ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/બંધુલ અને મલ્લિકા

From Ekatra Wiki
Revision as of 17:34, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બંધુલ અને મલ્લિકા

સેનાપતિ બંધુલ નહીં, પણ બંધુલમલ્લ કહો તો જ એની સાચી ઓળખાણ આપી શકાય. બંધુલમલ્લનો એક મુખ્ય સિદ્ધાંત એ હતો કે એક વિચાર તેના મગજમાં આવે અને તેનો તે અમલ કરે તે વચ્ચે ઓછામાં ઓછો ગાળો રહેવો જોઈએ. બંધુલમલ્લના આ સદ્ગુણની અનેક વાતો શ્રાવસ્તીના લોકોમાં પ્રચલિત હતી. કહે છે કે બંધુલમલ્લને એક દિવસ એકાએક ખ્યાલ આવ્યો કે એની સ્ત્રી મલ્લિકા વાંઝણી રહી છે. થયું. તેણે તરત જ મલ્લિકાને બોલાવી આજ્ઞા કરી, ‘જા! ચાલી જા તારે પિયર, કુશીનારા.’

પણ કોસલરાજના આ સેનાપતિની પત્ની વળી કોઈ જુદી જ માટીની મૂર્તિ હતી. ને બંધુલની તો એ રગેરગ જાણતી. જરા પણ ઓછું આણ્યા વિના તેણે કહ્યું, ‘એક વાર ભગવાન બુદ્ધનાં દર્શન કરી લઉં ને પછી જાઉં.’

મલ્લિકા જેતવનમાં આવી. તથાગતને વંદન કરી એક કોર ઊભી રહી.

‘કેમ જવાનું થયું?’ તથાગતે પૂછ્યું.

‘ભદંત! મારા પતિ મને પિયર મોકલી દે છે.’

‘કશું કારણ?’

‘મને સંતાન નથી થતું તેથી, ભદંત!’

‘એટલું જ હોય તો તારે જવાની જરૂર નથી. તું તારે ઘરે પાછી જા.’

સંતુષ્ટ થઈ મલ્લિકા ઘરે આવી. જોતાંવેંત બંધુલમલ્લ તડૂક્યા: ‘કાં તું પાછી આવી?’

‘તથાગતે પાછી વાળી, સ્વામી.’

તથાગતનું નામ આવ્યું એટલે બંધુલમલ્લ થઈ ગયા ચૂપ. તથાગતના શબ્દમાં બંધુલમલ્લને શ્રદ્ધા — અખૂટ શ્રદ્ધા.

અને એ શ્રદ્ધા તે વખતે તો બરાબર ફળી. તેમાં કોઈ જરા પણ હા-ના કરી શકે તેમ ન હતું. કેમ કે એ પછી ટૂંક સમયમાં જ મલ્લિકા સગર્ભા થઈ ને તેને પુત્રોનું યુગલ અવતર્યું.

પણ મલ્લિકા સગર્ભા હતી તે વેળા બંધુલમલ્લને તેનું વિચિત્ર દોહદ — સગર્ભાસ્થામાં થતી પ્રબળ સ્પૃહા — કેવાં પરાક્રમ કરીને પૂરેલું, તેની વાત તો શ્રાવસ્તીનું નાનું છોકરું પણ જાણતું. તેમ પહેલ વહેલાં શ્રાવસ્તીમાં આવ્યા હો તો કોઈ નહીં ને કોઈ શ્રાવસ્તીવાસીને મોઢેથી બંધુલના આ પરાક્રમની વાત સાંભળવાના જ. દોહદ તો સૌ સગર્ભા સ્ત્રીને થાય. પણ આ તો સેનાપતિ બંધુલમલ્લની સ્ત્રી, તેનું દોહદ પણ સેનાપતિના નામને શોભાવે એવું જોઈએ ને?

સગર્ભા મલ્લિકાને એવી ઉત્કટ ઇચ્છા થઈ કે વૈશાલીના લિચ્છવિ ગણરાજાઓનો અભિષેક જે સરોવરના જળથી થતો, ને જેનો સ્પર્શ કરવાનો પણ બીજા કોઈને અધિકાર ન હતો, તેમાં સ્નાન કરું અને તેનું જળ પીઉં!

તેણે બંધુલને પોતાની ઇચ્છા જણાવી. બંધુલ તો ભૂત સાથે પણ બાથ ભીડવાની તક શોધનારો. વાત કરી એટલી જ વાર. ઉપાડ્યું ધનુષ્ય — અને એનું ધનુષ્ય પણ કેવું, જાણો છો? હજાર સાધારણ ધનુષ્યોના કૂચા થઈ જાય તોયે બંધુલનું ધનુષ્ય ન તૂટે!

ધનુષ્ય લઈ, રથ જોતરી, મલ્લિકાને કહ્યું, ‘ચાલ, બેસી જા રથમાં.’ ને રથ મારી મૂક્યો. વાતવાતમાં તો શ્રાવસ્તી છોડી ને રથ વૈશાલી પહોંચી ગયો.

પણ વૈશાલી તો ગમે તે પહોંચી જાય. ખરો ખેલ તો પછી જ શરૂ થાય તેમ હતો. લિચ્છવિઓની વૈશાલીમાં પ્રવેશ કરી તેમની પવિત્ર પુષ્કરિણીમાં નહાવાનું નામ લેવું તે કરતાં સિંહની બોડમાં હાથ ઘાલવાનું કામ ઘણું વધારે સરળ ગણાતું.

પહેલું તો નગરદ્વાર પર જ આંધળા લિચ્છવિ મહાલિની ચોકી હતી. આ મહાલિ હતો તો આંધળો, પણ વિચક્ષણ એટલો કે દરવાજો વટીને એક ચલ્લુંયે ફરકે તો તેની જાણ એને થયા વિના ન રહે! લિચ્છવિ રાજાઓ એને પૂછીને જ પાણી પીતા. ને ઓછામાં પૂરું બંધુલે ને એણે સાથે વિદ્યાધ્યયન કરેલું. એટલે જેવો બંધુલનો રથ દ્વારને વટાવતો પસાર થયો તેવો જ મહાલિ બોલી ઊઠ્યો, ‘અરે! આ ઘરઘરાટ તો બંધુલમલ્લના જ રથનો. લિચ્છવિઓ! સાવધાન!’

આ પછી બંધુલને જે બીજો ગઢ સર કરવાનો હતો તે પુષ્કરિણીની ફરતી શસ્ત્રસજ્જ સૈનિકોની ચોકી. ને ત્રીજો ગઢ તે પુષ્કરિણીની ઉપર જડેલી લોખંડની જાળી. ઉપરથી આવીને કોઈ પંખી પણ પાણીને અભડાવી ન શકે!

પણ બંધુલમલ્લ આગળ એવા સો અંતરાયોની પણ શી વિસાત? પુષ્કરિણીની પાસે આવતાં તેણે આંખના પલકારામાં જ થોડાક રક્ષકોનો સોથ કાઢ્યો. એકદમ અણધાર્યા આ આક્રમણથી રક્ષકોમાં નાસભાગ થઈ. પછી ખડ્ગના બેચાર ઝટકાથી લોહજાળીને ભેદી માર્ગ કર્યો.

મલ્લિકા નાહી. ધરાઈને જળ પીધું. બંધુલે પણ ડૂબકી મારી લીધી. ને ફરી બંને રથમાં બેસી જે રસ્તે આવ્યા હતા તે રસ્તે પાછા ઊપડ્યા. બધું પૂરતી આસાનીથી પતી ગયું.

રક્ષકોએ પૂરઝડપે લિચ્છવિઓને સમાચાર પહોંચાડ્યા. દોડધામ મચી રહી ને પાંચ સો લિચ્છવિ રાજાઓ રથ જોડી બંધુલને પકડવા ઊપડ્યા. હમણાં જ એની ધૃષ્ટતાનું ફળ એને બરાબર ચખાડીએ.

બંધુલના પ્રચંડ શરીર — બળની, બાણાવળી તરીકેની તેની અસાધારણ નિપુણતાની, અને તેના અદ્ભુત ધનુષ્યની વાત કરી અંધ મહાલિએ તેમને વાર્યા, ‘ડાહ્યા હો તો બંધુલને પડખે ચડવાનો વિચાર માંડી વાળો. તમને બધાને એ એકલો પૂરો પડશે.’

‘નહીં, અમે તો જવાના જ!’ કાળથી ઘેરાયેલા લિચ્છવિઓ બીજો ઉત્તર કેમ આપી શકે?

પરિણામ પહેલેથી જ નક્કી થઈ ગયું હતું. પાંચસોમાંથી એક પણ જીવતો પાછો ન ફર્યો. ને તમે માનો કે ન માનો, પણ લિચ્છવિઓ સાથેના એ બખેડામાં બંધુલે પાંચ સોયે જણને એક જ બાણથી વીંધી નાખેલા, ને તે પણ એવા ચાતુર્યથી કે લિચ્છવિઓને વીંધાયાની ખબર પણ ન પડી — માત્ર કટિબંધ છોડ્યો એટલે સૌ ઢગલો થઈને પડ્યા!

આ અમારા સેનાપતિ બંધુલમલ્લ. બોલો, છે એનો જોટો બીજે ક્યાંય? અને શ્રાવસ્તીવાસીઓ પાસે તો બંધુલમલ્લની આવી એકએકથી ચડી જાય તેવી વાતોનો ભંડાર છે. તેઓ બંધુલને નામે જે પરાક્રમો ને કહાણીઓ વર્ણવે છે, તેમાંથી ઘણાંની તો બિચારા બંધુલને પોતાને પણ જાણ નહીં હોય!

તમે શ્રાવસ્તીના ન હો ને આવી વાતોને જોડી કાઢેલી માનો એ બને ખરું, પણ તેમાંની એક વાત તો સૌના દેખતાં જ બનેલી. એટલે એમાં તો શંકાને કશું સ્થાન જ નથી. ને એ વાત બંધુલની કીર્તિ પર કળશ ચડાવે તેવી છે, એમ તમે પણ સ્વીકાર્યા વિના નહીં રહો. કેમ કે તે દિવસે અન્યાયનો ભોગ થઈ પડેલા ગરીબડા કૌશિકની વહારે ધાવાના બંધુલના સાવ અણધાર્યા પગલાથી તો રાજકર્મચારીઓના જગતમાં મોટી ઊથલપાથલ મચી ગયેલી. ઠેઠ મહારાજા સુધી બધી વાત પહોંચી ગયેલી. કેટલાંયે પોકળો ખુલ્લાં પડેલાં. સંખ્યાબંધ લાંચિયા ન્યાયાધિકારીઓ પદભ્રષ્ટ થયેલા. પણ એ વાત વળી કોઈ બીજે પ્રસંગે કરીશું. એ બનાવનું એક ખાસ પરિણામ એ આવ્યું કે સેનાપતિપદ ઉપરાંત મુખ્ય ન્યાયાધિકારીનું પદ પણ બંધુલને સોંપાયું. તેની લોકપ્રિયતામાં નવો જુવાળ આવ્યો.

હાથમાં ધરાઈ જાય એટલી સત્તા, મોંમાગી લોકપ્રિયતા. સ્ત્રીનું પૂરું સુખ. પુત્રો પણ અનેક થયેલા ને બધા પાછા બંધુલ જેવા સમર્થ ને સાહસી. આમ બંધુલ જીવનની ધન્યતા પૂર્ણકળાએ અનુભવી રહ્યો હતો.

પણ ચડતીપડતીની ઘટમાળમાંથી કોણ બચ્યું છે? ને બંધુલનાં ઐશ્વર્ય ને સુખ એટલાં વધી ગયેલાં કે સ્વયં વિધાતાને પણ તેની અદેખાઈ આવે. તો પછી પેલા પદભ્રષ્ટ થયેલા લાંચિયા અધિકારીઓ ઈર્ષ્યાથી બળે તેમાં શું અચરજ?

પદભ્રષ્ટ અધિકારીઓએ બંધુલની વિરુદ્ધ રાજાના કાન ભંભેરવાનો એક પણ પ્રસંગ જવા ન દીધો. રાજાને ભરમાવ્યો કે સર્વાધિકારી જેવો થઈ પડેલો બંધુલ કયે દિવસે તમારું સંહાિસન પણ ખૂંચવી લેશે તેનું કાંઈ કહેવાય નહીં. અને એ દુણાયેલા અધિકારીઓને રાજા વિરુદ્ધના બંધુલે ગોઠવેલા કાવતરાની આછીપાતળી ગંધ પણ આવવા લાગી. વાત વહેમી રાજાને ગળે ઊતરી ગઈ. તેણે બંધુલનો અને તેના પુત્રોનો ઘાટ ઘડી નાખવાની ગોઠવણ કરી.

ગુપ્ત રીતે પોતાના માણસો મોકલી રાજાએ સીમાડાના પ્રાંતોમાં એક બળવા જેવું કરાવ્યું, ને બંધુલને તે બળવો તરત દબાવી દેવાની આજ્ઞા દીધી. પુત્રો સહિત બંધુલ ઊપડ્યો. સાથે રાજાએ પોતાના વિશ્વાસુ માણસો મોકલ્યા ને તેમને સૂચના દીધી કે લાગ આવે ત્યારે બંધુલ અને તેના પુત્રોનું કાસળ કાઢી નાખવું.

બંધુલે જઈને સીમાપ્રદેશના લોકોમાં ફરી શાંતિ સ્થાપી — જો કે ચળવળિયાઓ તો રાજાનો ગુપ્ત સંદેશો મળતાં નાસી છૂટેલા. બધી રીતે વ્યવસ્થા કરી બંધુલ પાછો ફર્યો. પણ શ્રાવસ્તી થોડે દૂર રહી ત્યાં લાગ મળતાં તેને તેમ જ તેમના પુત્રોને રાજપુરુષોએ રહેંસી નાખ્યા.

આ વજ્રપાત સમી ઘટનાના સમાચાર મલ્લિકાને પહોંચાડવા બંધુલના એક વિશ્વાસુએ અનુચર દોડાવ્યો.

જે દિવસે આ ઘટના બની તે દિવસે જ મલ્લિકાને ત્યાં પાંચસો ભિક્ષુઓ અને તથાગતના એક પટ્ટશિષ્ય ભોજન લેવાના હતા. નિમંત્રણ આગળથી જ આપી રાખેલું હતું. બધી તૈયારીઓ આગલા દિવસથી થઈ ચૂકી હતી. દિવસનો એક પહોર ચડ્યો ત્યાં અનુચર સંદેશો લઈને આવી પહોંચ્યો. મલ્લિકાએ પત્ર ઉઘાડી વાંચ્યો. તેના હૃદયની ગતિ જાણે કે થંભી ગઈ. અંધારાં આવ્યાં. બાજુની થાંભલીનો જેમતેમ ટેકો લઈ નિર્જીવવત્ તે ઊભી રહી.

ક્ષણો વીતી ગઈ. જડતા ખંખેરી એક પણ અક્ષર બોલ્યા વિના તેણે પત્ર કટિવસ્ત્રની ઓટીમાં ચડાવ્યો. ધીમી પણ દૃઢ ગતિએ તે અંદર ગઈ અને પૂર્વવત્ વ્યવસ્થામાં લાગી ગઈ.

સમય થતાં નિમંત્રિત ભિક્ષુઓ આવી પહોંચ્યા. સૌનો આદરસત્કાર થયો. યોગ્ય આસન અપાયાં. ભાત પીરસાઈ ગયો, એટલે ઘી પીરસવાનું શરૂ થયું. એક અનુચર ઘૃતપાત્ર લઈને આવતો હતો, ત્યાં સહેજ ઉતાવળમાં તે બીજાની સાથે અથડાયો ને એ સ્થવિરોના આચાર્યની સામે જ તેના હાથમાંનું પાત્ર પડી જઈ ટુકડે ટુકડા થઈ ગયું.

મલ્લિકાને પાત્ર ભાંગી ગયું તે સાલશે ને તે ઉગ્ર થઈ, અનુચરને બેચાર કડવાં વચન કહેશે એમ સમજી આચાર્ય બોલ્યા, ‘હશે. જેનો ફૂટવાનો ધર્મ હતો એ ફૂટી ગયું. એથી તમે મનમાં કશું ન લાવશો.’

ને આચાર્યના કહેવાનો ધ્વનિ મલ્લિકાએ તરત પકડ્યો. હૃદય ગમે તેમ કરી દૃઢ રાખીને તે આ પ્રસંગ પાર પાડી રહી હતી. તેના મનની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેમાં આ શબ્દોએ તેને તીવ આઘાત પહોંચાડ્યો. કાંપતે હાથે તેણે વસ્ત્રની ઓટીમાંથી પેલો પત્ર કાઢી આચાર્ય સામે ધરતાં ધીમા સ્વરે કહ્યું, ‘ભદંત! આ સમાચાર આવતાં પણ મેં એક શબ્દેય નથી ઉચ્ચાર્યો, તો એક અમસ્તું ઘીનું પાત્ર ફૂટી જવાથી હું શું મનમાં લગાડવાની હતી?’

આચાર્યે પત્ર વાંચ્યો. શોકસમાચાર પ્રગટ કર્યા. મલ્લિકાની ધૃતિની પ્રશંસા કરી. તેમણે પ્રસંગને યોગ્ય ધર્મદેશનાનાં વચનો કહ્યાં. ભોજનપ્રસંગ સમાપ્ત થયો.

મલ્લિકાએ પુત્રવધૂઓને બોલાવી કહ્યું, ‘તમારા પતિ નિર્દોષ હતા, પણ તેમને તેમનાં પૂર્વકર્મનું ફળ મળ્યું છે. તો શોક ન કરશો, કે રાજાનું કૂડું ઇચ્છી, રાજાએ કર્યું તેથી પણ વધી જાય તેવું માનસિક પાપ ન કરશો.’

મલ્લિકાની આવી જ્ઞાન દૃષ્ટિ ને ક્ષમાશીલતાની જાણ થતાં રાજાને પણ પોતાના દુષ્કૃત્ય માટે અનુતાપ થયો. તે મલ્લિકાને ત્યાં ગયો, તેની ક્ષમા માગી, તેની ઇચ્છા અનુસાર તેને અને તેની પુત્રવધૂઓને પિયર જવાનો પ્રબંધ કરી આપ્યો, અને પોતાને હાથે થયેલો અન્યાય કાંઈક ધોવાય એ દૃષ્ટિ એ બંધુલના જ ભાણેજ દીર્ઘકારાયણને સેનાપતિપદે સ્થાપ્યો.