ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અગડદત્તનો શ્યામદત્તા સાથે પરિચય


અગડદત્તનો શ્યામદત્તા સાથે પરિચય

પછી એક વાર હું મારા ગુરુના ઘરની વૃક્ષવાટિકામાં જઈને અભ્યાસ કરવા લાગ્યો. મારા ગુરુના ઘરના પડોશના ઘરમાં રહેતી એક સુન્દર તરુણી મને દરરોજ ફળ તથા પાંદડાં, પુષ્પ અને પુષ્પની માળાઓ વડે તથા ઢેફાંઓ વડે પ્રહાર કરતી હતી. પરન્તુ હું ગુરુના ભયને લીધે તથા વિદ્યાભ્યાસના લોભને લીધે, ઇચ્છા હોવા છતાં, તેના પ્રત્યે અનુરાગ દર્શાવતો નહોતો.

આમ કેટલાક દિવસો વીતી ગયા બાદ એક વાર હું અભ્યાસ કરતો હતો ત્યારે એ જ વૃક્ષવાટિકામાં લાંબાં અને લટકતાં લીલાં અને રાતાં પલ્લવોવાળા, કુસુમના ભારથી જેની આગલી ડાળીઓ નમેલી હતી એવા, ભ્રમર અને મધમાખોના સમૂહના મધુર ગુંજારવથી જેનાં કોટરો શબ્દાયમાન હતાં એવા રક્ત અશોક વૃક્ષની નીચે ડાબા હાથ વડે એક શાખાનું અવલંબન કરીને અને એક સહેજ ઊંચો કરેલો પગ વૃક્ષના થડ ઉપર મૂકીને ઊભેલી તથા સારભૂત નવયૌવનમાં રહેલી તે તરુણીને મેં જોઈ. નવા શિરીષના સુંદર પુષ્પ સમાન રંગવાળા અને સોનાના કૂર્મ જેવા ઘાટીલા પગવાળી, અત્યંત વિભ્રમ (વિલાસ)થી ચકિત કરે એવાં અને કેળના સ્તંભ જેવાં ઊરુયુગલવાળી, મોટી નદીના પુલિનના સ્પર્શ જેવી સુંવાળી જંઘાવાળી, ફાડેલા રક્તાંશુકના મધ્યભાગની લાલિમા જેવું અત્યંત લાલ વસ્ત્ર જેણે પહેર્યું છે એવી, હંસોના સમૂહ જેવો શબ્દ કરતી કટિમેખલાવાળી, ઇષત્ રોમરાજિવાળી, કામ અને રતિના જેવાં (અથવા કામવાસનાની વૃદ્ધિ કરનારાં), ઉરતટની શોભા વધારનારાં, પરસ્પર સંઘર્ષ થવા છતાં સજ્જનની મૈત્રીની જેમ વૃદ્ધિ પામતાં તથા જેમની વચ્ચે અંતર નથી એવાં સ્તનોવાળી તથા રોમયુક્ત બાહુલતાવાળી, રાતી હથેળીવાળા, કોમળ, જેમાં ઘણી રેખાઓ નથી એવા, ક્રમપૂર્વક ગોળ તથા ઘાટીલી આંગળીઓ તથા લાલ નખ વડે યુક્ત એવા અગ્રહસ્તવાળી, ઘણા લાંબા નહીં એવા લાલ હોઠવાળી, ક્રમયુક્ત, શુદ્ધ અને સુંદર દંતપંક્તિવાળી, રક્ત કમળના પત્ર જેવી જીભવાળી, ઉત્તમ અને ઉન્નત નાસિકાવાળી, પોશમાં સમાય એવી, લાંબી, નીલ કમળના પત્ર જેવી આંખોવાળી, સંગત ભ્રૂકુટિવાળી, પાંચમના ચંદ્ર સમાન લલાટપટ્ટવાળી તથા કાજળ અને ભ્રમરોના સમૂહ જેવા કાળા, મૃદુ, વિશદ અને જેમાંથી સુગંધ નીકળે છે એવાં સર્વ કુસુમો વડે સુવાસિત અને શોભતા કેશપાશવાળી, સર્વે અંગ-ઉપાંગોમાં પ્રશસ્ત અને અવિતૃષ્ણ રીતે દર્શન કરવા લાયક તે સુંદરીને મેં જોઈ.

મેં વિચાર કર્યો કે, ‘શું આ કોઈ આ ભવનની દેવતા હશે? કે માનવ સ્ત્રી હશે?’ પછી મેં ધ્યાનપૂર્વક જોયું કે એનાં નયન નિમેષોન્મેષ કરે છે, અને એથી જાણ્યું કે આ દેવતા નથી, પણ માનવી છે. પછી મેં એને પૂછ્યું કે, ‘ભદ્રે! તું કોણ છે? કોની છે? અને ક્યાંથી આવે છે?’ ત્યારે તેણે સ્મિતહાસ્ય વડે રૂપસુંદર અને શુદ્ધ દંતપંક્તિ બતાવતાં અને ડાબા પગના અંગૂઠાથી ભૂમિ ખોતરતાં જવાબ આપ્યો કે, ‘આર્યપુત્ર! આ પાડોશના ભવનના ગૃહપતિ યક્ષદત્તની પુત્રી હું શ્યામદત્તા નામે છું. ઘણા સમયથી મેં તમને અભ્યાસ કરતા જોયા છે, અને જોતાં વેંત તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે. કામદેવના શરપ્રહારથી દુઃખ પામતા હૃદયવાળી અશરણ એવી હું તે સમયથી માંડીને શાન્તિ નહીં પામતી તમારે શરણે આવી છું. મારા સમાગમની તમે અવજ્ઞા ન કરશો. તમારા વડે અવજ્ઞા પામતાં તમારા વિરહથી દુઃખી થઈને હું ક્ષણમાત્ર પણ જીવી શકીશ નહીં.’ આમ કહીને તે મારે પગે પડી. મેં તેને ઉઠાડીને કહ્યું, ‘સુતનુ! એમ કરવામાં અવિનય અને અપયશ બન્ને થાય તેમ છે. ગુરુના ઘેર રહીને વિનયનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.’ એટલે એણે મને ફરીથી કહ્યું, ‘ભર્તૃદારક! જે સ્ત્રી અથવા પુરુષ કુળમાં અથવા શીલમાં કલંક ન આવે તેવી રીતે વર્તે છે તે કામી ગણાતાં નથી.’ મેં કહ્યું, ‘ભલે, પણ મારા શરીરના અને જીવનના સોગન આપીને કહું છું કે થોડા દિવસ રાહ જો. ત્યાં સુધીમાં ઉજ્જયિની પાછા જવાનો ઉપાય હું વિચારી રાખીશ.’ આ પ્રમાણે ઘણા સોગન આપીને તેને સમજાવી, એટલે તે પોતાને ઘેર ગઈ. કામદેવ વડે શોસાતા શરીરવાળો હું પણ તેના એ રૂપના અતિશયને હૃદયમાં ધારણ કરતો, મનમાં તેનું જ ચિંતન કરતો અને તેના સમાગમના ઉપાય વિચારતો જેમ તેમ કરીને દિવસો ગાળવા લાગ્યો, તથા ગુરુની લજ્જાથી મારા અનાચારને છુપાવતો રહેવા લાગ્યો.

પછી જેની વિદ્યા સિદ્ધ થઈ છે એવો હું એક વાર ગુરુની અનુજ્ઞા લઈને મારી કુશળતા બતાવવા માટે રાજદરબારમાં ગયો. ત્યાં મેં તલવાર અને ઢાલનું ગ્રહણ, હાથીને ખેલાવવા, ભ્રમંત ચક્ર, ગત્યંતર ગત૧ ઇત્યાદિ બધી વિદ્યા યોગ્ય રીતે બતાવી. બધા પ્રેક્ષકોનું વિસ્મયથી હૃદય હરાઈ ગયું, અને મારા શિક્ષાગુણોની તથા મારા ગુરુની તેઓ પ્રશંસા કરવા લાગ્યા. પરન્તુ રાજા તો ‘આમાં કંઈ આશ્ચર્ય નથી’ એમ કહીને જરાય વિસ્મય પામ્યો નહીં, પણ તેણે મને કહ્યું, ‘બોલ, તને શું આપું?’ મેં તેને વિનંતી કરી, ‘સ્વામી! આપ મને શાબાશી આપતા નથી, પછી બીજા દાનનું મારે શું કામ છે?’ ત્યારે એ રાજા કહેવા લાગ્યો કે, ‘તારી શિક્ષા-વિદ્યામાં શું છે? મારી શિક્ષા તું ધ્યાનપૂર્વક સાંભળ. આ જ નગરમાં સિંહલીનો પુત્ર નંદન (અથવા આનંદ) નામે હતો.’

આમ કહીને તે પોતાનો પૂર્વભવ કહેવા લાગ્યો, ‘સાંભળ, દેવાનુપ્રિય!’