ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/શકુન્તલા-દુષ્યન્તકથા

From Ekatra Wiki
Revision as of 16:48, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શકુન્તલા-દુષ્યન્તકથા

વૈશંપાયન બોલ્યા, ‘હે ભરતવંશશિરોમણિ, પુરુવંશનો વિસ્તાર કરવાવાળા દુષ્યન્ત નામના એક રાજા થઈ ગયા. તે અતિપરાક્રમી હતા અને ચાર ચાર સમુદ્રોથી ઘેરાયેલી સમગ્ર પૃથ્વીના સ્વામી હતા. રાજા દુષ્યન્ત પૃથ્વીના ચારે ભાગ અને સમુદ્રથી ઘેરાયેલા સમ્પૂૂર્ણ દેશોનું પાલન પણ કરતા હતા. તેમણે કેટલાંય યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. રત્નાકર સમુદ્ર સુધી ફેલાયેલા, ચારે વર્ણના લોકોથી ભરેલા તથા મલેચ્છ દેશોની સીમાઓ સુધીની સમ્પૂૂર્ણ ધરતીનાં શાસન અને સંરક્ષણ શત્રુદમન રાજા દુષ્યન્ત એકલા કરતા હતા. એ રાજાના શાસનમાં કોઈ મનુષ્ય વર્ણસંકર સન્તાનને જન્મ આપતો નહોતો. ધરતી ખેડ્યા વિના, તેમાં વાવ્યા વિના જ અન્ન પેદા કરતી હતી, અને સમગ્ર પૃથ્વી રત્નોની ખાણ હતી. એટલે કોઈ પણ ખેતી કરતું ન હતું અને રત્નોની ખાણો ક્યાં છે તે શોધવાનો કોઈ પ્રયત્ન કરતું ન હતું. તે રાજ્યમાં કોઈ પાપી હતો જ નહીં.

હે નરશ્રેષ્ઠ, બધા લોકો ધર્મમાં શ્રદ્ધા રાખતા હતા અને એનું પાલન કરતા હતા. એટલે ધર્મ અને અર્થ આપોઆપ જ તેમને પ્રાપ્ત થઈ જતા હતા. દુષ્યન્તના રાજ્યમાં ચોરોનો ભય નહતો. ભૂખની તો કોઈ કરતાં કોઈને ચિન્તા હતી જ નહીં. રોગવ્યાધિ પણ ન હતાં. બધા વર્ણનાં લોકો પોતપોતાના ધર્મોનું પાલન કરતાં હતાં. દેવોની પૂજા નિષ્કામભાવે બધાં કરતાં હતાં. રાજા દુષ્યન્તના આશ્રયે સમસ્ત પ્રજા નિર્ભય થઈ ગઈ હતી. અનાજ કસવાળું હતું. પૃથ્વી ઉપર સર્વ પ્રકારનાં રત્નો હતાં અને પશુધન પણ હતું. બ્રાહ્મણો પોતાના વર્ણાશ્રમ પ્રમાણે ધર્મનું પાલન કરતા હતા. તેઓ અસત્ય બોલતા ન હતા, છળકપટ કરતા ન હતા. દુષ્યન્ત પણ નવયુવાન હતા, એમની કાયા વજ્ર સમાન કઠોર હતી અને તેઓ અદ્ભુત પરાક્રમી હતા. તેઓ પોતાના બંને હાથ વડે ઉપવન અને ઉદ્યાનો સમેત મંદરાચલ પર્વતને ઉપાડીને લઈ જવાને સમર્થ હતા. ચારે ચાર પ્રકારના ગદાયુદ્ધમાં તેઓ નિપુણ હતા. સમ્પૂર્ણ અસ્ત્રશસ્ત્રની વિદ્યાઓમાં પારંગત હતા. અશ્વ અને હાથી ઉપર સવારી કરવામાં કુશળ હતા. બળમાં તેઓ ભગવાન વિષ્ણુ સમાન અને તેજમાં ભગવાન સૂર્ય સમાન હતા. તેઓ સમુદ્ર સમાન અક્ષુબ્ધ અને ધરિત્રી સમાન સહિષ્ણુ હતા. રાજ્યમાં સૌ તેમને માન આપતા, તેમના નગરના લોકો અને રાષ્ટ્રના લોકો નિત્ય પ્રસન્ન રહેતા હતા. ધર્મયુક્ત ભાવનાથી સદા પ્રસન્ન રહેવાવાળી પ્રજાનું શાસન કરતા હતા.

જનમેજયે પૂછ્યું, ‘હું પરમ ભરતની ઉત્પત્તિ અને તેના ચરિત્ર વિશે તેમ જ શકુન્તલાની ઉત્પત્તિ પણ યથાર્થ રૂપે સાંભળવા માગું છું. પરાક્રમી દુષ્યન્તે શકુન્તલાની પ્રાપ્તિ કેવી રીતે કરી, હું એ નરવ્યાઘ્ર દુષ્યન્તનું ચરિત્ર સમ્પૂર્ણ રીતે સાંભળવા માગું છું. હે તત્ત્વજ્ઞ અને બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ મુનિ, આ બધું મને કહો.’

વૈશમ્પાયન બોલ્યા, ‘એક કાળે મહાબાહુ રાજા દુષ્યન્ત ઘણા સૈનિકો અને વાહનો લઈને હાથીઘોડાથી ઘેરાઈને એક ગાઢ અરણ્યમાં જવા નીકળ્યા. રાજાની સાથે આ યાત્રામાં ખડ્ગ, શક્તિ, ગદા, મુસળ, પ્રાસ, તોમર હાથમાં લઈને સેંકડો યોદ્ધાઓ જોડાયા હતા. મહારાજા દુષ્યન્તની આ યાત્રા સમયે સૈનિકોના સિંહનાદ, શંખનગારાના અવાજો, રથનાં પૈડાંના ધ્વનિઓ, મોટા મોટા હાથીઓની ચિંઘાડ, ઘોડાઓની હણહણાટી, વિવિધ આયુધ અને જુદા જુદા વેશધારી સૈનિકોના હોંકારા, તાલના અવાજોને કારણે ચારેકોર કોલાહલ મચી ગયો હતો. મહેલનાં સુન્દર શિખરો પર બેઠેલી સ્ત્રીઓ રાજવીને શોભે એવી સમૃદ્ધિ ધરાવતા રાજાને નિહાળી રહી હતી. રાજા યશવર્ધક, ઇન્દ્રસમાન પરાક્રમી અને શત્રુઓનો નાશ કરવાવાળા હતા. શત્રુ રૂપી મત્ત હાથીને રોકનારા સિંહ જેવી શક્તિ તેમનામાં હતી. એ સ્ત્રીઓને તો દુષ્યન્ત વજ્રપાણિ ઇન્દ્ર સમાન લાગ્યા અને અંદરઅંદર તે કહેવા લાગી, ‘જુઓ જુઓ’ આ પુુરુષવ્યાઘ્ર મહારાજ દુષ્યન્ત છે, તેઓ યુદ્ધભૂમિમાં વસુઓ જેવાં પરાક્રમ કરે છે, તેમના હાથે શત્રુઓ નષ્ટ થઈ જાય છે.’

આ પ્રમાણે વાતો કરતી સ્ત્રીઓ પ્રેમપૂર્વક રાજા દુષ્યન્તની સ્તુતિ કરવા લાગી અને તેમના મસ્તક ઉપર પુષ્પવર્ષા કરવા લાગી. ત્યાં ઊભેલા શ્રેષ્ઠ બ્રાહ્મણો તેમની પ્રશંસા કરવા લાગ્યા. આમ વનમાં મૃગયા માટે નગરની બહાર આનન્દપૂર્વક તેઓ નીકળ્યા, તેઓ દેવરાજ ઇન્દ્ર સમાન પરાક્રમી હતા. મદોન્મત્ત હાથી ઉપર બેસીને યાત્રા કરી રહેલા દુષ્યન્તની પાછળ પાછળ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો ગયા અને તેમણે આશીર્વાદ આપ્યા, વિજયી થવાની શુભેચ્છા આપી, તેઓ તેમના અભ્યુદયની ઇચ્છા કરતા રાજાની સામે જોતા રહ્યા. નગર અને જનપદના લોકો બહુ દૂર સુધી તેમની પાછળ પાછળ ગયા અને મહારાજની આજ્ઞાથી પાછા ફર્યા. તેમનો રથ ગરુડ સમાન વેગવાળો હતો...

રાજા એક હિંસક પશુનો પીછો કરતા બીજા વનમાં પ્રવેશ્યા. તે વેળા બળવાન રાજા ભૂખ, તરસ અને થાકથી નંખાઈ ગયા હતા. તે વનના બીજે છેડે એક ખારોપાટ હતો. તે વૃક્ષશૂન્ય ખારોપાટ વટાવીને નૃપતિ બીજા વનમાં પ્રવેશ્યા. તેમાં ઉત્તમ આશ્રમો હતા. અતિ દર્શનીય અને મનને પ્રસન્ન કરનાર એ વન હતું. ત્યાં શીતળ પવન વાતો હતો. વૃક્ષો ફૂલોથી ભરચક હતાં અને વનની સુન્દરતામાં વધારો કરતાં હતાં. ત્યાં સુન્દર ઘાસ ઊગેલું હતું. વન બહુ મોટું હતું અને પક્ષીઓનાં મધુર કૂજન સંભળાતાં હતાં, ક્યાંક કોયલો ટહુકતી હતી તો ક્યાંક ઝિલ્લીરવ સંભળાતો હતો. ચારે બાજુ મોટી મોટી શાખાઓવાળાં વૃક્ષો હતાં અને તેમની નીચે ભમરા ગુંજારવ કરતા હતા. આ રીતે બધે શોભા પ્રસરેલી હતી. ફૂલ, ફળ અને ભમરા વિનાનું એકે વૃક્ષ ન હતું. શોધી શોધીને થાકી જાઓ તોય કાંટાવાળું એકે વૃક્ષ ન હતું. પક્ષીઓનાં કૂજન હતાં, વિવિધ ફૂલો વનની શોભા વધારતાં હતાં. બધી ઋતુઓમાં ફૂલ આપનારાં વૃક્ષ ત્યાં ચારે બાજુ હતાં.

મહા ધનુર્ધારી દુષ્યન્તે તે મનોરમ વનમાં પ્રવેશ કર્યો. તે સમયે ફૂલોથી ભરપૂર ડાળીઓ ધરાવતાં અને પવનને કારણે હાલતાં વૃક્ષો તેમના પર અદ્ભુત પુષ્પવર્ષા કરવા લાગ્યાં. આકાશને આંબતાં વૃક્ષો બહુ મોટાં હતાં. તેમના પર બેઠેલાં પંખીઓનાં મીઠાં કૂજન સંભળાતાં હતાં. ફૂલોથી સમૃદ્ધ અને લતામંડપોથી સુશોભિત હતાં. મનની પ્રસન્નતામાં વૃદ્ધિ કરતા એ સુન્દર સ્થળને જોઈને મહાતેજસ્વી રાજાને ખૂબ જ આનન્દ થયો.

ફૂલોથી ભરચક એ વૃક્ષો એકબીજા સાથે પોતાની ડાળીઓ લંબાવીને જાણે પરસ્પરને આલિંગતાં હતાં. એ ઊચાં વૃક્ષો ઇન્દ્રની ધ્વજા જેવાં જણાતાં હતાં. અને તેમને કારણે વનની શોભા વધુ હતી. સિદ્ધ, ચારણ, ગન્ધર્વ, અપ્સરાઓ પણ એ વનમાં વિહાર કરતાં હતાં. ઉન્મત્ત વાનર અને કિન્નર ત્યાં નિવાસ કરતા હતા. એ વનમાં શીતળ, સુગન્ધી સુખદ મન્દ વાયુ ફૂલોનો પરાગ લઈને જાણે રમણ કરવા વારે વારે વૃક્ષોની નિકટ આવતો હતો. આ વન નદીના પરિસરમાં ફેલાયેલું હતું અને ઊંચી ધજા જેવાં વૃક્ષોથી છવાયેલું હોવાને કારણે અત્યન્ત મનોહર દેખાતું હતું. રાજાએ આમ ઉત્તમ ગુણોવાળા વનને નિરાંતે જોયું. આમ રાજા એ વનને નિહાળી રહ્યા હતા અને ત્યાં એમની દૃષ્ટિ એક સુન્દર આશ્રમ પર પડી. તે અત્યન્ત રમણીય અને મનોરમ હતો. ત્યાં પંખીઓ હર્ષથી કૂજન કરતાં હતાં. વિધવિધ વૃક્ષોથી સભર વનમાં અનેક સ્થળે અગ્નિહોત્ર થતો હતો. રાજાએ મનોમન એ આશ્રમને વન્દન કર્યાં. ત્યાં બહુ ત્યાગી, વાલખિલ્ય અને બીજા મુનિઓ નિવાસ કરતા હતા. અનેક અગ્નિકુંડો એ આશ્રમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. ત્યાં ખરેલાં ફૂલોથી શય્યા બની ગઈ હતી. બહુ ઊંચાં વૃક્ષોને કારણે આશ્રમ સુન્દર લાગતો હતો અને પુણ્યસલિલા માલિની નદી વહેતી હતી. તેનું જળ સુખદ અને મધુર હતું. તેના બંને કિનારા પર આ આશ્રમ પ્રસર્યો હતો. માલિની નદીમાં અનેક જળચર પક્ષી હતાં, ત્યાં વ્યાળ, મૃગ પણ સૌમ્ય ભાવથી રહેતાં હતાં, તે જોઈને રાજાને આનન્દ થયો. દુષ્યન્ત અપ્રતીમ હતા, તે દેવલોક જેવા દેખાતા સુન્દર આશ્રમમાં જઈ પહોંચ્યા. આશ્રમની પાસેથી વહેતી નદી માલિની પર દૃષ્ટિપાત કર્યો. તે સર્વ પ્રાણીઓની જનની જેવી હતી. તેના કિનારા પર ચક્રવાક કિલ્લોલ કરતાં હતાં, નદીના જળમાં જાણે ફીણ હોય તેમ ઘણાંબધાં ફૂલ વહી રહ્યાં હતાં. તેના કિનારે કિન્નરોનો વાસ હતો, વાનર અને રીંછ પણ ત્યાં હતાં. અનેક સુન્દર પુલિન નદીની શોભામાં વૃદ્ધિ કરતાં હતાં. વેદની ઋચાઓના ગાનથી એ પ્રદેશ છવાઈ ગયો હતો. ઉન્મત્ત હાથી, સિંહ અને સાપ કાંઠે વસતાં હતાં. એના જ કિનારા પર કશ્યપ ગોત્રના મહાત્મા કણ્વ ઋષિનો આશ્રમ હતો. ત્યાં મહર્ષિઓના સમુદાયો પણ વસતા હતા. ટાપુઓથી શોભતી અને રમ્ય કિનારાવાળી માલિનીનો આ આશ્રમ ગંગાકાંઠે ભગવાન નરનારાયણના આશ્રમ જેવો લાગતો હતો. મહર્ષિ કણ્વના તેજનું વર્ણન કરી ન શકાય એવું હતું. નરશ્રેષ્ઠ એવા દુષ્યન્તે એ ઉત્તમ ગુણસંપન્ન આશ્રમમાં જઈને કાશ્યપગોત્રી કણ્વ ઋષિના દર્શન કરવાની ઇચ્છાથી ચૈત્રરથવન જેવા એ મહાન વનમાં પ્રવેશ કર્યો.

ત્યાં જઈને રથ, ઘોડા અને હાથી તથા પદાચારી સૈનિકોવાળી ચતુરંગિણી સેનાને રાજાએ તે તપોવનની સીમા આગળ જ અટકાવી દીધી અને કહ્યું, ‘રજોગુણી નહીં એવા કાશ્યપનું દર્શન કરવા આશ્રમમાં જઉં છું, પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ રોકાજો.’ આવી આજ્ઞા આપીને મનુજેશ્વર દુષ્યન્ત ભૂખતરસ ભુલાવીને નન્દનવન જેવા આશ્રમમાં પ્રવેશ્યા અને ત્યાં અત્યન્ત આનન્દ પામ્યા. બધાં રાજચિહ્નો દૂર કરીને પુરોહિતની સાથે આશ્રમમાં ગયા. ત્યાં તપોરાશિ ઋષિ કણ્વનાં દર્શન કરવા માગતા હતા. બીજા બ્રહ્મલોક જેવા એ આશ્રમને તેમણે જોયો. ભમરાઓના ગુંજનથી અને પંખીઓના ગાનથી એ આશ્રમ શોભતો હતો. શ્રેષ્ઠ ઋગ્વેદી બ્રાહ્મણો ક્રમાનુસાર ઋચાગાન કરી રહ્યા હતા. મનુજવ્યાઘ્ર એવા દુષ્યન્તે યજ્ઞગાનની અનેક ઋચાઓનો પાઠ સાંભળ્યો. યજ્ઞવિદ્યા અને એનાં અંગોનું ગાન કરનારા યજુર્વેદી વિદ્વાનો આશ્રમની શોભા વધારતા હતા. વ્રતપાલન કરનારા સામવેદી ઋષિઓ પણ મધુર સ્વરે સામવેદનું ગાન કરી રહ્યા હતા. નિયમપૂર્વક ઉત્તમ વ્રતોનું પાલન કરનારા સામવેદી અને અથર્વવેદી બ્રાહ્મણો સામમન્ત્રોનું ગીત ગાતા અને અથર્વવેદના મન્ત્રોનું ઉચ્ચારણ કરતા હતા. તેનાથી આશ્રમની શોભા વધતી હતી. શ્રેષ્ઠ અથર્વવેદીઓ તથા સામવેદીઓ પદ અને ક્રમ પ્રમાણે પોતપોતાની સંહિતાઓનો પાઠ કરતા હતા...

રાજા પોતાના મન્ત્રીઓને પણ આશ્રમની બહાર મૂકીને અંદર ગયા પણ કઠોર વ્રતનું પાલન કરનારા મહર્ષિને ન જોયા. મહર્ષિ કણ્વને ન જોયા અને આશ્રમને સૂનો નિહાળીને રાજાએ પોકાર કર્યો કે ‘અહીં કોઈ છે કે?’

દુષ્યન્તનો એ પોકાર સાંભળીને લક્ષ્મીના જેવી તાપસવેશધારિણી કન્યા આશ્રમની બહાર નીકળી. એ સુન્દરી રૂપ, યૌવન, શીલ, સદાચારથી સંપન્ન હતી. રાજાનાં નેત્ર પણ પ્રફુલ્લિત હતાં. વિશાળ છાતી, દીર્ઘબાહુ, સિંહ જેવા ખભા તેમના હતા. તે સર્વ લક્ષણોથી ભૂષિત હતા, તે કન્યા રાજાને જોઈને મધુર વાણીમાં તરત જ બોલી, ‘આપનું સ્વાગત છે.’

પછી આસન, પાદ્ય, અને અર્ઘ્ય દ્વારા આદર આપીને તેણે રાજાને પૂછ્યું, ‘રાજન્, કુશળ તો છો ને?’

વિધિપૂર્વક સ્વાગત કરીને સ્મિતવચની તે કન્યા બોલી, ‘કહો, તમારી શી સેવા કરીએ? આશ્રમમાં આવવાનું શું પ્રયોજન? અહીં કઈ કાર્યસિદ્ધિ કરશો? તમે કોણ છો? મહર્ષિના આશ્રમમાં શા કામે આવ્યા છો?’

તેના વિધિવત્ સત્કારને ગ્રહીને રાજાએ અનવદ્ય અંગોવાળી અને મધુરભાષિણી કન્યાને કહ્યું, ‘હે પુષ્કરલોચના, હું રાજા ઇલિલનો પુત્ર દુષ્યન્ત છું. હું સાચું કહું છું. ભદ્રે, હું મહાભાગ મહર્ષિ કણ્વની ઉપાસના માટે આવ્યો છું. ભગવાન ક્યાં ગયા છે?’

શકુન્તલા બોલી, ‘અતિથિ, મારા પિતા ફળ લાવવા બહાર ગયા છે, મુહૂર્ત પ્રતીક્ષા કરો, આવે એટલે એમને મળો.’ રાજાએ જોયું કે મહર્ષિ કણ્વ તો આશ્રમમાં નથી અને આ મને આશ્રમમાં રોકાવા કહે છે. વળી તેમણે જોયું તો એ કન્યા સર્વાંગસુન્દરી, ચારુહાસિની હતી, તેના શરીરના સૌન્દર્યમાં તપ અને સંયમ વડે વિશેષ તેજ પ્રગટ્યું હતું. એ અનુપમ રૂપ અને યુવાનીથી સમ્પન્ન હતી.

રાજાએ પૂછ્યું, ‘સુન્દર કટિપ્રદેશવાળી સુન્દરી, તું કોણ છે? તું કોની પુત્રી છે, તું વનમાં કેવી રીતે? આ રૂપ અને ગુણ તારામાં કેવી રીતે પ્રગટ્યા છે? તેં તો દર્શન માત્રથી મારું મન હરી લીધું છે, હું તારો પરિચય જાણવા માગું છું તો તું મને કહે.’

રાજાએ આમ પૂછ્યું એટલે તે કન્યા હસતાં હસતાં મધુર વાણીમાં બોલી, ‘હે દુષ્યન્ત રાજા, હું તપસ્વી, દ્યુતિમાન, ધર્મજ્ઞ મહાત્મા કણ્વની પુત્રી છું.’

દુષ્યન્ત બોલ્યા, ‘લોકપૂજ્ય એવા કણ્વ તો બ્રહ્મચારી છે, વ્રતધારી છે, સાક્ષાત ધર્મરાજ વિચલિત થાય પણ કણ્વ ઋષિ વિચલિત ન થાય. આવી સ્થિતિમાં તારા જેવી સુન્દર કન્યા તેમની પુત્રી કેવી રીતે? મારા મનમાં સંશય છે તો તું એ દૂર કર.’

શકુન્તલા બોલી, ‘મને જે રીતે આ બધાની જાણ છે, મારો જન્મ કેવી રીતે થયો.’ હું ઋષિ કણ્વની પુત્રી કેવી રીતે છું તે સાંભળો. એક દિવસ કોઈ ઋષિએ મારા જન્મ વિશે મહર્ષિ કણ્વને પૂછ્યું હતું. તે વખતે મુનિએ જે વાત કહી તે તમે સાંભળો. કણ્વ બોલ્યા, ‘પહેલાંની આ વાત છે. મહર્ષિ વિશ્વામિત્ર મોટું તપ કરી રહ્યા હતા, ને એનાથી દેવરાજ ઇન્દ્રને સંતાપ થયો. ઇન્દ્રને ભય લાગ્યો કે તપ વડે વધારે શક્તિશાળી થઈને વિશ્વાંમિત્ર મને સ્થાનભ્રષ્ટ કરી દેશે. એટલે તેમણે મેનકાને કહ્યું, ‘હે મેનકા, અપ્સરાઓમાં જે દિવ્ય ગુણો છે તે તારામાં સૌથી વિશેષ છે, તું મારું કલ્યાણ કર, હું કહું છું તે સાંભળ. આદિત્ય જેવા તેજસ્વી વિશ્વામિત્ર ઋષિ ઘોર તપ કરી રહ્યા છે અને એનાથી મારું મન કાંપી રહ્યું છે. વિશ્વામિત્રનો તપોભંગ કરવાનો ભાર તારે શિર. તે ઉગ્ર તપ કરી રહ્યા છે એટલે તું એવું કર જેથી તારું સ્થાન ભ્રષ્ટ ન થાય. તેમના તપમાં વિઘ્ન નાખ. એ રીતે મારું વિઘ્ન દૂર થાય. રૂપ, યૌવન, માધુર્ય, હાવભાવ, સ્મિતયુક્ત વાણી આ બધાં વડે મુનિનો તપોભંગ કર.’

મેનકા એ સાંભળી બોલી, ‘ભગવાન વિશ્વાંમિત્ર તો મહાન તપસ્વી, તેજસ્વી ઋષિ છે, તમે એમને જાણો છો. જેના તેજ, તપ અને ક્રોધથી તમે પણ જો ઉદ્વિગ્ન થતા હો તો હું કેવી રીતે ભીતિ ન પામું? આ એ જ ઋષિ છે જેમણે વસિષ્ઠ ઋષિને એમના પુત્રોથી સદાને માટે વિખૂટા પાડી દીધા હતા, આ એ જ છે જે ક્ષત્રિય હતા અને બળપૂર્વક બ્રાહ્મણ બની ગયા, પોતાના શૌચસ્નાન માટે પુષ્કળ જળવાળી નદી જેમણે સર્જી હતી. એ નદીને બધા કૌશિકી તરીકે ઓળખે છે. આ એ જ વિશ્વામિત્ર છે જેમની પત્નીના સંકટ સમયે શાપિત મતંગે વ્યાધ રૂપે ભરણપોષણ કર્યું હતું. દુકાળ પૂરો થયા પછી તેમણે આ નદીનું નામ પારા રાખ્યું હતું. હે દેવરાજ, મતંગે કરેલા ઉપકારથી પ્રસન્ન થયેલા વિશ્વામિત્રે પોતે પુરોહિત બનીને યજ્ઞ કર્યો હતો અને તમે પણ એમના ભયથી સોમપાન કરવા ગયા હતા. તેમણે જ કોપ પામીને બીજા લોકનું સર્જન કર્યું. નવાં નક્ષત્રો સર્જ્યાં. આ વિશ્વામિત્રે ગુરુના શાપથી હીન બનેલા ત્રિશંકુને પણ શરણાગતિ આપી હતી.

જેમનાં આવાં અદ્ભુત પરાક્રમ હોય તેમનાથી હું ભય પામું છું. ક્રોધ કરીને તેઓ મને ભસ્મ કરી નાખે તો... તેઓ તો પદાઘાતથી ધરણીને ધુ્રજાવી શકે છે, પોતાના તેજથી બધા લોકને ભસ્મ કરી શકે છે, મેરુ પર્વતને નાનો બનાવી શકે છે, બધી દિશાઓને ઊંધીછત્તી કરી શકે છે. આવા પ્રજ્વલિત અગ્નિ જેવા જિતેન્દ્રિયને મારા જેવી નારી કેવી રીતે સ્પર્શી શકે? અગ્નિ જેવું મુખ છે, સૂર્યચન્દ્ર જેમનાં નેત્ર છે, કાળ જેમની જિહ્વા છે તેવાને હું કેવી રીતે સ્પર્શ કરી શકીશ? યમ, સોમ, મહર્ષિઓ, વિશ્વદેવ, વાલખિલ્ય જેવા પણ જેમના પ્રભાવથી ડરે છે તે ઋષિથી મારા જેવી સ્ત્રી કેમ ભય ન પામે? ‘હે સુરેન્દ્ર, તમારી આજ્ઞાથી મારે જવું તો પડશે પણ મારી રક્ષાનો ઉપાય વિચારો, જેથી સુરક્ષિત રહીને હું તમારું કાર્ય સિદ્ધ કરી આપું. હું જ્યારે ત્યાં ક્રીડામગ્ન થાઉં ત્યારે વાયુદેવ ત્યાં ઉપસ્થિત રહીને મારું વસ્ત્ર ઉડાડે અને તમારી કૃપાથી ત્યાં કામદેવ પણ ઉપસ્થિત રહે. હું જ્યારે ઋષિને લોભાવું ત્યારે ત્યાં સુગંધિત વાયુ વાવો જોઈએ.’

ઇન્દ્રે એને ‘તથાસ્તુ’ કહ્યું અને મેનકા કૌશિક(વિશ્વામિત્ર)ના આશ્રમે ગઈ. ઇન્દ્રે મેનકાના કહેવાથી વાયુદેવને તેની સાથે જવાની આજ્ઞા આપી. તે સમયાનુસાર ત્યાં ગઈ, અને પહોંચીને ભીરુ મેનકાએ તપથી બધાં પાપ બાળી ચૂકેલા વિશ્વામિત્રને તપ કરતા જોયા અને ઋષિનું અભિવાદન કરીને મેનકા પાસે જ ક્રીડા કરવા લાગી, તે જ વેળાએ વાયુએ ચન્દ્ર સમું ઉજ્જ્વળ વસ્ત્ર ઊડાડી મૂક્યું. તે વેળા વાયુને ઠપકો આપતી લજ્જા પામીને વસ્ત્ર માટે દોડી ગઈ. અગ્નિ સમાન તેજસ્વી મહર્ષિ વિશ્વામિત્રની આંખો સામે જ આ અનિન્દિતા સંકોચ પામી અને ભયભીત થઈને વસ્ત્ર લેવા માટે દોડી ગઈ. તેનું રૂપ અવર્ણનીય હતું. વય પણ અદ્ભુત હતી. એ સુંદરીને ઋષિએ વિવૃત્ત અવસ્થામાં નિહાળી. તેના રૂપ અને ગુણ નિહાળીને ઋષિ કામવશ થઈ ગયા, સંસર્ગને કારણે મેનકામાં અનુરાગ પ્રગટ્યો. તેમણે મેનકાને નિકટ આવવા આમન્ત્રણ આપ્યું. અનિંદ્ય મેનકાને તો એ જોઈતું હતું. તે તરત પ્રસન્ન થઈ ગઈ. ત્યાં બંનેએ દીર્ઘ કાળ વિહાર કર્યો, એ દીર્ઘ કાળ એક દિવસ જેવો લાગ્યો. ત્યાં મેનકાએ માલિની નદીને કાંઠે શકુન્તલાને જન્મ આપ્યો. પોતાનું કામ પૂરું થયું એટલે નવજાત શિશુને માલિનીના કિનારે ત્યજીને તે જતી રહી. સિંહ, વાઘથી ભરેલા એ વનમાં આ શિશુને જોઈને શકુન્તોએ તેને પાંખોથી ઢાંકી દીધી, જેથી ગીધ જેવાં પંખી તેને ખાઈ ન જાય.

આવી રીતે શકુન્ત તેની રક્ષા કરતાં હતાં એ વખતે હું નદીકાંઠે ગયો. જોયું તો નિર્જન વનમાં શકુન્તોથી ઘેરાયેલી એક કન્યા હતી. પંખીઓ બોલ્યાં, આ વિશ્વામિત્રની કન્યા તમારે ત્યાં આવી છે. કૌશિકીના કિનારે કામક્રોધને તમારા સખા જીતી ન શક્યા, તમે તો દયાવાન છો, એટલે આનું પાલનપોષણ કરો.’

નિર્જન વનમાં શકુન્તોએ એને ઘેરી હતી એટલે મેં એનું નામ શકુન્તલા પાડ્યું. આમ શકુન્તલા મારી પુત્રી થઈ અને તે પણ મને તેનો પિતા માને છે.’

દુષ્યન્તે આ સાંભળીને કહ્યું, ‘હે કલ્યાણી, તારી વાતથી સ્પષ્ટ થયું કે તું રાજપુત્રી છે, તું મારી ભાર્યા બન. બોલ, તારા માટે શું કરું? સુવર્ણમાળા, સુન્દર વસ્ત્ર, વિવિધ નગરોમાં બનેલા શુભ્ર, સુન્દર, મણિરત્ન, મૃગચર્મ... હમણાં જ તને લાવી આપું. તું મારી ભાર્યા બને તો આખું રાજ તારું. હે ભીરુ સુન્દરી, ગાન્ધર્વવિવાહ દ્વારા મારો સ્વીકાર કર. વિવાહોમાં ગાંધર્વવિવાહ શ્રેષ્ઠ ગણાય છે.’

શકુન્તલાએ કહ્યું, ‘મારા પિતા ફળ લેવા આશ્રમની બહાર ગયા છે. મુહૂર્તભર પ્રતીક્ષા કરો. તેઓ જ મારી સોંપણી તમને કરશે.’

દુષ્યન્તે કહ્યું, ‘તારું શીલ પ્રશંસનીય છે. હું તારા માટે જ રોકાયો છું. મારું મન તારામાં પરોવાયેલું છે. આત્મા જ પોતાનો બન્ધુ છે, આત્મા જ આશ્રય છે, આત્મા ંમિત્ર અને પિતા છે. તું ધર્મપૂર્વક આત્મસર્મપણ કરવા યોગ્ય છે.

(અહીં પછી આઠ પ્રકારના વિવાહની સમજૂતી આપી છે.)

શકુન્તલા બોલી, ‘હે પૌરવશ્રેષ્ઠ, જો આ ધર્મપથ હોય, જો આત્મા પોતે દાન કરવામાં સમર્થ હોય તો મારી એક વાત સાંભળો. હું જે કહું તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરો. મહારાજા દુષ્યન્ત, મારા પુત્રને યુવરાજપદ મળવું જોઈએ. હું આ સત્ય કહું છું. જો આ વાત સ્વીકારો તો જ હું લગ્ન કરું.’

આ વાત સાંભળીને દુષ્યન્તે વગર વિચાર્યે હા પાડી દીધી. ‘હે શુચિસ્મિતા, હું તને મારા નગરમાં લઈ જઈશ. તને સાચું કહું છું, તું રાજભવનમાં રહેવા યોગ્ય છે.’ આમ કહીને દુષ્યન્તે અનિન્દિતાગામિની શકુન્તલા સાથે વિધિવત્ વિવાહ કર્યો અને એની સાથે એકાન્તવાસ ગાળ્યો. ફરી એને વિશ્વાસ અપાવતાં કહ્યું, ‘હે શુચિસ્મિતા, હું તારે માટે ચતુરંગિણી સેના મોકલીશ અને રાજભવનમાં બોલાવીશ.’

...

આમ શકુન્તલાને વચન આપીને નગર તરફ જવા રાજા નીકળ્યા. મનમાં તપસ્વી કણ્વની ચિન્તા થતી હતી. આ સાંભળીને કણ્વ શું કહેશે? આમ ચિન્તાતુર રાજાએ નગરપ્રવેશ કર્યો. દુષ્યન્તે આશ્રમમાંથી વિદાય લીધાને મુહૂર્ત પછી કણ્વ ઋષિ આશ્રમમાં આવ્યા, પણ શકુન્તલા તેમની પાસે ન ગઈ. દિવ્ય જ્ઞાનથી મહાતપસ્વી કણ્વ ઋષિએ એ ઘટના જાણી લીધી અને તે પ્રસન્ન થઈને બોલ્યા, ‘મારી સમ્મતિ વિના તું જેને મળી તેનાથી ધર્મનો કશો ભંગ થયો નથી. કહેવાયું છે કે ક્ષત્રિય માટે ગાન્ધર્વવિવાહ શ્રેષ્ઠ છે, મન્ત્રવિધિ વિના કામયુક્ત પુરુષ જ્યારે નારીને મળે છે ત્યારે તે ગાન્ધર્વ વિવાહ કહેવાય છે. જેને તે પતિ માન્યો છે તે દુષ્યન્ત ધર્માત્મા, મહાત્મા અને પુરુષોત્તમ છે. તારો પુત્ર મહાબળવાન હશે. સાગરકિનારા સુધીની ભૂમિ તે ભોગવશે. એ મહાત્મા ચક્રવર્તીનો રથ શત્રુઓની સામે કદી રોકાશે નહીં.’ પછી કણ્વે આણેલાં ફળ અને બીજો ભાર બાજુ પર મૂકીને શકુન્તલાએ મુનિના પગ ધોયા, અને તે બોલી, ‘મેં પતિરૂપે જે દુષ્યન્તની વરણી કરી છે તેના પર, તેના મન્ત્રીઓ ઉપર કૃપા કરજો.’ કણ્વે કહ્યું, ‘પુત્રી, તારા કારણે હું એના પર પ્રસન્ન છું, જે મનમાં હોય તે વરદાન માગ.’ ત્યારે શકુન્તલાએ દુષ્યન્તને માટે પુરુષોની ધર્મનિષ્ઠા સચવાય ને તેનું રાજ્ય ટકી રહે એવું વરદાન માગ્યું. પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગયેલા દુષ્યન્તની વિદાયના ત્રણ વર્ષે પ્રદીપ્ત અગ્નિ સમા તેજસ્વી, રૂપવાન, ઉદાર અને ગુણવાન પુત્રને જન્મ આપ્યો.

સદાય વૃદ્ધિ પામતા એ બુદ્ધિમાન પુત્રના જાતકર્મના સંસ્કારો એ પુણ્યવંતા ઋષિએ કર્યા. શુક્લ અને તેજસ્વી દાંતવાળો, સિંહ જેવો બલવાન, હાથે ચક્રનાં ચિહ્નો ધરાવતો, મેધાવી, મહાબલી, દેવકુમારસદૃશ એ પુત્ર આશ્રમમાં મોટો થવા લાગ્યો. એ બળવાન બાળક છ વર્ષની વયે તો આશ્રમમાં વાઘ, સિંહ, મહિષ, હાથીને પકડીને આશ્રમનાં વૃક્ષો સાથે બાંધીને તેમના પર આરૂઢ થતો હતો. ત્યારે કણ્વના આશ્રમવાસીઓએ એનું નામ સર્વદમન પાડ્યું. એ બધાનું દમન કરતો હતો. પોતાના પરાક્રમથી એ તેજસ્વી બળવાન બાળક ત્યારથી સર્વદમનના નામે પ્રસિદ્ધ થયો. ત્યારે એ કુમારનું અસાધારણ બળ અને કર્મ જોઈને મુનિએ શકુન્તલાને કહ્યું, ‘હવે આને યુવરાજપદે સ્થાપવાનો સમય આવી ગયો છે.’ કણ્વ ઋષિએ તેનું બળ જોઈને શિષ્યોને બોલાવી કહ્યું, ‘તમે આજે જ શકુન્તલાને તેના પુત્ર સાથે બધાં લક્ષણોથી યુક્ત એવા એના પતિને ત્યાં મૂકી આવો. સ્ત્રીઓએ હંમેશાં પિતા અને ભાઈઓને ત્યાં રહેવું ન જોઈએ. એનાથી કીતિર્, ચરિત્ર, ધર્મને હાનિ પહોંચે છે. એટલે પતિગૃહે લઈ જવામાં જરાય વિલમ્બ ન કરો.’

આ સાંભળીને મહાતેજસ્વી શિષ્યો પુત્ર સાથે શકુન્તલાને આગળ કરીને ચાલ્યા. તેજસ્વી શકુન્તલા પણ અમર દેવ જેવા કમલલોચન પુત્રને લઈને રાજસભામાં કહેવડાવીને પ્રવેશી. રાજાનો યોગ્ય સત્કાર કરીને તેણે કહ્યું, ‘હે રાજન્, આ પુત્રનો યુવરાજ તરીકે અભિષેક કરો. દેવ સમાન આ પુત્રે મારા ઉદરમાંથી જન્મ લીધો છે, તો હે પુરુષોત્તમ, પ્રતિજ્ઞાને અનુસરો, હે મહાભાગ, કણ્વ ઋષિના આશ્રમમાં મારી સાથે સમાગમ કરતી વેળાની પ્રતિજ્ઞા યાદ કરો.’

શકુન્તલાની આ વાત સાંભળીને પોતાના ભૂતકાળનું સ્મરણ છતાં તે બોલ્યો, ‘મને કશું સ્મરણ નથી. હે દુષ્ટ તાપસી, તું કોની સ્ત્રી છે? તારી સાથે ધર્મ, અર્થ, કામ, સમ્બન્ધી કશાની મને સ્મૃતિ નથી. તારે જે કરવું હોય તે કર. જતી રહે, ઊભી રહે...’

આ સાંભળીને મનસ્વિની, સુન્દર શકુન્તલા મલિન થઈ ગઈ અને અચેતન થાંભલાની જેમ જડાઈ ગઈ. અભિમાન અને દુઃખથી તેની આંખો લાલ થઈ ગઈ, હોઠ કાંપવા લાગ્યા. કટાક્ષ અને તિર્યક્ આંખો વડે તે જાણે તેને ભસ્મ કરવા લાગી. ક્રોધે ભરાઈ હોવા છતાં બધો ક્રોધ હૃદયમાં જ ભંડારી દીધો. તપથી ધારણ કરેલા તેજને પણ અંદર સમાવી દીધું. થોડી વાર વિચારીને દુઃખ અને ક્રોધથી બોલી, ‘મહારાજ, બધું જાણવા છતાં કેમ ‘કશું નથી જાણતો’ એવી પ્રાકૃત વાણી ઉચ્ચારો છો? આ વાતનું સાચજૂઠ તમારું હૃદય જાણે છે. એટલે પોતાનાં કર્મોની સાક્ષી આપતા કલ્યાણકારક આત્માની અવગણના ન કરો. જે માનવી હૃદયમાં કંઈક અને બહાર કંઈક બોલે છે તે માનવી પોતાના આત્માની હત્યા કરે છે અને પછી તો તે બધાં પાપ કરે છે. શું તમે એમ માનો છો કે ત્યારે હું એકલી જ હતી? શું તમને જાણ નથી કે આ હૃદયમાં નિત્યપુરાણ મુનિનો વાસ હોય છે. તે બધાં પાપને જાણે છે. એની સામે તમે પાપ કરો છો, લોકો પાપ કરીને એમ માને છે કે કોઈને એની જાણ નથી પણ દેવ અને હૃદયમાં વસતો તે પુરુષ બધું જ જાણે છે, આદિત્ય, ચન્દ્રમા, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, હૃદય, યમ, દિવસ, રાત્રિ, બંને સન્ધ્યા મનુષ્યનાં બધાં કર્મ જાણે છે. સર્વ કર્મોના સાક્ષી એવા ક્ષેત્રજ્ઞ પુરુષ જેના પર પ્રસન્ન હોય છે તેનાં બધાં દુષ્કૃત્યો નષ્ટ કરી દે છે અને જે મનુષ્ય પોતાના આત્માનું અપમાન કરે છે, જે પોતાના આત્માની સાક્ષી નથી માનતો તેનું હિત દેવ લોકો પણ સાધી શકતા નથી. હું જાતે આવી પહોંચી છું એમ માનીને આ પતિવ્રતાનું અપમાન ન કરો. આદરપાત્ર તથા સામેથી આવી પહોંચેલી પોતાની સ્ત્રીનું તમે સમ્માન કરતા નથી. તમે પ્રાકૃતની જેમ આ સભામાં મને તુચ્છ માનો છો. હું નિર્જન સ્થળે બોલતી નથી કે તમે મને ન સાંભળો. હે દુષ્યન્ત, મારી પ્રાર્થના નહીં સાંભળો તો આજે તમારું મસ્તક સો ટુકડામાં ફાટી પડશે. પ્રાચીન વિદ્વાન કવિઓ તો કહે છે કે પતિ સ્વયં ગર્ભ રૂપે પત્નીમાં પ્રવેશીને પુત્ર રૂપે જન્મ લે છે એટલે તો પત્નીને જાયા કહી છે. (અહીં સ્ત્રીની અને જાયાની પ્રશંસા વિગતે કરી છે) રતિ, પ્રીતિ અને ધર્મ બધું ભાર્યાના હાથમાં હોય છે એટલે જ્ઞાનીજને ક્રોધમાં પણ પત્નીને અપ્રિય નહીં કહેવું. સ્ત્રીઓ જ આત્માનું સનાતન, પવિત્ર જન્મક્ષેત્ર છે. ઋષિઓમાં વળી શક્તિ જ ક્યાં છે કે સ્ત્રીઓ વિના પ્રજા સર્જી શકે!

(અહીં પુત્રમાત્રની પ્રશંસા કરી છે)

હે રાજન્, ત્રણ વર્ષે મેં તમારા શોકનાશી પુત્રને જન્મ આપ્યો છે ને તે વેળા આકાશવાણી દ્વારા કહેવાયેલું કે આ પુત્ર સો અશ્વમેધ યજ્ઞ કરશે.

મહારાજ, હું જ્યારે પિતાના આશ્રમમાં કુમારી હતી ત્યારે મૃગયા રમતાં રમતાં મૃગનો પીછો કરતા તમે આવ્યા હતા ને મારી સાથે સમ્બન્ધ બાંધ્યો હતો. અપ્સરાઓમાં શ્રેષ્ઠ ઉવર્શી, પૂર્વચિત્તિ, સહજન્યા, મેનકા, વિશ્વાચી, ઘૃતાચી મનાય છે. બ્રહ્મામાંથી પ્રગટેલી મેનકાએ વિશ્વામિત્ર દ્વારા મને જન્મ આપ્યો. હિમાલયની શિલા પર મને જન્મ આપીને પારકા સન્તાનની જેમ મને ત્યજી દીધી, અને હવે તમે પણ મને ત્યજી દેશો તો હું આશ્રમમાં પાછી જઈશ. પણ તમારા પોતાના આ પુત્રનો ત્યાગ કરવો અયોગ્ય છે.’

દુષ્યન્તે કહ્યું, ‘શકુન્તલા, તેં જન્મ આપેલ આ બાળક મારો પુત્ર છે કે નહીં તેની મને જાણ નથી. તારી વાત પર વિશ્વાસ કોણ કરશે? મોટે ભાગે સ્ત્રીઓ જૂઠું બોલે છે. તારી માતા મેનકા વ્યભિચારિણી, નિર્દય... જેમ કોઈ માળા ત્યજે તેમ તને હિમાલયની કોઈ શિલા પર મૂકી દીધી. ક્ષત્રિય વંશમાં જન્મ્યા હોવા છતાં બ્રાહ્મણત્વ પામવાના લોભી વિશ્વામિત્ર પણ કામપરાયણ હતા. હવે જો અપ્સરાઓમાં શ્રેષ્ઠ મેનકા અને ઋષિશ્રેષ્ઠ વિશ્વાંમિત્ર તારા માતાપિતા હોય તો તેમની સંતાન તું એક પુંશ્ચલી(વેશ્યા)ની જેમ કેમ બોલે છે? શ્રદ્ધા જ ન બેસે એવી વાત કહેતાં તું લજ્જા નથી પામતી? પાછી તું મારી સામે કહે છે? દુષ્ટ તાપસી, તું અહીંથી જતી રહે. દેવોમાં શ્રેષ્ઠ મહર્ષિ ક્યાં, અપ્સરાશ્રેષ્ઠ મેનકા ક્યાં અને તાપસવેશધારિણી કૃપણ એવી તું ક્યાં?

તારો આ પુત્ર બાળક હોવા છતાં અતિકાય છે, અને બળવાન છે, થોડા જ સમયમાં એ શાલવૃક્ષ જેવો થઈ ગયો! તું નિકૃષ્ટ છે, મને તો તું પુંશ્ચલી જેવી લાગે છે, મેનકાએ કામવશ થઈને તને જન્મ આપ્યો છે, તું જે કહે છે તે બધું પરોક્ષ છે, હું તને ઓળખતો નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જા.’

શકુન્તલાએ કહ્યું, ‘રાજન્, સરસવ જેવા બીજાઓના દોષ તો જુઓ છો પણ પોતાના બીલા જેવા દોષ જોતા નથી. મેનકા દેવોની પ્રિય છે, દેવગણ મેનકાનો પ્રેમી છે. એટલે તમારા જનમ કરતાં મારો જનમ ચઢિયાતો છે, મેરુ અને સરસવના જેવો મારો અને તમારો ભેદ છે, તમે ધરતી પર ચાલો છો અને હું આકાશમાં ઊડું છું. હે રાજા, તમે મારો પ્રભાવ જુઓ. હું મહેન્દ્ર, કુબેર, યમ અને વરુણનાં ભવનમાં જઈ શકું છું. એક કહેવત તમને દૃષ્ટાન્ત તરીકે કહું છું, દ્વેષથી કહેતી નથી. ક્ષમા કરજો. કુરૂપ માનવી જ્યાં સુધી દર્પણમાં મોં નથી જોતો ત્યાં સુધી પોતાને બીજાઓ કરતાં સુન્દર માને છે. જ્યારે તે દર્પણમાં પોતાનું વિકૃત મોં જુએ છે ત્યારે તેને કોઈ બીજો જ માનવી દેખાય છે. અતિરૂપસમ્પન્ન કોઈનો અનાદર કરતો નથી, બહુ કડવી વાત કહેનારા નિન્દક અને પરપીડક કહેવાય છે. જેવી રીતે સૂવર બધામાં માત્ર વિષ્ટા જ પસંદ કરે છે તેમ મૂર્ખ જ કોઈના હિતઅહિતવાળાં વાક્યોમાંથી અહિત જ સાંભળે છે. હંસ જેવી રીતે દૂધ ગ્રહણ કરે છે અને પાણી ત્યજી દે છે એવી રીતે જ્ઞાનીજનો હિતઅહિતવાળાંમાંથી માત્ર હિત જ સાંભળે છે. જેવી રીતે બીજાની નિન્દા કરીને સાધુઓ દુઃખી થાય છે અને એવી જ રીતે બીજાની નિન્દા કરીને દુર્જનો સન્તુષ્ટ થાય છે.

(સાધુજનોના વ્યવહારની ચર્ચા અને પાંચ પ્રકારના પુત્રોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે.)

સેંકડો કૂવા બંધાવવા કરતાં એક વાવ બાંધવી શ્રેષ્ઠ છે, સેંકડો વાવ કરતાં એક યજ્ઞ કરવો શ્રેષ્ઠ, સેંકડો યજ્ઞ કરતાં એક પુત્ર શ્રેષ્ઠ અને સેંકડો પુત્ર કરતાં સત્ય શ્રેષ્ઠ છે. ત્રાજવાના એક પલ્લે એક હજાર અશ્વમેધ અને બીજા પલ્લે સત્ય હોય તો પણ અશ્વમેધ યજ્ઞો કરતાં સત્ય વધારે ચઢિયાતું. બધા વેદોનું પઠન, બધાં તીર્થોમાં સ્નાન કરતાંય સત્ય ચઢિયાતું છે. સત્યથી ચઢિયાતો અન્ય ધર્મ નથી, સત્યથી ચઢિયાતું કશું નથી, અસત્યથી મોટું કોઈ પાપ નથી.

જો તમને અસત્ય પર પ્રેમ હોય, મારી વાત પર વિશ્વાસ ન હોય તો હું ચાલી જઉં છું, તમને મળવાનું કોઈ પ્રયોજન નથી, તમે સ્વીકાર નહીં કરો તો પણ મારો પુત્ર શૈલરાજથી અલંકૃત થઈને ચાર સમુદ્ર સુધીની આ પૃથ્વીનું પાલન કરશે.’

આમ કહીને શકુન્તલા જવા લાગી ત્યારે ઋત્વિજો, પુરોહિતો, આચાર્ય, મન્ત્રીઓથી ઘેરાયેલા રાજાને આકાશવાણી સંભળાઈ:

‘હે દુષ્યન્ત, માતા ચર્મકોષ જેવી છે. એમાં પિતા પોતે જ પુત્ર સ્વરૂપે જન્મ લે છે. આ પુત્રને પાળોપોષો... શકુન્તલાનો અનાદર ન કરો. હે નરદેવ, પોતાના જ વીર્યથી જન્મેલ પુત્ર યમગૃહમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તમે જ ગર્ભાધાન કર્યું છે, શકુન્તલાએ જે કહ્યું તે સત્ય છે. જાયા પોતાના અંગને બે ભાગમાં વહેંચીને પુત્ર સ્વરૂપે જન્મ આપે છે, એટલે શકુન્તલાના આ પુત્રનું પાલન કરો. અમારું વચન માનીને આનું પાલન કરો, આ પુત્ર ભરતના નામથી પ્રખ્યાત થશે.’

પૌરવ વંશના રાજાએ આ દિવ્યવાણી સાંભળીને હર્ષ પામીને પુરોહિત, અમાત્યને કહ્યું, ‘આ દેવવાણી સાંભળો. હું પણ જાણું છું કે આ મારો પુત્ર છે. જો આના વચનથી જ મેં આ પુત્રને સ્વીકારી લીધો હોત તો લોકોના મનમાં આ પુત્ર વિશે શંકા જન્મત.’ ત્યારે રાજાએ દેવદૂત વડે પુત્રને વિશુદ્ધ કરાવીને પ્રસન્ન અને હર્ષયુકત ચિત્તથી તે પુત્રને સ્વીકાર્યો.

(મહાભારત, આદિપર્વ, ૬૬થી ૬૯)