ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ

Revision as of 15:27, 6 December 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વિષ્ણુપુરાણ | }} {{Poem2Open}} === શતધનુ અને તેની રાણી શૈવ્યાની કથા ===...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિષ્ણુપુરાણ

શતધનુ અને તેની રાણી શૈવ્યાની કથા

પ્રાચીન સમયમાં શતધનુ નામના એક ખ્યાતનામ રાજા હતા. તેમની પત્ની શૈવ્યા પતિવ્રતા, સત્યવાદી, દયાવાન, વિનયી, નીતિમાન હતી. રાજાએ પોતાની પત્નીની સાથે સર્વવ્યાપી દેવ જનાર્દનની પૂજા કરી. પ્રતિદિન તેઓ અનન્યભાવે હોમ, જપ, દાન, ઉપવાસ અને પૂજન કરતા હતા. એક દિવસે કાર્તિકીપૂણિર્માનો ઉપવાસ કરીને ગંગાસ્નાન કર્યું અને તે જ વખતે સામેથી એક પાખંડી આવ્યો. તે બ્રાહ્મણ રાજાના ધનુર્વેદાચાર્યનો મિત્ર હતો એટલે આચાર્યનું ગૌરવ સાચવવા રાજાએ તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કર્યો. પરંતુ રાણીએ તેનો કોઈ સત્કાર કર્યો નહીં અને મૌન પાળ્યું. તે તો ઉપવાસી હતી એટલે તેને જોઈને સૂર્યદર્શન કર્યું, પછી તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરી. સમયાંતરે રાજાનું મૃત્યુ થયું, દેવી શૈવ્યાએ પણ રાજાનું અનુગમન કર્યું. રાજાએ ઉપવાસ હતો ત્યારે પાખંડી સાથે વાતચીત કરી હતી એને કારણે તે કૂતરાની જાતિમાં જન્મ્યા. રાણી કાશીનરેશની કન્યા રૂપે અવતરી. તે સુલક્ષણા, શાસ્ત્રજ્ઞ અને પૂર્વજન્મની જાણકાર હતી. તેને દિવ્યદૃષ્ટિથી જાણ થઈ કે મારા પતિ કૂતરાની જાતિમાં જન્મ્યા છે. વિદિશા નગરીમાં જઈને તેણે પોતાના પતિને કૂતરા રૂપે જોયો. રાજકન્યાએ રાજાનો સત્કાર કરીને ઉત્તમ ભોજન આપ્યું. આવું મધુર અન્ન ખાઈને જાતિના ગુણધર્મ પ્રમાણે ગેલ કરવા લાગ્યો. આનાથી સંકોચ પામીને કુત્સિત જાતિમાં જન્મેલા પોતાના પતિને પ્રણામ કરીને તે બોલી, ‘મહારાજ, તમે તમારી ઉદારતાને યાદ કરો. આજે તમે શું કરો છો? તીર્થસ્નાન કર્યા પછી પેલા પાખંડી સાથે કરેલી વાતચીતને કારણે તમે આ જન્મ લીધો છે!’ કાશીરાજકન્યાએ આમ યાદ કરાવ્યું એટલે તેને પૂર્વજન્મ પર વિચાર કર્યો. તેને નિર્વેદ જાગ્યો. ઉદાસ થઈને તે નગરબહાર ગયો અને પ્રાણ ત્યજી દીધા, નવા જન્મે તે શિયાળ થયો. કાશીનરેશકન્યાએ દિવ્ય દૃષ્ટિથી આ જાણી તેને જોવા કોલાહલ પર્વત પર ગઈ. પોતાના પતિને શિયાળ રૂપે જન્મેલો જોઈ તે કહેવા લાગી, ‘કૂતરારૂપે જ્યારે જન્મ્યા ત્યારે મેં તમને પૂર્વજન્મનો પ્રસંગ કહ્યો હતો તે યાદ છે ને?’ સત્યવાદી રાજા શતધનુએ આ સાંભળીને પોતે શરીરનો ત્યાગ કર્યો. અને નવા જન્મે તે વરુ તરીકે જન્મ્યા. તે વેળાએ પણ રાજકન્યાએ નિર્જન વનમાં જઈને પતિને ફરી તેમના પૂર્વજન્મની યાદ અપાવી. ‘તમે વરુ નથી, તમે રાજા શતધનુ છો. સૌથી પહેલાં તમે કૂતરા રૂપે, પછી શિયાળ રૂપે હતા, હવે તમે વરુ થયા છો.’ રાજા શરીરત્યાગ કરીને ગીધ જાતિમાં જન્મ્યા. તે વેળાએ પણ તેની પવિત્ર પત્નીએ ફરી ઉપદેશ આપ્યો, ‘હે રાજન્, તમે તમારા પૂર્વજન્મને યાદ કરો, આ ગીધલક્ષણોને ત્યજી દો. પાખંડી સાથે વાતચીત થઈ એને કારણે તમે આજે ગીધ છો.’ પછી કાગડા રૂપે જન્મેલા પતિને તેણે કહ્યું, ‘તમને સામંતો જે ભેટ આપતા હતા તેને કારણે આજે તમને કાકબલિ મળે છે.’ આમ રાજાને પૂર્વજન્મનું ભાન થયું એટલે તે નવા જન્મે મોર થયા. કાશીરાજકન્યાએ મોરને યોગ્ય આહાર આપીને ફરી રાજાને તેમના પૂર્વજન્મની યાદ અપાવી. તે સમયે રાજા જનકે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, તેમાં મોરને સ્નાન કરાવ્યું. રાજાને પોતાના પૂર્વજન્મોની યાદ આવી એટલે શરીરત્યાગ કર્યો અને રાજા જનકને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. પછી તે રાજકન્યાએ પોતાના પિતાને સ્વયંવર રચવા કહ્યું. તેણે સ્વયંવરમાં પધારેલા રાજાને પતિ તરીકે પસંદ કર્યા. જનકના મૃત્યુ પછી વિદેહનગર પર રાજ કર્યું. પત્ની સાથે વિહાર કર્યો, અનેક પુત્રોને જન્મ આપ્યો, યજ્ઞો કર્યા. છેલ્લે ધર્મયુદ્ધમાં મૃત્ુયુ પામ્યા. (ત્રીજો ખંડ, ૧૮)

કેશિધ્વજ અને ખાંડિક્યની કથા

પ્રાચીન કાળમાં ધર્મધ્વજ નામના એક રાજા થઈ ગયા. તેમના બે પુત્ર: અમિતધ્વજ અને કૃતધ્વજ. એમાં કૃતધ્વજ અધ્યાત્મમાં રત રહેતો હતો. તેનો પુત્ર કેશિધ્વજ અને અમિતધ્વજનો પુત્ર ખાંડિક્ય. ખાંડિક્ય કર્મમાર્ગમાં નિપુણ હતો અને કેશિધ્વજ અધ્યાત્મવિદ્યામાં નિપુણ હતો. બંને એકબીજાને પરાજિત કરવામાં લીન હતા. થોડા સમય પછી કેશિધ્વજે ખાંડિક્ય પાસેથી રાજ છિનવી લીધું. પરિણામે તે પુરોહિત અને મંત્રીઓને લઈને ગાઢ વનમાં જતો રહ્યો. કેશિધ્વજ જ્ઞાની તો હતો પણ અવિદ્યા વડે આવતા મૃત્યુને પાર કરવા અનેક યજ્ઞ કર્યા. એક દિવસ તે યજ્ઞમાં બેઠા હતા ત્યારે તેમની ધર્મધેનુને નિર્જન વનમાં એક ભયાનક સંહેિ મારી નાખી. એ સમાચાર જાણીને કેશિધ્વજે ઋત્વિજોને પૂછ્યું, ‘શું આમાં પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ?’ તેમણે કહ્યું, ‘અમને ખબર નથી. તમે કશેરુને પૂછો.’ રાજાએ તેને પૂછ્યું તો તેણે પણ એવો જ ઉત્તર આપીને ભૃગુપુત્ર શૂનકને પૂછવા કહ્યું. શૂનકે કહ્યું, ‘અત્યારે આખી પૃથ્વી ઉપર ન તો કશેરુ જાણે છે, ન હું જાણું છું. આ જ્ઞાન તો તેં જેને પરાજિત કર્યો છે તે શત્રુ ખાંડિક્ય જ જાણે છે.’ આ સાંભળી કેશિધ્વજે કહ્યું, ‘તો પછી હું મારા શત્રુ ખાંડિક્યને જ પૂછવા જઉં છું. જો તે મને મારી નાખશે તો મને મહાયજ્ઞનું ફળ મળશે અને જો મારા પૂછવાથી તે મને પ્રાયશ્ચિત્ત બતાવશે તો મારો યજ્ઞ નિવિર્ઘ્ને પૂરો થશે.’ આમ કહી કેશિધ્વજ કૃષ્ણ મૃગચર્મ પહેરીને રથમાં બેસી જ્યાં ખાંડિક્ય રહેતો હતો તે વનમાં આવી ચઢ્યો. પોતાના શત્રુને આવતો જોઈ ખાંડક્ય ક્રોધે ભરાઈ ધનુષ હાથમાં લઈ બોલ્યો, ‘અરે, તું કૃષ્ણ મૃગચર્મ પહેરીને મને મારી નાખીશ? શું તું એમ માને છે કે મેં કૃષ્ણ મૃગચર્મ પહેર્યું છે એટલે આ મારા પર પ્રહાર નહીં કરે? અરે મૂરખ, મૃગોની પીઠે શું કૃષ્ણમૃગચર્મ નથી હોતું? એવા મૃગો પર મેં અને તેં બાણ ક્યાં નથી માર્યાં? એટલે હું તને મારવાનો. તું મારા હાથમાંથી જીવતો નહીં જાય. તેં મારું રાજ છિનવી લીધું છે એટલે પાપી છે.’ કેશિધ્વજે કહ્યું, ‘ખાંડિક્ય, હું તમને મારવા આવ્યો નથી, એક શંકાના નિવારણ માટે આવ્યો છું. એટલે મારા પર ક્રોધે ન ભરાતા.’ આ સાંભળી ખાંડિક્યે પોતાના પુરોહિત અને મંત્રીઓને એકાંતમાં પૂછ્યું. મંત્રીઓએ કહ્યું, ‘અત્યારે આ શત્રુ તમારા હાથમાં આવ્યો છે, તેને મારી નાખવો જોઈએ. આમ કરવાથી આખી પૃથ્વી તમારા અંકુશમાં આવી જશે.’ ખાંડિક્યે કહ્યું, ‘આ વાત નિ:શંક સાચી, એ મૃત્યુ પામે એટલે પૃથ્વી પર મારો કાબૂ થાય. પણ તેને પારલૌકિક જય મળશે અને મને પૃથ્વી. પણ જો હું તેને ન મારું તો મને પારલૌકિક જય મળે અને તેને આખી પૃથ્વી. હું પારલૌકિક જયને પૃથ્વી કરતાં વધારે માનું છું કારણ કે પારલૌકિક જય અનંત કાળ માટે હોય અને પૃથ્વી થોડા દિવસ માટે. એટલે હું તેને મારીશ નહીં અને તે જે પૂછશે તે કહીશ.’ એટલે ખાંડિક્યે કેશિધ્વજ પાસે જઈને કહ્યું, ‘હવે તારે જે પૂછવું હોય તે પૂછ. હું તને સાચો ઉત્તર આપીશ.’ હવે કેશિધ્વજે જે રીતે ધર્મધેનુને સંહેિ મારી નાખી હતી તે વાત જણાવી તેનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. એટલે તેણે એનું પ્રાયશ્ચિત્ત વિધિવિધાન સાથે બતાવ્યું. પછી ખાંડિક્યની સંમતિ લઈને યજ્ઞભૂમિ પર આવી તેણે બધું કાર્ય પૂરું કર્યું. યજ્ઞ સમાપ્ત થયો, સ્નાન કર્યું પછી કેશિધ્વજે વિચાર્યું. ‘મેં બધા ઋત્વિજ બ્રાહ્મણોનું પૂજન કર્યું, સદસ્યોને માનપાન આપ્યાં, યાચકોને જોઈતી વસ્તુઓ આપી, લોકાચાર પ્રમાણે જે કંઈ કરવાનું હતું તે બધું કર્યું તો પણ મારા મનમાં ખટકો કેમ?’ આમ વિચારતાં વિચારતાં યાદ આવ્યું કે મેં હજુ ખાંડિક્યને ગુરુદક્ષિણા નથી આપી. એટલે ફરી રથમાં બેસી તે વનમાં ગયો. ખાંડિક્ય પણ કેશિધ્વજને શસ્ત્ર ધારણ કરીને આવતા જોઈ સામો મારવા માટે તૈયાર થયો. કેશિધ્વજે કહ્યું, ‘તમે ક્રોધ ન કરો. હું તમારું કશું અનિષ્ટ કરવા આવ્યો નથી. હું તો તમને ગુરુદક્ષિણા આપવા આવ્યો છું. તમારા કહેવા પ્રમાણે યજ્ઞ સંપન્ન કર્યો અને હવે મારે તમને ગુરુદક્ષિણા આપવી છે. તમારે જે જોઈએ તે માગી લો.’ ખાંડિક્યે ફરી મંત્રીઓને કેશિધ્વજની ઇચ્છા જણાવી. મંત્રીઓએ કહ્યું, ‘તમે તેની પાસેથી રાજ માગી લો. બુદ્ધિમાન લોકો કોઈને યાતના ન થાય એવી રીતે રાજ માગતા હોય છે.’ એટલે ખાંડિક્યે હસતાં હસતાં કહ્યું, ‘મારા જેવા થોડા દિવસ રહેનારું રાજ શું કામ માગે? તમે બધા સ્વાર્થ સાધવા સૂચન કરો છો પણ પરમાર્થની તમને કશી જાણ નથી.’ આમ કહીને ખાંડિક્ય કેશિધ્વજ પાસે આવીને બોલ્યો, ‘શું તું મને ખરેખર ગુરુદક્ષિણા આપવા માગે છે?’ કેશિધ્વજે હા પાડી અને પછી બંનેએ ધર્મચંતિન કર્યું. કેશિધ્વજ પોતાના નગરમાં ગયો અને ખાંડિક્યે પોતાની આસપાસ જે હતું તે પોતાના પુત્રને આપ્યું. (ખંડ ૬, અધ્યાય ૭)

વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીને શાપ

એક વેળા રેવંત નામનો રૂપવાન, કાંતિપૂર્ણ, સૂર્યપુત્ર મનોહર ઉચ્ચૈ:શ્રવા પર બેસી વિષ્ણુના ધામ વૈકુંઠમાં ભગવાનનાં દર્શન કરવા ગયો. ત્યારે લક્ષ્મીએ તેને જોયો. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈને અને દિવ્ય અશ્વને જોઈ તેના રૂપથી ચકિત થઈને ત્યાં ઊભાં રહ્યાં. વિષ્ણુ ભગવાને પણ અશ્વારૂઢ સૂર્યપુત્રને જોઈ લક્ષ્મીને પ્રેમથી પૂછ્યું, ‘હે સુંદરી, અશ્વારૂઢ અને કામદેવ જેવો રૂપવાન આ કયો પુરુષ અહીં આવે છે?’ લક્ષ્મી તે વેળા અશ્વને જ જોતાં રહેલાં એટલે વારંવાર પૂછવા છતાં કશું બોલ્યા નહીં એટલે વિષ્ણુ ભગવાને કહ્યું, ‘અશ્વને જોઈ મોહ પામેલી તું બોલતી જ નથી, તું બધે જ રમે છે એટલે રમા નામથી વિખ્યાત થઈશ અને ખૂબ જ ચંચળ હોવાથી ‘ચલા’ નામથી જાણીતી થઈશ. જેમ કોઈ સામાન્ય સ્ત્રી ચંચળ હોય તેમ તું પણ સ્થિર નહીં રહે. તું મારી પાસે ઊભી છે અને અશ્વને જોઈ મોહ પામી છે એટલે તું મનુષ્યલોકમાં અશ્વિની થઈ જા.’ આમ વિષ્ણુ ભગવાને લક્ષ્મીને શાપ આપ્યો. લક્ષ્મી દુઃખી થઈ ગયાં, ‘મારો નાનકડો અપરાધ અને તેની આવડી મોટી સજા! મેં તમારો આવો ક્રોધ કદી અનુભવ્યો નથી. તમારો અવિનાશી પ્રેમ ક્યાં ગયો? વજ્રનો ઘા શત્રુ ઉપર થાય, પ્રિયજન ઉપર ન થાય, હું તો વરદાનપાત્ર તો આવો શાપ કેમ? આજે હું તમારી આગળ જ પ્રાણત્યાગ કરીશ. તમારા વિરહમાં હું જીવું કેવી રીતે? તમે કૃપા કરો. હું આ શાપમાંથી મુક્ત થઈને તમારી પાસે ક્યારે આવીશ?’ વિષ્ણુએ આ સાંભળી કહ્યું, ‘જ્યારે પૃથ્વી પર તને મારા જેવો પુત્ર થશે ત્યારે આ શાપમાંથી મુક્ત થઈ મારી પાસે આવીશ.’ પછી તો લક્ષ્મીજી વિષ્ણુને પ્રણામ કરી મૃત્યુલોકમાં ઘોડી રૂપે રહેવા લાગ્યાં. આ લક્ષ્મીદેવીને જોઈ ભયભીત થઈને રેવંતે વિષ્ણુને પ્રણામ કરીને પોતાના પિતા સૂર્ય પાસે જઈ ભગવાનના શાપની વાત કરી. સૂર્યપત્નીએ ભૂતકાળમાં જ્યાં ઉગ્ર તપ કર્યું હતું ત્યાં રહીને લક્ષ્મી તપ કરવા લાગ્યાં. સુપર્ણાક્ષિ નામના તે સ્થળે યમુના અને તમસા નદીનો સંગમ હતો, ત્યાં ત્રિપુરારિ, ચંદ્રશેખર, ત્રિશૂળધારી શંકરનું ધ્યાન એકાગ્ર ચિત્તે ધરવા લાગ્યાં. પંચમુખી, અર્ધનારીશ્વર, કપૂરવર્ણા, વ્યાઘ્રચર્મ અને હસ્તીચર્મ ધારણ કરનાર, મુંડધારી સર્પોની જનોઈવાળા શંકરનું ધ્યાન વૈરાગ્ય પામીને લક્ષ્મી ધરવા લાગ્યાં. આમ તપ કરતાં કરતાં વર્ષો વીતી ગયાં, એટલે પ્રસન્ન થયેલા ભગવાન નંદી પર બેસીને તપ કરતાં લક્ષ્મી પાસે આવ્યાં. ‘તમારો પતિ તો સર્વ લોકને જન્મ આપનાર, બધા જ મનવાંછિત પદાર્થ આપનાર અને છતાં તમારે શા કારણે તપ કરવું પડ્યું? વિષ્ણુને બાજુ પર મૂકીને મારી સ્તુતિ શા માટે? પતિસેવા સ્ત્રીઓનો સનાતન ધર્મ છે, પતિ જેવો હોય તેવો સ્ત્રી માટે તો તે આરાધ્ય જ છે. તો તમે વિષ્ણુને બદલે મારી ઉપાસના કેમ કરી રહ્યાં છો?’ લક્ષ્મી બોલ્યા, ‘મારા પતિએ મને શાપ આપ્યો છે, શાપમુક્તિનો ઉપાય પણ તેમણે બતાવ્યો છે જ્યારે મને પુત્ર થશે ત્યારે આ શાપમાંથી મુક્તિ મળશે. હવે જો પતિ જ ન હોય તો પુત્ર જન્મે ક્યાંથી? તમે પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો. તમારામાં અને વિષ્ણુમાં કશો ભેદ નથી. મેં વિષ્ણુ પાસેથી જ આ વાત જાણી છે. આ જાણીને જ મેં તમારો આશ્રય લીધો છે.’ શંકર ભગવાને પૂછ્યું, ‘મારી અને વિષ્ણુની એકતા તમે કેવી રીતે જાણો? જ્ઞાની મુનિજનો અને દેવો પણ અમારી એકતા જાણી શકતા નથી. મારા ભક્તો વિષ્ણુની નિંદા કરે છે અને વિષ્ણુના ભક્તો મારી નિંદા કરે છે. તો તમે મને આ એકતાની વાત કરો.’ આ સાંભળી લક્ષ્મીએ કહ્યું, ‘એક સમયે વિષ્ણુને એકાંતમાં બેસીને ધ્યાનમગ્ન જોયા. પછી ધ્યાનમાંથી જ્યારે જાગ્યા ત્યારે મેં તેમને પૂછ્યું, ‘સમુદ્રમંથન વખતે જ્યારે હું સમુદ્રમાંથી પ્રગટી ત્યારે પતિ માટે મેં બધા સામે જોયું હતું, તમે બધા કરતાં ચઢિયાતા છો એમ માની તમને વરી. તો અત્યારે તમે કોનું ધ્યાન ધરતા હતા?’ વિષ્ણુએ મને કહ્યું, ‘હું આશુતોષ શંકર ભગવાનનું ધ્યાન ધરતો હતો. ક્યારેક તેઓ મારું ધ્યાન ધરે છે. હું શિવનો પ્રાણાધાર અને તે મારા પ્રાણાધાર. અમારામાં કશો ભેદ નથી. મારા જે ભક્તો તેમનો દ્વેષ કરે છે તેઓ નરકે જાય છે.’ આમ જાણીને મેં તમારું ધ્યાન ધર્યું તો હવે મને મારા પતિ કેવી રીતે મળે તે કહો.’ શંકર ભગવાને લક્ષ્મીને ધીરજ બંધાવતાં કહ્યું, ‘તમે સ્વસ્થ થાઓ. તમારા તપથી હું પ્રસન્ન છું. તમારો પતિ સાથે મેળાપ થશે જ એમાં જરાય શંકા નથી, મારી પ્રેરણાથી વિષ્ણુ અશ્વ રૂપે તમારી પાસે આવશે. તમને નારાયણ જેવો પુત્ર થશે અને પુત્ર મેળવીને તમે વૈકુંઠે જશો. તમારો પુત્ર એકવીર નામે વિખ્યાત થશે. તેનાથી હૈહયવંશ વિસ્તરશે. તમે હવે જગદંબાને શરણે જાઓ.’ આમ લક્ષ્મીને વરદાન આપીને શંકરપાર્વતી અંતર્ધાન થઈ ગયાં. લક્ષ્મીએ જગદંબાનું ધ્યાન ધર્યું. હવે વિષ્ણુ ક્યારે અશ્વ રૂપે આવશે તેની પ્રતીક્ષા કરવા લાગ્યાં. લક્ષ્મીને વરદાન આપીને કૈલાસ ચાલ્યા ગયેલાં શંકર ભગવાને ચિત્રરૂપને દૂત બનાવી વૈકુંઠ મોકલ્યો. ચિત્રરૂપને વિષ્ણુ પાસે જઈને તેઓ લક્ષ્મીનો શોક દૂર કરે એ વાત કહેવા કહ્યું, ચિત્રરૂપ શંકર ભગવાનની આજ્ઞાથી વૈકુંઠ ગયો. ત્યાં અનેક દિવ્ય વૃક્ષો, વાવ હતાં. હંસ, સારસ, મોર, પોપટ કોયલ જેવાં પક્ષી હતાં. ધજાથી શોભતાં ભવનો શોભામાં અભિવૃદ્ધિ કરતાં હતાં. ગંધર્વો હતા. પારિજાત, બકુલ, ચંપો, અશોક જેવાં વૃક્ષો હતાં. પક્ષીઓનું કૂજન સંભળાતું હતું. જય વિજય નામના દ્વારપાલ ત્યાં ઊભા હતા. તેમને ચિત્રરૂપે પોતાના આગમનની જાણ વિષ્ણુ ભગવાનને કરવા કહી. દ્વારપાલ જય ભગવાનને પ્રણામ કરી કહેવા લાગ્યો, ‘અત્યારે શંકર ભગવાનનો દૂત આવ્યો છે. તેને અહીં લાવું કે નહીં? તે ચિત્રરૂપ શા માટે આવ્યો છે તેની મને જાણ નથી.’ ભગવાને તેને અંદર લાવવાની આજ્ઞા આપી. ચિત્રરૂપે જયની સાથે અંદર જઈને પ્રણામ કર્યાં. ભગવાને પૂછ્યું, ‘શંકર ભગવાન તો કુશળ છે ને? તેમણે તમને અહીં શા માટે મોકલ્યા છે? શંકર ભગવાનનું કોઈ કાર્ય છે કે દેવોનું કોઈ કાર્ય છે?’ દૂતે ઉત્તર આપ્યો, ‘ગરુડધ્વજ, સંસારમાં જે બને છે તે તમારાથી ક્યાં અજાણ્કહ્યું છે? શંકર ભગવાને એક વિનંતી કરવા મને મોકલ્યો છે. લક્ષ્મી દેવી ઘોડીનું રૂપ ધરીને યમુના અને તમસાના સંગમ પર તપ કરી રહ્યાં છે. જગતમાં કોઈ પણ વ્યક્તિ લક્ષ્મી દેવીના આશીર્વાદ સિવાય સુખી થઈ શકતો નથી. તો પછી તેમનો ત્યાગ કરીને તમે કયું સુખ મેળવી રહ્યા છો? બળહીન અને ગરીબ પુરુષ પણ સ્ત્રીનું ભરણપોષણ કરે છે તો પછી તમે આ મહાન દેવીને ત્યાગ કેમ કર્યો? તમે દૂર છો એટલે તે દેવીને અને તમને જોઈ તમારા શત્રુઓ હાંસી ઉડાવે છે. તો એવાં ગુણસંપન્ન, સુલક્ષણાને પામી તમે સુખી થાઓ. શંકર ભગવાન પણ સતીના મૃત્યુ પછી બહુ દુઃખી થઈ ગયા હતા. તો તમે જાતે જઈને લઈ આવો. તમે ઘોડાનું રૂપ લઈને લક્ષ્મી દેવીનો સહવાસ કરો. પુત્ર જન્મે ત્યારે દેવીને લઈને વૈકુંઠમાં આવજો.’ ચિત્રરૂપની વાત સાંભળીને વિષ્ણુએ ‘ભલે’ કહ્યું અને દૂતને શંકરને ત્યાં મોકલ્યા. પછી ભગવાન વિષ્ણુ સુંદર અશ્વનું રૂપ લઈ તપ કરી રહેલાં લક્ષ્મી પાસે ગયા. પતિવ્રતા લક્ષ્મી પણ ભગવાનને જોઈને અશ્રુભીની આંખે ઊભાં રહ્યાં. એ સંગમ સ્થાને બંનેનો સમાગમ થયો અને સગર્ભા બનેલાં લક્ષ્મીએ સમય જતાં એક ગુણવાન, સુંદર બાળકને જન્મ આપ્યો. ભગવાને લક્ષ્મીજીને કહ્યું, ‘હવે આ રૂપ ત્યજીને વૈકુંઠમાં આવો. તમારો પુત્ર અહીંં જ રહેશે.’ લક્ષ્મીએ કહ્યું, ‘આ બાળક મારા દેહમાંથી જન્મ્યો છે, એને મૂકીને કેવી રીતે આવું? હું તેનો ત્યાગ કરવા માગતી નથી. તેને પણ સાથે લઈ જઈશું, આ પુત્ર મને જીવ કરતાંય વહાલો છે.’ આ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, ‘તારે આનું દુઃખ નહીં કરવું. આ પુત્ર અહીં સુખેથી રહેશે. મેં એની રક્ષા વિચારી છે. આ પુત્રને અહીં મૂકવાનું કારણ કહું. યયાતિ વંશમાં તુર્વસુ વંશના રાજા હરિવર્મા છે. સો વર્ષ સુધી તપ કરી રહેલા આ રાજા માટે મેં આ પુત્ર નિર્મ્યો છે. ત્યાં જઈને હું રાજાને પ્રેરણા કરું. પુત્રની ઇચ્છાવાળા રાજાને પુત્ર આપીએ, તે રાજા પુત્રને પોતાને ઘેર લઈ જશે.’ આમ લક્ષ્મીને આશ્વાસન આપી ભગવાન લક્ષ્મી સાથે વૈકુંઠ ગયા. લક્ષ્મી અને વિષ્ણુ ત્યાંથી જેવા ગયાં કે તરત જ ત્યાં ચંપક નામનો વિદ્યાધર મદનલાલસા નામની પોતાની પત્નીને લઈને ત્યાં આવ્યો. તેણે દિવ્ય બાળકને ભૂમિ પર રમતાં જોયો એટલે વિદ્યાધરે નીચે ઊતરીને બાળકને ઊંચકી લીધો. ગરીબ માણસને ધન મળે અને રાજી થાય તેવી રીતે તે પણ રાજીનો રેડ થઈ ગયો. વિદ્યાધરે એ પુત્ર પત્નીને આપ્યો. હર્ષઘેલી બનેલી મદનલાલસા બાળકને છાતીએ વળગાડી ચૂમવા લાગી, તેને પુત્ર માની લીધો. તેણે પતિને પૂછ્યું, ‘આ બાળક કોનું છે? શંકર ભગવાને જ જાણે મને દઈ દીધો છે.’ ચંપકે કહ્યું, ‘હું ઇન્દ્ર પાસે જઈને હમણાં જ પૂછું છું, આ બાળક દેવ છે, ગંધર્વ છે? દાનવ છે? તેમની આજ્ઞા મળે એટલે આ બાળકને હું પુત્ર બનાવીશ.’ એમ કહી તે વિદ્યાધર બાળકને લઈને ઇન્દ્ર પાસે પહોંચી ગયો. તેમને પ્રણામ કરી. ઇન્દ્રના ચરણે બાળક મૂકીને તે બોલ્યો, ‘યમુના અને તમસાના સંગમ સ્થળેથી આ સુંદર બાળક મને મળ્યો છે. આ કોનો છે? કોણે શા માટે ત્યજી દીધો છે? તમારી આજ્ઞા હોય તો આ બાળકને મારો પુત્ર બનાવું.’ ઇન્દ્રે કહ્યું, ‘અશ્વ રૂપવાળા વિષ્ણુએ અશ્વરૂપી લક્ષ્મી સાથે સહવાસ કરી આ પુત્રને જન્મ આપ્યો છે. અત્યંત ધાર્મિક રાજા તુર્વસુને આ પુત્ર આપવાની ભગવાનની ઇચ્છા હતી. તુર્વસુ ત્યાં જઈ પહોંચે એ પહેલાં જ તમે તે સ્થળે પહોંચીને બાળકને મૂકી દો. રાજા આ બાળક નહીં જુએ તો દુઃખી થશે. આ બાળક એકવીર નામે પણ ઓળખાશે.’ ઇન્દ્રની વાત સાંભળીને ચંપક બાળકને તરત જ લઈ ગયો અને જ્યાંથી જડ્યો હતો ત્યાં મૂકી દઈ ઘેર ગયો. તે જ સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે તપ કરી રહેલા રાજા તુર્વસુ પાસે ગયા. ભગવાનનું દર્શન કરી રાજી રાજી થઈ ગયેલા રાજાએ પ્રણામ કર્યાં અને ભગવાનની સ્તુતિ કરવા માંડી. એ સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, ‘તમે હમણાં જ તમસા અને યમુનાના સંગમ સ્થાને જાઓ. ત્યાં તમારે જોઈએ એવો પુત્ર મેં મૂક્યો છે. લક્ષ્મી દેવીએ એને જન્મ આપ્યો છે, તો તમે એ સ્વીકારજો.’ રાજા પ્રસન્ન થઈને તે સ્થળે ગયા અને ભૂમિ પર રમી રહેલા બાળકને તેમણે જોયો. તે પગનો અંગૂઠો મોંમાં મૂકીને ચૂસતો હતો. કામદેવ જેવાં રૂપવાન વિષ્ણુલક્ષ્મીના અંશવાળા બાળકને જોઈ રાજા ઘણો આનંદિત થયો. આંસુથી ગળગળા થઈને તે બોલ્યો, ‘વિષ્ણુ ભગવાને મને આપ્યો છે, તો નરકની યાતનામાંથી પુત્ર મને ઉગારજે. તારા માટે સો વરસ મેં કઠિન તપ કર્યું હતું. તને જન્મ આપીને લક્ષ્મીદેવી વિષ્ણુ ભગવાન સાથે વૈકુંઠ પહોંચી ગયા છે.’ રાજાએ એ પુત્ર પોતાની પત્નીને આપી દીધો. રાજા નગરમાં પહોંચ્યા ત્યારે મંત્રીઓએ અને લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. નગરવાસીઓએ રાજા ઉપર ડાંગરની અને પુષ્પોની વર્ષા કરી. રાણીએ પુત્રને ખોળામાં લઈ પૂછ્યું. ‘આ ઉત્તમ બાળક તમને ક્યાંથી મળ્યો? કોણે તમને આપ્યો? આણે તો મારું મન મોહી લીધું છે.’ રાજાએ આનંદપૂર્વક બધી વાત કરી. રાજાએ પુત્રપ્રાપ્તિના અવસરે ઉત્સવ કર્યો, યાચકોને ઉદાર બનીને દાન આપ્યું, ગીતો ગવાયાં. તેનું નામ એકવીર પાડ્યું. તે રાજા પણ ઇન્દ્ર જેવા જ પરાક્રમી હતા. વિષ્ણુના ગુણવાળો પુત્ર પ્રાપ્ત કરીને રાજા પ્રસન્ન થયા અને ઘરમાં આનંદ ઓચ્છવ કરવા લાગ્યા. રાજાએ પુત્રના સંસ્કાર કર્યા, તેના ઉછેરની બધી વ્યવસ્થા કરી અને તે ધીમે ધીમે મોટો થવા લાગ્યો. છઠ્ઠા મહિને અન્નપ્રાશન, ત્રીજે વર્ષે ચૌલ સંસ્કાર, અગિયારમે વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરાવી ધનુર્વેદની શિક્ષા આપી. પુત્રમાં બધી જ ક્ષમતાઓ જોઈ બ્રાહ્મણોને આમંત્રિત કરી રાજ્યાભિષેકની તૈયારી કરી. પુત્રને રાજગાદી આપી રાજા પત્નીને લઈને વનમાં જતા રહ્યા, છેવટે શંકરની આરાધના કરતાં કરતાં તેઓ સ્વર્ગે ગયા. એકવીર પિતા-માતાની ઉત્તરક્રિયા કરી શાસન કરવા લાગ્યો. ધર્મજ્ઞ રાજકુમારને મંત્રીઓ ખાસ્સું માન આપતા હતા. એક દિવસે રાજકુમાર મંત્રીપુત્રો સાથે અશ્વારૂઢ થઈ ગંગાકિનારે ગયો. ત્યાં ફળફૂલોથી ભરચક વૃક્ષો પર કોયલ — ભમરા ગુંજન કરતા હતા. મુનિઓના આશ્રમોમાં વેદમંત્રો ઉચ્ચારાતા હતા. હોમનો ધુમાડો આકાશમાં પ્રસરેલો હતો. હરણનાં બચ્ચાં આશ્રમમાં કૂદાકૂદ કરતાં હતાં. પાકેલી ડાંગરના ક્યારાઓ ગોવાલણો સાચવતી હતી. ખીલેલાં કમળથી વન શોભતું હતું. અશોક, ચંપો, ફણસ, બોરસલી, તિલક, લીમડા, પારિજાત, સાગ, તાલ, તમાલ જેવાં વૃક્ષો ત્યાં હતાં. ત્યાં રાજાએ ગંગામાં ખીલેલું એક અદ્ભુત સુવાસિત કમળ જોયું. તે કમળ પાસે રાજીવલોચના સુંદર કન્યાને અશ્રુપાત કરતી જોઈ. સુવર્ણકાંતિ ધરાવતી તે કન્યાની ડોક શંખ જેવી હતી, પક્વ બિંબાધર હતો, પાતળી કટિવાળી તે હતી. સખીઓથી દૂર જઈને તે એકાંતમાં અશ્રુપાત કરતી હતી. એવી રડતી કકળતી કન્યાને જોઈ રાજાએ પૂછ્યું, ‘તું કોણ છે? તારા પિતા કોણ છે? ગંધર્વકન્યા છે કે દેવકન્યા? તું રડે છે શા માટે? અહીં એકલી કેમ છે? કોકિલકંઠી, તને કોણે ત્યજી દીધી છે? તારો પતિ ક્યાં, પિતા ક્યાં છે? તારું દુઃખ મને કહે, હું એ દૂર કરીશ. મારા રાજ્યમાં કોઈ ચોરો, રાક્ષસોથી દુઃખી નથી. ભયંકર ઉત્પાતો થવાનો સંભવ નથી, વાઘ-સિંહની ભીતિ નથી. તો તું શા માટે વિલાપ કરે છે તે મને કહે. પ્રાણી દ્વારા, દેવતાઓ દ્વારા, માનવીઓ દ્વારા થતાં કઠોર દુઃખ દૂર કરવાં એ મારું કર્તવ્ય છે. હું સભાનતાથી એનું પાલન કરું છું. તો તારી વ્યથા કહે.’ રાજા એકવીરની વાત સાંભળીને તે મધુરભાષિણી કન્યા બોલી, ‘સાંભળો ત્યારે દુઃખ ન હોય તો રડવું શાને આવે? તમારા પડોશમાં રૈભ્ય નામના ધાર્મિક રાજા છે. તેની પત્ની રુક્મરેખા સુંદર, ચતુર, પતિવ્રતા છે. પુત્રરહિત તે સ્ત્રીએ પતિને વારંવાર કહ્યું, ‘મારા જીવનનું પ્રયોજન કયું? મારા વ્યર્થ જીવનને ધિક્કાર છે. નિ:સંતાન સ્ત્રી સુખી નથી.’ એટલે રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, પુષ્કળ દાન આપ્યું, યજ્ઞમાં સતત ઘીની આહુતિ અપાતી રહી. એટલે તે અગ્નિમાંથી સુંદર અંગોવાળી સુલક્ષણા કન્યા પ્રગટી. બ્રાહ્મણોએ તેને અગ્નિકુંડમાંથી બહાર કાઢી. રાજાને કહ્યું,‘રાજન્, આ પુત્રીનો સ્વીકાર કરો. યજ્ઞકુંડમાંથી જન્મેલી મણિઓની માળા જેવી છે, એટલે તેનું નામ એકાવલી રહેશે. પુત્ર સમાન આ કન્યાને પામી તમે સુખી થશો. ભગવાન વિષ્ણુએ જ તમને આ કન્યા આપી છે.’ બ્રાહ્મણોની વાત સાંભળી રાજાએ તે કન્યા જોઈ અને પત્ની રુક્મરેખાને આપી દીધી. ‘આ પુત્રી સ્વીકારો.’ કમળપાંખડી જેવી આંખોવાળી તે કન્યાને રાણીએ આનંદથી સ્વીકારી, પુત્રપ્રાપ્તિ જેવો આનંદ તેમને થયો. વિધિ પ્રમાણે બધા સંસ્કારો કર્યા. બ્રાહ્મણોને ખાસ્સી દક્ષિણા આપી. રાજારાણીને નિત્ય આનંદ ઓચ્છવ. તેમના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદ ન હતો. હું રાજાના મંત્રીની કન્યા યશોમતી છું. હું અને એકાવલી સરખી વયનાં, અમે સખીઓ, રાત દિવસ સાથે રહેતા. જ્યાં સુવાસિત કમળ દેખાય ત્યાં તે જતી રહેતી. એક વાર ગંગાકિનારે દૂર દૂર કમળ ખીલ્યાં હતાં. ત્યાં તે મારી સાથે સખીઓને લઈને નીકળી પડી. મેં રાજાને કહ્યુંં, ‘તમારી લાડકી પુત્રી કમળ જોઈ ખૂબ દૂર દૂર નિર્જન વનમાં જતી રહે છે.’ એટલે રાજાએ તેને દૂર જવાની ના પાડી, પોતાના મહેલમાં કમળસરોવરો ઊભા કર્યાં. તો પણ એકાવલી બહાર જતી રહેતી. તેનું રક્ષણ કરવા રાજાએ સૈનિકો મૂક્યા, તે મારી અને સખીઓ સાથે આવતી રહેતી. એક દિવસ સવારે અનેક રક્ષકોથી ઘેરાયેલી સખીઓથી વીંટળાયેલી ગંગાકાંઠે જઈ ચઢી. હું પણ કમળ સાથે રમતી એકાવલી સાથે આવી. અને અમે રમતાં હતાં ત્યારે કાલકેતુ નામનો રાક્ષસ અનેક શસ્ત્રધારી રાક્ષસો સાથે ત્યાં આવી ચઢ્યો. તેણે કામદેવની રતિ જેવી, કમળ સાથે રમતી એકાવલીને જોઈ. ત્યારે મેં એકાવલીને કહ્યું, ‘આ કોઈ દૈત્ય આવ્યો છે, તો આપણે રક્ષકોની સાથે ચાલ્યા જઈએ,’ પછી અમે રક્ષકો પાસે જતા રહ્યા. ત્યારે એ કામાતુર બનેલો રાક્ષસ ગદા લઈને દોડતો આવ્યો, રક્ષકોને હડસેલી એકાવલીને પકડી લીધી. ‘એને છોડી દે, મને લઈ લે,’ પણ તે રાક્ષસે મને ન જ લીધી અને તે એકાવલીને લઈને ચાલ્યો ગયો. અમારા રક્ષકો અને પેલા રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું, દાનવના ક્રૂર સૈનિકો રક્ષકો સાથે લડવા લાગ્યા. પણ તે મહાબલી કાલકેતુ બધા રક્ષકોને મારીને એકાવલીને લઈ ગયો. મારી સખીને રડતી જોઈ હું તેની પાછળ પાછળ દોડી, એકાવલી મને જોઈ શકે એ રીતે હું ચીસો પાડતી રહી. મને જોઈને તે સખી થોડી સ્વસ્થ થઈ. હું પણ તેની પાસે ગઈ, તે બહુ ગભરાઈ ગઈ હતી, તે પરસેવે રેબઝેબ હતી. મને ગળે વળગીને તે બહુ રડવા લાગી. કાલકેતુએ મને પ્રેમથી કહ્યું, ‘ચંચલ નેત્રોવાળી તારી સખી ગભરાઈ ગઈ છે, તું તેને સ્વસ્થ કર. મારું નગર સ્વર્ગ જેવું સુખદાયી છે. તો બી જઈને ચીસો કેમ પાડે છે? હવે તું એને શાંત થવા કહે.’ પછી મને પણ મારી સખીની સાથે રથમાં બેસાડી પોતાના નગરમાં લઈ ગયો. મને એકાવલીને સુંદર મહેલમાં મૂકીને ચોકી કરવા રાક્ષસોને ગોઠવી દીધા. બીજે દિવસે કાલકેતુએ મને કહ્યું, ‘તારી સખી ગભરાઈ ગઈ છે. તેને તું મારી પત્ની થવા સમજાવ, અને મનમાં આવે તે ભોગ ભોગવ. આ રાજ્ય પર તેનો અધિકાર. હું તેનો દાસ,’ તે વારંવાર આવી વાત કરતો હતો. એટલે મેં તેને કહ્યું, ‘આવી અપ્રિય વાત મારા મોઢે હું તેને નહીં કહું. તમારે જાતે જઈને કહેવી હોય તો કહો.’ મારી વાત સાંભળીને તે દુષ્ટે સખીને કહ્યું, ‘હે કૃશોદરી, તેં મારા પર ભૂરકી નાખી છે. તેને કારણે મારું હૃદય તારા વશમાં, તો તું મારી પત્ની બન.’ આ સાંભળી મારી સખીએ કહ્યું, ‘મારા પિતાએ મારું લગ્ન રાજકુમાર હૈહય સાથે કરવાનું નક્કી કર્યું છે. હું મારા મનથી તેને વરી ચૂકી છું. તો હવે હું એ બધું બાજુએ મૂકીને બીજાને પતિ કેવી રીતે બનાવું? અમારો આ શાસ્ત્રનિર્ભર નિયમ છે. પિતા જેને કન્યા સોંપે તેને જ કન્યાએ પતિ બનાવવો પડે. કન્યા હંમેશાં પરતંત્ર હોય છે. તે સ્વેચ્છાએ કશું કરી શકતી નથી.’ આમ છતાં કાલકેતુ પોતાના નિર્ણયમાંથી ડગ્યો નહીં. એટલે અમે બંને તે રાક્ષસની કેદમાંથી મુક્ત થઈ ન શક્યા. કાલકેતુનું નગર પાતાળની એક ગુફામાં છે, ત્યાં ખાઈઓ છે, કિલ્લો છે. એટલે મારી સખી ત્યાં છે અને હું તેના વિરહમાં અહીં રડ્યા કરું છું.’ આ સાંભળી એકવીરે કહ્યું, ‘મને નવાઈ તો એ લાગે છે કે તું દુષ્ટના નગરમાંથી અહીં આવી કેવી રીતે? મારી વાત રહસ્યપૂર્ણ છે તે એકવીરના પિતાએ પોતાની પુત્રી હૈહયને આપવાનું નક્કી કર્યું હતું એવું તેં કહ્યું. હવે હૈહયરાજ તો હું જ છું. આ નામનો બીજો કોઈ રાજા નથી. તો તારી સખી મારી વાત તો કરતી નથી ને? તું મારી આ શંકા દૂર કર. હું એ અધમ રાક્ષસને મારીને એકાવલીને છોડાવીશ. તેના પિતાને આ સમાચાર આપ્યા કે નહીં? તેમની પુત્રીનું અપહરણ થયું છે અને તે દુઃખી છે એ વાત તેઓ જાણતા જ નથી? અને જો જાણતા હોય તો તેમણે રાજકુમારીને છોડાવવાનો કોઈ પ્રયત્ન કર્યો જ નહીં? પુત્રી કારાગારમાં છે એ જાણીને રાજા ચૂપ કેવી રીતે બેસી રહે? આનું જે કારણ હોય તે મને જણાવ. હવે મને થાય છે કે હું તેને સંકટમાંથી મુક્ત કરું? કાલકેતુના એ નગરમાં જઈ કેવી રીતે શકાય? પણ પહેલાં એ કહે કે અહીં તું આવી કેવી રીતે?’ યશોમતી બોલી, ‘નાનપણથી હું જગદંબાનો બીજમંત્ર જપ કરું છું. એક સિદ્ધ બ્રાહ્મણે તે મંત્ર મને આપ્યો હતો. હું જ્યારે તે રાક્ષસની કેદમાં હતી ત્યારે મેં એ બીજમંત્ર રટવા માંડ્યો હતો. હું આમ તો ચંડીની આરાધના નિત્ય કરું જ છું. ઉપાસના કરવાથી ભગવતી બધા બંધનમાંથી મુક્ત કરી દેશે એ નિશ્ચિત છે. તે દેવી બધા ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારાં દેવી નિરાકાર, નિરાશ્રય છે. લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરનાર આ દેવીનું હું ધ્યાન ધરવા લાગી. એક મહિના સુધી હું બેસી રહી. ત્યારે મારી સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવતીએ સ્વપ્નમાં મને દર્શન આપી કહ્યું, ‘તું સૂઈ કેમ રહી છે? ઊભી થા અને ગંગાકાંઠે જા. ત્યાં રાજવી હૈહય આવશે, તેમનું નામ એકવીર છે. તમામ શત્રુઓને કચડી નાખવાની શક્તિ તેમનામાં છે. તેઓ નિત્ય મારી પૂજા કરે છે. એ રાજા તારું સંકટ દૂર કરશે, તેઓ દેવી લક્ષ્મીના પુત્ર છે. તેમના હાથે કાલકેતુ મૃત્યુ પામશે, અને એકાવલી બંધનમુક્ત થશે.’ આ સ્વપ્નમાં મને કહી દેવી અંતર્ધાન થઈ ગયાં, હું જાગી ગઈ. સ્વપ્નની બધી વાત મેં એકાવલીને કહી. તે સાંભળીને સખી પ્રસન્ન થઈ અને બોલી, ‘હવે તું તરત ત્યાં જઈને મારું કામ કર. ભગવતીની વાણી અફર છે, તેમની કૃપાથી આપણે બંને મુક્ત થઈ જઈશું.’ તેના કહેવાથી મેં આ સ્થળ ત્યજી દેવાનો નિશ્ચય કર્યો અને ચાલી નીકળી. કોઈએ મને અટકાવી નહીં. ભગવતીની કૃપાથી રસ્તાની જાણકારી અને ચાલવાની શક્તિ મને મળી ગયાં. મારા દુઃખનું કારણ તમને જણાવ્યું, હવે મને તમારો પરિચય આપો, તમે કોના પુત્ર છો?’ યશોમતીની વાત સાંભળીને લક્ષ્મીપુત્ર એકવીર પ્રસન્ન થઈને બોલ્યા, ‘સાંભળ, હું જ હૈહય છું. મારું નામ એકવીર. મારી માતા લક્ષ્મી છે. તેં એકાવલીના રૂપનું જે વર્ણન કર્યું તેનાથી હું વિહ્વળ થઈ ગયો છું. કાલકેતુ સમક્ષ એકાવલી બોલી કે હું હૈહયને વરી ચૂકી છું. બીજા કોઈને હું વરવાની નથી — એ વાત સાંભળીને તો હું વધુ પ્રસન્ન. તો કહે, હવે મારે શું કરવું? કાલકેતુનું સ્થળ હું જાણતો નથી. હું ત્યાં પહોંચું કેવી રીતે? તું મને ત્યાં પહોંચાડી શકે. એકાવલી તારી સખી છે, તેને બહુ દુઃખ સહેવાં પડે છે. તું નિશ્ચિત માન કે હું હમણાં જ રાક્ષસને મારીને એકાવલીને છોડાવીશ. રાજકુમારીનાં દુઃખ દૂર થશે, તેને હું તેના પિતા પાસે પહોંચાડીશ. પછી રાજા તેનું લગ્ન વિધિપૂર્વક કરી શકશે. તારા સાથ અને સહકારથી મારી બધી મનોકામના પૂરી થશે. પરસ્ત્રીનું અપહરણ કરનારા રાક્ષસનો વધ કરવામાં તું મદદ કર. સૌથી પહેલાં તો ત્યાંનો માર્ગ બતાવ.’ રાજકુમારની વાત સાંભળી યશોમતી પ્રસન્ન થઈ ઊઠી. કાલકેતુના નગરમાં જવાનો ઉપાય બતાવવા લાગી. તેણે કહ્યું, ‘તમે સિદ્ધિદાયક આ બીજમંત્ર ગ્રહણ કરો, પછી તમને રાક્ષસોથી રક્ષાયેલું એ નગર બતાવું છું. મારી સાથે તમે તૈયાર થાઓ, મોટી સેના પણ જોઈશે. યુદ્ધની શક્યતા છે. તે બહુ મોટો પરાક્રમી દૈત્ય છે, પાસે પરાક્રમી સૈનિકો છે. મંત્ર જપીને મારી સાથે ચાલો. હું એનું નગર તમને બતાવું છું. હવે તો એ રાક્ષસને મારીને મારી સખીને છોડાવવી એ જ તમારું કર્તવ્ય.’ એકવીરે તરત જ મંત્રદીક્ષા લીધી. તે જ સમયે દૈવયોગે દત્તાત્રય આવી ચઢ્યા. તેમણે મંત્રનો ઉપદેશ આપ્યો. એ ત્રિલોકતિલક નામે જાણીતા મંત્રના પ્રભાવે એકવીર સર્વજ્ઞ બન્યા, બધે જવાનું સામર્થ્ય સાંપડ્યું, એટલે કાલકેતુના નગરમાં જવા નીકળી પડ્યા. જેમ સર્પો પાતાળને રક્ષે તેમ આ નગરને રાક્ષસો રક્ષતા હતા. યશોમતી અને વિશાળ સેના લઈને એકવીર ત્યાં પહોંચ્યા એટલે તેમને જોઈ કાલકેતુના દૂતો ગભરાઈને રાક્ષસ પાસે પહોંચી ગયા. તે વેળા કાલકેતુ એકાવલી પાસે બેસીને તેને મનાવી રહ્યો હતો. રાક્ષસ કામાંધ બની ગયો છે એ જાણીને દૂતોએ કહ્યું, ‘આ એકાવલી સાથે આવેલી યશોમતી જયંત કે કાર્તિકેય જેવા રાજકુમારને લઈને મોટી સેના સાથે આવી રહી છે. તો તમે ચેતી જાઓ. યુદ્વ થશે. તે દેવકુમાર સાથે કાં તો યુદ્ધ કરો કાં તો આ સ્ત્રીને છોડી દો. શત્રુસેના ત્રણેક યોજન જેટલે જ દૂર છે. હવે તરત યુદ્ધની ભેરી વગાડો.’ આ સાંભળી કાલકેતુ ક્રોધે ભરાયો. પોતાની પાસેના રાક્ષસોને તેણે કહ્યું, ‘તમે બધા શસ્ત્રો લઈને શત્રુ સામે જાઓ.’ રાક્ષસોને આવી આજ્ઞા આપીને કાલકેતુએ એકાવલીને પૂછ્યું, ‘હે સુંદરી, આ કોણ આવી રહ્યું છે? તારા પિતા કે બીજો કોઈ? તને લેવા માટે સેના લઈને આવનારનો પરિચય આપ. કદાચ તારા પિતા આવી રહ્યા હોય, જો એવું હશે તો હું યુદ્ધ નહીં કરું. તેમનો આદર કરી, રત્ન, વસ્ત્ર, ઘોડા ભેટ ધરીને તેમનું સ્વાગત કરીશ. ઘેર આવ્યા પછી તેમનો આતિથ્યસત્કાર કરીશ. પણ જો કોઈ બીજો હશે તો તેને હું મારી નાખીશ. કાળની પ્રેરણાથી જ તે મરવા અહીં આવી ચઢ્યો છે. તો તું મને કહે. હું સાક્ષાત્ કાળ છું. અપાર બળ મારામાં છે, મને કોઈ જીતી નહીં શકે. મારા પ્રભાવને જાણ્યા વિના આ કયો મૂર્ખ અહીં આવી ચઢ્યો છે?’ એકાવલીએ કહ્યું, ‘કોણ આવે છે તેની મને જાણ નથી. તમારે ત્યાં હું કારાવાસમાં છું. તે કોઈ જાણતું નથી. આવનાર મારા પિતા નથી, મારા ભાઈ નથી. કોઈ બીજો વીર હશે. કયા કારણે તે આવે છે તે મને ખબર નથી.’ ‘આ દૂતોના કહેવા પ્રમાણે તારી સખી કોઈ વીરને લઈને આવી છે. તારી ચતુર સખી ક્યાં જતી રહી? બીજા કોઈ સાથે મારે દુશ્મનાવટ નથી.’ આ દરમિયાન બીજા દૂતોએ આવીને કહ્યું, ‘મહારાજ, તમે આટલા સ્વસ્થ થઈને કેમ બેઠા છો? શત્રુસેના એકદમ પાસે છે. તમે સેના લઈને તરત આવો.’ દૂતોની વાત સાંભળીને કાલકેતુ રથ પર બેસીને નગર બહાર નીકળ્યો. ત્યાં અશ્વારૂઢ થઈને એકવીર પણ આવ્યા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું — જાણે ઇન્દ્ર અને વૃત્રાસુર લડતા ન હોય! અનેક પ્રકારનાં અસ્ત્રો—શસ્ત્રો ફેંકાયાં. દિશાઓ ચમકી ઊઠી, કાયરો ધૂ્રજી ગયા. એકવીરે ગદા ફેંકી કાલકેતુને મોતને ઘાટ ઉતારી દીધો. તેના મૃત્યુ પછી બાકીના સૈનિકો ચારે દિશામાં ભાગી ગયા. યશોમતી એકાવલી પાસે પહોંચી ગઈ, ‘સખી, અહીં આવ. જો. આ દાનવને એકવીરે કાયમ માટે પહોંચાડી દીધો. આ બુદ્ધિમાને ઘોર યુદ્ધ કર્યું, તે થાક્યા છે એટલે દરવાજા પાસે ઊભા રહીને તને જોવા ઝંખે છે. તારા રૂપગુણની વાત સાંભળી છે. ગંગાકિનારે મેં તારી વાતો કરી છે, એટલે તારા પર મોહ પામીને તને જોવા આતુર છે.’ રાજકુમારીને સખીની વાત તો ગમી પણ હજુ તે કુમારી હતી, એટલે ગભરાઈ ગઈ, મનમાં ભારે સંકોચ હતો. ‘હું કુમારી છું, પરતંત્ર છું, તેમને કેવી રીતે મોં બતાવું?’ આવી ચિંતા કરતી તે યશોમતીને લઈને પાલખીમાં બેસીને ત્યાં ગઈ. ઉદાસ રાજકુમારીએ મેલી સાડી પહેરી હતી, તેને જોઈ રાજકુમારે કહ્યું, ‘હવે મને તારું દર્શન કરાવ. મારી આંખો તને જોવા માટે તરસી છે.’ એકવીરની આવી આતુરતા જોઈ એકાવલી શરમાઈ ગઈ. યશોમતીએ એકવીરને કહ્યું, ‘આના પિતા તમારી સાથે જ પુત્રીને પરણાવવા માગે છે. તમારો મેળાપ થશે જ પણ તમારે પ્રતીક્ષા કરવી પડશે. પહેલાં તો રાજકુમારીને તેના પિતા પાસે પહોંચાડો. પછી વિધિ પ્રમાણે તેઓ કન્યાદાન કરશે.’ યશોમતીની વાત માનીને એકવીર સેના સાથે એકાવલીને સખી સાથે લઈને રાજા રૈભ્ય પાસે પહોંચી ગયો. પુત્રીના આગમનના સમાચાર સાંભળી રાજા મંત્રીઓ સાથે ગયા. ઘણા વખતે મેલાંઘેલાં વસ્ત્રોવાળી પુત્રીને જોઈ. યશોમતીએ તેમને વિગતે બધી વાત કહી. શુભ મુહૂર્તે એકાવલીનો વિવાહ એકવીર સાથે થયો અને કન્યાને વિદાય કરી. એકાવલીએ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કૃતવીર્ય અને તે પુત્રના પુત્રનું નામ કાર્તવીર્ય.

ભૃગુ ઋષિએ લીધેલી ત્રણ દેવોની પરીક્ષા

એક વેળા સરસ્વતી નદીના પવિત્ર તટ પર મોટા મોટા ઋષિઓ યજ્ઞ કરવા ભેગા થયા હતા. ત્યાં ચર્ચા ચાલી — બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ — આ ત્રણે દેવોમાં બધાથી મોટો દેવ કોણ? આનો નિર્ણય કરવા બધાએ બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિને મોકલ્યા. ભૃગુ ઋષિ સૌથી પહેલાં બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માની ધીરજની કસોટી કરવા તેમણે ન તો બ્રહ્માને વંદન કર્યું, ન તેમની સ્તુતિ કરી. એટલે બ્રહ્મા રાતાપીળા થઈ ગયા. પછી બ્રહ્માએ જોયું કે આ તો મારો જ પુત્ર છે ત્યારે જાગેલા ક્રોધને વિવેકબુદ્વિથી અંદર ને અંદર દાટી દીધો. જાણે અરણીમંથનને કારણે જન્મેલો અગ્નિ પાણીથી બુઝાઈ ગયો. ત્યાંથી મહર્ષિ ભૃગુ કૈલાસ ગયા. ભગવાન શંકરે જોયું કે મારા ભાઈ ભૃગુ આવી રહ્યા છે ત્યારે આનંદથી ઊભા થયા અને ભેટવા હાથ ફેલાવ્યા. પરંતુ ભૃગુએ તેનો સ્વીકાર ન કર્યો, અને કહ્યું,‘તમે લોક અને વેદની મર્યાદાનું ઉલ્લંધન કરો છો એટલે તમને ભેટવા માગતો નથી.’ તેમની આવી વાત સાંભળીને ભગવાન શંકર તો ક્રોધથી લાલચોળ થઈ ગયા, આંખો પહોળી થઈ ગઈ. ત્રિશૂળ ઊંચકીને ભૃગુને મારવા ગયા, પણ તે જ વખતે ભગવતી સતીએ પતિને પગે પડીને તેમનો ક્રોધ શમાવ્યો. હવે ભૃગુ વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠમાં ગયા. તે વેળા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના ખોળામાં પોતાનું મસ્તક મૂકીને સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુની છાતીમાં જોરથી લાત મારી. લક્ષ્મીની સાથે ભગવાન તરત જ ઊભા થઈ ગયા અને મુનિ પાસે આવીને માથું ઝૂકાવી પ્રણામ કર્યા. ભગવાને કહ્યું, ‘બ્રહ્મન્, તમને આવકારું છું. આ આસન પર બેસી થોડી વાર આરામ કરો. મને તમારા આગમનની જાણ ન હતી. એટલે હું સામે આવી ન શક્યો. હું ક્ષમા માગું છું. તમારા ચરણકમળ તો બહુ કોમળ છે.’ એમ કહી ભૃગુના ચરણને ભગવાન પોતાના પંપાળવા લાગ્યા. પછી તે બોલ્યા, ‘તમારું ચરણોદક તો તીર્થોને પણ તીર્થ બનાવે એવું છે. તમે એનાથી વૈકુંઠને, મને અને મારામાં રહેતા રહેલા લોકપાલોને પવિત્ર કરો. તમારા ચરણકમળના સ્પર્શથી મારા બધાં પાપ ધોવાઈ ગયાં. આજે હું લક્ષ્મીનો એક માત્ર આશ્રય છું. હવે તમારા ચરણોની છાપવાળા મારા વક્ષ:સ્થળ પર લક્ષ્મી નિત્યવાસ કરશે.’ ભગવાને બહુ ગંભીરતાથી આમ કહ્યું, ‘એટલે ભૃગુ ઋષિ તૃપ્ત અને સુખી થઈ ગયા. ભક્તિના ઊભરાથી આંખોમાં આંસુ આવી ગયાં. વૈકુંઠમાંથી પાછા આવીને ઋષિઓ પાસે આવ્યા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો જે અનુભવ થયો હતો તે કહી સંભળાવ્યો. એ સાંભળીને બધા ઋષિમુનિઓને અચરજ થયું, પછી તો તેઓ વિષ્ણુને સર્વશ્રેષ્ઠ દેવ માનવા લાગ્યા, તેઓ જ શાંતિ અને અભયના મૂળમાં છે. એક વખત દ્વારકામાં કોઈ બ્રાહ્મણ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. પણ પૃથ્વીનો સ્પર્શ થતાં વેંત તે બાળક મૃત્યુ પામ્યું. બ્રાહ્મણ બાળકનું શબ લઈને રાજમહેલના બારણે પહોંચ્યો. ત્યાં આતુરતાથી તે વિલાપ કરવા લાગ્યો, ‘એમાં તો શંકા જ નથી કે બ્રાહ્મણદ્રોહી, ધૂર્ત, કૃપણ, વિષયી રાજાના કર્મે કરીને મારા બાળકનું મૃત્યુ થયું છે. જે રાજા હિંસાપરાયણ, ચારિત્ર્યભ્રષ્ટ અને અજિતેન્દ્રિય હોય તેને રાજા માનીને સેવા કરનારી પ્રજા દરિદ્ર થઈને દુઃખો જ ભોગવ્યા કરે છે. અને તે પ્રજા પર એક પછી એક સંકટ આવ્યા જ કરે છે.’ આમ તે બ્રાહ્મણ બીજા-ત્રીજા બાળકના મૃત્યુ પ્રસંગે પણ શંકા રાજમહેલના બારણે ફંગોળીને એ જ આક્ષેપ કરતો ગયો. નવમું બાળક જ્યારે મૃત્યુ પામ્યું ત્યારે તે ફરી ત્યાં આવ્યો, ત્યારે શ્રીકૃષ્ણ પાસે અર્જુન પણ બેઠા હતા. તેમણે બ્રાહ્મણની વાત સાંભળીને કહ્યું, ‘હે બ્રાહ્મણ, તમારી દ્વારકામાં કોઈ ધનુર્ધારી ક્ષત્રિય નથી? એવું લાગે છે કે આ યાદવો બ્રાહ્મણ છે અને પ્રજાપાલન્નું કર્તવ્ય ત્યજીને કોઈ યજ્ઞમાં બેઠા છે. જે રાજ્યમાં ધન, સ્ત્રી અને પુત્રોનો વિયોગ થવાથી બ્રાહ્મણો દુઃખી થાય છે ત્યાં ક્ષત્રિયો નથી પણ ક્ષત્રિયોના વેશે ઉદરભરણ કરનારા નર છે. તમે પતિપત્ની પુત્રોના મૃત્યુથી બહુ દુઃખી છો. હું તમારા સંતાનની રક્ષા કરીશ. જો હું એમ નહીં કરું તો આગમાં કૂદીને મરી જઈશ અને એ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ.’ આ સાંભળી બ્રાહ્મણે કહ્યું, ‘હે અર્જુન, અહીં બલરામ છે, શ્રીકૃષ્ણ છે, ધનુર્ધરશ્રેષ્ઠ પ્રદ્યુમ્ન છે, અનિરુદ્ધ છે — આ બધામાંથી કોઈ કરતાં કોઈ મારાં બાળકોની રક્ષા કરી ન શક્યું, તો તમે આ કામ કેવી રીતે પાર પાડશો? તમારી આ નરી મૂર્ખતા છે. મને તમારી વાતો પર વિશ્વાસ નથી આવતો.’ અર્જુને કહ્યું, ‘હું નથી બલરામ, નથી શ્રીકૃષ્ણ કે નથી પ્રદ્યુમ્ન. હું અર્જુન છું, મારું ગાંડીવ ધનુષ જગવિખ્યાત છે. મારા પૌરુષનો તિરસ્કર ન કરો. તમને તો ખબર નથી, પણ હું મારી વીરતાથી ભગવાન શંકરને પણ પ્રાભાવિત કરી ચૂક્યો છું. વધુ તો શું કહું? હું સાક્ષાત્ મૃત્યુ સાથે યુદ્ધ કરીને પણ તમારાં બાળક પાછા લાવી દઈશ.’ અર્જુને તે બ્રાહ્મણને આમ વિશ્વાસ અપાવ્યો, અને તેમની વીરતાની પ્રશંસા લોકો આગળ કરતાં કરતાં તે પોતાને ઘેર પહોંચી ગયો. તેની સ્ત્રીને પ્રસૂતિનો સમય આવ્યો એટલે તે આતુર બનીને અર્જુન પાસે આવ્યો અને બોલ્યો, ‘આ વખતે તમે મારા બાળકને મૃત્યુના મોઢામાંથી બચાવી લો.’ આ સાંભળીને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું, ભગવાન શંકરને વંદન કર્યું.પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કરીને ગાંડીવ ધનુષ પર પણછ ચઢાવી. અનેક અસ્ત્રમંત્રોને આહ્વાન કર્યું અને પ્રસૂતિગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. આમ પ્રસૂતિગૃહની આજુબાજુ, ઉપરનીચે બાણોની એક આખી જાળ ઊભી કરી. અને પછી બ્રાહ્મણીએ એક બાળકને જન્મ આપ્યો, તે વારેવારે રડતો હતો. પછી જોતજોતાંમાં તે અંતર્ધાન થઈ ગયો. હવે બ્રાહ્મણ શ્રીકૃષ્ણના દેખતાં જ અર્જુનની નિંદા કરવા લાગ્યો, ‘મારી મૂર્ખતા તો જુઓ. આ નપુંસકની વાતો પર મેં વિશ્વાસ કર્યો, જેને પ્રદ્યુમ્ન, અનિરુદ્વ, બલરામ, શ્રીકૃષ્ણ બચાવી ન શક્યા તેને કોણ બચાવી શકે? મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે. પોતાના મોઢે મોટી મોટી વાતો કરનારા અર્જુનના ધનુષને ધિક્કાર છે. આની દુર્બુદ્ધિ તો જુઓ — તે બાળકને પાછો લાવવા માગે છે, પણ પ્રારબ્ધે અમારી પાસેથી તે ઝૂંટવી લીધો છે.’ આમ જ્યારે બ્રાહ્મણ અર્જુનની ગમે તેમ નિંદા કરવા લાગ્યો ત્યારે યોગબળથી અર્જુન યમની પુરીમાં ગયો, ત્યાં યમરાજ રહેતા હતા. ત્યાં બ્રાહ્મણનું બાળક ન હતું. પછી તે શસ્ત્ર લઈને ઇન્દ્ર, અગ્નિ, નિઋતિ, સોમ, વાયુ, વરુણના નિવાસે ગયો, અતલની નીચેના નગરોમાં ગયો, સ્વર્ગની ઉપર ગયો. પણ ક્યાંય બાળકનો પત્તો ન પડ્યો. તેણે લીધેલી પ્રતિજ્ઞા પાર ન પડી. એટલે અગ્નિમાં પ્રવેશવાનો વિચાર કર્યો. પણ શ્રીકૃષ્ણે તેને અટકાવ્યો, ‘તું આમ તારી જાતને ફિટકાર નહીં. હું તને હમણાં જ બ્રાહ્મણનાં બધાં બાળક દેખાડું છું. આજે જેઓ તારી નિંદા કરે છે તેઓ આપણી નિર્મળ કીર્તિની પ્રશંસા કરશે.’ સર્વશક્તિવાન ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ રીતે સમજાવીને પોતાના દિવ્યરથ પર બેસાડી પશ્ચિમ દિશામાં ચાલી નીકળ્યા. સાત પર્વતો, સાત દ્વીપ, સાત સમુદ્ર, અને લોકાલોક પર્વતને વટાવીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. એ અંધકાર એટલો બધો ગાઢ હતો કે શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ઘોડા પોતાનો રસ્તો ભૂલીને આમતેમ ભટકવા લાગ્યા. ઘોડાઓની આ હાલત જોઇને શ્રીકૃષ્ણે હજારો સૂર્ય જેવા તેજસ્વી સુદર્શન ચક્રને આગળ આગળ ચાલવાની આજ્ઞા કરી. આમ તે ચક્ર પોતાના તેજ વડે આ ઘોર અંધકારને ચીરતું મનોવેગી બનીને આગળ આગળ નીકળ્યું —- જાણે રામચંદ્રનું બાણ ધનુષ પરથી રાક્ષસસેનામાં પ્રવેશતું ન હોય. આમ સુદર્શન ચક્રથી દોરાતો તે રથ અંધકારની અંતિમ સીમાએ જઈ પહોંચ્યો. આ અંધકારની પાર પરમ જ્યોતિ ઝગમગી રહી હતી. તે જોઈને અર્જુનની આંખો અંજાઈ ગઈ, અને તરત જ તેણે આંખો મીંચી દીધી. પછી ભગવાનનો રથ પાણીમાં પ્રવેશ્યો, ત્યાં જોરજોરથી આંધી ફુંકાતી હતી એટલે પાણીમાં ઊંચાં ઊંચાં મોજાં ઊછળતાં હતાં. ત્યાં એક સુંદર મહેલ હતો, ત્યાં મણિઓથી મઢેલા હજારો થાંભલા ચમકતા હતા. તેની આસપાસ ઉજ્જ્વલ જ્યોતિ પથરાઈ હતી. ત્યાં ભગવાન શેષ હતા. તેમનું શરીર અદ્ભુત અને ભયાનક હતું, તેમનાં હજાર મસ્તક હતાં, પ્રત્યેક ફેણ પર સુંદર મણિ ચમકતા હતા. દરેક મસ્તકમાં બબ્બે ભયાનક નેત્ર હતાં. અને તે તેમનું આખું શરીર કૈલાસ જેવું શ્વેત હતું, ગળું અને જીભ ભૂરા હતાં. અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખદ શય્યા પર પ્રભાવશાળી પુરુષોત્તમ સૂતા હતા. તેમના શરીરની કાન્તાિ વર્ષા ઋતુના મેઘ જેવી હતી. પીતાંબરધારી હતા. મોં પર પ્રસન્નતા હતી, નેત્ર સુંદર હતાં. લાંબા આઠ હાથ હતા. ગળામાં કૌસ્તુભ મણિ હતો, વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ચિહ્ન હતું. વનમાળા પહેરી હતી. નંદસુનંદ જેવા પાર્ષદ, ચક્ર વગેરે તથા પુષ્ટિ, શ્રી, કીર્તિ, અજા જેવી શક્તિઓ તથા બીજા ભગવાનની સેવા કરતા હતા. શ્રીકૃષ્ણે અનન્ત ભગવાનને વંદન કર્યા. પછી ભગવાને ગંભીર સ્વરે કહ્યું, ‘શ્રીકૃષ્ણ અને અર્જુન, તમને મળવા માટે જ બ્રાહ્મણ બાળકોને મેં બોલાવી લીધાં હતાં. તમે ધર્મરક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો છે. પૃથ્વીના ભાર રૂપ રાક્ષસોનો નાશ કરીને ફરી તમે પાછા આવજો. તમે નર નારાયણ છો. તમે પૂર્ણકામ અને સર્વશ્રેષ્ઠ છો છતાં જગતની રક્ષા માટે, લોકસંગ્રહ માટે ધર્મ પાળો.’ ભગવાનના આદેશનો સ્વીકાર કરીને શ્રીકૃષ્ણ અને અર્જુન તેમને વંદન કરીને શ્રીકૃષ્ણ બાળકોને લઈને જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે દ્વારકામાં પધાર્યા. બ્રાહ્મણનાં બાળકો પોતાના આયુષ્ય પ્રમાણે મોટા થઈ ગયાં હતાં. પણ તેમનાં રૂપ આદિ જન્મ વખતે જેવાં હતાં તેવાં જ રહ્યાં. બાળકો બ્રાહ્મણને સોંપી દીધાં. વિષ્ણુનું પરમ ધામ જોઈને અર્જુન બહુ આશ્ચર્ય પામ્યો. જીવમાત્રમાં રહેલું પૌરુષ શ્રીકૃષ્ણની કૃપાનું જ ફળ છે એવું તેને લાગ્યું…… થોડા સમય પછી શ્રીકૃષ્ણે જોયું કે આકાશ, પૃથ્વી અને અન્તરીક્ષમાં ઉત્પાત, અપશુકન થઈ રહ્યા છે ત્યારે તેમણે યાદવોને કહ્યું, ‘જુઓ, દ્વારકામાં ઘણા ઉત્પાત થઈ રહ્યા છે. યમરાજની ધજા જેવી ધજા મહા અનિષ્ટની આગાહી તે કરે છે. હવે અહીં જરાય રહેવું ન જોઈએ. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો અહીંથી શંખદ્વાર જતા રહે અને આપણે પ્રભાસ જઈએ. ત્યાં સરસ્વતી પશ્ચિમ દિશામાં સમુદ્રને મળે છે. ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈશું. દેવતાઓની વિધિપૂર્વક પૂજા કરીશું. અને, પછી આપણે ગાય, જમીન, સોનું, વસ્ત્ર વગેરેથી બ્રાહ્મણોનો સત્કાર કરીશું. આ બધો વિધિ અમંગલનો નાશ કરી મંગળ કરશે. દેવતા, બ્રાહ્મણ અને ગાયની પૂજા પ્રાણીઓને મોટો લાભ કરાવે છે.’ બધાએ શ્રીકૃષ્ણની વાત માનીને નૌકાઓ વડે સમુદ્ર પાર કરી પ્રભાસની યાત્રા કરી, ત્યાં બધા મંગલકૃત્યો કર્યા, પણ દૈવે તેમની બુદ્ધિનો નાશ કર્યો હતો એટલે મદિરાપાન કરવા બેઠા. પીતી વખતે તે બહુ મધુર લાગે પણ પછી સર્વનાશ નોતરે. એ મદિરાપાન કરીને બધા ઉન્મત્ત થઈ ગયા, અને એકબીજા સાથે લડવા લાગ્યા, બધાં શસ્ત્રો લઈને સમુદ્રકાંઠે એકબીજાને મારવા લાગ્યા. બધા નાનામોટા યાદવો મોહ પામીને એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે તેમનાં શસ્ત્રો ખતમ થઈ ગયાં ત્યારે સમુદ્રકાંઠે ઊગેલી એરકા ઊખાડવા લાગ્યા. ઋષિમુનિઓએ આપેલા શાપને કારણે મુસળના ચૂર્ણથી આ એરકા ઊગી નીકળી હતી. યાદવોના હાથમાં તે વનસ્પતિ આવતાંની સાથે વજ્ર જેવી કઠોર બની ગઈ, હવે યાદવો આ એરકા વડે એકબીજાને મારવા લાગ્યા. શ્રીકૃષ્ણે તેમને વાર્યા પણ તેમણે તો બલરામને અને શ્રીકૃષ્ણને પણ પોતાના શત્રુ માની લીધા. તે પાપીઓની બુદ્ધિ એટલી બધી વિકૃત થઈ ગઈ હતી કે તેઓ બંને ભાઈઓને મારવા પણ દોડ્યા. શ્રીકુષ્ણ અને બલરામ પણ ક્રોધે ભરાઈને આમતેમ ફરવા લાગ્યા અને એ ઘાસ ઉખાડીને તેમને મારવા લાગ્યા. જેવી રીતે વાંસ એકમેક સાથે ઘસાઈને દાવાનળ જન્માવે છે અને બધા વાંસને બાળી મૂકે છે તેવી રીતે બ્રાહ્મણોના શાપથી અને શ્રીકૃષ્ણની માયાથી મોહ પામીને યાદવોના ક્રોધે તેમનો વિધ્વંસ કરી દીધો. શ્રીકૃષ્ણે જ્યારે જોયું કે બધા યાદવોનો સર્વનાશ થઈ ગયો છે ત્યારે તેમણે સંતોષપૂર્વક શ્વાસ લીધો. બલરામે સમુદ્રકાંઠે બેસીને એકચિત્તે પરમાત્માનું ધ્યાન ધરી માનવદેહ ત્યજી દીધો. આ જોઈને શ્રીકૃષ્ણ પીપળના એક ઝાડ નીચે ચુપચાપ બેસી ગયા. તે વખતે શ્રીકૃુષ્ણે પોતાની અંગકાંતિ વડે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું અને ધુમાડા વિનાના અગ્નિની જેમ બધી દિશાઓને અંધકારહીન બનાવી રહ્યા હતા. વર્ષાઋતુના મેઘની જેમ શ્યામ શરીરમાંથી તપ્ત કાંચન વર્ણ જેવો જ્યોતિ પ્રગટી રહ્યો હતો. વક્ષ:સ્થળે શ્રીવત્સચિહ્ન હતું, પીતાંબર અને એવો જ ખેસ હતો. મુખકમળ પર સુંદર સ્મિત હતું, ગાલ પર અલકલટો હતી. કમળ જેવાં નેત્ર સુંદર હતાં. કાનમાં મકરાકાર કુંડળ હતા. કમરે કંદોરો હતો, ખભો જનોઇ હતી, માથે મુગટ હતો, કાંડે કંગન, હાથ પર બાજુબંધ, વક્ષ:સ્થળે હાર, પગે ઝાંઝર, આંગળીઓ પર વીંટી, ગળામાં કૌસ્તુભ મણિ, ઘુંટણ સુધી વનમાલા, શંખ, ચક્ર, ગદા આયુધ હતાં. શ્રીકૃુષ્ણ જમણા સાથળ પર ડાબો પગ રાખીને બેઠા હતા. જરા નામનો એક પારધિ હતો. તેણે મુસલના વધેલા ટુકડા વડે બાણની ફણા તૈયાર કરી હતી. દૂરથી ભગવાનના પગનું લાલ તળિયું હરણ જેવું દેખાયું એટલે બાણથી તે વીંધી નાખ્કહ્યું. પછી પાસે આવીને જોયું તો ‘અરે, આ તો ચતુર્ભુજ છે.’ ત્યારે અપરાધ થવાથી તે ડરી ગયો અને શ્રીકૃષ્ણને પગે પડીને બોલ્યો, ‘હે મધુસૂદન, મેં અજાણતાં આ પાપ કર્યું છે. તમે તો મહાયશસ્વી છો, નિર્વિકાર છો, કૃપા કરી, મારો અપરાધ ક્ષમા કરો. મહાન માનવીઓ કહે છે કે તમારા સ્મરણમાત્રથી માનવોનું અજ્ઞાન દૂર થાય છે. મેં પોતે જ આ પાતક કર્યું. હું નિરપરાધી હરણોનો વધ કરનાર પાપી છું. તમે હમણાં ને હમણાં જ મને મારી નાખો, જેથી હું તમારા જેવા મહાન પુરુષોનો અપરાધ ન કરું.’ શ્રીકૃષ્ણે આ સાંભળીને કહ્યું, ‘અરે જરા, તું બીશ નહીં; ઊભો થા, તેં તો મારી ઇચ્છા પાર પાડી છે. મોટા મોટા પુણ્યશાળીઓને જે સ્વર્ગ મળે છે તે તને મળે.’ ભગવાન તો પોતાની ઇચ્છાથી જ શરીર ધારણ કરે છે, તેમની આજ્ઞા થઈ એટલે જરાએ ત્રણ વખત ભગવાનની પ્રદક્ષિણા કરી, વંદન કરી વિમાનમાં બેસીને સ્વર્ગે ગયો. શ્રીકૃષ્ણનો સારથિ દારુક તેમને શોધતો શોધતો તુલસીની ગંધને અનુસરતો ભગવાનની સામે આવી ગયો. દારુકે જોયું કે શ્રીકૃષ્ણ પીપળાના ઝાડ નીચે આસન લગાવીને બેઠા છે. પુષ્કળ તેજવાળાં શસ્ત્ર તેમની સેવા કરી રહ્યાં છે. તેમને જોઈને દારુકના હૈયામાં પ્રેમ ઊભરાઈ ગયો. આંખોમાંથી આંસુ વહ્યાં. રથમાંથી કૂદીને તે ભગવાનને પગે પડ્યો. તેણે પ્રાર્થના કરી. ‘ચંદ્ર આથમી જાય ત્યારે વટેમાર્ગુની જે હાલત થાય તેવી મારી હાલત થઈ છે. મારી દૃષ્ટિ નાશ પામી છે, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે. મને દિશાઓનું કોઈ જ્ઞાન નથી, હૃદય અશાંત છે.’ દારુક આમ બોલતો જ રહ્યો અને ભગવાનનો રથ ધ્વજપતાકા, ઘોડા સાથે આકાશમાં ઊડી ગયો, તેની પાછળ દિવ્ય શસ્ત્રો પણ જતાં રહ્યાં. આ જોઈને દારુકના આશ્ચર્યનો પાર ન રહ્યો, ભગવાને કહ્યું, ‘દારુક, હવે તું દ્વારકા જતો રહે. ત્યાં બધાને યાદવોના સર્વનાશની, બલરામની પરમગતિની અને મારા સ્વધામ જવાની વાત કરજે. તેમને કહેજે હવે તમારે પરિવારને લઈને દ્વારકામાં રહેવું નહીં જોઈએ. હું નહીં હોઉં એટલે આ સમુદ્ર નગરીને ડૂબાડી દેશે. બધા ધનસંપત્તિ, કુટુંબીજનો અને મારા માતાપિતાને લઈને અર્જુનના ચોકીપહેરા હેઠળ ઇન્દ્રપ્રસ્થ જતા રહો. તું મેં ઉપદેશેલો ભાગવત ધર્મ પાળ અને બધાની ઉપેક્ષા કર. આ બધાને મારી માયા સમજીને શાંત થઈ જા.’ ભગવાનની આવી આજ્ઞા સાંભળીને દારુકે તેમની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં માથું મૂકીને વારેવારે પ્રણામ કર્યાં. પછી ઉદાસ થઈને દ્વારકા જવા નીકળ્યો. દારુકની વિદાય પછી બ્રહ્મા, શંકરપાર્વતી, ઇન્દ્ર વગેરે લોકપાલ, મરીચિ વગેરે લોકપાલ, મોટા મોટા ઋષિઓ, પિતૃઓ, ગંધર્વ-વિદ્યાધર, નાગ-ચારણ, યક્ષ-રાક્ષસો, કિન્નર — અપ્સરાઓ, ગરુડલોકનાં વિવિધ પક્ષીઓ, મૈત્રેય વગેરે બ્રાહ્મણો શ્રીકૃષ્ણના મહાપ્રસ્થાન વખતે આવી ચઢ્યા. તેઓ શ્રીકૃષ્ણના જન્મની, વિવિધ લીલાઓ ગાઈ રહ્યા હતા. તેમનાં વિમાનોથી આખું આકાશ છવાઈ ગયું હતું. ભગવાન પર તેઓ ભક્તિભાવથી પુષ્પવર્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે આ બધાને જોઈને પોતાના આત્માને સ્થિર કર્યો, આંખો મીંચી દીધી. તેમણે ભગવાનનો અગ્નિસંસ્કાર ન કર્યો. તેઓ સદેહે સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ઢોલત્રાંસા બજ્યા, પુષ્પવર્ષા થઈ. ભગવાન ગયા એટલે આ લોકમાંથી સત્ય, ધર્મ, કીર્તિ, શ્રીદેવી પણ ચાલ્યાં ગયાં. શ્રીકૃષ્ણની ગતિ મન અને વાણીથી પર હતી. એટલે તેઓ જ્યારે સ્વધામમાં જઈ રહ્યા હતા ત્યારે બ્રહ્મા વગેરે તેમને જોઈ જ ન શક્યા. જેવી રીતે વાદળોમાં ચમકતી વીજળી જ્યારે આકાશમાં જતી રહે છે ત્યારે માનવી તેને જોઈ શકતો નથી. તેવી રીતે શ્રીકૃષ્ણની ગતિને મોટા મોટા દેવ પણ જોઈ ન શક્યા. બ્રહ્મા અને શંકર તથા બીજા દેવતા ભગવાનની આ પરમ યોગમયી ગતિ જોઈને આશ્ચર્ય પામ્યા. અને તેમની પ્રશંસા કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા. ……… દારુક શ્રીકૃષ્ણના વિરહમાં વ્યાકુળ બનીને દ્વારકા આવ્યો અને વસુદેવ તથા ઉગ્રસેનના પગે પડીને ચોધાર આંસુએ રડી પડ્યો. પછી સ્વસ્થ થઈને યાદવોના વિનાશની બધી વારતા કહી સંભળાવી. એ સાંભળીને બધા દુઃખી થયા અને શોકથી મૂર્છા પામ્યા. શ્રીકૃષ્ણના વિયોગથી દુઃખી થઈને તેઓ પોતાના મૃતસ્વજનો પાસે આવ્યા. દેવકી, રોહિણી, વસુદેવ પોતાના પુત્રો શ્રીકૃષ્ણ અને બલરામને ન જોઈને બેસુધ થઈ ગયા. તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા. સ્ત્રીઓ પોતાના પતિઓનાં શબ ઓળખીને તેમની સાથે ચિતામાં બળીને ભસ્મ થઈ ગઈ. બલરામની પત્નીઓ, વસુદેવની પત્નીઓ, ભગવાનની પુત્રવધૂઓ પોતપોતાના પતિના શબ સાથે અગ્નિપ્રવેશ કરી બેઠી. રુક્મિણીએ અને બીજી પટરાણીઓએ શ્રીકૃષ્ણના ધ્યાનમાં મગ્ન થઈ અગ્નિપ્રવેશ કર્યો. અર્જુન તો પહેલેથી પોતાના મિત્ર અને ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં વ્યાકુળ હતો જ, પછી ગીતાનો ઉપદેશ યાદ કરીને સ્વસ્થ થયો. યદુવંશમાં જેમને કોઈ પિંડ આપનાર ન હતું તેમનું શ્રાદ્ધ અર્જુને વિધિપૂર્વક કર્યું, શ્રીકૃષ્ણ ન રહ્યા એટલે તેમનું નિવાસસ્થાનને એવું જ અક્ષત રાખી સમુદ્રે આખી દ્વારકા ક્ષણવારમાં ડુબાડી દીધી. પછી જે સ્વજનો,સ્ત્રીઓ અને વૃદ્ધો — બાળકો હતાં તેમને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા. ત્યાં બધાને વ્યવસ્થિત રીતે વસાવી અનિરુદ્ધના પુત્ર વ્રજનો રાજ્યાભિષેક કર્યો.

ઇન્દ્રને દુર્વાસા મુનિનો શાપ

એક વાર શંકર ભગવાનના અંશાવતાર દુર્વાસા પૃથ્વી પર ઘૂમી રહ્યા હતા. એમ કરતાં તેમણે વિદ્યાધરીના હાથમાં દિવ્ય પુષ્પોની સુવાસિત માળા જોઈ. તેની સુવાસથી આખું વન સુવાસિત થઈ ગયું હતું. તે ઉન્મત્ત વિપ્રવરે આવી સુંદર માળા વિદ્યાધરી પાસે માગી. એટલે વિશાળ નેત્રોવાળી અને કૃશાંગી વિદ્યાધરીએ સાદર પ્રણામ કરીને મુનિને એ માળા આપી દીધી. ઋષિ તે માળા મસ્તક પર મૂકીને ભમવા લાગ્યા. તે વખતે તેમણે જોયું કે ઉન્મત્ત ઐરાવત પર બેસીને દેવતાઓની સાથે ત્રિલોકનો અધિપતિ અને શચીનો પતિ ઇન્દ્ર આવતો હતો. તેમને જોઈને મદોન્મત્ત ભમરાઓના ગુંજનવાળી માળા ઋષિએ દેવરાજ ઇન્દ્ર પર ફેંકી. ઇન્દ્રે તે લઈને ઐરાવતના મસ્તક પર મૂકી. કૈલાસ પર્વત પર ગંગા શોભે તેવી રીતે તે માળા શોભવા લાગી. તે ઉન્મત્ત હાથીએ તેની સુવાસથી આકર્ષાઈ સૂંઢ વડે સૂંઘી ધરતી પર ફેંકી દીધી. આ જોઈને મુનિ દુર્વાસા ક્રોધે ભરાઈ ઇન્દ્રને કહેવા લાગ્યા, ‘અરે ઐશ્વર્યના મદથી તું છકી ગયો છે. તું બહુ અભિમાની બની ગયો છે. મેં આપેલી સુશોભિત માળાનો તું આદર કરી ન શક્યો. તેં ન પ્રણામ કર્યાં, ન આભાર માન્યો, ન એને મસ્તકે મૂકી. તેં એ માળાનું કશું ગૌરવ ન કર્યું. એટલે હવે તારો ત્રિલોકી વૈભવ નષ્ટ થશે. તું મને બીજા બ્રાહ્મણો જેવો જ માને છે. એટલે જ તેં મારું અપમાન કર્યું છે. તેં મેં આપેલી માળા પૃથ્વી પર ફેંકી દીધી એટલે હવે તારું આ ત્રિભુવન શ્રીહીન થઈ જશે. હું ક્રોધે ભરાઉં તો ચરાચર જગત ભયભીત થઈ જતું હતું, અને તેં મને જ અપમાનિત કર્યો.’ પછી તો ઇન્દ્ર ઐરાવત પરથી ઊતરીને મુનિને પ્રસન્ન કરવા લાગ્યો. એટલે દુર્વાસા મુનિ બોલ્યા, ‘હું આશુતોષ નથી. મારા અંત:કરણમાં ક્ષમા નથી. તે મુનિઓ બીજા, હું છું દુર્વાસા, ગૌતમ જેવાએ તને ચઢાવી માર્યો છે. પણ યાદ રાખ કે મારા કણેકણમાં ક્ષમા નામનું કશું છે જ નહીં. દયાનિધાન વસિષ્ઠ જેવા તારી સ્તુતિ કર્યા કરે છે એટલે જ તું અભિમાની થઈ ગયો છે. આજે મારા પ્રજ્વલિત જટાકલાપ અને વાંકી ભ્રૂકુટિ જોઈને ન ડરે એવો ત્રિલોકમાં કોણ છે? અરે શતક્રતુ, વારે વારે અનુનય કરવાનો દંભ શા માટે કરે છે? તું આમ બોલીશ તેનો અર્થ કયો? હું ક્ષમા નથી કરતો.’ આમ કહીને મુનિવર તો ચાલ્યા ગયા. ઇન્દ્ર પણ ઐરાવત પર બેસીને અમરાવતી જતા રહ્યા. ત્યારથી ઇન્દ્ર સમેત ત્રણે લોક વૃક્ષલતા ક્ષીણ થવાને કારણે લક્ષ્મીહીન બની ગયા. યજ્ઞયાગાદિ બંધ થઈ ગયા. તપસ્વીઓએ તપ કરવાનું છોડી દીધું, લોકો દાન વગેરે કરતા બંધ થયા. બધા લોકો લોભી બની ગયા, અને એને કારણે પાંગળા બની ગયા. તુચ્છ વસ્તુઓ માટે લાલચી બની ગયા. જ્યાં સત્ત્વ હોય ત્યાં લક્ષ્મી, સત્ત્વ પણ લક્ષ્મીનો જ સાથી. લક્ષ્મીહીનોમાં વળી સત્ત્વ ક્યાંથી? અને સત્ત્વ ન હોય તો ગુણ ક્યાંથી? ગુણહીન પુરુષમાં બળ, શૌર્ય ન મળે, નિર્બળ અને અશક્ત પુરુષ બધેથી અપમાનિત થાય છે. અપમાનિત થવાને કારણે પ્રતિષ્ઠિત પુરુષની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. અને પછી તો દાનવોએ દેવો પર ચઢાઈ કરી અને દાનવોએ દેવોને જીતી લીધા. એટલે પછી દેવો બ્રહ્મા પાસે ગયા અને પ્રજાપતિએ તેમને વિષ્ણુ ભગવાન પાસે જવા કહ્યું, એટલે દેવો બ્રહ્માને લઈને ક્ષીરસાગરના ઉત્તર કિનારે ગયા અને ત્યાં તેમણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. પછી ભગવાને કહ્યું, ‘હું તમારું તેજ વધારીશ. અત્યારે તમે દૈત્યો સાથે મળીને બધી ઔષધિઓ ક્ષીરસાગરમાં નાખો, મંદરાચલનો રવૈયો, વાસુકિ નાગનું નેતરું બનાવી તમે બંને મળીને અમૃત કાઢો. તેનું પાન કરીને તમે બળવાન અને અમર થઈ જશો, તમારે માટે હું એવી યુક્તિ કરીશ જેથી દાનવોને અમૃત ન મળે. તેમને માત્ર સમુદ્રમંથન કરવાનો ક્લેશ જ આવશે. પછી ભગવાનની વાત માનીને તેમણે વિવિધ ઔષધિઓ લાવીને સમુદ્રમાં નાખી, વાસુકિને નેતરું બનાવ્યો. વાસુકિનું પૂંછડું જ્યાં હતું ત્યાં દેવો અને તેમના મુખ આગળ દાનવો ગોઠવાયા. ભગવાન પોતે કાચબો બનીને મંદરાચલ માટે આધાર બન્યા. ભગવાન એક રૂપે દેવો સાથે હતા અને બીજા રૂપે દાનવો સાથે હતા. વળી કોઈ જોઈ ન શકે એવી રીતે ભગવાને પર્વતને ઉપરથી દબાવી રાખ્યો હતો. આમ કામધેનુ, વારુણીદેવી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, ચન્દ્રમા, ધન્વંતરિ, કમલ પર બેઠેલાં લક્ષ્મીદેવી પ્રગટ્યાં અને વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધરીને દેવોને અમૃત પીવડાવ્યું અને તેમને અમર કરી દીધા. ઇન્દ્રે લક્ષ્મીદેવીની સ્તુતિ કરી ત્રિલોકમાં કાયમી વસવાટ કરવા કહ્યું. (૧, ૯)

સૌભરિ ઋષિની કથા

એક સમયે સૌભરિ નામના મહર્ષિ બાર વર્ષ સુધી પાણીમાં રહ્યા. ત્યાં સંમદ્ નામનો એક બહુ સંતાનોવાળો અને વિશાળ મત્સ્યરાજ હતો. તેના પુત્ર, પૌત્ર, દૌહિત્ર આગળપાછળ, પુચ્છ, શિર પર ભમ્યા કરતા હતા. આનંદિત થઈને તેની સાથે ક્રીડા કર્યા કરતા હતા. તે પણ સંતાનોના સ્પર્શથી આનંદ પામતો મુનિના દેખતાં બધાની સાથે રાતદિવસ રમ્યા કરતો હતો. પાણીમાં રહેતા સૌભરિ પોતાની સમાધિ ત્યજીને રાતદિવસ આ મત્સ્યરાજને આમ રમતો જોઈ વિચારવા લાગ્યા, ‘અહો, ધન્ય છે. આવી નીચ જાતિમાં જન્મીને આ પોતાનાં પુત્ર, પૌત્ર, દૌહિત્ર સાથે રમે છે, મારા હૃદયમાં ઈર્ષ્યા જન્મે છે. હું પણ આમ પુત્રો સાથે મોજ કરીશ.’ આવી ઇચ્છા કરીને તે પાણીમાંથી બહાર આવ્યા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની ઇચ્છાથી રાજા માંધાતા પાસે આવ્યા. મુનિને આવતા જોઈ રાજાએ તેમનું સ્વાગત કર્યું અને તેમની પૂજા કરી. સૌભરિએ કહ્યું, ‘રાજન્, હવે હું પરણવા માગું છું. એટલે તું મને એક કન્યા આપ. કકુત્સ્થ વંશ પાસે આવેલો કોઈ માણસ ખાલી હાથે જતો નથી. આ પૃથ્વી ઉપર હજારો રાજા છે અને તેમની અનેક કન્યાઓ છે પરંતુ યાચકોને માંગેલી ચીજ આપવામાં દૃઢ પ્રતિજ્ઞાવાળું તારું કુળ પ્રશંસનીય છે. તારે તો પચાસ કન્યાઓ છે, તેમાંથી તું એક મને આપ. મારી પ્રાર્થનાનો ભંગ તો નહીં થાય ને એવી શંકાથી મને ડર લાગે છે.’ ઋષિની આવી વાત સાંભળી, તેમનો વૃદ્ધ દેહ જોઈ શાપનો ડર પણ રાજાને લાગ્યો. તે નીચું મુખ કરીને મનોમન ચંતાિ કરવા લાગ્યો. સૌભરિ બોલ્યા, ‘રાજન્, ચંતાિ કેમ કરે છે? મેં કોઈ અસહ્ય વાત તો કરી નથી. આમેય તારે એક દિવસ તો કન્યા કોઈને આપવી તો પડશે ને?’ રાજા માંધાતાએ ઋષિના શાપથી ડરતા ડરતા કહ્યું, ‘ભગવન્, અમારા કુળની પરંપરા છે કે જે વરને કન્યા પસંદ કરે તેને આપવી. હવે મને સમજ નથી પડતી કે મારે શું કરવું? બસ આ જ ચંતાિ છે.’ રાજાની આવી વાત સાંભળી સૌભરિએ વિચાર્યું, ‘મને ટાળવાનો આ ઉપાય છે. આ વૃદ્ધ તેને તો પ્રૌઢાઓ પણ પસંદ કરતી ન હોય તો કન્યાઓ તો પસંદ કરશે જ કેવી રીતે?’ આમ વિચારી રાજાએ આવું કહ્યું છે, એટલે તેમણે રાજાને કહ્યું, ‘જો આમ વાત હોય તો કન્યાઓના અંત:પુરના નપુંસક રક્ષકને મારા પ્રવેશ માટે કહો. જે કન્યા મારી માગણી કરે તે કન્યા હું સ્વીકારીશ. બાકી આ ઢળતી વયે આવા ઉદ્યોગનું કોઈ પ્રયોજન નથી.’ એટલે મુનિના શાપના ડરથી રાજાએ કન્યાઓના અંત:પુરરક્ષકને આજ્ઞા આપી. તેની સાથે અંત:પુરમાં પ્રવેશ કરતી વેળા સૌભરિએ પોતાનું રૂપ બદલીને ગંધર્વથી, સિદ્ધથી ચઢિયાતું બનાવી દીધું. તે ઋષિને અંત:પુરમાં લઈ જઈ રક્ષકે કન્યાઓને કહ્યું, ‘તમારા પિતા માંધાતાની આજ્ઞા છે કે આ બ્રહ્મર્ષિ એક કન્યા માટે પધાર્યા છે અને મેં તેમની આગળ પ્રતિજ્ઞા કરી છે કે મારી જે કોઈ કન્યા તેમને પસંદ કરશે તો તેની સાથે હું ઋષિનું લગ્ન કરાવીશ.’ આ સાંભળી યુથપતિ ગજેન્દ્રની પસંદગી કરતી હાથણીઓની જેમ ‘હું, હું એમને પસંદ કરું છું.’ તેઓ બોલવા લાગી, ‘અરે બહેનો, વ્યર્થ પ્રયત્ન કેમ કરો છો? તમે શાંત થઈ જાઓ. અંત:પુરમાં આવતાંવેંત સૌથી પહેલાં મેં તેમને પસંદ કર્યા છે, તો તમે બળી કેમ મરો છો?’ આમ પહેલાં મેં, પહેલાં મેં એમ રાજકુમારીઓમાં મોટો કલહ મચી ગયો. આ બધી કન્યાઓએ મુનિવરને પસંદ કરી લીધા એવા સમાચાર રક્ષકે રાજાને આપ્યા. ‘આવું બને જ કેવી રીતે?’ પણ પોતે વચન આપ્યું હતું એટલે રાજાએ વચનપાલન કર્યું અને સૌભરિ મુનિ બધી કન્યાઓને લઈને આશ્રમ ગયા. ત્યાં તેમણે વિશ્વકર્માને બોલાવ્યા અને દરેક કન્યા માટે જુદો મહેલ બનાવવા કહ્યું, તેમાં હંસ, કારંડવ જેવાં પક્ષીવાળું જળાશય હોય, બધી સાધનસામગ્રી હોય, ખુલ્લી જગા હોય. વિશ્વકર્માએ તેમની સૂચના પ્રમાણે મહેલ બનાવી આપ્યા અને ઋષિને દેખાડ્યા. પછી સૌભરિના કહેવાથી બધી રાજકન્યાઓ અતિથિઓને અને સેવકોને સાચવવા લાગી. એક દિવસ પુત્રીઓને મળવા રાજા ત્યાં આવ્યા. પુત્રીઓ સુખી છે કે દુઃખી? આશ્રમ પાસે આવ્યા તો તેમણે રમણીય ઉપવન અને જળાશયોવાળા મહેલોની હાર જોઈ. પછી તે એક મહેલમાં જઈ પોતાની કન્યાને ભેટીને અશ્રુપૂર્ણ નેત્રે બોલ્યા, ‘પુત્રી, તું સુખી તો છે ને? તને કોઈ વાતે દુઃખ તો નથી ને? ઋષિ તને પ્રેમ તો કરે છે ને?’ આ સાંભળી પુત્રીએ કહ્યું, ‘પિતાજી, આ મહેલ અતિ સુંદર છે, અહીં ખીલેલાં કમળ છે, પક્ષીઓ છે, ખાવાપીવાની વિવિધ સામગ્રી છે આભૂષણ છે, તો પણ જન્મભૂમિની યાદ કોને ન આવે? એક જ ચંતાિ છે. મારા પતિ અહીંથી બહાર જતા જ નથી, મારી પાસે જ રહે છે. બીજી બહેનો પાસે જતા નથી. મારી બહેનો દુઃખી હશે.’

આ સાંભળીને રાજા બીજા મહેલમાં ગયો તો તેણે પણ પહેલીની જેમ જ કહ્યું. મારી પાસે જ તે રહે છે, બીજે જતા જ નથી. આમ રાજા બધે ગયા તો ત્યાં આવી જ વાત સાંભળવા મળી. પછી રાજા સૌભરિ ઋષિને મળ્યા, પૂજા કરીને કહ્યું, ‘આ તમારી યોગસિદ્ધિનું જ ફળ છે.’ થોડી ક્ષણો તેમની સાથે ગાળીને રાજા પોતાના નગરમાં ગયા. કાલક્રમે ઋષિને તે રાજકન્યાઓથી સો પુત્ર જન્મ્યા. દિવસે દિવસે વધુ સ્નેહ પ્રસરવાને કારણે તેમનું હૃદય મમતામય થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા. ‘આ પુત્રો બોલતા થશે? ચાલતા થશે? તેઓ પરણશે? હું પુત્રપૌત્રોને જોઈશ? આ મનોરથોનો તો કોઈ અંત નથી. નવા નવા મનોરથો જન્મ્યા જ કરવાના. એટલે મૃત્યુ સુધી એનો અંત નથી. મારી સમાધિ પાણીના પેલા મત્સ્યરાજના સંગથી તૂટી.’ છેવટે તેઓ બધી માયામમતા મૂકી દેવા તૈયાર થયા અને પત્નીઓને લઈ વનમાં જતા રહ્યા ને સંન્યાસી થઈ ગયા. (૨: ૪)