ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/શતશૃંગ રાજાની કન્યાની કથા


શતશૃંગ રાજાની કન્યાની કથા

ઋષભ મુનિના પુત્ર ભરત અને ભરતના પુત્ર શતશૃંગ. તેમને આઠ પુત્ર અને એક કન્યા. તેનું મોઢું બકરી જેવું હતું. મહીસાગરના કિનારે એક સ્તંભતીર્થ છે. એ પ્રદેશના એક નિર્જન સ્થળે કોઈ બકરી પોતાના ઝુંડમાંથી છૂટી પડીને જતી રહી. ત્યાં લતાઓ ગૂંચવાઈને એક જાળા જેવું બની ગયું હતું. બકરી તરસી હતી. તે ત્યાંથી જેવી નીકળી તેવી તે મરણ પામી. થોડા સમયે તેના શરીરના માથાની નીચેનો ભાગ ખરી પડ્યો અને મહીસાગરસંગમમાં પડ્યો. તે દિવસે શનિવારી અમાસ હતી. માથું તો લતાજાળમાં ફસાઈને જેવું ને તેવું ત્યાં પડી રહ્યું. આ તીર્થના પ્રભાવથી તે બકરી સિંહલ પ્રદેશમાં રાજા શતશૃંગની પુત્રી તરીકે અવતરી. પણ તેનું મોં બકરીનું રહી ગયું. રાજા તો પહેલાં નિ:સંતાન હતા. તેમને આ પુત્રી બધા પુત્રો જેટલી જ વહાલી હતી પણ કન્યાનું મોં બકરી જેવું જોઈને બધા દુઃખી થયા. ધીમે ધીમે તે યુવાન થઈ. એક દિવસ તેણે પોતાનું મોં આયનામાં જોયું. એ જોતાં જ તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. માતાપિતાને એ વાત કરી અને તે સ્થળે જવાની સંમતિ માગી. નૌકામાં બેસી તે સ્તંભતીર્થ જઈ પહોંચી અને ત્યાં સારી એવી દક્ષિણા આપી. પછી તેણે લતાજાળમાં ફસાયેલું પોતાનું મસ્તક શોધી કાઢ્યું અને સંગમ પાસે તેનો અગ્નિસંસ્કાર કરી મહીસાગરમાં અસ્થિવિસર્જન કર્યું. તીર્થના પ્રભાવે તેનુંં મોં ચંદ્ર જેવું થઈ ગયું. દેવદાનવ, મનુષ્ય તેના રૂપથી મોહિત થઈ રાજા પાસે તેની યાચના કરતા હતા. પણ રાજકુમારી કોઈને પતિ બનાવવા માગતી ન હતી.

તેણે કઠોર તપ કરવા માંડ્યું. એક વરસે ભગવાન શંકર પ્રસન્ન થયા અને વરદાન માગવા તેમણે કહ્યું. તે બોલી, ‘જો તમે પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માગતા હો તો આ તીર્થમાં સર્વદા નિવાસ કરો.’ ભગવાને તેની વાત સ્વીકારી. જ્યાં તેણે બકરીના મસ્તકનો અગ્નિસંસ્કાર કર્યો હતો ત્યાં તેણે વર્કરેશ નામના શિવની સ્થાપના કરી. આ અચરજભર્યા સમાચાર સાંભળી સ્વસ્તિક નામના નાગરાજ તલાતલ લોકમાંથી આવ્યા અને તે જ્યાંથી બહાર નીકળ્યા ત્યાં સ્વસ્તિક નામનો કૂવો થઈ ગયો. ગંગાએ પોતાનાં પાણીથી તેને છલકાવી દીધો.

તે કન્યા પછી સિંહલ દેશમાં પાછી આવી. રાજાએ ભારતવર્ષના નવ વિભાગ કર્યા અને એમાંથી આઠ પુત્રોને આપ્યા અને નવમો ભાગ કુમારીને આપ્યો.

કુમારીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એટલે શંકર પ્રસન્ન થયા ને તેને દર્શન આપીને બોલ્યા, ‘હવે તારો અંતકાળ આવી ગયો છે. ન પરણેલી સ્ત્રીને સ્વર્ગ અને મોક્ષ ન મળે. એટલે તું મહાકાલને પતિ તરીકે સ્વીકારી લે.’

ભગવાનની વાત માનીને તેણે મહાકાલને પતિ તરીકે સ્વીકાર્યા અને તે રુદ્રલોકમાં જતી રહી. ત્યાં પાર્વતીએ તેને ભેટીને કહ્યું, ‘તેં પૃથ્વીને ચિત્રલિખિત જેવી કરી દીધી એટલે તું ચિત્રલેખા નામથી પ્રસિદ્ધ થઈશ.’

ત્યારથી તે ચિત્રલેખા બનીને પાર્વતીની સાથે રહેવા લાગી. તેણે જ ઉષાને ચિત્ર વડે અનિરુદ્ધનો પરિચય આપ્યો હતો.

(માહેશ્વર ખંડ, કુમારિકા ખંડ)