ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/શાલ્વકથા

From Ekatra Wiki
Revision as of 16:51, 24 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શાલ્વકથા

(પાંડવો જ્યારે દ્યૂત રમવા જતા ત્યારે કૃષ્ણ કેમ મદદે ન આવ્યા એવો પ્રશ્ન યુધિષ્ઠિર પૂછે છે ત્યારે કૃષ્ણ આ વાર્તા કરે છે.)

રાજસૂય યજ્ઞ વખતે કૃષ્ણ ભગવાને શિશુપાલનો વધ કર્યો હતો. એટલે શાલ્વ નામનો રાજા બહુ ગુસ્સે થયો. તેણે શિશુપાલના મૃત્યુના સમાચાર સાંભળીને સૂની પડેલી દ્વારકા ઉપર હુમલો કર્યો. તેની સાથે લડ્યા, પણ એ દુષ્ટે તો ઘણાં બધાં બાળકો મારી નાંખ્યાં.યાદવોને મારી નાખ્યા, અને નગરનાં ઉપવનોને ખતમ કર્યા. પછી તે બોલ્યો, ‘પેલો નાલાયક, દુષ્ટ કૃષ્ણ ક્યાં સંતાઈ ગયો છે? યાદવોમાં તેના જેવો અધમ કોઈ છે? તેને યુદ્ધ બહુ પ્રિય છે. આજે હું તેનું અભિમાન ઓગાળી નાખીશ. તે જ્યાં હશે ત્યાં હું ગયા વગર રહેવાનો નથી. કંસ અને કેશીની હત્યા તેણે કરી. હવે તો હું તેને મારી નાખીને જ પાછો ફરીશ.’ ‘ક્યાં ગયો?’ એમ કહી તે કૃષ્ણ સાથે લડવાની ઇચ્છાથી આમતેમ દોડવા લાગ્યો. પાછો બોલતો રહ્યો, ‘શિશુપાલની હત્યાથી મને બહુ ગુસ્સો આવ્યો છે. આજે તો હું પાપી, વિશ્વાસઘાતી, હલકટ કૃષ્ણને યમરાજને ઘેર મોકલી દઈશ. એ નાલાયકે મારા ભાઈ શિશુપાલને માર્યો એટલે આજે હું કૃષ્ણને અહીં ને અહીં મારીશ. શિશુપાલને યુદ્ધમાં નથી માર્યો, એટલે હું પણ તે જનાર્દનને મારીશ.’ આમ તે કૃષ્ણ વિશે જેમતેમ બોલતો રહ્યો.

શ્રીકૃષ્ણ જ્યારે પાંડવો પાસેથી પાછા દ્વારકા ગયા ત્યારે દુષ્ટ શાલ્વે તેમના વિશે જે બધો બકવાસ કર્યો હતો તે બધો કોઈએ શ્રીકૃષ્ણને કહ્યો, એટલે પછી શ્રીકૃષ્ણ તેને મારવા માટે નીકળી પડ્યા. બહુ શોધ ચલાવી ત્યારે તે સમુદ્ર પરના એક ટાપુ પર હતો. શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડી તેને લલકાર્યો. બેચાર ઘડી દાનવો સાથે તે લડ્યા, બધાને હરાવ્યા.

જો કે દ્વારકામાં આવીને તેણે બહુ ઉત્પાત મચાવ્યો હતો. યુદ્ધનો સામનો કરવા માટે દ્વારકાનગરીમાં ઘણી તૈયારીઓ થઈ હતી, ચારે તરફ કિલ્લો અને કિલ્લા ઉપર બુરજ, અને તેના પર યુદ્ધનો સામાન, સુરંગો પણ ખોદીને તૈયાર કરી હતી. રસ્તા પર ઠેરઠેર કાંટા હતા, અટ્ટાલિકા અને ગોપુરોમાં ખાસ્સી માત્રામાં અનાજની ગુણો ખડકી હતી. બધા પ્રકારનાં શસ્ત્રો તૈયાર રાખ્યાં હતાં. ચારે બાજુ ઢોલનગારાં સંભળાતાં હતાં. ઘાસચારો, ઈંધણ પણ સંઘર્યાં હતાં. અનેક પ્રકારનાં આયુધો તૈયાર રાખ્યાં હતાં. આમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેનાં શસ્ત્રો દ્વારકામાં ખડકાયાં હતાં. વળી ગદ, સાંબ, ઉદ્ધવ જેવા યોદ્ધાઓ પણ સજ્જ હતા. નગરનાં બધા મહત્ત્વનાં સ્થળે ઘોડા હતા, પદાતિઓ હતા. ઉગ્રસેન અને ઉદ્ધવે નગરમાં ઢંઢેરો પીટાવ્યો હતો કે કોઈ પુરુષે મદ્યપાન નહીં કરવું. શાલ્વ મદ્ય પીને બેઠેલાઓને સારી રીતે મારી નાખે. બધા વીર પુરુષો યુદ્ધની તૈયારી કરીને ઊભા હતા. પછી ધનસંગ્રહ કરનારાઓએ નટ, નર્તકો, ગાયકોને નગર બહાર જતા રહેવાનો હુકમ કર્યો. બધા પુલ તોડી નાખ્યા, નૌકાઓને રોકી રાખી, ખાઈઓમાં અણિયાળા કાંટા બિછાવી દીધા. એક યોજન સુધી પર્વતો, કૂવા, વાવપાણી વિનાનાં કરી દીધાં. જમીન ઊંચીનીચી કરી નાખી. દ્વારકા આમેય પહેલેથી દુર્ગોવાળી, પ્રાકૃતિક સુરક્ષાવાળી હતી. એટલે આ સમયે તો વધુ સુરક્ષાવાળી, શસ્ત્રોવાળી બની ગઈ, ઇન્દ્રભવન જેવી શોભવા લાગી. શાલ્વના આક્રમણ વખતે એટલી બધી સુરક્ષા વધારી દીધી કે કોઈ મુદ્રા વિના નગરમાં પ્રવેશી ન શકે, નગરની બહાર જઈ ન શકે. નાનીમોટી શેરીઓમાં, ચૌટાઓમાં હાથીઘોડાવાળા સૈનિકો ખડકાયેલા હતા. બધા સૈનિકોને પૂરતાં વેતન, ભોજન, શસ્ત્ર, વસ્ત્ર પૂરા પાડવામાં આવ્યાં હતાં. કોઈ સૈનિક અપૂરતા વેતનવાળો ન હતો કે વધારે પડતા વેતનવાળો ન હતો. કોઈના ઉપર દયા દાખવીને તેની ભરતી સેનામાં કરવામાં આવી ન હતી. આમ પૂરતા વેતનથી સંતુષ્ટ થયેલા લોકોની ભરતી સેનામાં કરવામાં આવી હતી. દરેકનાં બળ, પરાક્રમ જોયા પછી જ તેની ભરતી સેનામાં થઈ હતી. આમ પૂરતા વેતનથી સંતુષ્ટ થયેલા લોકોથી એ નગરી ઊભરાતી હતી. ઉગ્રસેન રાજાને કારણે પણ તે નગરી ઘણી સુરક્ષિત હતી. શાલ્વ રાજાની સેનામાં ઘણા હાથી ઘોડા હતા, નગરીની પાસે જ રાજાએ સેનાનો પડાવ નખાવ્યો. પૂરતા પાણીવાળી અને સમથળ જમીન પર શાલ્વ રાજાની સેનાએ હાથી, ઘોડા, રથ, પદાતિસહિત પડાવ નાખ્યો. સ્મશાન, મંદિરો, સૈન્યો સિવાયની બધી જમીન સેનાથી ભરાઈ ગઈ. વળી તે સેના છ ભાગમાં વહેંચાઈ ગઈ. તે સેનામાં બધા પ્રકારનાં શસ્ત્ર હતા, હાથી, ઘોડા હતા, રથ હતા, સૈનિકો સંતોષી, વીર હતા, કવચધારી હતા. ધ્વજપતાકા લહેરાતા હતા. દ્વારકામાં આવી સેનાનો પ્રવેશ કરાવ્યો.

શત્રુસેનાને નગરમાં આવતી જોઈને દ્વારકાના કુમારો બહાર આવીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. શાલ્વ રાજાનું એ આક્રમણ ન વેઠી શકનારા, સામ્બ, પ્રદ્યુમ્ન તૈયાર થયા અને રથ પર સવાર થઈને શાલ્વ રાજાના અનેક યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. સામ્બ સાલ્વના સેનાપતિ ક્ષેમવૃદ્ધિ સાથે લડવા લાગ્યા. ઇન્દ્ર જેવી રીતે વરસાદ વરસાવે તેવી રીતે સાંબે બાણવર્ષા કરી. તે સેનાપતિએ પણ જેવી રીતે હિમાલય વર્ષાની ઝંડીઓ વેઠી લે તેવી રીતે સાંબનાં બાણ ઝીલી લીધાં. અને પછી તેણે માયાવી બાણ સાંબ ઉપર છોડ્યાં. સાંબે માયા વડે જ માયાને દૂર કરી અને તેના રથ ઉપર સેંકડો બાણ છોડ્યાં. જ્યારે સેનાપતિ સાંબનાં બાણોથી ઘવાયો ત્યારે તે યુદ્ધભૂમિ પરથી ભાગી ગયો. આ જોઈને વેગવાન દૈત્ય સાંબ સામે ધસી ગયો. પણ સાંબ સ્થિર ઊભો રહ્યો અને પછી પોતાની વેગીલી ગદા વેગવાન પર ફંગોળી. જૂનું પુરાણું ઝાડ પવનના ધક્કાથી જમીનદોસ્ત થઈ જાય એવી રીતે વેગવાન ગદાના મારથી પૃથ્વી પર પડી ગયો, અને મૃત્યુ પામ્યો. પછી સાંબ દુશ્મનની સેનામાં પ્રવેશ્યો અને યુદ્ધ કરવા લાગ્યો. શાલ્વે મહાધનુર્ધારી વિવિધ્ય નામના રાક્ષસને ચારુદેષ્ણ સાથે યુદ્ધ કરવા મોકલ્યો. જૂના જમાનામાં જેવી રીતે ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે યુદ્ધ થયું હતું તેવી રીતે આ બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. બંને ખૂંખાર સિંહોની જેમ ગરજવા લાગ્યા. રુક્મિણીના પુત્ર ચારુદેષ્ણે અગ્નિ અને સૂર્ય જેવું તેજસ્વી બાણ મંત્રીને ધનુષ પર ચઢાવ્યું, અને પછી ક્રોધે ભરાઈને બાણ છોડ્યું. વિવિધ્યને તે વાગ્યું અને તેનું મૃત્યુ થયું. સેના ગભરાઈ ગઈ એટલે શાલ્વ પોતે ચઢી આવ્યો. દ્વારકાની સેના એ જોઈને ગભરાઈ ગઈ. પ્રદ્યુમ્ને આ જોઈને સૈનિકોને હિંમત આપી. ‘તમે બધા યુદ્ધમાં જોડાઓ અને હવે મારું પરાક્રમ જુઓ. લોખંડના સાપ જેવા મારાં તીખાં બાણોથી આ સેનાનો વિનાશ કરું છું. તમે બધા હિંમત રાખજો, બીતા નહીં, શાલ્વ હવે મરી જ ગયો સમજી લો.’ પ્રદ્યુમ્નની આવી વાત સાંભળીને સૈનિકો સ્વસ્થ થઈને યુદ્ધ કરવા લાગ્યા. પછી પ્રદ્યુમ્ન સુવર્ણમય રથમાં બેઠા. જાણે આકાશમાં ઊડી જવું હોય તેમ વેગીલા ઘોડાઓવાળા રથ પર ચઢીને દુશ્મનની સેના પર ધસી ગયા. ધનુષની પણછ તાણીને આગળ વધ્યા અને દૈત્યોને મોહિત કરવા લાગ્યા. યુદ્ધ વખતે શત્રુઓ પર બાણ ક્યારે ચઢાવે છે, ક્યારે પણછ ખેંચે છે, ક્યારે બાણ છોડે છે તેની કશી જાણ કોઈને થતી જ ન હતી. તેમના મોઢાના હાવભાવ ન બદલાયા, ન શરીર કાંપ્યું, માત્ર સિંહના જેવો તેમનો અદ્ભુત દેખાવ અને તેમની સિંહગર્જના જ બધા અનુભવતા હતા. સોનાના દંડમાં બધા જ જળચરોને ભયભીત કરનાર મગરનું ચિહ્ન શાલ્વની સેનાને બીવડાવતું હતું. શત્રુનાશક પ્રદ્યુમ્ન શાલ્વ સાથે યુદ્ધ કરવા આગળ ધસ્યા. શાલ્વ આ હુમલાને જિરવી ન શક્યા. તે રથમાંથી ઊતરી પડ્યા. બંને શ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. તે યુદ્ધ ઇન્દ્ર અને બલિ વચ્ચે થયેલા યુદ્ધ જેવું હતું. બધા જોવા જ લાગ્યા. શાલ્વનો રથ માયાવી હતો, સુવર્ણથી મઢેલો, ધ્વજપતાકાવાળો, બાણો માટેનાં ભાથાં ત્યાં હતાં. હવે શાલ્વ પ્રદ્યુમ્ન પર બાણ વરસાવવા લાગ્યા. શાલ્વ ઉપર પ્રદ્યુમ્ન પણ બાણવર્ષા કરવા લાગ્યા. તેનાં બાણોથી શાલ્વ ઘવાયો, અને છતાં સળગતા અગ્નિ જેવાં બાણ પ્રદ્યુમ્ન પર છોડવા લાગ્યો. તેના બાણોથી ઘવાયેલા પ્રદ્યુમ્ને મર્મઘાતક બાણ છોડ્યું. અને તે શાલ્વના કવચને વીંધીને તેના હૃદયને વીંધી બેઠું. શાલ્વ મૂર્ચ્છા ખાઈને પડી ગયો. એ જોઈને રાક્ષસો ભાગવા લાગ્યા. થોડી વારે શાલ્વને ભાન આવ્યું. એટલે પાછો પ્રદ્યુમ્ન પર બાણવર્ષા કરવા લાગ્યો. શાલ્વ મોટેમોટેથી બરાડવા લાગ્યો. પ્રદ્યુમ્ન મૂર્છા પામ્યો હતો તો પણ શાલ્વે બાણ વરસાવવાનું બંધ ન કર્યું અને એને કારણે તે ગાઢ મૂર્ચ્છામાં સરી ગયા.

આ જોઈ યાદવસેના ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગઈ. બધે હાહાકાર મચી ગયો. પણ શત્રુઓ તો રાજી રાજી થઈ ગયા. આવી રીતે મૂર્ચ્છા પામેલા પ્રદ્યુમ્નને લઈને દારુકનો પુત્ર ઘોડાઓ સમેત રથને યુદ્ધભૂમિથી દૂર લઈ ગયો. હજુ એ રથ બહુ દૂર ગયો ન હતો અને ત્યાં પ્રદ્યુમ્ન ભાનમાં આવી ગયા. હાથમાં ધનુષ ઉપાડીને સારથિને તે કહેવા લાગ્યા, ‘તેં શું કરવા ધાર્યું છે! યુદ્ધમાંથી ભાગી કેમ જાય છે? યાદવોનો આ ધર્મ નથી. શાલ્વને જોઈને તારું માથું તો ચકરાઈ ગયું નથી ને? યુદ્ધ જોઈને દુઃખી તો થયો નથી ને! સાચું બોલ.’

એટલે સારથિએ કહ્યું, ‘મને કશો મોહ નથી થયો. બીક પણ નથી લાગી. મને એવું લાગ્યું કે શાલ્વ વધુ બળવાન છે. યુદ્ધમાં સારથિએ લડનારની રક્ષા કરવી જોઈએ, આ પાપી બહુ બળવાન છે. તમારી રક્ષા કરવી એ મારો ધર્મ, મારી રક્ષા કરવી તે તમારો ધર્મ. સારથિ હમેશાં યુદ્ધ કરનારની રક્ષા કરે એમ વિચારીને હું દૂર જતો હતો. તમે એકલા છો અને દાનવો અનેક હતા. આ યુદ્ધ બે સરખા શત્રુઓ વચ્ચે ન હતું.’ સારથિની આવી વાત સાંભળીને પ્રદ્યુમ્ને કહ્યું, ‘ભાઈ, તું રથ પાછો ફેરવ. ભવિષ્યમાં આમ કદી કરીશ નહીં. મને કદી દૂર લઈ જઈશ નહીં. યુદ્ધભૂમિ ત્યજીને ભાગી જાય એ યાદવ ન કહેવાય. પડી ગયેલાને મારે તે યાદવ નહીં, શરણાગતને મારે તે યાદવ નહીં, યાદવ કદી સ્ત્રીને, બાળકને, વૃદ્ધને, ગભરાઈ ગયેલાને, શસ્ત્ર વગરનાને મારે નહીં. હે દારુકપુત્ર, તું તો સૂતવંશમાં જન્મ્યો છે, સારથિનું કાર્ય જાણે છે, યાદવોનો ધર્મ જાણે છે. એટલે આવા, ધર્મના જાણકારે યુદ્ધભૂમિ છોડીને જતા નહીં રહેવાનું. યુદ્ધમાંથી હું ભાગી ગયો છું, હું બી ગયો છું, એ સાંભળીને કૃષ્ણ શું કહેશે? મહાપરાક્રમી બળદેવ શું કહે છે? સાત્યવિક, આંકિબ, ચારુદેષ્ણ, સારણ, અક્રૂર શું કહેશે? યાદવ સ્ત્રીઓ મારા જેવા શૂરવીરને, અભિમાનીને શું કહે? ‘આ પ્રદ્યુમ્ન તો યુદ્ધમોરચેથી ભાગી આવ્યો છે. ધિક્કાર છે તેને.’ આવું નહીં બોલે? હસીમજાકમાં પણ મને સોંપીને યુુધિષ્ઠિરના યજ્ઞમાં ગયા છે. કૃતવર્મા યુદ્ધમાં ભાગ લેવા આવતા હતા પણ મેં તેમને રોકી રાખ્યા. હું પહોંચી વળીશ એમ માનીને તેઓ પાછા જતા રહ્યા. હવે હું તેમને શું કહીશ? શ્રીકૃષ્ણ આવશે તો તેમને શું કહીશ? સ્પર્ધા કરવા માગતા બીજા બધા યાદવોને હું શું કહીશ? આમ યુદ્ધમાંથી ભાગી ગયેલા અને પીઠ પર બાણના ઘા ઝીલનારાની જિંદગી મારાથી તો ન જીવાય. હું પીઠે બાણના ઘા ઝીલવા માગતો નથી. તેં ક્યારેય મને કાયરની જેમ યુદ્ધમાંથી ભાગી આવેલો જોયો છે ખરો? યુદ્ધની ઇચ્છા હજુ બાકી છે, એટલે ચાલ, યુદ્ધભૂમિ પર પાછા જઈએ.’

સૂત પ્રદ્યુમ્નની આ બધી વાતો સાંભળીને મીઠાશથી બોલવા લાગ્યો, ‘યુદ્ધભૂમિમાં ઘોડા હાંકવાની મને જરાય બીક નથી. હું યાદવોની યુદ્ધનીતિ પણ સારી રીતે જાણું છું. સારથિઓનો એક જ ધર્મ, રથીની રક્ષા કરવી. તમે ખૂબ જ વ્યથિત થઇ ગયા છો. શાલ્વનાં બાણોથી તમે બહુ ઘવાયા હતા, મૂર્ચ્છા પામ્યા હતા. એટલે હું ત્યાંથી દૂર નીકળ્યો. હવે તમે ભાનમાં આવ્યા જ છો તો મારી અશ્વવિદ્યા જુઓ. હું દારુકનો પુત્ર છું. તેમની પાસેથી જ બધું શીખ્યો છું. હવે હું નિર્ભય થઈને શાલ્વની આ વિશાળ સેનામાં જઈશ.’

આમ કહી સારથિએ ઘોડાઓની લગામ ખેંચીને યુદ્ધભૂમિ પર દોડાવ્યા. જાતજાતની ગતિ વડે ઘોડાઓને દોડાવ્યા. આકાશમાં ઊડી જવાના હોય તેમ તે ઘોડા ચાબૂક ખાઈને દોડ્યા. એમની એ દોડ પાછળ સારથિની આવડત હતી. પૃથ્વી પર તો તેમના પગ ટકતા જ ન હતા — જાણે તેઓ આગથી દાઝતા ન હોય. સારથિએ જરાક જ મહેનતથી શાલ્વની સેનાને વટાવી દીધી, આ જોઈને બધાને નવાઈ લાગી. જ્યારે પ્રદ્યુમ્નનો રથ જમણી બાજુ આવ્યો તે શાલ્વથી વેઠાયું નહીં, અને રથ ચલાવનાર સારથિને ત્રણ બાણ માર્યા. બાણની પરવા કર્યા વિના ઘોડાઓને કેળવીને ફરી આગળ ધાયો. શાલ્વે પ્રદ્યુમ્ન ઉપર પણ અનેક બાણ ચલાવ્યાં. પોતાના પર આવતાં બાણોને બહુ કુશળતાથી પ્રદ્યુમ્ને કાપી નાખ્યાં. હવે આ જોઈને શાલ્વ ભયંકર રાક્ષસી માયા વડે બાણ ફેંક્યાં. પ્રદ્યુમ્ને બ્રહ્માસ્ત્ર વડે એ માયાને છેદી નાખી. શાલ્વનાં અસ્ત્રોને વીંધીને પ્રદ્યુમ્નનાં બાણ શાલ્વના માથા પર, મોં પર, હૃદય પર વાગ્યાં અને તે મૂચ્છિર્ત થઈ ગયો. શાલ્વ પડી ગયો એટલે પ્રદ્યુમ્ને બીજું શત્રુનાશી બાણ ધનુષ પર ચઢાવ્યું. સાપના ઝેર જેવાં તીખાં, પ્રજ્વલિત અગ્નિ જેવાં તેજસ્વી બાણને જોઈને આકાશમાં હાહાકાર મચી ગયો. ઇન્દ્ર, કુબેર અને બીજા દેવતાઓએ વાયુદેવને તથા નારદને પ્રદ્યુમ્ન પાસે મોકલ્યા. બંનેએ આવીને કહ્યું, ‘અરે વીર પ્રદ્યુમ્ન, આ શાલ્વનો વધ કોઈ પણ રીતે તારે નથી કરવાનો. આ બાણ સામે કોઈ પણ પુરુષ ટકી ન શકે, તું આ બાણ પાછું ખેંચી લે. પ્રજાપતિ બ્રહ્માના લેખ પ્રમાણે આ શાલ્વનું મૃત્યુ કૃષ્ણના હાથે જ નિર્માયું છે. બ્રહ્માના લેખને મિથ્યા ન કર.’

આ સાંભળી પ્રદ્યુમ્ન રાજી થઈ ગયો. પોતાના ઉત્તમ બાણને ભાથામાં પાછું મૂક્યું. આ દરમિયાન શાલ્વ પણ ભાનમાં આવ્્યો, પ્રદ્યુમ્નના બાણથી બહુ ઘવાયો હતો એટલે સેના સમેત તે ભાગી ગયો. ક્યાં? દ્વારકા જ છોડી દીધી અને તે આકાશમાં જતો રહ્યો.

હવે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના યજ્ઞમાંથી પરવારીને દ્વારકા જઈ પહોંચ્યા. ત્યાં જઈને શું જોયું? દ્વારકા ઝાંખી થઈ ગઈ હતી. ક્યાંય યજ્ઞ થતા ન હતા. તે નગરની બધી સ્ત્રીઓ આભૂષણો વિનાની હતી. નગરની ચારે બાજુના બાગ ઉજ્જડ થઈ ગયા હતા. એટલે તેમણે કૃતવર્માને પૂછ્યું, ‘યાદવોની આ નગરી ભયભીત સ્ત્રીપુરુષોથી કેમ ઉભરાય છે? મને તેનું કારણ કહો.’

એટલે કૃતવર્માએ પહેલેથી છેલ્લે સુધી શાલ્વના આક્રમણની વાત કહી. આ સાંભળીને હવે શાલ્વનો વધ કરવો જોઈએ એ વિચારની ગાંઠ વાળી બધા લોકોને, ઉગ્રસેનને, વસુદેવને ધીરજ બંધાવી કૃષ્ણે કહ્યું,

‘આ નગરમાં બધા સાવચેત રહો. શાલ્વને મારવા જનારા મારી વાત સાંભળો. તેની હત્યા કર્યા વિના હું દ્વારકામાં પગ નહીં મૂકું. એને મારીને જ હું તમારું મોં જોઈશ.’

તેમને ધીરજ બંધાવી એટલે તેમણે કૃષ્ણને શાલ્વને મારવાની સંંમતિ આપી. તેમના આશીર્વાદ, બ્રાહ્મણોનાં સ્વસ્તિવચન ઝીલીને શ્રીકૃષ્ણે ઉગ્રસેનને પ્રણામ કર્યાં. સૈન્ય સજાવ્યું, સુંદર અશ્વવાળા રથમાં બેસીને પાંચજન્ય શંખ ફૂંક્યો. પછી ચતુરંગિણી સેના લઈને કૃષ્ણ અનેક દેશ, પર્વત, વન, સરોવર, નદીઓ વટાવી માત્તિર્કાવત દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં સાંભળ્યું કે શાલ્વ પાસે જ છે. એટલે તેમની પાછળ પાછળ શ્રીકૃષ્ણ ગયા. ઊછળતાં મોજાંવાળા સમુદ્રના કાંઠે જઈને જોયું તો શાલ્વ સમુદ્રની વચ્ચે છે. તે દુષ્ટાત્માએ શ્રીકૃષ્ણને જોંતાવેંત યુદ્ધ માટે પડકાર ફેંક્યો. શ્રીકૃષ્ણે અનેક બાણ વરસાવ્યાં પણ તેના નગર સુધી તે બાણ પહોંચતાં ન હતાં. તે પાપી, નીચ દૈત્ય સેંકડો બાણોની વર્ષા શ્રીકૃષ્ણ પર કરવા લાગ્યો. સૈનિકો, સારથિ, ઘોડા, રથ બાણ વડે છવાઈ ગયા. પણ એનો કશો વિચાર કર્યા વિના યુદ્ધ કરતા જ રહ્યા. શાલ્વના વીર યોદ્ધાઓએ શ્રીકૃષ્ણની સેના પર સેંકડો, હજારો બાણ વરસાવ્યા. ઘોડા, રથ, સારથિ બધા એ બાણો નીચે ઢંકાઈ ગયા. ન ઘોડા દેખાય, ન રથ, ન સારથિ, શ્રીકૃષ્ણ પણ દેખાતા ન હતા, તેમના સૈનિકો પણ દેખાતા ન હતા.

શ્રીકૃષ્ણે પણ હજારો મંત્રેલા બાણ ચલાવ્યા. શાલ્વ આકાશમાં હતો. એટલે શ્રીકૃષ્ણ કે તેમના સૈનિકો તેને જોઈ શકતા ન હતા. પછી તે સૈનિકોએ તાળીઓ પાડી, મોટે મોટેથી બૂમ પાડી. હવે શ્રીકૃષ્ણનાં બાણ આગમાં પતંગિયાં પ્રવેશે તેમ દાનવોનાં શરીરમાં પેસવા લાગ્યાં. શ્રીકૃષ્ણનાં તીખાં બાણોથી ઘવાઈને રાક્ષસો સમુદ્રમાં પડવા લાગ્યા. કપાઈ ગયેલા હાથપગવાળા, કપાયેલા ખભાવાળા કુરૂપ રાક્ષસો સમુદ્રમાં પડવા લાગ્યા. પછી શ્રીકૃષ્ણે ગાયના દૂધ જેવો, મોગરાના ફૂલ જેવો, ચંદ્ર જેવો, ચાંદી જેવો પાંચજન્ય શંખ ફૂંક્યો. સમુદ્રમાં પડી જતા રાક્ષસોને જોઈને માયાવી શાલ્વ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવી ગયો. પછી શ્રીકૃષ્ણ ઉપર જાતજાતનાં શસ્ત્રો વરસવા લાગ્યાં. શ્રીકૃષ્ણે માયાવી શાલ્વ સામે માયાનો જ પ્રયોગ કર્યો. અને જ્યારે બધું પારદર્શી થઈ ગયું ત્યારે શાલ્વ પર્વતનાં શિખરો ફેંકવા લાગ્યો. હવે ઘડીમાં અંધારું, ઘડીમાં અજવાળું થવા લાગ્યું. ક્યારેક આકાશ સ્વચ્છ લાગે, ક્યારેક વાદળોવાળું લાગે; ઘડીમાં ઠંડી તો ઘડીમાં ગરમી. આમ માયા પ્રયોજીને શાલ્વે યુદ્ધ કરવા માંડ્યું, આ બધાનો તાગ પામીને શ્રીકૃષ્ણે પણ માયાનો નાશ કર્યો અને તક મેળવીને બધી બાજુએથી બાણ ચલાવીને તેને વીંધ્યો. એટલામાં કૃષ્ણે જોયું તો આકાશમાં સો સૂર્ય જેવો પ્રકાશ જોયો. અચાનક સો ચન્દ્ર અને લાખો તારા જોયા. દિવસ છે કે રાત, આ પૂર્વ છે કે પશ્ચિમ એ પણ સમજાતું ન હતું. શ્રીકૃષ્ણને પણ ભ્રમ થયો. શ્રીકૃષ્ણે પ્રજ્ઞાઅસ્ત્ર ધનુષ પર ચઢાવ્યું અને ફંગોળ્યું. પછી ભયાનક યુદ્ધ થયું, શ્રીકૃષ્ણને બધે અજવાળું દેખાયું, એટલે ફરી શાલ્વ સાથે લડવા લાગ્યા. તેમને આમ લડતા જોઈ ફરી શાલ્વ આકાશમાં જતો રહ્યો. અને ત્યાંથી એ દુર્બુદ્ધિ શાલ્વ કૃષ્ણ ઉપર ગદા, શતદની, ત્રિશૂલ, ભૂસલ, તલવાર વગેરે વરસાવવા લાગ્યો. કૃષ્ણે પણ આવી રહેલાં જાતજાતનાં શસ્ત્રોને અધવચ્ચે જ અટકાવી દીધાં અને તેમના બબ્બે-ત્રણ ત્રણ ટુકડા કરી નાખ્યાં. આકાશ ગાજી ઊઠ્યું. ફરી શાલ્વે સેંકડો, હજારો બાણોથી શ્રીકૃષ્ણને અને તેમની સેનાને ઢાંકી દીધી.

દારુકે દુઃખી થઈને શ્રીકૃષ્ણને કહ્યું, ‘હું શાલ્વનાં બાણોથી ઘવાયો છું. યુદ્ધમાં સ્થિર રહેવું એ મારો ધર્મ છે એમ સમજી સ્થિર રહ્યો છું.’

સારથિની આવી વાત સાંભળીને શ્રીકૃષ્ણે તેની સામે જોયું તો આખી વાત સમજાઈ. તેમનું આખું શરીર બાણોથી વીંધાઈ ગયું હતું. વરસાદ પડવાથી પર્વત પરથી ગેરુના ઝરા વહે તેમ તેમના શરીરમાંથી લોહી વહેતું હતું. સારથિના હાથમાં લગામ હતી, તેમને દુઃખી જોઈને કૃષ્ણે ધીરજ બંધાવી.

તે જ વખતે દ્વારિકાથી કોઈએ ઉતાવળે આવીને કૃષ્ણને સંદેશો આપ્યો. ઉગ્રસેનનો સેવક બોલ્યો, ‘હે કૃષ્ણ, ઉગ્રસેને કહેવડાવ્યું છે તે સાંભળો. દ્વારકા ચાલ્યો આવ. તું ત્યાં યુદ્ધ કરી રહ્યો છે. એટલે યુદ્ધ બંધ કર, દ્વારકાની રક્ષા કર, એ જ તારી ફરજ છે.’

કૃષ્ણ તેની વાત સાંભળીને નક્કી ન કરી શક્યા કે હવે શું કરવું? શું ન કરવું? આ અપ્રિય સંદેશો સાંભળીને કૃષ્ણ મનમાં ને મનમાં સાત્યકિ, બળરામ, પ્રદ્યુમ્નની ટીકા કરવા લાગ્યા, એ ત્રણે પર દ્વારકાના રક્ષણની જવાબદારી સોંપ્યા પછી કૃષ્ણ ત્યાં ગયા હતા. તેમને થયું, બળરામ, સાત્યકિ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, સાંબ અને બીજા બધા જીવે તો છે ને! આ બધા જીવતા હોય તો ઇન્દ્ર જેવા ઈન્દ્ર પણ વસુદેવને મારી ન શકે. એટલે નક્કી કે બળરામ અને બીજા વીર પણ વસુદેવની જેમ મૃત્યુ પામ્યા છે. અને છતાં શાલ્વ સાથે યુદ્ધ કરવા લાગ્યા. કૃષ્ણે આકાશમાંથી વસુદેવને પડતા જોયા. પુણ્ય ખતમ થયાં પછી જેવી રીતે યયાતિ સ્વર્ગમાંથી પતન પામ્યા હતા તેવી રીતે વસુદેવ દેખાતા હતા. મેલી, ઉકલી ગયેલી પાઘડી, વિખરાયેલાં વસ્ત્ર-કેશવાળા વસુદેવ જાણે પુણ્ય ખતમ થઈ જવાથી તારો ખરતો ન હોય એવા લાગ્યા.

કૃષ્ણના હાથમાંથી ર્શાંઙ્ગ ધનુષ્ય નીચે પડી ગયું. મોહ પામીને તે રથમાં બેસી ગયા. બંને હાથ અને પગ ફેલાવીને પડી રહેલા વસુદેવ જાણે કોઈ પંખીની જેમ પડી રહ્યા હતા. અનેક યોદ્ધાઓ નીચે પડી રહેલા વસુદેવને મારતા હતા. પછી ભાનમાં આવીને કૃષ્ણે જોયંુ તો કોઈ ન હતું — શાલ્વ નહીં, વસુદેવ નહીં.

એટલે તેમને લાગ્યું કે એ બધી માયા હતી. પછી ફરી બાણવર્ષા કરવા લાગ્યા. એ બાણોથી ઋષિઓના દ્વેષી રાક્ષસોનાં મસ્તક કપાઈ કપાઈને નીચે પડવા લાગ્યાં. પછી સાપ જેવા ઝેરીલાં, તેજસ્વી બાણ શાલ્વ ઉપર શ્રીકૃષ્ણ છોડવા લાગ્યા. ફરી બધું અદૃશ્ય થઈ ગયું, શ્રીકૃષ્ણ કશું જોઈ ન શક્યા. શ્રીકૃષ્ણ જ્યારે સ્વસ્થ થયા ત્યારે વિકૃત મોં અને કેશવાળા રાક્ષસો બરાડવા લાગ્યા. તેમને મારવા શ્રીકૃષ્ણે શબ્દવેધી બાણ તૈયાર કર્યું એટલામાં તેમના અવાજ બંધ થઈ ગયા. પણ જે રાક્ષસો મોટે મોટેથી બરાડા પાડતા હતા તે બધાને શ્રીકૃષ્ણે શબ્દવેધી બાણ વડે મારી નાખ્યા. એ અવાજો બંધ થયા એટલે ફરી બીજી બાજુથી અવાજ સંભળાયા. એ બાજુ શ્રીકૃષ્ણે બાણ ચલાવી રાક્ષસોને મારી નાખ્યા. પછી તો દસે દિશાએથી, ઉપરથી-નીચેથી તે અસુરો બરાડા પાડવા લાગ્યા અને શ્રીકૃષ્ણે એ બધાને મારવા માંડ્યા. પછી શ્રીકૃષ્ણ પ્રાગ્જ્યોતિષપુરમાં જઈને મોહ પમાડી રહેલા સૌભને જોયો. બધા લોકોનો વધ કરવા માગતા, વાનર જેવા શરીરવાળા દાનવોએ પથ્થરો ફેંકવા માંડ્યા. અને શ્રીકૃષ્ણને ઢાંકી દીધા. પર્વતોના ફેંકાવાને કારણે શ્રીકૃષ્ણ તેમના ઘોડા સારથિ સમેત ઢંકાઈ ગયા. સૈનિકો ગભરાઈને ભાગી ગયા. શ્રીકૃષ્ણ દેખાતા બંધ થયા એટલે ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. શ્રીકૃષ્ણના મિત્રો-સ્વજનો આક્રંદ કરવા લાગ્યા. શત્રુઓ રાજી થયા, મિત્રો દુઃખી થયા. તે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમના કાને વાત આવી, શાલ્વે શ્રીકૃષ્ણને જીતી લીધા છે. પછી શ્રીકૃષ્ણે વજ્ર વડે પર્વતોનો નાશ કર્યો. પર્વતોની નીચે દબાયેલા તેમના ઘોડા ધૂ્રજવા લાગ્યા. વાદળોમાંથી જેમ સૂરજ નીકળે તેમ શ્રીકૃષ્ણને પર્વતોમાંથી બહાર નીકળેલા જોઈ સ્વજનો આનંદ પામ્યા. પછી હાથ જોડીને સારથિએ શ્રીકૃષ્ણને કહ્યું, ‘જુઓ, ત્યાં શાલ્વરાજા ઊભો છે. તેની ઉપેક્ષા ન કરો. હવે શાલ્વ સાથે મિત્રતાનો કે કોમળતાનો વ્યવહાર જવા દો. શાલ્વને જીવતો જવા ન દેતા. બધાં જ પરાક્રમ કરીને શત્રુનો વધ કરવો જોઈએ. બળવાને પણ દુર્બળ શત્રુની ઉપેક્ષા ન કરવી જોઈએ. જો શત્રુ ઘરમાં હોય તો તેને પણ મારી નાખવો જોઈએ, પછી યુદ્ધમાં ઊભેલા શત્રુની તો વાત જ શી? હવે સમય વેડફ્યા વિના તેને મારી નાખો. તે સમજાવટથી વશ નહીં થાય, તે કંઈ તમારો મિત્ર નથી, તમારી સાથે તેણે યુદ્ધ કર્યું હતું, દ્વારિકામાં તોફાન મચાવ્યું હતું.’ સારથિની વાતો શ્રીકૃષ્ણને સાચી લાગી, તેમણે સારથિને કહ્યું, ‘તું થોડી વાર સ્થિર રહે.’ પછી શ્રીકૃષ્ણે દિવ્ય, અભેદ્ય, મહાશક્તિવાળું, પ્રકાશિત આગ્નેય અસ્ત્ર આકાશમાં ફંગોળ્યું. આ અસ્ત્ર યક્ષ, રાક્ષસ, દાનવો, દુષ્કર્મીઓને ભસ્મ કરી નાખે તેવું હતું. યમ જેવું ભયાનક અસ્ત્ર શત્રુનાશી હતું. તે સુદર્શન ચક્ર જ હતું. યમ જેવું ભયાનક અસ્ત્ર શત્રુનાશી હતું. તે સારથિનું ચક્ર જ હતું. તેના પર મંત્ર ભણ્યા અને કહ્યું.‘અહીં મારા જે શત્રુઓ છે, તેમનો આ સૌભનો નાશ કર.’ આકાશમાં જઈ રહેવું એ ચક્ર પ્રલયકાળમાં દેવતાના બીજા સૂર્ય જેવું હતું. એ ચક્રના સ્પર્શથી જ સૌભ તેજહીન થઈ ગયું, ઊંચે આકાશમાં રહેલા સૌભને કરવત વૃક્ષને વહેરે તેમ વહેરી નાખ્યું. જેવી રીતે શિવનાં બાણોથી ત્રિપુરાસુરનું નગર પૃથ્વી પર પડ્યું હતું તેવી રીતે સુદર્શન ચક્રે એ નગરને બે ભાગમાં વહેરી નાખ્યું અને પછી એ ચક્ર શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયું. ફરી શ્રીકૃષ્ણે ‘શાલ્વને મારી નાખ’ કહી ચક્ર ફંગોળ્યું. શાલ્વે એક મોટી ગદા ચક્ર સામે ફેંકી, પણ એ ગદા અને શાલ્વ — બંનેના ટુકડા ચક્રે કરી નાખ્યા. શાલ્વનું મૃત્યુ થયું એટલે હાહાકાર કરતા દાનવો ચારે દિશાઓમાં ભાગી ગયા.

શ્રીકૃષ્ણે પોતાના રથને સૌભ પાસે ઊભો રાખી આનંદથી શંખ વગાડ્યો. સૌભનગર મેરુ શિખરની જેમ સળગવા લાગ્યું. ત્યારે તેના ગોપુર — અટ્ટાલિકાને સળગતા જોઈ ત્યાંની સ્ત્રીઓ પણ ભાગી ગઈ. એ રીતે શ્રીકૃષ્ણે યુદ્ધમાં શાલ્વનો વધ કરીને દ્વારિકામાં પ્રવેશ કર્યો અને સ્વજનોને પ્રસન્ન કર્યા.

(આરણ્યક પર્વ, ૧૫થી ૨૩)