ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ત્રિત અને તેના ભાઈઓની કથા


ત્રિત અને તેના ભાઈઓની કથા

પ્રાચીન કાળમાં ત્રણ સગા ભાઈ હતા, ત્રણે ઋષિ હતા. તેમનાં નામ હતાં એકત, દ્વિત અને ત્રિત. ત્રણે સૂર્ય જેવા તેજસ્વી. તપ વડે બ્રહ્મલોકને જીતનારા હતા. તેમના યમનિયમ, તપ, ઇન્દ્રિયનિગ્રહથી તેમના ધર્મપરાયણ પિતા ગૌતમ ખૂબ જ રાજી રહેતા હતા. અને એમ પ્રસન્ન રહેતા ગૌતમ ઘણા સમયે પોતાના પુણ્યફળથી બ્રહ્મલોક જતા રહ્યા. તેમના યજમાન રાજા ગૌતમના ત્રણે પુત્રોનો એવો જ આદર કરતા હતા. તે ત્રણેમાં વિદ્યા અને કર્મથી ત્રિત શ્રેષ્ઠ હતા. તે પોતાના પિતા ગૌતમ જેવા હતા. એક દિવસ એકત અને દ્વિત યજ્ઞ અને ધન વિશે વિચારતા હતા. તેમને થયું કે ત્રિતને સાથે રાખીને યજમાનોના યજ્ઞ કરીએ અને દાનમાં પશુઓ મેળવીએ. યજ્ઞ કરીએ અને સોમરસ પીએ. ત્રણે ભાઈઓએ એવો વિચાર કરીને એમ જ કર્યું. પશુઓની ઇચ્છાથી યજમાનો પાસે જઈને યજ્ઞ કરાવી ઘણાં પશુ મેળવ્યાં. પછી પશુઓને લઈને પૂર્વ દિશામાં ચાલી નીકળ્યા. તે વેળા પ્રસન્ન ત્રિત આગળ ચાલતા હતા અને બંને ભાઈઓ પશુઓને હંકારતા પાછળ ચાલતા હતા. ગાયો ઘણી બધી હતી એટલે બંને ભાઈઓને વિચાર આવ્યો કે આપણે એવું કંઈક કરીએ જેથી આ બધી ગાયો આપણને જ મળે અને ત્રિતને ન મળે. તે તો યજ્ઞકાર્યમાં નિપુણ છે એટલે તેને તો ઘણી ગાયો મળતી રહેશે. આપણે આ ગાયોને લઈને ચાલતા થઈએ, ત્રિત છૂટો પડીને જ્યાં જવું હશે ત્યાં જશે.

ત્રિત રાતે એ બંને ભાઈઓની સાથે સાથે ચાલતો હતો. રસ્તામાં એક વરુ મળ્યું અને સરસ્વતીના કાંઠે જ એક મોટો કૂવો હતો, ત્રિત પોતાની સામે વરુ જોઈને બી જઈને ભાગ્યા. ભાગતા ભાગતા બધાંને માટે ભયાનક અને ઊંડા કૂવામાં જઈને પડ્યા. કૂવામાં પડતી વખતે મોટેથી ચીસ પાડી, અને બંને ભાઈઓએ સાંભળી. તેમને ખ્યાલ આવી ગયો કે ત્રિત કૂવામાં પડી ગયો છે. પણ બંને ભાઈને એક બાજુ વરુનો ડર અને બીજી બાજુ ગાયોનો લોભ, એટલે બંને ત્રિતને એકલો મૂકીને ચાલ્યા ગયા. આમ બંનેએ ગાયોના લોભે ત્રિતને ધૂળ, માટીથી ભરેલા નિર્જળ કૂવામાં જ પડી રહેવા દીધો. ત્રિત પાણી વિનાના, ધૂળ માટી અને વેલાથી છવાયેલા કૂવામાં પડીને પોતાને નરકવાસી પાપી માનવા લાગ્યા. પછી મૃત્યુથી ડરી ગયેલા અને સોમપાન વિનાના ત્રિત વિચારવા લાગ્યા કે આ કૂવામાં પડી રહીને હું સોમપાન કરીશ કેવી રીતે? આમ વિચારતા હતા ત્યાં લટકતી એક વેલ તેમણે જોઈ. ત્રિતે એવા હવડ કૂવામાં પાણીની કલ્પના કરી અને સંકલ્પ કરીને અગ્નિની સ્થાપના કરી. પોતાની જાતને હોતા માની લીધી. અને પછી સંકલ્પ કરીને મનમાં ને મનમાં જ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની ઋચાઓ બોલવા લાગ્યા. એ ધૂળના રજકણોમાં પથ્થરની કલ્પના કરીને વેલમાંથી સોમરસ કાઢ્યો. પાણીમાં ઘીનો સંકલ્પ કરીને દેવતાઓના ભાગ પાડ્યા અને સોમરસ કાઢી તેની આહુતિ આપી. મોટેથી વેદમંત્રો ભણવા લાગ્યા. તે યજ્ઞ પૂરો થયો અને વેદપઠનનો શબ્દ આકાશ સુધી પ્રસરી ગયો, તે યજ્ઞ ચાલુ હતો ત્યારે મહાયજ્ઞ સાંભળી દેવતાઓ હચમચ્યા, પણ કોઈને કશી ખબર ન પડી. એ વેદમંત્રોનો ભયાનક અવાજ સાંભળીને દેવતાઓના પુરોહિત બૃહસ્પતિએ કહ્યું, ‘જેણે આ યજ્ઞ કર્યો છે ત્યાં ચાલો આપણે બધા જઈએ, જો આપણે નહીં જઈએ તો તપસ્વી ક્રોધે ભરાઈને બીજા દેવોનું નિર્માણ કરશે.’

બૃહસ્પતિની વાત સાંભળીને બધા દેવતાઓ ત્રિતના યજ્ઞસ્થળે પહોંચ્યા. ત્યાં જઈને ત્રિત ઋષિ જે કૂવામાં પડ્યા હતા તે કૂવો જોયો, યજ્ઞકાર્ય કરી રહેલા ઋષિને પણ જોયા. તેઓ કૂવામાં અત્યંત તેજસ્વી દેખાય છે એ જોઈને બધા દેવતાઓએ કહ્યું, ‘અમે પોતપોતાનો ભાગ લેવા અહીં આવ્યા છીએ.’

‘જુઓ, હું આ ભયાનક કૂવામાં પડ્યો છું, મને કશી સુધબુધ નથી.’

પછી ત્રિતે યથાવિધિ મંત્રોચ્ચાર કરીને દેવતાઓએ એમને વરદાન આપ્યું. તેઓ પણ ભાગ મેળવીને પ્રસન્ન થયા. પછી સંતુષ્ટ થયેલા દેવતાઓએ એમને વરદાન આપ્યું.

‘મને આ કૂવામાંથી બહાર કાઢો અને જે મનુષ્ય આ કૂવાને સ્પર્શે તેને સોમપાન કરનારાની સ્થિતિ પ્રાપ્ત થાય.’

તે જ વેળા એ કૂવામાંથી સરસ્વતી નદી નીકળી અને ત્રિત ઉપર આવી ગયા. તેમણે દેવતાઓની પૂજા કરી. ત્રિત પ્રસન્ન થઈ પોતાને ઘેર આવ્યા. બંને ભાઈઓને ત્રિતે કઠોર શાપ આપ્યો. ‘તમે ગાયોના લોભે મને જંગલમાં એકલો મૂકીને ચાલી આવ્યા. એટલે હું તમને શાપ આપું છું કે તમે મોટા મોટા દાંતવાળા વરુ થઈને જગતમાં રખડશો. તમારાં સંતાનો લાંગૂલ, રીંછ અને વાંદરા થશે.’

પછી તરત જ બંને ભાઈ વરુ થઈ ગયા.

(શલ્ય પર્વ, ૩૫)