ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/મહાદાન

From Ekatra Wiki
Revision as of 17:17, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહાદાન

‘રે વારાણસીવાસીઓ! સુણજો, ગંધ ભંડારીનો અદ્ભુત ભોજનવૈભવ જોવાની જેની ઇચ્છા હોય તે આજે બીજા પ્રહરને અંતે તેના મહાલય આગળ આવીને ખુશીથી જુએ.’

પોતાને ગામડેથી ઇંધણનાં લાકડાં અને એવા બીજા માલનું ગાડું ભરીને મધરાતે નીકળેલા શર્વિલકને આવી પહોંચ્યાને હજી ત્રણચાર ઘડી માંડ થઈ હશે. માલ વેચવા પૂરતું એકાદબે દિવસનું જ રોકાણ હોવાથી, નકામો ખર્ચ બચાવવા તે પોતાના મિત્ર ગોવિંદને ત્યાં ઊતર્યાે હતો. તે આવ્યો ત્યારે જ કોઈ મહોત્સવ હોય તેવી રીતે શણગારાયેલી વારાણસીનગરીએ તેનું ધ્યાન ખેંચ્યું જ હતું. ત્યાં તો દાંડી પીટીને કરાતી ઉપરની ઘોષણા તેણે સાંભળી.

‘શું છે ભાઈ, વારાણસીમાં આ બધી ધમાલ?’ તેણે મિત્રને પૂછ્યું.

‘અરે, હા! આજે પૂનમ થઈ ખરું ને? ગંધ ભંડારીનો ભોજનવૈભવ તેં કદી નથી જોયો? પણ ઘણા વખતે તું આવ્યો એટલે તને ક્યાંથી ખબર હોય? એ તો અમારી વારાણસીનું એક આશ્ચર્ય છે!’

‘શું છે, વાત તો કર.’

‘ગંધ ભંડારીની તો આખી વાત કરવા જેવી છે. જીવતરનો આનંદ ખરેખર એ જ માણી રહ્યો છે. સાંભળ, હું માંડીને જ વાત કરું. આ ગંધ ભંડારીનો બાપ શ્રીપાલ ભંડારી હજી ગયે વરસે જ મરી ગયો. રાજ્યનો એ મુખ્ય ભંડારી હતો અને રાજકૃપા પણ એના પર સારી, શ્રીપાલનું મોત થતાં રાજાએ તેના યુવાન પુત્ર ગંધને બોલાવી આશ્વાસનનાં બે વેણ કહ્યાં ને સમ્માનપૂર્વક તેના બાપની પદવી તેને આપી.

‘વંશપરંપરાગત સ્થાનનો પોતે અધિકારી થયાથી ધન્યતા અનુભવતો ગંધ ભંડારી પોતાને આવાસે પાછો ફર્યો, ત્યારે તેના ભંડારપાલે બધા ભંડારો એક વાર જોઈ લેવાનું તેને કહ્યું, પોતે કેટલી સમૃદ્ધિનો સ્વામી છે તે ચોક્કસ જાણવાનો ગંધને માટે એ પહેલો પ્રસંગ. ભંડારપાલ તો એક પછી એક નિધિ બતાવતો ગયો — આ તમારા પિતાએ એકઠું કરેલું દ્રવ્ય; પેલો સંચય તમારા પિતામહે કરેલો; આ તરફ પડ્યા છે તે બધા નિધિ તમારા વડવાઓનું ઉપાર્જન.’

‘ધનના ચરુઓ પર ચરુઓમાં ભરેલી અઢળક લક્ષ્મી જોઈને ગંધ તો, ભાઈ! આભો જ થઈ ગયો. આટલું બધું દ્રવ્ય!

‘મહાન પ્રયત્નો વડે મેળવેલા આ નિધિઓ છોડીછોડીને સૌ ચાલ્યા ગયા? એક જણ પણ ધનભંડાર સાથે ન લઈ ગયો!’ તેના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા. એટલે તેનો ભંડારપાલ સહેજ હસીને બોલ્યો, ‘સ્વામિન્! આપ પણ કેવી વાત કરો છો? અઢાર કોટિ દ્રવ્ય હોય તોયે, દેહ છોડીને જનાર તો પોતાની સાથે માત્ર બે જ વાનાં લઈ જાય છે: પોતે કરેલાં સત્કૃત્ય અને દુષ્કૃત્ય.’ ગંધ કહે, ‘પણ તો લક્ષ્મીનો આટલો સંઘરો કરવો ને પછી બધું છોડીને ચાલ્યા જવું એનાથી મોટી મૂર્ખાઈ કઈ? મારે એવી મૂર્ખતા નથી જ કરવી.’

‘પણ ગંધ હતો ખરેખરો રસિક. તેને થયું કે જીવનમાં અન્નથી વધીને બીજું કશું નથી. આખી લોકયાત્રા અન્નથી જ ચાલે છે. ને ભાઈ! વાત પણ ક્યાં ખોટી છે? આ તું ને હું ત્રણ સો ને સાઠેય દિવસ દોડાદોડ કરીએ છીએ તે શેને માટે? ખાવા માટે સ્તો.

‘એટલે ગંધ ભંડારીએ ભોજનને પૂરા ઠાઠમાઠથી માણવાનું નક્કી કર્યું. નિષ્ણાત કારીગરોને બોલાવી એક લાખ સુવર્ણના ખરચે તેણે પારદર્શક સ્ફ્ટિકનું અદ્ભુત સ્નાનગૃહ બંધાવ્યું. ભોજનખંડમાં એક ભપકાબંધ ઝાકળમાળ મંડપ બંધાવવા પાછળ બીજા એક લાખ નાખ્યા. વારાણસીના કુશળમાં કુશળ મણિકારો ને સુવર્ણકારોને બોલાવી એકએક લાખના ખરચે રત્નજડિત આસન, કલામય કોતરણીવાળો સુવર્ણનો ભોજનથાળ અને તેની સાથે બરોબર શોભી ઊઠે તેવો બાજઠ, એ બધું તૈયાર કરાવ્યું. વળી તેના ભોજનખંડની જે બાજુ રાજમાર્ગ પરના ચોક તરફ છે.’ તેમાં તેણે એક શિલ્પ ને સ્થાપત્યના નમૂનારૂપ ઝરૂખો મુકાવ્યો. દર પૂનમે તે આખી વારાણસીને એક લાખના ખરચે શણગારે છે; તેં હમણાં સાંભળી તેવી ઘોષણા કરાવે છે; ને એમ અપૂર્વ ઠાઠમાઠ ને ભવ્યતાથી ભોજન કરે છે.

‘તેના ભોજનમાં પીરસાતા બિરંજ તો દેવોને પણ દુર્લભ ગણાય છે. તેની સુગંધ એક વાર જેણે લીધી હોય તે જીવનભર ન ભૂલે. એ ચોખાની જાત કઈ, એને પકાવનાર સૂપકારોની કુશળતા કેટલી, તેમાં ભળતાં કેસર, કસ્તૂરી આદિ તેજાના કેટલા — એ બધાંની કલ્પના જ કરવાની. એનું એ એક જ ટંકનું ભોજન એક લાખ સુવર્ણનું અમસ્તું થતું હશે? અરે, એકએક હજાર સુવર્ણ તો એ સવાર-સાંજના નાસ્તા પાછળ વેરી નાખે છે. લક્ષ્મીને ભોગવવાની કળા તો ખરેખર ગંધને જ વરી છે.’

શર્વિલક તો મૂઢ જેવો બની આ બધું સાંભળી રહ્યો હતો. વાત પૂરી થતાં જાણે સ્વપ્નામાંથી જાગ્યો હોય તેમ તે બોલ્યો, ‘ભાઈ ગોવિંદ! આવું જોવાનું મળે એ તો જીવતરનો એક લહાવો ગણાય. હું ખરેખર આજે શુકન જોઈને નીકળ્યો હોઈશ. આપણે ક્યારે જોવા જઈશું?’

‘બસ, હમણાં જમીને ઊપડીએ.’

તૈયાર થઈ બંને જણ ગંધ ભંડારીના મહાલય પાસે પહોંચ્યા.

તમાશાપ્રેમી લોકોનાં ટોળેટોળાં મહાલય આગળ એકઠાં થયાં હતાં. કેટલાંય જણ સાથે માંચી, ખાટ કે વેત્રાસન લઈને આવ્યાં હતાં, જેથી તેના ઉપર ઊભા રહીને બધું બરાબર જોઈ શકાય.

સમય થતાં ગંધ ભંડારીએ સ્ફટિકના સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. જાતજાતનાં સુગંધિત જળથી ભરેલાં સોળ જળપાત્રો ત્યાં પહેલેથી રાખવામાં આવ્યાં હતાં. સ્નાન કરી, વસ્ત્રપરિધાન સજી, ગંધ ભોજનખંડમાં આવ્યો અને વાજિંત્રોના મધુર વૃંદસંગીત તથા નર્તકોના તાલઝંકાર સાથે, તેના શિલ્પમંડિત ઝરૂખાનાં દ્વાર ખૂલ્યાં. આખી મેદની ઉત્કંઠ બની કુતૂહલથી ઊભરાતાં નયને ત્યાં મીટ માંડી રહી હતી. ઝાકઝમાળ મંડળ નીચે મણિમય આસન પર કલામય વસ્ત્રાભરણમાં સજ્જ થયેલો ગંધ ભંડારીનો સુંદર, યુવાન પુષ્ટ દેહ અનેરી છટાથી શોભતો હતો.

મંદમંદ વહી આવતી સૂરલહરી ને નર્તનની ઝંકૃતિ લોકોને મંત્રમુગ્ધ કરી રહી હતી.

તરત જ તેની આગળ બાજઠ મુકાયો. ઉપર સુવર્ણથાળ ગોઠવાઈ ગયો. ગણવેશમાં સજ્જ થયેલા ચપળ સેવકો ભોજનની વાનગીઓ પીરસવા લાગ્યા. જેવી કસ્તૂરીકેસરે બહેકતી બિરંજ પીરસવામાં આવી તેવો જ આસપાસનો પ્રદેશ સુવાસથી મઘમઘી ઊઠ્યો. કૈંક પ્રેક્ષકો તો આ સોડમના આસ્વાદથી જ તૃપ્તિ અનુભવી રહ્યા. ‘ધન્ય છે’ ‘ધન્ય છે’ના પ્રશંસાઉદ્ગારો પ્રેક્ષકોમાંથી આપોઆપ ઊઠવા લાગ્યા.

ઊઘડી ગયેલાં મોંએ ને એકીટશે ગામડિયો શર્વિલક આ આખું દૃશ્ય નિહાળી રહ્યો હતો, પી રહ્યો હતો. આવો વૈભવ જોઈ તેની ઇન્દ્રિયો કામ કરતી જાણે કે અટકી ગઈ હતી. મીઠા ભાતનો મઘમઘાટ તેના મગજને તર કરી રહ્યો હતો. આહાહા! આવા ભોજનનો ખાનાર કેટલો ભાગ્યશાળી! આટલે દૂર જેની મીઠી મીઠી મોહક સુગંધ પહોંચે છે એ ભાતનો સ્વાદ તો કોણ જાણે કેવો અદ્ભુત હશે? એક વાર પણ આવું ખાવા મળે તો તો જીવતર સફળ થઈ જાય ને! અરે એક કોળિયો પણ ચાખવા મળે તો...

તેની આખી ઉપભોગવૃત્તિ જાણે કે તેની જીભમાં આવીને વસી. તેના ચિત્તનો એકેએક તાર ગંધ ભંડારીના થાળમાં રહેલા દેવદુર્લભ ભાતને ઝંખી રહ્યો.

શર્વિલકે ગોવિંદને કહ્યું, ‘ભાઈ ગોવિંદ! મને ગંધ ભંડારીના ભાણામાં રહેલી બિરંજ ચાખવાનું એવું મન થયું છે!’

‘લ્યો! સાંભળો! તારું ખસી તો નથી ગયું ને! એવું ઘેલું મન કર્યે શું વળે? એ ભાતનો એક દાણો પણ કોઈને મળે ખરો?’

‘પણ ભાઈ, મને એવું મન થઈ આવ્યું છે, એવું મન થઈ આવ્યું છે કે જો મને એ ચાખવા નહીં મળે તો લાગે છે કે એને માટે વલવલતાં મારો જીવ નીકળી જશે.’

ગોવિંદને લાગ્યું કે આ ગામડિયાને સાચે જ ઘેલું વળગ્યું છે. તેણે તેને ઘણું સમજાવ્યો પણ કશું વળ્યું નહીં. તેનું ઢીલું મોં અને તેનો આર્દ્ર ચહેરો જોતાં ગોવિંદને પણ થયું કે લાલસાએ એ ગમારના મનને એટલું પરાધીન બનાવી દીધું હતું કે વખત છે ને એનો જીવ પણ જાય.

ટોળાની પાછલી હારમાં ઊભેલા ગોવિંદે હતું તેટલું બળ ભેગું કરી, ગંધ ભંડારીને ઉદ્દેશીને ત્રણ વાર બૂમ મારી, ‘રે સ્વામિન્! નમસ્કાર.’

ગંધ ભંડારીએ બૂમ સાંભળી. પૂછ્યું, ‘કોણ છે એ?’

‘હું બોલાવું છું, સ્વામિન્!’

‘શું છે તારે?’

‘અહીં મારી સાથે મારો એક ગામડાનો મિત્ર ઊભો છે. એને આપના થાળમાં રહેલી બિરંજનો સ્વાદ લેવાની ભૂખ ઊપડી છે. કૃપા કરી તેને વધુ નહીં, માત્ર એક કોળિયો જો આપી શકો તો.’

‘નહીં, એ નહીં બને.’

‘લે ભાઈ શર્વિલક, સાંભળ્યું કે તેં?’

‘હા, સાંભળ્યું. પણ થોડોક પણ ભાત ચાખવા મળશે તો જ હું જીવી શકીશ. નહીં તો મારો પ્રાણ ઊડી જશે એ વાત નક્કી.’

મિત્રનું પ્રાણસંકટ જોઈ ફરી ગોવિંદે સાદ કર્યો. ‘સ્વામિન્! આ ગામડિયો કહે છે કે તેને ભાત ચાખવા નહીં મળે તો તેનો જીવ જશે. હું તમને વિનંતી કરું છું. તમે એને બચાવો.’

‘અરે સજ્જન! આ બિરંજના એક કોળિયાનું મૂલ્ય તો સો સુવર્ણ — અરે બસો સુવર્ણ થાય છે એનું તને ભાન છે? ને એમ જેટલા માગે તેટલા બધાને આપવા બેસું તો પછી મારે ખાવા શું રહે?’

‘ખરું, સ્વામિન્! પણ આ તો પ્રાણ બચાવવાની વાત છે.’

‘એ ગમે તે હોય. એમ એને કશું ન અપાય.’ પણ પાછું ગંધ ભંડારીનું મન કાંઈક પલળ્યું અને તે બોલ્યો, ‘સાંભળ! તું કહે છે તેમ જ હોય, ને આ બિરંજનો સ્વાદ લીધા વિના તેના પ્રાણ જાય એવો ભય હોય, તો એમ કર. હું એટલી સગવડ આપું. ત્રણ વરસ મારે ત્યાં એક સેવક તરીકે તે કામ કરે. હું એના કામથી સંતુષ્ટ થાઉં, તો પછી એને મારો આખો ભોજનથાળ આપું.’

આ શબ્દો સાંભળતાની સાથે જ શર્વિલકે શરતનો એક ક્ષણના પણ વિચાર વિના સ્વીકાર કર્યો. ઘરનાં માણસોને એક વાર મળી આવી તે ગંધ ભંડારીને ત્યાં સેવક તરીકે રહી ગયો.

શર્વિલક ત્યાં રહ્યો તેટલા સમયમાં તેને જે જે કામ સોંપવામાં આવ્યું તે તે તેણે કુશળતાથી પાર પાડ્યું. ઘરમાં કે જંગલમાં, દિવસે કે રાત્રે, ગમે તે કામ તેને ભાગે કરવાનું આવ્યું તે તેણે એકનિષ્ઠાથી કર્યું. રજમાત્ર દોષ નીકળે એવો પ્રસંગ કદી પણ ન આવવા દીધો. જેવો ઉત્સાહ, તેવું જ તેનું વશવર્તીપણું; જેવો ખંત, તેવી જ તેની સમજદારી. આ બનાવથી વારાણસીવાળાઓમાં શર્વિલક ‘ભાતસેવક’ નામે જાણીતો થઈ ગયો.

આમ તનતોડ અંગમહેનત કરતાં ત્રણ વરસની મુદત પૂરી થઈ. ભંડારપાલે ગંધ ભંડારી પાસે આવી નિવેદન કર્યું, ‘સ્વામિન્! ભાતસેવકની સેવાની મુદત પૂરી થઈ છે. ત્રણ વરસ આવી રીતે દૃઢપણામાં વિતાવવાં એ ઘણું કઠણ કહેવાય. એને હાથે થયેલા એક પણ કામમાં કશી ખામી કાઢી શકાય તેમ નથી.’

આ સાંભળી ગંધ ભંડારી ઘણો પ્રસન્ન થયો. તેણે ભાતસેવકને સવારસાંજના નાસ્તા માટે ત્રણ હજાર સુવર્ણ આપ્યા, અને એક પોતાની પત્ની ચિંતામણિના અપવાદે, બાકીના પોતાના સર્વ કુટુંબી, આશ્રિતો ને સેવકોને આશા દીધી કે તમારે આજનો દિવસ મારા જેવી જ ભાતસેવકની સેવાશુશ્રૂષા કરવી. વળી, તે દિવસ પૂરતાં તેણે ભાતસેવકને પોતાની વૈભવશાળી વેશભૂષા અને પોતાના અંગસેવકો આદિ પણ સોંપ્યાં.

વારાણસીનગરીને શણગારવામાં આવી. તે દિવસે સવારે દાંડી પીટી ઘોષણા કરવામાં આવી, ‘ભાતસેવકે ત્રણ વરસ ગંધભંડારીને ત્યાં સેવકપણું કરી તેનો ભોજનવૈભવ એક દિવસ માણવાની યોગ્યતા મેળવી છે. જે ઠાઠ ને વૈભવથી તે પોતાનું ભોજન આજે લેશે તે જોવા સૌ લોકો આવે!’

ઘોષણા સાંભળીને વારાણસીવાસીઓનાં પૂરનાં પૂર આ અભૂતપૂર્વ દૃશ્ય જોવાને ઊમટ્યાં. ખાટો, પાટો ને વેત્રાસનોની હારની હાર ખડી થઈ ગઈ. તે ઉપર ચડી ચડી લોકો ગંધ ભંડારીના ભોજન ખંડના ઝરૂખા સામે આંખો ઠેરવી રહ્યાં.

સમય જતાં ભાતસેવક ગંધ ભંડારીના સ્ફટિકમય સ્નાનગૃહમાં જઈ સુવાસિત જળમાં નાહ્યો, તેનાં જ સર્વ વસ્ત્રાભરણથી અલંકૃત થયો. ભોજનખંડમાં આવી તે મહામોઘા આસન પર બેઠો. ઝરૂખાનાં દ્વાર ઊઘડ્યાં. સંગીત ગુંજી ઊઠ્યું, નૃત્યની રુમ્મકઝુમ્મક હવાને આંદોલિત કરી રહી.

ભાતસેવકે પોતાની આસપાસ એક પરમ સંતોષની દૃષ્ટિ નાખી રાજવી ઠાઠ નિહાળી લીધો. વિજયભર્ગ બીજી દૃષ્ટિ વડે તેણે ગોખ બહાર પ્રશંસામુગ્ધ નયને પોતાને નીરખી રહેલા લોકસમુદાયને માપી લીધો.

સેવકોએ આવીને ભોજનથાળમાં બિરંજ પીરસી તેની મોહક સંતર્પક સૌરભ ચોતરફ પ્રસરી રહી — જે સૌરભે તેને તે દિવસે, ત્રણ વરસ પહેલાંના તે દિવસે, ગાંડો કર્યો હતો. ત્રણ વરસ પણ કેવાં? કાળી, અથાક અંગમહેનતનાં, ઊંઘ હરી લે તેવી સાવધાનીનાં. એ બધાંનું ફળ આજે તેની સમક્ષ ઉપસ્થિત થયું હતું. દેવો પણ જેને ઝંખે એવી બિરંજ, તેના ભાણામાં પીરસાઈ ગઈ હતી. આખું વારાણસી તેને, તેના જેવા એક મામૂલી ગામડિયાને જોવા અત્યારે પડાપડી કરી રહ્યું હતું.

કોળિયો લેતાં પહેલાં તેણે ફરી એક દૃષ્ટિ ઝરૂખાની બહાર નાખી. જનસમૂહ તરવરતા કુતૂહલથી તેની સામે જોઈ રહ્યો હતો. નાના ને મોટા, સારા ને રખડુ, લહેરી ને કામઢા, નગરવાસી ને ગામડિયા કૈંક હતાં.

ને લાગણીઓનું તુમુલ અનુભવતા તેના ચિત્તમાં, એક વિચાર ચમક્યો: આ ટોળામાં એવો પણ કોઈક નહીં હોય જેને, પોતાને ત્રણ વરસ પહેલાં જેવી પ્રબળ આંધળી ઇચ્છા થઈ હતી તેવી અત્યારે થતી હોય?

તેની દૃષ્ટિ જરા ઝીણવટથી ટોળામાં ફરી વળી.

ટોળાની વચ્ચે તેણે પીળાં વસ્ત્રમાં સજ્જ થયેલા, ભગવાન બુદ્ધના એક ભિક્ષુને જોયો.

ને નવતર અનુભવો, વિચારો ને ઊમિર્ઓથી ઝણઝણતી થયેલી તેની હૃદયતંત્રી વળી એક નવા સૂરે તરંગિત બની:

આ બિરંજનું ભોજન પૂરું થયું એટલે તેના વૈભવનો પણ અંત આવવાનો — જેને માટે તેણે ત્રણત્રણ વરસ પરસેવો વહેવડાવ્યો, લોહી રેડ્યું. પછી તો તે પહેલાં હતો તેવો ને તેવો આ સૌ ટોળામાંનો એક, લોકો તેને ભૂલી પણ જશે — ‘અરે! કોઈક મૂરખ પણ ગણશે, ને આનાથી એનું માત્ર એક ટંકનું ભોજન નીકળશે. — પછી પાછું એનું એ ગદ્ધાવૈતરું તેને કપાળે ચોંટવાનું. તો શા માટે આ ભોજન પેલા પવિત્ર ભિક્ષુને ભિક્ષામાં આપી ન દેવું? બીજે અવતાર તે વધારે સુખિયો જન્મશે ને લોકોમાં પણ ડંકો વાગી જશે.

તો આપી દેવું?

ને એક પણ કોળિયો લીધા વિના, સૌના અચંબા વચ્ચે પીરસેલા થાળ પરથી તે ઊઠ્યો. ભોજનથાળ હાથમાં લઈ બહાર આવ્યો, ને શું બની રહ્યું છે તેની ઊંચાનીચા થતા ટોળાને કશી ગમ પડે તેટલામાં તો તેણે ટોળામાં રહેલા ભિક્ષુ પાસે જઈ, પ્રણામ કરી તેના ભિક્ષાપાત્રમાં બિરંજ ઠાલવી દીધી!

અરધું અન્ન ભિક્ષાપાત્રમાં પડ્યા પછી ભિક્ષુએ પાત્ર હાથ વતી ઢાંકી દીધું.

ભાતસેવક કંપતા આર્દ્ર સ્વરે બોલ્યો, ‘ભદંત! એમ તો અધૂરું દાન થયું, મારી પુણ્ય કમાવાની ભાવના પૂરી કરવા દ્યો. પોતા માટે જરા પણ રાખવાની મારી ઇચ્છા નથી.’

ને એમ એણે બધો ભાત ભિક્ષામાં દઈ દીધો!

‘ભદ્ર! તારી બધી મનોકામના પરિપૂર્ણ થાઓ!’ ભિક્ષુએ આશિષ દીધી.

પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ અને ધન્યવાદની બૂમોથી આખું વાતાવરણ ભરાઈ ગયું.

કાન ફાડી નાખે તેવો કોલાહલ સાંભળતાં ગંધ ભંડારીને થયું, ‘નક્કી, કાંઈક મોટી ધમાલ થઈ ગઈ. ભાતસેવક મેં આપેલા વૈભવ ને ઠાઠ ગૌરવથી ભોગવી ન શક્યો. છેવટે તો ગમાર ને! મહેનત કર્યે શ્રીમંતાઈ મળે, ગર્ભશ્રીમંતાઈનું ગૌરવ નહીં. લોકો તેની હાંસીઠઠ્ઠા ઉડાવતાં લાગે છે.

તેણે તપાસ કરવા લોકો દોડાવ્યા. સેવકો તપાસ કરી જે સમાચાર લાવ્યા તે ગંધ ભંડારી સાનંદાશ્ચર્ય સાંભળી રહ્યો.

‘ધન્ય, ભાતસેવક! ધન્ય છે!’ તેના મુખમાંથી પણ ઉદ્ગાર સરી પડ્યા. ‘ત્રણત્રણ વરસની તનતોડ સેવાના અમોઘ ફળનું તેં ક્ષણમાં દાન કરી દીધું. ને આ અઢળક સમૃદ્ધિનો સ્વામી હું એક કોળિયો પણ કોઈને કદી આપી ન શક્યો!’

તેણે ભાતસેવકને બોલાવી તેને મોઢેથી બધી વાત સાંભળી. તેના પ્રત્યે તેનો ભાવ ઊભરાઈ ઊઠ્યો. ત્યાં ને ત્યાં પોતાની સંપત્તિનો અરધો ભાગ તેણે ભાતસેવકને ભેટ આપી દીધો.

વારાણસીના રાજાને આ બનાવની જાણ થતાં તેણે પણ ભાતસેવકને મળવા બોલાવ્યો ને ભંડારીને પદે નીમી તેનું બહુમાન કર્યું.

ત્યારથી ગંધ ભંડારી અને ભાતસેવક ભંડારી ગાઢ મિત્રો બની રહ્યા.