ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કાલક મુનિની કથા
કોસલ રાજ્ય પર જ્યારે ક્ષેમદર્શી રાજા શાસન કરતા હતા ત્યારે કાલકવૃક્ષી મુનિ ત્યાં આવ્યા. તેમની પાસે એક પિંજરું હતું અને તેમાં એક કાગડો હતો. મુનિ રાજ્યની ગતિવિધિ જાણવા માગતા હતા એટલે કાગડાને લઈને રાજ્યભરની યાત્રા કરી. તેઓ અવારનવાર કહેતા હતા, ‘તમે બધા આ કાકવાણી શીખી લો. મને આ પક્ષી ત્રણે કાળની કથા કહે છે.’
આમ તેઓ કહેતા રહ્યા, ઘણા બધાની સાથે રાજ્યનો પ્રવાસ કર્યો. રાજ્યના અધિકારીઓના વર્તન વિશે પૂછ્યું, પછી બધા અધિકારીઓ રાજ્યલક્ષ્મીની જે ઉચાપત કરતા હતા તે બધી વાતો જાણી. ‘હું સર્વજ્ઞ છું’ એમ બોલતાં બોલતાં ઉત્તમ વ્રતધારી મુનિ કાગડાને લઈને રાજાને મળવા આવ્યા. કાગડાના કહેવા પ્રમાણે મુનિએ રાજમંત્રીને કહ્યું, ‘તમે અમુક સ્થળે રાજાની આટલી લક્ષ્મી પચાવી પાડી છે. જે રાજ્યની તિજોરીને તમે લૂંટી રહ્યા છો તે કેટલાક લોકો જાણે છે, આ કાગડાએ મને આવું કહ્યું. તમે તમારો અપરાધ કબૂલી લો.’
અને આ રીતે રાજ્યલક્ષ્મી ચોરનારા બીજા અધિકારીઓને પણ કહ્યું, ‘આ બધું મને કાગડાના કહેવાથી જણાયું છે. આ કાગડો કદી જૂઠું બોલ્યો નથી.’
આમ જ્યારે મુનિ બધા અધિકારીઓની ચોરી પકડીને રાતે નિદ્રાધીન થયા ત્યારે બધા રાજ્યાધિકારીઓએ મુનિની અવગણના કરીને કાગડાને બાણ વડે મારી નાખ્યો.
સવારે મુનિએ જ્યારે કાગડાને મરેલો જોયો ત્યારે રાજાને કહ્યું, ‘રાજન્, તમે પ્રજાના પ્રાણ છો, ધનના સ્વામી છો. હું તમારી પાસે અભયદાન માગું છું. તમારી જ આજ્ઞાથી મેં તમારી પાસે આવીને હિતકારક વચન કહ્યાં હતાં. તમે મારા મિત્ર છો, તમારા હિતની ચિંતા કરીને હું હૃદયમાં ભક્તિભાવ રાખું છું. મારા મિત્રના મૃત્યુથી હું બહુ દુઃખી છું. તેણે તો રાજાના હિતાર્થે બધી વાત કરી હતી અને તો પણ તેનો વધ થયો. જે કોઈ મિત્રને ઉપદેશ આપવા આવ્યો હોય, મિત્રના હિત માટે ક્રોધે ભરાઈને પણ હિત સાધતો હોય તો નિત્ય ઐશ્વર્ય અને ઉન્નતિની ઇચ્છા કરનારે એવાનાં વચનો માટે ક્ષમા કરવી જોઈએ. પણ અસાવધાન થઈને બીજાના મિત્રનો નાશ કરવો ન જોઈએ.’
રાજાએ મુનિની વાત સાંભળી કહ્યું, ‘હું મારા હિતની ઇચ્છા કર્યા જ કરું છું. એટલે મારા હિત માટે જે કંઈ કહેશો તે હું કેમ નહીં સાંભળું? તમે જે કંઈ કરવા માગતા હો તે કરો. હું તમારી સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે તમે જે કહેશો તે હું કરીશ.’
‘મહારાજ, હું તમારા સેવકોના દોષ-અદોષ, આચાર-દુરાચાર, જાણીને તમને કહેવા આવ્યો હતો. એ તમને ભયજનક બનવાના હતા — તે કહેવા પણ હું નમ્રભાવે આવ્યો હતો. જૂના જમાનાના નીતિશાસ્ત્રીઓએ રાજસેવકોના દોષોનું વર્ણન કર્યું છે. જેઓ રાજસેવા કરે છે તેમની ગતિ પાપી લોકો જેવી હોય છે. રાજાની સાથે આસક્ત થનારા એટલે વિષધારી સાપની સાથે આસક્ત થનારા. કારણ કે રાજાની આસપાસ ઘણા મિત્રો અને ઘણા દુશ્મનો હોય છે, રાજસેવકોને એ બધાનો ભય હોય છે, રાજાનો ભય પણ તેમને હોય છે. રાજાના નિકટવર્તી સેવકો એકે વાર પ્રમાદ ન કરે એવું પણ ન બને. એટલે રાજાની નિકટ રહીને ઐશ્વર્ય ઇચ્છનારાઓએ કદી પ્રમાદ કરવો નહીં: કારણ કે સેવકના પ્રમાદથી રાજાને ક્લેશ થાય છે, મર્યાદાભ્રષ્ટ થઈ જાય છે, જીવન શંકાશીલ બને છે. સળગતી આગ પાસે સાવધાન થઈને જનારાની જેમ રાજાની નિકટ રહેનારાઓએ હમેશા સાવધાન રહેવું જોઈએ.
એટલે જીવનની આશા ત્યજી દઈને રાજાની સેવા કરવી જોઈએ. રાજાની આગળ કુવચન કહેવાં, દુઃખી રહેવું, ખરાબ જગાએ બેસવું, અસભ્યતાથી બેસવું, દુષ્ટતા આદરવી આ બધાથી સાવધાન રહેવું.
મયના કહેવા પ્રમાણે રાજા પ્રસન્ન થાય તો દેવતાની જેમ તમારું કાર્ય કરે અને ખિજાય તો અગ્નિની જેમ બધું ભસ્મ કરી દે. આ વાત પૂરેપૂરી સાચી. છતાં હું તમારી સમૃદ્ધિમાં વૃદ્ધિ કરીશ. મારા જેવા અમાત્ય આપદ્કાળમાં બુદ્ધિની સહાય પૂરી પાડે છે, મારો આ કાગડો તમારો હિતેચ્છુ હતો, પણ તેને મારી નાખવામાં આવ્યો. હું પણ તમારું એવું જ કાર્ય કરી શકું છું, પણ તમારા સેવકો મને આ કાગડાની જેમ મારી નાખે તો? હું તમારી કે તમારા પ્રિય સેવકોની નિંદા નથી કરતો. તમે તમારું હિત-અહિત વિચારજો, બીજા પર વિશ્વાસ ન મૂકતા. તમારા કોશમાંથી ચોરી કરનારા પ્રજાનું કલ્યાણ ઇચ્છતા નથી. તે બધા સેવકોનો મારી સાથેનો વ્યવહાર શત્રુતાભર્યો છે જે તમારો વિનાશ કરીને રાજગાદી મેળવવા માગે છે તેનું કાર્ય તમારા સેવકોની સાંઠગાંઠથી સફળ થશે એટલે તમે સાવધાન રહેજો.
હું તેમનાથી ગભરાઈને બીજા આશ્રમમાં જઈશ. તેમણે તો મને મારી નાખવા બાણ માર્યું હતું પણ તેનાથી મારો કાગડો મરી ગયો છો. એ દુષ્ટ લોકોએ જ મારા કાગડાને યમલોક મોકલ્યો છે. હું મારા તપના પ્રભાવથી તેને જોઈ રહ્યો છું. અનેક મગર, મત્સ્ય, ઘડિયાળ, તિમિંગલથી ભરપુર આ રાજનીતિ રૂપી નદીમાં હું કાગડા વડે આગળ જઈ રહ્યો હતો. સ્થાણુ, પથ્થર, કાંટાવાળા તથા વાઘ-સિંહ-હાથીથી ભરપૂર વનરૂપી રાજ્યમાં અધિકારીઓને કારણે રહેવું મુશ્કેલ છે. દીવા વડે અંધારા કિલ્લાને અને નૌકા વડે જલદુર્ગને વટાવી જઈ શકાય પણ રાજાના દુર્ગની પાર જવાનો ઉપાય તો પંડિતો પાસે પણ નથી. તમારા રાજમાં અંધાર છે, તે અગમ છે, જો તમે પોતે એમાં વિશ્વાસ નથી મૂકી શકતા તો હું કેવી રીતે વિશ્વાસ મૂકું? આ રાજ્યમાં પાપપુણ્ય એકસમાન છે, પછી અહીં રહેવામાં કલ્યાણ નથી. અહીં સત્કાર્ય કે દુષ્કાર્ય કરનાર — બંનેનો નાશ થશે એમાં શંકા નથી. ખરાબ કાર્ય કરનારનો વધ કરવો ન્યાય ગણાય, પણ સત્કાર્ય કરનારનો વધ કેવી રીતે થાય? એટલે અહીં કાયમી નિવાસ ન કરી શકાય, જે પંડિતો છે તે તો અહીંથી જલદી ભાગી જાય છે.
જેમાં નૌકા ડૂબી જાય છે તેવી નદીની જેમ તમારી રાજનીતિ સર્વઘાતક જાળ જેવી છે. તમે મધમિશ્રિત અને વિષપૂર્ણ ભોજન જેવા છો, તમારા અભિપ્રાય મિથ્યા છે, તમારામાં સદ્ તત્ત્વ જ નથી. એટલે તમે મને તો ઝેરીલા સાપથી ભરેલા કૂવા જેવા લાગો છો....કૂતરા, ગીધ અને શિયાળથી વીંટળાયેલા રાજહંસ જેવા જણાઓ છો. તૃણ-લતાઓના ગુચ્છ મહાવૃક્ષના આશરે ઉપર ચઢી તેને ઢાંકી દે છે. પ્રચંડ દાવાનળથી બધાની સાથે તે વૃક્ષ પણ ભસ્મ થઈ જાય છે તેવી જ રીતે તમે પણ સેવકો સાથે નાશ પામશો. એટલે એવા સેવકોની શોધ ચલાવો. તમે જ એવા લોકોને મંત્રી બનાવો છો, પણ તે બધા તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમને ઇષ્ટ લાગતા સર્વનો નાશ કરવા માગે છે. એટલે જ હું રાજાની નિકટ રહેનારા બધા સેવકોને પૂરેપૂરા ઓળખી લેવા આ રાજગૃહમાં શંકાશીલ બનીને રહ્યો છું. શું આ રાજા જિતેન્દ્રિય છે? શું તેમાં રહેનારા રાજાને વશ રહીને વર્તે છે? બધી પ્રજા તેમને ચાહે છે? રાજા પોતાના પ્રજાજનોને ચાહે છે? એ લોકો જ તમને મારી વિરુદ્ધ ચડાવે છે. મેં તેમનું કશું અહિત કર્યું નથી તો પણ તેઓ મારામાં દોષ જુએ છે, એટલે હવે મારે અહીં રહેવું નહીં જોઈએ. પૂંછડી દબાવાથી ક્રોધે ભરાયેલા સાપ જેવા દુષ્ટ લોકોથી ડરીને રહેવું જોઈએ.’
આ સાંભળી રાજાએ કહ્યું, ‘હું બહુ આદર સહિત તમારી વંદના કરું છું. તમે મારે ત્યાં દીર્ઘ કાળ રહો. જેઓ તમને મારે ત્યાં નથી ઇચ્છતા તેમને હું કાઢી મૂકીશ. તેમને કચડી નાખવા જે કંઈ કરવું પડે તે કરીએ. દુષ્કૃત્યો માટે દંડ અને સત્કૃત્યોનો આદર- આ આપણે કેમ કરવું?’
મુનિએ કહ્યું, ‘આ કાગડાના વધનો વિચાર કરો. એની કશી જાણ કર્યા વિના વારાફરતી બધા સેવકોની પદવી છિનવી લો. પછી અપરાધનાં કારણોની વાત વિગતે જાણીને એક એકનો વધ કરવો. એક જ દોષવાળા ઘણા માણસો ભેગા મળીને અત્યંત અણીદાર કાંટાઓને પણ મસળી નાખે છે એટલે આ વાતની જાણ કોઈને થવી ન જોઈએ. અમે બ્રાહ્મણો સ્વભાવે દયાળુ છીએ, એટલે અમારો દંડ પણ કોમળ હોય છે. બીજાઓનું અને તમારું કલ્યાણ ઇચ્છીએ છીએ. હવે મારો પરિચય. મારું નામ કાલકવૃક્ષીય મુનિ. મને સત્યવચની માનીને તમારા પિતા મારું ખાસ સમ્માન કરતા હતા. તમારા પિતાના સ્વર્ગવાસ વખતે તમારા રાજ્યમાં ભારે સંકટ આવ્યું. ત્યારે મેં બધી કામના ત્યજીને તપસ્યા કરી. તમારા પર પ્રેમ હોવાથી અહીં આવ્યો. તમને વારે વારે કહું છું કે તમે ફરી કોઈના બહેકાવવામાં ન આવતા. તમે સુખદુઃખ બંને જોયાં છે. આ રાજ્ય તમને ઈશ્વરકૃપાથી સાંપડ્યું છે, તો પછી સેવકો પર રાજ્યનો ભાર નાખીને તમે પ્રમાદી કેમ થયા છો?’
કાલક મુનિએ એ રીતે કૌશલ્યના રાજ્યને ઉત્તમ બનાવ્યું.
(શાંતિ પર્વ, ૮૩)