ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મુચકુન્દ અને કુબેર


મુચકુન્દ અને કુબેર

મુચકુન્દ રાજાએ જ્યારે આખી પૃથ્વી જીતી લીધા પછી પોતાના બળની કસોટી કરવા અલકાનગરીના કુબેર પર આક્રમણ કર્યું. એ જોઈને કુબેરે રાક્ષસોને મુચકુન્દની સેનાઓનો વિનાશ કરવાની આજ્ઞા આપી; તેઓએ આજ્ઞાનું પાલન કર્યું. પોતાની સેનાનો વિનાશ થતો જોઈ પોતાના વિદ્વાન પુરોહિત વસિષ્ઠની નિંદા કરવા માંડી. આ સાંભળીને વસિષ્ઠે ઉગ્ર તપસ્યા કરીને રાક્ષસોનો વિનાશ કર્યો અને એ રીતે મુચકુન્દની વિજયયાત્રાનો માર્ગ મોકળો થયો.

કુબેર પોતાની સેનાનો નાશ જોઈને મુચકુન્દ પાસે જઈને કહેવા લાગ્યા, ‘ભૂતકાળમાં અનેક રાજા પોતાના પુરોહિતોના પ્રભાવ અને બળને કારણે તમારાથી પણ વધુ બળવાન પુરવાર થયા હતા, પણ તમે જે પ્રકારે આચરણ કર્યું તેવું કોઈએ કર્યું ન હતું. તે રાજાઓ અસ્ત્રવિદ્યાના ખાસ્સા જાણકાર હતા, બળવાન હતા અને છતાં મારી પાસે આવીને મને સુખદુઃખનાં સ્વામી માનીને મારી પૂજા કરતા હતા. તમારામાં બાહુબળ હોય તો તે દેખાડો. બ્રાહ્મણના બળ વડે અભિમાની થઈને નીતિમાર્ગ કેમ બાજુ પર રાખો છો?’

પછી મુચકુન્દે કુબેરને કહ્યું: ‘બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રજાપતિ દ્વારા સર્જાયા છે, એમનું બળ પરસ્પર ભિન્ન હોઈ જગતનું પાલન કરી શકે છે. બ્રાહ્મણો તપસ્યા અને મન્ત્રમાં કુશળ છે, ક્ષત્રિયો અસ્ત્ર અને બાહુબળમાં કુશળ છે. આ બંનેએ ભેગા મળીને પ્રજાપાલન કરવું જોઈએ. આ જ નીતિનું પાલન કરીને હું પ્રવૃત્ત થઉ છું. પછી મારી નિન્દા શા માટે?’

પછી કુબેરે પુરોહિતસહિત મુચકુન્દને કહ્યું, ‘જુઓ રાજન્, તમે જાણી લો કે હું ઈશ્વરની આજ્ઞા વિના કોઈને રાજ્ય આપતો નથી, અને ઈશ્વરની આજ્ઞા વિના કોઈનું રાજ્ય પડાવી લેતો નથી. તો પણ મેં તમને રાજ્ય આપ્યું છે તેના પર તમે શાસન કરો.’

મુચકુંદે કહ્યું, ‘હું તમે આપેલું રાજ્ય ભોગવવા માગતો નથી. મારા બાહુબળ વડે જેટલું રાજ્ય મેળવ્યું છે તે જ ભોગવીશ.’

મુચકુંદે નિર્ભય બનીને ક્ષાત્રધર્મ નિભાવ્યો તે જોઈને કુબેરને આશ્ચર્ય થયું. પછી મુચકુંદ ક્ષાત્રધર્મ પાળીને પોતાના બાહુબળથી મેળવેલી પૃથ્વી પર રાજ કરવા લાગ્યા.


(શાન્તિપર્વ, ૭૫)