ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/અગત્સ્યને આભરણોની પ્રાપ્તિ


અગત્સ્યને આભરણોની પ્રાપ્તિ

(રામચંદ્રે અગત્સ્યનાં સુંદર આભરણો જોઈ પૂછ્યું કે આ તમને ક્યાંથી, કેવી રીતે મળ્યાં ત્યારે ઋષિએ એની કથા કહી.)

ત્રેતાયુગમાં બહુ વિશાળ એવું એક વન મૃગ કે પક્ષીઓ વિનાનું હતું, વળી તે નિર્જન હતું. ત્યાં હું ઉત્તમ તપ કરવા માગતો હતો, એ અરણ્ય જોવા એક વેળા હું નીકળી પડ્યો. ત્યાં અનેક સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષ હતાં. તેને પૂરેપૂરું તો કોણ જાણી શકે? તે અરણ્યની વચ્ચે એક યોજનના વિસ્તારવાળું એક સરોવર હતું. ત્યાં સુંદર કમળ હતાં, શેવાળ ન હતી. અચરજ તો એ વાતનું કે તેનું પાણી સ્વાદિષ્ટ હતું; સ્વચ્છ હતું, કાંઠે અનેક પક્ષીઓ હતાં. સરોવર પાસે એક અદ્ભુત આશ્રમ હતો, તે પ્રાચીન હોવા છતાં કોઈ તપસ્વી ત્યાં ન હતા. ગ્રીષ્મ ઋતુમાં એક રાત્રિ હું તે આશ્રમમાં જ રહ્યો અને સવારે સ્નાન કરવા કાંઠે ગયો. ત્યાં મેં એક ભરાવદાર શબ જોયું. ઘડીભર હું ત્યાં કિનારે બેસીને વિચારવા લાગ્યો, આ કોનું શબ હશે? પછી થોડી વારે એક દિવ્ય અને અદ્ભુત દૃશ્ય આંખે પડ્યું. હંસના વાહનવાળું એક મનોવેગી વિમાન આવ્યું. તેમાં એક ઉત્તમ રૂપવાળો, આભરણોથી શોભતો પુરુષ બેઠો હતો. તેની આસપાસ ઉત્તમ આભૂષણો પહેરેલી હજાર અપ્સરાઓ ગાતી હતી, વાદ્યો વગાડતી હતી. પછી તે પુરુષ પાણી પીવા સરોવરમાં ઊતર્યો. પાણી પીને ઇચ્છા પ્રમાણે માંસ આરોગીને, પછી તે સ્વર્ગીય પુરુષ વિમાનમાં ચઢવા ગયો ત્યારે હું બોલ્યો, ‘તમે દેવતુલ્ય કોણ છો? આવો નિંદ્ય આહાર કેમ ખાઓ છો? આવું શબ ભોજનયોગ્ય નથી.’

મારી વાત સાંભળીને તે પુરુષે હાથ જોડીને મને કહ્યું, ‘તમે જો સાંભળવા માગતા હો તો મારા સુખદુઃખની વાત સાંભળો ત્યારે. તેનું નિવારણ થઈ ન શકે તેવું છે. ભૂતકાળમાં સુદેવ નામના રાજા વિદર્ભ દેશમાં થઈ ગયા. તે મહાપરાક્રમી હતા, તેજસ્વી હતા. બે સ્ત્રીઓથી બે પુત્રો જન્મ્યા. હું શ્વેત અને ભાઈ સુરથ. પિતાનો સ્વર્ગવાસ થયો એટલે મારો રાજ્યાભિષેક થયો. ધર્મપૂર્વક મેં હજાર વર્ષ રાજ્ય કર્યું. કોઈક રીતે હું મારું આયુષ્ય જાણી ગયો એટલે વનમાં ગયો. પશુપક્ષી વિનાના આ ઘોર વનમાં સરોવર કાંઠે તપ કર્યું. હવે સુરથ રાજ્ય ચલાવતો હતા, ત્યાં ત્રણ હજાર વર્ષ તપ કરીને હું બ્રહ્મલોકમાં ગયો. સ્વર્ગમાં હોવા છતાં મને ભૂખતરસ સતાવતાં હતાં. આકળવિકળ થયો એટલે બ્રહ્મા પાસે જઈને મેં કહ્યું, ‘ભગવાન, સામાન્ય રીતે બ્રહ્મલોકમાં ભૂખતરસ ન લાગે પણ મને કેમ લાગે છે? મારે શો આહાર કરવો?’ એટલે બ્રહ્માએ કહ્યું, ‘તારું પોતાનું શરીર જ તારો આહાર બનશે. ઉત્તમ તપ છતાં તેં તારું શરીર પુષ્ટ કરેલું છે. તેં માત્ર તપ જ કર્યું છે, દાન જરાય કર્યું નથી. એટલે જ સ્વર્ગમાં હોવા છતાં તને ભૂખતરસ હેરાન કરે છે. એટલે તું તારા જ પુષ્ટ શરીરનો આહાર કર. જ્યારે અગત્સ્ય ઋષિ આવશે ત્યારે તું શાપમુક્ત થઈશ. તેઓ તો દેવતાઓનો ઉદ્ધાર કરવા પણ સમર્થ છે તો ભૂખતરસથી પીડાતા તારા જેવાને તારવો તો બહુ સહેલું છે.’

બ્રહ્માની આ વાત સાંભળ્યા પછી હું નિત્ય આવો આહાર કરું છું. વર્ષો વીતી ગયાં, આ શરીર ખૂટતું નથી, મને પણ તૃપ્તિ થતી નથી. એટલે હવે તમે જ મને મુક્ત કરો, તમે જ અગત્સ્ય ઋષિ છો. અહીં બીજું કોઈ તો આવી જ ન શકે. હું તમને આ આભરણો આપું છું, તે તમે ગ્રહણ કરો, મારા પર ઉપકાર કરો.’

મેં તેના પર કૃપા કરવા આ આભરણો સ્વીકાર્યાં. એટલે તેનો જાણે નવો જન્મ થયો. ઇન્દ્રનાં આભરણો જેવાં જ આ છે.’

(ઉત્તરકાંડ, ૬૯)—સમીક્ષિત વાચના