ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/કૃપાચાર્યના જન્મની કથા


કૃપાચાર્યના જન્મની કથા

મહર્ષિ ગૌતમને શરદ્વાન નામનો પુત્ર હતો. તેમનો જન્મ શરૈ (બાણ)માંથી થયો હતો. વેદાધ્યયનમાં તેમની બુદ્ધિ ચાલતી ન હતી. પણ ધનુર્વેદમાં તેમની બુદ્ધિ બહુ ચાલતી હતી. બ્રહ્મવાદીઓ જેવી રીતે તપ વડે વેદનું જ્ઞાન મેળવે તેવી રીતે તેમણે તપ વડે જ બધાં અસ્ત્રો મેળવ્યાં હતાં. ગૌતમે ધનુર્વેદમાં વિપુલ જ્ઞાન અને તપથી દેવરાજને પણ સંતપ્ત કર્યા હતા. સુરેશ્વરે (ઇન્દ્રે) જાલપદી નામની દેવકન્યાને ‘તેમની તપસ્યામાં વિઘ્ન ઊભું કર’ કહીને ઋષિ પાસે મોકલી. બાલા શરદ્વાનના રમણીય આશ્રમમાં જઈને ધનુષ્યબાણ ધારી તે ગૌતમને લોભાવવા લાગી. વનમાં તે લોકમાં અનુપમ, એકવસ્ત્રા અપ્સરાને જોઈને ગૌતમનાં નેત્ર પ્રફુલ્લ થયાં. તેને જોઈને ઋષિના હાથમાંથી ધનુષબાણ ધરતી પર પડી ગયાં. અને શરીરમાં રોમાંચ થયા. છતાં તે મહાપ્રાજ્ઞ ઉત્તમ તપ અને જ્ઞાનમાં દૃઢ રહેવાને કારણે પરમ ધૈર્ય ધારણ કરી રહ્યા. પરંતુ સહસા જે વિકાર થયો તેનાથી તેમનું વીર્ય સ્ખલન પામ્યું. તેનો તેમને ખ્યાલ ન રહ્યો. તે મુનિ આશ્રમ અને અપ્સરાને ત્યજીને બીજે જતા રહ્યા. તેમનું વીર્ય ભાથા પર પડ્યું. અને એ રીતે પડવાથી તેના બે ભાગ પડી ગયા. આમ ગૌતમના શરદ્વાનથી એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા. ત્યારે મૃગયા રમવા નીકળેલા રાજા શન્તનુના એક સૈનિકે વનમાં એ બાળકો જોયાં. ત્યાં ધનુષ્યબાણ અને કૃષ્ણાજિન (મૃગચર્મ) જોઈને તેણે અનુમાન કર્યું કે આ કોઈ બ્રાહ્મણનાં સંતાન હશે. ત્યારે તેણે ધનુષ્યબાણ અને બંને બાળકોને લઈને રાજાને દેખાડ્યાં. રાજાએ કૃપા કરીને બંનેને લીધા, ‘આ મારાં જ સંતાન છે.’ એમ કહીને ઘેર લાવ્યા. ગૌતમના પુત્રપુત્રીને સંસ્કારો આપી મોટા કર્યા, ગૌતમ પણ તે આશ્રમમાંથી આવીને ધનુર્વેદમાં રમમાણ રહ્યા. ‘મેં કૃપા કરીને આ બાળકોને બચાવ્યાં છે’ એટલે તેમનાં નામ, કૃપ અને કૃપી રાખ્યાં.

ગૌતમે તપ દ્વારા જાણ્યું કે ત્યાં બે સંતાનો થયાં છે, એટલે આવીને પોતાનું ગોત્ર બતાવ્યું. તેમણે કૃપને ચાર પ્રકારના ધનુર્વેદ, વિવિધ અસ્ત્રો અને અન્ય ગુપ્ત વિદ્યાઓ આપી. થોડા જ સમયમાં તેઓ પરમ આચાર્ય બની ગયા.

(આદિ પર્વ, ૧૨૦)