ભારતીયકથાવિશ્વ−૪/શિવપુરાણ

From Ekatra Wiki
Revision as of 08:18, 21 January 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


શિવપુરાણ

વિષ્ણુ ભગવાન અને દધીચિના સંઘર્ષની કથા

ક્ષુવ નામે એક બળવાન અને તેજસ્વી રાજા થઈ ગયો. તે રાજા દધીચિ ઋષિનો મિત્ર હતો. પણ એક વખત બંને વચ્ચે ભારે વિવાદ થયો. દધીચિ ઋષિ ત્રણે વર્ણમાં બ્રાહ્મણને સર્વશ્રેષ્ઠ માનતા હતા. પણ રાજા તેમની વાત સ્વીકારી ન શક્યો. રાજા બધા લોકપાલોનાં શરીર ધારણ કરે છે એટલે રાજા શ્રેષ્ઠ છે, આમ કહી તેણે ઋષિને પોતાનું પૂજન કરવા કહ્યું. ઋષિએ ક્રોધાવેશમાં આવી જઈ રાજાના માથામાં મુક્કા માર્યા. એટલે રાજાએ પણ વળતો પ્રહાર કરી વજ્ર વડે ઋષિને ઘાયલ કર્યા, અને ઋષિ નીચે પડી ગયા. ઋષિએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું એટલે તેમણે ત્યાં આવીને મંત્રજળથી દધીચિ ઋષિનું શરીર પહેલાં હતું તેવું કરી દીધું. તેમણે દધીચિને શિવનો મૃત્યુંજય મંત્ર જપવા કહ્યું. મંત્ર કહી તે ઋષિ જતા રહ્યા. દધીચિ ઋષિ શિવસ્મરણ કરતા વનમાં તપ કરવા જતા રહ્યા. મૃત્યુંજય મંત્રનો જાપ જપી મહાદેવને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા એટલે તેમની સ્તુતિ કરી. પછી ભગવાન પાસે વરદાન માગ્યાં. ‘મારાં હાડકાં વજ્ર જેવાં થાય, મારો કોઈ નાશ ન કરે અને હું કોઈ રીતે દીન ન બનું.’ ભગવાને તો વરદાન આપ્યાં અને પછી ઋષિ ક્ષુવ રાજાને ત્યાં ગયા. ભગવાન પાસે વરદાન માગ્યાં હતાં એટલે ક્ષુવ રાજાના માથે લાત મારી. અભિમાની રાજાએ ઋષિની છાતીમાં વજ્રનો પ્રહાર કર્યો પણ તે શસ્ત્ર કશું કરી ન શક્યું. એટલે રાજાને અચરજ થયું. અવધ્ય, અદીન ઋષિને જોઈ રાજા બહુ નવાઈ પામ્યા અને વનમાં જઈ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા એટલે રાજાએ તેમની સ્તુતિ કરી. પછી રાજાએ કહ્યું, ‘દધીચિ નામનો કોઈ બ્રાહ્મણ એક કાળે મારો મિત્ર હતો. પાછળથી મહાદેવના મૃત્યુંજય મંત્રના પ્રતાપે તે અવધ્ય થઈ ગયો છે. ભરસભામાં મારા માથે લાત મારી છે, અને હવે અભિમાની બનીને કહે છે: હું કોઈનાથી ડરતો નથી.’ વિષ્ણુ ભગવાને બ્રાહ્મણોની પ્રશંસા કરી અને છતાં દધીચિને હરાવવાનું વચન આપ્યું. વિષ્ણુએ છળકપટ કરી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઋષિ પાસે જઈને વરદાન માગ્યું. દધીચિ ઋષિ વિષ્ણુ ભગવાનને પામી ગયા અને શંકર ભગવાનનું સ્મરણ કરવા કહ્યું, ‘એકાધિક વાર ‘હું કોઈનાથી ડરતો નથી.’ એ સાંભળીને વિષ્ણુ ભગવાન કોપ્યા અને સુદર્શન હાથમાં લઈ ઊભા. પણ સુદર્શન ચક્ર કશું નુકસાન કરી ન શક્યું. એટલે દધીચિ ઋષિ બોલ્યા, ‘આ સુદર્શન પણ શંકર ભગવાન પાસેથી જ તમને મળ્યું છે. પણ તે મારો નાશ કરવા માગતું નથી. મારા પર જેટલાં અસ્ત્ર વાપરવાં હોય તેટલાં વાપરો.’ તેમની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને ક્રોધે ભરાઈને બધાં અસ્ત્રો ફેંકવા માંડ્યાં. વળી દેવતાઓએ પણ વિષ્ણુને સહાય કરવા માંડી એટલે દધીચિએ દર્ભની સળી ઉપાડીને શિવનું સ્મરણ કરી દેવો પર ફેંકી. એ દર્ભસળી પણ ત્રિશૂળ બની ગઈ અને દેવતાઓને બાળવાનો નિર્ધાર થયો. દેવતાઓએ ફેંકેલાં બધાં શસ્ત્રોએ ત્રિશૂળની પૂજા કરવા માંડી. દેવતાઓ ત્યાંથી નાસી ગયા. વિષ્ણુ ભગવાને પોતાના શરીરમાંથી લાખો-કરોડો ગણ પેદા કર્યા અને તે બધા ઋષિ સામે યુદ્ધે ચડ્યા. દધીચિએ લાંબો સમય તેમની સાથે યુદ્ધ કરીને બધાને બાળી દીધા. પછી માયા સર્જવામાં કુશળ વિષ્ણુએ વિશ્વરૂપ ધારણ કર્યું. તેમના શરીરમાં હજારો જીવ, કરોડો બ્રહ્માંડો જોયાં. એટલે દધીચિ ઋષિએ કહ્યું, ‘હવે હું તમને દિવ્ય દૃષ્ટિ આપું છું. તમે મારામાં અખિલ બ્રહ્માંડ જુઓ.’ એમ કહી ઋષિએ ભગવાનને આખું બ્રહ્માંડ દેખાડ્યું. ફરી વિષ્ણુ ભગવાન કોપ્યા, દેવતાઓ તો નાસી જ ગયા. એવામાં ક્ષુવ રાજા ત્યાં આવી ચઢ્યા. તેમણે બધા દેવોને યુદ્ધ કરવામાંથી વાર્યા, બ્રહ્માએ પણ તે બ્રાહ્મણને અજેય ગણાવ્યા. રાજાએ દધીચિને પ્રણામ કર્યાં. ઋષિએ રાજા પર કૃપા કરી અને વિષ્ણુને, દેવોને શાપ આપ્યો, ‘ઇન્દ્રસહિત, મુનીશ્વરો, વિષ્ણુ રુદ્રના કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જાઓ.’ બધા દેવતાઓ પોતપોતાનાં સ્થાને ગયા. (૩૯)

દક્ષ યજ્ઞના વિધ્વંસની કથા

શંકર ભગવાનની આજ્ઞાથી વીરભદ્ર દક્ષયજ્ઞનો વિધ્વંસ કરવા ગયો. દક્ષે બધા દેવોને યજ્ઞની રક્ષા કરવા કહ્યું. વિષ્ણુ ભગવાને દક્ષને બહુ જ ઉપાલંભ આપ્યો. ઇન્દ્ર વીરભદ્ર સાથે યુદ્ધની ઇચ્છાથી આમતેમ ભમવા લાગ્યા. ઇન્દ્ર હાથી પર, અગ્નિ બકરા પર, યમ મહિષ પર, વરુણ મગર પર, પવન હરણ પર અને કુબેર પુષ્પક વિમાન પર બેસીને યુદ્ધ કરવા તત્પર થયા. અને આરંભે તો દેવતાઓએ શંકરના બધા ગણોને નસાડી મૂક્યા. એટલે વીરભદ્ર ક્રોધે ભરાયા અને ત્રિશૂળ લઈને દેવતાઓને હંફાવવા લાગ્યા, દેવો પરાજય પામીને સ્વર્ગમાં જતા રહ્યા. આખરે ઇન્દ્ર વગેરે દેવો પણ પરાજિત થયા, ત્યારે ઋષિઓએ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી, એટલે વિષ્ણુ ચક્ર લઈને નીકળ્યા, સામે હાથમાં ત્રિશૂળ લઈને વીરભદ્ર ઊભા હતા. વીરભદ્રે વિષ્ણુને અપમાનજનક વાક્યો કહ્યાં અને બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. વિષ્ણુ ભગવાને પોતાના ભક્તોને આનંદિત કરવા પાંચજન્ય શંખ વગાડ્યો. જે દેવતાઓ નાસી ગયા હતા તે પાછા આવ્યા. વીરભદ્રના ગણો વિવિધ દેવો સામે લડવા લાગ્યા, વિષ્ણુ ભગવાને ફેંકેલું ચક્ર ક્ષેત્રપાલ ગળી ગયો, પણ વિષ્ણુએ એનું મોં દબાવી ચક્ર પાછું મેળવ્યું. વિષ્ણુ ભગવાનની માયાથી શરીરમાંથી એમના જેવા જ યોદ્ધાઓ પ્રગટ થયા પણ વીરભદ્રે તે બધાને મારી નાખ્યા. વીરભદ્રના ત્રિશૂળથી વિષ્ણુ ભગવાન સુધબુધ ગુમાવી બેઠા. પછી જ્યારે વીરભદ્ર પર સુદર્શન ચક્ર ફેંક્યું ત્યારે તે ગણે ચક્રને થંભાવી દીધું. વિષ્ણુએ શાર્ઙ્ગ ધનુષ ચઢાવ્યું પણ વીરભદ્રે એ ધનુષના ટુકડા કરી નાખ્યા. છેવટે આકાશવાણી સાંભળીને વિષ્ણુ પણ પોતાના લોકમાં ચાલ્યા ગયા. યજ્ઞ હરણનું રૂપ લઈ નાસવા ગયો પણ વીરભદ્રે તેનો પીછો કરીને તેનું મસ્તક છેદી નાખ્યું. ધર્મ, અંગિરા વગેરે ઋષિઓને પકડી પકડીને માર મારવા માંડ્યો. સરસ્વતીના નાકનું ટેરવું નખ વડે કાપી નાખ્યું. ઘણા બધા મુખ્ય દેવોનો વધ કર્યો. ભૃગુ ઋષિને ભૂમિ પર પછાડીને તેમના દાઢી મૂછ ઉખાડી નાખ્યા. ચંડે પૂષાના દાંત પાડી નાખ્યા. તે વીર ગણોએ યજ્ઞને અપવિત્ર કરી મૂક્યો. વેદિકામાં ભરાઈ ગયેલા દક્ષનું મસ્તક કાપવા ગયા પણ કપાયું નહીં એટલે માથાને હાથ વડે તોડીને અગ્નિકુંડમાં એ ફંગોળ્યું. પોતાનું કામ સમાપ્ત કરીને વીરભદ્ર કૈલાસ પર જતા રહ્યા. (૩૭)

બ્રહ્માપુત્રી સંધ્યાની કથા

બ્રહ્મા પોતાની પુત્રી સંધ્યાને જોઈને કામાસક્ત થઈ ગયા હતા. પણ શંકર ભગવાનથી ડરી જઈને સંધ્યાને ત્યજી દીધી હતી. સંધ્યાનું ચિત્ત પણ કામબાણથી વ્યાકુળ થઈ ગયું હતું. સંયમી મરીચિ જેવા ઋષિઓની સ્થિતિ પણ એવી જ હતી. મજાક ઉડાવતા શંકરની વાત સાંભળીને, ઋષિઓને જોઈને ચલિત બનીને, મુનિઓના મનમાં જાગેલો રતિભાવ જોઈને સંધ્યા પોતે દુઃખી દુઃખી થઈ ગઈ હતી. કામદેવને શાપ આપીને બ્રહ્મા પણ ત્યાંથી જતા રહ્યા. આ દરમિયાન સંધ્યા વિચારે ચઢી. થોડા સમય અગાઉ બની ગયેલી ઘટનાનો વિચાર કરવા લાગી. ‘મારા યૌવનકાળે મને જોઈ પિતા કામવશ થયા. પોતાના માનસપુત્રો એવા ઋષિઓના દેખતાં મારા પિતાનું મન ચલિત થયું હતું. મારું મન પણ કામવિહ્વળ થઈ ગયું હતું, બધા ઋષિમુનિઓને જોઈને પણ હું ડગી ગઈ હતી. એ પાપનું ફળ તો કામદેવને મળી ગયું, શંકર ભગવાનના દેખતાં બ્રહ્માએ કામદેવને શાપ આપ્યો. પણ મારોય અપરાધ તો છે, હું પણ એ પાપનું ફળ કેમ ન ભોગવું, મારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. મને કામવિહ્વળ જોઈ મારા પિતાએ અને ભાઈઓએ મારી ઇચ્છા કરી, મારાથી વધુ પાપી કોણ હશે? તે બધાને જોઈને મને તેમના માટે પતિ જેવો ભાવ જાગ્યો હતો. હું જાતે જ આ પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ, વેદમાર્ગને અનુસરી અગ્નિમાં ઝંપલાવીશ. આ પૃથ્વી પર એક મર્યાદા સ્થાપીશ, તરત જન્મેલાં પ્રાણીઓ પણ કામયુક્ત ન થાય, મહા તપ કરીને હું મર્યાદા બાંધીશ અને પછી આત્મહત્યા કરીશ. જે શરીરની ઇચ્છા મારા પિતાએ અને મારા ભાઈઓએ કરી એ શરીરનો હવે મારે કશો ખપ નથી. જે શરીરથી કામભાવ પ્રગટ્યો તે શરીર પુણ્ય માટે-ધર્મ માટે કામ નહીં લાગે.’ આમ વિચારી ચંદ્રભાગ પર્વતમાંથી વહેતી ચંદ્રભાગા નદી કાંઠે તપ કરવા ગઈ. આ વાર્તા જાણીને બ્રહ્માએ જિતેન્દ્રિય, જ્ઞાની, વેદજ્ઞ વસિષ્ઠને કહ્યું, ‘તમે ઉત્તમ મનવાળી સંધ્યા પાસે જાઓ, તે તપ કરવા માગે છે તો તમે તેને વિધિવત્ દીક્ષા આપો. તમને, મને અને પોતાને કામવિહ્વળ થયા તે માટે તે લજ્જા અનુભવે છે. તે કોઈને કશું કહ્યા વિના આત્મહત્યા કરવા માગે છે. તે લોકોમાં કામ અંગે એક મર્યાદા સ્થાપવા માગે છે, એટલે જ તે ચંદ્રભાગા તીરે તપ કરવા ગઈ છે. પણ તપ અંગે તે કશું જાણતી નથી. તમે એને ઉપદેશ આપી પોતાની ઇચ્છા પાર પાડે એવું તમે કરો. તમે બીજું સ્વરૂપ ધારણ કરીને જજો અને તપવિધિ બતાવજો. તમારું મૂળ સ્વરૂપ જોઈને તે કશું કહી નહીં શકે.’ બ્રહ્માની વાત સાંભળીને વસિષ્ઠ સંધ્યા પાસે ગયા. માનસરોવર જેવા જ એક સરોવરકાંઠે તેમણે સંધ્યાને જોઈ. કમળ વડે પ્રકાશિત તે સરોવર કાંઠા પર બેઠેલી સંધ્યાને કારણે ચંદ્રોદયથી અને નક્ષત્રોથી આકાશ શોભે તેમ શોભતું હતું. સંધ્યાને જોયા પછી કુતૂહલવશ સરોવર સામે જોવા લાગ્યા. સુંદર સરોવરમાંથી નીકળીને ચંદ્રભાગા નદી એ પર્વતના મોટા શિખરમાં થઈને દક્ષિણ સમુદ્રમાં જતી હતી. જેમ હિમાલયના પશ્ચિમ ભાગને ભેદીને ગંગા સમુદ્રને મળે છે તેમ ચંદ્રભાગા પર્વતના પશ્ચિમ ભાગમાં થઈને સમુદ્રને મળે છે. ચંદ્રભાગ પર્વત પર સરોવરકાંઠા પર સંધ્યાને જોયા પછી વસિષ્ઠે તેને આદરપૂર્વક પૂછ્યું, ‘તું આ નિર્જન પર્વત પર શા માટે આવી છે? તું કોની પુત્રી છે, શું કરવા ધાર્યું છે? જો આ વાત ગુપ્ત રાખવા જેવી ન હોય તો મને કહે. તારું મુખ પૂર્ણચંદ્ર જેવું હોવા છતાં હાવભાવ વિનાનું કેમ છે?’ અગ્નિની જેમ પ્રકાશતા વસિષ્ઠની વાત સાંભળીને પ્રણામ કરી સંધ્યાએ કહ્યું, ‘જેને માટે હું આ પર્વત પર આવી છું તે મારું કાર્ય હવે સંપન્ન થશે. તમારા દર્શનથી જ એ સિદ્ધિ થશે. હું સંધ્યા, બ્રહ્માની પુત્રી, તપ માટે આવી છું. યોગ્ય લાગે તો મને ઉપદેશો. હું કશો વિધિ જાણતી નથી. એ ચિંતાથી સુકાઈ ગઈ છું.’ તેની આ વાત સાંભળીને ઋષિએ કશું પૂછ્યું નહીં, તપ કરવાનો દૃઢ નિશ્ચય કરનારીને તેમણે શંકર ભગવાનનું ધ્યાન ધરવા કહ્યું અને મંત્ર આપ્યો. અને પછી શું શું કરવું, કેવી રીતે કરવું તેની સમજ પાડી અને પછી પોતે અંતર્ધાન થઈ ગયા. આનંદ પામેલી સંધ્યા તપ કરવા માંડી. અને એના તપથી ભગવાન પ્રસન્ન થયા. સંધ્યા આગળ પ્રગટ થયા, આંખો મીંચીને બેઠેલી સંધ્યાના હૃદયમાં પ્રવેશી દિવ્ય જ્ઞાન, વાણી આપ્યાં. આ પછી સંધ્યાએ ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. એટલે પ્રસન્ન થયેલા ભગવાને વરદાન માગવા કહ્યું, એટલે સંધ્યા બોલી, ‘તમે જો મને વરદાન આપવા માગતા હો તો ભૂતકાળના પાપમાંથી હું મુક્ત થઉં. આ જગતમાં પ્રાણીઓ જન્મીને તરત કામાંધ ન થાય, યોગ્ય વયે જ તેમનામાં કામવૃત્તિ પ્રગટે. મારા જેવી પ્રસિદ્ધ બીજી કોઈ સ્ત્રી ન થાય. મારો પતિ મિત્ર થાય, કામી ન થાય, જે પુરુષ મને વાસનાથી જોશે તે પુરુષ તે જ વેળા નપુંસક થાય.’ ભગવાને કહ્યું, ‘તારા તપથી જે પાપ હતું તે નિર્મૂળ થઈ ગયું છે. તેં માગેલાં બધાં વરદાન આપ્યાં. પ્રાણીઓ યૌવનકાળમાં જ કામવૃત્તિવાળાં થશે. ત્રણે લોકમાં તારા જેવો સતીભાવ કોઈનો નહીં થાય, તેં શરીરત્યાગ કરવાનો નિશ્ચય કર્યો જ છે તે હું કહું તે પ્રમાણે કર. મેધાતિથિ ઋષિ બાર વરસ ચાલે એવો યજ્ઞ કરશે. તું તે યજ્ઞમાં તારી આહુતિ આપજે. તું મેધાતિથિની પુત્રી રૂપે જન્મીશ. તારે જે પતિ પામવો હોય તેનું સ્મરણ કરીને અગ્નિમાં ઝંપલાવજે.’ આવું વરદાન આપીને શંકર ભગવાન અદૃશ્ય થયા. જે મુનિએ તેને ઉપદેશ આપ્યો હતો તેમનું જ પતિરૂપે ધ્યાન ધરી સંધ્યાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. શંકર ભગવાનની આજ્ઞાથી અગ્નિએ તે શરીરને બાળી નાખ્યું અને તે સૂર્યમંડળમાં સ્થાપ્યું. તે વેળા સૂર્યે શરીરના બે ભાગ કર્યા. રાત્રિના અંતે, દિવસના આરંભે તે પ્રાત:સંધ્યા થઈ. સૂર્ય જ્યારે અસ્ત પામે છે ત્યારે સાયંસંધ્યા ઉદય પામે છે. યજ્ઞ પૂરો થયો એટલે તપ્ત કાંચનપૂર્ણ કન્યા મેધાતિથિને સાંપડી. તેમણે તેનું નામ અરુંધતી પાડ્યું. તે સ્ત્રી કોઈ પણ રીતે ધર્મને રોકતી ન હતી એટલે તેનું એ નામ લોકમાં પ્રસિદ્ધ થયું. મુનિ તેને ઉછેરવા લાગ્યા. તે જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે તે ચંદ્રભાગા નદીને અને અરણ્યને પણ પવિત્ર કરવા લાગી. પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશે વસિષ્ઠ સાથે તેનો વિવાહ કર્યો; આમ વસિષ્ઠ અને અરુંધતી જગપ્રસિદ્ધ પતિપત્ની બન્યાં. (૭)

અંધકની કથા

એક વાર હિરણ્યાક્ષનો પુત્ર અંધક પોતાના પિત્રાઈ ભાઈઓ સાથે વિહાર કરતો હતો ત્યારે ભાઈઓએ તેનું ભારે અપમાન કર્યું, આથી અંધક તપ કરવા વનમાં જતો રહ્યો, આકરું તપ હજારો વર્ષ સુધી કર્યું, પોતાના શરીરનાં લોહીમાંસ અગ્નિમાં હોમતો રહ્યો, જ્યારે શરીરમાં કશું માંસ ન રહ્યું ત્યારે તેણે પોતાનું આખું શરીર અગ્નિમાં હોમવાની ઇચ્છા કરી, આ જોઈ ભયભીત થયેલા દેવતાઓએ બ્રહ્માને વિનંતી કરી, પ્રજાપતિ અંધક પાસે જઈને બોલ્યા, ‘દાનવ, હવે તારી ઇચ્છામાં આવે તે વરદાન માગ.’ આ સાંભળી દૈત્યે પ્રણામ કરી કહ્યું, ‘કેટલાક ક્રૂર લોકોએ મારું રાજ્ય છિનવી લીધું છે, પ્રહ્લાદ જેવા મારા દાસ બને, મને દિવ્ય નેત્ર પ્રાપ્ત થાય, ઇન્દ્ર કરદાતા બને. દેવ-દાનવ-ગંધર્વ-યક્ષ-સર્પ-મનુષ્યોથી, શંકરથી પણ મારું મૃત્યુ ન થાય.’ બ્રહ્માએ કહ્યું, ‘વિનાશનું કોઈક કારણ તો સ્વીકરાવું પડે. મરણ ન પામે એવી કોઈ વ્યકિત જન્મી નથી.’ અંધકે પ્રત્યુત્તર આપ્યો, ‘ત્રણે કાળમાં રત્નરૂપ, મારી માતાતુલ્ય કોઈ સ્ત્રી હોય; મન, વચન, શરીરથી પુરુષોને પ્રાપ્ત કરવી અઘરી હોય, તેવી સ્ત્રીને જ્યારે હું ઇચ્છું ત્યારે જ મારો નાશ થાય.’ વિસ્મિત થયેલા બ્રહ્માએ શંકર ભગવાનની આજ્ઞાથી અંધકને એ વરદાન આપ્યું. સાથે સાથે તેની વિનંતીથી બ્રહ્માએ તેનું શરીર હૃષ્ટપુષ્ટ કરી આપ્યું. પછી તો અંધકે દેવો સામે યુદ્ધ કરીને ઇન્દ્રને કરદાતા બનાવ્યો, સ્થાવર જંગમ, દેવ-મનુષ્ય-નાગ-ગંધર્વ-બધાને જીતી લીધા, સર્વ સુંદર સ્ત્રીઓને ભોગવવા લાગ્યો. આમ વર્ષોનાં વર્ષો વીત્યાં. એક વેળા અંધકના મંત્રીઓએ એક રૂપવાન સ્ત્રીને જોઈ અંધકને કહ્યું, ‘અહીં એક ગુફામાં રૂપવાન મુનિ છે, તેમના મસ્તકે અર્ધચંદ્ર છે, જટા છે, હાથમાં ત્રિશૂળ છે, શરીરે ભસ્મ છે, ત્યાં એક ભયંકર પુરુષ અને વૃદ્ધ વૃષભ પણ છે. ત્યાં એક અદ્ભુત સૌંદર્ય ધરાવતી સ્ત્રી છે. જેણે તે સ્ત્રીને જોઈ હોય તે દૃષ્ટિવાળો ગણાય. એ સ્ત્રી આ મુનિની પત્ની છે, તમે એનું દર્શન કરો.’ આ સાંભળી કામાતુર થયેલા અંધકે પોતાના મંત્રીઓને મોકલ્યા, અને તેમણે કહ્યું, ‘તમે કોના પુત્ર છો? અહીં શા માટે બેઠા છો? આ અતિ રૂપવાન સ્ત્રી દૈત્યપતિ અંધકને સોંપી દેવી જોઈએ.’ એમ કહી મુનિની બહુ નિંદા પણ કરી. શંકર ભગવાને કહ્યું, ‘હું મારા માતાપિતાને જાણતો નથી. હું અહીં પાશુપત નામનું તપ આચરી રહ્યો છું. મારી પત્ની એ અનોખી સિદ્ધિ છે. તને અત્યારે જે જે પસંદ પડે તે તે તું લઈ જા.’ પછી તે મંત્રીઓએ અંધક પાસે જઈને બધી વાત કરી. તે મુનિ તો યુદ્ધ કરવા તત્પર છે. મંત્રીઓએ અંધકને યુદ્ધ ન કરવા કહ્યું, પણ અંધકે તેમની વાત ન માની, પછી યુદ્ધની ઇચ્છાથી શિવની ગુફામાં જઈ શિવગણો સાથે યુદ્ધ કરવા માંડ્યું, હવે તેને ગણોએ હરાવ્યો. છેવટે તે નાસી ગયો. બીજા દૈત્યોએ પણ યુદ્ધ કરવા માંડ્યું. છેવટે તે દૈત્યો પણ ભાગી ગયા. મહાદેવે પાર્વતીને આશ્વાસન આપ્યું. અને પોતે તપ કરવા જશે એમ કહ્યું. પાર્વતીની રક્ષાનો ભાર વીરક ઉપર આવ્યો. તે વેળા અંધક સૈનિકો સાથે ત્યાં આવી ચઢ્યો. દિવસોના દિવસો સુધી વીરક યુદ્ધ કરવા લાગ્યો, છેવટે તે મૂચ્છિર્ત થઈ ગયો. પાર્વતીએ બ્રહ્મા અને વિષ્ણુનું ધ્યાન ધર્યું એટલે તે દેવો સ્ત્રીનું રૂપ લઈને ત્યાં આવી ચઢ્યા. તે સ્ત્રીઓએ ભેરી વગાડી, એ દરમિયાન વીરક સચેત થઈને યુદ્ધ કરવા લાગ્યો. બ્રાહ્મી, ગૌરી, વૈષ્ણવી, ઇન્દ્રાણી શસ્ત્રો લઈને નીકળ્યાં. અગ્નિશક્તિ, નૈર્ઋતિ દેવી, તોયાલિકા દેવી પણ બહાર આવ્યાં. આરંભે તો દૈત્યસૈન્યને જોઈ તે દેવીઓ બી ગઈ પણ પછી મન સુદૃઢ કર્યું, વીરકને સેનાપતિ બનાવ્યો અને અંધક સામે યુદ્ધ કરવા માંડ્યું. એ જ વેળા શંકર ભગવાન પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈ આનંદિત થયેલી સ્ત્રીઓ યુદ્ધ કરવા લાગી. શંકર ભગવાન પાર્વતીને લઈને ગુફામાં પ્રવેશ્યા અને બધી સ્ત્રીઓને વિદાય કરી, ગુફાદ્વારે વીરકને ઊભો રાખ્યો. અંધકે ત્યાં પાર્વતીને કે શંકરને ન જોયા એટલે તેણે વિઘસ નામના પોતાના દૂતને શંકર પાસે મોકલ્યો અને તે બોલ્યો, ‘તમે તપસ્વી છો તો તપ કરો, આ સ્ત્રીને ત્યજી દો. અને તમે મુનિ નથી પણ દૈત્યશત્રુ છો તો તમે યુદ્ધ કરો.’ એટલે ભગવાન શંકરે તેને યુદ્ધ કરવા જણાવ્યું. અંધકે સૈન્ય સજ્જ કર્યું. ગિલ નામના અજેય ગણાતા અસુરને મોકલ્યો. વીરક પર, પાર્વતી પર શસ્ત્રોથી પ્રહાર કરવા માંડ્યો. ગુફાનો નાશ કર્યો, પર્વતશિખરો તોડી નાખ્યાં, ઉદ્યાનોનો ખાત્મો બોલાવ્યો. શંકર ભગવાને પોતાનું ચિત્રવિચિત્ર સૈન્ય બોલાવ્યું, અને યુદ્ધ શરૂ થયું. વિઘસ દૈત્ય બધા દેવોને ગળી ગયો અને દુઃખી થયેલા વીરકે શંકર ભગવાન આગળ પોતાની દીન, લાચાર અવસ્થા વર્ણવી. પછી વિષ્ણુ ભગવાનનો સંદર્ભ આપ્યો. કશ્યપના પુત્ર હિરણ્યકશ્યપનો વધ વિષ્ણુ ભગવાને કર્યો ત્યારે સપ્તષિર્ઓએ તેમને શાપ આપ્યો હતો, તમે ફરી પણ દીર્ઘ કાળ યુદ્ધ કરતા થશો. અને એ ભયાનક યુદ્ધમાં વિઘસ નામનો દૈત્ય તમને ગળી જશે પછી તમારો છુટકારો થશે. વળી શુક્રાચાર્ય સંજીવની મંત્ર વડે બધા મૃત દૈત્યોને સજીવન કરી દે છે. તો હવે આપણી પાસે પ્રાણત્યાગ કરવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી.’ આ સાંભળી શંકર ભગવાન ક્રોધે ભરાયા. ગીત ગાઈ સર્વત્ર પ્રકાશ ફેલાવ્યો અને વીરકે પાછું યુદ્ધ આરંભ્યું. નંદીને પણ વિઘસ ગળી ગયો. એટલે શંકર ભગવાને પોઠિયા પર બેસીને દિવ્યમંત્ર જપવા માંડ્યો એટલે વિઘસના શરીરમાંથી બધા જ દેવો બહાર નીકળ્યા અને ફરી યુદ્ધ શરૂ થયું. શુક્રાચાર્ય સંજીવની મંત્ર વડે બધા દૈત્યોને સજીવન કરતા હતા એટલે તેમને બાંધીને શંકર ભગવાન પાસે લાવ્યા ભગવાન શુક્રાચાર્યને ગળી ગયા. છેવટે બધા દૈત્યો હારી ગયા. વળી અંધકે યુદ્ધ કર્યું એમાં દેવો હારી ગયા. અંધક વરદાનને લીધે ભારે તોરીલો બની ગયો હતો. તેણે કપટ કરવા માંડ્યા. તેના શરીરમાંથી લોહીનાં જે ટીપાં પડે તેમાંથી માયાવી અંધકો પ્રગટ થતા હતા. એટલે વિષ્ણુ ભગવાને શંકરને બોલાવી યોગ વડે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, શંકરના કાનમાંથી એક ઐશ્વર્યવાન પુરુષ પ્રગટ્યો. દેવીએ અંધકના શરીરમાંથી જન્મેલા સૈન્યને આરોગવા માંડ્યું; ધરતી પર રેલાયેલું લોહી પીવા માંડ્યું. પછી તો એકલો અંધક જ રહ્યો, છતાં તેણે યુદ્ધ ચાલુ રાખ્યું, તે સુકાઈને સાવ કંતાઈ ગયો તો પણ યુદ્ધ પડતું ન મૂક્યું. વચગાળામાં અંધકે શુક્રાચાર્યની સ્તુતિ કરી અને પ્રસન્ન થયેલા શુક્રાચાર્યે મૃત દૈત્યોને સજીવન કરવાનું વચન આપ્યું, અને સંજીવની મંત્ર ભણીને બધા દૈત્યોને સજીવન કર્યા. એટલે ફરી યુદ્ધ શરૂ થયું. નંદીએ શુક્રાચાર્ય દ્વારા સજીવન થતા દૈત્યોની વાત શંકર ભગવાનને કરી, એટલે ભગવાને શુક્રાચાર્યને ઉઠાવી લાવવા ક્હ્યું. શુક્રાચાર્યને લઈને નંદી શંકર પાસે ગયો અને ભગવાન તેને ગળી ગયા. શુક્રાચાર્યને છોડાવીશ એવું વચન અંધકે આપ્યું અને ફરી યુદ્ધ શરૂ થયું. ક્યારેક શિવસેના જીતે ક્યારેક અસુર સેના જીતે. અંધકાસુર ઉપર શસ્ત્રોનો ભારે મારો ચલાવ્યો. આ તરફ શુક્રાચાર્ય શંકરના શરીરમાંથી બહાર નીકળવા મથતા રહ્યા, પણ તેમને કોઈ માર્ગ ન મળ્યો એટલે શંકરના લિંગમાંથી છેવટે નીકળ્યા. ભગવાને તેમને કહ્યું, ‘તમે મારા લિંગમાંથી શુક્ર રૂપે નીકળ્યા છો એટલે તમે શુક્ર નામે મારા પુત્ર. છેવટે અંધકે શંકર ભગવાનની ક્ષમા માગી. (૪૪-૪૯)