ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/ચંદ્રસેન રાજાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંદ્રસેન રાજાની કથા

ઉજ્જયિનીમાં ચંદ્રસેન નામના રાજા હતા. તેઓ એ જ નગરમાં મહાકાલની પૂજા કરતા હતા. શિવપાર્ષદોમાં અગ્રણી એવા મણિભદ્ર રાજાના મિત્ર થઈ ગયા. તેમણે એક વેળા પ્રસન્ન થઈ દિવ્ય ચંતાિમણિ આપ્યો. તેના વડે મનુષ્યોને મનોવાંછિત વસ્તુ મળી શકતી હતી. રાજા જ્યારે ગળામાં એ મણિ ધારણ કરીને બેસતા ત્યારે તે સૂર્યભગવાન જેવા દેખાતા હતા. તે રાજા વિશે આવી વાત જાણીને બધા રાજાઓના મનમાં તે મણિ માટે લોભ જાગ્યો. એક વેળા વિશાળ સેના લઈને તેમણે આક્રમણ કર્યું અને નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. આ જોઈ રાજા મહાકાલના શરણે ગયા અને ખાધાપીધા વિના તેમણે રાતદિવસ ગૌરીપતિની આરાધના કરવા લાગ્યા. તે નગરીમાં કોઈ વિધવા ગોવાળણ રહેતી હતી. તે પાંચ વરસના પુત્રને લઈ મંદિરમાં ગઈ અને રાજાએ કરેલી પૂજા જોઈ. ભગવાનને પ્રણામ કરી તે ઘેર ગઈ. તેના બાળકે આ પૂજા જોઈ હતી અજીેટલે તેણે પૂજા કરવા માંડી. એક સુંદર પથ્થર લાવીને એક ખૂણામાં તે ગોઠવી દીધો, તેને જ શિવલંગિ માની લીધો. પછી જે કંઈ ફૂલ દેખાયાં તે બધાં ભેગાં કર્યાં અને પાણીથી શિવલંગિનો અભિષેક કર્યો. મનકલ્પિત વસ્તુઓથી ભગવાનને નૈવેદ્ય ધર્યું. તે અનન્ય ચિત્તે ભગવાનની સેવા કરતો હતો તેવામાં તેની માએ ભોજન માટે લાડથી બોલાવ્યો પણ તેનું મન તો પૂજામાં હતું એટલે માના સાદ પ્રત્યે તેનું ધ્યાન ન ગયું. પછી મા પોતે ગઈ અને શિવ આગળ આંખો મીંચીને બેઠેલો જોઈ તેનો હાથ પકડીને ખેંચવા લાગી, તો પણ તે ન માન્યો. ત્યારે તેણે દીકરાને બહુ માર્યો, તો પણ તે ન આવ્યો એટલે તેની માએ શિવલંગિ ઉઠાવીને ફેંકી દીધું. પૂજાની બધી સામગ્રી પણ ફેંકી દીધી. આ જોઈ બાળક તો રડવા લાગ્યો. રોષે ભરાયેલી તે પુત્રને ઠપકો આપીને ઘરમાં જતી રહી. પૂજા નષ્ટ થયેલી જોઈ તે બાળક ખૂબ રડ્યો અને મૂચ્છિર્ત થઈને પડી ગયો. થોડી વારે તેણે ભાનમાં આવીને જોયું તો તેનું નિવાસસ્થાન સુંદર શિવાલય બની ગયું હતું. મણિસ્તંભો તેની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. ત્યાંની ફરસ કિમતી નીલમણિ અને હીરાની વેદિકાથી જડેલી હતી. આ જોઈને તે તો પરમ આનંદમાં ડૂબી ગયો અને આ બધું ભગવાન શિવની પૂજાનું જ માહાત્મ્ય છે એમ માની લીધું. તેણે માના અપરાધ બદલ ક્ષમા માગી. વારંવાર શિવને પ્રસન્ન કરી સૂર્યાસ્ત વેળાએ તે ઘરમાં પ્રવેશ્યો. તેણે જોયું તો તેની મા કિમતી પલંગ પર નિર્ભય થઈને સૂઈ રહી હતી. તેણે માને જગાડી. અને તે તો આ બધું જોઈને આનંદવિહ્વળ થઈ ગઈ. પુત્રના મોઢે આ ચમત્કાર સાંભળી તેણે રાજાને સંદેશો મોકલ્યો, એટલે રાત્રે રાજા જાતે આવ્યા અને બાળકનો પ્રભાવ જોયો. બધા આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા, પછી રાજાએ બાળકને છાતીસરસો ચાંપ્યો. ભગવાન શંકરની આ કૃપાના સમાચાર નગરમાં પ્રસરી ગયા અને આખી રાત આ ચર્ચામાં જ વીતી ગઈ. યુદ્ધ માટે આવેલા રાજાઓએ પણ આ સમાચાર દૂતોના મોઢે સાંભળ્યા. તરત જ એમના મનમાંથી વેરભાવ નીકળી ગયો. તેમણે શસ્ત્રો ત્યજી દીધાં, રાજાની આજ્ઞાથી તેમણે નગરમાં પ્રવેશ કર્યો, મહાકાલનાં દર્શન કરીને તેઓ ગોવાળણના ઘેર આવ્યા. ત્યાં રાજા ચંદ્રસેને તેમને આવકાર્યા. તે બધા કિમતી આસનો પર બેઠા અને વિસ્મયયુક્ત આનંદ તેમને થયો. ત્યાં અચાનક હનુમાને પ્રગટ થઈ બધાને શિવભક્તિનો મહિમા સમજાવ્યો અને અંતર્ધાન થઈ ગયા.

(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)