ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ભીમ નાગલોકમાં

From Ekatra Wiki
Revision as of 16:56, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભીમ નાગલોકમાં

ધૃતરાષ્ટ્રના પુત્રોની સાથે પાંડુપુત્રો રમતો રમીને નિત્ય પ્રસન્ન રહેતા હતા. બધા જ પ્રકારની રમતોમાં પાંડુપુત્રો કૌરવોને ઝાંખા પાડી દેતા હતા. અને તેમાંય પાછો ભીમસેન! દોડવામાં, દૂર મૂકેલી વસ્તુ સૌથી પહેલાં જઈને લઈ આવવામાં, ખાણીપીણીમાં, ધૂળ ઉછાળવામાં ભીમસેન ધૃતરાષ્ટ્રના બધા પુત્રોને હંફાવી દેતો હતો. રમત રમતી વખતે ભીમસેન કૌરવોને પકડી પકડીને પોતે સંતાઈ જતો હતો. ક્યારેક તેમનાં માથાં પકડીને પાંડવો સાથે લડાવી મારતો. કૌરવો કંઈ નબળા ન હતા. પણ ભીમસેન ખૂબ જ સહેલાઈથી બધાને હરાવી દેતો હતો. ક્યારેક તેમના વાળ ઝાલીને એકબીજા સાથે તેમનાં માથાં અફાળી દેતો હતો, કૌરવો ગમે તેટલા બૂમબરાડા પાડે તો પણ તેમને જમીન પર ઘસડતો રહેતો તે વખતે કૌરવોના ખભા, ઘૂંટણ, માથાં છોલાઈ જતા હતા.

પાણીમાં રમતી વખતે ભીમસેન પોતાના બંને હાથ વડે દસેક બાળકોને પકડીને પાણીમાં ડૂબકીઓ ખવડાવતો હતો, એ બાળકો જ્યારે અધમૂવા થઈ જાય ત્યારે તે તેમને છોડતો હતો. કૌરવો જ્યારે વૃક્ષો પર ચઢીને ફળ તોડવા બેસતા ત્યારે ભીમસેન લાતો મારીને એ વૃક્ષોને હચમચાવતા; બહુ જોરથી વૃક્ષોને લાતો મારતા હોવાને કારણે વૃક્ષો ડોલવા લાગતાં અને તેના ઉપર ચઢેલા કૌરવો તોડેલાં ફળ સાથે જમીન પર પડી જતા. કુસ્તી હોય કે દોડવાની રમત હોય, વિદ્યા પ્રાપ્ત કરવાની હોય તો પણ તેઓ ભીમસેન સાથેની સ્પર્ધામાં પાછળ જ પડતા હતા. આમ ભીમસેન કૌરવો સાથે સ્પર્ધામાં ઊતરતા ખરા પણ તેમના મનમાં કૌરવો માટે કશો ખાર ન હતો, ભીમસેન જે કંઈ કરે તે બધું બાળબુદ્ધિથી.

હવે ધૃતરાષ્ટ્રના સૌથી મોટા પુત્ર દુર્યોધનને જાણ થઈ કે ભીમસેન ભારે બળિયો છે ત્યારથી તે ભીમસેન માટે ખાર રાખતો થયો. તે તો ક્યારેય ધર્મનું પાલન કરતો નહીં અને પાપીષ્ટ વિચારો જ તેને આવ્યા કરતા હતા. મોહ અને ઐશ્વર્યના લોભે તેના મનને કાળુંમેશ બનાવી દીધું હતું. તેણે મનમાં વિચાર કર્યો, ‘આ મધ્યમ પાંડુપુત્ર ભીમ સૌથી વધુ બળવાન છે, એને કપટ કરીને મારી નાખવો જોઈએ. તે બળવાન છે, પરાક્રમી છે, શૌર્યવાળો છે. તે એકલો જ આપણને પહોંચી વળે એવો છે.

એટલે જ્યારે તે નગરના ઉદ્યાનમાં સૂૂઈ ગયો હોય ત્યારે તેને ઉઠાવી ગંગામાં ફેંકી દઈશું. પછી તેના નાના ભાઈ અર્જુનને અને મોટા ભાઈ યુધિષ્ઠિરને બળજબરીથી કેદ કરી લેવાના અને પછી તો હું એકલો જ આખી પૃથ્વી પર રાજ કરી શકીશ.’

આમ દુર્યોધને ગંગાકિનારે જળવિહાર માટે ગરમ અને સુતરાઉ કાપડનો એક મોટો મંડપ તૈયાર કરાવ્યો. એ મંડપમાં બધા જ પ્રકારની સામગ્રીઓ હતી, ત્યાં ઊંચી ઊંચી ધજાપતાકા લહેરાતી હતી, જુદા જુદા ઓરડાઓ હતા. ત્યાં કિનારા પર પ્રમાણકોટિ નામના સ્થળે આ મોટો મંડપ તૈયાર કર્યો હતો. તે સ્થળનું નામ રાખ્યું ઉદ્કક્રીડન. રસોઈકળામાં નિપુણ એવા માણસોને રોકીને જાતજાતની ખાણીપીણી તૈયાર કરાવી. જ્યારે બધી તૈયારી થઈ ગઈ છે એવા સમાચાર દુર્યોધનને મળ્યા ત્યારે દુર્બુુદ્ધિ દુર્યોધને પાંડવોને કહ્યું,

‘આજે આપણે જાતજાતના ઉદ્યાનવાળા અને વનવાળા ગંગાકિનારે જઈએ, બધા ભાઈઓ જળવિહાર કરીશું.’

યુધિષ્ઠિર તો સીધાસાદા એટલે દુર્યોધનની વાત માની લીધી. પછી કૌરવો અને પાંડવો રથમાં બેસીને, ઉત્તમ હાથીઓ પર સવાર થઈને નગરમાંથી નીકળી ઉદ્યાનવન પાસે જઈ પહોંચ્યા. તે ઉદ્યાનમાં રાજાઓને મંત્રણા કરવા, બેસવા માટે સગવડો હતી. શ્વેત રંગના છજા હતાં, જાળીઓ હતી, જલવર્ષક યંત્રો હતાં. કારીગરોએ ઉદ્યાન અને ક્રીડાભવન સ્વચ્છ કરી નાખ્યું હતું. ભીંતે ચિત્રો હતાં. પાણીથી ભરેલાં વાવતળાવ હતાં. ખીલેલાં કમળ વડે ત્યાંનાં પાણી ખૂબ જ સુંદર શોભતાં હતાં. ઋતુ પ્રમાણેનાં ફૂલ ખીલ્યાં હતાં. ત્યાં પહોંચીને કૌરવપાંડવ પોતપોતાની જગ્યાએ બેઠા અને જાતભાતની ચીજવસ્તુઓ માણવા લાગ્યા, એકબીજાને ખવડાવવા લાગ્યા. તે વેળા દુષ્ટ દુર્યોધને ભીમસેનને મારી નાખવાની ઇચ્છાથી તેના ભોજનમાં કાલકૂટ ઝેર મેળવ્યું. તે પાપીનું હૃદય તો છરાની ધાર જેવું હતું પણ વાતો એવી કરે જાણે મોંમાંથી અમૃત ઝરતું ન હોય! સગાભાઈ કે મિત્રની જેમ ભીમસેનને જાતજાતની ખાણીપીણી ખવડાવતો હતો. ભીમસેનને તો કશી ખબર જ નહી. જેટલું ખવડાવ્યું તેટલું બધું ખાઈ ગયો. આ જોઈને દુષ્ટ દુર્યોધન તો જે હરખાયો, જે હરખાયો... ભોજન પૂરું થયા પછી પાંડવો અને કૌરવો આનંદમાં આવીને જળક્રીડા કરવા લાગ્યા.

જળક્રીડા પૂરી થઈ એટલે સાંજે થાકી ગયેલા બધા કુમારોએ શુદ્ધ વસ્ત્ર અને અલંકારો પહેરીને ત્યાં જ રાત વીતાવવી એવું નક્કી કર્યું.

બળવાન ભીમસેન પણ બહુ શ્રમને કારણે થાકી ગયા હતા. બીજા કુમારોની સાથે એક જગ્યા શોધીને સૂૂઈ ગયા. તે થાકેલા તો હતા જ અને આખા શરીરે ઝેર ફેલાઈ ગયું હતું. ત્યાં વાતા ઠંડા પવનને કારણે જાણે લાકડાની જેમ તેઓ સૂઈ ગયા. પછી દુર્યોધને તેમને વેલા વડે બાંધ્યા અને ગંગાના ઊંચા કિનારેથી નદીમાં ફંગોળી દીધા. તેઓ બેહોશીમાં જ નાગલોકમાં જઈ પહોંચ્યા. તે વખતે ભીમસેનના શરીર નીચે કેટલા બધા નાગકુમારો કચડાઈ ગયા, ઘણા ઝેરીલા નાગોએ મોટી મોટી દાઢો વડે ભીમસેનને ડંખ માર્યા. આને કારણે દુર્યોધને પીવડાવેલા ઝેરનો પ્રભાવ દૂર થઈ ગયો. વિશાળ છાતી ધરાવતા ભીમસેનની ચામડી લોખંડ જેવી સખત હતી, તેમાં નાગલોકોએ દાંત બેસાડ્યા હોવા છતાં ભીમસેનને તો કશી અસર ન થઈ. હવે ભીમ જાગી ગયા. પોતાનાં બધાં બંધનો તોડી નાખ્યાં અને બધા નાગને પકડી પકડીને ધરતી પર ફંગોળ્યા. કેટલાય નાગ ગભરાઈ જઈને ભાગી ગયા. એ બધાએ નાગરાજ વાસુકિ પાસે જઈને કહ્યું, ‘એક માણસને બાંધીને પાણીમાં ફંગોળી દીધો છે. અમને લાગે છે કે તેણે ઝેર પીધું હશે. તે આવ્યો ત્યારે બેહોશ હતો, પણ અમે દંશ દીધા એટલે હોશમાં આવી ગયો. પછી તો તેણે પોતાનાં બધાં બંધનો તોડી નાંખ્યાં. અને અમને પછાડવા લાગ્યો. તમે આવીને તે કોણ છે તે જુઓ.’

એટલે વાસુકિ તે નાગલોકો સાથે ગયા અને ભીમસેનને જોયા. તે જ વેળા નાગરાજ આર્યકે પણ ભીમસેનને જોયા. તેઓ પૃથાના પિતા શૂરસેનના દાદા થતા હતા. તેમણે પોતાના દૌહિત્રને ગળે લગાવ્યો. યશસ્વી વાસુકિ પણ ભીમસેનને જોઈને આનંદ પામ્યા. ‘બોલો, તેમને માટે શું કરીએ? એમને ધન, સુવર્ણ, રત્નો આપીએ.’

આ સાંભળી આર્યકે કહ્યું, ‘જો તમે પ્રસન્ન થયા હો તો પછી સોનાચાંદીને શું કરવાનાં? આ મહાબલીને તો તમારા કુંડનો રસ પીવડાવો, એનાથી તેને હજાર હાથીઓનું બળ પ્રાપ્ત થશે.’

‘આ બાળકને જેટલો રસ પીવો હોય તેટલો પીવા દો.’

પછી નાગલોકોએ ભીમસેનને શુભેચ્છાઓ આપી, ભીમ એ રસ પીવા લાગ્યા, તેમણે તો આઠેઆઠ કુંડોનો રસ પી લીધો અને દિવ્ય પથારી પર સૂઈ ગયા.

હવે ગંગાકિનારે શું થયું? કૌરવપાંડવ મોજમજા કરીને ભીમસેન વિના જ હસ્તિનાપુર જવા નીકળ્યા. અનેક પ્રકારનાં વાહનોમાં બેસીને તેઓ કહેવા લાગ્યા, ‘ભીમ તો આપણા કરતાં વહેલા જ પહોંચી ગયા લાગે છે.’ દુર્યોધન તો ભીમસેનને ન જોયા એટલે આનંદિત થઈને નગરમાં પેઠો.

યુધિષ્ઠિર તો સાધુપુુરુષ. તેમના પવિત્ર હૃદયમાં દુર્યોધનના પાપી વિચારનો ખ્યાલ આવે જ શાનો? તેઓ તો બીજા બધાને સજ્જન માનતા હતા. પછી તેઓ કુંતી પાસે જઈને તેમણે પૂછ્યું, ‘મા, ભીમસેન આવી ગયો? એ ગયો ક્યાં? અહીં પણ એ દેખાતો નથી. ત્યાં તો અમે એકેએક ખૂણો જોઈ વળ્યા. તો પણ ભીમસેનનો પત્તો ન પડ્યો. અમે માની લીધું કે તે અહીં આવી ગયો હશે. એના માટે અમે બહાવરા બની ગયા છીએ. એ ગયો ક્યાં? તેં ક્યાંક મોકલ્યો છે? મારા મનમાં જાતજાતની શંકાઓ થાય છે. જ્યાં એ સૂઈ ગયો ત્યાં તો કોઈએ એને મારી નાખ્યો તો નથી ને?’

આ સાંભળીને કુંતી તો એકદમ ગભરાઈ ગઈ, ‘મેં એને જોયો જ નથી. અહીં તો એ આવ્યો જ નથી! તું નાના ભાઈઓની મદદથી શોધ ચલાવ.’ કુન્તાનું હૈયું તો ભારે બની ગયું, પછી તેણે વિદુરને બોલાવ્યા અને પૂછયંુ, ‘મારો ભીમસેન દેખાતો નથી, ક્યાં ચાલ્યો ગયો હશે? ઉદ્યાનમાંથી તો બધા ભાઈઓ પાછા આવી ગયા પણ એકલો ભીમ જ હજુ નથી આવ્યો. દુર્યોધનની આંખમાં તો તે કણાની જેમ ખૂંચે છે. તે નિર્દય, દુર્બુદ્ધિ, લોભિયો અને બેશરમ છે. એટલે તે દગાફટકાથી ભીમને મારી પણ નાખે. આ ચિંતા મને ખાઈ રહી છે, મારું હૃદય અશાંત થઈ ગયું છે.’ આ સાંભળી વિદુરે કહ્યું, ‘આવું ન બોલો. બીજા પુત્રોની કાળજી કરો. જો દુર્યોધનને ઠપકો આપીને વધુ પૂછપરછ કરીશું તો તે બીજા પુત્રોને હેરાન કરશે. વ્યાસ ભગવાને તો કહ્યું જ છે ને કે તમારા પુત્રો ચિરંજીવી છે. એ ગમે ત્યાં ગયો હશે, પાછો આવશે જ.’

આમ કહી વિદુર પોતાને ઘેર ગયા, કુન્તા ચિંતાતુર થઈને બાકીના ચાર પુત્રો સાથે ઘરમાં બેસી રહી.

આ બાજુ નાગલોકમાં ભીમસેન આઠમા દિવસે બધો રસ પચાવીને બેઠા થયા. તેમના બળને કોઈ સીમા ન રહી.

બધા નાગ લોકોએ તેમને શાંતિથી ધીરજ બંધાવી, ‘તમે જે રસ પીધો છે એટલે તમારું બળ હજાર હાથી જેટલું થઈ ગયું છે. યુદ્ધમાં તમને કોઈ હરાવી નહીં શકે. હવે તમે દિવ્ય જળથી સ્નાન કરો અને ઘેર જાઓ. તમારા વિના ભાઈઓ દુઃખી દુઃખી થતા હશે.’

એટલે નાહી ધોઈને ભીમસેન પવિત્ર થઈ ગયા. શ્વેત વસ્ત્ર પહેર્યાં, શ્વેત પુષ્પોની માળા પહેરી. પછી નાગભવનમાં તેમના શુભ સમાચાર પહોંચી ગયા. ભીમસેને વિષનાશક સુગંધિત ખીર ખાધી. બધાએ તેમનો આદરસત્કાર કર્યો. પછી એક નાગે ભીમસેનને પાણીંમાંથી બહાર કાઢી ગંગાકિનારે મૂકી દીધા, અને નાગ લોકો ભીમસેનનાં દેખતાં જ અદૃશ્ય થઈ ગયા.

એટલે ભીમ ત્યાંથી માતા પાસે જઈ પહોંચ્યા. કુંતીને અને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા, નાના ભાઈઓને વહાલ કર્યું, બધા ભીમના આગમનથી રાજી રાજી થઈ ગયા. પછી બળવાન ભીમે દુર્યોધનના કપટની બધી વાત કરી, નાગલોકમાં ગયા પછી જે કંઈ બન્યું તે પણ કહી સંભળાવ્યું.

યુધિષ્ઠિરે ભીમને કહ્યું, ‘હવે તું બિલકુલ બોલીશ નહીં. તારી સાથે જે વર્તાવ કર્યો તેની વાત કોઈને કહીશ નહીં.’

દુર્યોધને ભીમસેનના ભોજનમાં ભયાનક ઝેર ભેળવ્યું હતું. ધૃતરાષ્ટ્રના એક પુત્ર યુુયુત્સુએ આ વાત તેમને જણાવી, પણ ભીમસેન એ ઝેર પણ પચાવી ગયા. એ ઝેર ભયાનક હતું તો પણ ભીમસેનને કશું નુકસાન ન થયું. ભીમસેનના પેટમાં વૃક નામનો જે અગ્નિ હતો તેનાથી તે ઝેર પણ પચી ગયું.

(આદિ પર્વ, ૧૧૯)