ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/પ્રપંચબુદ્ધિ નામના ગોરજીની કથા

From Ekatra Wiki
Revision as of 02:59, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રપંચબુદ્ધિ નામના ગોરજીની કથા

ઘણા દિવસ પૂર્વે, પ્રપંચબુદ્ધિ નામનો એક ગોરજી પાટલીપુત્ર નગરમાં આવેલા મારા સભામંડપમાં દરરોજ આવી, મને એક દાબડો અર્પણ કરી જતો હતો, ને એક વર્ષ પર્યંત જેવો તે દાબડો આપતો તેવો ને તેવો, ઉઘાડ્યા વગર જ ભંડારીના હાથમાં સોંપી દેતો હતો. એક દિવસે તે ગોરજીએ જેવો મારા હાથમાં આ દાબડો આપ્યો કે નસીબયોગે તે મારા હાથમાંથી છટકી, જમીન પર પડ્યો અને તૂટીને તેના બે કટકા થઈ ગયા; તેમાંથી અગ્નિ જેવું ઝળઝળાટ તેજસ્વી એક રત્ન નીકળ્યું, તે રત્ને પ્રથમ મારા જાણવામાં ન આવ્યું હોય તેવું પોતાનું હૃદય ખુલ્લું કરી આપ્યું. તે રત્નને જોઈ મેં સઘળા દાબડા મંગાવ્યા. તેને ભાંગ્યા તો તે સઘળામાંથી મને રત્નો મળ્યાં. મને આશ્ચર્ય લાગ્યું, પછી મેં તે ગોરજીને પૂછ્યું, ‘અરે! તું આવા ઉમદાં રત્નો હંમેશાં દાબડામાં ગુપ્ત મૂકીને શા માટે અર્પણ કરે છે?’ તે ગોરજીએ સઘળા માણસોને દૂર કરી, એકાંતમાં મને કહ્યું, ‘અરે વીર! હવે જે કાળી ચૌદશની રાત્રિ આવે છે, તે દિવસે રાત્રિએ હું નગર બહાર સ્મશાનમાં જઈ એક વિદ્યાની સાધના કરવાનો છું; ત્યાં સહાય કરવા માટે તમે આવો એમ મારી માંગણી છે. શૂરવીરની સહાયતાથી સર્વ સિદ્ધિઓ વિઘ્ન વગર સહેજમાં મળી શકે છે.’ પછી તે ગોરજીનું કહેવું મેં સ્વીકાર્યું, એટલે તે ગોરજી ખુશ થતો પોતાને ઘેર ગયો. કેટલાએક દિવસો ગયા કેડે કાળીચૌદશ આવી. મને તે ગોરજીનું વચન યાદ આવ્યું. મેં તે દિવસે કરવાનું કામ ઝટપટ આટોપી દીધું, હું સંધ્યાકાળની વાટ જોતો બેઠો. સાયંકાળ થઈ ત્યારે મેં સંધ્યા વગેરે કર્મ કર્યા. કર્મધર્મયોગે મને ઝટ નિદ્રા આવી ગઈ. તેમાં એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન્ ભક્તવત્સલ હરિનાં દર્શન થયાં. તે ગરુડ ઉપર બેઠા હતા, તેના ખોળામાં લક્ષ્મી દેવી બીરાજ્યાં હતાં. આ હરિએ મને એમ કહ્યું, ‘હે પુત્ર! પ્રપંચબુદ્ધિ પોતાના નામ પ્રમાણે ઘણો પ્રપંચી છે. તે મંડળનું પૂજન કરાવવા માટે તને સ્મશાનમાં લઈ જઈ મારી નાખશે માટે, તે હિંસક જે કામ કરવાનું તને કહે તે કામ તારે કરવું નહીં, પણ તેને તારે કહેવું કે, ‘પ્રથમ તું એ કર, હું તે કામ શીખ્યા પછી કરી બતાવીશ.’ એટલે તે ગોરજી પ્રથમ કરી બતાવશે. પછી તારે તેની રહસ્ય બાબત જાણી, તે દ્વારા જ તેને ઠાર કરવો. એથી તને સિદ્ધિ પ્રાપ્ત થશે.’ આટલું બોલી વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા. હું નિદ્રામાંથી જાગી ઊઠ્યો અને વિચાર કરવા લાગ્યો કે ‘તે ગોરજી કપટી અને વધ કરવા લાયક છે. આવી રીતે પરમેશ્વર પાસેથી જ આજે મારા જાણવામાં આવ્યું.’ એમ વિચાર કરતાં રાત્રિનો પ્રથમ પહોર વટી ગયો. હું હાથમાં ઉઘાડી તરવાર લઈ એકલો સ્મશાનમાં ગયો. પેલે ગોરજીએ મંડળની પૂજા કરી લીધી હતી. હું તેની પાસે ગયો. ગોરજી મને આવેલો જોઈ ઊભો થયો અને માન આપીને બોલ્યો: ‘રાજન્! તમે બન્ને આંખો મીંચી, મુખ નીચું કરી, જમીન ઉપર અંગને ફેલાવી પગે લાગો. જમીન ઉપર સૂઈ, પગે લાગવાથી મને અને તમને બન્નેને સિદ્ધિ પ્રાપ્ત થશે.‘ તે સાંભળીને હું બોલ્યો: ‘પ્રથમ તું મને એ સર્વે કરી બતાવ એટલે તેના ઉપરથી શીખીને હું તેમ કરીશ.’ તે સાંભળી મૂર્ખ ગોરજી જમીન ઉપર અંગ ફેલાવીને પડ્યો અને કેમ કરવું તે બતાવવા લાગ્યો ત્યાં મેં તરવાર મારીને તેનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. તે જ વખતે આકાશવાણી થઈ, ‘રાજા! તેં આ ગોરજીને મારી તેનું બલિદાન આપ્યું તે ઘણું સારું કર્યું. કારણ કે તે ઘણો જ પાપી હતો. હું કુબેર તારી ધીરજ જોઈ, ઘણો પ્રસન્ન થયો છું. આ ગોરજી આકાશમાં ફરવાની જે સિદ્ધિ સાધતો હતો તે આજથી તને સિદ્ધ થઈ છે, આ વર તો તને તારી ધીરજના પ્રતાપમાં મળ્યો છે. હવે બીજી જે ઇચ્છા હોય તે ઇચ્છાનુસાર વરદાન મારી પાસેથી માંગી લે.’ આકાશવાણી એ પ્રમાણે કહી, પછી કુબેર પ્રત્યક્ષ થયા. હું તેમને પ્રણામ કરીને બોલ્યો, ‘મહારાજ! જ્યારે હું આપની પ્રાર્થના કરું ત્યારે મારા સ્મરણ વખતે આપ મારી પાસે પધારી મને ઉપયોગી વર આપજો.’ તે સાંભળી કુબેરે કહ્યું, ‘ઠીક, એમ કરીશ.’ અને પછી તે અંતર્ધાન થઈ ગયા, ને હું સિદ્ધિ મેળવી ઘેર આવ્યો.’

આવી રીતનું મારું વૃત્તાંત છે તે તને કહી બતાવ્યું. એ પ્રમાણે હું કુબેરના વરદાનથી મદનમાલાનો બદલો વાળીશ, અને હવે તમે વેશમાં ઢંકાએલાં રાજપુત્ર આદિ માણસોને લઈને પાટલીપુત્ર નગરમાં જાઓ; અને હું પુન: તેની પાસે આવવા માટે, મારી પ્રિયા મદનમાલાની સેવાનો બદલો વાળી, હમણાં ઘેર આવું છું.’ આ રીતે કાર્યભારીને કહી વિક્રમાદિત્ય રાજાએ સંધ્યા વગેરે દિવસનાં કાર્ય કરી, કાર્યભારી સાથે આવેલાં માણસોને ઘેર મોકલ્યાં, માણસો ગયા પછી રાજા, ભવિષ્યમાં વિરહ થવાનો હતો તેથી ઘણો ઉત્કંઠિત બની ગયો ને તે આખી રાત્રિ મદનમાલા સાથે ગાળી. તેમ જ વેશ્યા મદનમાલાએ પણ હવે રાજાનો વિરહ થશે એમ સૂચવતા અંત:કરણપૂર્વક, વારંવાર રાજાનું આલિંગન કરી, તે આખી રાત્રિ ઉજાગરામાં ગાળી કાઢી. રાત્રિ વહી ગઈ ને પ્રભાત થયું. રાજા સ્નાન કરી પ્રભાતમાં અવશ્ય કરવાનાં સંધ્યા વગેરે કર્મ કરી, જપ કરવાનું બહાનું કાઢી, હંમેશાનાં દેવપૂજન કરવાનાં મંદિરમાં એકલો પ્રવેશ્યો. મંદિરની અંદર જઈ કુબેરનું સ્મરણ કર્યું. પ્રથમ વર આપવાનું કબૂલ કરનાર કુબેર પ્રગટ થયા. કુબેરને પ્રણામ કરી રાજા નીચે પ્રમાણે વર માંગવા લાગ્યો: ‘મહારાજ! આપે પ્રથમ મને વર આપવા માટે કબૂલ કર્યું છે માટે આજે અહીં જ મને સોનાના પાંચ એવા અક્ષય પુરુષો આપો કે કોઈ મનુષ્ય પોતાના મનગમતા વૈભવ માણવા માટે તે પુરુષોના અવયવો હંમેશાં કાપી વાપરે તો પણ અવયવ જેવા હોય તેવા ને તેવા જ સદાકાળ રહે.’ કુબેર બોલ્યા: ‘તું જેવા પુરુષ માટે ઇચ્છા રાખે છે તેવા પુરુષો તને મળશે.’ આટલું કહી એક ક્ષણમાં અંતર્ધાન થઈ ગયા અને તે રાજાએ પણ તે જ વખતે દેવમંદિરમાં સોનાના પાંચ મોટા પુરુષોને ઊભેલા જોયા. પછી પોતે હર્ષભેર દેવમંદિરની બહાર નીકળી, તે જ વખતે આકાશમાં ઊડી, પાટલીપુત્ર નગરમાં ગયો — જો કે પોતે લીધેલી પ્રતિજ્ઞા વિસરી ગયો ન હતો. રાજાને નગરમાં આવ્યો જોઈ અંત:પુુરના મનુષ્યોએ, કાર્યભારીઓએ અને શહેરના માણસોએ તેને ઘણું માન આપ્યું. રાજા રાજ્યનાં કાર્ય કરવા લાગ્યો, પરંતુ તેનું મન પ્રતિષ્ઠાનપુરમાં હતું, કારણ કે હજી સુધી તેની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ન હતી.

હવે પ્રતિષ્ઠાનપુરમાં એવું બન્યું કે જ્યારે રાજાને દેવમંદિરમાં પેઠાને ઘણી વાર થઈ ત્યારે, મદનમાલાએ પોતાના પ્રિયતમ રાજાને જોવા માટે દેવમંદિરમાં પ્રવેશ કીધો પણ અંદર જઈ જુવે છે તો ક્યાંય પ્રિયવર રાજાને દીઠો નહીં, પણ તેને બદલે સોનાના પાંચ ભવ્યાકૃતિના પુરુષો તેના જોવામાં આવ્યા. આવા મોટા સોનાના પાંચ પુરુષોને દીઠા, પણ પ્રિયતમનાં દર્શન થયાં નહીં એટલે અફસોસમાં પડી તે વિચાર કરવા લાગી: ‘ખરેખર, મારો તે પ્રિયતમ કોઈ વિદ્યાધર અથવા તો કોઈ ગંધર્વ હશે! જે આ પાંચ ભવ્યાકૃતિના પુરુષો મને અર્પણ કરીને આકાશમાર્ગે ચાલ્યો ગયો છે. હવે હું તે પતિ વગરની એકલી રહીને, ભારરૂપ થયેલા તે સુવર્ણના પુરુષોને શું કરું? પ્રિયતમ વગર સર્વ વ્યર્થ છે.’ આમ વિચાર કરી, પોતાની આસપાસનાં માણસોને તે રાજાના સમાચાર, વારંવાર પૂછવા લાગી, અને પછી ઘરની બહાર નીકળી ચારે તરફ ભટકી, ધરતી પાસેના ઉપવનમાં બેઠી, તો પણ તેને ક્યાંય સુખ મળ્યું નહીં. તે પ્રિયતમ વિરહની વારંવાર વિલાપ કરવા માંડી અને મરવા માટે તૈયાર થઈ. તે જોઈ ઘરમાં રહેનારાં મનુષ્યોએ મદનમાલાને કહ્યું: ‘દેવિ! તમે અફસોસ કરો મા. તે કોઈ પોતાની ઇચ્છા પ્રમાણે કરનારો વિદ્યાધર કે ગંધર્વ હશે. તે જ્યારે પોતાની ઇચ્છામાં આવશે ત્યારે તમારી પાસે આવશે; કારણ કે તમારું રૂપ કંઈ સાધારણ નથી; તમે ઘણાં જ અનુપમ સુંદરી છો.’ આવાં વાક્યો કહી મદનમાલાને આશા આપી, જેમ તેમ કરીને ઠેકાણે પાડી. પછી મદનમાલાએ પ્રતિજ્ઞા કરી કે, જો તે દેવતા મને છ માસની અંદર દર્શન આપશે નહીં, તો હું મારું સર્વસ્વ લુંટાવી અગ્નિમાં બળી મરીશ. આવી પ્રતિજ્ઞાથી પોતાના દેહને ટકાવી રાખી, દરરોજ તે દાન પુણ્ય કરવા લાગી અને પોતાના પ્રિયતમનું વારંવાર ચિંતન કરવા લાગી. એક દિવસ દાનતત્પર વેશ્યાએ, પેલા સોનાના પાંચ પુરુષોમાંના એક પુરુષના બે હાથ કાપી બ્રાહ્મણોને દાનમાં આપ્યા. રાત્રે પાછા જેવા હતા તેવા થઈ રહ્યા. બીજે દિવસે મદનમાલા જ્યાં કાપેલા હાથવાળા પુરુષને જુવે છે તો તેના હાથ જેવા હતા તેવા પૂર્વવત્ થઈ ગયેલા તેના જોવામાં આવ્યા. તે વેશ્યા તેથી બહુ આશ્ચર્ય પામી ગઈ. પછી તે દિવસે વળી બીજા પુરુષના હાથ પણ તેમ જ નવા ઉત્પન્ન થયા. આવી રીતે દાન આપવા માટે એક પછી એક પાંચે પુરુષોના હાથ કાપી નાંખ્યા તો તે સઘળાના હાથ પાછા તેમના તેમ જ નવા ઉત્પન્ન થયા. આ જોઈ કલ્યાણી મદનમાલા, તે પુરુષોને અક્ષય-નાશરહિત જાણી, તે પુરુષોના હાથ કાપીને તેમાંથી દરેક વિદ્યાઅભ્યાસ કરનારા બ્રાહ્મણને દરરોજ ચાર ચાર હાથ દાનમાં આપવા લાગી. થોડા દિવસમાં તે વેશ્યાના દાનની કીર્તિ બધી દિશાઓમાં પ્રસરી રહી અને તે વૃત્તાંત પાટલીપુત્રમાં વસનારા સંગ્રામદત્તના જાણવામાં આવ્યું. તે વેદ ભણ્યો હતો. તે બ્રાહ્મણ ગુણવાન્ હતો, છતાં દરિદ્રી હતો. તે દાન લેવા માટે પાટલીપુત્ર નગરથી પ્રતિષ્ઠાનપુર ગયો અને વેશ્યાના ઘર આગળ જઈ પ્રતિહારને તે વાર્તા જણાવી, તુરત દ્વારપાળે ખબર આપીેને વેશ્યાની આજ્ઞા થવાથી તે બ્રાહ્મણને અંદર લેઈ ગયો. ત્યાં મદનમાલા વેશ્યાએ તે બ્રાહ્મણનું પૂજન કરી સોનાના પુરુષના ચાર હાથ તેને દાનમાં આપ્યા. બ્રાહ્મણ વેશ્યાને જુવે છે તો તેના અવયવો, વ્રત કરવાથી દૂબળાં અને પ્રિયતમના વિરહથી ફિકા પડી ગયેલા જણાયા. તે જોઈ બ્રાહ્મણે તેના પરિજનોને પૂછ્યું, ‘આવી દિલગીરીનું કારણ શું છે?’ તે વેશ્યાના દુઃખથી અત્યંત આર્ત બનેલાં તેનાં પરિજનોએ ઇત્થંભૂત વૃત્તાંત — ભયંકર પ્રતિજ્ઞા લીધા પર્યંતનું, તેને કહી સંભળાવ્યું. પેલો બ્રાહ્મણ તેનું વૃત્તાંત સાંભળી ખેદ પામ્યો; પણ સુવર્ણ મળવાથી પ્રસન્ન થયેલો, તે બે ઊંટ ઉપર સોનાના હાથને મૂકી, પોતાના નિવાસસ્થાન પાટલીપુત્ર નગરમાં ગયો.

શહેરમાં પેઠા પછી તે બ્રાહ્મણને વિચાર થયો કે મારા આ સુવર્ણની રક્ષા જો રાજા કરશે નહીં તો તે મારી પાસે રહેવું મુશ્કેલ છે; કેમ કે તેને કોઈ ચોરી ગયા વગર રહેશે નહિ. આમ વિચાર કરી જ્યાં સભામંડપમાં રાજા વિક્રમ બિરાજ્યા હતા ત્યાં જઈ તેની પ્રાર્થના કરવા લાગ્યો: ‘મહારાજ! હું આ નગરમાં વસું છું. જાતે બ્રાહ્મણ છું. હું દરિદ્રી હતો માટે ધન મેળવવા સારુ દક્ષિણ દેશમાં આવેલા નૃસિંહ રાજાના પ્રતિષ્ઠાનપુરમાં ગયો. તે શહેરમાં એક મદનમાલા નામની વિખ્યાત કીર્તિવાળી ગણિકા રહે છે. તેને ઘેર દાન લેવા માટે હું ગયો હતો. આ વેશ્યાની પાસે કોઈ એક દિવ્ય પુરુષ ઘણા દિવસ રહી, સોનાના પાંચ અક્ષય પુરુષો આપી ક્યાંક અલોપ થઈ ગયો છે. તે દિવ્ય પુરુષની વિરહવેદનાથી અત્યંત આતુર બનેલી તે વેશ્યા, જીવતરને ઝેરની વેદના જેવું ગણવા લાગી; દેહને નિષ્ફળ ગણવા લાગી અને ભોજન કરવાને મહેનતરૂપ ગણવા લાગી અને ચોરી જેવું દુઃખ ગણવા લાગી. તે ધીરજ વગરની થઈ રહી હતી. પછી તેના નોકરો ચાકરોએ તેને મહામુસીબતે સમજાવી, ત્યારે તે સ્વતંત્ર સ્ત્રીએ પ્રતિજ્ઞા કરી: ‘જો તે દેવ છ માસમાં મારી સંભાળ લેશે નહીં, તો હું મારા દેહને અભાગી માની અગ્નિમાં બળી મરીશ.’ આવી રીતે પ્રતિજ્ઞા કરી, નિશ્ચય કરી, તે વેશ્યા દરરોજ ઘણું મોટું પુણ્ય મેળવવાની ઇચ્છાથી દાન આપે છે. મહારાજ! મેં તે સ્ત્રીને દીઠી છે. તેનું શરીર ઉપવાસ કરવાથી ઘણું દુર્બળ થઈ ગયું છે; અને ચાલતી વખતે તેના પગ લંગડાય છે. આવી સ્થિતિમાં આવ્યા છતાં પણ તે ઘણી મનોહર દેખાય છે. તે સુંદરી મદજલ વડે ભીંજાયેલી શૂંડ ઉપર ભેળા થયેલા ભ્રમરગણથી વિંટાયેલી એમ અર્થ સંભવે છે. વંટાિયેલી અને માઠી અવસ્થામાં આવેલી કામદેવરૂપ હાથીની મૂતિર્માન મદોન્મત અવસ્થા હોય તેવી જણાય છે. હું કબૂલ કરું છું કે, જે પ્રિયતમે તેવી સુંદરીનો ત્યાગ કર્યો છે, તે એક વાતે નિંદાપાત્ર છે અને એક વાતે પ્રશંસાપાત્ર પણ છે; કારણ કે તે પતિના વિરહથી તે સુંદરી પોતાનો દેહ ત્યાગ કરે છે. તે સ્ત્રીએ ચાર વેદ જાણનાર મને, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચાર વેદ ભણ્યો છું, તેથી, ચાર સોનાના હાથ આપ્યા છે. હું તે ધનમાંથી એક ઉત્તમ યજ્ઞશાળાવાળું ઘર બનાવી, તેમાં સ્વધર્મનું આચરણ કરી રહેવા ઇચ્છું છું; માટે ધન સાચવવામાં આપ મારા ઉપરી તરીકે મદદ કરો.’

રાજા વિક્રમાદિત્ય, બ્રાહ્મણ પાસેથી પોતાની પ્રિયાની વાર્તા સાંભળી તરત તેના ઉપર મોહિત થઈ ગયો. અને પ્રતિહારને, આ બ્રાહ્મણની મરજી પ્રમાણે કરવાની આજ્ઞા આપી, વિચાર કરવા લાગ્યો કે જે સ્ત્રીએ મારા ઉપર ગાઢો પ્રેમ કરી, પોતાના જીવનને પણ તૃણ માફક તુચ્છ ગણી કાઢ્યું છે, અને જેના દેહને નાશ થવામાં પણ હવે થોડો વખત બાકી છે, તે સ્ત્રીને હવે મારે સત્વર મળવું જોઈએ. આમ વિચાર કરતાં મદનમાલાની અને પોતાની પ્રતિજ્ઞા સિદ્ધ કરવા માટે, રાજાને એકદમ ઉત્કંઠા થઈ ગઈ. પછી પોતાનું રાજ્ય મંત્રીને સોંપ્યું અને પોતે આકાશમાર્ગે પ્રતિષ્ઠાનપુરમાં વેશ્યાને ઘેર ગયો. ત્યાં પોતાની પ્રિયાને નવા રૂપમાં જોઈ. તેનાં વસ્ત્ર ચાંદની જેવાં સ્વચ્છ હતાં, ઘરનો વૈભવ માત્ર પંડિત બ્રાહ્મણોને સોંપી દીધો હતો; તે શરીરે દુર્બળ બની ગઈ હતી, સફેદ ચાંદનીરૂપ વસ્ત્રથી ઢંકાયેલી, દેવતાઓને પોતાનું તેજ માત્ર અર્પણ કરવાથી દુર્બળ જણાતી અમાવાસ્યાની ચંદ્રકલા જેવી દિસતી મદનમાલા રાજાની નજરે પડી. મદનમાલા પણ નેત્રને અત્યંત ઠંડક આપનારા રાજાને અકસ્માત ્આવ્યા જોઈ, ક્ષણવાર ગાંડા જેવી બની ગઈ. થોડી વાર પછી તે ઊભી થઈ. રખેને એ નાસી જાય એવા ભયથી જાણે આલિંગન કરતી હોય તેમ તે રાજા વિક્રમાદિત્યના કંઠનું બે બાહુરૂપી પાશથી આલિંગન કરવા લાગી; અને ઘર્ઘરા સ્વરે બોલી: ‘ઓ નિર્દય પ્રિયે! આ નિરપરાધી સ્ત્રીનો ત્યાગ કરી, તમે ક્યાં નાસી ગયા હતા? મારો અપરાધ શું છે?’ આમ બોલી તે રડવા લાગી, રાજા બોલ્યો; ‘અરે! ડર મા. અંદર ચાલ, તને એકાંતમાં સઘળું કહું છું.’ આમ કહી પોતે તે સ્ત્રી સાથે એકાંતમાં ગયો. તે વેળા મદનમાલાનાં પરિજનોએ પણ તેને માન આપ્યું. રાજાએ અંદર જઈ પોતાનું નામઠામ વગેરે પ્રગટ કરી નૃસિંહ રાજાને જીતવા માટે તેને ત્યાં પોતાનું જેવી રીતે આવવું થયું હતું તે, પ્રપંચબુદ્ધિને મારી જેવી રીતે આકાશમાં ફરવાની ગતિ મેળવી હતી તે, જેવી રીતે કુબેર પાસેથી વરદાન મેળવી તે વેશ્યાને પાંચ પુરુષો આપ્યા હતા તે છેવટ સુધીનું સર્વ વર્ણવી બતાવ્યું; પછી મદનમાલાને કહ્યું, ‘પ્રિયે! આ નૃસિંહ રાજા મોટી સેનાવાળો છે. માટે સેનાથી તો તેનો પરાજય થઈ શકે તેમ નથી. તે રાજા મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરે, પરંતુ તે પૃથ્વી ઉપર ચાલનારો છે અને હું આકાશમાં ફરનારો છું, માટે મારે તેને મારવો તે યોગ્ય ગણાય નહીં. કયો ક્ષત્રિય અધર્મ યુદ્ધ કરી પોતાના વિજયની ઇચ્છા કરશે? પ્રિયે! જ્યારે નૃસિંહ રાજા તારા ઘરના બારણામાં આવે, ત્યારે તારે ભાટચારણો મારફતે રાજાને મારો નોકર કહેરાવવો, આટલી મારી પ્રતિજ્ઞા સિદ્ધ કરવામાં તું સહાય થા.’

જ્યારે તે વેશ્યાએ આ પ્રમાણે રાજાનું કહેવું સાંભળ્યું ત્યારે તે બોલી: ‘હું ભાગ્યશાળી છું કે તમે મને આવી આજ્ઞા ફરમાવો છો.’ પછી તેણે રાજા સાથે એકાંતમાં વિચાર કરી, પોતાના ભાટચારણોને બોલાવ્યા અને કહ્યું, ‘તમારે સઘળાએ બારણામાં નજર રાખી ઊભા રહેવું. જ્યારે રાજા નૃસિંહ આપણા ઘરમાં પ્રવેશ કરવા માંડે, ત્યારે તમારે સઘળાએ વારંવાર કહેવું કે: ‘મહારાજ! તમારો ભક્ત અને તમારા ઉપર પ્રેમ રાખનારો રાજા નૃસિંહ આવે છે.’ તે સાંભળીને કહી તે પૂછે છે, ‘અંદર કોણ બેઠો છે?’ તો તે વખતે તમારે તેને કહેવું કે; ‘રાજા વિક્રમાદિત્ય અંદર બીરાજે છે.’ આવી રીતે ભાટચારણોને સમજાવી તેઓને વિદાય કર્યા અને પ્રતિહારીને કહ્યું કે, ‘રાજા નૃસિહ અંદર આવે તેને તારે આવતાં અટકાવવો નહીં.’ આ રીતનો બંદોબસ્ત કરી, ફરીથી પોતાના પ્રાણપ્યારાનો મેળાપ થવાથી આનંદમાં આવી જઈ, અસંખ્ય ધનનું દાન આપવા અને સુખ ભોગવવા લાગી.

રાજા નૃસિંહે જ્યારે સાંભળ્યું કે મદનમાલા સોનાના પુરુષોનું દાન આપે છે, ત્યારે તે તે પુરુષો જોવા માટે પોતાનું ઘર છોડી વેશ્યાને ઘેર ગયો. જ્યારે તેણે ઘરમાં પ્રવેશ કીધો, ત્યારે તેને કોઈએ રોક્યો નહીં, પણ બારણા બહારથી સઘળા ભાટચારણો ઘાંટો કાઢીને લલકારવા લાગ્યા: ‘મહારાજ! નૃસિંહ રાજા આપને નમી પધારે છે, અને આપ ઉપર ભક્તિભાવ રાખે છે.’ તે સાંંભળતાં જ તે રાજાને ગુસ્સો ચઢ્યો અને શંકિત બની પૂછવા લાગ્યો: ‘અંદર કોણ બેઠો છે?’ એવામાં તો ત્યાં વિક્રમાદિત્ય રાજાને અંદર ઊભેલો દીઠો, એટલે તે ક્ષણભર વિચારમાં પડી ગયો. તે મનમાં બોલ્યો, ‘શું આ પ્રમાણે પણ એ રાજાએ મારા રાજ્યમાં રસ્તો કીધો છે ને હું એનો નોકર છું એવી જે ઘણા વખત પર પ્રતિજ્ઞા લીધી હતી તે આ રીતે તેણે પાર પાડી છે? ને ભાટચારણથી મને નોકર કહેવરાવ્યો! ઓહોહો! સત્ય કહું તો આ રાજા ઘણો જ બળવાન છે, તેણે પ્રતિજ્ઞા પ્રમાણે મને હરાવ્યો. હવે મારે બળના પ્રતાપથી તેને મારવો એ ઘટિત નથી; કારણ કે તે એકલો છે, વળી મારા નગરમાં આવ્યો તે મારે ઘેર આવ્યો ગણાય. હવે તો મારે અંદર જવું એ જ ઠીક છે.’ પછી ભાટ અને ચારણોએ જેના અંદર આવવાની ખબર કરી હતી તે રાજા નૃસિંહ, મંદ હાસ્ય કરતો કરતો અંદર ગયો. રાજા નૃસિંહને મંદ મંદ હાસ્ય કરતાં આવતો જોઈ વિક્રમાદિત્ય પણ મંદ મંદ હસવા લાગ્યો અને ઊભો થઈ રાજા નૃસિંહને ગળે બાઝી પડ્યો. પછી તે બન્ને રાજા, પાસે બેઠેલી મદનમાલાના દેખતાં પરસ્પર એક બીજાના કુશળ સમાચાર પૂછવા લાગ્યા. વાર્તા કરતાં કરતાં રાજા નૃસિંહે, વિક્રમાદિત્યને પૂછ્યું કે આ સોનાના પુરુષો ક્યાંથી આવ્યા? વિક્રમાદિત્યે નીચ ગોરજીનો નાશ, આકાશમાં અદ્ધર ઊડવાની સિદ્ધિ અને કુબેર પાસેથી સોનાના પાંચ પુરુષની પ્રાપ્તિ વગેરે પોતાનું આશ્ચર્યજનક સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. રાજા નૃસિંહે વિક્રમાદિત્યનું ચરિત્ર સાંભળી તેને મહા શક્તિવાળો, આકાશમાં ગમન કરનારો અને પાપરહિત શુદ્ધ અંત:કરણવાળો જાણી પોતે તેની સાથે મિત્રતા કરવાની માંગણી કરી, રાજા વિક્રમાદિત્યે પણ તેની સાથે મિત્રતા કબૂલ કરી. કુલાચાર પ્રમાણે તેણે પ્રેમાલિંગન કર્યું પછી રાજા નૃસિંહ, વિક્રમાદિત્ય જ્યારે પોતાના નવનવા વૈભવોથી સેવાચાકરી કરી તેને ઘણું માન આપ્યું તેને રજા આપી, ત્યારે તે પાછો મદનમાલાને ઘેર આવ્યો.

આવી રીતે વિક્રમાદિત્યે પોતાના પ્રતાપબળથી ગંભીર પ્રતિજ્ઞા સિદ્ધ કરી અને જ્યારે તે પોતાના પાટલીપુત્ર શહેર તરફ જવાની ઇચ્છા કરવા લાગ્યો; ત્યારે મદનમાલાએ પણ રાજાનો વિરહ સહન ન કરી શકવાને લીધે રાજાની સાથે જવાની ઇચ્છા કરી. દેશત્યાગ કરવાની ઇચ્છા માટે તેણે પોતાનું ઘરબાર બ્રાહ્મણને અર્પણ કરી દીધું. પછી રાજામાં ચંદ્રસમાન રાજા વિક્રમાદિત્ય, મદનમાલાને અને તેના હાથી, ઘોડા અને પાળાને સાથે લઈ પોતાની રાજધાની પાટલીપુત્રમાં ગયો. રાજધાનીમાં ગયા પછી, રાજા નૃસિંહ સાથેની મિત્રતા અચળ કરીને પોતાના દેશ ઉપરથી પ્રેમ ઉતારી સાથે આવેલી મદનમાલા સાથે આનંદ ભોગ ભોગવવા લાગ્યો.