ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/મિત્રસહ રાજાની કથા


મિત્રસહ રાજાની કથા

ઇક્ષ્વાકુ વંશમાં મિત્રસહ નામનો એક ધર્માત્મા રાજા થઈ ગયો. તે ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, અસ્ત્ર-શસ્ત્રનો જાણકાર, શૂરવીર, વેદજ્ઞ. નિત્ય ઉદ્યોગી અને દયાનિધાન હતો. તેને શિકારનો પણ શોખ હતો. તે એક દિવસ વિશાળ સેના સાથે ગાઢ વનમાં ગયો. ત્યાં ઘણા વાઘસિંહ, જંગલી વરાહને બાણો વડે મારી નાખ્યા. તે કવચ પહેરી વનમાં ભમી રહ્યા હતા. તે વેળા અગ્નિ સમાન તેજસ્વી નિશાચરને તેમણે માર્યો. તેનો નાનો ભાઈ દૂરથી આ જોઈ ક્યાંક સંતાઈ ગયો અને વિચારવા લાગ્યો. ‘આ રાજા બહુ શૂરવીર છે, તેને છેતરીને જ જીતી શકાય.’ એટલે તે માનવીનું રૂપ લઈને રાજા પાસે આવ્યો, સેવા કરવા આવેલા એ કપટીને પોતાની પાકશાળાનો ઉપરી બનાવી દીધો. પછી રાજા નગરમાં પ્રવેશ્યા. તેમની પત્ની મદયન્તી દમયન્તી જેવી પવિત્ર હતી. એક દિવસ રાજાએ પોતાના ગુરુ વસિષ્ઠને પોતાને ત્યાં આમંત્ર્યા. પેલા રાક્ષસે રસોઈમાં મનુષ્યમાંસ મેળવી દીધું. તે જોઈને વસિષ્ઠે કહ્યું, ‘રાજન્, તને ધિક્કાર છે. તું આટલો બધો દુષ્ટ. તેં મને મનુષ્યમાંસ પીરસ્યું? જા, તું રાક્ષસ થઈ જા.’ જ્યારે મુનિને ખ્યાલ આવ્યો કે એ બધી દુષ્ટતા રાક્ષસની છે. ત્યારે તેમણે શાપનો સમય બાર વર્ષનો કરી નાખ્યો.

રાજા પણ ક્રોધે ભરાઈને બોલ્યો, ‘આ કામ મારું ન હતું, હું આમાં કશું જાણતો ન હતો. તો પણ તમે મને અકારણ શાપ આપ્યો. તમે મારા ગુરુ છો તો પણ તમને શાપું છું.’ આમ કહી અંજલિમાં પાણી લઈ ગુરુને શાપ આપવા તત્પર થયા. આ જોઈ રાણી મદયન્તીએ પગે પડીને રાજાને રોક્યા. રાણીના વચનનું માન રાખવા રાજાએ શાપ ન આપ્યો અને તે પાણી પોતાના બંને પગ પર ઢોળી દીધું. એટલે રાજાના બંને પગ કલ્મષ અર્થાત્ મલિન થઈ ગયા. ત્યારે રાજા કલ્માષપાદ તરીકે ઓળખાયો.

ગુરુના શાપથી રાજા વનચર રાક્ષસ થયો. એક દિવસ વનમાં નવવિવાહિત મુનિ દંપતી કામક્રીડા કરી રહ્યા હતા ત્યારે તે નરભક્ષી રાક્ષસે તરુણ મુનિકુમારને જેવી રીતે કોઈ હરણબાળને વાઘ પકડી લે તેવી રીતે પકડી લીધો. રાક્ષસને તે સ્ત્રીએ કેટલા બધા કાલાવાલા કર્યા, ‘હે મહારાજ, તમે આવું પાપ ન કરો. તમે રાક્ષસ નથી, રાણી મદયન્તીના પતિ છો. આ મારા સ્વામી મને જીવથીય વહાલા છે. તમે તો દુઃખી, દીન શરણાર્થીને સહાય કરનારા છો. આ મારા પતિ વિનાના મારા શરીરને હું શું કરીશ? આ મલિન પાપમય પંચભૂત શરીરથી શું સુખ મળશે? આ મુનિકુમાર દેખાય છે તો બહુ નાના પરંતુ તે વેદજ્ઞ, શાન્ત, તપસ્વી છે. તેમને પ્રાણદાન કરવાથી તમને બહુ પુણ્ય મળશે. હું બ્રાહ્મણ બાલિકા છું, મારા પર કૃપા કરો. તમારા જેવા સાધુપુરુષ અનાથ, દીનદુઃખી પર કૃપા કરનારા છો.’

આમ પ્રાર્થના કરવા છતાં તે નિર્દય નરભક્ષી રાક્ષસે જરાય વિચાર ન કર્યો અને તે બ્રાહ્મણકુમારની ગરદન પકડીને ખાઈ ગયો. પછી તે બ્રાહ્મણી શોકથી વિલાપ કરવા લાગી. તેણે પતિનાં હાડકાં એકઠાં કરી ચિતા પ્રગટાવી અને પતિનું અનુસરણ કરતી ચિતામાં પ્રવેશતાં પ્રવેશતાં બોલી, ‘અરે પાપી, તેં મારા પતિને મારી નાખ્યો, હવે તું જ્યારે સ્ત્રી સાથે સમાગમ કરવા જઈશ ત્યારે તું મૃત્યુ પામીશ.’ આમ કહી તે પતિવ્રતા સ્ત્રીએ ચિતામાં પ્રવેશ કર્યો.

ગુરુનો શાપ પૂરો થયો એટલે રાજા રાક્ષસ મટી ગયો, પ્રસન્ન થઈ તે ઘેર ગયો. રાણી મદયન્તી તે બ્રાહ્મણીના શાપને જાણતી હતી. એટલે વૈધવ્યના ડરથી તેણે રતિલાલસાથી પાસે આવતા રાજાને અટકાવી દીધો. રાજા મિત્રસહ હવે રાજ્યના સુખભોગથી વિરક્ત થયો અને બધો ત્યાગ કરી વનમાં ચાલ્યો ગયો. પણ તેઓ જ્યાં જાય ત્યાં પોતાની પાછળ આવતી એક રૂપવાન પિશાચી જોઈ. તે બ્રહ્મહત્યા હતી. શ્રેષ્ઠ મુનિઓના ઉપદેશથી રાજાએ તેને ઓળખી. તેમાંથી મુક્ત થવા રાજાએ બહુ તીર્થોમાં ભ્રમણ કર્યું પણ પેલી બ્રહ્મહત્યા પાછળ જ આવતી હતી. પછી જ્યારે તે મિથિલા આવ્યા ત્યારે નિર્મળ અંત:કરણવાળા ગૌતમ ઋષિને જોયા, તેણે ઋષિને વારે વારે પ્રણામ કર્યાં. મુનિએ તેને આશીર્વાદ આપતાં પૂછ્યું, ‘રાજન્, બધે કુશળ છે ને? તમારા રાજ્યમાં કોઈ વિઘ્ન તો નથી ને?’

રાજાએ કહ્યું, ‘તમારી કૃપાથી બધા કુશળ છે. પણ આ ભયંકર પિશાચી બહુ દમે છે. શાપગ્રસ્ત થઈ બહુ મોટું પાપ થયું છે, તેની શાંતિ કોઈ રીતે થતી નથી. આજે હું તમારા શરણે છું, મારી રક્ષા કરો.’

‘રાજન્, હવે ભયમુક્ત થાઓ. ભગવાન શંકરના શરણે જાઓ, ગોકર્ણ નામના તીર્થમાં જાઓ અને ત્યાં ભગવાનનું સ્મરણ કરજો, ત્યાં ભગવાન મહાદેવ છે. રાવણ નામના રાક્ષસે ભયાનક તપ કરીને જે શિવલંગિને મેળવ્યું હતું તે ગણેશે ગોકર્ણમાં સ્થાપ્યું છે. ત્યાં ઘણા બધા મુનિઓ તપ કરે છે. અસંખ્ય તીર્થ છે. સત્યયુગમાં ભગવાનનો વર્ણ શ્વેત હતો, ત્રેતામાં રાતો થયો, દ્વાપરમાં પીળો થયો અને કળિયુગમાં શ્યામ થઈ જશે.’ એમ કહી ચંદ્રસેન રાજાની કથા કહી.

(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)