મર્મ પારખવામાં નિપુણ હતા. ભદ્રકાળીએ કરેલી વાતો સાંભળીને તે પોતાના ગણો સમેત સંગ્રામમાં પહોંચી ગયા. તેમને જોઈને શંખચૂડ વિમાનમાંથી નીચે ઊતર્યો અને ભગવાનને દંડવત્ પ્રણામ કર્યાં. ત્યાર પછી તરત જ રથ પર સવાર થઈને શંકર ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો. લાંબા સમય સુધી બંને વચ્ચે યુદ્ધ થતું રહ્યું. કોઈ જીતતું ન હતું, કોઈ હારતું ન હતું. ક્યારેક શંખચૂડ શસ્ત્ર બાજુ પર મૂકીને રથ પર જ આરામ કરી લેતો તો ક્યારેક શંકર ભગવાન પણ શસ્ત્રો બાજુ પર મૂકીને નંદી પર જ વિશ્રામ કરી લેતા. શંકર ભગવાનનાં બાણોથી અસંખ્ય દાનવોનો સંહાર થયો. દેવલોકોના જે જે દેવ મૃત્યુ પામતા હતા તે બધાને શંકર ભગવાન પુનર્જીવિત કરી દેતા હતા. તે વેળા ભગવાન શ્રીહરિ એક અત્યંત વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ યુદ્ધભૂમિ પર આવી શંખચૂડને કહેવા લાગ્યા, ‘રાજેન્દ્ર, તું મને બ્રાહ્મણને ભિક્ષા આવવાની કૃપા કર. અત્યારે તારામાં બધી શક્તિઓનું દાન કરવાની પાત્રતા છે. એટલે તું મારી ઇચ્છા પૂરી કર. હું તૃષાતુર, વૃદ્ધ બ્રાહ્મણ છું. પહેલાં તું દાન કરવાની પ્રતિજ્ઞા કર, પછી તને કહું છું.’ રાજા શંખચૂડે પ્રસન્નતાથી કહ્યું, ‘હા, હા તમે ઇચ્છામાં આવે તે માગો,’ પછી અતિશય માયા પ્રસારતા વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, ‘મારે તારું કૃષ્ણકવચ જોઈએ છે;’ તેની વાત સાંભળીને સત્યપ્રતિજ્ઞાવાળા શંખચૂડે તરત જ દિવ્ય કવચ ઉતારીને બ્રાહ્મણને આપી દીધું. પછી તે જ શ્રીહરિ શંખચૂડનું રૂપ લઈને તુલસી પાસે ગયા, તેની સાથે કપટપૂર્વક હાસ — વિલાસ કર્યો. તે જ વેળા શંકરે શંખચૂડને મારવા શ્રીહરિએ આપેલું ત્રિશૂળ ઉગામ્યું. ગ્રીષ્મકાળના સૂર્ય જેવું કે પ્રલયકાળના અગ્નિ જેવું તે ત્રિશૂળ તેજસ્વી હતું. તે દુર્નિવાર, દુર્ઘષ, અમોઘ અને શત્રુનાશક હતું. આ ભયંકર ત્રિશૂળ બે જ ઉઠાવી શકતા હતા — શંકર અને શ્રીકૃષ્ણ. બીજા કોઈનું ગજું ન હતું. તે સાક્ષાત્ બ્રહ્મ હતું. તેનું રૂપ કદી બદલાતું ન હતું, બધા તેને જોઈ શક્તા ન હતા. સમગ્ર બ્રહ્માંડનો નાશ કરવાની તેનામાં શક્તિ હતી. ભગવાન શંકરે રમતવાતમાં તેને ઉઠાવી શંખચૂડ પર ફંગોળ્યું, ત્યારે એ બુદ્ધિશાળી રાજાએ બધું રહસ્ય જાણીને પોતાનું ધનુષ ધરતી પર ફેંકી દીધું અને યોગાસન લગાવીને ભક્તિભાવથી એક ચિત્તે શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવા લાગ્યો. ત્રિશૂળે થોડો સમય તો આંટા માર્યા. પછી શંખચૂડ ઉપર પડ્યું, અને તરત જ તે રાજા, તેનો રથ — બધું જ બળીને ભસ્મ થઈ ગયું. દાનવરાજાનું શરીર ભસ્મ થતાંની સાથે જ એક દિવ્ય ગોપના રૂપમાં ફેરવાઈ ગયું. તે વેળા તેની અવસ્થા એક કિશોરની હતી. તેની બે દિવ્ય ભૂજા શોભતી હતી. તેના હાથમાં મોરલી હતી, શરીરે રત્નજડિત અલંકાર હતા. એટલામાં જ એક દિવ્ય મણિઓનું બનાવેલું વિમાન ગોલોકમાંથી ઊતરી આવ્યું. એમાં ચારે બાજુ ગોપીઓ બેઠી હતી. શંખચૂડ એમાં બેસીને ગોલોક જવા નીકળી પડ્યો. તે સમયે વૃંદાવનમાં રાસમંડળની વચ્ચે શ્રીકૃષ્ણ અને ભગવતી રાધિકા હતાં. ત્યાં પહોંચીને તરત શંખચૂડે ભક્તિભાવથી મસ્તક નમાવી તેમના ચરણકમળમાં પ્રણામ કર્યાં. સુદામાને જોઈને બંનેનાં મુખ ખીલી ઊઠ્યાં. પ્રસન્ન થઈને તેને પોતાની પાસે લઈ લીધો. પછી પેલું ત્રિશૂળ ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાછું આવી ગયું. શંખચૂડનાં હાડકાંમાંથી શંખ બન્યા. દેવતાઓની પૂજામાં અનેક પ્રકારનાં શંખ પવિત્ર મનાય છે. તેનું જળ શ્રેષ્ઠ ગણાય છે. દેવતાઓને પ્રસન્ન કરવાનું આ શ્રેષ્ઠ સાધન છે તે પવિત્ર જલ તીર્થમય છે. તેમાં માત્ર શંકર ભગવાન પ્રત્યેનો આદર નથી, જ્યાં શંખધ્વનિ થાય છે ત્યાં લક્ષ્મીજી ઉપસ્થિત હોય છે. જે શંખજળથી સ્નાન કરે છે તેને બધાં તીર્થોના સ્નાનનું ફળ મળે છે. શંખ ભગવાન શ્રીહરિનું અધિષ્ઠાન છે. જ્યાં શંખ હોય છે ત્યાં શ્રીહરિ ભગવાન લક્ષ્મી સાથે સદા નિવાસ કરે છે. બીજી બાજુએ ભગવાન શંકર શંખચૂડનો વધ કરીને પોતાના લોકમાં જતા રહ્યા. તેમના મનમાં આનંદ હતો. વૃષભ પર સવાર થઈને તેઓ પોતાના ગણો સમેત જતા રહ્યા. પોતાનું રાજ્ય પાછું મળવાથી દેવતાઓના હર્ષની સીમા ન રહી. સ્વર્ગમાં દુંદુભિઓ વાગવા માંડી, ગંધર્વ — કિન્નર યશોગાન કરવા લાગ્યા. ભગવાન શંકર ઉપર પુષ્પવર્ષા થઈ. દેવતાઓએ, ઋષિઓએ તેમની ખૂબ જ પ્રશંસા કરી. હવે ભગવાન શંખચૂડનું રૂપ લઈ કેવી રીતે તુલસી પાસે પહોંચ્યા તેની વાત વિગતે જોઈએ. શંખચૂડના મહેલે પહોંચીને ત્યાં દરવાજા પર દુંદુભિવાદ કરાવ્યો અને એનાથી તુલસીને પોતાના આગમનની જાણ કરી. તુલસીએ યુદ્ધમોરચેથી આવેલા પતિને જોઈને આનંદપૂર્વક તેનું સ્વાગત કર્યું. બંને વચ્ચે યુદ્ધસંબંધી ચર્ચા થઈ. પછી ભગવાન સૂઈ ગયા. તે સમયે તુલસી સાથે વિલાસ કર્યો. તુલસીને આ વેળા પહેલાં કરતાં જુદા પ્રકારના આકર્ષણનો અનુભવ થયો. તેણે અનુમાન કર્યું અને પૂછ્યું — ‘માયાવી, તમે કોણ છો? કપટપૂર્વક મારું રાતીત્વ નષ્ટ કર્યું, એટલે હું તમને શાપ આપું છું.’ તુલસીની વાત સાંભળીને, શાપના ભયથી ભગવાને પોતાનું સુંદર રૂપ પ્રગટ કર્યુંં. તુલસીએ પોતાની સમક્ષ શ્રીહરિ જોયા. તેમનો વર્ણ નવા મેઘ જેવો હતો. નેત્ર શરદ ઋતુના કમળ સમાન હતાં. તેમનું અલૌકિક રૂપ સૌંદર્યમાં કરોડો કામદેવ જેવું હતું. તેમના શરીરે રત્નમય આભૂષણ હતાં. તેમના મુખ પર સ્મિત હતું. તેમને જોઈને તુલસીને પોતાના પતિના મૃત્યુનો ખ્યાલ આવી ગયો, તે મૂર્ચ્છા પામી. પછી ભાનમાં આવીને કહેવા લાગી. ‘ભગવાન, તમારું હૃદય પથ્થર જેવું છે. જરા પણ દયા તમારામાં નથી, આજે કપટ કરીને મારો ધર્મ નષ્ટ કર્યો, મારા પતિને મારી નખાવ્યો. તમે ખરેખર પાષાણહૃદયી છો એટલે તો આવા નિર્દય બન્યા. મારા શાપથી હવે તમે પથ્થર થઈને પૃથ્વી પર રહેજો. વિના અપરાધે તમે તમારા ભક્તનું શું કામ મારી નખાવ્યો?’ આમ કહી તુલસી વારંવાર અશ્રુ સારતી વિલાપ કરવા લાગી. એટલે કરુણ રસના સમુદ્ર કમલાપતિ ભગવાન શ્રીહરિ કરુણાયુક્ત તુલસીને જોઈને તેને શાંત પાડવા લાગ્યા, ‘તું મારા માટે અહીં રહીને બહુ દિવસો સુધી તપસ્યા કરી ચૂકી છે. તે વેળા તારે માટે શંખચૂડ પણ તપસ્યા કરી રહ્યો હતો. તપના ફળ રૂપે તને પત્ની તરીકે પામીને તે ગોલોકમાં ચાલ્યો ગયો. હવે હું તને તારી તપસ્યાનું ફળ આપું. તું આ શરીરનો ત્યાગ કરીને તું મારી સાથે આનંદ કર. લક્ષ્મીની જેમ તારે નિત્ય મારી સાથે રહેવાનું. તારી આ કાયા નદીમાં ફેરવાઈ જઈ ગંડકી નામથી પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્યમય ભારતવર્ષમાં મનુષ્યોને ઉત્તમ પુણ્ય આપનારી નીવડશે. તારા કેશકલાપ પવિત્ર વૃક્ષ બનશે. તારા કેશમાંથી પ્રગટેલા હોવાને કારણે તુલસી નામથી તે ઓળખાશે. ત્રણે લોકમાં દેવતાઓની પૂજામાં વપરાતાં બધાં પુષ્પોમાં તુલસી મુખ્ય મનાશે. બધા જ લોકમાં તું મારી નિકટ રહીશ. તુલસીપત્ર બધા જ પુષ્પોમાં શ્રેષ્ઠ જ મનાશે.’ બધી વાત કરીને ભગવાને મૌન ધારણ કર્યું. તુલસીએ પોતાનું શરીર ત્યજીને દિવ્ય રૂપ ધારણ કર્યું. શ્રીહરિના વક્ષ:સ્થળ પર લક્ષ્મીની જેમ શોભવા લાગી. ભગવાન તેને લઈને વૈકુંઠ જતા રહ્યા. લક્ષ્મી, સરસ્વતી, ગંગા, તુલસી — આ ચાર દેવી ભગવાનની પત્ની બની. (પ્રકૃતિખંડ ૧૬-૨૧)

તુલસીકથા

ધર્મધ્વજ નામના રાજાની પત્ની માધવી ગંધમાદન પર્વત પરના સુંદર ઉપવનમાં આનંદમંગલ મનાવતી હતી. ઘણો સમય વીતી ગયો. બંનેને ખ્યાલ ન રહ્યો કે રાત ક્યારે પડી ને દિવસ ક્યારે ઊગ્યો. પછી રાજાને જ્ઞાન થયું અને તેને વૈરાગ્યબોધ થયો પણ માધવી હજુ તૃપ્ત થઈ ન હતી અને તે સગર્ભા થઈ દિવસે દિવસે વૃદ્ધિ પામતા ગર્ભે તેની સુંદરતામાં વૃદ્ધિ કરી. બધી જ શુભ ઘડીએ શુક્રવારે માધવીએ લક્ષ્મીના અંશવાળી અને શરદકાળના પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી કન્યાને જન્મ આપ્યો. તેનાં નેત્ર ખીલેલાં કમળ જેવાં સુંદર હતાં, હોઠ પક્વબિંબ સમાન હતા. હથેળી અને પગનાં તળિયાં રાતાં હતાં. શિયાળામાં સુખ આપવા તેનાં સંપૂર્ણ અંગ ગરમ રહેતાં અને ઉનાળામાં તેની કાયા શીતળ રહેતી. તે નિત્ય ષોડશી લાગતી. તેની કાન્તિ ચંપાફૂલ શી હતી. સ્ત્રી અને પુરુષ તેની તુલના કોઈ સાથે કરી શકતાં ન હતાં. એટલે વિદ્વાનોએ તેનું નામ ‘તુલસી’ રાખ્યું. ભૂમિ ઉપર પગ મૂકતાંવેંત તે સાક્ષાત્ પ્રકૃતિ જેવી લાગવા માંડી. બધાએ ના પાડી છતાં તે બદરીવનમાં જઈને દીર્ઘકાળ સુધી તપ કરવા બેઠી.તેની ઈચ્છા હતી કે ભગવાન નારાયણ મને પતિરૂપે મળે. ગ્રીષ્મકાળે તે પંચાગ્નિ તપ કરતી અને શિયાળામાં પાણીમાં ઊભા રહી તપ કરતી. વર્ષા ઋતુમાં વરસાદની ઝડીઓ વેઠતી ખુલ્લા મેદાનમાં આસન લગાવી બેસતી. હજારો વર્ષ ફળ અને જળ પર કાઢ્યાં, હજારો વર્ષ માત્ર પાન ચાવતી રહી અને હજારો વર્ષ માત્ર વાયુના આશ્રયે ટકી. એને કારણે તેનું શરીર ખૂબ દુર્બળ પડી ગયું. પછી હજારો વર્ષ સાવ નિરાહાર રહીને વીતાવ્યાં. પછી તેને જોઈને બ્રહ્મા વરદાન આપવા ત્યાં આવ્યા. હંસ પર બેઠેલા ચતુર્મુખ બ્રહ્માને જોઈ તુલસીએ પ્રણામ કર્યાં. ત્યારે વિશ્વનિર્માણમાં નિપુણ બ્રહ્માએ કહ્યું, ‘તું ઇચ્છા થાય તે વર માગ. શ્રી હરિની ભક્તિ કરવી હોય, તેમની દાસી થવું હોય, અજર અમર થવું હોય તો તેવું વરદાન પણ હું આપીશ.’ તુલસીએ કહ્યું, ‘પિતામહ, સાંભળો — મારા મનની અભિલાષા. તમે તો સર્વજ્ઞ, તમારાથી શું છુપાવવું. હું પૂર્વજન્મમાં તુલસી નામની ગોપી હતી. ગોલોકમાં રહેતી હતી. ભગવાન કૃષ્ણની પ્રિયતમા, અનુચરી, અર્ધાંગિની, પ્રેયસી — આ બધાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ગોવિંદ પ્રભુની સાથે વિલાસમાં રત હતી. એ પરમ સુખની મને તૃપ્તિ થતી ન હતી. એવામાં એક દિવસ ભગવતી રાધાએ મને શાપ આપ્યો, ‘તું માનવ તરીકે જન્મજે.’ તે જ વખતે ગોવિંદે મને કહ્યું, ‘તું તપ કરજે. બ્રહ્મા વરદાન આપશે એટલે મારા સ્વરૂપ રૂપ ચતુર્ભુજ વિષ્ણુને પતિ રૂપે પામીશ.’ આમ કહી શ્રીકૃષ્ણ અન્તર્ધાન થઈ ગયા. મેં મારું શરીર ત્યજી દીધું અને આ પૃથ્વી લોકમાં આવી ચઢી છું. ભગવાન નારાયણ મને પતિરૂપે મળે. તમે મારી આ ઇચ્છા પૂરી કરો.’ આ સાંભળી બ્રહ્માએ કહ્યું,‘ભગવાન શ્રીકૃષ્ણના અંગમાંથી સુદામા નામનો ગોપ પણ રાધિકાના શાપથી પૃથ્વી પર શંખચૂડ નામે છે. ત્રિલોકમાં તેને આંબી જાય તેવો કોઈ નથી. તે અત્યારે સમુદ્રમાં વસે છે. શ્રીકૃષ્ણનો અંશ હોવાથી તેને પૂર્વજન્મની સ્મૃતિઓ છે. તને પણ પૂર્વજન્મની સ્મૃતિ છે. આ જન્મે તે તારો પતિ થશે. પછી ભગવાન નારાયણ તને પતિ રૂપે મળશે. લીલાવશ ભગવાન તને શાપ આપશે ત્યારે તારી કળા વડે વૃક્ષ રૂપે ભારતમાં રહેવું પડશે. સમગ્ર સંસારને પવિત્ર કરવાની પાત્રતા તારામાં હશે. બધાં પુષ્પોમાં તું મુખ્ય રહીશ. ભગવાન વિષ્ણુ તને પ્રાણથી વધુ ચાહશે. તારા વિનાની પૂજા નિષ્ફળ જશે. વૃંદાવનમાં વૃક્ષરૂપે રહેવાથી લોકો તને ‘વૃંદાવની’ કહેશે. તારાં પર્ણોથી ગોપી-ગોપ દ્વારા માધવની પૂજા સંપન્ન થશે. મારા વરદાનથી વૃક્ષોની અધિષ્ઠાત્રી બનીને ગોપ રૂપે બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે નિરંતર આનંદ મનાવજે.’ બ્રહ્માની વાત સાંભળીને તુલસીના મોં પર સ્મિત ફરક્યું. તેને પુષ્કળ આનંદ થયો. બ્રહ્માને પ્રણામ કરીને તે કહેવા લાગી, ‘પિતામહ, હું પૂરેપૂરી સાચી વાત કરું છું. બે હાથ વડે શોભતા શ્યામસુંદર શ્રીકૃષ્ણને પામવા માટે જેટલી આતુર છું તેટલી ચતુર્ભુજ વિષ્ણુ માટે નથી. પરંતુ ગોવિંદની આજ્ઞાથી હું ચતુર્ભુજ હરિ માટે પ્રાર્થના કરું છું. એ ગોવિંદ મારા માટે દુર્લભ થઈ ગયા. ભગવાન, તમે મારા પર કૃપા કરો કે હું ગોવિંદને પામી શકું.’ બ્રહ્માએ કહ્યું, ‘હું તારા માટે ભગવતી રાધાનો મંત્ર આપું છું, તું હૈયે ઉતાર. મારા વરદાનના પ્રભાવે તું રાધાના પ્રાણ જેવી પ્રિય થઈ જઈશ. ભગવાન ગોવિંદ માટે જેવી રાધા તેવી તું બનીશ.’ આમ કહીને બ્રહ્માએ તુલસીને રાધાનો ષોડશાક્ષર મંત્ર બતાવ્યો. એને લગતી પૂજાનો બધો વિધિ પણ બતાવ્યો. પછી તુલસીએ ભગવતી રાધાની ઉપાસના કરી અને તે તેમની કૃપાથી દેવી રાધા સમાન બની ગઈ. બ્રહ્માના કહ્યા પ્રમાણે તુલસીને ફળપ્રાપ્તિ થઈ. તપસ્યાને લગતા બધા કલેશ મનની પ્રસન્નતાએ દૂર કરી આપ્યા. (પ્રકૃતિખંડ ૧૫)

ગણેશ તથા શનિદેવ કથા

બધા દેવતાઓ શંકરપાર્વતીને ત્યાં ભેગા થયા હતા ત્યાં સૂર્યપુત્ર શનિશ્ચર શંકરપુત્ર ગણેશને જોવા આવ્યા. તેમની આંખો ધરતી પર હતી. મન શ્રીકૃષ્ણભક્તિમાં હતું. તેમણે વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, ધર્મ, સૂર્ય, દેવતાઓ, ઋષિમુનિઓને પ્રણામ કર્યાં. પછી તેમની આજ્ઞાથી બાળકને જોવા ગયા. મસ્તક નમાવી પાર્વતીને વંદન કર્યા, તે બાળકને છાતીસરસું રાખીને રત્નજડિત સિંહાસન પર બેઠા હતાં. પાંચ સખીઓ તેમને શ્વેત ચામર ઢોળતી હતી. સુવાસિત તાંબૂલપાન ચાવી રહ્યાં હતાં. સુંદર સાડી તેમણે પહેરી હતી. રત્નમય આભૂષણો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં. સૂર્યપુત્ર શનિશ્ચરને જોઈને દુર્ગાએ તેમને આશીર્વાદ આપ્યા અને તેમના કુશળ સમાચાર પૂછ્યા. પાર્વતીએ પૂછ્યું, ‘અત્યારે તમારું મોં નીચે કેમ ઝૂકેલું છે? તમે મારી તરફ કે બાળક તરફ કેમ જોતા નથી?’ શનિદેવે પાર્વતીને કર્મનો મહિમા સમજાવી પોતાની કથા કહી, ‘હું બાળક હતો ત્યારથી કૃષ્ણભક્ત હતો. નિરંતર તપસ્યામાં પરોવાયેલો રહેતો હતો. પિતાજીએ ચિત્રરથની કન્યા સાથે મારો વિવાહ કરી આપ્યો. તે સતી અત્યંત દેદીપ્યમાન અને તપોનિષ્ઠ હતી. એક દિવસ તે ઋતુસ્નાન કરીને મારી પાસે આવી. તે વખતે હું ભક્તિમાં ડૂબેલો હતો. મને વ્યવહારજ્ઞાન હતું નહીં. મારી પત્નીએ ઋતુકાલ નિષ્ફળ ગયો એટલે મને શાપ આપ્યો કે હવે તમે જેની સામે જોશો તે નાશ પામશે. પછી હું ભક્તિમાંથી મુક્ત થયો, સતીને સંતુષ્ટ કરી પણ તે શાપ પાછો ખેંચી શકે એમ ન હતી, એટલે તે પસ્તાવો કરવા લાગી. ત્યારથી જીવહિંસા ન થાય એટલે હું કોઈની સામે જોતો નથી.’ આ સાંભળી પાર્વતી હસી પડ્યાં. નર્તકીઓ, કિન્નરીઓ પણ જોરશોરથી હસવા લાગી. પછી પાર્વતીએ શ્રીહરિનું સ્મરણ કર્યું. આખું જગત ઇશ્વરેચ્છા પર છે. ‘તમે મારી સામે, બાળક સામે જુઓ. કર્મફળ કોણ મિથ્યા કરી શકે?’ આ સાંભળી શનિદેવ વિચારવા લાગ્યા. ‘અરે હું અત્યારે પાર્વતીપુત્ર સામે જોઉં કે ના જોઉં? જો જોઈશ તો ચોક્કસ આ બાળકનું અનિષ્ટ જ થશે.’ આમ વિચારી શનિદેવે બાળક સામે જોવાનો વિચાર કર્યો, તેની માતા સામે નહીં; શનિદેવનું મન પહેલેથી ખિન્ન હતું. તેમના કંઠ, હોઠ, તાળવું સુકાઈ ગયાં હતાં. છતાં તેમણે પોતાની ડાબી આંખના ખૂણેથી શિશુમુખ સામે જોયું. તેમનો દૃષ્ટિપાત થતાં જ શિશુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. શનિદેવ પછી આંખો નીચે ઢાળી, માથું નમાવી ઊભા રહ્યા. તે બાળકનું લોહીલુહાણ ધડ પાર્વતીના ખોળામાં પડી રહ્યું, પણ મસ્તક ગોલોકમાં પહોંચી શ્રીકૃષ્ણમાં પ્રવેશી ગયું. આ જોઈ પાર્વતી બાળકને છાતીએ લગાડીને ધ્રૂસકે ધ્રૂસકે રડવાં લાગ્યાં, તે મૂર્ચ્છા પામી જમીન પર પડી ગયાં. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ જોઈ અચરજ પામ્યાં. અને તેમની દશા ચિત્રમાં આલેખિત પૂતળા જેવી થઈ ગઈ. બધાને મૂચ્છિર્ત જોઈ શ્રીહરિ ગરુડ પર સવાર થયા અને ઉત્તરે આવેલ પુષ્પભદ્રા નદી પાસે ગયા, ત્યાં નદીકાંઠેના વનમાં એક હાથી જોયો. તે નિદ્રાવશ થઈ હાથણી અને બચ્ચાં સાથે સૂઈ રહ્યો હતો. તેનું મસ્તક ઉત્તર દિશામાં હતું. મનમાં પરમાનંદ હતો, સુરતલીલાથી શ્રમિત હતો. શ્રીહરિએ તરત સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક કાપીને ગરુડ પર મૂક્યું. હાથીના કપાઈ ગયેલા મસ્તકને કારણે હાથણીની ઊંઘ ઊડી ગઈ અને અમંગલ શબ્દો ઉચ્ચારતાં તેણે બચ્ચાંને જગાડ્યાં પછી શોકમગ્ન થઈ બચ્ચાં સાથે ભારે રુદન કરવા લાગી, તેણે વિષ્ણુ ભગવાનને યાદ કર્યા. પછી તેની સ્તુતિથી પ્રસન્ન થઈ તેમણે બીજા હાથીનું મસ્તક કાપી તેના ધડ સાથે જોડી દીધું. પછી તેને આશીર્વાદ આપી, કૈલાસ પર્વત પર આવ્યા. પાર્વતી પાસે પહોંચીને બાળકના ધડ સાથે હાથીનું મસ્તક સુંદર બનાવી જોડી દીધું અને બાળકને જીવતું કર્યું, પાર્વતીને હોશમાં આણ્યાં, બાળકને તેમના ખોળામાં સુવાડ્યું. વિષ્ણુએ પછી પાર્વતીને કર્મફળનો મહિમા સમજાવ્યો. પાર્વતીનું મન સંતુષ્ટ થયું, બાળકને સ્તનપાન કરાવ્યું. અને પછી ભોંઠા પડેલા શનિદેવને શાપ આવ્યો, ‘તમે અંગહીન થઈ જાઓ.’ (ગણપતિખંડ ૧૧-૧૨)

કાર્તવીર્યકથા

એક સમયે રાજા કાર્તવીર્ય શિકાર કરવા વનમાં ગયો. ત્યાં ઘણાં બધાં પશુઓનો વધ કરીને તે થાકી ગયો. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. રાજાએ સાંજે સેના સમેત વનમાં જમદગ્નિ ઋષિના આશ્રમમાં પાસે છાવણી નાખી અને ખાધાપીધા વિના રાત વીતાવી. સવારે રાજાએ સરોવરમાં સ્નાન કર્યું. શરીરને આભૂષિત કરી દત્તાત્રેયે આપેલો મંત્ર જપવા લાગ્યા. મુનિ જમદગ્નિએ રાજાનાં કંઠ, તાળવું, ઓઠ સુકાયેલાં જોયાં. પે્રમથી કોમળ વાણી વડે રાજાના ખબરઅંતર પૂછ્યા. પછી રાજાએ સૂર્ય જેવા તેજસ્વી મુનિને પ્રણામ કર્યા, પગે પડેલા રાજાને ઋષિએ આશીર્વાદ આપ્યા. રાજાએ પોતાના ઉપવાસના સમાચાર કહ્યા. ઋષિએ ડરતાં ડરતાં રાજાને નિમંત્રણ આપ્યું અને આનંદપૂર્વક તેઓ આશ્રમમાં પાછા આવ્યા. અને લક્ષ્મીસરખી મા કામધેનુને બધી વાત કરી. ત્યારે તેણે ભય પામેલા ઋષિને કહ્યું, ‘ઋષિવર, હું છું પછી ભય શાનો? તમે તો મારા વડે આખા સંસારને ભોજન કરાવવા સમર્થ છો. પછી આ રાજાની તો વાત જ ક્યાં? રાજાઓને છાજે તેવા ભોજન માટેના જે જે સંસારમાં જે જે દુર્લભ પદાર્થ માગશો તે બધા હું આપીશ.’ પછી કામધેનુએ અનેક પ્રકારનાં ભોજન માટેનાં ચાંદીસોનાનાં વાસણ, રસોઈ બનાવવા માટેનાં વાસણ, સ્વાદિષ્ટ પદાર્થો ભરેલાં વાસણ મુનિને આપ્યાં. વિવિધ સ્વાદિષ્ટ કેરી, નારિયેળ, બીલાં આપ્યાં. લાડુનો તો મોટો ઢગલો ઊભો કર્યો. જવ અને ઘઉંના પૂડા, અનેક પકવાન, દૂધ — દહીં — ઘીની રેલમછેલ થઈ. સાકરના ઢગલા, મોદકોના ટેકરા થયા. રાજાઓને યોગ્ય કર્પૂરવાળા સુવાસિત તાંબૂલ — વસ્ત્ર આપ્યાં. આમ બધી રીતે સમૃદ્ર થઈને ઋષિએ સેનાસમેત રાજાને ભોજન કરાવ્યું. અત્યંત દુર્લભ પદાર્થો જોઈને રાજા કાર્તવીર્યને આશ્ચર્ય થયું. પછી આ બધું જોઈને મંત્રીને કહ્યું, ‘મંત્રી, જરા તપાસ કરો. આટલી બધી દુર્લભ વસ્તુઓ આવી ક્યાંથી? આ તો મારી પાસે પણ નથી અને ઘણાંનાં તો નામ સાંભળ્યાં નથી.’ મંત્રીએ કહ્યું,‘મહારાજ, મેં મુનિના આશ્રમમાં બધું જોયું. અહીં તો અગ્નિકુંડ, સમિધ, કુશ, પુષ્પ, ફળ, મૃગચર્મ, સરવો, ુક, શિષ્યો, સૂર્યના તેજ પર પાકનારા અન્ન છે. અહીં એવી કશી સંપત્તિ નથી. બધા જટાધારી છે, વલ્કલ જ તેઓ પહેરે છે. પરંતુ આશ્રમના એક ભાગમાં મેં એક સુંદર કપિલા ગાય જોઈ છે. તેની કાયા સુંદર છે, ચંદ્રતેજ ઝળકે છે, તેની આંખો રાતા કમળ જેવી છે. પૂર્ણિમાના ચંદ્ર જેવી દેદીપ્યમાન છે. સાક્ષાત્ લક્ષ્મીની જેમ તે બધી સંપત્તિ અને ગુણોનો આધાર છે. પછી મંત્રીના કહેવાથી દુર્બુદ્ધિવાળો રાજા મુનિ પાસે ગાય માગવા તૈયાર થયો. તે સમયે તે કાળપાશથી બદ્ધ હતો. પુણ્ય-ઉત્તમ બુદ્ધિ શું કરી શકે? આખરે તો પ્રારબ્ધ જ બળવાન છે. એટલે જ પુણ્યશાળી અને બુદ્ધિશાળી હોવા છતાં રાજા કાર્તવીર્ય દૈવવશ બ્રાહ્મણ પાસે યાચના કરવા ઇચ્છતો હતો. રાજાએ ઋષિને કહ્યું, ‘ભક્તો પર કૃપા કરનારા દેવ, તમે તો કલ્પવૃક્ષ જેવા છો. તો બધી કામનાઓ પૂરી કરનારી આ કામધેનુ મને ભિક્ષામાં આપો. તમારા જેવા દાતા માટે કશું પણ અદેય નથી. મેં સાંભળું છે તે પ્રમાણે ભૂતકાળમાં દધીચિ ઋષિએ દેવતાઓને પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. તમે તો રમતાં રમતાં માત્ર ભ્રૂભંગ વડે કેટલીય કામધેનું સર્જી શકો છો.’ ઋષિએ કહ્યું,‘રાજન, નવાઈ કહેવાય. તમે તો અવળી વાત કરો છો. હું બ્રાહ્મણ થઈને ક્ષત્રિયને દાન કેવી રીતે આપું? આ કામધેનું પરમાત્મા શ્રીકૃષ્ણે ગોલોકમાં યજ્ઞપ્રસંગે બ્રહ્માને દાનમાં આપી હતી. એટલે પ્રાણોથી પણ ચઢિયાતી આ ગાય અદેય છે. બ્રહ્માએ પોતાના પુત્ર ભૃગુને આ ગાય આપી, અને ભૃગુએ મને આપી. આમ આ કપિલા મારી પૈતૃક સંપત્તિ છે. આ કામધેનુ ગોલોકમાં જન્મી. ત્રિલોકમાં પણ આ તો દુર્લભ છે. હું આવી કપિલાઓની સૃષ્ટિ કેવી રીતે સર્જી શકું? હું નથી કૃષિકાર, નથી તમારા કારણે બુદ્ધિશાળી થયો. અતિથિને છોડીને બધાને ક્ષણવારમાં ભસ્મ કરી શકું. તમે ઘેર જાઓ અને પત્ની — પુત્રોને મળો.’ મુનિની આ વાત સાંભળીને રાજા ક્રોધે ભરાયો. મુનિને નમન કરી સેના પાસે જતો રહ્યો. ભાગ્યે તેને ચલિત કરી દીધો. એટલે સેના પાસે જઈને બળજબરીથી ગાય લઈ આવવા નોકરોને મોકલ્યા. આ બાજુ શોકમગ્ન થઈ વિવેકહીન બનેલા મુનિવર કપિલા પાસે જઈને અશ્રુપાત કરવા લાગ્યા, બધી વાત કહી. ભક્તો પર કૃપા કરનારી લક્ષ્મીસ્વરૂપા ગાય મુનિને અશ્રુપાત કરતા જોઈ કહેવા લાગી, ‘મુનિવર, જે પોતાની વસ્તુઓના શાસક, પાલક, દાતા છે તે જ પોતાની વસ્તુનું દાન કરી શકે. જો તમે સ્વેચ્છાથી રાજાને મારું દાન કરશો તો હું તેમની સાથે જઈશ. જો નહીં આપો તો તમારા ઘેરથી નહીં જઉં. મેં આપેલી સેના વડે રાજાને ભગાડી મૂકો. માયામુગ્ધ બનીને તમે રડો છો શા માટે?’ આમ કહી કામધેનુએ સૂર્ય સમાન તેજસ્વી વિવિધ શસ્ત્રો — અસ્ત્રો, સેનાઓ ઊભી કરી. કપિલાના મુખમાંથી કરોડો ખડ્ગધારી, શૂલધારી, ધનુર્ધારી, દંડશક્તિવાળા, ગદાધારી શૂરવીરો નીકળી પડયા. આમ કપિલાએ મુનિને સેના આપીને નિર્ભય કર્યા. ‘આ સેના લડશે. ત્યાં તમે ન જતા.’ આમ બધું સંપન્ન જોઈને મુનિને આનંદ થયો. રાજાએ મોકલેલા નોકરે આ સમાચાર કહ્યા. કપિલાની સેનાનો વિજય અને પોતાની સેનાનો પરાજય સાંભળીને રાજા બી ગયો. તેના મનમાં ઉદ્વેગ પ્રગટયો. દૂત મોકલીને પોતાના દેશમાંથી બીજી સેના મંગાવી. કાર્તવીર્યે દુઃખી થઈને ભગવાનનું સ્મરણ કર્યું અને ક્રોધે ભરાઈને મુનિ પાસે દૂત મોકલીને કહેવડાવ્યું, ‘મુનિવર, કાં તો યુદ્ધ કરો અથવા મારી મનવાંછિત ગાય આપી દો. જે યોગ્ય લાગે તે કરો.’ દૂતની વાત સાંભળીને મુનિ હસી પડ્યા અને બોલ્યા, ‘ભૂખ્યાતરસ્યા રાજાને હું મારે ત્યાં લઈ આવ્યો અને શક્તિ પ્રમાણે અનેક પ્રકારની રસોઈ કરાવી. હવે આ રાજા જીવથીય વહાલી એવી કપિલા ગાયને બળજબરીથી માગે છે. હું ગાય આપી નહીં શકું, એટલે યુદ્ધ કરીશ.’ મુનિની વાત સાંભળીને દૂતે રાજા પાસે જઈને ભયભીત થઈ કવચ પહેરીને બેઠેલા રાજાને બધી વાત કહી. મુનિએ કપિલાને કહ્યું, ‘અત્યારે હું શું કરું? જેમ સુકાની વિના નૌકા હાલંડોલ થાય તેવી દશા મારા વિના આ સેનાની થઈ રહી છે.’ ત્યારે કપિલાએ મુનિને અનેક પ્રકારનાં શસ્ત્ર, યુદ્ધનીતિનું જ્ઞાન વગેરે આપ્યું. ‘ઋષિવર, તમારો વિજય થશે. યુદ્ધમાં નિશ્ચિતપણે તમે વિજયી થશો. અમોધ દિવ્યાસ્ત્ર વિના તમારું મૃત્યુ થવાનું નથી. તમે બ્રાહ્મણ છો, તમે દત્તાત્રેયના શિષ્ય અને શક્તિશાળી રાજી સાથે યુદ્ધ યોગ્ય નથી, ’ પછી મુનિએ સેનાને સજ્જ કરી. રાજા પણ યુદ્ધભૂમિ પર આવ્યો. તેણે જમદગ્નિને પ્રણામ કર્યાં. બંને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કપિલાની સેનાએ રાજાની સેનાને જીતી લીધી. રાજાના રથને તોડીફોડી નાખ્યો. રાજાના કવચ, ધનુષનો નાશ કર્યો. આમ રાજા કપિલાની સેનાને જીતી ન શક્યો. શસ્ત્રવર્ષા કરીને રાજાને હથિયાર હેઠાં મૂકવાની ફરજ પડી. બાણવર્ષા અને શસ્ત્રવર્ષાને કારણે રાજા મૂર્ચ્છા પામ્યો. કેટલીક સેના તો મૃત્યુ પામી હતી, કેટલાક સૈનિકો ભાગી ગયા. જ્યારે કૃપાનિધાન જમદગ્નિએ જોયું કે મારો અતિથિ બનેલો રાજા મૂચ્છિર્ત થયો છે ત્યારે પોતાની સેનાને પાછી બોલાવી. એે સેના કપિલાની કાયામાં લય પામી. મુનિએ રાજાને પોતાની ચરણરજ આપીને ‘તારો જય થાઓ’ એવા આશિષ આપ્યા. કમંડળમાંથી પાણી છાંટીને રાજાને હોશમાં આણ્યો. પછી રાજાએ ઊભા થઈને મુનિને વંદન કર્યાં. મુનિએ રાજાને આશીર્વાદ આપી, ગળે લગાવ્યો. ફરી તેને સ્નાન કરાવી ભોજન કરાવ્યું. ‘રાજા હવે ઘેર જાઓ.’ રાજાએ ફરી કહ્યું, ‘મહાબાહુ, યુદ્ધ કરો અથવા ગાય આપો,’ રાજાની વાત સાંભળીને મુનિએ ફરી રાજાને સમજાવ્યો. પણ રાજા યુદ્વ માટે મક્કમ થયો, રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. કપિલાએ આપેલાં શક્તિ-શસ્ત્ર વડે રાજાને ફરી શસ્ત્રહીન કરી મૂચ્છિર્ત કર્યો. પછી ફરી રાજા ભાનમાં આવીને મુનિ સામે લડવા તૈયાર થયો. તેણે આગ્નેયાસ્ત્ર પ્રયોજ્યું, મુનિએ વારુણાસ્ત્ર વડે તેને શાંત કર્યું. રાજાએ વારુણાસ્ત્ર ફેંક્યું, મુનિએ વાયવાસ્ત્ર વડે તેને શાંત કર્યુ. રાજાના નાગાસ્ત્રની સામે મુનિએ ગરુડાસ્ત્ર ચલાવ્યું. પછી રાજાએ સેંકડો સૂર્ય જેવા તેજસ્વી, દશે દિશાને ઉદ્દીપ્ત કરનાર માહેશ્વર અસ્ત્ર ફેંક્યું. ત્યારે મુનિએ દિવ્ય વૈષ્ણવાસ્ત્ર વડે તેને નિવાર્યું. પછી મુનિએ નારાયણાસ્ત્ર ફેંક્યું, તેને જોઈને રાજા શરણાગત થઈ ગયો. પ્રલયાગ્નિ સમાન એ અસ્ત્ર ક્ષણભર દસે દિશાઓને પ્રકાશિત કરીને અનાર્ધાન થઈ ગયું. પછી મુનિએ જુમ્ભૃણાસ્ત્ર ફેંક્યું, રાજા એનાથી નિદ્રાવશ થઈ ગયો. પછી એવા નિદ્રાધીન રાજાને જોઈ મુનિએ તેના મુકુટ, છત્ર, કવચ છેદી નાખ્યાં. નાગાસ્ત્ર વડે રાજાના બધા મંત્રીઓને કેદ કર્યા. રાજાને મંત્ર વડે જગાડી બંદીવાન મંત્રીઓ દેખાડયા.રાજાને મુક્ત કરી આશીર્વાદ આપી ઘેર જવા કહ્યું, પણ રાજા ક્રોધે ભરાયેલો હતો, ત્રિશૂળ ઉઠાવી મુનિવર પર ફેંક્યું. તે જ વેળા બ્રહ્મા આવ્યા, બંનેને શાંત કર્યા — મુનિએ અને રાજાએ પ્રણામ કર્યા, બધા પોતપોતાના આવાસે ગયા. રાજા ઘેર તો ગયો પણ મનમાંથી યુદ્ધનો વિચાર ગયો ન હતો. ફરી લાખોનું સૈન્ય ભેગું કરી ઋષિના આશ્રમને ઘેરી લીધો. રાજાની વિરાટ સેના જોઈને જમદગ્નિના આશ્રમવાસીએ ભયભીત થઈ મૂર્ચ્છા પામ્યા. મહર્ષિએ મંત્રબળથી બાણોની જાળ બિછાવી, તેનાથી આશ્રમ ઢંકાઈ ગયો. બધી સેના એમાં સપડાઈ ગઈ. રાજાએ રથમાંથી ઊતરીને મુનિને પ્રણામ કર્યા. મુનિએ તેને આશીર્વાદ આપ્યા. રાજાએ ફરી આક્રમણ કર્યું, આમ કેટલીય વાર આક્રમણ કરતો રહ્યો. મૂચ્છિર્ત થતો રહ્યો, પણ ક્ષમાશીલ મુનિએ તેનો વધ ન કર્યો. મુનિનું હૃદય વીંધાઈ ગયું અને તેના આઘાતથી મુનિનો જીવ જતો રહ્યો. શક્તિ વિષ્ણુ ભગવાન પાસે જતી રહી. જગતમાં હાહાકાર મચી ગયો. કપિલા ‘તાત’ ‘તાત’ બોલતી ગોલોકમાં જતી રહી. રાજા બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત્ત કરીને રાજધાની પાછો ફર્યો. પતિવ્રતા મુનિપત્ની રેણુકા પતિના મૃત્યુથી અત્યંત દુઃખી થઈને રડવા લાગી. તે પોતાના પુત્ર પરશુરામને બોલાવવા લાગી. તે સમયે પરશુરામ પુષ્કરમાં હતા. તે જ વેળા માનસગતિથી પરશુરામ માતા પાસે આવી પહોંચ્યા અને માતાને પ્રણામ કરી પિતાની અંતિમ ક્રિયાની તૈયારી કરી. બધી વાત સંભળીને માતાએ યુદ્ધની ના પાડી છતાં પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા કરી; રાજા કાર્તવીર્યનો વધ કરવાનું પણ લીધું. અને માતાને સમજાવી ……તેટલામાં મહર્ષિ ભૃગુ ત્યાં આવી પહોંચ્યા. ભૃગુ ઋષિને જોઈને રેણુકા અને પરશુરામ તેમને પગે પડ્યા. ભૃગુ ઋષિએ પરશુરામને ગઈ ગુજરી ભૂલી જવા કહ્યું. જે થનાર છે તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. રુદન કરવાથી મરનાર પાછું આવતું નથી.’ રેણુકા પણ આ સાંભળી સ્વસ્થ થઈ. પછી રેણુકાએ કઈ સ્ત્રીઓ સતી થઈ શકે અને કઈ સ્ત્રીઓ સતી ન થઈ શકે એ વિશે પૂછ્યું. ઋષિએ વિસ્તારથી એ બધી વાતો સમજાવી. રેણુકાએ પરશુરામને ભયાનક ક્ષત્રિયોનો વિરોધ ન કરવા કહ્યું અને પછી તે પતિ પાછળ સતી થઈ. પરશુરામ બ્રાહ્મણોને દાન આપીને બ્રહ્મા પાસે ગયા. પરશુરામની ઘોર પ્રતિજ્ઞા સાંભળીને તેઓ પણ દુઃખી થયા. ‘તારી આ નિર્દય પ્રતિજ્ઞા સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરશે. એક ક્ષત્રિયના અપરાધને કારણે આ પૃથ્વીને એકવીસ વાર ન-ક્ષત્રી કરવાનો તેં સંકલ્પ કર્યો છે. તારે કાર્ય સિદ્ધ કરવા બહુ પુરુષાર્થ કરવો પડશે. તું શિવ પાસે જા. પૃથ્વી ઉપર ઘણા રાજાઓ શિવભક્ત છે. શંકરની આજ્ઞા વિના કોઈ તેમને મારી નહીં શકે. એટલે તું શંકર પાસે જા. તેમની પાસેથી શ્રીકૃષ્ણના મંત્ર અને કવચ પ્રાપ્ત કર. એના પ્રભાવથી શૈવ અને શાક્ત બંને પર તું વિજય મેળવી શકીશ. તું ત્રૈલોક્યવિજય શ્રેષ્ઠ કવચ ધારણ કરીને એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી કરી શકીશ. શંકર ભગવાન તને દિવ્ય પાશુપતાસ્ત્ર આપશે, એના પ્રભાવથી તું ક્ષત્રિયો ઉપર વિજય મેળવી શકીશ.’ બ્રહ્માની વાત સાંભળીને પરશુરામ કૈલાસધામ ગયા અને ત્યાં શંકર ભગવાનની સ્તુતિ કરી. પછી બધી ઘટના સંભળાવી, મેં પૃથ્વીને એકવીસ વાર ન-ક્ષત્રી કરવાની તથા મારા પિતૃઘાતક કાર્તવીર્યનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે, મારી એ પ્રતિજ્ઞા પૂરી કરવામાં તમે સહાયભૂત થાઓ. આ સાંભળીને પાર્વતી અને કાલિકા ક્રોધે ભરાયાં, પરશુરામનો તિરસ્કાર કર્યો. એટલે પરશુરામ રુદન કરવા લાગ્યા અને આત્મહત્યા કરવા તત્પર થયા. એટલે ભગવાને બંને દેવીને શાંત કર્યા. પછી પરશુરામને કહ્યું, ‘હું તને એક કવચ આપીશ, તે ધારણ કરીને તું કાર્તવીર્યની હત્યા કરી શકીશ. તું એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયશૂન્ય કરી શકીશ.’ એટલું કહી ભગવાને પરશુરામને ત્રૈલોક્યવિજય નામનું કવચ આપ્યું. વેદવેદાંગ શીખવાડ્યા. બીજાં નાનાંમોટાં અસ્ત્રો આપ્યાં. વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાજિત કરનારી વિદ્યાઓ આપી. ત્યાર પછી પુષ્કર તીર્થમાં જઈને શ્રીકૃષ્ણ પાસેથી પણ આશીર્વાદ માગ્યા. પરશુરામે પોતાના આશ્રમે જઈને બાંધવોને, સ્વજનોને બોલાવીને બધી વાત કરી. તેમને શુભ શકુન થયા. બાંધવજનો સાથે વિચારવિમર્શ કર્યા પછી કાર્તવીર્ય પાસે એક દૂત મોકલ્યો. તેણે રાજસભામાં જઈને કહ્યું, ‘મહારાજ, નર્મદાકાંઠે અક્ષયવડ નીચે બાંધવોની સાથે પરશુરામ આવ્યા છે, તેઓ એકવીસ વાર પૃથ્વીને ન-ક્ષત્રી કરશે. તો તમે ત્યાં આવો અને યુદ્ધ કરો.’ આમ કહીને દૂત ચાલ્યો ગયો. રાજાએ કવચ ધારણ કરી યુદ્ધમાં જવાની તૈયારી કરી ત્યારે મહારાણી મનોરમાએ તેમને રોક્યા. રાજાએ કહ્યું, ‘નર્મદાકાંઠે આવીને પરશુરામે મને યુદ્ધ માટે પડકાર્યોે છે. શંકર ભગવાન પાસેથી તેમને શસ્ત્રો-અસ્ત્રો મળ્યાં છે. શ્રી હરિ પાસેથી પણ મંત્ર મળ્યો છે. તેમણે એકવીસ વાર પૃથ્વીને ન-ક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા કરી છે. હું અસ્વસ્થ થયો છું. મારું ડાબું અંગ ફરકે છે. મેં સ્વપ્નમાં જોયું કે મારા શરીરે લાલ ચંદન છે, ગધેડા પર બેસીને અટ્ટહાસ્ય કરું છું. આકાશ સૂર્ય-ચંદ્ર વિનાનું, લાલ વસ્ત્રો ધારણ કરીને કોઈ સ્ત્રી નૃત્ય કરી રહી છે. ખોપરીઓના ઢગલા છે. રાતે મીઠાનો પર્વત, કોડીઓના ઢગલા, રક્તવર્ષા, અંગારાની વર્ષા જોઈ.’ આવી વાતો સાંભળીને મનોરમાએ કહ્યું, ‘જમદગ્નિ પુત્ર પરશુરામ નારાયણના અંશ છે, શંકરના શિષ્ય છે. તમે તેમની સાથે યુદ્ધ ન કરો, તમે બ્રાહ્મણને ત્યાં ગયા, ભોજન કર્યું અને તેને મારી નાખ્યો. તમે ભૃગુનંદનને શરણે જાઓ.’ એટલે રાજાએ પત્નીને સમજાવી, ‘કાળ જ બધાનું કારણ છે. હું કેવી રીતે ઋષિની શરણાગતિ સ્વીકારું, મને મારા ભવિષ્યની પૂરી જાણ છે.’ મનોરમાએ રાજાની વાત માની લીધી અને તેણે યોગબળથી શરીરત્યાગ કર્યો. રાજાનો વિલાપ સાંભળીને આકાશવાણીએ રાજાને સાંત્વન આપ્યું. રાજાએ સ્વસ્થ થઈને મનોરમાના અંતિમ સંસ્કાર કર્યા અને બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું. યુદ્ધભૂમિની દિશામાં રાજાએ પ્રયાણ કર્યું. રસ્તે તેને બહુ જ અપશુકન થયા. પરશુરામ પાસે જઈને તેમને વંદન કર્યા અને પરશુરામે તેને આશીર્વાદ આપ્યા. પછી બંને વચ્ચે યુદ્ધ થયું. રાજાના બધાં જ અસ્ત્રોને નકામાં કરી દેવાયાં. ઋષિઓએ રાજાને નિ:શસ્ત્ર કરી દીધો. પરશુરામે શિવનું ત્રિશૂળ ઉગામ્યું. પણ ત્યારે આકાશવાળી થઈ, ‘હે વિપ્રવર, આ શંકર ભગવાનનું અમોઘ ત્રિશૂળ છે. તેનો ઉપયોગ ન કરો. રાજાએ દિવ્ય કવચ ધારણ કર્યું છે, એ કવચ દુર્વાસાએ આપ્યું છે. તમે રાજા પાસે જઈને કવચ માગો.’ રાજાએ પરશુરામને એ કવચ આપી દીધું. અને પછી પરશુરામના ત્રિશૂળથી રાજા ધરાશાયી થઈ ગયો. એટલે પરશુરામની સામે પુષ્કરાક્ષ આવી ચડ્યો. પરશુરામનાં બધાં શસ્ત્રને તેણે નિષ્ફળ બનાવ્યાં એટલે પરશુરામે પાશુપતાસ્ત્ર ઉગામવાનો નિર્ધાર કર્યો. ત્યારે બ્રાહ્મણનો વેશ લઈને ભગવાન નારાયણ ત્યાં આવ્યા અને તેમણે પાશુપતાસ્ત્ર ચલાવતા પરશુરામને અટકાવ્યા અને કહ્યું, ‘ત્રિલોકમાં દુર્લભ એવું મહાલક્ષ્મીનું કવચ પુષ્કરાક્ષે ગળામાં પહેર્યું છે. પુષ્કરાક્ષના પુત્રે દુર્ગાનું અદ્ભુત કવચ પહેર્યું છે. આ બંને કવચને કારણે તેઓ વિશ્વભરમાં અજેય છે. હું તમારી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે બંને પાસે જઈને કવચ માગીશ.’ તે બ્રાહ્મણની વાત સાંભળીને પરશુરામ ભયભીત થઈ ગયા.‘બ્રાહ્મણ વેશે આવેલા તમે કોણ છો? તમારો પરિચય આપો. પછી રાજા પાસે જાઓ.’ એ સાંભળીને બ્રાહ્મણવેશધારી વિષ્ણુને હસવું આવ્યું. ‘હું વિષ્ણુ છું.’ એમ કહીને તેઓ રાજા પાસે જતા રહ્યા. બંને પાસે જઈને કવચની માગણી કરી. વિષ્ણુ ભગવાનની માયાથી મોહવશ થઈને બંનેએ કવચ સોંપી દીધા. એટલે ભગવાન તો એ લઈને વિષ્ણુલોક જતા રહ્યા. …પછી પરશુરામે બંને ઉપર પ્રહારો કરવા માંડયા. સહાક્ષ યુદ્ધમેદાનમાં મૃત્યુ પામ્યો એટલે મહાશક્તિશાળી કાર્તવીર્ય અગણિત સેના લઈને યુદ્ધભૂમિ પર આવ્યો. તેના રથને રત્નોનું આચ્છાદન હતું અને પોતાની ચારે બાજુ અસ્ત્રશસ્ત્ર ગોઠવ્યાં હતાં. પરશુરામે તેને પોતાની સામે જોયો. તેના માથા પર રત્નમંડિત છત્ર શોભતું હતું. તેણે પોતે ઘણાં આભૂષણો ધારણ કર્યાં હતાં. અત્યંત સુંદર દેખાવવાળો કાર્તવીર્ય મંદ સ્મિત કરતો હતો. રાજાએ પરશુરામને પ્રણામ કર્યાં અને ઋષિએ તેને આશીર્વાદ આપ્યા. ‘હવે તું તારા સાથીઓ સાથે સ્વર્ગે જજે.’ એમ કહી બંને સૈન્ય વચ્ચે યુદ્ધ થયા લાગ્યું, પરશુરામના શિષ્યો અને તેમના ભાઈ કાર્તવીર્યના પરાક્રમથી ભાગવા લાગ્યા. તેમનું આખું શરીર ઘવાયું હતું. રાજાની બાણવર્ષાને કારણે શ્રેષ્ઠ શસ્ત્રધારી પરશુરામની પોતાની તથા દુશ્મનની સેના દેખાતી ન હતી. પછી બંનેએ દિવ્ય અસ્ત્રો પ્રયોજ્યાં. રાજાએ દત્તાત્રયે આપેલું અમોઘ શૂળ મંત્રોચાર કરીને પરશુરામ પર ફંગોળ્યું, તરત જ પરશુરામ ધરતી પર ઢળી પડ્યા. ભગવાન શંકરે ત્યાં આવીને પરશુરામને જીવનદાન આપ્યું. તે જ વખતે ભક્તવત્સલ ભગવાન દત્તાત્રેય શિષ્યની રક્ષા કરવા યુદ્ધભૂમિ પર આવી પહોંચ્યા. પરશુરામે ક્રોધે ભરાઈને પાશુપતાસ્ત્ર ઉગામ્યું પણ દત્તાત્રેયના દૃષ્ટિપાતથી તેઓ જડવત્ બની ગયા. તેમણે જોયું કે દત્તાત્રેયનું શરીર નવા મેઘ જેવું છે, હાથમાં વાંસળી લઈને વગાડી રહ્યા છે, બીજા હાથમાં સુદર્શન ચક્ર છે. આવા શ્રીકૃષ્ણ યુદ્વભૂમિ પર રાજાનું રક્ષણ કરી રહ્યા છે. તે જ વેળા આકાશવાણી થઈ, ‘દત્તાત્રેયે આપેલું શ્રીકૃષ્ણનું કવચ રાજાએ જમણા હાથે બાંધ્યું છે. યોગીઓના ગુરુ શંકર ભગવાન ભિક્ષા રૂપે રાજા પાસે આ કવચ માગશે તો જ રાજાનો વધ થઈ શકશે.’ એટલે શંકર ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને રાજા પાસે યાચના કરીને તે કવચ લઈ આવ્યા અને પરશુરામને આપી દીધું. દેવતાઓ પોતપોતાના થાનકે ગયા. રાજાએ પરશુરામને શ્રીકૃષ્ણમહિમા કહ્યો… પરશુરામે ભગવાનનું સ્મરણ કરીને બ્રહ્માસ્ત્ર વડે રાજાની સેનાનો વિનાશ કર્યો અને પાશુપતાસ્ત્ર દ્વારા રાજાનો સંહાર કર્યો. આ પ્રકારે પરશુરામે રમતાં રમતાં એકવીસ વાર પૃથ્વીને ન-ક્ષત્રી કરી નાખી. (ગણપતિખંડ ૨૪-૪૦)

વેદવતીની કથા

ધર્મધ્વજ અને કુશધ્વજ — બંનેએ કઠોર તપ કરીને ભગવતી લક્ષ્મીની ઉપાસના કરી, મહાલક્ષ્મીની કૃપાથી તેઓ પૃથ્વીપતિ થયા, ધનવાન અને પુત્રવાન થયા — કુશધ્વજની સાધ્વી પત્ની માલાવતી હતી. યોગ્ય સમયે લક્ષ્મીના અંશરૂપ કન્યા તેમને ત્યાં જન્મી, ધરતી પર પગ મૂકતાં વેંત તે જ્ઞાની થઈ ગઈ. સૂતિકાગૃહમાં જ વેદમંત્રોનો જાપ તે કન્યાએ કર્યો અને તે ઊભી થઈ ગઈ. એટલે તેનું નામ પડ્યું વેદવતી. જન્મતાવેંત તેણે સ્નાન કર્યું અને તપ કરવા વનમાં ચાલી નીકળી. બધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેણે કોઈનું સાંભળ્યું નહીં. પુષ્કરક્ષેત્રમાં એક મનાંતર તે તપ કરતી રહી. તપ આકરું હોવા છતાં સહજ રીતે ચાલતું રહ્યું. ખૂબ તપ કરવા છતાં તેનું શરીર હૃષ્ટપુષ્ટ રહ્યું, દુર્બળતા વિના તે નવયૌવન પામી. એક દિવસ આકાશવાણી તેણે સાંભળી, બીજા જન્મે ભગવાન હરિ તારા પતિ થશે. આ સાંભળી તે કન્યા ગંધમાદન પર્વત પર જઈને પહેલાં કરતાં પણ આકરું તપ તે કરવા લાગી. ત્યાં લાંબા સમય સુધી તપ કર્યા પછી તેણે પોતાની સામે રાવણ જોયો. વેદવતીએ અતિથિધર્મ પ્રમાણે પાદ્ય, ફળ અને જળ આપ્યાં. ફળ ખાઈને રાવણ વેદવતી પાસે જઈને પૂછવા લાગ્યો, ‘કલ્યાણી, તું કોણ છે? અને અહીં કેમ રહે છે?’ તે તો બહુ સુંદર હતી, તેના મોં પર મંદ મંદ સ્મિત ફરકતું હતું. તે જોઈ રાવણ કામાતુર બન્યો. તેણે હાથ વડે વેદવતીને પોતાની નિકટ ખેંચી. રાવણની આ હીનતા જોઈ સાધ્વી ક્રોધે ભરાઈ. તેણે પોતાના તપોબલ વડે રાવણને સ્તંભિત કરી દીધો, તેના હાથપગ જડ થઈ ગયા. તે કશું બોલીચાલી ન શક્યો. આવી સ્થિતિમાં રાવણે મનોમન કમલલોચના દેવીની ઉપાસના કરી. શક્તિની ઉપાસના નિષ્ફળ નથી જતી, વેદવતી રાવણ પર પ્રસન્ન થઈ અને એ સ્તુતિનું ફળ પરલોકમાં આપવા તે તૈયાર થઈ, અને સાથે સાથે શાપ આપ્યો, ‘દુરાત્મા, મારે કારણે જ બંધુજનોની સાથે તારો વિનાશ થશે, તેં કામવશ મારો સ્પર્શ કર્યો છે. હવે હું આ શરીર ત્યજી દઉં છું — જો.’ આમ કહીને વેદવતીએ યોગશક્તિથી પોતાના પ્રાણ ત્યજી દીધા. રાવણે તેનું શબ ગંગામાં વહેવડાવી દીધું. મનમાં ચિંતા કરતો રાવણ ઘર ભણી જવા નીકળ્યો અને મનમાં વિચારવા લાગ્યો, ‘કેવી અદ્ભુત ઘટના! અને મેં આ શું કર્યું? આમ પોતાના દુષ્કૃત્યનો અને વેદવતીના દેહત્યાગનો વિચાર કરવા લાગ્યો. આ વેદવતી બીજા જન્મે જનક રાજાને ત્યાં જન્મી, તેનું નામ પડ્યું સીતા. વેદવતી અદ્ભુત તપસ્વિની હતી. પૂર્વજન્મના તપને કારણે ભગવાન રામ તેને પતિ રૂપે મળ્યા. દેવી વેદવતીએ ઘોર તપ વડે જગદીશ્વરને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. તે સાક્ષાત્ રમા હતી. સીતા રૂપે તે દેવીએ ઘણો સમય રામ સાથે વીતાવ્યો. પૂર્વજન્મની વાતો તેને યાદ હતી પણ પૂર્વજન્મમાં તપને કારણે જે કષ્ટ પડ્યું હતું તેની કશી સ્મૃતિ ન રહી. વર્તમાન સુખે ભૂતકાલીન દુઃખોને ભુલાવી દીધાં. શ્રીરામ પરમ ગુણવાન, સુલક્ષણપૂર્ણ, રસિક, શાન્ત, સુંદર અને શ્રેષ્ઠતમ દેવતા હતા. વેદવતીએ આવા મનોવાંછિત સ્વામીને મેળવ્યા. થોડા સમય પછી રામ પિતાના વચન ખાતર વનમાં પધાર્યા. સીતા, લક્ષ્મણ સાથે સમુદ્ર પાસે રહ્યા. ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈને અગ્નિદેવે આવીને રામને કહ્યું, ‘ભગવાન, મારી વિનંતી સાંભળો. આ સીતાહરણનો સમય છે. સીતા મારી મા છે, તેને મારા સંરક્ષણમાં રાખો અને તમે છાયામયી સીતા સાથે રહો. અગ્નિપરીક્ષાના સમયે હું તેમને પાછી આપીશ. આ કામ માટે મને દેવતાઓએ અહીં મોકલ્યો છે. હું બ્રાહ્મણ નથી, હું અગ્નિ છું.’ રામે લક્ષ્મણને કશું કહ્યા વિના ભારે હૈયે અગ્નિની વાત સ્વીકારી લીધી. અને સીતા અગ્નિદેવને આપી દીધી. અગ્નિદેવે યોગબળથી માયામયી સીતાનું નિર્માણ કર્યું. રૂપ અને ગુણમાં તે સાક્ષાત્ સીતા જેવી જ હતી. અગ્નિદેવે એ સીતા રામને સોંપી અને સીતાને લઈને તે આગળ ચાલ્યા. આ વાત કોઈ કરતાં કોઈને ન કરવા ભગવાન રામને તેમણે ના પાડી. લક્ષ્મણ પણ આ રહસ્ય જાણી ન શક્યા. આ દરમિયાન ભગવાન રામે એક કાંચનમૃગ જોયો. સીતાએ એ મૃગ લાવવા ભગવાન રામને વિનંતી કરી. જાનકીની રક્ષાનો ભાર લક્ષ્મણને સોંપીને રામ મૃગ વધ માટે નીકળી પડ્યા. બાણ મારી તેને ભોંયભેગો કર્યો. મરતી વખતે મૃગે ચીસ પાડી, ‘હે લક્ષ્મણ!’ સામે રામને જોઈને તે મૃગે પ્રાણ ત્યજી દીધા. મૃગનો જન્મ પૂરો કરી તે દિવ્ય દેહવાળો બન્યો અને રત્નજડિત વિમાનમાં બેસીને વૈકુંઠધામમાં ગયો. આ મારીચ પૂર્વજન્મે વૈકુંઠધામના દ્વાર પર દ્વારપાલ જયવિજયનો સેવક હતો. તે ત્યાં જ રહેતો હતો. મહા બળવાન તે સેવકનું નામ હતું ‘જિત’. સનક વગેરેના શાપથી તે પણ જયવિજયની સાથે રાક્ષસજાતિમાં જન્મ્યો. તે દિવસે તેનો ઉદ્ધાર થઈ ગયો અને પેલા દ્વારપાલોની પહેલાં તે વૈકુંઠદ્વારે પહોંચી ગયો. ત્યાર પછી ‘હે લક્ષ્મણ!’ એવો પોકાર સાંભળીને સીતાએ લક્ષ્મણને રામ પાસે મોકલ્યા. લક્ષ્મણ ગયા એટલે રાવણે સીતાનું હરણ રમતાંરમતાં કરી લંકાની દિશામાં તે ચાલી નીકળ્યો. વનમાં લક્ષ્મણને જોઈને રામ વિષાધ્ગ્રસ્ત બન્યા. તરત જ તેઓ આશ્રમ જઈ પહોંચ્યા અને ત્યાં સીતા ન હતી. એટલે રુદન કરવા લાગ્યા. સીતાને શોધવા વનના એક છેડેથી બીજા છેડા સુધી ભમતા રહ્યા. થોડા સમય પછી ગોદાવરી કાંઠે જટાયુ પાસેથી સીતાના સમાચાર મળ્યા. વાનરોની સહાયથી રામે સમુદ્રમાં સેતુ ઊભો કર્યો. તેના પર થઈને લંકા પહોંચી રાવણને તેના બાંધવોની સાથે મારી નાખ્યો. ત્યાર પછી તેમણે સીતાની અગ્નિપરીક્ષા કરાવી. અગ્નિદેવે તે જ વખતે વાસ્તવિક સીતાને રામ પાસે ઊભી કરી દીધી. ત્યારે છાયાસીતાએ અત્યન્ત નમ્ર બનીને અગ્નિને અને રામને કહ્યું, ‘મહાનુભાવો, હવે મારે શું કરવાનું છે તે કહો.’ રામે તથા અગ્નિએ કહ્યું, ‘દેવી, તમે તપ કરવા અત્યંત પવિત્ર સ્થળ પુષ્કરક્ષેત્રમાં જતાં રહો. ત્યાં રહી તપ કરજો. એનાથી તમે સ્વર્ગલક્ષ્મી બનશો.’ ભગવાન રામ અને અગ્નિદેવની વાત સાંભળીને છાયાસીતાએ પુષ્કર ક્ષેત્રમાં જઈ તપ કરવા માંડ્યું. તેનું કઠોર તપ દીર્ઘ કાળ સુધી ચાલ્યું. ત્યાર પછી તેને સ્વર્ગલક્ષ્મી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. કાળક્રમે તે છાયાસીતા રાજા દ્રુપદને ત્યાં યજ્ઞવેદીમાંથી પ્રગટી. તેનું નામ દ્રૌપદી. પાંચ પાંડવ સાથે તેનું લગ્ન થયું. આમ સત્યયુગમાં કલ્યાણી વેદવતી કુશધ્વજની પુત્રી, ત્રેતાયુગમાં છાયા રૂપે સીતા અને દ્વાપરયુગમાં દ્રૌપદી રૂપે અવતરી. એટલે તેને ‘ત્રિહાયણી’ કહી, ત્રણે યુગમાં તે વિદ્યમાન થઈ. છાયાસીતા રામ અને અગ્નિદેવના કહેવાથી શંકર ભગવાનની આરાધના કરવા લાગી. પતિ પામવા વ્યગ્ર ચિત્તે વારે વારે વિનંતી કરતી રહી. ‘ભગવાન ત્રિલોચન, મને પતિ આપો.’ આ શબ્દો પાંચ વાર તેના મોઢામાંથી નીકળ્યા. ભગવાન શંકરે સ્મિતપૂર્વક કહ્યું, ‘તને પાંચ પતિ મળશે.’ આમ દ્રૌપદીને પતિ રૂપે પાંચ પાંડવ મળ્યા. (પ્રકૃતિખંડ ૧૪)

માલાવતીકથા

ઉપબર્હણે મંત્રદીક્ષા લઈ ગંડકીના કિનારે તપ કરવા માંડ્યું. તે સમયે પચાસ ગંધર્વકન્યાઓએ તેમને જોયા. જોતાંવેંત તેઓ મોહી પડી. બધાએ ઉપબર્હણને પતિ રૂપે પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરી યોગબળ વડે પ્રાણત્યાગ કર્યો અને ચિત્રરથ બ્રાહ્મણને ત્યાં જન્મીને પિતાની આજ્ઞાથી તેની સાથે વિવાહ કરી દીધો. તેમની સાથે ઉપર્બહણે લાંબા સમય સુધી વિહાર કરીને બ્રહ્મલોકમાં ગયો. ત્યાં નૃત્ય કરતી રંભાને જોઈ કામાતુર થયા અને વીર્યપાત થયો. તેમની મજાક બધાએ ઉડાવી અને બ્રહ્માએ તેમને શાપ આપ્યો. ‘તું ગંધર્વ મરી જા અને શૂદ્ર જાતિમાં જન્મ લે. થોડા સમય પછી વૈષ્ણવોના સંગથી તું ફરી મારા પુત્ર રૂપે સ્થપાઈશ. વિપત્તિનો સામનો કર્યા વિના પુરુષોને મહત્તા પ્રાપ્ત થતી નથી પછી તે ગંધર્વે શરીરત્યાગ કરી દીધો અને નાડીઓનું ભેદન કર્કહ્યું. મનસહિત જીવને બ્રહ્મરંધ્રમાં આણીને તેમણે બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યો. ડાબા ખભે વીણા લઈ, હાથમાં શુદ્ધ સ્ફટિકની માળા લઈ કૃષ્ણના નામનો જાપ કરવા લાગ્યા અને કુશની સાદડી પર સૂઈને દેહત્યાગ કરી દીધો. તેમના પિતા ગંધર્વરાજે દેહત્યાગ કરતા પુત્રને જોઈ પત્ની સાથે પોતે પણ દેહત્યાગ કરી દીધો. તે સમયે ઉપબર્હણના બાંધવજનો અને તેની પત્નીઓ વિલાપ કરવા લાગી. વિષ્ણુની માયાથી મોહિત થઈને બધી પત્નીઓ તેની પાસે ગઈ. પચાસ પત્નીઓમાં માલાવતી પટરાણી હતી. તે પતિને આલિંગીને મોટે સ્વરે રુદન કરવા લાગી. બધા દેવોને દિક્પાલોને પ્રાર્થના કરીને તેણે પતિનો પુનર્જન્મ યાચ્યો. પછી શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગી. પછી માલાવંતીએ પતિના ગુણોની સ્તુતિ કરી. પછી નારાયણ, બ્રહ્મા, મહાદેવ, ધર્મ તથા બીજા દેવોને શાપ આપવા તૈયાર થઈ. એટલે દેવતાઓ વિષ્ણુના શરણે ગયા. દેવતાઓની પ્રાર્થના પછી આકાશવાણી થઈ. ‘દેવતાઓ, તમે હવે ઘેર જાઓ. યજ્ઞના મૂળમાં વિષ્ણુ છે, તે બ્રાહ્મણના વેશે માલાવતીને શાન્ત કરશે અને તમને શાપમાંથી બચાવશે.’ આકાશવાણી સાંભળીને આનંદિત થયેલા દેવતાઓ આતુર બનીને માલાવતી પાસે પહોંચ્યા, દેવીને જોઈ, અલંકારમંડિત દેવી ભગવતી લક્ષ્મી જેવી દેખાતી હતી. સોનેરી સાડી, લલાટે બિંદુ, શરત્કાળના ચંદ્ર જેવી પોતાના તેજથી બધી દિશાઓને શોભાવતી હતી. પતિસેવાનો મહાન ધર્મ તેણે બજાવ્યો હતો. પતિના શબને છાતીએ ભીડી યોગાસનમાં તે બેઠી હતી. સ્વામીની વીણા જમણા હાથમાં પકડી હતી. સુંદર ચંપકવર્ણી કાયા, પક્વ બિંબાધર, ગળામાં શુદ્ધ સ્ફટિક માલા, નિત્ય યૌવનસંપન્ન ષોડશી વારેવારે પતિના શબને જોયા કરતી હતી. આ રૂપમાં માલાવતીને જોઈ બધા દેવતાઓને ખૂબ અચરજ થયું, ધર્માત્મા અને ધર્મભીરુ દેવતાઓ સંતાઈને ત્યાં ઊભા રહ્યા. જરા વાર ઊભા રહીને મંગલદાયક બ્રહ્મા, શિવ વગેરે દેવતા માલાવતી પાસે ગયા. દેવતાઓને આવેલા જોઈ માલાવતીએ પોતાના પતિને દેવતાઓ પાસે મૂકીને બધાને પ્રણામ કર્યાં અને ધ્રૂસકે ધૂ્રસકે રડવા લાગી. તે જ વેળા ત્યાં આવેલા દેવતાઓની વચ્ચે એક બ્રાહ્મણ બટુક આવ્યો. તે ખૂબ જ મનોહર દેખાતો હતો. દંડ, છત્ર, શ્વેત વસ્ત્ર અને તિલકમંડિતના હાથમાં પુસ્તક હતું. અને પોતાના તેજે તે શોભતો હતો. ચંદન અર્ચિત અંગવાળો તે બટુક શાંત હતો, મંદ મંદ સ્મિત કરતો હતો. વિષ્ણુની માયાથી વિસ્મય પામેલા દેવતાઓની સંમતિ લઈને તે દેવસભાની વચ્ચે બેસી ગયો, તારાઓની વચ્ચે ચન્દ્રની જેમ તે શોભી ઊઠ્યો. તે બટુક દેવતાઓને તથા માલાવતીને સંબોધીને કહેવા લાગ્યો, ‘અહીં બ્રહ્મા, શિવ સમેત બધા દેવતાઓ કેમ પધાર્યા છે? જગત સર્જનાર વિધાતા કેમ આવ્યા છે? બધા બ્રહ્માણ્ડનો સંહાર કરનારા શંકર પણ અહીં છે — શા માટે? ત્રણે લોકના કર્મના સાક્ષી ધર્મ પણ અહીં છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, કાળ, મૃત્યુકન્યા, યમ, પણ ઉપસ્થિત છે. હે માલાવતી, તારા ખોળામાં આ અત્યંત શુષ્ક શબ કોનું છે! જીવતીજાગતી સ્ત્રી પાસે મૃત પુરુષ કેમ છે?’ આ પ્રકારે માલાવતીને તથા દેવતાઓને પૂછીને બટુક બ્રાહ્મણ ચૂપ થઈ ગયા, પછી તેમને વંદન કરીને માલાવતી બોલી, ‘હું બ્રાહ્મણરૂપધારી ભગવાન વિષ્ણુને પ્રણામ કરું છું. તેમના દ્વારા અપાયેલા જળ વડે, પુષ્પવડે બધા દેવ અને શ્રીહરિ પણ સંતોષ પામે છે. ભગવાન, હું શોકગ્રસ્ત છું…હું ઉપબર્હણની પત્ની તથા ચિત્રરથની પુત્રી માલાવતી છું. મેં અનેક વર્ષો મારા પતિ સાથે સ્વચ્છંદે ક્રીડા કરી છે. મારા પતિએ બ્રહ્માના શાપને કારણે પ્રાણત્યાગ કર્યો છે. હું ઇચ્છું છું કે મારા પતિ જીવિત થાય. જો દેવતાઓ મારા પતિને જીવનદાન નહીં આપે તો એમને માથે સ્ત્રીહત્યાનું પાપ લાગશે. એટલું જ નહીં, હું તેમને શાપ પણ આપી શકું. સતીના શાપનું નિવારણ કરવું બહુ અઘરું છે.’ આમ કહીને માલાવતી ચૂપ થઈ ગઈ. બ્રાહ્મણે કહ્યું, ‘માલાવતી, દેવતાઓ કર્મનું ફળ આપે જ છે. પણ તત્કાળ નહીં, જેવી રીતે ખેડૂત વાવેલ બીનું પરિણામ પાછળથી મેળવે છે તેવી રીતે. દેવતાઓની આરાધના નિષ્ફળ નથી જતી…તારો પતિ કયા રોગથી મૃત્યુ પામ્યો? હું રોગની ચિકિત્સા પણ કરી જાણું છું.’ માલાવતી આ સાંભળીને પ્રસન્ન થઈ અને તેણે પતિમહિમા સમજાવ્યો. પછી બ્રાહ્મણને કહ્યું, ‘તમે કાળ, યમ અને મૃત્યુકન્યાને મારી પાસે લાવો.’ એટલે બ્રાહ્મણે બધાને બોલાવ્યા. માલાવતીએ સૌપ્રથમ મૃત્યુકન્યા જોઈ. તે કાળી હતી, દેખાવે ભયાનક હતી. લાલ રંગનાં વસ્ત્ર તેણે પહેર્યાં હતાં. તેને છ હાથ હતા. તે પોતાના પુત્રો સાથે ઊભી હતી. પછી માલાવતીએ કાળને જોયા. તેનું રૂપ વિકટ, ઉગ્ર અને ગ્રીષ્મકાલીન સૂર્ય જેવું હતું. તેને છ મુખ, સોળ હાથ, ચોવીસ નેત્ર હતાં. ત્યાર પછી તેણે વ્યાધિ સમૂહો જોયા. પછી યમ જોયા. તેણે યમને, મૃત્યુકન્યાને, કાળને પૂછ્યું, ‘તમે મારા પતિને શા માટે મારી નાખ્યા?’ તેમના ઉત્તર સાંભળ્યા પછી માલાવતીએ રોગ ન થાય એ માટેના ઉપાયો પૂછ્યા. એટલે ભગવાને વૈદક સિંહતા આરંભી. છેવટે બ્રહ્મા માલાવતીના પતિને જીવનદાન આપવા સંમત થયા, અને માલાવતી અને તેના પતિએ આનંદ ઓચ્છવ મનાવ્યો. (બ્રહ્મખંડ ૧૩-૧૮)