ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/તપતી-સંવરણની કથા

From Ekatra Wiki
Revision as of 17:04, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તપતી-સંવરણની કથા

જે દેવતાએ પોતાના તેજથી આકાશને છાઈ દીધું છે તે દેવતાને તપતી નામની એક અનુપમ કન્યા જન્મી. આ વિવસ્વાન (સૂર્ય)ની પુત્રી તપવાળી હતી અને ત્રણે લોકમાં તપતી તરીકે પ્રસિદ્ધ થઈ, તે સાવિત્રીની નાની બહેન હતી. તેના જેવી રૂપવાન કોઈ દેવી ન હતી, કોઈ અસુરી ન હતી, કોઈ યક્ષી ન હતી, ન કોઈ રાક્ષસી હતી, ન કોઈ અપ્સરા કે ગંધર્વી ન હતી. તેની આંખો કાળી અને વિશાળ હતી, તેનાં અંગો સપ્રમાણ હતાં, તે અનિંદિતા હતી, શુદ્ધ આચારવાળી, સાધ્વી અને સુવેશા ભામિની હતી, તેના પિતા સવિતા (સૂર્ય)એ માની લીધું કે તેના જેવો રૂપવાન, કુળવાન, વિદ્યાયુક્ત ભર્તાર ત્રણે લોકમાં કોઈ નથી. થોડા સમયમાં તે યુવાવસ્થામાં પ્રવેશી, તેને જોઈને તેનું લગ્ન કોની સાથે કરવું તેની ચિંતા તેના પિતા કરવા લાગ્યા અને એને કારણે તેમને શાંતિ ન મળી. એ દિવસોમાં ઋક્ષપુત્ર કુરુશ્રેષ્ઠ બળવાન રાજા સંવરણ સૂર્યની આરાધના કરતા હતા. નિયમબદ્ધ અને શુદ્ધ મનથી વિવિધ પ્રકારની તપસ્યા, ઉપવાસ, અર્ઘ્ય, માલા અને બીજા ઉપહારો વડે સૂર્યની પૂજા કરતા હતા. તે સેવાભાવી, નિરભિમાની, પવિત્ર ભક્તિમાન રાજા સૂરજ ઊગે એટલે નિત્ય પૂજા કરતા હતા. સૂર્યે પ્રખ્યાત વંશમાં જન્મેલા નૃપોત્તમ સંવરણને પોતાની કન્યા આપવાની ઇચ્છા થઈ. જેવી રીતે દીપ્ત અંશુ (કિરણ) વડે સૂર્ય આકાશને અજવાળે છે તેવી રીતે મહીપાલ સંવરણે પોતાના તેજથી પૃથ્વીને તેજસ્વી કરી હતી. જેવી રીતે સૂર્ય ઊગે ત્યારે બ્રાહ્મણો તેની પૂજા કરે છે તેવી રીતે બ્રાહ્મણો અને બીજા લોકો સંવરણની પૂજા કરતા હતા. તે રાજા મિત્રો પર કૃપા કરી સોમ(ચંદ્ર)થી અને શત્રુઓ પર વિજયી થઈને સૂર્યથી ચઢિયાતા થયા.

આવા ગુણવાન, શીલવાન, નૃપતિને સૂર્યદેવે તપતી આપવાનો મનોમન નિર્ણય કર્યો. એક સમયે આ યશસ્વી રાજા મૃગયા માટે પર્વતની આસપાસના ઉપવનમાં ફરી રહ્યા હતા. મૃગયા માટે ભટકતા રાજાનો અશ્વ ભૂખતરસથી પર્વત પર મૃત્યુ પામ્યો. એટલે પગે ચાલીને તેઓ પર્વતની આસપાસ ઘૂમતા હતા ત્યારે દીર્ઘ નેત્રોવાળી અનુપમ કન્યા જોઈ. શત્રુઓને હરાવનારા તે નૃપતિશાર્દૂલ એકાંતમાં તે કન્યાને જોઈ જ રહ્યા. તેની સુંદરતા જોઈને રાજાએ માન્યું કે આ લક્ષ્મી હશે, ફરી વિચાર્યું કે રવિની પ્રભા ભ્રષ્ટ થઈને પૃથ્વી પર અવતરી હશે. આ કાળી આંખોવાળી કન્યા જે પર્વત પર ઊભી છે તે વૃક્ષ, લતા વગેરેવાળો પર્વત હિરણ્મય (સુવર્ણમય) દેખાવા લાગ્યો. તેને જોઈને રાજાએ મનોમન બધાં પ્રાણીઓના શરીરને તુચ્છ માન્યા, પોતાને આંખો છે તેનું આ ફળ મળ્યું એમ માન્યું. તેમણે વિચાર્યું કે જન્મ પછી જે કંઈ જોયું હતું તેમાંથી એક પણ તે કન્યા જેવું રૂપવાન ન હતું. તેની ગુણજાળમાં રાજાનાં મન અને ચક્ષુ ફસાઈ ગયાં અને ત્યાંથી બીજે જઈ ન શક્યા, કશું સમજી ન શક્યા. વિધાત્રીએ ખરેખર સુર, અસુર, મનુષ્ય વગેરેનું મંથન કરીને આ વિશાલાક્ષીના રૂપનું નિર્માણ કર્યું હશે. રાજા સંવરણે આ કન્યા રૂપ, દ્રવ્યની સંપદામાં સંસારમાં અનુપમ છે એમ માન્યંુ, તે કલ્યાણીને જોઈને કલ્યાણકારી રાજાને કામદેવનું બાણ વાગ્યું અને મનમાં ચિંતા કરવા લાગ્યા. તે રાજા તીવ્ર મન્મથાગ્નિ (કામાગ્નિ)થી પીડાઈને તે અત્યંત સુંદર અને યશસ્વિની કન્યાને કહેવા લાગ્યા, ‘હે કેળ જેવી સાથળોવાળી, તું કોણ છે? કોની પુત્રી છે? અહીં શા માટે ઊભી છે? હે શુચિસ્મિતા, આ નિર્જન અરણ્યમાં એકલી શા માટે વિહરે છે? તું સર્વાંગસુંદર છે, સર્વ અલંકારોથી આભૂષિત છે, આ બધાં અલંકારોને યોગ્ય રીતે સુશોભિત કરનારી તું પોતે અલંકારો જેવી છે. તું દેવકન્યા નથી. તું અસુરકન્યા નથી, યક્ષકન્યા નથી, રાક્ષસકન્યા નથી, ગંધર્વકન્યા નથી, મનુષ્ય નથી, નાગકન્યા નથી. હે માનિની, મેં જેટલી વરાંગનાઓ (સુંદરીઓ) જોઈ છે, જેમના વિશે સાંભળ્યું છે તેમાંથી કોઈ પણ તારા જેવી નથી.’

આ પ્રમાણે મહીપાલે નિર્જન અરણ્યમાં તેને કહ્યું પણ તે કામાતુર રાજાને તેણે કશો ઉત્તર આપ્યો નહીં.

રાજાએ પૂછ્યા કર્યું છતાં તે દીર્ઘ નેત્રવાળી કન્યાએ કશો ઉત્તર આપ્યો નહીં અને જેવી રીતે વાદળોમાં વીજળી સંતાઈ જાય તેમ ત્યાં સંતાઈ ગઈ. નૃપતિ કમળપત્ર જેવી આંખોવાળી તે કન્યાને શોધવા ઉન્મત્તની જેમ તે વનમાં ચારે બાજુ ભમવા લાગ્યા. તે દેખાઈ નહીં એટલે વિવિધ વિલાપ કરતા તે કૌરવશ્રેષ્ઠ થોડા સમય માટે નિશ્ચેષ્ટ થઈ ગયા. તે કન્યા અદૃશ્ય થઈ ગઈ એટલે કામમોહિત થયેલા અને શત્રુઓને હરાવનારા રાજા ધરણી પર ઢળી પડ્યા. રાજા ભૂમિ પર પડ્યા એટલે ચારુહાસિની અને પુષ્ટ નિતંબોવાળી તે કન્યા રાજાને ફરી દેખાઈ. કામમોહિત અને કુરુકુળને સમૃદ્ધ કરનારા રાજાને તે કલ્યાણી મધુર વાણીથી કહેવા લાગી.

‘હે શત્રુજિત, નૃપતિ શાર્દૂલ, ઊઠો ઊઠો, તમારું કલ્યાણ થાય, તમારે મોહ પામવો ન જોઈએ.’

આવી મધુર વાણી સાંભળીને રાજાએ તે પુષ્ટ નિતંબોવાળી કન્યાને પોતાની સામે જ જોઈ. મન્મથના અગ્નિથી દાઝેલા તે રાજા કાળી આંખોવાળીને તૂટક તૂટક વાણીમાં કહેવા લાગ્યા, ‘હે કાળી આંખોવાળી માનિની, હું કામાતુર બનીને તારું ધ્યાન ધરી રહ્યો છું, તું સાધુભાવે મારું સેવન કર, મારા પ્રાણ જઈ રહ્યા છે. હે કમલગર્ભવાળી કાંતિવાળી, વિશાલાક્ષી, કામદેવ તારા માટે જ મને બાણ મારી રહ્યો છે, અને તે શાંત થતો નથી. હે ભદ્રે, કામ રૂપી મોટો સર્પ મને ડસી રહ્યો છે, હે શુભાનના (સુંદર મુખવાળી), પુષ્ટ નિતંબોવાળી, તેનાથી મારું રક્ષણ કર. કિન્નરોના ગીત જેવું બોલનારી, સુંદર અનિન્દિતા, પદ્મ અને ઇન્દુ (ચંદ્ર) જેવા મુખવાળી મારા પ્રાણ હવે તને અધીન છે. હે ભીરુ, હું તારા વિના જીવી નહીં શકું. હે વિશાલાક્ષી અંગના, મારા પર કૃપા કર. હે કાળી આંખોવાળી, હું તારો ભક્ત છું, મારો ત્યાગ કરવો યોગ્ય નથી. હે ભામિની, પ્રીતિયોગથી તું મારું રક્ષણ કરી શકે છે. હે ભીરુ સુંદરી, ગાંધર્વ વિવાહ વડે તું મારી સાથે જોડાઈ જા. હે કેળ જેવી સાથળોવાળી, કહેવાય છે કે બધા વિવાહોમાં ગાંધર્વવિવાહ ચડિયાતો છે.’

તપતીએ ઉત્તર આપ્યો, ‘હે રાજન્, હું મારી સ્વામિની નથી, મારા પિતા છે. મારા પર પ્રીતિ હોય તો મારા પિતાને યાચો. હે નરેશ્વર, જેવી રીતે મેં તમારું હૃદય જીતી લીધું છે તેવી રીતે દર્શનમાત્રથી તમે મારા પ્રાણ પણ હરી લીધા છે. સ્ત્રીઓ સ્વતન્ત્ર નથી એટલે મારા દેહ પર મારો અધિકાર નથી. હું તમારી સમીપ આવી શકતી નથી. જેમની કુલીનતા બધા લોકમાં પ્રસિદ્ધ છે, તે ભક્તવત્સલ રાજાને કઈ કન્યા ભર્તા તરીકે ન ઇચ્છે? એટલે તમે યોગ્ય કાળે મારા પિતા આદિત્ય(સૂર્ય)ને પ્રણામ કરીને, તેમની નિયમપૂર્વકની આરાધના કરીને મારું માગું કરજો. હે અરિનાશી (શત્રુનાશી) રાજન્, જો મારા પિતા સંમતિ આપશે તો હું સતત તમારી વશવર્તિની બની રહીશ. હે ક્ષત્રિયવર, મારું નામ તપતી છે, આ લોકના પ્રદીપક સૂર્યની પુત્રી છું, સાવિત્રીની નાની બહેન છું.’

આ પ્રકારે બોલીને તે અનિન્દિતા કન્યા તરત જ ઉપર જતી રહી. તે રાજા ફરી ભૂમિ પર ઢળી પડ્યા. રાજાના અમાત્યે અને તેમના અનુયાયીઓએ તૂટેલા શક્રધ્વજ (ઇન્દ્રધ્વજ)ની જેમ તે મહાવનમાં ધરતી પર પડેલા રાજાને જોયા. તે મહા ધનુર્ધારી ભૂપાલને અશ્વ વિના ભૂમિ પર પડેલા જોઈને તેમના અમાત્ય અગ્નિની આંચ લાગી હોય તેમ પ્રદીપ્ત થઈ ગયા. મૂઢ થઈ ગયેલા તે અમાત્યે ઉતાવળે કામમોહિત થયેલા રાજાને પ્રેમથી પાસે જઈને ઉઠાવ્યા. જેવી રીતે પિતા પોતાના પુત્રને ઉઠાવે છે તેવી રીતે પ્રજ્ઞા, વય, કીર્તિ, દમમાં વૃદ્ધ એવા અમાત્યે ભૂમિ પરથી રાજાને ઊંચકી લીધા. અમાત્ય તેમને ઊંચકીને ચિંતામુક્ત બન્યા. તેમને કલ્યાણકારી, મધુર વાણીમાં કહેવા લાગ્યા, ‘હે અનઘ, મનુજશાર્દૂલ, તમારું કલ્યાણ થાય, ભયભીત ન થશો.’ જે શત્રુઓને રણમેદાનમાં પરાજિત કરે છે, તે રાજા ભૂખતરસ, થાકથી ભૂમિ પર પડ્યા છે એમ માન્યું. પુંડરીક (કમળ)ની સુવાસવાળા શીતળ જળથી રાજાના મસ્તકે અભિષેક કર્યો, મુકુટ પણ ધોયો. ભાનમાં આવ્યા પછી બળવાન રાજાએ અમાત્ય સિવાયના બધાને દૂર કર્યા. રાજાની આજ્ઞાથી સેના વિદાય થઈ એટલે તે રાજા ફરી તે પર્વત પર બેઠા. તે રાજા પવિત્ર થઈને સૂર્યની આરાધના કરવા બે હાથ જોડીને ઊંચા કરીને ઊભા રહ્યા. તે શત્રુનાશક રાજા મનમાં ઋષિશ્રેષ્ઠ પુરોહિત વસિષ્ઠનું સ્મરણ કરવા લાગ્યા. આમ જનાધિપ રાજા એકાગ્ર ચિત્તે રાતદિવસ ઊભા રહ્યા, બારમા દિવસે વસિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા. દિવ્ય વિધિ દ્વારા નૃપતિનું મન તપતીએ હરી લીધું છે એવું મહાન ઋષિએ જાણ્યું. આત્માને જીતનારા અને શ્રેષ્ઠ રાજવીને તેનું કાર્ય પૂરું કરવાની ઇચ્છાથી ધીરજ બંધાવી. ત્યાર પછી ભાસ્કર (સૂર્ય) જેવા તેજસ્વી વસિષ્ઠ ઋષિ સૂર્યને મળવા રાજાના દેખતાં જ ઊંચે ચઢી ગયા. તે બ્રાહ્મણ બે હાથ જોડીને સહાંશ (સૂર્ય) પાસે ગયા, પે્રમથી પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું વસિષ્ઠ.’ મહા તેજસ્વી વિવસ્વાને મુનિને કહ્યું. ‘હે મહર્ષિ, તમારું સ્વાગત. તમારી શી ઇચ્છા પૂરી કરું?’

વસિષ્ઠે જણાવ્યું, ‘હે વિભાવસુ (સૂર્ય), સાવિત્રીની નાની બહેન તપતીનું માગું રાજા સંવરણ માટે લઈને આવ્યો છું. હે આકાશગામી, તે રાજા કીર્તિવાન ધર્મતત્ત્વના જાણકાર છે, ઉદાર બુદ્ધિવાળા છે, તમારી પુત્રીને વરવા યોગ્ય છે. ઋષિની એવી વાત સાંભળીને રાજાને પોતાની કન્યા આપવાનો નિર્ણય કરીને આદરપૂર્વક દિવાકરે (સૂર્ય) તે વિપ્રને કહ્યું, ‘હે મુનિ, રાજાઓમાં સંવરણ શ્રેષ્ઠ છે, તપતી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે, તો એમને કન્યા આપવા સિવાય બીજો સારો વિચાર કયો?’

એટલે સૂર્યે પોતે જ મહાત્મા વસિષ્ઠને પોતાની અનવદ્ય સુંદર કન્યા તપતી સંવરણ માટે આપી અને મહર્ષિએ તે કન્યાનો સ્વીકાર કર્યો, ત્યાર પછી વસિષ્ઠ સૂર્યની વિદાય લઈને જ્યાં વિખ્યાત કીર્તિમાન રાજા સંવરણ હતા ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં કામાતુર રાજા તપતીમાં જ મન પરોવીને બેઠા હતા. ચારુહાસિની તપતીને વસિષ્ઠની સાથે આવતી જોઈ અતિ પ્રસન્ન થયા. રાજાએ બાર રાત્રિઓ વીતાવ્યા પછી વિશુદ્ધાત્મા ભગવાન ઋષિ વસિષ્ઠ ત્યાં આવ્યા હતા. આમ સંવરણ રાજાએ તપ વડે કિરણોના સ્વામીની ઉપાસના કરી વસિષ્ઠ ઋષિના તેજથી તપતીને ભાર્યા રૂપે પ્રાપ્ત કરી. ત્યાર પછી ગંધર્વો અને દેવતાઓને પ્રિય એવા તે ગિરિશ્રેષ્ઠ પર જ તપતી સાથે વિધિપૂર્વક લગ્ન કર્યું. વસિષ્ઠની આજ્ઞાથી તે પર્વત પર રાજર્ષિએ પત્ની સાથે વિહરવાની ઇચ્છા કરી. અમાત્યને નગર, દેશ, વાહન, સૈન્યની રક્ષા કરવાની આજ્ઞા આપી. રાજાની સંમતિ લઈ વસિષ્ઠ પોતાના નિવાસે ગયા. રાજા તે પર્વત પર દેવોની જેમ વિહરવા લાગ્યા. બાર વરસ સુધી કાનનમાં અને જળાશયોમાં ભાર્યા સાથે રાજા ફર્યા. સહાક્ષે (ઇન્દ્રે) તે નગરમાં અને દેશમાં બાર વર્ષ સુધી વર્ષા ન કરી. તે પ્રદેશ ભૂખ્યા અને આનંદરહિત લોકોથી ઊભરાવાને કારણે જાણે પ્રેતોથી ભરેલું યમનંુ નગર ન હોય તેવો લાગ્યો. એવી સ્થિતિ જોઈને ધર્માત્મા વસિષ્ઠ ઋષિ રાજા પાસે ગયા. બાર વર્ષ તપતી સાથે રહેતા રાજાને નગરમાં લઈ આવ્યા.

તે નૃપતિશાર્દૂલે નગરમાં પગ મૂક્યો એટલે શત્રુનાશી ઇન્દ્રે પહેલાંની જેમ તે પ્રદેશમાં પાણી વરસાવ્યું, રાજ્યની ચિંતા રાજા કરતા થયા. એટલે આખું રાષ્ટ્ર પ્રસન્ન થયું, નગર પણ આનંદિત થયું. જેવો યજ્ઞ મરુત્પતિ શક્રે (ઇન્દ્રે) કર્યો હતો તેવો યજ્ઞ પત્ની તપતી સાથે બાર વર્ષ સુધી કર્યો,... રાજા સંવરણે તપતી દ્વારા કુરુ નામના પુત્રને જન્મ આપ્યો.

(આદિ પર્વ, ૧૭૦થી ૧૭૨)