ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/કુટિદૂસક જાતક
પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. બોધિસત્ત્વ સુગરી તરીકે જન્મ્યા. મોટા થયા પછી વરસાદથી બચવા એક સુંદર માળો બનાવી ત્યાં રહેવા લાગ્યા. એક દિવસ ભારે વરસાદ પડ્યો, ઠંડીથી અને વરસાદથી થથરતો એક વાંદરો બોધિસત્ત્વ પાસે આવ્યો, તેને દુઃખી થતો જોઈ બોધિસત્ત્વે તેની સાથે વાતો કરવા માંડી.
‘હે વાનર, તારું માથું મનુષ્યો જેવું છે, તારા હાથપગ પણ મનુષ્યો જેવા છે, તો પછી તું ઘર કેમ નથી બનાવતો?’
આ સાંભળી વાનરે કહ્યું, ‘મારું મસ્તક મનુષ્યો જેવું છે, હાથપગ મનુષ્યો જેવા છે પણ માનવીઓમાં શ્રેષ્ઠ ગણાતી બુદ્ધિ મારામાં નથી.’
બોધિસત્ત્વે આ સાંભળી કહ્યું, ‘જે અસ્થિર ચિત્તવાળો છે તેનું ચિત્ત નબળું હોય છે. જે મિત્રદ્રોહી છે, જેનું શીલ અસ્થિર છે તેને સુખ મળતું નથી. એટલે હે વાનર, તું અનીતિ ત્યજીને કોઈ ઉપાય કર, એક ઘર બનાવ, તે ઘર તને ઠંડીથી વરસાદથી બચાવશે.’
વાનરે વિચાર્યું, ‘આ પોતે વરસાદ હેરાન ન કરે એવી સુરક્ષિત જગાએ બેસીને મારી મજાક ઉડાવે છે. આને તેના માળામાં બેસવા નહીં દઉં.’ તે બોધિસત્ત્વને પકડવા કૂદ્યો. બોધિસત્ત્વ ઊડીને બીજે ચાલ્યા ગયા. વાનરે માળો વીંખીપીંખી નાખ્યો અને તે ત્યાંથી જતો રહ્યો.