ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અધમ પ્રદેશોની ગતિવિધિ
(કર્ણ શલ્ય રાજાને કેટલાક અધમ પ્રદેશોની વાતો કહે છે.)
એક દિવસ મહારાજા ધૃતરાષ્ટ્રને ત્યાં કેટલાક બ્રાહ્મણો રોકાયા હતા અને તેમણે જાતજાતની વાતો કહી હતી. એક વૃદ્ધ અને જ્ઞાની બ્રાહ્મણે વાહીક અને મદ્ર દેશની કેટલીક વાતો કહી. જે પ્રદેશ હિમાલય, ગંગા, સરસ્વતી, યમુના, કુરુક્ષેત્રની બહાર છે અને જે સતલજ, બિયાસ, રાવિ, ચિનાબ, જેલમ અને સંધુિ નદીની વચ્ચે છે તે વાહીક તરીકે ઓળખાય છે, તે ધર્મબાહ્ય છે. તેનો ત્યાગ કરવો જોઈએ. ગોવર્ધન નામનો વડ અને સુભદ્ર નામનો ચૌટો રાજભવનના આંગણે છે. બાળપણથી મેં તે જોયા છે. હું એક ગુપ્ત કાર્ય કરવા માટે થોડા દિવસ તે પ્રદેશમાં રહ્યો હતો. ત્યાંના રહીશોના પરિચયને કારણે તેમના આચારવિચારની કેટલીક વાતો મારા જાણવામાં આવી. ત્યાં શાકલ નામનું એક નગર છે અને આપગા નામની નદી છે. જર્તિક નામે ઓળખાતા લોકો એ વિસ્તારમાં રહે છે. તેમનું ચારિત્ર્ય ઘૃણાસ્પદ છે. તેઓ શેકેલા જવ, અને લસણવાળું ગોમાંસ ખાય છે. અને ગોળનો બનાવેલો દારૂ પીએ છે. તેઓ બધી રીતે ભ્રષ્ટ છે. ત્યાંની સ્ત્રીઓ પુષ્પમાળા પહેરી, શણગાર કરીને, નિર્વસ્ત્ર થઈને નગરમાં અને ઘરઆંગણે ગાય છે, નાચે છે. ગધેડાઓની હોંચી હોંચી સાંભળીને તથા ઊંટના ગાંગરવાનો અવાજ સાંભળીને બહેકી જાય છે અને જાતજાતનાં ગીતો ગાય છે. ઋતુકાળમાં પણ ઘરની ચાર દીવાલોમાં તે રહેતી નથી. તે બધી સ્ત્રીઓ ભારે સ્વચ્છંદી હોય છે. મદોન્મત્ત બનીને એક બીજી સાથે હસીમજાક કરતી ફરે છે. ‘અરે હું તો મરી જ ગઈ, ઘાયલ થઈ ગઈ.’ એમ બોલી બોલીને નાચે છે. તહેવારોના દિવસોમાં તો તે અસંસ્કારી સ્ત્રીઓ સાનભાન ગુમાવીને બોલ્યા કરે છે. ત્યાં એક વાહીકવાસી આ દુષ્ટ સ્ત્રીઓનો સંબંધી હતો. તે વારે વારે ગણગણ્યા કરતો હતો, ‘અરે તે ઊંચી, ગોરી, આછી સાડી પહેરેલી મારી પ્રિયા મને યાદ કર્યા કરતી હશે, પથારીમાં પાસાં ઘસતી હશે. હું ક્યારે સતલજ અને રાવિ પાર કરીને મારા દેશમાં જઈશ, ક્યારે શંખના ચૂડા પહેરેલી સુંદરીઓને જોઈશ. જેમનાં નેત્રોની આસપાસ શૃંગાર કર્યો હોય, લલાટે કશી પિયળ કાઢી હોય, તેમને ક્યારે મળીશ. તે સ્ત્રીઓ કંબલ અને મૃગચર્મ પહેરે છે. ઊજળી પ્રિયદર્શના સુંદરીઓ, મૃદંગ, ઢોલ, શંખ વગેરે વાદ્યો સાથે નૃત્ય કરે છે. અમે ક્યારે ઉન્મત્ત બનીને ગધેડા, ઊંટ, ખચ્ચરો પર બેસીને શમી, પીલુ વગેરે વૃક્ષોવાળા વનમાંથી સુખે પ્રવાસ કરી શકીશું. પછી રસ્તે નિરાંતે પેટપૂજા કરીને સામે ભેટી જતા પ્રવાસીઓનાં કપડાં પડાવીને અમે ક્યારે તેમને મારીશું.
અસંસ્કારી લોકો આવા હોય છે. કયો શાણો પુરુષ બે ઘડી પણ તેમની સાથે બેસી શકે? આ લોકોના આચારવિચાર સાવ હલકા છે.
આ પ્રદેશમાં એક રાક્ષસી રહે છે. તે કૃષ્ણ પક્ષની ચૌદશે શાકલ નગરમાં રાતે દુંદુભિનાદ કરતી ગાય છે.
હું સુંદર વસ્ત્રો અને અલંકારોથી સજ્જ થઈને ગોમાંસ ખાઈને, ગોળનો દારૂ પીને, ઘણાં ઘેટાંબકરાં ખાઈને ઊજળી, ઊંચી સ્ત્રીઓની સાથે ગીતો ક્યારે ગાઈશ. જેઓ ભૂંડ, મરઘાં, ગાય, ગધેડા, ઊંટ, ઘેટાનું માંસ ખાતા નથી તેમનો જનમ એળે ગયો.
જે શાકલવાસીઓ, જે આબાલવૃદ્ધ, સ્ત્રીપુરુષો ઉન્મત્ત થઈને આવાં ગીત ગાતાં હોય તેઓ ધર્મ કેવી રીતે પાળી શકે?
એક બીજા બ્રાહ્મણે આરટ્ટ નામના પ્રદેશની વાત કરી. ત્યાં કોઈએ જવું ન જોઈએ. ત્યાં ધર્મકર્મ નથી. તેમના દ્રવ્યને દેવો, બ્રાહ્મણો, પિતૃઓ સ્વીકારતા નથી. આ પ્રદેશમાં લોકો કૂતરાઓની જોડે જ ખાય છે, તેઓ ઘેટી, ઊંટડી, ગધેડીનું દૂધ પીએ છે, એ જ દૂધનાં દહીં, ઘી આરોગે છે. આવા લોકોને તો દૂરથી જ નમસ્કાર.
(કર્ણ પર્વ, ૩૦)