ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/નિગ્રોધમૃગ જાતક

From Ekatra Wiki
Revision as of 17:53, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નિગ્રોધમૃગ જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે વેળા બોધિસત્ત્વે મૃગ જાતિમાં જન્મ લીધો. માતાના ઉદરમાંથી તે બહાર આવ્યા ત્યારે જ તેમનો વર્ણ કાંચન જેવો હતો. તેમની આંખો મણિ જેવી, તેમનાં શિંગડાં રજત વર્ણનાં, તેમનું મોં લાલ રંગનું, તેમનું પૂછડું ચમરી ગાયના જેવું હતું. પરંતુ તેમનું શરીર વછેરા જેવું હતું. પાંચસો હરણની સાથે તે વનમાં રહેતા હતા. તેમનું નામ હતું નિગ્રોધ મૃગરાજ. ત્યાંથી થોડે દૂર પાંચસો મૃગ સાથે એક બીજો પણ શાખામૃગ રહેતો હતો. તે પણ સોનેરી વર્ણનો હતો.

તે સમયે વારાણસીના રાજા મૃગહત્યાનો શોખીન થયો હતો. માંસાહાર વિના તેને ચાલતું જ ન હતું. લોકોને તેમનાં કામ છોડાવી, બધા વિસ્તારોના લોકોને એકઠા કરી દરરોજ રાજા શિકાર કરવા નીકળી પડતો. લોકોએ વિચાર્યું, ‘આ રાજા તો દરરોજ આપણને રોકી રાખે છે. આપણે એક કામ કરીએ. ઉદ્યાન પાસે ઘાસપાણી મૂકીએ, ઘણાં બધાં હરણને અંદર ઘુસાડી દરવાજો બંધ કરી દઈએ અને રાજાને હરણાં સોંપી દઈએ.’ તે લોકોએ ઉદ્યાનમાં હરણ માટે ઘાસચારો, પાણી મૂકી દીધાં. પછી નગરના લોકો સાથે, જુદા જુદા પ્રકારનાં હથિયાર લઈને વનમાં તેઓ હરણાંને શોધવા પ્રવેશ્યા. વચ્ચે જે કોઈ હરણ આવશે તેમને પકડીશું એમ વિચારીને નિગ્રોધ મૃગ તથા શાખા મૃગનાં રહેઠાણ વિસ્તારને ઘેરી લીધો. પછી હરણાંના ટોળાને જોઈ, ઝાડનાં ડાળીઓ, લાકડીઓ વડે તથા જમીન પર અવાજ કરી કરીને હરણાંના ટોળાને છૂપી જગ્યાઓથી કાઢ્યા; તલવાર, ધનુષબાણ હાથમાં રાખીને બૂમબરાડા પાડીને એ હરણાંને ઉદ્યાનમાં ધકેલ્યા અને દરવાજા ભીડી દીધા. રાજા પાસે જઈને બોલ્યા, ‘રાજા, દરરોજ શિકાર માટે અમે આવીએ એટલે અમારા કામધંધાને નુકસાન થાય છે. અમે વનનાં મૃગોથી તમારો ઉદ્યાન છલકાવી દીધો છે. હવે તમે તેમનું માંસ આરોગજો.’ પછી રાજાની રજા લઈને તેઓ ચાલ્યા ગયા. રાજાએ તેમની વાત સાંભળી, ઉદ્યાનમાં જઈને હરણાં જોયાં. બે સોનેરી હરણને જોઈ તેમને અભયદાન આપ્યું, ત્યારથી માંડીને દરરોજ તે જાતે કાં તો એક હરણને મારી નાખતો, ક્યારેક તેનો રસૌયો હરણને મારી નાખતો. ધનુષ જોઈને જ હરણ મરણના ભયથી ડરીને ભાગવા માંડતા. બે ત્રણ ઘા થાય એટલે પીડાવા લાગતા, અને પછી મરી જતા. હરણના ટોળાએ બોધિસત્ત્વને આ વાત કહી, તેમણે શાખામૃગને બોલાવીને કહ્યું, ‘મિત્ર, હરણ બહુ દુઃખી થઈ રહ્યાં છે. જો મૃત્યુ નિશ્ચિત જ હોય તો હવે પછી તેઓ બાણથી ન વીંધાય. ગરદન કાપવાની જગાએ હરણાંનો વારો બાંધીએ, એક દિવસ મારા જૂથનું હરણ જાય અને એક દિવસ તારા જૂથનું હરણ જાય. જેનો વારો આવે તે હરણ વધસ્થાને જઈ ગરદન ગોઠવીને ઊભું રહે. આને કારણે હરણ ઘવાતાં બંધ થશે.’

શાખામૃગે તેની વાત સ્વીકારી લીધી. તે દિવસથી જેનો વારો આવે તે હરણ વધસ્થાને પોતાની ગરદન ગોઠવી દેતું. રસૌયો આવીને ત્યાં ગરદન ટેકવીને પડેલા હરણને ઉપાડી જતો.

એક દિવસ શાખામૃગના ટોળામાં ગાભણી હરણીનો વારો આવ્યો. તેણે શાખામૃગ પાસે જઈને કહ્યું, ‘સ્વામી, હું ગાભણી છું. પુત્રનો જન્મ થશે ત્યારે અમે વારાફરતી જઈશું. આજે મારે બદલે કોઈ બીજાને મોકલો.’ તેણે કહ્યું, ‘હું તારા બદલે કોઈ બીજાને મોકલી ન શકું. તારાં લાગ્યાં તું ભોગવ.’

શાખામૃગે દયા ન કરી એટલે તે બોધિસત્ત્વ પાસે ગઈ, અને જઈને તેણે પોતાની વાત કરી. તેની વાત સાંભળીને બોધિસત્ત્વે કહ્યુું, ‘સારું, તું જા. હું તારો વારો આવવા નહીં દઉં.’ એમ કહી તે પોતે વધસ્થાને જઈને બેઠા. રસૌયાએ ત્યાં આવીને જોયું, ‘આ તો અભયદાન પામેલો મૃગ છે. અહીં વધસ્થાને આવીને કેમ પડ્યો છે?’ તેણે રાજાને વાત કરી. રાજા રથે આરૂઢ થઈને ઘણા બધા લોકોને લઈને બોધિસત્ત્વ પાસે આવ્યા, ‘અરે મિત્ર, શું મેં તને અભયદાન નથી આપ્યું? તું અહીં શા માટે પડી રહ્યો છે?’

‘એક ગાભણી હરણીએ આવીને મને કહ્યું, ‘મને મોકલવાને બદલે કોઈ બીજાને મોકલો. હું કોઈ એકને બદલે બીજાને મૃત્યુના મોઢામાં કેવી રીતે મોકલી શકું? એટલે મેં તેને જીવનદાન આપ્યું. એટલે મેં તેનું મૃત્યુ મારા પર લઈ લીધું. આમ હું અહીં છું. બીજી કોઈ શંકા ન કરતા.’

રાજાએ કહ્યું, ‘સ્વામી, કાંચનવર્ણ મૃગરાજ, મેં તારા જેવાં ક્ષમા, મૈત્રી, દયા કોઈ મનુષ્યમાં પણ જોયાં નથી. હું તારા પર પ્રસન્ન છું. ઊઠ, તને અને એ હરણી — બંનેને અભય આપું છું.’

‘મહારાજ, અમને બંનેને અભય મળ્યા પછી બાકીનાંનું શું?’

‘સ્વામી, બીજાંઓને પણ અભયદાન.’

‘મહારાજ, આ રીતે તો ઉદ્યાનમાં જે હરણ છે તેમને જ અભય મળશે. બીજાંઓનું શું?’

‘સ્વામી, તેમને પણ અભય.’

‘મહારાજ, હરણાંને તો અભયદાન મળ્યું. પણ બીજાં પ્રાણીઓનું   શું?’

‘સ્વામી, તેમને પણ અભય.’

‘મહારાજ, ચોપગાં પ્રાણીઓને તો અભયદાન મળ્યું. પણ પક્ષીઓનું   શું?’

‘સ્વામી, તેમને પણ અભયદાન.’

‘મહારાજ, પક્ષીઓને તો અભયદાન મળ્યું. પણ જળચર જીવોનું શું?’

‘સ્વામી, તેમને પણ અભયદાન,’

આ રીતે બોધિસત્ત્વે રાજા પાસેથી બધાં જ મર્ત્ય જીવોને માટે અભયદાન મેળવ્યું. રાજાને પાંચ શીલનો બોધ આપ્યો. ‘મહારાજ,ધર્માચરણ કરો, ન્યાય કરો. માતાપિતા, પુત્રપુત્રી, બ્રાહ્મણ — ગૃહપતિ, જનપદના લોકો સાથે ધર્મપૂર્ણ વર્તો — તો પછી મૃત્યુ પામ્યા પછી સુગતિ અને સ્વર્ગ મળશે.’ આમ રાજાને ઉપદેશ આપી, કેટલાય દિવસ ઉદ્યાનમાં રહ્યા પછી હરણાંનાં ટોળાંની સાથે વનમાં ચાલ્યો ગયો. તે હરણીએ પુષ્પ જેવા બચ્ચાને જન્મ આપ્યો. તે રમતાં રમતાં શાખામૃગ પાસે જતું રહેતું, ત્યારે તેની મા કહેતી, ‘પુત્ર, હવેથી તું એની પાસે ના જઈશ. માત્ર નિગ્રોધ પાસે જ રહેજે. નિગ્રોધની જ સેવા કરજે. શાખામૃગને ત્યાં જીવવા કરતાં નિગ્રોધને ત્યાં મરી જવું વધુ ઉત્તમ.’

ત્યાર પછી અભયદાન મેળવેલાં હરણ લોકોનાં ખેતરમાં જઈને છોડ ખાઈ જવા લાગ્યા. ‘આ અભયદાન મેળવેલાં હરણ છે’ એમ જાણી લોકો તેમને મારતા ન હતા, તેમને હાંકી પણ કાઢતા ન હતા. તેમણે એકઠા થઈને રાજદરબારમાં ફરિયાદ કરી. રાજાએ કહ્યું, ‘મેં પ્રસન્ન ચિત્તે તે શ્રેષ્ઠ નિગ્રોધ મૃગને વચન આપ્યું છે. હું રાજ્ય જતું કરીશ પણ મારી પ્રતિજ્ઞા નહીં તોડું. મારા રાજ્યમાં કોઈ પણ પ્રાણીને મારવાની છૂટ નથી.’

નિગ્રોધમૃગના કાને આ વાત આવી, તેણે હરણાંને એકઠાં કરીને કહ્યું, ‘હવેથી ખેતરોમાં ભેલાણ ન કરતા.’ તેણે લોકોને સંદેશો કહેવડાવ્યો. ‘હવે પછી ખેતરના રક્ષણ માટે વાડ ન બાંધતા. માત્ર ખેતરની આસપાસ પાંદડાંઓની નિશાની કરજો.’ ત્યારથી ખેતરોમાં પાંદડાંની નિશાનીઓ બાંધવાની પ્રથા શરૂ થઈ. કોઈ પણ હરણ એ નિશાનીની પાર ન જતું. બોધિસત્ત્વે તેમને એમ કરવાનો ઉપદેશ આપ્યો હતો. આમ હરણાંઓને ઉપદેશ આપીને નિગ્રોધ મૃગે પોતાનું આયુષ્ય પૂરું કર્યું અને કર્માનુસાર સ્વર્ગે સિધાવ્યા. રાજા પણ બોધિસત્ત્વના ઉપદેશ પ્રમાણે પુણ્યકર્મ કરીને પરલોક સિધાવ્યા.