ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/શૃંગભુજ અને રૂપશિખાની કથા

From Ekatra Wiki
Revision as of 03:00, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શૃંગભુજ અને રૂપશિખાની કથા

પૃથ્વી ઉપર વર્ધમાન નામનું એક નગર છે. તેમાં ઘણો ધર્માત્મા વીરભુજ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને સો રાણીઓ હતી. તથાપિ ગુણવરા નામની એક રાણી ઉપર તે રાજાને અધિક પ્રેમ હતો. નસીબના યોગથી સો રાણીમાંથી એકે રાણીને પેટે કંઈ સંતાન હતું નહીં. તે વાંઝિયા મહેણાથી કંટાળી રાજાએ શ્રુતવર્ધન નામના વૈદ્યને બોલાવ્યો અને પૂછયું, ‘જે ઔષધિ ખાધાથી પુત્ર અવતરે તેવી કોઈ ઔષધિ છે?’ તે સાંભળી વૈદ્ય બોલ્યો; ‘મહારાજ, હું તેવું ઔષધ બનાવી આપું, પરંતુ આપ વનમાંથી એક બકરુંં મંગાવી આપો, તો મારાથી તે ઔષધ બનાવી શકાય.’ વૈદ્યનું વચન સાંભળી, રાજાએ પ્રતિહારને આજ્ઞા કરીને વનમાંથી એક બકરાને મંગાવી વૈદ્યને સોંપ્યું, વૈદ્ય તે બકરુંં રાજાના રસોઈઆઓને આપી, તેનું માંસ કઢાવી, રાણીઓ માટે માંસનો ઉત્તમ રસ કરાવ્યો. પછી રાજાએ સઘળી રાણીઓને એક સ્થાનમાં ભેગી થવાની આજ્ઞા કરી, અને પોતે દેવતાનું પૂજન કરવા ગયો. રાજાની આજ્ઞા પ્રમાણે તે ૯૯ રાણીઓ એકઠી મળી પરંતુ તેમાં રાજાની પ્રિયતમા ગુણવરા રાણી આવી નહતી, રાજા દેવપૂજનમાં હતો માટે તે રાણી રાજાની પાસે ઊભી હતી. પછી વૈદ્યે તે રથમાં ચૂર્ણ ભેળી, સઘળો રસ ભેગી થયેલી રાણીઓને પાઈ દીધો; તેમાંથી જરા પણ બાકી રાખ્યો નહીં. થોડી વાર પછી રાજા, દેવપૂજન કરી ગુણવરા રાણી સહિત ત્યાં આવ્યો અને જુવે છે તો સઘળો રસ વપરાઈ ગયો છે. તે જોઈ તે બોલી ઊઠ્યો: ‘વૈદ્યરાજ! શું તમે ગુણવરા માટે જરા પણ રસ રાખ્યો નથી? જે રાણીને માટે આ સર્વ બનાવવામાં આવ્યું હતું, તેને જ તમે વિસરી ગયા?’ તે સાંભળી વૈદ્યરાજ ગભરાઈ ગયા. પછી રાજાએ રસોઈઆને પૂછ્યું, ‘અરે તે બકરાનું જરાતરા પણ માંસ વધ્યું છે કેમ?’ રસોઈઆએ ઉત્તર આપ્યો, ‘બે શિંગડાં બાકી રહ્યાં છે.’ વૈદ્ય બોલ્યો, ‘ ઠીક ઠીક! જો શિંગડાં હશે તો તેની અંદરથી ઘણો સારો રસ નીકળશે.’ આમ કહી શિંગડાંનાં માંસમાંથી ઉત્તમ રસ કઢાવી, તેમાં ચૂર્ણ નાખી, વૈદ્યે ગુણવરાને તે રસ પાયો. થોડા વખતમાં રાજાની નવાણુ રાણી ગર્ભવતી થઈ અને દશમે મહિને સઘળી રાણીએ પુત્રને જન્મ આપ્યો. ગુણવરાને પાછળથી ગર્ભ રહ્યો એટલે તે મહારાણીએ સર્વથી છેલ્લે, સર્વ ઉત્તમ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. રાજા વીરભુજે એ પુત્રને શિંગડાની અંદર રહેલા માંસના રસમાંથી જન્મ્યો છે એમ માની, તેનું શૃંગભુજ નામ પાડ્યું. તેના જન્મ સમયે ઘણો મોટો ઉત્સવ કર્યો. આ શૃંગભુજ બીજા ભાઈઓ સાથે મોટો થવા લાગ્યો. તે અવસ્થામાં નાનો હતો, તો પણ ગુણમાં બીજા ભાઈઓ કરતાં ઘણો જ મોટો હતો. હળવે હળવે તે પુત્ર, રૂપમાં કામદેવ જેવો, ધનુર્વેદ જાણવામાં અર્જુન જેવો અને બળમાં ભીમસેન જેવો થયો. નિયમ પ્રમાણે, રાજા વીરભુજની બીજી રાણીઓ, રાજાની માનીતી રાણી ગુણવરાને અને તેના પુત્રને જોઈ, અત્યંત ઈર્ષ્યા કરવા લાગી!

આ બધી રાણીઓમાં એક અયશોલેખા નામની રાણી હતી. તે ઘણી જ કુટિલ-દુર્જન હતી. તેણે બીજી રાણીઓ સાથે એકાંતમાં વિચાર કરી એવો ઠરાવ કર્યો કે, જ્યારે રાજા તમારે માહોલે પધારે ત્યારે આપણે સઘળી રાણીઓએ મુખ ઉપર ખોટી ઉદાસી આણી અફસોસ બતાવવો. રાજા સૌની મુખમુદ્રાને કરમાયેલી જોઈ ત્યારે પૂછે છે કે શું છે?’ ત્યારે તમારે ઉદાસીનતા બતાવી કહેવું કે ‘પ્રાણપતિ! તમે બીજાના દોષને ટાળનારા છો, છતાં ઘરમાં જે દૂષણ છે તે કેમ સહન કરી રહો છો? તે દૂષણથી તમે પોતે કેમ બચતા નથી? મહારાજ! આપની રાણી ગુણવરા અંત:પુરના સુરક્ષિત નામના તરુણ સેવક સાથે પ્રેમમાં પડેલી છે, અંત:પુરના પહેરેગીરો અંત:પુરની ચોકી કરે છે, તેઓએ અંગનાં ચિહ્ન પરથી કે રાણીમાં કંઈ નવા જૂનું છે. પછી તેઓએ વિચાર્યું કે સુરક્ષિત સિવાય બીજો પુરુષ અંદર આવી શકે તેમ નથી, માટે તેની સાથે તેને પ્રેમ હોવો જોઈએ. આ વાર્તા આખા અંત:પુરની અંદર ચર્ચાઈ રહી છે.’ આ પ્રમાણે, સર્વ રાણીઓ કહીશું એટલે રાજાના મનમાં તે રાણી માટે ખરાબ વિચાર આવશે.’ અયશોલેખાના આવી રીતના સંકેત પ્રમાણે સર્વ રાણીએ વર્તવા કબૂલ કર્યું.

જ્યારે રાજા એક રાણીના મહેલમાં ગયો ત્યારે તેણે અયશોલેખા સાથે કરેલા કરાર પ્રમાણે સઘળી તાલમેલ કીધી. એ વાત સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો અને ખરું ખોટું તપાસવા માટે એક પછી એક સઘળી રાણીઓની પાસે જઈ સર્વને પૂછી વળ્યો. સઘળી કપટી રાણીઓએ એક જ ઉત્તર આપ્યો, ‘રાજા પોતે બુદ્ધિશાળી હતો માટે તે વખતે તો શાંત રહી જુસ્સો દબાવી વિચાર કરવા લાગ્યો કે, આવો હલકો અપવાદ સુરક્ષિત અને ગુણવરા ઉપર સંભવતો નથી; પણ મારે નિશ્ચય કર્યા વગર કોઈનું પણ અપમાન કરવું નહીં. એ બાબતનું પરિણામ જોવા માટે, યુક્તિથી બન્ને જણાંને દૂર કરવાં એ જ ઘટિત છે.’ આમ નિશ્ચય કરી, બીજે દિવસે રાજાએ અંત:પુરના અધિકારી સુરક્ષિતને તેડાવી મંગાવ્યો અને કૃત્રિમ ક્રોધ કરી કહ્યું, ‘અલ્યા દુષ્ટ! તેં બ્રહ્મહત્યા કરી છે એમ મારા જાણવામાં આવ્યું છે; માટે તું જ્યાં સુધી ઉત્તરતીર્થની યાત્રા કરીશ નહીં, ત્યાં સુધી હું તારી મુખમુદ્રા જોવાની ઇચ્છા ધરાવતો નથી.’ તે વચન સાંભળી અંત:પુરનો અધિકારી સુરક્ષિત ગાભરો બની ગયો અને બોલ્યો, ‘મહારાજ, મેં બ્રહ્મહત્યા ક્યારે અને કેવી રીતે કરી?’ રાજા પુન: બોલ્યો, ‘ચાલ વૃથા દોષ છુપાવ નહીં. તારાં પાપ ધોવાને માટે તું કાશ્મીર જા. ત્યાં પવિત્ર વિજયક્ષેત્ર, નંદીક્ષેત્ર, વારાહક્ષેત્ર છે અને ત્યાં ચક્રપાણિ ભગવાને એ જ મનુષ્યોને પવિત્ર કર્યા હતા એવું ચક્રપાણિનું ઉત્તમ ક્ષેત્ર છે. ત્યાં વિતસ્તા નામની ગંગાનદી વહે છે, વળી ત્યાં માંડવ્ય મુનિનું ક્ષેત્ર છે, અને ઉત્તર માનસરોવર છે. ત્યાં જઈ, તે તે તીર્થમાં યાત્રા કરી પવિત્ર થયા પછી મને તારું મોં બતાવજે; ત્યાં ગયા વગર મુખ બતાવીશ નહીં.’

આવી રીતે કહી, પરવશ પડેલા સુરક્ષિતને, રાજા વીરભુજે યુક્તિથી તીર્થયાત્રા કરવા માટે દૂર કીધો. પછી રાજા સ્નેહ, કોપ અને વિચાર સહિત પ્રથમ ગુણવરા રાણી પાસે ગયો. રાણી ગુણવરા રાજાનું દિલ ઉદાસ જોઈ બેબાકળી બની ગઈ. તેણે પૂછ્યું, ‘આર્યપુત્ર! આજ અકસ્માત્ આપ આમ ઉદાસ કેમ દેખાવો છો?’ તે સાંભળી રાજાએ રાણીને આ પ્રમાણે કૃત્રિમ વચનો કહ્યાં: ‘પ્રિયે! આજ કોઈ એક મોટો જ્ઞાની પુરુષ મારી પાસે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, ‘રાજા, તારે કેટલાક દિવસ પર્યંત રાણી ગુણવરાને ભોંયરામાં રાખવી અને તારે પોતે બ્રહ્મચર્યવ્રત પાળવું. જો તું તેમ કરીશ નહીં, તો તારું રાજ્ય નાશ પામશે અને તે રાણી પણ મરણ પામશે; એમાં જરા પણ સંદેહ કરવો નહીં.’ આટલું કહી જ્ઞાની મહારાજ ચાલ્યા ગયા. એ વિષે મને ખેદ થાય છે.’ પતિવ્રતા રાણી ગુણવરા, રાજાનું આ પ્રમાણેનું કહેવું સાંભળી, ભય અને રાજા ઉપરના પ્રેમને લીધે બેબાકળી બની ગઈ. તે બોલી: ‘મહારાજ! આર્યપુત્ર! જો મારા ભોંયરામાં રહેવાથી આપનું શુભ થતું હોય તો આજે જ મને ભોંયરામાં શા માટે પૂરતા નથી? હમણાં જ પૂરો. જો મારા પ્રાણ આપતાં પણ આપનું હિત થતું હોય, તો હું પ્રારબ્ધવાળી ગણાઉં. મારું મોત ભલે થાય, પણ તમારું અકલ્યાણ થવું જોઈએ નહીં. આ લોકમાં અને પરલોકમાં સ્ત્રીનું ભલું કરનારો એક તેનો પતિ જ છે.’

ગુણવરાનાં આવાં વચન સાંભળી, રાજાની આંખમાં ઝળઝળીઆં ભરાઈ આવ્યાં. તેણે મનમાં વિચાર કર્યો કે, ‘આ રાણી અને સુરક્ષિત ઉપર મને દોષની શંકા આવતી નથી. જ્યારે મેં સુરક્ષિતને તેડાવ્યો, ત્યારે તેના મુખની છાયા ઝાંખી જોવામાં આવતી નહોતી પણ તે નિર્દોષ જોવામાં આવતો હતો. આ વાત ઘણી ખેદકારક થઈ છે, પણ ફિકર નહીં; એ બે ઉપર જે અપવાદ છે, તેનું શું પરિણામ આવે છે તે જાણવાની હું ઇચ્છા રાખું છું.’ આમ વિચાર કરી તે રાજાએ દિલગીરીથી રાણીને કહ્યું, ‘પ્રિયે! જો તારી મરજી હોય તો અહીંયાં જ ભોંયરું ખોદવાનું મને વચન આપ.’ રાણીએ તે જ વખતે, ‘બહુ સારું, ભોયરું કરાવો.’ આમ કહી વચન આપ્યું. રાજાએ સારી રીતે ઊતરી શકાય એવું એક ભોયરું અંત:પુરમાં કરાવ્યું. તેમાં રાણીને ઉતારી, માતાને ભોંયરામાં ઊતરતી જોઈ તેનો પુત્ર શૃંગભુજ ખેદ કરવા લાગ્યો અને પિતાને પૂછવા લાગ્યો, ત્યારે રાજાએ જે વાર્તા રાણીને સમજાવી હતી, તે જ કારણ કહી પુત્રને શાંત કર્યો. ભોંયરામાં વસવું તેમાં રાજાનું હિત છે એમ માની રાણી ભોંયરાને સ્વર્ગ સમાન માનવા લાગી. સદાચરણી નારીઓ પોતાના પતિના સુખે સુખ માને છે, પણ પોતાના સુખે સુખ ગણતી નથી.

ગુણવરા ભોંયરામાં વસવા લાગી, ત્યાર પછી રાજાની બીજી રાણી અયશોલેખાએ પોતાના પુત્ર નિર્વાસભુજને કહ્યું, ‘અમારી સાથે કલહ કરનારી ગુણવરાને રાજાએ ભોંયરામાં પૂરી દીધી છે. હવે તેનો પુત્ર એકલો અહીં છે. તે જો આ દેશમાંથી દેશાંતરમાં જાય તો મને નિરાંત થાય માટે દીકરા! રાજા જેમ શૃંગભુજને થોડા દિવસમાં દેશમાંથી કાઢી મૂકે, એવી રીતની યુક્તિ તારા બીજા ભાઈઓ સાથે મળી તું શોધી કાઢ.’ આ રીતે માતાએ કહ્યું એેટલે નિર્વાસભુજ મત્સરમાં આવી ગયો અને બીજા ભાઈઓ, આગળ આ વાર્તા કરી પોતે તેનો ઉપાય શોધવા લાગ્યો.

એક વખતે રાજાના સઘળા કુમારો મોટાં મોટાં શસ્ત્રોના પ્રયોગો (અજમાયશ) કરતા હતા એવામાં, રાજમહેલ ઉપર બેઠેલો એક મોટી કાયાવાળો બગલો સઘળાના જોવામાં આવ્યો. સઘળા રાજકુમાર તે પક્ષીની આકૃતિ વિકૃત જોઈ વિસ્મય પામી ગયા. એવામાં તે માર્ગે કોઈ એક બુદ્ધધર્મનો જ્ઞાની દિગંબર સાધુ જતો હતો, તેણે કહ્યું, ‘રાજકુમારો! શું જોઈ રહ્યા છો. તે બગલો નથી, પણ બગલાના રૂપમાં રહેલો અગ્નિશિખ નામનો રાક્ષસ છે. એ નગરનો નાશ કરવા ફરે છે, માટે તેને હમણાં જ બાણ મારીને વીંધી નાખો, તે માર ખાઈને ઊડી જશે.’ ક્ષપણકનું આ પ્રમાણેનું કહેવું સાંભળી, નવાણું રાજકુમારોએ ધનુષના પ્રહાર કર્યા, પણ નાના કુમાર શૃંગભુજે બાણ માર્યું નહીં. પછી તે બુદ્ધ દિગંબર સાધુ તેઓને કહેવા લાગ્યો: ‘તમારો આ નાનો ભાઈ શૃંગભુજ તે બગલાને મારવા સમર્થ છે. તે જો મજબૂત ધનુષ લઈ તે બગને મારશે તો તે ઊડી જશે.’ ક્ષપણકનું વચન સાંભળતાં વેંત જ, લુચ્ચા નિર્વાસભુજને તરત માતાએ કહેલું વચન યાદ આવ્યું. તેણે વિચાર કર્યો કે, ‘શૃંગભુજને પરદેશમાં કાઢવાને આ સારી તક છે. ચાલ પિતાનું ધનુષ અને તેમાં ચઢાવવાનું સોનાનું શર તેને આપીએ. તે, એ બગલાના શરીરમાં સોનાનું તીર મારશે. તે બાણ બકાસુરના શરીરને વીંધી અંદર ચોંટી જશે, તે બગલો તીર લઈ ઊડી જશે. પછી અમે સઘળા તેની પાસે તીર માંગીશું. એટલે તે પોતે તીર લેવા માટે બગલાની પાછળ દોડી જશે. જ્યાં સુધી તેને સોનાનું તીર મળશે નહીં, ત્યાં સુધી તે આમ તેમ ભટકી, બગાસુરને ખોળ્યા જ કરશે, પણ તીર લીધા વગર પાછો ફરશે નહીં.’ આવો વિચાર કરી, પાપી નિર્વાસભુજે તે બગાસુરને મારવા માટે, શૃંગભુજને પિતાનું ધનુષ અને તીર આપ્યાં.

મહાપરાક્રમી શૃંગભુજે પિતાનું ધનુષ હાથમાં લઈ જોરથી ખેંચ્યું, પછી રત્નના પુચ્છવાળું-સોનાનું તીર ચઢાવી બગલાને માર્યું, તે તીર બગલાના શરીરને વિંધી અંદર પેસી ગયું. તુરત તેના શરીરમાંથી લોહીની ધારા પડવા લાગી; પણ બાણથી વિંધાયેલો તે બગલો બાણ સહિત ત્યાંથી ઊડી ગયા પછી કપટી નિર્વાસભુજ અને તેની સલાહથી ઉશ્કેરાયેલા બીજા ભાઈઓ, શૂરવીર શૃંગભુજને કહેવા લાગ્યા; ‘ભાઈ! તું પિતાનું સોનાનું તીર અમને પાછું આપ. તે ધનુષ પિતા અમારી પાસે માંગશે ત્યારે અમે તેને આપીશું નહીં, તો તે અમને આ રાજ્યમાંથી બહાર કાઢી મૂકશે. કદી નવું બનાવીને આપીએ અથવા ક્યાંયથી લઈને આપીએ, પરંતુ એના જેવું મળવું અથવા બનવું મુશ્કેલ છે. માટે તું જો આજ અમને તીર આપીશ નહીં, તો અમે તારી આગળ અમારા પ્રાણત્યાગ કરીશું.’ ભાઈઓનાં વચન સાંભળી તરત મહાવીર શૃંગભુજ બોલ્યો; ‘ભાઈઓ! તમે ધીરજ રાખો, ડરો મા, ગભરાટ છોડી દ્યો. હમણાં હું જાઉં છું અને તે અધમ રાક્ષસને મારી સોનાનું તીર લઈ પાછો આવું છું. આટલું કહી શૃંગભુજ પોતાનું ધનુષ અને બાણ લઈ, જે દિશા તરફ બગલો ઊડ્યો હતો તે દિશામાં, જમીન ઉપર લોહીની ધારા પડતી જતી હતી તે ધારાની પાછળ પાછળ ઉતાવળો ઉતાવળો ચાલવા માંડ્યો. આ રીતે શૃંગભુજને રાજ્યમાંથી કાઢી, તેના ભાઈઓ રાજી થતા થતા, માતાની પાસે ગયા અને પોતાની વાર્તા માના આગળ જણાવી, તેમની માતાઓને પણ તેથી તેની આનંદ થયો.

શૃંગભુજ લોહીની ધારા પાછળ ક્રમે ક્રમે ચાલતો ઘણે દૂર એક ભયંકર જંગલમાં જઈ પહોંચ્યો. તે જંગલની અંદર બગલાની તપાસ કરવા લાગ્યો, પણ કંઈ પત્તો મળ્યો નહીં. એવામાં સમય ઉપર ઉપયોગ માટે પુણ્યવૃક્ષનું ફળ મળી આવ્યું હોય તેની પેઠે, એક ઉત્તમ નગર તેની નજરે પડ્યું. આ નગરની પાસે એક બગીચો હતો. તેના ઝાડની છાયા તળે શૃંગભુજ વિશ્રામ કરવા માટે ક્ષણવાર બેઠો. એવામાં તેણે અત્યંત સ્વરૂપવતી, સૌંદર્યવાન એક કન્યાને બગીચામાં આવતી દીઠી. આ કન્યા વિરહમાં પ્રાણનાશ કરનારી હતી અને સંગમમાં જીવન આપનારી હતી, તેથી જાણે બ્રહ્માએ વિષમય અને અમૃતમય મૂતિર્ સાથે સાથે ઘડી હોય તેમ તે દર્શન દેતી હતી. તે કન્યા હળવે હળવે રાજકુમાર પાસે આવીને પ્રેમ દૃષ્ટિથી રાજકુમારને જોવા લાગી. રાજકુમાર પણ તેના ઉપર આશક થઈ ગયો. તેને પૂછ્યું ‘અયિ! મૃગલોચના પ્યારી! આ નગરનું નામ શું છે? તેના રાજાનું નામ શું છે? તમે કોણ છો? અહીં શા માટે આવ્યાં છો? તે મને કહો.’ તે સાંભળી, દાડિમની કળી જેવા દાંતવાળી તે કન્યા, પૃથ્વી તરફ નજર કરી, સ્નેહ અને મીઠાશવાળી વાણીથી કહેવા લાગી:

‘સર્વ સંપત્તિથી આબાદ થયેલું આ નગરનું નામ ધૂમપુર છે. આમાં અગ્નિશિખ નામનો મોટો રાક્ષસ રાજ્ય કરે છે. હું તેની પુત્રી છું. અને મારું નામ રૂપશિખા છે. હું તમારી અનુપમ સુંદરતા જોઈ તમારા ઉપર મોહ પામીને અહીં આવી છું. હવે હું તમને પૂછું છું કે, તમો કોણ છો, અને અહીં શા માટે આવ્યા છો તે મને કહો.’ તે કન્યાનું આવું મધુરું બોલવું સાંભળી, શૃંગભુજે પોતાનું નામ, પોતાના પિતાનું નામ અને તીર માટે ધૂમપુરમાં આવવું વગેરે સર્વે વૃત્તાંત તે કન્યાને કહી સંભળાવ્યો. રૂપશિખા રાજકુમાર પાસેથી સર્વ વૃત્તાંત જાણ્યા પછી બોલી: ‘તમારા સમાન ધનુષધારી પુરુષ ત્રણે લોકમાં બીજો કોઈ પણ નથી; કારણ કે તમે બકરૂપધારી મારા પિતાને પણ મોટું બાણ મારી જખમી કરી દીધા છે, આ કામ સાધારણ પરાક્રમનું નથી, તમે જે સોનાનું તીર માર્યું હતું અને મારા પિતાના શરીરમાં ખૂંપી ગયું હતું તે તીર, મહાદંષ્ટ્ર નામના અહિયાં એક મંત્રી છે, તે શરીરની અંદર ખૂંપેલા શર વગેરે કાઢી ઔષધિ વડે ઘાને રૂઝવવાનું જાણે છે તેણે, મારા પિતાના શરીરમાંથી બહાર કાઢ્યું છે અને તે ઘાને રૂઝાવ્યો છે. મેં તમારા તે તીરને રમવા માટે મારા હસ્તક લીધું છે. આર્યપુત્ર! હું હમણાં પિતા પાસે જઈ તેને સર્વ વાર્તા સમજાવી, હમણાં તમને નગરમાં લઈ જાઉં છું. ‘મારા પ્રાણ’ એમ જ હવે તમને કહીશ, કેમકે મારા હૃદયમાં હવે તમે જ રમણ કરો છો.’

આટલું કહી શૃંગભુજને બહાર બેસાડી એક ક્ષણમાં રૂપશિખા પોતાના પિતા અગ્નિશિખની પાસે ગઈ. તેણે પિતાને કહ્યું કે ‘હે પિતાજી! શૃંગભુજ નામનો કોઈ એક બળવાન રાજકુમાર આ ગામમાં આવ્યો છે. તે રૂપમાં, કુળમાં, સ્વભાવમાં, અવસ્થામાં અને ગુણમાં તેના જેવો બીજો કોઈ નથી, તે એક જ છે. આ ઉપરથી હું સમજું છું કે તે મનુષ્ય નથી, પરંતુ આ દુનિયામાં કોઈ એક દેવાંશી અવતર્યો છે. જો તેની સાથે મારાં લગ્ન કરશો નહીં, તો હું અવશ્ય મારા પ્રાણત્યાગ કરીશ.’ કન્યાનું આવું વચન સાંભળી તેનો પિતા રાક્ષસ બોલ્યો: ‘પ્રિય પુત્રી! મનુષ્ય એ તો આપણો ખોરાક છે. તથાપિ જો તારે તેની સાથે પરણવાનો આગ્રહ હોય, તો ભલે તેમ કર. તું તે રાજપુત્રને અહીં તેડી લાવ મને બતાવ.’ પછી રૂપશિખા શૃંગભુજ કુમાર પાસે ગઈ અને પોતે શું કર્યું હતું તે કહી બતાવ્યું પછી પોતાના પિતા નજીક તેને તેડી ગઈ. કુમારે રાક્ષસ પાસે જઈ પ્રણામ કર્યા. કન્યાનો પિતા અગ્નિશિખ તેને આદરસત્કાર આપી બોલ્યો: ‘રાજકુમાર! તું જો કોઈ પણ દિવસ મારાં વચનનું ઉલ્લંઘન કરીશ નહીં, તો હું તારી સાથે આ રૂપશિખાને પરણાવીશ.’ આ રીતે રાક્ષસે કહ્યા પછી, રાજકુમાર શંૃગભુજ પણ વિનીત બનીને બોલ્યો: ‘બહુ સારું, હું આપની આજ્ઞા પ્રમાણે બરાબર વર્તીશ; કદી પણ આપના વચનનું ઉલ્લંઘન કરીશ નહીં.’ શૃંગભુજનું બોલવું સાંભળી અગ્નિશિખ ખુશ થતો બોલ્યો, ‘તું જઈ સ્નાનમંદિરમાં સ્નાન કરી આવ.’ આમ તે કુમારને કહી, પુત્રી રૂપશિખાને કહ્યું, ‘વત્સે! તું પણ જા અને તારી સઘળી બહેનોને સત્વર બોલાવી લાવ.’ અગ્નિશિખે આજ્ઞા કરી એટલે બન્ને જણાં ‘બહુ સારું’ એમ કહી ત્યાંથી સાથે સાથે બહાર નીકળ્યાં. બહાર આવ્યા પછી બુદ્ધિશાળી રૂપશિખાએ રાજકુમારને કહ્યું; ‘આર્યપુત્ર! મારી નાની સો બહેનો છે. અમે સઘળી રૂપે ને રંગે સરખી છીએ. અમારાં ઘરેણાં અને વસ્ત્ર પણ સરખાં છે. અમારા સઘળાના કંઠમાં માળાઓ પણ સરખી જ છે, માટે પ્રાણનાથ! મારા પિતા અમને સઘળીને એકઠી કરી, તમને મૂઝવવા માટે કહેશે કે આ કન્યામાં જે કન્યા તને અભિષ્ટ હોય તે કન્યાની તું માંગણી કર. આવો તેનો અંદરનો કપટ ભરેલો અભિપ્રાય મારા જાણવામાં છે, જો તેનો એવો અભિપ્રાય ન હોય તો, શા માટે અમને સઘળીઓને એકઠી કરે? માટે, જ્યારે મારા પિતા તમને કહે કે આ કન્યામાં જે કન્યા ઉપર તારું મન હોય તેની માગણી કર. ત્યારે તમારે કેમ વર્તવું તે જણાવું છું તે પ્રમાણે તમે વર્તજો. હું મારા કંઠની માળા, અમે ભેગાં થઈશું તે જ વખતે મસ્તક પર મૂકીશ. એ એંધાણથી તમારે મને ઓળખી, મારા ઉપર પુષ્પનો હાર ફેંકવો. મારો પિતા તો ઘણું કરી, તે જોતાં ભૂત જેવો થઈ જશે. એની બુદ્ધિ વિવેકવાળી નથી. તે રાક્ષસ છે તેથી બીજી પછી માયા કરશે. પણ શું થયું? જેમ એ માયા કરી જાણે છે, એમ હું પણ માયા જાણું છું. એ માયાસિદ્ધ છે, તેમ હું પણ માયાસિદ્ધ છું. તમને છેતરવા માટે એ જે જે કંઈ પણ કહે તે તે સર્વ તમારે કબૂલ કરવું અને કહેવું. તેની સર્વ માયાનો ઉતાર હું બરાબર જાણું છું.’ પછી રાજકુમાર ‘ઠીક છે’ એમ કહી સ્નાન માટે સ્નાનમંદિરમાં ગયો અને રૂપશિખા બહેનોની પાસે ગઈ. થોડી વારમાં તે સઘળી બહેનો સહિત પિતાની પાસે આવી. શૃંગભુજ પણ દાસી દ્વારા સ્નાન કરી પુન: ત્યાં આવ્યો. સર્વ ભેગાં થયાં. પછી અગ્નિશિખ રાક્ષસે એક ફૂલનો હાર શૃંગભુજને આપી કહ્યું, ‘રાજકુમાર! આ કન્યામાં તને જે કન્યા વહાલી હોય તે કન્યાને આ વનમાળા પહેરાવ.’ રૂપશિખાએ સંકેત પ્રમાણે મસ્તક ઉપર માળા ચઢાવી તે ઉપરથી તે જ રૂપશિખા છે એમ માની, રાજકુમારે તે વનમાળા હાથમાં લઈ તરત રૂપશિખાના ગળામાં પહેરાવી દીધી. એ જોઈ અગ્નિશિખે, રૂપશિખાને અને રાજકુમારને કહ્યું, ‘હું કાલે પ્રભાતમાં તમારા બન્નેના માંગલિક વિવાહ કરીશ.’ પછી તે બન્ને પ્રિયા પ્રિતમને અને બીજી દીકરીઓને રજા આપી ઘેર મોકલ્યા. થોડી વાર પછી શૃંગભુજને બોલાવી તે રાક્ષસે કહ્યું; ‘આજે તું આ બળદનું હળ લઈ નગર બહાર જા, અને ત્યાં પડેલા તલના ઢગલામાંથી ૧૦૦ કારી તલ વાવી આવ.’ શૃંગભુજ તેનું કહેવું સાંભળી ‘ઠીક છે’ એમ કહી રૂપશિખા પાસે આવ્યો અને ઉદાસીન થઈ તે વાત તેને જણાવી, રૂપશિખાએ સર્વ વૃત્તાંત જાણી, આ પ્રમાણે રાજકુમારને કહ્યું: ‘આર્યપુત્ર! તમારે એમાં જરા પણ ખેદ કરવો નહીં. તમે નગર બહાર ક્ષેત્રમાં જાઓ: હું મારી માયાના પ્રતાપથી તે સર્વ તલ હમણાં વાવી નાખું છું. પછી રાજકુમાર નગર બહાર ગયો, અને પ્રિયાનો પ્રેમ જુએ છે તો ત્યાં મોટા તલના ઢગલાઓ તેના જોવામાં આવ્યા, તેના પ્રમાણથી ગભરાટમાં પડ્યો. પણ સમગ્ર ભૂમિ ખેડેલી જોવામાં આવી અને સઘળા તલના ઢગલાઓ ક્રમવાર વાવેલા જોવામાં આવ્યા. તે જોઈ કુમાર બહુ આશ્ચર્ય પામ્યો.

રાજકુમાર તલ વાવી અગ્નિશિખ પાસે આવ્યો ને જણાવ્યું કે, મેં ક્ષેત્ર ખેડીને તલ વાવ્યા છે. ત્યારે તે ઠગ રાક્ષસે રાજકુમારને કહ્યું, ‘મારે કંઈ તલ વવરાવવાનું કામ ન હતું, પણ જે તલ વાવેલાં છે, તે સઘળા એકઠા કરી આપવાનું કામ છે!’ તે સાંભળી રાજપુત્ર રૂપશિખા પાસે આવ્યો અને વિતક વાર્તા કહી, રૂપશિખાએ તે કુમારને ક્ષેત્રમાં જવા માટે કહ્યું. પછી પોતે માયાથી અસંખ્ય કીડીઓ ઉત્પન્ન કીધી, તે કીડીઓએ ક્ષેત્રમાંના સઘળા તલને એકઠા કરી તેના મોટા ઢગલા બનાવી દીધા. શૃંગભુજે તે તલના ઢગલા જોયા ને પ્રસન્ન થયો, વળી અગ્નિશિખ પાસે તે આવ્યો અને તેને જણાવ્યું કે, ‘મેં સઘળા તલને એકઠા કરી, તેના ઢગલા કરી મૂક્યા છે.’

તે સાંભળી અગ્નિશિખ, જે ઠગ કરતાં વધુ મૂર્ખ હતો તે પુન: બોલ્યો; ‘અરે ભાઈ! તમારા સરખું એક કામ છે તે બજાવો તો ઘણું સારું. અહીંથી દક્ષિણ દિશામાં ચાર ગાઉ પર જંગલમાં શંકરનું એક ખાલી મંદિર છે. તે મંદિરમાં ધૂમશિખ નામનો મારો પ્યારો ભાઈ રહે છે. ત્યાં હમણાં ને હમણાં જાઓ, અને દેવ મંદિરની આગળ જઈ કહો કે, ‘ધૂમશિખ! કાલે પ્રભાતમાં રૂપશિખાનાં લગ્ન થવાનાં છે. માટે તમને સહકુટુંબ નિમંત્રણ કરવા માટે તમારા ભાઈ અગ્નિશિખે મને મોકલ્યો છે, માટે તમારે સત્વર લગ્નમાં પધારવું.’ આટલું કહી તારે આજે જ પાછું અહીં આવતા રહેવું. હું કાલે સવારે તારી સાથે રૂપશિખાને પરણાવવાનો છું.’ આવી રીતે ઠગ અને દુષ્ટ અગ્નિશિખે કહ્યું; ત્યારે શંૃગભુજ, ‘ઠીક છે’ એમ કહી રૂપશિખા પાસે ગયો ને રાક્ષસના કહેવા પ્રમાણે સર્વ કથા રૂપશિખાને કહી. આ વાત સાંભળતાં જ, સદ્ગુણી રૂપશિખાએ રાજકુમારને માટી, પાણી, કાંટા અને અગ્નિ એમ ચાર વસ્તુઓ આપી, પોતાનો ઉત્તમ ઘોડો ચઢવા માટે આપ્યો અને કહ્યું કે; તમે આ ઘોડા ઉપર ચઢી, દેવના મંદિર પાસે જલદી જજો, અને પિતાએ કહેલું નિમંત્રણ, ધૂમશિખ કાકાને કહેતાંની સાથે જ, ઘોડો ઝડપથી દોડાવી પાછા વળજો. પાછા વળતી વખતે વારંવાર પાછળ નજર કરજો. જો પાછળ ધૂમશિખ આવતો જોવામાં આવે તો, તમે તેના આવવાના માર્ગ ઉપર પ્રથમ માટી નાખજો. તો પણ જો ધૂમશિખ આવતો જોવામાં આવે તો, તમે તેના આવવાના માર્ગ પર આ જળ છાંટજો, તો પણ તે પાછળ આવતો જણાય તો પાછળના માર્ગ પર પ્રથમની પેઠે આ કાંટા વેરજો; અને તો પણ તે આવે તો તમે માર્ગની અંદર આ અગ્નિને નાખજો. આમ કરવાથી જરા પણ દુઃખ વગર તમે અહીં પાછા આવી શકશો. મનમાં કંઈ શંકા કરતા ના, પણ આજે મારી વિદ્યાનું પરાક્રમ તમારા જોવામાં આવશે.’ આવી રીતે સર્વ સામગ્રી આપી, તેની સમજણ પાડી રાજકુમાર શ્રુંગભુજ માટી વગેરે સર્વ વસ્તુ લઈ, તેના પાણીદાર ઘોડા ઉપર ચઢી, ‘તારા કહેવા પ્રમાણે સર્વ કરીશ’ એમ કહી, જે જંગલમાં દેવમંદિર હતું તે તરફ ચાલવા માંડ્યો. તે શિવમંદિરમાં આવ્યો તેના મધ્યભાગમાં શંકર બીરાજેલા હતા. તે ત્રણે દેવનાં દર્શન કરી તેમને પ્રણામ કર્યા. પછી અગ્નિશિખે વિવાહ સંબંધી જે નિમંત્રણ ધૂમશિખને કહાવ્યું હતું તે નિમંત્રણ, ધૂમશિખને ઝટપટ કહી, યુક્તિપૂર્વક ઘોડાને દોડાવી નાસવા માંડ્યું. એક ક્ષણ પછી નજર કરીને પાછળ જુવે છે, તો ધૂમશિખ પાછળ આવતો હતો. તુરત જ રાજકુમારે પોતાની પાછળના માર્ગમાં, પ્રિયાએ આપેલી માટી નાખી. તરત માર્ગની વચમાં માટીમાંથી એક મોટો પહાડ બની ગયો. ધૂમશિખે મહામહેનતે તે પહાડને ઉલ્લંઘ્યો ને તેની પાછળ પડ્યો. પુન: ધૂમશિખને પાછળ પડેલો જોઈ, રાજકુમારે પ્રથમ માફક પાછળના રસ્તા ઉપર જળની ધારા કરી. તે પાણીમાંથી મોટા મોજાવાળી મહા નદી બની ગઈ. ધૂમશિખ રાક્ષસ તે મહાનદીને પણ મહામુસીબતથી તરી પાછળ પડ્યો. આ વખતે શૃંગભુજે વળી પાછળના રસ્તા ઉપર કાંટાઓની વેરણી કીધી. તે કાંટમાંથી કાંટાવાળું ભયંકર જંગલ બની ગયું. રાક્ષસ ધૂમશિખ તે વન ઓળંગીને પણ પાછળ આવ્યો ત્યારે રાજકુમાર શૃંગભુજે, પાછળના માર્ગ ઉપર અગ્નિ નાખ્યો. તે અગ્નિથી માર્ગમાં આવેલું આખું જંગલ સળગવા લાગ્યું. રાક્ષસ ધૂમશિખે તે વનને ખાંડવવનની માફક બળતું જોયું એટલે તેનાથી આગળ જઈ શકાય એવું નથી એમ ધારી, ઉદાસ થઈ, ડર ખાઈ પાછો વળ્યો. રૂપશિખાની આ માયાથી મૂઢ બની તે રાક્ષસ આકાશમાં ઊડવાની વિદ્યા વિસરી જઈ, જેમ પગે ચાલી આવ્યો હતો, તેમ જ પગે ચાલી પાછો પોતાને ઘેર ગયો.

શૃંગભુજ અંત:કરણમાં પોતાની સ્ત્રીની માયાનું પરાક્રમ વખાણવા લાગ્યો અને નિર્ભય બની, ધૂમપુરમાં સ્ત્રીની પાસે આવ્યો. રૂપશિખાને તેનો ઘોડો પાછો સોંપી, ત્યાં જે બનાવ બન્યો હતો તે કહ્યો. તે સાંભળીને રૂપશિખા ઘણો હર્ષ પામી. પછી રાજપુત્રે અગ્નિશિખની પાસે જઈ કહ્યું; ‘હું તમારા ભાઈ ધૂમશિખને નિમંત્રણ આપી આવ્યો છું. તે સાંભળી અગ્નિશિખ તો આશ્ચર્યમાં ગરકાવ જ થઈ ગયો અને પૂછવા લાગ્યો: ‘જો તું ત્યાં ગયો હતો, તો મને તે દેવમંદિરની કોઈ નિશાની બતાવ.’ તે કપટી રાક્ષસે પૂછ્યું એટલે રાજકુમાર બોલ્યો, ‘જ્યારે તમારી ઇચ્છા ત્યાંની નિશાની જાણવાની જ તે છે, તો સાંભળો: આપને દેવમંદિરની નિશાની આપું છું. તે મંદિરના મધ્યભાગમાં શંકર બિરાજે છે, તેના ડાબા ભાગ ઉપર પાર્વતીજી છે ને જમણા ભાગમાં ગણપતિ છે.’ અગ્નિશિખે પ્રમાણ સાંભળ્યું. ત્યારે તે આશ્ચર્ય પામ્યો અને ક્ષણવાર વિચારમાં પડ્યો કે ‘આ કુમાર મારા ભાઈ પાસે ગયો છતાં પણ મારા ભાઈએ આને કેમ ખાધો નહીં હોય. મને જણાય છે કે આ મનુષ્ય નથી, પણ અવશ્ય કોઈ મોટો દેવ છે. મારી કન્યા આ વર સાથે ભલે પરણે, કારણ કે વર તેના લાયકનો છે.’ આમ વિચાર કરી શૃંગભુજને રૂપશિખા પાસે જવા માટે તેને રજા આપી; પરંતુ પોતાની પુત્રી ફૂટેલી છે માટે આ કુમાર બચી ગયો છે એ વાત તે જાણી શક્યો નહીં. કુમાર, રાક્ષસ પાસેથી રજા લઈ રૂપશિખા પાસે ગયો અને ત્યાં ખાનપાનમાં ગુલતાન બની, કાલે વિવાહ થશે તેની ઉત્કંઠાથી આખી રાત્રિ જેમ તેમ ગુજારી, પ્રભાત થયું એટલે અગ્નિશિખે પોતાની સિદ્ધિને છાજતી સમૃદ્ધિ વડે, રાજકુમારનો સત્કાર કરી, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અગ્નિની સાક્ષીએ, પોતાની કન્યા, રાજકુમારને પરણાવી. એ વેળા તેણે ઘણી ધામધૂમ કરી હતી. ઈશ્વરની ગતિ કોણ કળી શકે છે. રાક્ષસની પુત્રી ક્યાં અને રાજકુમાર ક્યાં! અને વળી તે બન્નેનો વિવાહ ક્યાં! એ કંઈ સાધારણ બનાવ નથી. આશ્ચર્ય છે કે પૂર્વ જન્મમાં કરેલાં કર્મની જગતમાં વિચિત્ર જ ગતિ છે. પછી તે રાજકુમાર, રાક્ષસ પુત્રી સાથે લગ્ન કરી, હંસ જેમ કાદવમાંથી પેદા થયેલી કમલિની સાથે પરણીને શોભવા લાગ્યો અને તે કન્યા સાથે તન્મય થઈ, રાક્ષસની સિદ્ધિથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના વૈભવો ભોગવતાં તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો.

કેટલાક દિવસો વીત્યા પછી, શૃંગભુજે એકાંતમાં રૂપશિખાને આ પ્રમાણે કહ્યું: ‘પ્રિયે! ચાલ હવે આપણે વર્ધમાનપુરમાં જઈએ. તે મારી પોતાની રાજધાની છે અને હું ત્યાંથી મારા શત્રુઓના પ્રપંચથી દેશવટો લઈ આવ્યો છું. મારા જેવા પુરુષો પ્રતિષ્ઠાને પ્રાણસમ સમજે છે. પણ પ્રાણને પ્રાણ સમજતા નથી. જન્મભૂમિ ત્યાગ કરવા લાયક નથી, તો પણ તું મારે માટે જન્મભૂમિનો ત્યાગ કરવા માટે પિતાની રજા લઈ, હાથમાં સુવર્ણનું તીર લઈ, તૈયાર થા; અને મારી સાથે રાજધાનીમાં ચાલ.’ શૃંગભુજનું આ પ્રમાણેનું કહેવું સાંભળી; રૂપશિખા બોલી; ‘આર્યપુત્ર! પ્રાણનાથ! હવે તમે જે આજ્ઞા ફરમાવશો તે મુજબ વર્તવાને માટે હું તૈયાર છું. જન્મભૂમિ કોણ અને બંધુ કોણ? મારે તો તે સર્વ તમે જ છો. પતિવ્રતા સ્ત્રીઓને પતિ સિવાય બીજો કોઈ પણ સુખ આપનાર નથી; અર્થાત્ તેને પતિ તરફથી સર્વ સુખ મળે છે. તમારે જવાની ઇચ્છા હોય તો અગ્નિશિખને તે સંબંધે કંઈ જણાવવું નહીં. તે જો જવાનું જાણશે તો મને રજા આપશે નહીં. માટે તે ક્રોધી જાણે નહીં તેમ, તેનાથી છૂપી રીતે આપણે ચાલ્યા જવું જોઈએ. આપણા ગયા પછી, પરિજનથી તે કદી આપણા જવાનું જાણશે અને પાછળ આવશે તો, હું મારી વિદ્યાના બળથી ભૂત જેવા તે મૂર્ખને મોહિત કરી દઈશ.’ આવાં ઉત્સાહવાળાં વચન સાંભળી, શૃંગભુજ ઘણો ખુશ થયો. તેને ઘણો આનંદ થયો; બીજો દિવસ થયો એટલે તે રાક્ષસની કન્યા, અર્ધરાજ્ય હોય એવો, અણમોલ કિમતનાં રત્નનો એક દાબડો અને પેલું સુવર્ણનું મનોહર તીર લઈ તૈયાર થઈ. પછી રાજકુમાર અને તે કન્યા બન્ને જણ, રાક્ષસના શરવેગ નામના ઘોડા ઉપર સર્વ સામાન ભરી, તે ઉપર સ્વારી કરી, ‘અમે ફરવા માટે ઉપવનમાં જઈએ છીએ.’ આમ કહી પરિજનને છેતરી, વર્ધમાનપુર તરફ ચાલતાં થયાં.

ચાલતાં ચાલતાં ઘણા ગાઉ પહોંચી ગયા પછી તે વાર્તા અગ્નિશિખના જાણવામાં આવી. તે કોપ કરી તેની પાછળ આકાશમાર્ગે સુસવાટાભેર દોડ્યો. માર્ગમાં જતી રૂપશિખાએ પિતાના જોશભેર દોડવાનો શબ્દ સાંભળી, શૃંગભુજને કહ્યું, ‘પ્રાણપતિ! મારા પિતા મને પાછી તેડવા માટે, પાછળ આવે છે. તમે આ ઘોડા ઉપર બેઠા રહેજો, બીશો મા. હું મારી વિદ્યાથી તમને અને તમારા ઘોડાને અદૃશ્ય બનાવી દઈશ, એટલે તે તમને અને ઘોડાને દેખશે નહીં, તમે જુઓ કે હું તેને કેવી રીતે છેતરુંં છું.’ આમ કહી તે સ્ત્રી ઘોડા ઉપરથી નીચે ઊતરી પડી અને માયા વડે પુરુષ બની ગઈ. તે વનમાં લાકડાં લેવા માટે એક કઠીઆરો આવ્યો હતો તેની પાસે ગઈ અને કહ્યું કે, ‘અહીં એક મોટો રાક્ષસ આવે છે, માટે તું ક્ષણવાર સંતાઈ જા.’ તેને સંતાડી, તેની પાસેથી કુહાડો લઈ, તેના વતી રૂપશિખા લાકડાં કાપવા લાગી. એ જોઈ શૃંગભુજ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યો. એવામાં મૂઢ અગ્નિશિખ રાક્ષસ આકાશમાર્ગે દોડતો દોડતો ત્યાં આવ્યો, અને કઠીઆરાના આકારમાં રહેલી પોતાની પુત્રીને જોઈ, આકાશમાંથી નીચે ઊતરી તેની પાસે જઈ પૂછ્યું; ‘અરે ભાઈ! તેં આ માર્ગે જતાં કોઈ સ્ત્રીપુરુષને દીઠાં છે?’ ત્યારે પુરુષના વેશમાં રહેલી રૂપશિખા, જાણે લાકડાં કાપવાથી ઘણી જ થાકી ગઈ હોય, તેમ ઢોંગ કરી બોલી; ‘આજે અગ્નિશિખ નામનો એક મોટો રાક્ષસ ગૂજરી ગયો છે. તેને બાળવા માટે અમે તો અહીં લાકડાં કાપીએ છીએ, તેના પરિશ્રમથી અમારી આંખમાંથી જળ ઝરે છે, માટે અમે તો કોઈ સ્ત્રી, પુરુષને અહીંથી જતાં જોયાં નથી.’ તે સાંભળી પેલો મૂર્ખ રાક્ષસ મનમાં વિચારવા લાગ્યો; ‘શું હું મરી ગયો છું? તેમ હોય તો હવે મારે પુત્રીને શું કરવી છે? ચાલ, પાછો ઘેર જઈ મારા પરિજનને તે વિષે પૂછી આવું.’ આમ વિચારી અવિચારી અગ્નિશિખ તરત ઘેર ગયો; અને તેની કન્યા રૂપશિખા હાસ્ય કરતી કરતી, પ્રથમની માફક પ્રાણપ્રિય સાથે માર્ગ કાપવા લાગી.

તે રાક્ષસે ઘેર જઈ પરિજનને પૂછ્યું; ‘બોલો, હું મરી ગયો છું કે જીવું છું?’ તે સાંભળી તેનાં પરિજનો હાસ્ય કરીને બોલ્યાં; ‘મહારાજ! તમે જીવો છો, મરી ગયા નથી.’ રાક્ષસ પરિજન પાસેથી પોતાને જીવતો જાણી પાછો પુત્રીની પાછળ દોડ્યો. પુન: રૂપશિખાએ દૂરથી પિતાની દોડનો સુુસવાટો કે પિતા પુન: મારી પાછળ આવ્યા છે. પુન: તે પોતે ઘોડા ઉપરથી ઊતરી પડી ને પ્રથમની માફક માયા વડે પતિને અદૃશ્ય બનાવી, પોતે પુન: પુરુષનું રૂપ ધારણ કર્યું; અને તે રસ્તામાંથી એક કાસદ જતો હતો તેના હાથમાંથી કાગળ લઈ ઊભી રહી. એવામાં તે રાક્ષસ કાસદના આકારમાં ઊભેલી પુત્રીને જોઈ આકાશમાંથી નીચે ઊતર્યો અને પૂછ્યું, ‘અરે ભાઈ! તેં આ રસ્તા ઉપરથી કોઈ સ્ત્રીપુરુષને જતાં દીઠાં છે?’ કાસદના આકારમાં ઊભી રહેલી રૂપશિખા હાંફતી હાંફતી બોલી; ‘આજ રણસંગ્રામમાંં શત્રુએ અગ્નિશિખને પાયમાલ કરી નાંખ્યો છે; છતાં પણ તેનામાં જરા જીવ રહી ગયો છે. તેણે પોતે જીવતાં જ પોતાનું રાજ્ય પોતાના ભાઈ ઉછરંખલ મનના ધૂમશિખને આપવા માટે મને સંદેશો લઈ મોકલ્યો છે; માટે મારું મન જવાની ઉતાવળમાં વ્યાકુળ હોવાથી, મેં કોઈ સ્ત્રીપુરુષને દીઠાં નથી.’ અગ્નિશિખ પોતાને બીજાએ મારી નાંખ્યો, એમ જાણી ગાભરો બની પુન: તે બાબતનો નિશ્ચય કરવા માટે, પોતાને ઘેર ગયો, પરંતુ તે મૂર્ખે મનમાં એમ વિચાર કર્યો નહીં કે ‘કોણ મરી ગયો છે અને કોણ જીવે છે! હું તો હમણાં સહીસલામત છું તો મરે કોણ? અદ્ભુત આશ્ચર્ય છે કે બ્રહ્માની આશ્ચર્યકારક તમોગણી ઉત્પત્તિ રાત્રિ કે દિવસ કંઈ જાણતી નથી.’ પછી તે રાક્ષસ ઘેર ગયો અને પરિજનને પૂછ્યું, ‘બોલો, બોલો,‘હું મરી ગયો છું કે જીવું છું?’ તેઓએ ઉત્તર આપ્યો ‘તમે જીવો છો. જે તમને મરી ગયા કહે છે તે જૂઠું છે.’ ત્યારે તે મનમાં સમજ્યો કે મને કહેનારે જૂઠું કહ્યું છે અને મારી મશ્કરી કરી છે. પણ તે પછી, પુત્રીની માયા આગળ થાકી મોહિત બની પુન: તેની પૂઠે ગયો નહીં. અને આ સર્વ લીલા પુત્રીની કરેલી છે એમ સમજી તે પોતાને ઘેર બેસી રહ્યો. આ પ્રમાણે પિતાને મોહિત કરી રૂપશિખા પતિની સાથે ચાલી ગઈ; ઉત્તમ પતિવ્રતાએ પતિનું ભલું કરવું તે જ કર્તવ્ય સમજે છે, બીજું કંઈ પણ કર્તવ્ય સમજતી નથી.

શૃંગભુજ શરવેગ નામના અશ્વ પર આરૂઢ થયો અને તેની સ્ત્રી પણ આરૂઢ થઈ, બન્ને જણાં ઉતાવળાં ઉતાવળાં વર્ધમાન નગર તરફ જવા માંડ્યાં. થોડી વારમાં તે નગર દેખાવા લાગ્યું; જ્યારે શહેરનું પાદર આવ્યું ત્યારે શૃંગભુજે તરત નગરમાં વરધી પહોંચાડી. રાજા વીરભુજ ઘણે દિવસે પુત્રને આવતો જાણી, ઘણો રાજી થયો! અને સર્વની પહેલાં નગરની બહાર નીકળ્યો; સત્યભામા સહિત જેમ કૃષ્ણ શોભે તેમ રૂપશિખા સંગે શોભતા પુત્રને, જાણે નવી રાજ્યસંપત્તિ મળી હોય તેમ માનવા લાગ્યો. કુમાર પિતાને સામા આવતા જોઈ, સ્ત્રી સહિત ઘોડા ઉપરથી નીચે ઊતરી પડ્યો. પિતાને દંડવત્ પ્રણામ કર્યાં, પિતાએ પુત્રને ઉઠાડી છાતી સરસો ચાંપી, આનંદનાં અશ્રુ પાડ્યાં અને તે હર્ષાશ્રુવાળાં નેત્રથી જ જાણે શોકમાત્રનો નાશ કરતો હોય તેમ, ઉત્તમ મંગળ વિધિ કરી, પુત્રને રાજધાનીમાં દાખલ કર્યો, આખા નગરમાં તે દિવસે ઉત્સવ થઈ ગયો.

જ્યારે રાજા અને શૃંગભુજ બન્ને જણા સાથે બેઠા, ત્યારે પિતાએ પૂછ્યું, ‘તું ક્યાં ગયો હતો?’ શૃંગભુજે આદિથી અંતપર્યત પોતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. નિર્વાસભુજ વિગેરે સઘળા ભાઈઓને તેડાવી, તેમને સોનાનું તીર ઇચ્છા હોય તો આપવાની ઇચ્છા બતાવી. વીરભુજ સર્વ વાર્તાથી વાકેફ થઈ, તે સોનાના તીરને જોઈ, બીજા સઘળા પુત્ર ઉપર ક્રોધે ભરાયો; અને એક શૃંગભુજને જ પુત્ર તરીકે ગણવા લાગ્યો, તે બુદ્ધિશાળી કહેવા લાગ્યો કે; ‘જેમ દુષ્ટ ભાઈઓએ શત્રુતાને લીધે આ નિરપરાધી રાજકુમારને બહાર કાઢી મૂક્યો હતો, તેમ જ આ કુમારોની પાપિણી માતાઓએ આ કુમારની માતા, જેને હું પ્રાણથી વધુ પ્રિય ગણું છું, જે દોષરહિત છે એમ મારું મન કહે છે, તેના પર આળ કેમ ચઢાવ્યું નહીં હોય? ઘણા દિવસ પછી તે બાબતની શી તપાસ કરવી! આજ જ તપાસ કરું તો ખરું ખોટું તુરત પકડાઈ આવશે.’ આમ વિચાર કરી, તે દિવસ તે ગયો. પણ રાત્રિ પડી એટલે રાણીનું કપટ જાણવાની ખાતર, અયશોલેખા રાણીના રંગમહેલમાં ગયો. રાણી રાજાની પધરામણીથી ઘણી ખુશ થઈ. રાજાએ તેને ખૂબ મદિરા પાઈ, તેની સાથે રંગભોગ રમ્યો. રંગભોગ રમ્યા પછી તે રાણી શ્રમિત થઈને નિદ્રાવશ થઈ ગઈ. નિદ્રાવશ થયા પછી તે બકવા લાગી; ‘જો હું ગુણવરા ઉપર ખોટું આળ ચઢાવત નહીં, તો શું આવી રીતે મારે રંગમહોલે પધારત કે?’આ લવારા વખતે રાજા જાગતો હતો, એ કપટકુશળ નિદ્રાવશ રાણીના મનના દુષ્ટ વિચાર, તેના વચન દ્વારા જાણી ગયો, તેથી તે ગુસ્સે થયો અને તેના રંગમહેલથી બહાર નીકળી, પોતાના રંગમહેલમાં આવ્યો; અને તરત સેવકોને તેડાવી હુકમ કર્યો કે, ‘જે જ્ઞાની મહાત્માએ અનિષ્ટ શાંતિ માટે ગુણવરાને ભોંયરામાં રાખી, તેની આજ્ઞા મુજબ બહાર કાઢવાનો દિવસ આજનો છે. આજ તેની અવધ પૂરી થઈ છે માટે જાઓ, સત્વર ગુણવરા રાણીને ભોંયરામાંથી બહાર કાઢી સ્નાન કરાવીને મારી પાસે લાવો.’ રાજાની આજ્ઞા સાંભળી, કાર્યભારીઓ ‘જેવી આજ્ઞા’ એમ કહી, રાણીના મહેલમાં ગયા. પછી રાણીને ભોંયરામાંથી બહાર કઢાવી, સ્નાન કરાવી, ઘરેણાં વિગેરે શણગાર સજાવી, રાજાની પાસે લઈ આવ્યો અને રાણી પરસ્પર વિરહરુપ સાગરને તરી પાર ઉતર્યા હોય તેમ અન્યોન્ય આલિંગન કરવાથી તે સંતોષ પામ્યાં. તે રાત્રિ બંનેએ આનંદમાં ગાળી. રાજાએ રાણી ગુણવરાને તે રાત્રિમાં પોતાના શૃંગભુજનું વૃત્તાંત કહી સંભળાવ્યું. અને પુત્રને, તેની માતાના કેદ થવાની ને છૂટકો મેળવવાની વિતક વાર્તા કહી.

અયશોલેખા રાણી, જે ગાઢ નિદ્રામાં સૂતી હતી તે થોડી વાર પછી જાગી આસપાસ જુએ છે તો રાજાને દીઠા નહિ. તે છળપ્રપંચ જાણી ચાલ્યા ગયા હશે એમ ધારી, બહુ અફસોસમાં પડી ગઈ. થોડી વારમાં પ્રભાત થયું. રાજાએ શૃંગભુજ અને રૂપશિખા બન્નેને બોલાવ્યાં. તે બન્ને આવ્યાં. શૃંગભુજ માતાને ભોંયરામાંથી બહાર નીકળેલી જોઈ, ઘણો રાજી થયો. સ્ત્રી સહિત માતાપિતાના ચરણમાં પ્રણામ કર્યાં. રાણી ગુણવરા પણ મુસાફરી કરીને આવેલા પુત્રને અને તેની પત્નીને, છાતી સાથે દાબી અત્યંત આનંદ પામી. પછી વીરભુજ રાજાએ શૃંગભુજને આજ્ઞા કરી, ‘પુત્ર, તેં રાક્ષસના પ્રદેશમાં જઈને શું કર્યું તે કહે.’ રાજકુમારે પિતાની આજ્ઞા માથે ચઢાવી, રૂપશિખાએ પોતાને માટે જે જે કર્યું હતું તે વૃત્તાંત આદિથી અથ પર્યંત કહી સંભળાવી. ગુણવરા રાણી ઘણી પ્રસન્ન થઈ; ને પુત્રને કહ્યું; ‘પુત્ર! આ જો, તેણે પોતાના પ્રાણ, પોતાનું કુટુંબ અને પોતાની જન્મભૂમિના ત્યાગ કર્યા છે; તારા કુટુંબી સાથે તને મેળવ્યો અને તારી જન્મભૂમિમાં તને લાવી મૂક્યો છે. વહુએ ત્રણ વસ્તુ તજીને તને ત્રણ વસ્તુ અર્પણ કરી છે. તેનું ચરિત્ર કંઈ સાધારણ નથી, પણ આશ્ચર્ય કરનારું છે. પ્રારબ્ધને લીધે આ કોઈ દેવી તારે માટે ભૂતળપર અવતરેલી જણાય છે. ખરેખર આ સ્ત્રીએ સઘળી પતિવ્રતાઓના શિર ઉપર પગ દીધો છે.’ રાણી ગુણવરાએ આથી જે જે કહ્યું, તે સર્વને રાજા વીરભુજે વિનયમાં મસ્તક નમાવી સંમતિ આપી. એટલામાં અયશોલેખાએ જેના ઉપર ખોટો અપવાદ મૂક્યો હતો તે અંત:પુરનો અધ્યક્ષ સુરક્ષિત તીર્થમાં જાત્રા કરી ત્યાં આવ્યો. તેણે રાજાના રાજભવન પાસે આવી જણાવ્યું કે: ‘હે મહારાજ! હું આવ્યો છું.’ રાજાએ તેને અંદર બોલાવ્યો, તે રાજાની પાસે ગયો. પ્રેમથી તેના ચરણમાં પડ્યો. રાજાએ પછી સુરક્ષિતને આજ્ઞા કરી: ‘જા,જે ભોંયરામાં ગુણવરાને પુરી હતી તે ભોંયરામાં આ બધી રાણીઓને પૂરી દે.’ તે સાંભળતાં જ સઘળી નિર્દય રાણી ભયભીત થઈ ગઈ. એટલે ગુણવરા બોલી ઊઠી, ‘આ રાણીઓને ગુફામાં પૂરી મૂકો. પણ આ રાણીઓને ક્ષમા કરો. આ ગાભરી બનેલી રાણીઓને હું જોઈ શકતી નથી. મુજ પર કૃપા કરો!’ આમ ઘણી વાર રાજાને વિનંતી કરી ગુણવરાએ સઘળી રાણીઓને બંધનમાંથી મુક્ત કરી. મોટા પુરુષો શત્રુ ઉપર કરુણા કરી તેનો બદલો વાળે છે.

ત્યાંથી નિંદિત થવાને લીધે અપમાનની ઇચ્છા રાખનારી રાણીઓને વિદાય દીધી. લજ્જાવશ થઈ પોતપોતાના ભવનમાં ચાલી ગઈ. તે દિવસથી રાજા મહાશય, ગુણવરાને ઘણું મીઠું બોલવા લાગ્યો; અને તે સ્ત્રીથી પોતાને કૃતાર્થ સમજવા લાગ્યો. પછી રાજાએ નિર્વાસભુજ વિગેરે રાજાઓને, યુક્તિથી દેશવટો દેવા માટે સઘળા કુમારોને તેડાવ્યા અને કૃત્રિમ વચનથી બોલ્યો: સાંભળ્યું છે કે તમે પાપીઓને એક વટેમાર્ગુ વાણિયાને મારી નાંખ્યો છે; માટે તમે આ શહેરમાં ક્ષણવાર રહેશો નહીં. જાઓ સઘળી તીર્થયાત્રા કરી આવો.’ રાજાને પણ કુમારો સત્ય વાત સમજાવી શક્યા નહીં. જ્યારે રાજા હઠમાં ભરાય છે ત્યારે વિનંતિ પણ કોણ કરી શકે છે? પિતાની આજ્ઞાથી રાજકુમારો તીર્થયાત્રા કરવા તૈયાર થયા; ત્યારે શૃંગભુજની આંખો આંસુથી પૂર્ણ ભરાઈ ગઈ. તેણે પિતાને વિનંતિ કરી; ‘પિતાજી! આ કુમારોનો એક અપરાધ ક્ષમા કરી તેમના પર કૃપા કરો.’ પછી તે પિતાના ચરણમાં પડ્યો. રાજા વીરભુજ, બાલ્યાવસ્થામાં યશસ્વી, દયાવાન, રાજાના કારભારને ઉપાડનાર પુત્રને, બાલ્યાવસ્થામાં ગોવર્ધનગિરિને ઉપાડનાર અને યશોદાના મનને મોહ ઉપજાવનારા વિષ્ણુના પૂર્ણ અવતાર રૂપ શ્રીકૃષ્ણ જેવો ગણવા લાગ્યો. તે બુદ્ધિમાન રાજાએ મનમાં વેર રાખી પુત્રનું વચન માન્ય કરી સર્વે પુત્રોને શહેરમાં રહેવાની આજ્ઞા કરી. તે કુમારો ભાઈને પોતાના પ્રાણ બચાવનાર સમજવા લાગ્યા.

બીજે દિવસે રાજાએ, શૃંગભુજ કરતાં બીજા મોટા કુમારો હતા છતાં, ગુણમાં મોટા એવા શૃંગભુજને તીર્થજળથી સ્નાન કરાવી યુવરાજ પદ પર અભિષેક કીધો. શૃંગભુજ યુવરાજ પદ મેળવી પિતાની આજ્ઞા લઈ સર્વ સેના સાથે દિગ્વિજય કરવા માટે નીકળ્યો. પોતાના બાહુના પ્રતાપથી, અખિલ ભૂમંડળના રાજાઓને તાબે કરી, દિશાઓમાં યશશ્રીને વિસ્તારી, કૃતાર્થ થઈ તે પાછો પોતાની રાજધાનીમાં આવ્યો અને પોતાને અધીન રહેલા ભાઈઓને સાથે રાખી પોતે રાજ્ય ચલાવી પિતાને પ્રસન્ન કરવા લાગ્યો; બ્રાહ્મણોને દાન આપવા લાગ્યો અને મૂતિર્મતી સિદ્ધિ જેવી જણાતી રૂપશિખાને સાથે સાંસારિક વિલાસવૈભવનું સુખ ભોગવવા લાગ્યો.