ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ઋષિદત્તા અને એણીપુત્રનો કથાસંબંધ

From Ekatra Wiki
Revision as of 12:42, 14 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઋષિદત્તા અને એણીપુત્રનો કથાસંબંધ

પછી ઉદકબિન્દુ આદિ તાપસો બિલ્વ આદિ ફળો લઈને શુનકચ્છેદ ઉપાધ્યાયને નિમિત્તે ત્યાં આવ્યા. તેઓએ રાજા અમોઘરિપુને ફળોની ભેટ ધરી અને વિનંતી કરી કે, ‘દેવ! રંગમંડપમાં નૃત્ય કરતી કામપતાકાને જોઈને શુનકચ્છેદ ઉપાધ્યાય બિમાર થયો છે. માટે હે દેવ! ધર્મ ગણીને કામપતાકા તેને આપો. જો નહીં આપો તો કામદેવનાં બાણો વડે પીડાયેલો તે પ્રાણત્યાગ કરશે.’ રાજાએ કહ્યું, ‘કામપતાકા તો કુમારને આપી છે; બીજી જે કોઈ ગણિકા તમને ગમતી હશે તે આપી શકાશે’, એટલે તેઓ બોલ્યા, ‘અમારે બીજીનું કામ નથી.’ પછી રાજાએ તેમનો નિષેધ કર્યો, અને ‘અહીં વિશ્રામ લ્યો’ એમ કહીને તેમને ઉતારો આપ્યો. પછી મોટી ધામધૂમથી યજ્ઞ થયો. દેવી આવી અને તે બિલ્વ આદિ ફળો જોઈને રાજાને કહેવા લાગી, ‘અહો સ્વામી! આ બિલ્વ આદિ ફળો મનોહર, પ્રમાણયુક્ત અને સ્વાદિષ્ટ છે. એ ક્યાંથી આવ્યાં છે? અને તે કોણ લાવ્યું છે?’ પછી રાજાએ તાપસ-ઋષિઓને બોલાવીને તે બિલ્વ આદિ ફળોની ઉત્પત્તિ પૂછી. તેઓમાંથી જે ઉદકબિન્દુ નામે તાપસ હતો તેણે રાજાને હરિવંશની ઉત્પત્તિ કહી અને જણાવ્યું કે, ‘તેમનાં (હરિવર્ષમાંથી લાવવામાં આવેલાં) વૃક્ષોની પ્રસૂતિ તે આ ફળો છે.’ પછી કામપતાકા કન્યાની સાથે કુમારનું લગ્ન થયું. પછી દેવીએ રાજાને કહ્યું, ‘સ્વામી! જ્યાં આ બિલ્વ આદિ ફળો હોય ત્યાં જઈએ.’ પછી વસુમિત્ર અને સુષેણ અમાત્યોએ વારવા છતાં દેવીના ખોટા આગ્રહને કારણે રાજા ચંપાનગરી ગયો, અને ત્યાં જ ઉદ્યાનમાં રહ્યો. ત્યાં ચંડકૌશિક નામે કુલપતિ હતો. દેવીએ અને રાજાના સૈન્યે પુષ્પ અને ફળને માટે તે આખું ઉદ્યાન લૂંટ્યું અને તેનો વિનાશ કર્યો. આથી ક્રોધ પામેલા ચંડકૌશિકે રાજાને શાપ આપ્યો કે, ‘દુરાચારી! તેં મારું ઉદ્યાન લૂંટ્યું અને તેનો નાશ કર્યો છે માટે મૈથુનકાળે તારા માથાના સો ટુકડા થઈ જશે અને તું મરણ પામીશ.’ આ સાંભળીને ભય પામેલો રાજા ત્યાંથી નીકળીને નંદનવનમાં ગયો, અને રાજ્યનો ત્યાગ કરીને તેણે તાપસ તરીકેની દીક્ષા લીધી, અને દેવી તથા મંજુલા ધાત્રીની સાથે તપશ્ચર્યા કરવા લાગ્યો.

પછી કોઈ એક વાર રાજાના વલ્કલવસ્ત્રમાં શુક્રપુદ્ગલ આવ્યાં. દેવીએ તે વલ્કલ પહેર્યું. પુદ્ગલ તેની યોનિમાં પ્રવેશ્યાં. તે દેવીએ સમય જતાં પુત્રીને જન્મ આપ્યો. તેનું ઋષિદત્તા નામ પાડવામાં આવ્યું. દેવી, મંજુલા ધાત્રી અને રાજા વનનાં બિલ્વફળો વડે તેનું પાલન કરતા. રાજા પ્રત્યેની અત્યંત આસક્તિપૂર્વક તે સ્ત્રી કાળધર્મ પામી. ઉછરેલ ઋષિદત્તા યુવાવસ્થામાં આવી અને અતીવ રૂપથી સુરૂપ થઈ, કોઈ એક વાર શાન્તવેગ અને પ્રશાન્તવેગ નામના બે આકાશચારી અણગારો તે આશ્રમમાં આવ્યા. તેઓ તે આશ્રમમાં રાજાને અને બાલિકાને ધર્મ કહેવા લાગ્યા. તેમની પાસે ધર્મ સાંભળીને ઋષિદત્તા શ્રાવિકા થઈ.

જેના હાથમાં ઢાલ-તલવાર છે એવો પુરુષ તે આશ્રમમાં એક વાર આવ્યો. એની પાછળ સૈન્ય આવ્યું. તે રાજાને પગે પડ્યો. રાજાએ પૂછ્યું, ‘તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?’ એટલે તે બોલ્યો, ‘હું શતાયુધ રાજાનો પુત્ર શિલાયુધ નામે છું, અને ચારુમતી દેવીનો (અમોઘરિપુની પત્ની) ભત્રીજો અને તમારો ભાણેજ છું.’ તે સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ તેને ઋષિદત્તા આપી. પછી તે ઋષિદત્તાની સાથે તેનું લગ્ન થયું.

અન્યદા તે ઋષિદત્તાને ઋતુકાળમાં ગર્ભ રહ્યો. તે શિલાયુધકુમાર પણ કેટલાક દિવસ પછી ગયો. ઋષિદત્તાનો ગર્ભ વધવા લાગ્યો. વિષફળનો આહાર કરવાથી મંજુલિકા મરણ પામી. ઋષિદત્તાએ પણ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. પ્રસૂતિ થતાં વેંત જ સુવારોગથી તે મરણ પામી. આથી તેનો પિતા મૂર્ચ્છા પામ્યો. થોડી વાર પછી ભાનમાં આવતાં બન્ને હથેળીઓ વડે કુમારને લઈ, ખોળામાં મૂકી કરુણ આક્રન્દ કરતો તે વિચાર કરવા લાગ્યો; ‘આને હું કેવી રીતે જિવાડીશ?’ એમ કહી આંસુ સારતો એકાકી એવો તે કરુણ વિલાપ કરવા લાગ્યો. પછી તે ઋષિદત્તા વ્યંતરી થઈ. તેણે મૃગીનું રૂપ કર્યું. તેની સાથે એક નાની મૃગલી હતી. બે કાળા કૂતરાઓની સાથે સમૂહમાં ભમતી તે મઠના આંગણામાં આવી. એક મૃગીએ છોકરાને લીધો, બીજી મઠમાં ગઈ; પછી પોતાની જીભ વડે બાળકને ચાટતી તે વદન આગળ સ્તન રાખીને ઊભી રહી. આ જોઈને રાજા શાન્તિ પામ્યો. આ પ્રમાણે એ મૃગી વારંવાર આવીને દૂધ પાતી હતી. પછી તે બાળક મોટો થયો.

એક વાર સમિધને માટે ગયેલા તેને સર્પ કરડ્યો અને જેને વિષ ચડ્યું છે એવો તે મરવા લાગ્યો. મૃગીએ આવીને તેને જીભથી ચાટ્યો, નિર્વિષ કર્યો અને જિવાડ્યો. હે પુત્ર! જે મૃગી તે હું પૂર્વે ઋષિદત્તા હતી. પછી મેં દિવ્ય દેવીરૂપ ધારણ કરીને તે સર્પની તર્જના કરી અને કહ્યું, ‘ચાંડાલ ચંડકૌશિક! હજી પણ ક્રોધ ત્યજતો નથી?’ એ પ્રમાણે ત્યાં જેને પૂર્વવૈર સ્મરણ કરાવવામાં આવ્યું છે એવો તે સર્પ તે રમ્ય આશ્રમપદમાં અનશન કરીને પોતાની જાતને ખપાવીને થોડા સમયમાં કાળધર્મ પામ્યો. પછી મેરુગિરિના નંદનવનમાં બલકૂટ ઉપર બલ નામના દેવ તરીકે તે આવ્યો.

આ તરફ શ્રાવસ્તી નગરીમાં શતાયુધ રાજા કાળધર્મ પામ્યો. શિલાયુધ રાજા થયો. તે રાજાને મરણ પામેલો જાણીને સર્વે સામંત રાજાઓ સામે થયા. તે શિલાયુધે સૈન્ય અને વાહન સહિત નીકળી તે સર્વેનો પરાજય કર્યો અને તેમને નમાવ્યા. પછી ફરી શ્રાવસ્તીમાં આવીને તે અગ્રોદ્યાનમાં રહ્યો. પછી હું ઋષિદત્તા તાપસીનું રૂપ ધારણ કરીને અરણ્યનાં પુષ્પ-ફળ લઈને રાજાના અગ્રદ્વાર આગળ ઊભી રહી. પછી દ્વારપાળોએ રાજાને નિવેદન કર્યું કે, ‘તાપસી દ્વાર ઉપર ઊભી છે.’ રાજાએ કહ્યું, ‘તે ભલે અંદર આવે.’ પછી ઘણા જનો વડે સંકુલ એવા રાજાના સભામંડપમાં તે તાપસી પુત્રની સાથે પ્રવેશી. સર્વ વર્ણો અને સાધુઓના હિતમાં રત એવા રાજાને તેણે જોયો. પછી અરણ્યનાં પુષ્પ-ફળો વડે રાજાનું અભિનંદન કરીને તે તાપસીએ કહ્યું, ‘રાજન્! આ તારો પુત્ર છે, તારા જ ગાત્રમાંથી ઉદ્ભવેલો છે; તેનો પુત્ર તરીકે સ્વીકાર કર.’ એટલે રાજાએ કહ્યું, ‘લોકોમાં એમ સંભળાય છે કે જે કોઈ આશ્રમોમાં રહે છે તે સર્વે સત્યવાદીઓ હોય છે, પણ તું તો તાપસી હોવા છતાં મિથ્યા બોલે છે. અપુત્ર એવા મને પુત્ર ક્યાંથી?’ એટલે તાપસીએ કહ્યું, ‘દર્પણના મંડપમાંથી જેમ બિંબમાંથી પ્રતિબિંબ થાય છે તેવી રીતે તારી પાસે આવેલા તારા પોતાના પુત્રને પુત્ર તરીકે તું ઓળખતો નથી?’ એટલે રાજા બોલ્યો, ‘તાપસિ! જે પરાયા પુત્રને માટે ‘આ મારો પુત્ર છે’ એમ કહે છે તે પરસ્ત્રીગમનમાં જે દોષો રહેલા છે તે દોષો વડે લેપાય છે. પછી તાપસીએ કહ્યું, ‘કૂકડે કૂક! તને પારકી સ્ત્રીનો દોષ લાગી જાય છે! તારી પોતાની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલો આ તારો જ પુત્ર છે.’ એટલે રાજા બોલ્યો, ‘આ મારો પુત્ર કેવી રીતે? ક્યારે જન્મ્યો? સ્વદારમાં થયો કે પરદારમાં? સત્ય કહે.’ રાજાએ આ પ્રમાણે કહ્યું, એટલે તે તાપસી તે બાળકને રાજાની સમીપમાં મૂકીને ચાલી ગઈ. તે સમયે આકાશવાણી થઈ કે, ‘હે રાજાઓમાં સિંહ સમાન! અમોઘરથનો દૌહિત્ર અને ઋષિદત્તાનો પુત્ર આ તું જ છે (અર્થાત્ આ તારો જ પુત્ર છે.’)

પછી પરિજન સહિત રાજાએ આકાશવાણી સાંભળીને ‘આ મારો પુત્ર થાય છે’ એમ કરી તે બાળકને લઈને ખોળામાં બેસાડ્યો, માથું સૂંઘ્યું અને દંડ-ભટ-ભોજિકોને કહ્યું, ‘આ મારો પુત્ર છે, એનું સંરક્ષણ કરો.’ પછી તેણે પૂછ્યું, ‘તાપસી ક્યાં ગઈ?’ પુરુષોએ કહ્યું, ‘આ જાય.’ રાજા ઊઠીને તેની પાછળ દોડ્યો, અને ‘તે આ રહી, આ રહી’ એમ કરતાં આશ્રમ સુધી ગયો. ત્યાં ઋષિદત્તા (વ્યંતરી)ને જોઈને સંતુષ્ટ અને શાન્ત થયો. પછી તે તાપસી દિવ્ય દેવરૂપ ધારણ કરીને, પ્રભા-સમુદય વડે ઉદ્યોત કરતી, રાજાને અને પોતાના પિતાને ધર્મ કહેવા લાગી.

એ સમયે બલ નામે દેવ ત્યાં આવ્યો. તેણે દેવીને વંદન કરીને કહ્યું, ‘હું અહીં ચંડકૌશિક સર્પ હતો. હે ભગવતિ! તમારા ગુણ વડે કરીને મેં દેવત્વ પ્રાપ્ત કર્યું.’ એમ કહીને ફરી વાર વંદન કરી તે પાછો ગયો. અમોઘરથ રાજા વગેરે બીજાઓ પણ ધર્મને પામ્યા. ધર્મપરાયણ એવા તેમને અષ્ટાપદ પર્વત ઉપર લઈ જઈને દેવીએ શાન્તવેગ તથા પ્રશાન્તવેગ અણગારોને શિષ્ય તરીકે સોંપ્યા. પછી તેઓ સાધુ થયા.

જે પેલો બાળક હતો તે જ આ એણીપુત્ર રાજા. સાગરભિન્નમાં વસતી, જ્વલતપ્રભ (નામના દેવ)ની ભાર્યા હું નાગિની છું.’