ભારતીયકથાવિશ્વ-૨/પ્રસ્તાવના

From Ekatra Wiki
Revision as of 20:17, 29 November 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


પ્રસ્તાવના

ડુભ નામનો સાપ તેને સમજાવે છે, અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપે છે અને વેર ત્યજી દેવા સમજાવે છે. પરીક્ષિતને તક્ષક ડસી ગયો એટલે જનમેજય સર્પયજ્ઞ આરંભે છે, અને એમાં અનેક સાપ હોમાય છે, જે તક્ષકનો વાંક હતો તે તો બચી જ જાય છે! અને એકના અપરાધની સજા અનેકને થાય એ ઘટના તો વીસમી-એકવીસમી સદીમાં પણ ક્યાં જોવા નથી મળતી? શૂદ્ર જાતિમાં જન્મ લેવો એ મોટો અપરાધ! આપણે તો એવા સમયમાં જીવીએ છીએ જ્યાં અપરાધ વિના જ શિક્ષા ફરમાવવામાં આવે છે! દ્રૌપદી નિમિત્તે સ્વયંવર સભામાં જ યુદ્ધ થાય છે. તેમાં પણ અર્જુન સામે કર્ણે, શલ્યે અને દુુર્યોધને પણ ઝંપલાવ્યું. એક રીતે સ્ત્રીપુરુષના પ્રેમ વિના જન્મેલી બે સ્ત્રીઓ- સીતા અને દ્રૌપદી — આ બંનેને કારણે મહાયુદ્ધો થયાં. સ્વયંવરમાં યુદ્ધ, અજ્ઞાતવાસ પૂરો થતાં થયેલું યુદ્ધ અને છેવટે મહાભારતયુદ્ધ, તેમાં અઢાર અક્ષૌહિણી સેના દ્વારા થયેલું યુદ્ધ. એક રીતે જોઈએ તો રામાયણનું યુદ્ધ કે કૌરવ પાંડવનું યુદ્ધ — બહુ ઓછા દિવસ ચાલેલાં યુદ્ધ છે, તેની સરખામણીમાં ગ્રીક અને ટ્રોય યુદ્ધ કે બીજું વિશ્વયુદ્ધ — વરસોનાં વરસો ચાલ્યાં, અને એટલે જ તેની ભયાનકતા આખા વિશ્વમાં વરતાઈ. સ્વયંવરમાં જીત્યા પછી ઘેર આવેલી દ્રૌપદીના સંદર્ભે કુન્તાથી અજાણતાં બોલાઈ ગયું કે પાંચે જણ ભિક્ષા પામો. મહાભારતકારે અહીં એક બીજી વાસ્તવિકતા પ્રગટાવી છે. એક કથા અનુસાર શંકર ભગવાને વેદવતીને પાંચ પતિનું વરદાન આપ્યું હતું. યુધિષ્ઠિર જોઈ શકે છે કે દ્રૌપદી પ્રત્યે બધા પાંડવો આકર્ષાયા છે અને એટલે જ તે પાંચ પતિને દ્રૌપદી વરે એ વાત સ્વીકારી લે છે. પણ એ સમયે એક પતિ, એક પત્નીનો આદર્શ ન હતો; સમાજ ઘણી બધી રીતે સ્વતંત્રતા ભોગવતો હતો. નિયોગની રૂઢિ સર્વમાન્ય હોવાને કારણે સ્ત્રીઓ પતિ સિવાયના પુરુષ દ્વારા સંતાનપ્રાપ્તિ કરી શકતી હતી, અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીક સંસ્કૃતિમાં પણ આ રિવાજ માન્ય હતો. જો કે દ્રુપદ આ માટે તૈયાર નથી. એટલે ત્યાં આવી ચઢેલા વેદવ્યાસનું માર્ગદર્શન ઇચ્છે છે અને વ્યાસ ભગવાન દ્રૌપદી અને પાંડવોના પૂર્વ જન્મની કથા કહે છે. મહાભારતમાં અવારનવાર કહેવાયું છે કે ધૃતરાષ્ટ્રની સૌથી મોટી નબળાઈ દુર્યોધન. અને એટલે જ તે સંજયને કહે છે કે હું વિદુર આગળ પાંડવોનાં વખાણ કરવા ખાતર જ કરું છું. પાંડવો વધુ બળવાન થાય તે પહેલાં જ તેમના પર આક્રમણ કરવું જોઈએ એવી સલાહ કર્ણ આપે છે. એક રીતે જોઈએ તો કર્ણનું પાત્ર વિવાદાસ્પદ બને છે. કુન્તીપુત્ર, સૂર્યપુત્ર હોવા છતાં તેના સંસ્કાર સાવ જુદા કેમ? દુર્યોધને રાજકુમારોની પરીક્ષા વખતે કર્ણને અંગ દેશનો રાજા બનાવ્યો તેના ઉપકાર હેઠળ કર્ણ સદાય કચડાતો રહ્યો અને એની પરાકાષ્ઠા તો દ્રૌપદી વસ્ત્રહરણ પ્રસંગે આવી, કોઈ પણ રીતે કર્ણની ઉક્તિઓનો બચાવ કરી જ ન શકાય. ધારો કે કર્ણે કૌરવોને સાચી સલાહ આપી હોત તો? અને એ સલાહ કૌરવોએ માની હોત તો? પણ વ્યાસની યુદ્ધકથા તો આરંભથી રચાઈ જ ચૂકી હતી, અને પછી આવનાર વ્યાસશિષ્યોએ એ યુદ્ધકથાને નિમિત્ત બનાવનારી ઘટનાઓ, વ્યક્તિઓના ઉમેરા કર્યે જ રાખ્યા.

પાંડવો પાસે જે કોઈ જ્ઞાની પુરુષ આવે તે એક એક કથા તો કહે જ. નારદ આવીને સુંદ-ઉપસુંદ-તિલોત્તમાની કથા કહી સંભળાવે છે. પછી નારદે પાંડવો પાસે જે પ્રતિજ્ઞા લેવડાવી એને કારણે અર્જુન બાર વર્ષનો વનવાસ ભોગવવા તૈયાર થાય છે. અને એ દરમિયાન તે ઉલુપી, ચિત્રાંગદાને પરણે છે. ‘ચિત્રાંગદા’ નામનું એક કાવ્ય રવીન્દ્રનાથે રચ્યું હતું અને તેનો સુંદર અનુવાદ નિરંજન ભગતે કર્યો હતો. વળી અર્જુન બલરામ અને શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું અપહરણ કરી જાય છે. એ સમયે કન્યાદાનની જે રૂઢિ હતી તેની સામે મહાભારતકાર શ્રીકૃષ્ણના મોઢે શું કહેવડાવે છે?

પ્રદાનમપિ કન્યાયા: પશુવત્કોડનુમંસ્યતે |
વિક્રયં ચાપ્ય પત્યસ્ય ક: કુર્યાત્પુિરુષે ભુવિ ||

પશુદાનની જેમ થતું કન્યાદાન કોને પ્રિય હોય? કન્યાવિક્રય પણ કોણ પસંદ કરશે? અને છતાં ભલભલા સર્જકોએ કન્યાને પરકીય ધન તરીકે ઓળખાવી! હવે શ્રીકૃષ્ણ અને અર્જુન ભેગા મળીને અગ્નિના કહેવાથી, અગ્નિને તૃપ્ત કરવા ખાંડવવનનું દહન કરે છે. વન્ય સંસ્કૃતિને ભૂંસી નાખી નગરસંસ્કૃતિ ઊભી કરવાની વાત પરંપરાથી દરેક સમયે, દરેક સ્થળે ચાલી આવી છે. અહીં એ કાર્ય કેટલું ભયાનક હતું તે વ્યાસે બહુ સારી રીતે આલેખ્યું છે અને એની અર્વાચીન માંડણી યુવાકવિ રાજેશ પંડ્યાએ અસામાન્ય સર્જકતાથી કરી છે. (જુઓ સમીપે, ૪૫-૪૬) આ ઉપરાંત મહાભારતને કેન્દ્રમાં રાખીને કેટલી બધી કૃતિઓ રચાઈ. કાન્ત, દિલીપ ઝવેરી, હરીશ મીનાશ્રુ અને હવે વિનોદ જોશી પણ આ સર્જનમાં છે. કૃષ્ણે અને અર્જુને મયદાનવને ખાંડવવનદહનમાંથી મયદાનવને ઉગારી લીધો હતો એટલે એનો બદલો કેવી રીતે વાળવો એ પ્રશ્ન મયને થયો પણ એવા ઉપકારના બદલામાં મય કશું કરે એ અર્જુનને પસંદ નથી- (જુઓ સભા પર્વ, ૧-૭) પણ શ્રીકૃષ્ણના સૂચનથી મયદાનવ યુધિષ્ઠિર માટે એક સભાનિર્માણ કરે છે. પૃથ્વી પર કોઈ એવી સભાનું નિર્માણ ન કરી શકે, આ સભાનું અસામાન્ય વર્ણન સભાપર્વમાં કરવામાં આવ્યું છે. નારદ યુધિષ્ઠિરને યમ અને વરુણ, કુબેર, બ્રહ્માની સભાનું વર્ણન કરે છે, અને ત્યાં હરિશ્ચન્દ્રનો નિર્દેશ બહુ જ સંક્ષેપમાં થયો છે. પાછળથી બીજાં પુરાણોએ હરિશ્ચન્દ્રની કથાને સવિસ્તર આલેખી છે. રાજસૂય યજ્ઞ કરતાં પહેલાં વાસુદેવ યુધિષ્ઠિરને જરાસંધ વધ માટે સૂચન કરે છે અને તે અનુસાર કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણવેશે મગધ દેશમાં જાય છે, અને ભીમ-જરાસંધનું યુદ્ધ થાય છે. સમીક્ષિત વાચનામાં ભીમ કૃષ્ણની કશી પણ સલાહ વિના મારી નાખે છે પણ ગીતાપ્રેસની મહાભારતવાચનામાં કૃષ્ણ સંકેત કરે છે ત્યારે ભીમ એને મારી શકે છે. પછી પાંડવો દિગ્વિજય કરે છે. મહાભારતના ઉત્તરાર્ધમાં શૂદ્રોનો મહિમા ગાવામાં આવ્યો છે એમ છતાં શૂદ્રોને માનભર્યું સ્થાન તો નથી જ. રાજસૂય યજ્ઞ પ્રસંગે કહેવામાં આવે છે કે યુધિષ્ઠિરના ભવનમાં અંતર્વેદી આગળ કોઈ શૂદ્ર ન હતો કે કોઈ હીન માનવી પણ ન હતો. બીજા શબ્દોમાં ત્યાં કોઈ શૂદ્રને પ્રવેશાધિકાર જ ન હતો. શ્રીકૃષ્ણ પણ બોલે છે કે શૂદ્ર વેદમંત્રોનું પઠન ન કરી શકે. આ અપમાનનો ભોગ આજે પણ ભારતમાં ઘણે બધે સ્થળે શૂદ્રો-પછાતો બનતા આવ્યા છે. અપેક્ષા તો એવી હતી કે રાજસૂય યજ્ઞ શાંતિથી થાય પણ એમાં શિશુપાલ આડે આવે છે, ભીષ્મે રાજસૂય યજ્ઞમાં સૌથી પહેલી પૂજા શ્રીકૃષ્ણની થવી જોઈએ એવું સૂચન કર્યું પણ તે શિશુપાલને માન્ય ન હતું, અને એમાંથી તકરાર વધી પડી, છેવટે શિશુપાલનું મસ્તક શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર વડે છેદી નાખ્યું. અહીં એક વસ્તુ એ પણ જોવા મળશે, શિશુપાલ ગમે તેટલો દુષ્ટ હતો પણ એના પક્ષકારો સભામાં હતા. શ્રીકૃષ્ણના વિરોધીઓ પણ ખાસ્સા. આટલી બધી ગાળો ભીષ્મને, શ્રીકૃષ્ણને આપવામાં આવી અને છતાં દુુર્યોધન, દુ:શાસનને બાજુએ રાખો પણ દ્રોણ, ધૃતરાષ્ટ્ર, કર્ણ જેવા મહારથીઓ પણ કશો જ વિરોધ કરતા નથી, કૌરવપક્ષ બળવાન તો લાગે જ છે.

મયદાનવે શ્રીકૃષ્ણને આપેલા વચન પ્રમાણે એક અદ્ભુત સભાનું નિર્માણ તો કર્યું અને એવી સભા ક્યારેય હસ્તિનાપુરમાં હતી જ નહીં. હવે અહીં દુર્યોધન આ અસામાન્ય સભાને જોઈને શું અનુભવે છે? જ્યાં સ્થળ છે ત્યાં તેને જળ દેખાય છે અને જળને સ્થાને સ્થળ દેખાય છે, ક્યાંક પ્રવેશદ્વાર જોઈને અંદર જવા કરે છે ત્યાં તેનું માથું અથડાય છે, તેની આ મૂંઝવણ જોઈને પાંડવો-ભીમ, અર્જુન, નકુલ, સહદેવ હસવા માંડે છે. જુઓ અહીં યુધિષ્ઠિરને મજાક મશ્કરી કરતા બતાવ્યા નથી. બીજી કેટલીક વાચનાઓ પ્રમાણે દ્રૌપદી દુર્યોધનની મજાક કરતી બોલે છે પણ ખરી-આંધળાના પુત્ર આંધળા જ હોય! આવો વૈભવ, આવું ઐશ્વર્ય, આવી માયા દુર્યોધન જિરવી શકતો નથી. એક રીતે જોવા જઈએ તો વૈભવના આ પ્રદર્શને જ દુર્યોધનના મનમાં ભારે ઈર્ષ્યા જગાડી. આ પ્રદર્શન ન હોત તો? મહાભારતકાર તો કહે જ છે કે પાંડવોની સમૃદ્ધિ જોઈને દુર્યોધનની મતિ પાપિષ્ઠ બની, તે વિવર્ણ થઈ ગયો. અને શકુનિને કહે છે.

વહિન્મેવ પ્રવેક્ષ્યામિ ભક્ષયિષ્યામિ વા વિષમ્ |
અપો વાપિ પ્રવેક્ષ્યામિ ન હિ શક્ષ્યામિ જીવિતુમ્ ||

હું આગમાં સળગી મરું કે વિષપાન કરી લઉં, પાણીમાં ડૂબી જઉં — આ સ્થિતિમાં હું કોઈ પણ રીતે જીવી નહીં શકું. એટલું જ નહીં, દુર્યોધનને એમ લાગે છે કે હું નથી તો નારી, નથી અનારી, નથી તો પુરુષ, નથી તો નપુંસક....

શકુનિ દુર્યોધનને વારે વારે ‘તત્ર કા પરિદેવના’ કહીને સમજાવે છે પણ દુર્યોધનના ઈર્ષ્યાગ્નિએ એની બુદ્ધિને ખતમ કરી દીધી છે. પાંડવોની લક્ષ્મી પોતાને હસ્તક થવી જ જોઈએ, આ સિવાય તેનું બીજું કોઈ લક્ષ્ય જ નથી! જેવી રીતે દુર્યોધને શકુનિ આગળ હૈયાવરાળ ઠાલવી તેવી રીતે પિતા ધૃતરાષ્ટ્ર આગળ પણ હૈયાવરાળ ઠાલવી, ધૃતરાષ્ટ્રે પણ કહ્યું કે તારું જીવન વૈભવપૂર્ણ છે છતાં તું દુઃખી કેમ છે? ત્યારે દુર્યોધન શાને કારણે દુઃખી છે તે જાણવા મળે છે. જો કે આ વૈભવ વધારે હતો જ. દા.ત. યુધિષ્ઠિરે અઠ્યાસી હજાર સ્નાતકોને પોષી, દરેકને ત્રીસ ત્રીસ દાસીઓ આપી હતી. દસ હજાર બ્રાહ્મણો સુવર્ણપાત્રોમાં દરરોજ ભોજન કરતા હતા. રાજા કાંબોજે મૂલ્યવાન કામળા આપ્યાં હતા. બીજાઓએ ધનરત્નો આપ્યા અને તે દુર્યોધને પહેલાં કદી જોયા ન હતા. ભોજન સમારંભમાં એક લાખ બ્રાહ્મણો એકઠા થાય ત્યારે થતા શંખધ્વનિથી દુર્યોધન અકળાઈ જતો હતો. બ્રાહ્મણોને રાજાઓ પીરસતા હતા. અને હવે દુર્યોધન ત્રાગું કરીને ધૃતરાષ્ટ્ર પાસે દ્યૂતસભાની હા પડાવડાવે છે. રાજસૂય યજ્ઞનો વૈભવ અભૂતપૂર્વ હતો. દૂરદૂરથી — (ગાંધારથી માંડીને ભરૂચ સુધી) લોકો ભેટસોગાદો લઈને આવ્યા — કેટલા બધા લોકો અંદર પ્રવેશ ન મળ્યો એટલે ભેટસોગાદો લઈને બહાર ઊભા રહ્યા હતા. ઉપરાંત ચીન, હૂણ, શક, ઓડ્ર, પર્વતવાસીઓ, હિમાલયવાસીઓ આવ્યા હતા — અને જે રાજાઓ કશું લીધા વિના આવ્યા હોય તેમને દ્વારપાલ અંદર જવા દેતો ન હતો. માત્ર માનવો નહીં, ગંધર્વો પણ ભેટસોગાદો લઈને આવ્યા હતા. આવી સમૃદ્ધિ ઇન્દ્ર પાસે નહીં, પૃથુ પાસે નહીં, ભગીરથ પાસે નહીં. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને દ્વેષ ત્યજવા કહે છે — લોભી ન બન, શોક ન કરવા કહે છે. અને જો તારે આવી સંપત્તિ જોઈતી હોય તો તું પણ યજ્ઞ કર. અંધ રાજાની વાત સાવ સાચી હતી. પારકા ધનની ઇચ્છા અનર્થ જન્માવે છે. ઇચ્છા રાખવાથી અનર્થ જન્મે.

પણ આખરે તો જે બનવાનું હતું તે જ બન્યું. દ્યૂત રમાયું અને યુધિષ્ઠિર સર્વસ્વ હારી ગયા — એક મૂળભૂત પ્રશ્ન તો ઊભો જ રહ્યો- જે પોતાની જાતને પહેલેથી હારી ગયા હોય તે બીજાને હોડમાં મૂકે કેવી રીતે? આખી સભામાં કોઈએ દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર ન આપ્યો, પ્રશ્ન એ હતો કે યુધિષ્ઠિરને પૂછો — પહેલાં પોતાની જાતને હોડમાં મૂકી હતી કે મને? અને વિકર્ણ વારેવાર બોલતો જ રહ્યો. અને આ બધું હોવા છતાં કર્ણ જરાય સ્ત્રીસન્માનની ભાવના દાખવતા નથી, ઊલટ, દ્રૌપદીનું વસ્ત્ર ઉતારી લેવા દુ:શાસનને કહે છે. અને હવે ચમત્કાર થયો.

આકૃષ્યમાણે વસને દ્રૌપદ્યસ્તુ વિશાં પતે |
તદ્રૂપમપરં વસ્ત્રં પ્રાદુરાસીદતેકથા: ||

સમીક્ષિત વાચના તો આટલું કહે છે કે તે વસ્ત્રની અંદરથી જ બીજાં વસ્ત્ર અને બીજાં વસ્ત્રોથી ત્રીજાં વસ્ત્રો નીકળતાં જ ગયાં.

ગીતાપ્રેસની વાચના તો એમ કહેશે કે દ્રૌપદીએ ત્યાં કૃષ્ણનું સ્મરણ કર્યું અને કૃષ્ણ અવ્યક્ત રૂપે તેના વસ્ત્રમાં પ્રવેશ્યા અને જાતજાતનાં વસ્ત્રો નીકળવા માંડ્યાં. આવો ચમત્કાર આજના વિજ્ઞાનયુગમાં શક્ય ખરો? હવે આપણે બીજી રીતે વિચાર કરો. આપણી લોકપ્રિય ફિલ્મોમાં કદી ખલનાયકને વિજેતા થતો જોયો છે ખરો? જો કોઈક દિવ્ય શક્તિ દ્વારા કે શ્રીકૃષ્ણ દ્વારા દ્રૌપદીનાં વસ્ત્ર પુરાયાં ન હોત તો? ધર્મમાં રહેલી માનવીની આસ્થા ખતમ થઈ જાય. બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ અજ્ઞાતવાસ-આ વેદના કોઈ જિરવી નથી શકતું — દ્રૌપદી શું કહે છે? જેમને કારણે મારી આવી દશા થઈ છે તેમની સ્ત્રીઓ પણ ચૌદમે વર્ષે પતિ, પુત્ર, ભાઈ, પ્રિયતમોના મૃત્યુ પછી, લોહિયાળ થઈને, ખુલ્લા કેશવાળી, રજસ્વલા અને ધૂળથી રગદોળાયેલી થઈને હસ્તિનાપુરમાં પ્રવેશશે. આમ જોવા જઈએ તો દ્રૌપદીનો આ અભિશાપ જે પરિસ્થિતિમાં તેની તાવણી થઈ હતી તે પરિસ્થિતિમાંથી જન્મ્યો હતો. અને સભાપર્વને અંતે ધૃતરાષ્ટ્ર કબૂલે તો છે કે મેં પુત્રહિતને કારણે વિદુરની વાત માની નહીં. વ્યાસ આખી પરિસ્થિતિને ઘણી બધી રીતે મૂલવવા માગતા હતા — અને એટલે જ ધૃતરાષ્ટ્રનાં બે વ્યક્તિત્વ આપણી આગળ પ્રગટ કર્યાં. બંને વ્યક્તિત્વ એકબીજાના વિરોધી, અને છતાં એટલાં જ વાસ્તવિક.

મહાભારતને વિદ્વાનોએ જ્ઞાનકોશ તરીકે અમસ્તો ઓળખાવ્યો નથી, જે સમયે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો સાવ ટાંચાં હતાં તે સમયે વ્યાસ મુનિએ અને તેમના શિષ્યોએ તથા પાછળથી આવેલા સર્જકોએ આ બધી સામગ્રીનું કરેલું સંકલન આજે આપણને દંગ કરી દે છે. આજે ટેકનોલોજીને કારણે આવાં કામ હસ્તામલકવત્ થઈ ગયાં છે. અહીં રામાયણની જેમ માત્ર કથા નથી પણ સમકાલીન, ભૂતકાલીન જીવનનો સઘળો નિચોડ છે, અને એેને આધારે ભવિષ્યની રૂપરેખા પણ તેમાં આલેખાઈ હતી તે આજે આપણે જોઈ શકીએ છીએ. મહાભારતમાં સભાપર્વ તો અતિ કરુણ અને ભયાનક છે. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં સ્ત્રીની આવી અવમાનના, આવું અપમાન, આવી લજ્જાસ્પદ પરિસ્થિતિઓ ભાગ્યે જ સર્જાઈ છે. કોઈ સર્જક આટલી હદે જઈને આપણું સાચેસાચું, ઉઘાડું વ્યક્તિત્વ પ્રગટ કરી શકે તે કદાચ અસંભવિત પણ લાગે, અને છતાં આ અશક્ય લાગતી પરિસ્થિતિઓ સંભવી શકે. એકવીસમી સદીમાં ભારતમાં જે ઘટનાઓ બની તેની કલ્પના વીસમી સદીની અધવચ્ચે થઈ શકી હતી? ઘણાને પ્રશ્ન થતો હશે- નળ, યુધિષ્ઠિર શા માટે જુગાર રમવા બેઠા? ઋગ્વેદમાં ‘જુગારીનું આત્મકથન’ (પહેલા ભાગમાં આ અંશ લીધો છે) જોઈએ તો જગતભરના, સર્વ કાળના જુગારીઓની આત્માભિવ્યક્તિ નથી લાગતી? હવે ભારતીય કાવ્યોમાં જોવા મળતા દેશવટાની ઘટનાઓ આરણ્યક પર્વનો (ગીતાપ્રેસની વાચનામાં આનું નામ વનપર્વ છે) આરંભ થાય છે. જુગારમાં હારી ગયા હોવાને કારણે પાંડવોને વનવાસ મળ્યો પણ સાચું કહેવા માટે વિદુરને ધૃતરાષ્ટ્ર દેશવટો આપે છે. (આ.પર્વ ૬, ૨૦) પરંતુ વિદુર વિના રાજાને જરાય ગોઠતું નથી, એટલે સંજયને મોકલીને પાછા બોલાવી લે છે. આપણે અવારનવાર જોયું છે કે ધૃતરાષ્ટ્રમાં સદ્ અને અસદ્નો સંઘર્ષ છે, જાણીતી વાર્તાનું દૃષ્ટાંત આપવું હોય તો ‘જેકિલ એન્ડ હાઇડ’નું આપી શકાય. વિદુરનું પુનરાગમન દુર્યોધન અને તેના સાથીઓને ગમ્યું નથી. ફરી ત્રાગું કરીને દુર્યોધન આત્મહત્યાની ધમકી આપે છે અને ત્યારે સૂર્ય-કુન્તી પુત્ર કર્ણ પાંડવોને મોતને ઘાટ ઉતારી દેવાની સલાહ આપે છે! અને જ્યારે વ્યાસને આવી યોજનાની જાણ થાય છે ત્યારે તે ધૃતરાષ્ટ્રને ચેતવણી આપવા આવી ચડે છે. વ્યાસના ગયા પછી આવેલા મૈત્રેય ઋષિ પણ બહુ જ આકરા બનીને કહે છે કે સભાની વચ્ચે તમે દસ્યૂની જેમ વર્ત્યા હતા. વળી પોતાની વાતને સાંભળી ન સાંભળી કરતા દુર્યોધનને શાપ આપે છે: ‘જે અભિમાનને કારણે તું મારો અનાદર કરીને મારી વાત નથી માનતો તેનું ફળ તું ભોગવજે. તારા જ કારણે ઊભા થનારા મહાયુદ્ધમાં બળવાન ભીમ ગદા વડે તારી સાથળો ભાંગી નાખશે.’ છેલ્લે જ્યારે ગદાયુદ્ધના નિયમોથી વિરુદ્ધ જઈને ભીમ દુર્યોધનની સાથળો પોતાની ગદાથી ભાંગી નાખે છે ત્યારે બલરામ બહુ ક્રોધે ભરાય છે, પણ દુર્યોધનના વધ પાછળ આવો શાપ પણ જવાબદાર, દ્યૂતસભામાં ભીમે કરેલી પ્રતિજ્ઞા પણ જવાબદાર. બાર વરસના વનવાસમાં પાંડવો ભાગ્યે જ એકલા પડ્યા હતા, વચ્ચે શ્રીકૃષ્ણ મળવા આવ્યા ત્યારે દ્રૌપદીએ ભારે કલ્પાંત કર્યું હતું. ઓછી શક્તિવાળા પતિ પણ પોતાની પત્નીની રક્ષા કરતા હોય છે જ્યારે ભીમ, અર્જુન આટલા બધા બળવાન અને છતાં મારી રક્ષા ન કરી શક્યા. શ્રીકૃષ્ણ દ્યૂતસભામાં આવીને દ્યૂત અટકાવી શક્યા હોત પણ તેઓ તે વેળા દ્વારકામાં ન હતા. એક રીતે જોઈએ તો વ્યાસ ભગવાને આવી યોજના જ શા માટે કરી? ગોવર્ધનરામના સરસ્વતીચંદ્રે શા માટે ગૃહત્યાગ કર્યો? આવા પ્રશ્નોના ઉત્તર બહુ લાંબી ચર્ચા માગી લે છે. વનમાં પાંડવો અને દ્રૌપદી બેઠા બેઠા વાતો કરે છે. દ્રૌપદી પોતાનું હૃદય ઠાલવે છે. ભૂતકાળ અને વર્તમાન બેની તુલના કરતી વારેવારે ધુ્રવવાક્ય ઉચ્ચારે છે. આ બધું છતાં તમને ક્રોધ કેમ નથી આવતો? જે ક્ષત્રિય છે તેને ક્રોધ થવો જ જોઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ્માં યુધિષ્ઠિર માને. કોઈ ને કોઈ નિમિત્તે, કોઈ ને કોઈ પાત્ર દ્વારા વ્યાસ જીવનમીમાંસા કરતા જ રહે છે. દ્રૌપદી પૂર્વપક્ષ રજૂ કરશે તો યુધિષ્ઠિર ઉત્તરપક્ષ રજૂ કરશે — આ બંને વિરુદ્ધ વિચારોમાંથી કયો સ્વીકારવો તે ભાવકે નક્કી કરવાનું. યુધિષ્ઠિર તો કહેશે, ક્ષમા ધર્મ, ક્ષમા યજ્ઞ, ક્ષમા વેદ, ક્ષમા શ્રુતિફળ...પણ આ વિચારણાની કશી અસર દ્રૌપદી પર થતી નથી, તે તો માને જ છે કે યુધિષ્ઠિરની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. અહીં દ્રૌપદીની સ્વતંત્ર વ્યક્તિતા જોઈ શકાશે. ધર્માવતાર ગણાતા યુધિષ્ઠિરની સામે પણ તે મોકળાશથી બોલી શકે છે, ભલે યુધિષ્ઠિર તેને નાસ્તિક માને. પતિપત્ની વચ્ચેના સંવાદમાં પાંડવોમાંથી બીજું કોઈ વચ્ચે બોલતું નથી, બીજા બધા જાણે મૂગા શ્રોતા બની રહે છે. પાછળથી ભીમસેન પોતાના વિચાર જણાવે છે. દ્રૌપદીની એક વાત બહુ સ્વીકારયોગ્ય હતી. ‘વ્યક્તિએ કદી પણ પોતાને સામાન્ય મનાવીને પોતાનું અપમાન ન કરવું, પોતાનો અનાદર કરનારને કદી ઐશ્વર્ય સાંપડતું નથી.’ ભીમની પણ એક વાત યુધિષ્ઠિરને તો ન જ ગમે, ‘જે ધર્મ મિત્રનું અને પોતાનું અહિત કરે તે ધર્મ નથી, તે દુઃખ છે અથવા કુધર્મ છે.’ વ્યાસે ધર્મમીમાંસા કરાવી છે. એટલું જ નહીં, દુર્યોધન જેવી ઈર્ષ્યાખોર વ્યક્તિના ચિત્તજગતમાં પ્રવેશીને તેની ચેતનાના કેન્દ્રથી પણ જગત દેખાડવા જાય છે. દા.ત. જુગારમાં જીતી ગયા પછી પણ ક્રોધે ભરાઈને તેના તાબામાં રહેલા રાજાઓને તેણે ઊંચા ઊંચા સ્થાને ગોઠવી દીધા હતા. (આરણ્યક પર્વ, ૩૫, ૧૩) અને મૂળ વાત તો એ છે કે ચૌદ વરસનો વનવાસ હોય કે તેર વરસનો હોય, કાળની રાહ જોયા જ કરો તો કાળ ધીમે ધીમે મૃત્યુની દિશા તરફ દોરી જાય છે અને ભીમસેન કહે છે તે પ્રમાણે ભીમ અને દ્રૌપદી જ દુઃખી હતા. મહાભારતમાં શ્રીકૃષ્ણ કહે છે કે માત્ર ભારતમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ રાજાઓ પાંડવોના રાજસૂય યજ્ઞમાં આવ્યા હતા અને એ રાજાઓ તો પીરસવાનું કામ પણ કરતા હતા. નારદ પુલસ્ત્ય અને ભીષ્મનો હવાલો આપીને ભારતભરનાં તીર્થોની વાત કરે છે. એ રીતે તેમણે ભારતદર્શન કરાવ્યું. કદાચ કાલિદાસ સામે મેઘદૂત રચતી વખતે આવી યાત્રાઓનાં વર્ણન હોવાં જોઈએ. પ્રભાસતીર્થમાં બલરામ-કૃષ્ણ પાંડવોને ઘેરીને બેઠા હોય છે ત્યારે બલરામના પાત્ર દ્વારા એક જુદો, સામાન્ય માનવીનો દૃષ્ટિકોણ રજૂ થાય છે. ‘ધર્મ કરવાથી કોઈની ઉન્નતિ થતી નથી, અધર્મ કરવાથી કોઈની અવગતિ થતી નથી. યુધિષ્ઠિર જેવા વલ્કલ પહેરીને વનવાસનું દુઃખ ભોગવે છે અને બીજી બાજુ દુર્યોધન પૃથ્વીનું ઐશ્વર્ય ભોગવે છે, પૃથ્વી ફાટી પણ જતી નથી. આ જોઈને લોકો તો ધર્મ કરતાં અધર્મને અનુસરે ને!’

ક્યારેક સનાતન સત્યો પણ વેદવ્યાસે રજૂ કર્યાં છે, ઉશીનર કબૂતરને બાજના પંજામાંથી બચાવે છે ત્યારે બાજના મોઢામાં એક સર્વકાલીન સત્ય મૂક્યું છે:

ધર્મં યો બાધતે ધર્મો ન સ ધર્મ: કુધર્મ તત્ |
અવિરોધી તુ યો ધર્મ: સ ધર્મ: સત્યવિક્રમ્ ||

જે ધર્મ પાળવાથી કોઈ બીજા ધર્મનો નાશ થતો હોય તો તે ધર્મ નથી પણ અધર્મ છે, જે ધર્મમાં કોઈ પણ ધર્મનો વિરોધ ન હોય તે જ સાચો ધર્મ કહેવાય.

મહાભારતકારને પોતાના પૂર્વકાલીન સાહિત્યનો પણ પરિચય છે, ઋગ્વેદમાં વર્ણવાયેલા રાક્ષસોનો તે નિર્દેશ કરે છે, રામાયણના કેટલા બધા સંદર્ભો આપે છે, સામાન્ય રીતે આપણે એમ માનીને ચાલ્યા હતા કે રામાયણમાં પ્રકૃતિવર્ણન વિશેષ છે, પણ આરણ્યક પર્વમાંથી પસાર થઈએ ત્યારે જાણ થાય છે કે મહાભારતમાં પશુપંખી, વનસ્પતિનાં વર્ણન પણ પુષ્કળ છે (જુઓ અધ્યાય ૧૫૫) વળી ખગોળવિદ્યાનું જ્ઞાન મહાભારતમાં જોવા મળશે, સૂર્યને કારણે ઋતુભેદ થાય છે એ વાત પણ જાણવા મળે છે. વર્ણવ્યવસ્થા હોવાને કારણે બ્રાહ્મણથી માંડીને શૂદ્ર જાતિઓને વિભાજિત કરવામાં આવી હતી, સામાન્ય રીતે શૂદ્રોનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી હલકી કક્ષાનંુ રહ્યું છે પણ વચ્ચે વચ્ચે જરા જુદા પ્રકારનો અભિપ્રાય પણ જોવા મળશે. દા.ત. યક્ષપ્રશ્નની જેમ અજગર રૂપે શાપ ભોગવી રહેલા નહુષને યુધિષ્ઠિર બ્રાહ્મણનાં લક્ષણ ગણાવે છે અને જેનામાં સત્ય, દાન, ક્ષમા, શીલ, અક્રૂરતા, સંયમ અને દયા હોય તે બ્રાહ્મણ ગણાય. જો આ લક્ષણ શૂદ્રમાં હોય તો તે પણ બ્રાહ્મણ, અને જો એ લક્ષણ બ્રાહ્મણમાં ન હોય તો તે બ્રાહ્મણ ન કહેવાય. (આરણ્યક પર્વ, અધ્યાય ૧૭૭) એક મહાપ્રલયની કથા મનુ અને મત્સ્ય પ્રસંગમાં જોવા મળે છે, બીજા પ્રલયની વાત માર્કંડેય મુનિ કહે છે અને તેમાં એક વિશાળ વડ પર તેઓ બાળકને જુએ છે, ઋષિને બાળક પોતાના મોંમાં સમાવી લે છે અને ઋષિ ત્યાં રહીને બ્રહ્માંડ દર્શન કરે છે. ક્યારેક ગીતાની પૂર્વભૂમિકા પણ રચાય છે, દા.ત. ઇન્દ્રના કાર્યની વાત કરતી વેળા કહેવાયું છે કે ઇન્દ્ર દુષ્ટોનો નાશ કરે છે, સાધુજનોનું રક્ષણ કરે છે, તરત જ આપણને પરિત્રાણાય સાધૂનાં, વિનાશાય ચ દુષ્કૃતામ્ યાદ આવે. આજે આપણે મહાભારતકાળથી બહુ દૂર નીકળી ગયા છીએ. સમયમાં, સમાજમાં પરિવર્તનો થયાં છે, એ આખો સમયખંડ પુરુષપ્રધાન સંસ્કૃતિનો હતો, અને એટલે જ સત્યભામા અને દ્રૌપદીના સંવાદમાં સ્ત્રીને પુરુષના પડછાયાથી વિશેષ કશું સ્થાન આપવામાં આવ્યું નથી. વળી, સ્ત્રી ઉપર કેટલા અત્યાચાર થતા જ રહ્યા. દ્યૂતસભામાં તો અત્યાચાર થયા, પણ અરણ્યમાં રાક્ષસો દ્રૌપદીને ઉપાડી ગયા, જયદ્રથ જેવા દ્રૌપદીનું અપહરણ કરી ગયા. કૌરવોની, તેમાંય ખાસ કરીને તો દુર્યોધનની પ્રકૃતિ જ નરી ઈર્ષ્યાખોર, પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો તો અમારે પણ કરવો જોઈએ, પાંડવો વનમાં પણ નિરાંતે રહેવા ન જોઈએ એટલે દ્વૈતવનમાં જઈને એમનો પીછો કૌરવોએ કર્યો પણ ગંધર્વોને હાથે પકડાઈ ગયા ત્યારે છેવટે યુધિષ્ઠિરના કહેવાથી પાંડવોએ તેમને છોડાવ્યા, પરંતુ આ અપમાન અભિમાની દુર્યોધન કેવી રીતે વેઠી શકે? ફરી તે અનશન કરવા બેસી જાય છે. તે વેળા દાનવોએ સર્જેલી કૃત્યા દુર્યોધનને ઉપાડી જાય છે. સામાન્ય રીતે મહાભારતની આ કથાથી મોટા ભાગના વાચકો પરિચિત નથી. દાનવો દુર્યોધનને શું કહે છે? ‘ભૂતકાળમાં અમે શંકર ભગવાનની તપસ્યા કરીને તમને મેળવ્યા હતા. નાભિથી ઉપરનું તમારું શરીર વજ્રનું છે. નીચલો ભાગ અસ્ત્રશસ્ત્રથી ઇજા ન પામે એવો છે, પાર્વતીએ ફૂલો વડે તે ગૂંથ્યો છે. અર્થાત્ તમારું સર્જન ઈશ્વરપાર્વતીએ કર્યું છે, તમે દેવતા છો, માનવ નહીં. તમે નિર્ભય રહો. તમારી મદદ માટે ઘણા બધા દાનવોએ પૃથ્વી પર જન્મ લીધો છે. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યની કાયાઓમાં દાનવો પ્રવેશશે એટલે તેઓ નિર્દય બનીને તમારા શત્રુઓ સામે લડશે. તેમના અંતરાત્મામાંથી સ્નેહનું બાષ્પીભવન થઈ જશે. તેઓ લડતી વખતે કોઈ કરતાં કોઈને — સ્વજનોને પણ — જવા નહીં દે. આ યુદ્ધમાં પ્રસન્નતા-અપ્રસન્નતા પણ થશે. તમને અર્જુનનો ભય વિશેષ છે. અમે તેની હત્યા કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. નરકાસુરનો આત્મા કર્ણમાં પ્રવેશી ગયો છે. એટલે જૂના વેરને યાદ રાખીને કર્ણ અર્જુન અને કૃષ્ણ સાથે લડશે. કર્ણ અર્જુનને યુદ્ધમાં હરાવશે, બધા શત્રુઓ પર વિજય મેળવશે. ઇન્દ્ર છદ્મવેશે કર્ણ પાસેથી કવચકુંડળ લઈ લેશે. અમે સંશપ્તક નામે ઓળખાતા દૈત્યોને આ યોજનામાં જોડ્યા છે, તેઓ અર્જુનને મારી નાખશે. તમે શત્રુઓને પરાજિત કરીને પૃથ્વી પર રાજ કરશો. તમે જો મૃત્યુ પામશો તો અમારું બળ ખતમ થઈ જશે.’ અને આ રીતે દુર્યોધનનો વિષાદ દૂર થયો અને પાંડવોને હરાવવાનો તેણે દૃઢ નિશ્ચય કર્યો. કૌરવપક્ષે રહીને લડનારાઓમાં દૈત્યોના આત્મા પ્રવેશ્યા એટલે બધાના દયાભાવ, સ્નેહભાવ શમી ગયા અને દુર્યોધને આ વાત કોઈને કહી નહીં. આરણ્યક પર્વના અંતે રામાયણકથા આવે છે, પાંડવોનો અજ્ઞાતવાસ એક વરસનો છે, આ અજ્ઞાતવાસ પર નળાખ્યાનના પ્રભાવની સંભાવના નકારી ન શકાય. નળ કર્કોટક નાગને કારણે બાહુક બની ગયા હતા અને ઋતુપર્ણને ત્યાં છદ્મવેશે રહ્યા હતા. અહીં પાંચ પાંડવો અને દ્રૌપદીએ છૂપાવેશે રહેવાનું અઘરું કાર્ય કરવાનું હતું. અર્જુન તો સ્પષ્ટ રીતે કહે છે પણ ખરા કે જેવી રીતે નળરાજા છદ્મવેશે ઋતુપર્ણને ત્યાં રહ્યા હતા તેવી રીતે હું પણ બૃહન્નલા રૂપે ત્યાં રહીશ. મહાભારતનું ભીષણ યુદ્ધ થાય તે પહેલાં તો એ યુદ્ધની નાની નાની પૂર્વભૂમિકાઓ ભજવાઈ ગઈ. ચિત્રસેન ગંધર્વ અને કૌરવોનું યુદ્ધ, વિરાટ રાજાને ત્યાં ફરી કૌરવો અને અર્જુનનું યુદ્ધ — આમ દર વખતે કૌરવોનો પરાજય જ થયો અને છતાં કર્ણ સમેત કોઈ આ પરાજયને ખેલદિલીથી સ્વીકારવા તૈયાર નથી. અહીં કૌરવોમાં આસુરી ભાવ પ્રગટેલો છે. ધૃતરાષ્ટ્રને સંજય અને વિદુર કેટલું બધું સમજાવે છે, આ સમજણ માત્ર ધૃતરાષ્ટ્ર માટે નથી, છેક અર્વાચીન-આધુનિક યુગના વિવેકહીન મનુષ્યો માટે પણ છે. એવું સમજાય છે કે વ્યાસને માત્ર કથામાં રસ નથી. તેઓ તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, સમાજવિદ્યા — આ બધાને ધ્યાનમાં રાખીને આપણી સામે બધું ધરે છે, અનેક ઉક્તિઓ સુભાષિત રૂપે આપણી સામે આવે છે. વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે, ‘તમારા પુત્રો વન જેવા છે, પાંડવ તેમાં રહેતા વાઘ છે, તમે વાઘસમેત સમસ્ત વનને ઉજ્જડ ન કરો અને વન વાઘનો નાશ ન કરે તે જુઓ. વાઘ વિના વન સુરક્ષિત નથી, અને વનના અભાવે વાઘ રહી ન શકે. કારણ કે વાઘથી વન રક્ષાય છે અને વનથી વાઘ રક્ષાય છે, (ઉદ્યોગપર્વ, અધ્યાય-૩૭) સંજય દૂત બનીને પાંડવો પાસે ગયો હતો, તે પાછો આવીને પાંડવોનો સંદેશ સંભળાવે છે. જેવી રીતે મહાભારતના આરંભે ધૃતરાષ્ટ્ર ધુ્રવવાક્ય બોલ્યા કરે છે એવી રીતે સંજય પણ બોલે છે — ‘જો યુદ્ધ થશે તો દુર્યોધનને પસ્તાવું પડશે.’ પણ આમ જોઈએ તો દુર્યોધન ક્યાં પસ્તાય છે. બીજું વિશ્વયુદ્ધ વરસોનાં વરસો ચાલ્યું અને એના પડછાયા હજુ પણ આખા જગત પર પડતા રહ્યા છે, મહાભારતનું યુદ્ધ માત્ર અઢાર જ દિવસ ચાલ્યું, તેમાં ભલે પાંડવોનો વિજય થયો. યતો ધર્મ તતો જય, સત્યમેવ જયતે — જેવાં સૂત્રો પ્રભાવી બન્યાં પણ વાસ્તવમાં દુર્યોધન જ વૈભવમાં ઠેઠ સુધી આળોટતો રહ્યો, વિજયી પાંડવોનો દ્વેષ કરનાર દુર્યોધન તો રહ્યો જ નહીં; હા, ધૃતરાષ્ટ્ર, ગાંધારી ટકી રહ્યાં ખરાં. યુદ્ધ પૂર્વે વ્યાસભગવાન ધૃતરાષ્ટ્ર સમક્ષ કેવું ભયાનક ચિત્ર ઊભું કરે છે? ‘ગાય ગધેડાને જન્મ આપે છે, દીકરો મા સાથે સહવાસ ભોગવે છે, વનનાં વૃક્ષો કસમયે ફૂલોવાળાં થાય છે. ગર્ભવતી સ્ત્રીઓ કાચું માંસ ખાનાર પક્ષી, શિયાળ, હિંસક પશુઓને જન્મ આપે છે; ત્રણ શિંગડાવાળા, ચાર આંખોવાળાં, પાંચ પગવાળાં, બે લિંગવાળાં, બે મસ્તક, બે પૂછડાવાળાં, અકલ્યાણકારી પશુઓનો જન્મ થાય છે અને જન્મીને તરત જ અમંગલ ધ્વનિ કરે છે. ત્રણ પગવાળા મોર, ચાર દાંત, ચોટલીવાળા તાર્ક્ષ્ય પક્ષીઓ દેખા દે છે. કોઈ કોઈ સ્ત્રીઓ ગરુડ અને મોરને જન્મ આપે છે. કેટલીક સ્ત્રીઓના પેટે ચાર ચાર પાંચ પાંચ કન્યાઓ જન્મે છે અને જન્મતાવેંત તેઓ નાચે છે, ગાય છે, હસે છે. (ભીષ્મ પર્વ, અધ્યાય-૩) ટૂંકમાં સાવ અશક્ય ઘટનાઓ બનવા માંડી છે. વચ્ચે વચ્ચે પણ સામાજિક પરિસ્થિતિનું વર્ણન આવતું જ રહે છે. દા.ત. અભિમન્યુના મૃત્યુમાં મુખ્ય નિમિત્ત બનનાર જયદ્રથ વધની પ્રતિજ્ઞા કરતી વેળાએ અર્જુન શું બોલે છે? વિવાહ પૂર્વે રજસ્વલા થયેલી કન્યાને કારણે જે દુર્ગતિ થાય તે મારી થાય. હવે દ્રૌપદીનો સ્વયંવર થયો તે વખતે તેની વય, સુભદ્રાનું અપહરણ થયું ત્યારે તેની વય કેટલી હતી તે વિચારી જોવું. ભીષ્મ પર્વની તુલનામાં દ્રોણપર્વમાં યુદ્ધની વિભીષિકા વિશેષ છે. સંજય પણ ધૃતરાષ્ટ્રને કહે છે: આવું યુદ્ધ મેં પહેલાં જોયું ન હતું કે સાંભળ્યું પણ ન હતું. પાછળથી પણ આકાશવાણી દ્વારા કહેવાયું: આ યુદ્ધ નથી માનવીય, નથી આસુરી નથી રાક્ષસી, નથી દૈવી, નથી ગાંધર્વી. આ તો બ્રાહ્મયુદ્ધ છે. આવું વિચિત્ર અને વિસ્મયકારક યુદ્ધ નથી જોવા મળ્યું, કે નથી સાંભળવા મળ્યું.’ (૧૬૩, ૩૭) યુદ્ધવર્ણન વ્યાસમુનિએ અસાધારણ સૂઝસમજથી કર્યાં છે, અને એટલે જ યુદ્ધસ્ય કથા રમ્ય જેવું સૂત્ર ચલણી થયું હશે. આ પર્વમાં સાત્યકિ અને કૌરવો, ભીમ અને કર્ણ, કર્ણ અને ઘટોત્કચ વચ્ચે થતાં યુદ્ધ દૃશ્યાત્મક નીવડ્યાં છે. વળી અહીં કર્ણનું વ્યક્તિત્વ તેના ગૌરવને હાનિ કરે એ પ્રકારનું છે. કર્ણ ભીમસેનને જે કઠોર વચનો સંભળાવે છે તે સાવ અયોગ્ય છે. એટલું જ નહીં, કર્ણ કૃપાચાર્યને પણ બહુ જ કઠોર વચનો કહે છે. વચ્ચે વચ્ચે ગીતાને મળતાં આવે એવાં સૂત્રો જોવા મળશે. દા.ત. યે હિ ધર્મસ્ય લોપ્તારો વધ્યાસ્તે મમ પાંડવ | (અધ્યાય ૧૫૬, ૨૮) (જે કોઈ ધર્મનો લોપ કરે તેને હું મારવાનો જ.) લોકકથાકારોએ અભિમન્યુના ચકરાવાની વાત રંગેચંગે આલેખી છે. મહાભારતકાર તો એટલું જ કહેશે કે અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશી જાણે પણ તેની બહાર નીકળવાનું જાણે નહીં. એવી જ રીતે જયદ્રથવધ સૂર્યાસ્ત પહેલાં થવો જ જોઈએ, અર્જુન પ્રતિજ્ઞા લઈને બેઠો હતો. જ્યારે સમય પૂરો થવા આવ્યો તે પહેલાં અર્જુને જયદ્રથવધ કરી દીધો અને શ્રીકૃષ્ણની સૂચનાથી તેનું મસ્તક જયદ્રથના પિતાના ખોળામાં જ પડે એવી રીતે તીર ચલાવ્યું. મહાભારતની અન્ય લોકપ્રિય વાચનાઓમાં શ્રીકૃષ્ણ માયા રચીને જાણે સૂર્યાસ્ત થઈ ગયો એવો આભાસ ઊભો કરે છે. બીજી કેટલીક લોકપ્રિય વાચનામાં શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર વડે સૂરજને ઢાંકી દે છે અને એટલે જયદ્રથ બહાર આવે છે ત્યારે અર્જુન એનો વધ કરે છે. વચ્ચે દુર્યોધનના વ્યક્તિત્વ બહારનો એક રસપ્રદ વાર્તાલાપ તે સાત્યકિ સાથે કરે છે: ‘અરે મિત્ર, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષાને ધિક્કાર હજો. આપણા ક્ષત્રિયોના આચારવિચાર, બળ, પુરુષાર્થને પણ ધિક્કાર. અત્યારે આપણે તો એકબીજા સામે બાણવર્ષા કરવા તત્પર થયા છીએ. આપણે તો એકબીજાને પોતાના જીવ કરતાં વધુ ચાહતા હતા. હું અત્યારે આપણું બાળપણ યાદ કરું છું. પણ આ યુદ્ધભૂમિમાં આપણી જૂની મૈત્રી નાશ પામી. આપણે તો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છીએ. ક્રોધ અને લોભથી વિશેષ હાનિપ્રદ બીજું શું છે?’ સાત્યકિએ દુર્યોધનની વાતનો ઉત્તર આપ્યો, ‘આપણે ભૂતકાળમાં જે સ્થળે રમતા હતા તે આ સ્થળ નથી, એ સભા નથી.’ ‘સાત્યકિ, આપણા શૈશવની રમતો ક્યાં જતી રહી? શૂરવીરોનો નાશ કરનારું આ ભયાનક યુદ્ધ ક્યાંથી આવી ચઢ્યું, આ કાળનો અતિક્રમ કરવો બહુ મુશ્કેલ છે. ધનની કે ધનલાભની ઇચ્છાથી આપણે શું કરીએ છીએ? ધનલોભથી જ આપણે બધા આ યુદ્ધભૂમિમાં યુદ્ધ કરવા તત્પર થયા છીએ.’ ‘ક્ષત્રિયોનો તો એ આચાર જ છે કે તેમણે ગુરુ સામે પણ યુદ્ધ કરવું પડે. હું તમારો મિત્ર, છતાં તમે મારો વધ કરો, મોડું ન કરો. એમ થશે તો હું સ્વર્ગે જઈશ.’ (દ્રોણપર્વ, અધ્યાય-૧૬૪, ૨૩-૩૧) અને ત્યારે ભારતભરમાં પ્રખ્યાત બનેલી ઘટના જોવા મળી. દ્રોણ સમગ્ર પાંડવસેનાનો નાશ કરવા તૈયાર થયા. તેમને રોકવાનો એક જ ઉપાય, અને તે પુત્ર અશ્વત્થામાના મૃત્યુના સમાચાર તેમના સુધી પહોંચાડવા. અર્જુન એ વાત સ્વીકારવા તૈયાર નથી પણ બીજાઓ તૈયાર છે, ભીમ અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને દ્રોણ પાસે જઈને બોલે છે: અશ્વત્થામા મરાયો. ઋષિમુનિઓ દ્રોણને કહે છે કે તમે અધર્મથી યુદ્ધ કર્યું છે કારણે કે જેઓ બ્રહ્માસ્ત્ર જાણતા ન હતા તેમની સામે તમે એ અસ્ત્રનો ઉપયોગ કર્યો છે. હવે દ્રોણ યુધિષ્ઠિરને પૂછે છે. તેમને વિશ્વાસ છે કે ત્રણે લોકનું ઐૈશ્વર્ય મળે તો પણ યુુધિષ્ઠિર જૂઠું નહીં બોલે. શ્રીકૃષ્ણ તેમને સમજાવે છે, પ્રાણરક્ષા માટે મિથ્યાવચન બોલનાર પાપી નથી કહેવાતો. તેઓ અશ્વત્થામા મૃત્યુ પામ્યા એમ કહે છે અને તે વખતે યુધિષ્ઠિરનો રથ ધરતીથી ચાર આંગળ ઉપર રહેતો તે હવે ધરતીને અડકવા લાગ્યો. ભારતભરમાં પ્રચલિત થયેલી યુધિષ્ઠિરની ઉક્તિ છે: નરો વા કુંજરો વા. આવી કોઈ ઉક્તિ સમીક્ષિત વાચનામાં નથી, ગીતાપ્રેસની વાચનામાં નથી. ત્યાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુધિષ્ઠિર મનમાં જ બોલ્યા, ‘અશ્વત્થામા હાથી મૃત્યુ પામ્યો છે.’ દ્રોણ એ વાત સાંભળી શક્યા ન હતા. હવે જો આટલું અર્ધસત્ય બોલવાનું પરિણામ આ હોય તો જિંદગીભર અસત્યનો આશરો લેનારની શી હાલત થાય? જો કે અર્જુન તો યુધિષ્ઠિરને ઠપકો જ આપે છે, ‘તમે ધર્માત્મા હોવા છતાં રાજ્યના લોભે ગુરુ પાસે અસત્ય ભાષણ કર્યું.’ બીજી બાજુ સમગ્ર યુદ્ધ દરમિયાન સંજય ધૃતરાષ્ટ્રને જ જવાબદાર ગણાવતા રહ્યા, ધૃતરાષ્ટ્ર દ્વિધામાં ઝૂલતા જ રહ્યા. પોતાના પુત્રોની નિંદા અને પાંડવોની પ્રશંસા તેમણે કરી. (કર્ણ પર્વ, અધ્યાય ૩) ઠેઠ સુધી કર્ણ માનતા જ હતા કે પાંડવોને, જનાર્દનને હું હરાવીશ. કર્ણનો વધ કરવાની બીજે દિવસે અર્જુને પ્રતિજ્ઞા કરી હતી પણ કર્ણ મૃત્યુ પામે તે પહેલાં અર્જુન યુધિષ્ઠિરને મળવા જાય છે. ત્યારે ધર્મરાજ તેને પૂછે છે: શું તેં કર્ણને મારી નાખ્યો? આ ધ્રુવ વાક્ય બનીને વારે વારે પુનરાવતિર્ત થાય છે. એનાથી યુધિષ્ઠિરની કર્ણ માટેની દુશ્મનાવટ પ્રગટ થાય છે જ, સાથે સાથે કર્ણનો ભય પણ તેમના પ્રશ્નમાં પડઘાય છે. વળી કર્ણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અર્જુન જીવતો હશે ત્યાં સુધી હું કોઈ બીજાની પાસે પગ નહીં ધોવડાવું. વાસ્તવિક હકીકત જાણ્યા પછી યુધિષ્ઠિરનો પ્રતિભાવ કેવો? યુધિષ્ઠિર અર્જુનને મંદબુદ્ધિ, દુરાત્મા કહે છે. ગાંડીવ શ્રીકૃષ્ણને સોંપી દેવાનું કહે છે, એટલું જ નહીં, ‘હે દુરાત્મા રાજકુમાર, કુન્તીને જ્યારે પાંચમો મહિનો જતો હતો ત્યારે જ તારો વિનાશ કેમ ન થયો? તું જન્મ્યો જ શા માટે?’ યુધિષ્ઠિર આવું બોલે તે કોઈ પણ સંજોગોમાં મોટા ભાગના વાચકો ચલાવી ન જ લે. હવે અર્જુને પણ પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ ગાંડીવ બીજાને સોંપી દેવાની વાત કરશે તેનો હું વધ કરીશ. એટલે તે યુધિષ્ઠિરને મારવા જાય છે, કૃષ્ણ વચ્ચે પડીને સમજાવે છે. સત્ય અસત્યની સંકુલતા સમજાવે છે, બે કથાનાં દૃષ્ટાંત આપે છે. આટલા બધા વિનાશ પછી શું કરવાનું? અશ્વત્થામા તો પાંડવો સાથે સંધિ કરી લેવાની સલાહ દુર્યોધનને આપે છે. પણ દુર્યોધન એ સલાહ માનતા નથી. ધૃતરાષ્ટ્રનું ચરિત્ર અતિ સંકુલ ભૂમિકાએ આલેખાયું છે, તે ભલે બોલ્યા કરે કે મારે મન પાંડવો અને કૌરવો સરખા છે પણ વાસ્તવમાં એવું નથી. જ્યારે સંજય તેમને કર્ણ, કૌરવોના મૃત્યુના સમાચાર આપે છે ત્યારે તેમનો પ્રતિભાવ કેવો છે? ‘હું તારા મોઢે પાંડવોના વિજયના સમાચાર સાંભળું એ કેટલા મોટા દુઃખની વાત છે.’ (શલ્ય પર્વ, અ.૨,૩) દુર્યોધન પણ કબૂલે છે કે અમે અધર્મથી દ્યૂત જીત્યા હતા. શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું, દ્રૌપદી ભરસભામાં કકળી હતી, અમે પાંડવોના પણ અપરાધ કર્યા છે, દુ:શાસને એકવસ્ત્રા, રજસ્વલા દ્રૌપદી પર કેટલો બધો જુલમ કર્યો હતો? મેં પણ દ્રૌપદીને દુઃખ આપ્યું હતું....યુધિષ્ઠિરના દાસ બનીને હું જીવું કેવી રીતે? સ્વર્ગમાં અનેક અપ્સરાઓ મારી સામે જુએ એ કેટલું અદ્ભુત — આ વાત દુર્યોધન સંકેતાત્મક રીતે કહે છે! મહાભારતયુદ્ધના અઢારમા દિવસે દુર્યોધનનો વધ ભીમસેને કર્યો. ગદાયુદ્ધના નિયમોથી વિરુદ્ધ જઈને ભીમસેને દુર્યોધનને ભોંયભેગો કર્યો અને દુર્યોધનની એ વીરવાણી પર આકાશમાંથી પુષ્પવર્ષા થઈ. એવું જોવા મળ્યું છે કે અન્યાયી માણસોના સો અપરાધ બધા માફ કરી દે છે પણ સત્યનિષ્ઠ માનવીઓનો એક અપરાધ માફ થઈ શકતો નથી. કૌરવોએ જિંદગીભર પાંડવો સાથે અમાનવીય વર્તાવ કર્યો, ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કર્યો, સંસ્કૃતિના ઇતિહાસમાં દ્રૌપદીનું જે રીતે અપમાન થયું તે રીતે કદી કોઈ સ્ત્રીનું અપમાન થયું ન હતું અને છતાં આ બધા અપરાધ કરનારાઓ જીતતા જ રહ્યા, ભીષ્મ, દ્રોણ વગેરે એ જોતા જ રહ્યા, દ્યૂતસભામાં એક પણ સ્ત્રીએ દ્રૌપદીનો બચાવ ન કર્યો. આ ભયાનક વાસ્તવની કથા પણ ભગવાન વ્યાસે આપણી આગળ રજૂ કરી છે. ધૃતરાષ્ટ્ર રાજાએ ઘણી ભૂલો વારેવારે કરી હતી. ભીષ્મ, દ્રોણ, વિદુરે તેમને વારેવારે ચેતવ્યા હતા, સંજય જેવા સંજયે પણ ધૃતરાષ્ટ્રને સંભળાવવામાં કશું બાકી રાખ્યું ન હતું, અને આ બધું છતાં યુધિષ્ઠિરે તેમને ભારોભાર માન આપ્યું. ધૃતરાષ્ટ્રને પુત્રવિયોગનું કશું દુઃખ ન થાય એ રીતે વર્તવાની બધાંને સૂચના પણ આપી હતી. ત્યાં સ્ત્રીઓમાં કુન્તા, દ્રૌપદી, સુભદ્રા, ઉલૂપી, ચિત્રાંગદા, જરાસંધપુત્રી: આ બધાં ગાંધારીની સેવાચાકરી કરતાં હતાં. ધૃતરાષ્ટ્રને ભીમસેન માટે ભારે ક્રોધ હતો. તેણે કૌરવોનો ભારે સંહાર કર્યો હતો અને એટલે જ તેમના ક્રોધમાંથી ભીમને બચાવવા ભીમની લોખંડી મૂતિર્ કૃષ્ણે તૈયાર કરાવી રાખી હતી. ધૃતરાષ્ટ્રે ક્રોધે ભરાઈને તેને કચડી નાખી હતી. ભીમ સિવાયના બધા યુધિષ્ઠિરની વાત માનીને ધૃતરાષ્ટ્રનું માન સાચવતા હતા. પરંતુ ભીમની દર્પપૂર્ણ વાણી ધૃતરાષ્ટ્ર-ગાંધારી જિરવી ન શક્યાં, તેમણે વનમાં જવાની ઇચ્છા પ્રગટ કરી અને વ્યાસની સમજાવટથી છેવટે યુધિષ્ઠિર તૈયાર પણ થયા. ધૃતરાષ્ટ્રે તેમને રાજધર્મનો બોધ આપ્યો. છેવટે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુન્તા વનના દાવાનળમાં ભસ્મ થઈ ગયાં. હજુ યુદ્ધનાં પડઘમ શમતાં નથી. જાણે કાળભગવાન બલિ લેવા માટે ઘૂમતા જ રહે છે, એમાં યાદવકુમારોને ઋષિમુનિઓએ આપેલો શાપ નિમિત્ત બન્યો. ધીમે ધીમે બધું વિદાય લે છે. સુદર્શન ચક્ર, રથ, મહાધ્વજાઓ અદૃશ્ય થયાં, અને બધાં યાદવો મદ્યપાન કરવા લાગ્યા. મહાભારત યુદ્ધને યાદ કરીને સાત્યકિ અને કૃતવર્માએ ઝઘડો આરંભ્યો. અને મૂસલની રજમાંથી ઊગેલા ઘાસ વડે બધા એકબીજાનો વધ કરવા લાગ્યા.

અને અર્જુન યાદવ સ્ત્રીઓનું રક્ષણ પણ કરી ન શક્યા. દિવ્ય અસ્ત્રોની વિસ્મૃતિ થઈ ગઈ. લોકસાહિત્યમાં કહેવાયું

સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન
કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ.

પ્રશ્ન થાય કે વ્યાસ ભગવાને મહાભારતને સુખાન્ત કેમ ન કર્યંુ? આમ જોવા જઈએ તો રામાયણ-મહાભારત બંને દુઃખાન્ત અને મહાભારતનો અન્ત જોઈને તો નર્યો વૈરાગ્ય આવી જાય! બીજી રીતે જોઈએ તો નારાયણ વિના નરનું કયું સામર્થ્ય! કૃષ્ણ હતા ત્યાં સુધી જ વિજય, પછી તો બધું જ ભુલાઈ ગયું! અર્જુન આ બધી ઘટનાઓની જાણ વ્યાસ મુનિને કરે છે અને વ્યાસ તેને મહાપ્રસ્થાન માટે તૈયાર કરે છે.

મહાભારતના અંતિમ પર્વ છે: મહાપ્રસ્થાન અને સ્વર્ગારોહણ. ઉમાશંકર જોશીએ ‘મહાપ્રસ્થાન’ નામનું કાવ્ય રચીને સમર્થ સંદર્ભ રચી આપ્યો છે. મહાભારતના અંતે એક પછી એક પાંડવ ધરતી પર પડતા જાય છે, છેવટે યુધિષ્ઠિર અને કૂતરો બે બાકી રહે છે. માનવીની એકલતા અહીં કળાત્મક રીતે મૂર્ત થઈ છે અને તેના સાથી તરીકે અન્ય કોઈ માનવી નહીં પણ પશુ જ છે અને તેને લીધા વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં જવા તૈયાર નથી. યુધિષ્ઠિર જેવાને પણ એક અથવા બીજા નિમિત્તે નરકદર્શન તો કરવું જ પડ્યું, ભલે તે થોડા સમય માટે કેમ ન હોય! નરક અને સ્વર્ગ અન્યોન્ય પૂરક છે. આપણે જ્યારે સમગ્ર મહાભારતમાંથી પસાર થઈ છીએ ત્યારે આપણી પ્રબળમાં પ્રબળ જિજીવિષા પણ ઓગળી જાય છે અને આપણા ચિત્તમાં નર્યો નિર્વેદ છવાઈ જાય છે. એને કેટલાક ચંતિકો શાંત રસ સાથે સરખાવે છે. રામાયણ અને મહાભારતની વસ્તુસંકલનામાં ઘણો ભેદ પ્રવર્તે છે. રામકથા સીધેસાદી રીતે સડસડાટ ચાલ્યા કરે છે, એમાં આવતી આડકથાઓ કથારસથી ભરપૂર છે. બધી કથાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રામમહિમા કરે છે. પરંતુ મહાભારતની સંકલના જુદી છે. કવિઓને કથામાં માત્ર રસ નથી. કથારસની સમાંતરે ઇતિહાસ, સંસ્કૃતિ, નીતિ, તત્ત્વજ્ઞાન, સમાજવિદ્યા જેવાં ક્ષેત્રોમાં સહજ પ્રવેશ કરી શકે છે. એનો અર્થ એ થયો કે વ્યાસ અને બીજા કવિઓ પૂર્વકાલીન અને સમકાલીન જગતનો પૂરેપૂરો ચિતાર આપવા માગતા હતા. કવિઓ અનેક વિદ્યાઓમાં પારંગત હતા. આ જ્ઞાન તેમણે સમકાલીન જગતનું પ્રત્યક્ષ અવલોકન કરીને સંપાદિત કર્યું હતું, ક્યાંય પરોક્ષતા વરતાતી નથી. મહાભારતમાં આડકથાઓ પાર વિનાની છે. એ કથાઓમાંથી કેટલીક પંચતંત્ર, હિતોપદેશની કથાઓને ખૂબ જ મળતી આવે છે. મનુષ્યના મનનો તાગ કેટલી હદે જઈને કાઢી શકાય તે અહીં જોઈ શકાય છે. આ તાગ વિવિધ વ્યક્તિત્વોના આલેખન પરથી પ્રાપ્ત થયો છે.