ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/કચ-દેવયાનીકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કચ-દેવયાનીકથા

ચર-અચર સમેત ત્રિલોકનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા સુર અને અસુર વચ્ચે સંઘર્ષ થયો. વિજય પામવા દેવોએ યજ્ઞવિધિ માટે અંગિરાપુત્ર બૃહસ્પતિને પુરોહિત તરીકે પસંદ કર્યા અને અસુરોએ કવિપુત્ર શુક્રાચાર્યને પુરોહિત તરીકે પસંદ કર્યા. બંને બ્રાહ્મણ નિત્ય અન્યોન્યની સ્પર્ધા કરતા હતા. યુદ્ધમાં દેવો જે દાનવોને મારી નાખતા હતા તેમને શુક્રાચાર્ય વિદ્યાબળથી ફરી સજીવન કરતા હતા. એ રીતે બેઠા થઈને તેઓ દેવો સાથે યુદ્ધ કરવા લાગતા હતા. અસુરો જે દેવોને યુદ્ધમાં મારી નાખતા હતા તેમને ઉદાર બુદ્ધિવાળા બૃહસ્પતિ સજીવન કરી શકતા ન હતા. કવિપુત્ર વીર્યવાન શુક્રાચાર્ય જે સંજીવની વિદ્યા જાણતા હતા તે બૃહસ્પતિ જાણતા ન હતા. એટલે દેવતાઓ વિષાદ પામ્યા. દેવો કવિપુત્ર શુક્રાચાર્યથી ભયભીત થયા અને બૃહસ્પતિના જ્યેષ્ઠ પુત્ર કચ પાસે જઈને બોલ્યા, ‘અમે તારા શરણે છીએ, તું અમને બચાવ; અમારી સહાય કર, અતિ તેજસ્વી બ્રાહ્મણ શુક્રાચાર્ય પાસે જે વિદ્યા છે તે તું હરી લાવ, તું અમારા યજ્ઞાંશનો ભાગીદાર બનીશ. તું વૃષપર્વાને ત્યાં બ્રાહ્મણ શુક્રાચાર્ય જોઈ શકીશ, તેઓ ત્યાં દાનવોની રક્ષા કરે છે, તેઓ દેવોની રક્ષા નથી કરતા. તું નાની વયનો છે, જ્ઞાની ઋષિની આરાધના તું કરી શકીશ. તે મહાત્માની પ્રિય કન્યા દેવયાનીની આરાધના પણ કરી શકીશ, આ વિશે તારા સિવાય કોઈ શક્તિમાન નથી. તારા શીલ, દાક્ષિણ્ય, માધુર્ય, આચાર અને દમથી દેવયાની સંતુષ્ટ થશે એટલે તે સંજીવની વિદ્યા તું અવશ્ય પ્રાપ્ત કરીશ.’

‘એમ જ થશે’ કહીને બૃહસ્પતિપુત્ર કચ દેવોના પૂજન પછી વૃષપર્વા પાસે ગયા. દેવોએ મોકલેલા કચ ત્વરિત અસુરેન્દ્ર વૃષપર્વા પાસે ગયો અને શુક્રાચાર્યને જોઈને બોલ્યો, ‘હું ઋષિ અંગિરાનો પૌત્ર, બૃહસ્પતિનો પુત્ર છું, હું કચ તરીકે ખ્યાત છું, મને શિષ્ય રૂપે સ્વીકારો. તમને ગુરુ માનીને હું સહ વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળીશ, મને આજ્ઞા આપો.’

શુક્રાચાર્યે કહ્યું, ‘ક્ચ, તારું સ્વાગત છે. તારી વાત સ્વીકારું છું. તું મારો આદરપાત્ર છે, હું તારું અર્ચન (પૂજા) કરીશ, અને એ રીતે બૃહસ્પતિ પણ અર્ચાશે.’

‘તેમ જ થશે’ એમ કહીને કવિપુત્ર શુક્રાચાર્યે નિર્દેશેલા બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કચે કર્યો. દેવયાની અને શુક્રાચાર્યની આરાધના કરતા કરતા વ્રતકાળમાં ગુરુ જે કહેતા તે કરતો હતો. યુવાન કચ યૌવનમાં પ્રવેશેલી દેવયાનીને ગાયન, નૃત્ય, વાદન વગેરેથી સંતુષ્ટ કરતો હતો. યૌવન પ્રાપ્ત કરેલી દેવયાનીને પુષ્પ, ફળ આપીને પ્રસન્ન કરતો હતો. દેવયાની પણ ગીત ગાઈને નિયમિત વ્રતપાલન કરનાર તે બ્રાહ્મણની સેવા કરતી હતી.

કચના વ્રતને પાંચસો વર્ષ વીતી ગયાં. એક દિવસ દાનવો કચને ઓળખીને તેની પાછળ પાછળ ગયા. ગાયોની રક્ષા કરતા કચને જોઈને, વિદ્યાની રક્ષા કરવા અને બૃહસ્પતિ પ્રત્યેના તેમના દ્વેષના કારણે ક્રોધે ભરાયેલા દાનવોએ તેને મારી નાખ્યો, અને એના ટુકડેટુકડા કરી વરુઓને ખવડાવી દીધા. પછી ગાયો ગોપ (ગોરક્ષક) વિના પોતાની મેળે પાછી આવી, કચને પાછો ન આવેલો જોઈ દેવયાની યોગ્ય સમયે બોલી, ‘હે પ્રભુ, સૂર્ય આથમી ગયો છે, અગ્નિહોત્ર હોમાયો છે, ગાયો રક્ષક વિના આવી ગઈ છે, પણ કચ દેખાતો નથી. હે પિતા, મને લાગે છે કે કચને મારી નાખ્યો છે અથવા તે મૃત્યુ પામ્યો છે. હું કચ વિના જીવી શકીશ નહીં તે સત્ય કહું છું.’

શુક્રચાર્યે કહ્યું, ‘હે કચ, તું ચાલ્યો આવ. તું મૃત્યુ પામ્યો છે, હું તને સજીવન કરું છું.’

એમ કહીને ગુરુએ સંજીવની વિદ્યા વડે કચને બોલાવ્યો, બોલાવ્યો એટલે વિદ્યા વડે તે પ્રગટ થયો અને બ્રાહ્મણ કન્યાએ પૂછ્યું એટલે તેણે કહ્યું કે મને મારી નાખ્યો હતો.

કચ ફરી દેવયાનીની આજ્ઞાથી ફૂલો ચૂંટવા સ્વેચ્છાએ વનમાં ગયો. બીજી વાર કચને મારી નાખીને અને ચૂર્ણચૂર્ણ કરી નાખીને સુરામાં મેળવીને શુક્રાચાર્યને જ એ બધું પીવડાવી દીધું. ત્યારે દેવયાનીએ પિતાને કહ્યું, ‘મેં કચને ફૂલ ચૂંટવા મોકલ્યો હતો, અત્યારે તે દેખાતો નથી.’

શુક્રાચાર્યે કહ્યું, ‘પુત્રી, બૃહસ્પતિપુત્ર કચ મરી ગયો છે. સંજીવની વિદ્યાથી જીવતો કરવા છતાં તેને દાનવો મારી નાખે છે. દેવયાની, તું શોક ન કર, રડ નહીં, તારા જેવીએ મર્ત્ય માટે શોક ન કરવો જોઈએ, કારણ કે બધા દેવો અને આખું જગત ઉપસ્થિત વિકૃતિને પામતા હોય છે.’

દેવયાની બોલી, ‘અત્યંત વૃદ્ધ અંગિરા જેના પિતામહ છે, તપોધન બૃહસ્પતિ જેના પિતા છે એવા ઋષિના પૌત્ર અને પુત્ર કચને માટે શા માટે શોક ન કરું, શા માટે ન રડું? તે બ્રહ્મચારી તપોધન હતો, કામકાજ કરવામાં તે નિત્ય ઉત્સાહી હતો અને હોશિયાર હતો. હું ભોજન ન કરીને કચના માર્ગે જઈશ, હે તાત, કચનું સ્વરૂપ મને અતિ પ્રિય છે.’

શુક્રાચાર્યે કહ્યું, ‘અસુરો મારો દ્વેષ કરે છે એ નિશ્ચિત છે. મારા નિર્દોષ શિષ્યને મારી નાખે છે. અસુરો મને બ્રહ્મહત્યાના પાપથી પાપી બનાવે છે, બ્રહ્મહત્યા કોને બાળતી નથી. એ તો ઇન્દ્રને પણ ભસ્મ કરે, આ પાપ કદી નાશ પામે છે?’

દેવયાનીના કહેવાથી કવિપુત્ર મહર્ષિ શુક્રાચાર્યે બૃહસ્પતિપુત્ર કચને બોલાવ્યો. વિદ્યા વડે કચને બોલાવ્યો એટલે તે ગુરુના પેટમાં રહીને ગુરુહત્યાના ભયથી ધીમે રહીને બોલ્યો. ગુરુએ કહ્યું, ‘હે વિપ્ર, તું કેવી રીતે મારા ઉદરમાં પ્રવેશ્યો છે?’

કચે ઉત્તર આપ્યો, ‘તમારી કૃપાથી મારી સ્મૃતિ યથાવત્ છે. જે કંઈ બન્યું તે બધું મને યાદ છે. ગુરુના ઉદરને ફાડવાથી તપ ઘટી ન જાય એટલે અસહ્ય વેદના સહી રહ્યો છું. અસુરોએ મને મારીને, સળગાવીને, ચૂર્ણ ચૂર્ણ કરીને સુરામાં મેળવી તમને પીવડાવી. પરંતુ હે વિપ્ર, તમારા હોવા છતાં અસુરોની માયા બ્રાહ્મણોની માયાથી કેવી રીતે વૃદ્ધિ પામી શકે?’

ત્યારે શુક્રાચાર્યે દેવયાનીને કહ્યું, ‘વત્સ દેવયાની, હવે તારું પ્રિય શું કરું? મારા મૃત્યુથી કચ જીવશે, તે મારા ઉદરમાં છે, ઉદર ફાડ્યા સિવાય બીજી કોઈ રીતે ક્ચ બહાર આવી નહીં શકે.’

દેવયાની બોલી, ‘કચનો નાશ અને તમારું મૃત્યુ બંને શોક-અગ્નિની જેમ મને દઝાડશે, કચના નાશમાં મને સુખ નથી, તમારા મૃત્યુ પછી હું જીવી નહી શકું.’

શુક્રે કહ્યું, ‘હે બૃહસ્પતિપુત્ર, તું બૃહસ્પતિપુત્ર તરીકે વિખ્યાત છે, દેવયાની તને ચાહે છે, જો કચના રૂપમાં તું ઇન્દ્ર ન હોય તો મારી વિદ્યા તું મેળવ. બ્રાહ્મણ સિવાય બીજો કોઈ પણ મારા ઉદરમાંથી જીવતો બહાર આવી નહીં શકે. એટલે તું આ વિદ્યા લે. હે તાત, તું જીવતો થઈને મારા દેહમાંથી નીકળીને, પુત્ર બનીને મને સજીવન કરજે. ગુરુ પાસેથી વિદ્યા મેળવીને ધર્મ પાળતો રહેજે.’

બ્રાહ્મણ કચે ગુરુ પાસેથી વિદ્યા મેળવી, જેવી રીતે શુક્લપક્ષના અંતિમ દિવસે, પૌર્ણ માસમાં, પૂર્ણ ચંદ્ર પ્રગટે તેવી રીતે શુક્રાચાર્યના જમણા ઉદરને ફાડીને તે બહાર આવ્યો.

બ્રહ્મરાશિ શુક્રાચાર્યને મૃત્યુ પામેલા જોઈને સંજીવની વિદ્યાથી કચે જીવિત કર્યા અને વિદ્યા પ્રાપ્ત કરેલા કચે ગુરુનું અભિવાદન કરીને કહ્યું, ‘જેઓ વિદ્યાવાન થઈને શ્રેષ્ઠ ઋતનો ઉપદેશ આપે છે અને જે નિધિના નિધિ છે, ચારે વેદોનું જ્ઞાન આપે છે તે ગુરુને જે આદર આપતો નથી, તે આ લોકમાં પ્રતિષ્ઠા પામતો નથી અને પાપલોકને પામે છે.’

સુરાપાનથી શુક્રાચાર્ય છેતરાયા, તેમની બુદ્ધિનો નાશ થયો, સુરાથી મોહ પામીને સુંદર કચને પી ગયા એ જોઈને મહાપ્રભાવી શુક્રાચાર્ય ક્રોધે ભરાયા અને વિપ્રોનું હિત કરવા માટે સુરાપાન પ્રત્યે શંકિત થઈને તેઓ બોલ્યા, ‘હવે પછી જે બ્રાહ્મણ મોહવશ થઈને સુરાપાન કરશે તે મંદબુદ્ધિ બ્રાહ્મણ ધર્મભ્રષ્ટ થશે અને બ્રહ્મહત્યાના પાપથી લેપાઈને આ લોકમાં અને પરલોકમાં નિંદાપાત્ર થશે. મેં બ્રાહ્મણોના ધર્મની આ સીમા અને મર્યાદા બાંધી દીધી છે, તે સર્વ સંતો, વિપ્રો, ગુરુસેવા કરનારા, દેવો — બધા સાંભળો.’

આમ કહીને અપ્રમેય તપોનિધિઓના નિધિ, મહાનુભાવ શુક્રાચાર્યે દૈવથી વિમૂઢબુદ્ધિ થયેલા તે દાનવોને બોલાવીને કહ્યું, ‘હે દાનવો, સાંભળો, તમે સાવ બાલિશ કાર્ય કર્યું છે, આ કચ મહાન અર્થવાળી સંજીવની વિદ્યા પામીને, સિદ્ધ થઈને મારી પાસે રહેશે અને બ્રહ્મને કારણે જ્ઞાની થયેલો કચ મારા જેવો પ્રભાવી બનશે.’

કચે ગુરુ પાસે સહ વર્ષ રહીને આજ્ઞા લઈને સ્વર્ગમાં જવાની ઇચ્છા પ્રગટ કરી.

ગુરુને ત્યાં રહેવાનું વ્રત પૂરું થયું એટલે દેવયાનીએ કચને કહ્યું, ‘હે અંગિરાના પૌત્ર, ચરિત્ર — કુલ — દમ અને તપથી તેજસ્વી થઈ રહ્યો છે, મહા યશસ્વી ઋષિ અંગિરા જેવી રીતે મારા પિતાને માટે સમ્માનનીય છે એવી જ રીતે બૃહસ્પતિ પણ મારા માટે સમ્માનનીય અને પૂજનીય છે. હે તપોધન, આ સમજીને હું જે કહું છું તે સાંભળ. તું જ્યારે વ્રતધારી અને નિયમવાળો હતો ત્યારથી મેં તારી સાથે પ્રેમથી વર્તન કર્યું છે. અત્યારે તું વ્રતમુક્ત થયો છે, અત્યારે તું તારી સેવા કરવાવાળી આ દેવયાનીનો સ્વીકાર કર. વિધિપૂર્વક મંત્રોચ્ચાર કરીને તું મારો હાથ સ્વીકાર.’

કચે કહ્યું, ‘અનવદ્ય અંગોવાળી, જેવી રીતે તારા પિતા મારે માટે પૂજનીય છે, એવી રીતે તું પણ મારે માટે વધારે પૂજનીય છે. હે ભદ્રે, મહાત્મા ભાર્ગવ કરતાંય મારા માટે વિશેષ પૂજનીય છે, તું મારી ગુરુપુત્રી હોવાને કારણે સદા પૂજ્યતમ જ છે. તારા પિતા શુક્રાચાર્ય જેવા માનનીય છે તેવી રીતે તું પણ મારે માટે માનનીય છે. તારે મને આવું ન કહેવું જોઈએ.’

દેવયાનીએ કહ્યું, ‘તું મારા પિતાનો પુત્ર નથી. તું મારે માટે પૂજનીય છે, માનનીય છે. હે કચ, અસુરો તને વારે વારે મારી નાખતા હતા ત્યારથી તારા પર મારી જે પ્રીતિ હતી તેને તું યાદ કર. સૌહાર્દ અને અનુરાગથી તારી જે ભક્તિ કરું છું તેને જાણ, હે ધર્મજ્ઞ, મારો ત્યાગ કરવો ઉચિત નથી.’

કચે કહ્યું, ‘હે શુભ્રવ્રતે, અયોગ્ય કાર્ય કરવા તું મને પ્રેરી રહી છે. હે સુંદર ભ્રમરવાળી શુભે, મારા પર પ્રસન્ન રહે, તું ગુરુથી પણ ચઢિયાતી છે. હે ભદ્રે, હે વિશાલાક્ષી, ચંદ્રાનના, ભામિની, તેં કવિપુત્ર શુક્રાચાર્યની જે કૂખમાં વાસ કર્યો હતો તે જ કૂખમાં હું રહ્યો હતો. એટલે ધર્માનુસાર તું મારી બહેન ગણાય, હે શુભાનના (સુંદર મુખવાળી) તું આમ ન બોલ. હે ભદ્રે, તારે ત્યાં હું સુખપૂર્વક રહ્યો, મારા પર ક્રોધ ન કરીશ. હું જઉં છું, તું મારા માટે પ્રાર્થના કર કે મારો માર્ગ મંગળ રહે, ધર્મવિરુદ્ધ ન હોય એવી કથાપ્રસંગે મારું સ્મરણ કરજે. અપ્રમત્ત અને ઉત્સાહી બનીને તું મારા ગુરુની પૂજા કરજે.’

દેવયાનીએ કહ્યું, ‘ધર્મ અને કામ માટે માગણી કરવા છતાં તું મારો અસ્વીકાર કરે છે, એટલે હે કચ, આ વિદ્યા તારે માટે સિદ્ધ નહીં થાય.’

કચે કહ્યું, ‘તું ગુરુપુત્રી છે એટલે જ તારો અસ્વીકાર કરું છું. કોઈ અન્ય દોષને કારણે નહીં; ગુરુએ કશી આજ્ઞા નથી કરી, તું ઇચ્છે તો શાપ આપ. હે દેવયાની; ઋષિઓના ધર્મ પ્રમાણે મારો ધર્મ છે, તું કામવિવશ થઈને શાપ આપી રહી છે, ધર્મપૂર્વક નહીં, પણ તે કામવશ થઈને શાપ આપ્યો છે એટલે તારી ઇચ્છા પૂરી નહીં થાય. કોઈ ઋષિપુત્ર તારી સાથે વિવાહ નહીં કરે. તારી વિદ્યા સફળ નહીં કરે. તેવો તારો શાપ સત્ય થશે પણ હું જેને આ વિદ્યા ભણાવીશ તેને આ વિદ્યા ફળશે.’

આમ દેવયાનીને કહીને તે દ્વિજોત્તમ કચ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્રને આગળ કરનારા દેવતાઓ બૃહસ્પતિ સામે જોઈને કચ પર પ્રસન્ન થઈને બોલ્યા, ‘તેં અદ્ભુત અને અમારું હિતકારક કાર્ય કર્યું છે એટલે તારો યશ ચિરંજીવ થશે અને તું અમારા યજ્ઞમાં સહભાગી થઈશ.’

(આદિ પર્વ, ૭૧-૭૨)